ATUL N. CHOTAI

a Writer


ગુજરાતની એકમાત્ર સૈનિક ગર્લ્સ સ્કૂલ મહેસાણા જિલ્લામાં આવેલી છે

Ladies Army School

Ladies Army School

મહેસાણા જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષથી એક સૈનિક કન્યાશાળા ચાલે છે. આ સ્કુલમાં છોકરીઓને અભ્યાસની સાથે સાથે સેનામાં અપાતી ટ્રેનિંગ પણ અપાય છે. જેનાથી આગળ જઇને આમાં કેરિયર બનાવી શકાય છે. ખેરવામાં આવેલી ગણપત યુનિવર્સીટી કેમ્પસમાં શ્રીમતી એમ. જી. પટેલ સૈનિક સ્કુલ ફોર ગર્લ્સમાં ધો ૬ થી પ્રવેશ લઇ શકાય છે. આમતો આ સ્કુલ સામાન્ય શાળાઓ જેવી છે જ્યાં રૂટિન સ્ટડીની સાથે સાથે ક્રિકેટ, બેડમિંટન, ટેનિસ જેવી રમતોમાં પણ છોકરીઓ ભાગ લે છે પણ જે અભ્યાસ આ શાળાને બીજી સ્કુલોથી જુદી પાડે છે. ટ્રેકિંગ, રોક ક્લાયમ્બિંગ અને પર્વતારોહણ જેવી ગતિવિધિઓ જે આર્મીમાં જવા માટે જરૂરી છે તેની તાલીમ અપાય છે. ગણપત યુનિવર્સીટી ટ્રસ્ટ દ્વારા ૧૯૯૯માં આ સ્કુલ શરૂ કરવા આવી છે. સરકાર તરફથી આ સ્કુલ માટે ફુડ બિલ અને આર્મી ટ્રેનિંગ માટે સહાય આપવામાં આવે છે. અત્યારે ધોરણ ૬ થી ૧૦ સુધીમાં ૨૪૮ જેટલી વિદ્યાર્થીનીઓ અહિંયા શિક્ષણ લઇ રહી છે. વેરાવળ, મહેસાણા, સુરત, નવસારી, જુનાગઢથી પણ અહિંયા છોકરીઓ ભણી રહી છે. સ્કૂલનાં પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર સરકારના નિયમ પ્રમાણે અત્યારે યુવતીઓ ગ્રેજ્યુએશન પછીજ સેનામાં જોડાઇ શકે છે એટલે અહિંયા આર્મીની ટ્રેનિંગ પ્રમાણેજ તમામ ટ્રેનિંગ અપાય છે.

Advertisements


ઝારખંડના પોટકા ગામમાં રસ્તાઓ ને સૌથી વધુ ભણેલી દીકરીઓનાં નામ અપાય છે

potka village jharkhand

potka village jharkhand

સુમિતા ભટ્ટાચાર્ય, બૈસાખી ગોપે, મણિ માલા સિકદાર, સુનીતા ગોપે જેવી છોકરીઓનાં નામ આપણે ભલે કયારેય સાંભળ્‍યાં ન હોય પરંતુ ઝારખંડના સિંઘભુમ જિલ્લાના પોટકા ગામે જાઓ તો તમને આ છોકરીઓનાં નામના રસ્તાઓ દેખાશે. ના તે કોઇ ત્યાંની મહિલા રાજકારણીઓ કે સેલિબ્રિટી નથી બલકે ત્યાંની ભણવામાં એકદમ હોશિયાર દીકરીઓ માત્ર છે. દર અસલ રાંચીથી ૧પ૦ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં દીકરીઓને ભણાવવાનો જબરો મહિમા છે. ૬૦૦ પરિવાર ધરાવતા આ ગામમાં એક પણ હાઇસ્કુલ નથી અને વિદ્યાર્થીઓએ ભણવા માટે હાઇસ્કુલ માટે દરરોજ ૩ કિલોમીટર અને કોલેજ જવા માટે રોજ ૩૦ કિલોમીટર દુર જવું પડે છે. આવું થાય ત્યારે પહેલો ભોગ ગામની દીકરીઓના શિક્ષણનો લેવાઇ જાય આવું ન થાય એટલા માટે ગામના મહિલા મોરચાએ મસ્ત ઉપાય કાઢયો કે જે દીકરીઓ સૌથી વધુ ભણશે તેના નામે ગામના રસ્તાઓ ઓળખાશે. અત્યારે ર૩ વર્ષની થયેલી સુમિતા ભટ્ટાચાર્ય ગામની સૌથી વધુ ભણેલી દીકરી છે ત્યાર પછીની છોકરીઓનાં નામે હવે ગામના રસ્તાઓ ઓળખાય છે. ઇવન સિંઘભુમના ડેપ્યુટી  કમિશનરે પણ આ પગલાને આવકારીને સતાવાર રીતે નામનાં પાટિયાં બનાવવાની મંજુરી આપી દીધી છે.


મારે ફરી એકવાર શાળાએ જવું છે…

Student

Student

મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને ,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી ,
નળ નીચે …હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી… મરચુ મીઠું ભભરાવેલ
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં ,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને ,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં ,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી ,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી ,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં ,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું…
આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો”
અને “અધુરી લાગણીઓ” કરતા “તૂટેલા રમકડા”
અને “અધૂરા હોમવર્ક” સારા હતા..
આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના
કરતા શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું…
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને
જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ
આજે “પીઝા” મા નથી આવતો…

ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવુ છે

(ઇન્ટરનેટ ઉપરથી  મળેલ કવિતા)


ગુજરાતી શોર્ટહેન્ડ લિપીની રચના સુરતના એક પારસીએ કરી હતી

નૌશીરવાન બાપુજી કરંજીયાએ ઇંગ્લીશ શોર્ટહેન્ડમાં લંડનની ઇન્સીટીટયુટમાંથી મેડલ મેળવ્યા બાદ માતૃભાષાનું શોર્ટહેન્ડ બનાવ્યું

Nausirvan Bapuji Karanjiya

Nausirvan Bapuji Karanjiya

સુરત:  હાલમાં નવી જનરેશન ખાસ કરીને ઇંગ્લીશ ભાષા શબ્દો શોર્ટમાં લખતી થઇ ગઇ છે. સોશિયલ મીડિયા તેમજ પર્સનલ મેસેજ ચેટમાં આ ટુંકા શબ્દોવાળી ભાષાનો ઉપયોગ થાય છે આ ભાષા અનઓફિશીયલી ‘નેટ લેંગ્વેજ’ તરીકે જાણીતી છે પણ સીધી સરળ ભાષાનું શોર્ટહેન્ડ નજર સામે હોય તો કરોળીયાનું જાળું વિખેરાઇ ગયેલું પડયું હોય તેમ લાગે છે  જ્યારે ઇન્ટરનેટ નહોતું, ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો ત્યારે શોર્ટહેન્ડની ડિમાન્ડ હતી અને ગુજરાતી શોર્ટહેન્ડની રચના તો સુરતના એક પારસીએ કરી હતી. નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, સોનિયા ગાંધી કે અન્ય રાજનેતા અથવા ધર્મગુરુઓના વ્યાખ્યાનોના શબ્દ – શબ્દ વાક્ય રચનાની ભૂલ વિના વર્તમાન પત્રો કે સામાયિકોમાં આપણે વાંચી શકીએ છીએ. જેનું કારણ ટેકનોલોજી છે. પ્રવચનના રેકોર્ડિંગ બાદ આખું પ્રવચન સાંભળી કે વાંચી શકાય છે. પરંતુ આજથી ત્રણ ચાર દાયકા અગાઉ જ્યારે રેકોર્ડીંગની સુવિધા ન હતી ત્યારે પણ રાજનેતાઓના પ્રવચનોનો સમગ્ર ચિતાર વર્તમાનપત્રોમાં અહેવાલરૃપે જોવા મળતો. જે માટે ખાસ બનાવાયેલી લિપીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે લિપી એટલે  શોર્ટહેન્ડ લિપી તેમાંયે ગુજરાતી શોર્ટહેન્ડનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. આ લિપીની રચના કરનાર સુરતના રહીશ હતા. વર્ણાક્ષરોને રેખા ચિહ્નો દ્વારા તૈયાર કરવામાં આવેલી લિપીને શોર્ટહેન્ડ એટલે કે લઘુલિપી કહેવામાં આવે છે. સૌપ્રથમ ગુજરાતી શોર્ટહેેન્ડની રચના નૌશીરવાન બાપુજી કરંજીયાએ કરી હતી. તેમનો જન્મ ૧૮ – ૯ – ૧૯૧૨ના રોજ વલસાડમાં એક ગરીબ પરંતુ ઉમદા અને ખાનદાન દસ્તૂરજીને ત્યાં થયો હતો. તેમના પિતા બાપુજી કરંજીયા ખંભાતની અગિયારીના વડા ધર્મગુરુ હતા. તેઓ પાંચ ભાઇઓ હતા. ખંભાતમાં ધોરણ ૪ પછીનું શિક્ષણ ઉપલબ્ધ ન હોવાથી ઉચ્ચ શિક્ષણ માટે નૌશીરભાઇ સુરત આવીને વસ્યા અને ઇ.સ. ૧૯૨૧માં ઓર્ફનેજ (અનાથાલય)માં દાખલ થયા. નૌશીરભાઇએ તેમના ગુરુ સાવકશા બહેરામજી અમરોલીયા પાસેથી શોર્ટહેન્ડની શ્રેષ્ઠ તાલીમ મેળવી હતી. શોર્ટહેન્ડ શિખવાની તેમની ધગશ એટલી બધી હતી કે, મોડીરાત સુધી કેરોસીનના દિવાના અજવાળામાં ભોજનાલયના ટેબલ પર બેસીને તેઓ અંગ્રેજી શોર્ટહેન્ડ લખતા હતા. ઇ.સ. ૧૯૩૧માં તેમણે અંગ્રેજી શોર્ટહેન્ડ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું અને લંડનની પીટ્સમેન ઇન્સ્ટીટયુટ તરફથી શોર્ટહેન્ડના વિષય માટે તેમને તામ્રચંદ્રકો (બ્રોન્ઝ મેડલ) પ્રાપ્ત એનાયત થયા હતા. આઠ વર્ષ ઓર્ફનેજમાં રહીને શોર્ટહેન્ડ ટાઇપ રાઇટીંગ અને ટીચર્સ ડિપ્લોમાનો અભ્યાસ કરીને ૧૮ વર્ષની વયે તેમાં ખંભાત ગયા અને ત્યારબાદ ફરી ૧૯૪૦માં સુરત આવ્યા અને સુરત આવ્યા બાદ તેમણે ગુજરાતી શોર્ટહેન્ડના મુળાક્ષરો લખવાની શરૃઆત કરી હતી. સદ્ગત નૌશીરવાન કરરંજીયાના પુત્ર રોહિતભાઇ કહે છે કે, ”મારા પિતાજીએ સુરત આવ્યા પછી ગુજરાતી શોર્ટહેન્ડના સર્જન માટે ગુજરાતી ભાષાના વ્યાકરણના નિયમોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી તેના પર પ્રભુત્વ મેળવ્યું હતું. ૨૦મી જુને ૧૯૬૧ના દિવસે તેમણે ગુજરાતી શોર્ટહેન્ડ લખવાની શરૃઆત કરી હતી. જેમાં અમારા પરિવારના તમામ સભ્યોએ સહકાર આપ્યો હતો. મે તેમના બ્લોક માટેની ડિઝાઇન તૈયાર કરી અને ત્યારબાદ પુસ્તક તૈયાર થયું અને સરકારે ગુજરાતી લઘુલીપીને માન્યતા આપી હતી. જાતે આ લિપીની કરી હોવા છતાં આ લિપીને ”નૌશિરવાન લઘુલિપી” અથવા ”કરંજીયા લઘુલિપી” એવું નામ આપી શકાયું હોત. પણ પ્રભુની મહેરબાનીથી આ ભગીરથ કાર્ય પાર પડયું હોવાથી તેને ”મહેર લઘુલિપી” નામ આપવામાં આવ્યું અને આ રીતે ગુજરાતી શોર્ટહેન્ડની શરૃઆત થઇ હતી.


આણંદની શિક્ષિકાએ ૪૮ લાખ ભેગા કરી શિષ્યવૃત્તિ ફંડ બનાવ્યું

Ilaben Teacher in Ananad

Ilaben Teacher in Ananad

૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસ ઉજવાઇ ગયો. ઠેરઠેર સંમેલનો યોજાયાં, ભાષણો થયાં ને મહિલા વિકાસની, મહિલા શિક્ષણની વાતો થઇ છતાં દર વર્ષની માફક મહિલા હોય કે મહિલાની દીકરી કોઇની સ્થિતિમાં ખાસ કોઇ સુધારો નથી થયો ત્યારે આણંદના ગામડી વિસ્તારની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક મહિલા કન્યા કેળવણીના અભિગમને સાચા અર્થમાં સાકાર કરી રહી છે. કારણ કે એમણે આદિવાસી અને ભરવાડ કોમની આઠ બાળકીઓને દત્તક લઇ પોતાના ઘેર ભણાવી બાદમાં શાળામાં એડમિશન અપાવ્યું અને સાથેસાથે શિષ્યવૃત્તિ પણ અપાવી છે. આ માટે પ્રારંભે પોતાના ૧ લાખ રૃપિયાથી શરૃઆત કરી હતી, ત્યારબાદ ધીમે ધીમે એમની સેવાની સુવાસ ચોતરફ ફેલાતા એમનાં નાણાં અને દાનની મદદથી એમની પાસે આજે ૪૮ લાખનું શિષ્યવૃત્તિ ફંડ એકઠું થયું છે. જેના વ્યાજમાંથી તેઓ કન્યાઓને જ નહીં કુમારોને પણ શિષ્યવૃત્તિ આપીને ભણાવે છે.

ઈલાબેન ઈમાનુએલ નામના આ શિક્ષિકાના સેવા યજ્ઞને પ્રારંભમાં રૃા. પાંચ લાખ સહાય મળી ત્યારબાદ સિનિયર સિટીઝન મંડળે ૧ લાખ આપ્યા જેથી કુલ ૭ લાખનું ફંડ ભેગું થતા એમનો ઉત્સાહ વધતો ગયો ને ધીમે ધીમે ફંડ વધીને ૪૮ લાખ સુધી પહોંચી ગયું. આ રકમથી પ્રથમ તબક્કે ૫૪ જેટલા ધો. ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓને રૃા. એક હજાર સહાય આપી ને પછી ૪૮ લાખના વ્યાજમાં થી વધુ ને વધુ ગરીબ વિદ્યાર્થીઓને સહાય આપવાના હેતુથી ધો. ૧ થી ૫ ના ૨૦૦ બાળકોને રૃા. ૧૫૦૦ તથા ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓને રૃા. ૨૫૦૦ ની શિષ્યવૃત્તિ આપવાનું શરૃ કર્યું. ગરીબ વિદ્યાર્થીઓને પૂરતી સહાય અપાઇ રહી છે છતાં તેઓ દર વર્ષે શિષ્યવૃત્તિ ફંડમાં પોતાના રૃા. ૧ લાખ ઉમેરતા જાય છે.

શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ ત્યજી દેવાયેલાં બાળકો તથા વૃધ્ધો માટે આશ્રમ પણ શરૃ કરવા માગે છે ને નિવૃત્તિ સમયે પોતાની પાસે જે કંઇ પૂંજી હશે તે આ કામમાં લગાડી દેશે એવું તેઓ કહે છે. તેઓ પોતે એકલા નથી. પતિ અને સંતાનો છે છતાં પોતાનું સર્વસ્વ અન્યને અર્પણ કરવાની તેમની ભાવના દાદ માગી લે તેવી છે. ઈલાબેનને આ સેવાકીય પ્રવૃત્તિ માટે ૨૦૦૬ માં અખિલ ભારતીય સન્માન પુરસ્કાર મળ્યો હતો તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ ઉપર કામ કરી જ્ઞાાન સાથે ગમ્મત આપતા પ્રોગ્રામ બનાવી બાળકોને અભ્યાસમાં રૃચિ લેતા કરવા બદલ એમના પ્રોજેક્ટને ૨૦૦૫માં રતન ટાટા ઈનોવેટિવ પુરસ્કાર પણ અર્પણ કરાયો હતો.


સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પ.પુ. શ્રી રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) સાથે મુલાકાત

Meet Atul Chotai With Rameshbhai Oza

Meet Atul Chotai With Rameshbhai Oza ( Pujya Bhaishree)

ભણતર એટલે જીવન ઘડતર આ ઉક્તિને ખરા અર્થમાં સાકાર કરવા માટે આપણે એક સારા શિક્ષક અને સારા શિક્ષણની જરૂર પડે છે. આજના શિક્ષણનાં જમાનામાં સારું અને જરૂરી શિક્ષણ આપતી સંસ્થા બહુ જ જવલ્લે  હોય છે. આવી જ એક સંસ્થાનું નામ છે  સાંદીપની વિદ્યા નિકેતન.

મહાત્મા ગાંધી અને કૃષ્ણના પરમ મિત્ર સુદામા તથા અરબી સમુદ્રના રળીયામણે કિનારે વસેલું ગામ એટલે પોરબંદર અને આ ગામની ભાગોળે આ સંસ્થા આવેલી છે અને  સુદામા જે  ભગવાન કૃષ્ણના નિકટ મિત્ર  હતા તેમણેં તથા કૃષ્ણ સાંદિપની ઋષિ પાસેથી શિક્ષણ મેળવેલ હતું એટલે જ  કદાચ આ સંસ્થાનું નામ સાંદિપની વિદ્યા નિકેતન  રાખેલ હશે એવું માની શકાય..

સાંદિપની  વિદ્યા નિકેતનની શરૂઆત તારીખ ૬ ફેબ્રુઆરી ૧૯૯૨ ના રોજ કરવામાં આવી હતી. ભારતમાં શેક્ષણિક, આધ્યાત્મિક અને માનવીય પ્રવૃતિઓને આધાર આપવા એક સુવ્યવસ્થિત હેતુથી સાંદિપની વિદ્યા નિકેતનની સ્થાપના કરવામાં આવી છે. પૂ. ભાઈશ્રી એ વ્યકતિગત રસ લઈને આ સંસ્થાનો વિકાસ કર્યો છે. જ્ઞાનાથઁ પ્રવેશ, સેવાર્થ પ્રસ્થાન એ આ વિદ્યા નિકેતનનું મૂળસુત્ર છે. વિદ્યા નિકેતન એ ઋષિકુળની પરંપરા અનુસાર ચાલે છે. જેના વિદ્યાર્થીઓ ઋષિકુમાર તરીકે ઓળખાય છે. સાંદિપની વિદ્યા નિકેતનની મુખ્ય ઓફીસ પોરબંદર છે. આ સીવાય મુંબઈ અને દેશ વિદેશમાં પણ આ સંસ્થા કાર્યરત છે. ૧૯૯૧ માં ગુજરાત સરકાર દ્ધારા સાંદિપની  વિદ્યા નિકેતનને  ૧૫ એકર જેટલી જમીન પણ ફાળવવામાં આવેલ છે.

આ સાંદિપની  વિદ્યા નિકેતન પ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા જે પૂ. ભાઈશ્રીના નામે ઓળખાય છે તેઓ ચલાવે છે. અને પૂ. ભાઈશ્રી સૌરાષ્ટ્રના દેવકા ગામના વતની છે. જેઓએ પ્રાથમિક શિક્ષણ રાજુલામાં લઈ ત્યાર પછીનું શિક્ષણ તથા કોલેજ મુંબઈમાં પૂર્ણ કરેલ છે. અને પૂ. ભાઈશ્રીના કાકા શ્રી જીવરાજભાઈ ઓઝા ખુબ જ પ્રખર વ્યાખાનકાર હતા તેમણે ભાઈશ્રીના વ્યકિતત્વમાં આધ્યાત્મિક બુદ્ધિમતાનો ચમકારો જોયો અને ભાઈશ્રીને પ્રોત્સાહિત કર્યા. ૧૩ વર્ષની નાની ઉમરે ભાઈશ્રીએ પ્રથમ વખત ભગવત કથાનું ગાન કર્યું અને તે પછી ૧૮ વર્ષની ઉમરે મુંબઈમાં અને તે પછી ભાઈશ્રીએ યુ.એસ.એસ., યુ.કે., કેનેડા, પોર્ટુગલ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડ સહિત દેશ વિદેશમાં ભાગવત આખ્યાનો કરી ભાગવતાચાર્ય તરીકે લોકહદયમાં સ્થાન મેળવ્યું છે.

પૂ. ભાઈશ્રી શ્રીમદ ભાગવત પુરાણ, શ્રી રામચરિત માનસ, શ્રીમદ ભગવત ગીતા અન્ય ભક્તિભાવપૂર્ણ કાવ્યો અને આધ્યાત્મિક લખાણો જેવા કે ઉપનિષદો અને સુભાષિતોમાંથી ઉદાહરણો ટાંકીને પોતાની આગવી શૈલીમાં એક આદર્શ જીવન કેમ જીવવું..?? ની સાથે આધ્યાત્મિક કાયદાઓની સમજણ આપીને સત્ય અને ધર્મનો માર્ગ ચિંધે છે. પૂ. ભાઈશ્રી પોતાના વ્યાખ્યાનમાં દ્વેત – દ્વૈતાદ્વૈત અને અદ્ધૈતની વિવિધ શાળાઓના તત્વજ્ઞાનની સાથે શ્રીમદ વલ્લભાચાર્ય અને આદિ શંકરાચાર્યજી ના શબ્દોને  ટાંકીને ખુબ જ સરળતાથી લોકોને સમજાવે છે.

સાંદિપની વિદ્યા નિકેતનની આધ્યાત્મિક ભૂમિમાં એક ખુબ જ સરસ હરિમંદિર આવેલું છે. જ્યાં દરરોજ સવારે ૭ વાગ્યે, બપોરે ૧૧ વાગ્યે તેમજ સાંજે ૭ વાગ્યે એમ દરરોજ ત્રણ વખત આરતી થાય છે અને મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે બપોરે પ્રસાદીની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. દર વર્ષે નવરાત્રીમાં અહીં રામચરિત માનસ પઠન અનુષ્ઠાન થાય છે.અને આ પ્રસંગે ભાઈશ્રી ખુદ અહીં હાજર રહી આ અનુષ્ઠાન તથા રામચરિત માનસનું પઠન કરે છે.

રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ એ  વર્ષ ૨૦૧૧ ના દીપાવલી પર્વ નિમિતે  સુપ્રસિદ્ધ ભાગવતચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) ને રૂબરૂ મળી પ્રગતી તથા સફળતા માટે પૂ. ભાઈશ્રીના આશીવર્ચન મેળવ્યા હતા. પૂ. ભાઈશ્રીએ અતુલભાઈ ચોટાઈની કાર્યપદ્ધતિ ને બિરદાવી અને પ્રગતી કરવા માટે આશીવર્ચન આપેલ હતા. આ ઉમદા ક્ષણોને અમારા મીડિયા પરિવારના ફોટોગ્રાફર વિપુલભાઈ પડાળિયાએ પોતાના કચકડે કંડારી લીધી હતી. તથા આ મુલાકાત બાબતે સાંદિપની આશ્રમના શ્રી મનોજભાઈ મોઢા તથા આશાપુરા ડીવાઈન શોપના શ્રી હસમુખભાઈ થાનકીનો સંપૂર્ણ  સહયોગ અમને મળેલ હતો. સાંદિપની વિદ્યા નિકેતન વિષે વધુ માહિતી માટે નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

::સંપર્ક :: 
પ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી) 
સાંદિપની વિદ્યા નિકેતન, મહર્ષિ સાંદિપની માર્ગ, 
પોરબંદર એરપોર્ટની સામે, છાંયા – પોરબંદર – ૩૬૦ ૫૭૮
મોબાઇલ : ૯૦૯૯૯ ૬૬૨૫૩ ઇ-મેઈલ : bsstpbr@sandipani.org
વેબસાઈટ  : www.sandipani.org