ATUL N. CHOTAI

a writer – since 2014


રાજકોટ સિવિલ હોસ્‍પિટલના બાલ સંજીવની કેન્‍દ્ર માં અતિકુપોષિત બાળકોનો કાયાકલ્‍પ થાય છે

રાજકોટની સિવિલ હોસ્‍પિટલના વિવિધ વિભાગો થતા એક… બે… કે ત્રણ નંબરના એવી રીતે નંબરથી વોર્ડ ઓળખાય છે ત્‍યાં આવું ‘‘બાળ સંજીવની કેન્‍દ્ર” નામ ધરાવતો વોર્ડ કંઇક અલગ પડે એટલે સહજ આશ્ચર્ય થાય સામાન્‍ય રીતે સિવિલ હોસ્‍પિટલના કોઇ પણ વોર્ડમાં દર્દીઓના કણસવાના અવાજ કે તેના સગાસંબંધીઓની ચહલ પહલથી વિશેષ કશું સાંભળવા જોવા મળે નહીં તેવા માહોલ વચ્‍ચે તમને આ વોર્ડ બાળકોના મજ્‍જાના કિલ્લોલ સિવાય કશું સાંભળવા મળે નહીં. બાળ સંજીવની કેન્‍દ્ર એટલે જયાં કુપોષણથી પીડાતા બાળકોના પોષણક્ષમ આહારથી કાયાકલ્‍પ થાય છે રાજકોટ ના સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડ સ્‍થિત કે.ટી.ચિલ્‍ડ્રન હોસ્‍પિટલમાં રાજય સરકારના ‘‘મિશન બલમ સુખમ” હેઠળ ૨૦ પથારીની સુવિધા ધરાવતું ‘‘બાલ સંજીવની કેન્‍દ્ર” શરૂ કરવામાં આવ્‍યું છે. તેની અંદર તમે એક લટાર લગાવો તો ત્‍યાંની ચોખ્‍ખાઇ ઉડીને આંખે વળગે ને વળી ખાનગી દવાખાનાને પણ ટક્કર મારે એવો વોર્ડ બાળકોને ત્‍યાં રહેવું ગમે એવો માહોલ દિવાલ પર કાર્ટુન, છત પર શણગાર, આંગણવાડીમાં હોય તેવા બાળકોને રમવા માટેના રમકડાં વળી બાળકની માતાને પણ સાથે રહેવાની સુવિધા ને દરેક માતાને દૈનિક રૂ.૧૦૦ મળે એ તો લટકામાં.. એક માં અને બીજા રમકડાં બાળકોને રાજી રાખવા આથી વિશેષ જોઇએ પણ શું..!!

‘‘બાલ સંજીવની કેન્‍દ્ર” માં કુપોષણ ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવે છે સારવાર એટલે પોષણયુકત જમાડીને સિવિલ હોસ્‍પિટલના બાળકોના રોગના વિભાગમાં કોઇ બાળક માંદગી લઇને આવે તે તબીબને એમ થાય કે રોગનું મૂળ કુપોષણમાં છે એટલે તુરંત વજન કરી તેને ઉંમર સાથે સરખાવી એમને બાલ સંજીવની કેન્‍દ્રમાં દાખલ કરી દેવામાં આવે અહીંથી શરૂથી થાય બાળકોની તંદુરસ્‍તીની સફર બાળકને સવારે સાત વાગ્‍યાથી દર બે કલાકે દૂધ આપવામાં આવે એ ઉપરાંત ૧૦ વાગ્‍યે એનર્જી પ્રોટીન પાવડર આપવામાં આવે આ પાવડર શિંગના દાણાનો ભૂકો, ખાંડ, મિલ્‍ક પાવડર અને ટોપરાના તેલનું મિશ્રણ હોય છે જે બાળકોને ભરપૂર પ્રોટીન પુરૂ પાડે છે. વોર્ડની બાજુમાં જ રસોડું છે ત્‍યાં બાળક માટે આરોગ્‍યપ્રદ વિવિધ પ્રકારના વ્‍યંજનો બને તે પણ લો – કોસ્‍ટ અને બાળકની માતાને આ વ્‍યંજનો કેવી રીતે બને તેનું જ્ઞાન પણ પ્રશિક્ષિત કરવામાં આવે છે દરેક બાળકના વજનનો વ્‍યકિતગત રેકોર્ડ રાખવામાં આવે છે દરરોજ તેની તબિયત ચકાસવામાં આવે છે  સામાન્‍ય રીતે એકવીસ દિવસ સુધી બાળકને રોજ આરોગ્‍યપ્રદ ખોરાક આપવામાં આવે એટલે તેનું વજન ચોક્કસ વધે છે  આટલા દિવસ સુધી માતા પણ તેની સાથે રહે એટલે તેની રોજગારીનું શું..?? એ બાબતનો ખ્‍યાલ રાખીને તેના ગામ સુધી આવવાનું ભાડુ અને રોજના રૂપિયા સો બાળકની માતાને આપવામાં આવે છે ઉપરાંત તેને પણ ભોજન હોસ્‍પિટલમાંથી જ અપાય છે અહીયા બાજુમાં બગીચો બનાવવામાં આવ્‍યો છે અને એમાં વાવેલા સરગવાનો પણ ભોજનમાં ઉપયોગ કરાય છે.

બાળકોના રોગના વિભાગના ડો. યોગેશ પરીખ કહે છે કે આ ‘‘બાલ સંજીવની કેન્‍દ્ર”માં એક પણ દિવસ એવો નથી રહ્યો કે એક બેડ ખાલી હોય બાળકોની સેવા કરવાનું આ અનોખુ માધ્‍યમ છે સપ્‍ટેમ્‍બર – ૨૦૧૨ થી આ કેન્‍દ્ર શરૂ કરવામાં આવ્‍યું છે. તે વર્ષે ૩૮ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવામાં આવ્‍યા હતા વર્ષ ૨૦૧૩ માં ૨૬૬, ૨૦૧૪ માં ૩૬૩, ૨૦૧૫ માં અત્‍યાર સુધીમાં ૧૧૮ બાળકોને અતિકુપોષીત હાલતમાંથી બહાર લાવવામાં આવ્‍યા છે  આ આંકડા રાજય સરકારના લક્ષ્યાંક કરતા બે ગણા છે. સમગ્ર ભારતમાં ગુજરાત કુપોષિત બાળકોની સારવાર કરવામાં નંબર વન છે. કુપોષણની દૃષ્‍ટિએ ગુજરાત નોન હાઇફોકસ કેટેગરીમાં આવે છે. આ કેટેગરીમાં અન્‍ય રાજયો જેવા કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, હરિયાણા, કર્ણાટક, કેરાલા, મહારાષ્‍ટ્ર, તમીલનાડુ અને બંગાળનો સમાવેશ થાય છે તેમાં ગુજરાતે ૨૦૧૨માં ૧૬૫૮૦, ૨૦૧૩માં ૯૨૩૬ અને ૨૦૧૪માં ૯૯૭૧ બાળકોને કુપોષણમાંથી મુકિત અપાવી હતી. આ ત્રણેય વર્ષોમાં ગુજરાત નંબર વન પર રહ્યું છે. રાજકોટની જ વાત કરીએ તો અહીં સારવાર લેવા આવનાર બાળકો પૈકી મોટા ભાગના વંચિત પરિવારના હોય છે. ત્રણ વર્ષ દરમિયાન અનુસૂચિત જાતિના ૨૮૨ અને અનુસૂચિત જનજાતિના ૧૯૪ બાળકોને કુપોષણમાંથી મુકિત અપાવવામાં આવી છે. આ વર્ષોમાં ૪૮ બાળકો તો એવા છે જેમને ૨૧ દિવસ કરતાં વધુ સમય બાલ સંજીવની કેન્‍દ્રમાં રખાયા હતાં એમાંથી કેટલાક તો ભિક્ષુક પરિવારના પણ હતા તેમની ઉતમોતમ સારવાર કરાઇ ઉંમર અને કુપોષણને દૂર – દૂરનો પણ નાતો નથી પરંતુ એક કેસ પરથી આ વાત ખોટી સાબિત થઇ છે. જેમકે એક કેસમાં પાંચ વર્ષના બાળકનું વજન માત્ર ચાર કિલો હતું અને અહીં સારવાર અપાયા બાદ તે અલમસ્‍ત બની ગયું  આ રાજકોટનું ‘‘બાલ સંજીવની કેન્‍દ્ર” કુપોષિત બાળકોનો કાયાકલ્‍પ કરી સમર્થ ભારતના નિર્માણમાં થયા યોગ્‍ય યોગદાન આપી રહ્યું છે.