-નિધિ ભટ્ટ
શિક્ષક એ સમાજની સૌથી જવાબદાર અને અગત્યની વ્યક્તિ ગણાય છે, કારણકે તેમની વિદ્ધતા ફક્ત સમાજની જ નહીં પણ સંપૂર્ણ પૃથ્વીનું ભાવિ બદલી શકવા સક્ષમ ગણાય છે : હેલન ક્લેડિકોટ
હેલન ક્લેડિકોટનું જીવન શિક્ષકે સૂચવેલાં પુસ્તકે બદલી નાખ્યું બાળરોગના નિષ્ણાત ડૉક્ટર બન્યા બાદ પણ તેમણે ધીકતી પ્રેક્ટીસ છોડીને પૃથ્વીને ન્યુક્લિઅર ફ્રી બનાવવા માટેની ઝુંબેશ શરૂ કરી. રેડિયો ઉપર દર સપ્તાહે એક કાર્યક્રમ યોજવાનું નક્કી ર્ક્યું. જેનો મુખ્ય હેતુ હતો તમે પૃથ્વીને ચાહતા હો તો..?? ધરતી અને સમુદ્રમાં સમાયેલી અદભૂત જીવસૃષ્ટિનું રક્ષણ તે જ તેમનું જીવન બની ગયું હતું. ૨૦૦૯માં તેમને નેશનલ વુમન્સ હિસ્ટ્રી પ્રોજેક્ટ તરફથી ખાસ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રકૃતિ અને પર્યાવરણનું જતન જ તેમના જીવનનું ધ્યેય બની ગયું હતું. આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં વ્યાપારીકરણ ફેલાઈ ગયું છે. આ જુવાળ વચ્ચે પણ ભારતમાં એવા અનેક શિક્ષકો છે જે વિદ્યાર્થીઓને પર્યાવરણને પ્રેમ કરતા શીખવે છે.
ભાવનગર કામાણી ઘરશાળાના શિક્ષકની વાત આપણે કરી રહયા છીએ ઘરશાળામાં ભૌતિક વિજ્ઞાનના શિક્ષક દિપકભાઈ જે. પંડ્યા તેમની ફરજ પ્રત્યે સતત જાગૃત રહે છે. દીપકભાઈનું કહેવું છે ભારતમાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિત શીખવાનું નામ પડે એટલે અચાનક બીમારીનો શિકાર બની જતા હોય છે. દીપકભાઈ આ વિદ્યાર્થીઓને પર્યાવરણને પ્રેમ કરવા દરિયાઈ જીવોનો અને દરિયાઈ વનસ્પતિઓનો અભ્યાસ કરાવવા સમુદ્રની સફર પણ કરાવે છે. સમુદ્રના પેટાળમાં છુપાયેલી વિવિધ વનસ્પતિઓને જોઈને બાળકો પણ આશ્ચર્યચકિત બની જાય છે. દીપકભાઈને આ અગાઉ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઍન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ તથા ઈસરો દ્વારા આયોજિત રાષ્ટ્રીય વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની પરિષદમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હતું. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આંધ્ર પ્રદેશના તિરુપતિ ખાતેની શ્રી વ્યંકટેશ્ર્વર યુનિમાં યોજાયેલી ૧૦૪મી ભારતીય વિજ્ઞાન પરિષદમાં તેમનો પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના સમુદ્ર તટે પ્રાપ્ય શેવાળની વિવિધ પ્રજાતિની જૈવ વિવિધતા સંદર્ભે સમુદ્રીય પર્યાવરણ પરની સકારાત્મક અસર પસંદ થયો હતો. ગુજરાતમાંથી પસંદ થયેલા ૫ અને રાષ્ટ્રીય સ્તરે ૧૦૦ સંશોધનોમાં તેમનો સંશોધન પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યો હતો. જે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતીઓ માટે એક ગર્વની વાત છે. તેમના સંશોધનમાં સિનિયર વૈજ્ઞાનિકો ડૉ. એચ.વી. જોશી, ડૉ. સી.આર.કે રેડ્ડી, ડૉ. એમ.આર. ગાંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
ચાલો જાણી લઈએ સમુદ્રીય પર્યાવરણની એક મહત્ત્વની પોષણકડી તેવી શેવાળની અવનવી વાતો. ગુજરાતી ભાષામાં શેવાળની પ્રીત વિશે એક સુંદર લોકગીત જોવા મળે છે. કહેવાય છે કે સાચી પ્રીત શેવાળની જળ ખૂટે જીવ જાય જેમ શેવાળ જ્યાં પાણી હોય ત્યાં રહેવાનું પસંદ કરતી હોય છે તે જ પ્રમાણે શિક્ષક દીપકભાઈ શેવાળની પર્યાવરણમાં ઉપયોગીતા કે સમુદ્રીય જીવસૃષ્ટિ વિશે માહિતી મેળવવા ઉત્સુક વ્યક્તિઓ પાસે તેમના જ્ઞાનનો ભંડાર ખોલી દે છે. દીપકભાઈનું કહેવું છે કે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો શેવાળનું પિયર ગણવામાં આવે છે. શેવાળને સમુદ્રીય પર્યાવરણ વ્યવસ્થાપનની એક મહત્ત્વપૂર્ણ કડી ગણવામાં આવે છે. ટૂંકમાં કહેવું હોય તો સમુદ્રનું કલ્પવૃક્ષ એટલે જ શેવાળ. સૌરાષ્ટ્રનો દરિયાકિનારો પ્રકાશ ઉષ્ણતાઊર્જા યુક્ત છીછરો, અગ્નિકૃત ખડકો ધરાવતો, રેતાળ, સુયોગ્ય તાપમાન સેલીનીટી (ક્ષાર સંકેન્દ્રણ) ના મૂલ્યો ધરાવે છે. શેવાળને વૈજ્ઞાનિક પરિભાષામાં આલ્ગી કહેવામાં આવે છે. સમુદ્રમાં ત્રણ પ્રકારની શેવાળ જોવા મળે છે. ગ્રીન શેવાળ (ક્લોરો ફાયસી), ફીયો ફાયસી (ભૂખરી શેવાળ) તથા રોડો ફાયસી (લાલ શેવાળ). શેવાળ સમુદ્રીય જીવો જેવા કે માછલીઓ, ઝીંગા, કરચલાં માટે શ્રેષ્ઠ ખોરાક ગણાય છે. વળી પરોક્ષ રીતે તે માનવીને પણ પોષણયુક્ત ખોરાક પૂરો પાડે છે. શેવાળમાં મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એમિનો ઍસીડ, નાઈટ્રેટ, ફોસ્ફેટ, કૅલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં પોષકતત્ત્વો જોવા મળે છે.
શેવાળનો ઉપયોગ વિવિધ પ્રકારના ઉત્પાદનોમાં કરવામાં આવે છે. અગર, કેરેઝીનન, આલ્જીનિક, એસીડ, ડાયેટમ્સ વગેરે ખોરાક તરીકે, ઉદ્યોગોમાં જેલી પદાર્થો બનાવવામાં, ટુથપેસ્ટ, પેઈન્ટસ, ડેરી ઉદ્યોગોમાં, દવાઓમાં, કાપડ ઉદ્યોગમાં ડાઈ બનાવવામાં, જૈવિક ખાતર તરીકે, પશુ ખોરાક તરીકે, જૈવિક બળતણ ઉર્જા માટે, સૌંદર્ય પ્રસાધનોમાં, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, કૅન્સર, ડાયાબિટીસ, ગોઈટર જેવા ગંભીર રોગોમાં પણ શેવાળ ઉપયોગી ગણાય છે. સમુદ્રીય જીવો કોચલાઓ (કૉરલ્સ)ના રક્ષણ અને પોષણ માટે, જમીનમાં નાઈટ્રોજન સ્થાપક તરીકે, ફેવિકોલ, વિસ્ફોટકો વગેરે બનાવવામાં પણ શેવાળ અત્યંત ઉપયોગી ગણાય છે. સમુદ્રમાં ઓગળેલા સીઓટુએસઓટુ પ્રદૂષકોને શોષી લઈ ફિલ્ટરેશન તરીકે શેવાળ સમુદ્રીય પર્યાવરણને શુદ્ધ રાખે છે. કેટલાક રસાયણો, ક્ષારો, વિટામિન્સ અને એન્ટિ બાયોટિક્સ ગ્રહણ કરીને સમુદ્રીય પર્યાવરણને પ્રદૂષણમુક્ત બનાવે છે. તેવી અનેક શેવાળના ઉપયોગની માહિતી તેમણે સંશોધન દ્વારા જાણી છે.
દીપકભાઈનું સંશોધન મુખ્યત્વે ભાવનગર જિલ્લામાં ગોપનાથ, મહુવા, ઘોઘા સહિત દ્વારકા, ઓખા, બેટદ્વારકા, દીવ, જાફરાબાદ, પોરબંદર, વેરાવળ, મીઠાપુર, સિક્કા જેવી વિવિધ જગ્યાઓમાં અનેક દિવસો વિતાવીને કરવામાં આવ્યું છે. શેવાળની ૨૦૦થી વધુ પ્રજાતિ મળી આવે છે તેમનું કહેવું છે કે દ્વારકા, ઓખા, બેટદ્વારકા અને દીવને શેવાળનું પિયર ગણવામાં આવે છે. શેવાળને સમુદ્રીય પર્યાવરણને ધબકતું રાખનાર એક મહત્ત્વપૂર્ણ પોષણકડી ગણવામાં આવે છે. સમુદ્રમંથન દ્વારા પ્રાપ્ય ઉત્તમ કલ્પવૃક્ષ છે, તેવું તેમને સંશોધન દ્વારા જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને દરિયામાં ઊગતી પર્યાવરણની પોષણ કડી સમાન શેવાળની અગત્યતા વિશે બાળપણથી જાણકારી આપીને સમુદ્રીય જીવસૃષ્ટિનું જતન કરવું તે જ તેમના જીવનની પ્રાથમિક્તા બની ગઈ છે. આજકાલ વિવિધ એમ્યુઝમેન્ટ પાર્કમાં કે રિસોર્ટમાં સહેલગાહ માટે લઈ જવામાં આવતા વિદ્યાર્થીઓને ક્યારેક સમુદ્રીય જીવસૃષ્ટિની સહેલગાહે લઈ જઈને જાણકારી આપવામાં આવે તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે ભાવિપેઢી પર્યાવરણની રક્ષા માટે જરૂર સજાગ રહેશે.. (મુંબઈ સમાચાર માંથી સાંભાર)