ATUL N. CHOTAI

a writer – since 2014


દેશપ્રેમની આપણી ભાવનાને હવે જગાડવી પડશે..

૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવા ઘણા રાષ્ટ્રીય પર્વોમાંથી આપણી દેશપ્રેમની ભાવના ધીરે ધીરે ગાયબ થતી જાય છે. આજે આપણે ક્રિકેટ મેચ, ફિલ્મો અને તહેવારોમાં જેવો ઉત્સાહ દેખાડીએ છીએ તેવો ઉત્સાહ આપણા રાષ્ટ્રીય પર્વો ઉપર નથી દેખાડતા. આ એક સત્ય અને કડવી હકીકત છે તથા આપણી કમનસીબી પણ છે. આપણી પાસે મોબાઈલમાં બિનજરૂરી વાતો કરવા, ફેસબુક, વોટ્સઅપ જેવા સોશ્યલ મીડિયા માટે સમય હોય પણ દેશસેવાના કામ માટે કે આપણા રાષ્ટ્રીય પર્વો માટે જો આપણી પાસે સમય ના હોય કે રસ ના હોય કે તે બાબત આપણી માટે ખેદજનક પણ છે.

આપણા દેશનો ઇતિહાસ ખુમારી અને શહિદીઓથી ભરેલો છે. આપણી ભારત માતાની રક્ષા તથા દેશને આઝાદ કરાવવા માટે આપણા લીલાછમ માથાઓ વધેરાઈ ગયા અને ઘણા લોકોએ પોતાની નોકરી, વ્યવસાય, ધિકતી કમાણી અને પરિવાર છોડીને પોતાની જાતને દેશ માટે કુરબાન કરી દીધી અને એટલે જ આ આઝાદીનો અનુભવ આપણે સહુ કરી રહયા છીએ પણ જયારે આ અમુલ્ય આઝાદીનું જતન ના થાય અને આપણામાં રાષ્ટ્રપ્રેમનો અભાવ જોવા મળે ત્યારે આપણા માટે કુરબાન થયેલા આપણા દેશ શહીદોનું આ અપમાન થતું હોય તેમ નથી લાગતું..?? શું આ બધા વિરલાઓ તેના પરિવાર માટે વધારાના હતા..?? આજે આપણી પેઢીને આઝાદી તૈયાર ભાણે મળી ગઈ છે એટલા માટે તે આઝાદીની આપણને કદર નથી કરતા પણ ગુલામી, પરતંત્રતાની તકલીફ શું હોય..?? તેની આપણને કોઈને ખબર જ નથી. ફક્ત વિદેશમાં ભણવું, ડોલર – પાઉન્ડ કમાવા અને ત્યાં જ સેટલ થઇ જવું. દેશનું થવું હોય તે થાય પણ આપણું સારું થવું જોઈએ એવી આપણી વિચારસરણી ને હવે બદલવાની જરૂર છે.

આજે આપણે આઝાદીની સાચી કિંમત સમજતા નથી અને ધર્મ, રાજકારણ, જ્ઞાતિ – જાતિના નામે લડાઈ, ઝઘડા, આંદોલન કરી દેશને નુકશાન કરીએ છીએ. આપણી આવકમાંથી સરકારને પ્રમાણકતાથી ટેક્સ ભરી દેશની પ્રગતિમાં હિસ્સો આપવાને બદલે આપણે ટેક્સ ચોરી કરીએ છીએ, સરકારના લાભો ખોટી રીતે મેળવવા આપણે ઘણા કાવા દાવા પણ કરીએ છીએ, મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ જેવી ટેક્નોલોજીનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ..?? અને આપણે શું છીએ..?? આપણી ફરજો શું છે..?? તે જોવાને બદલે આપણે સરકારને અને બીજા લોકોને પણ તેની ફરજો સમજાવીએ છીએ..?? અને આવું બધું કરવા માટે જ આપણને આઝાદી મળી છે બરોબરને..??

આજે આપણો દેશ આંતરિક અને બાહ્ય જેવી ઘણી સમસ્યાઓથી પરેશાન છે તેવા સમયે આપણે દેશ માટે અને તેની પ્રગતિ અને વિકાસ થાય તે માટે વિચારવું જોઈએ. આપણા સમાજને રાષ્ટ્રપ્રેમને લગતું શિક્ષણ આપવાની જરૂરીયાત આજે વર્તાઈ રહી છે. આજે જો મહાત્મા ગાંધી સહિત આપણા વીર સપૂતોએ આપણા દેશ માટે વિચાર્યું ના હોત કે સમય ના આપ્યો હોત તો આપણી અત્યારે શું હાલત હોત..?? જો આપણી પાસે જ દેશ માટે સમય નહિ હોય તો બીજાને ને તો ક્યાંથી હોય..?? તો જયારે દેશ મુશ્કેલીમાં આવશે ત્યારે આપણને કોણ બચાવશે..?? તેવું વિચારી દેશના વિકાસને લગતી બાબતોમાં આપણે તન – મન – ધનથી લાગી જવું જોઈએ.

તો ચાલો હવે આપણે સહુ જાગ્યા ત્યારથી સવાર સમજીને જાહેરમાં જેટલી બહાદુરી દેખાડીએ છીએ તેટલી જ બહાદુરી આપણા દેશ માટે દેખાડી અને આ દેશના તમામ લોકોને આપણા પરિવારજનો સમજી અંદરો અંદર ઝઘડવાનું બંધ કરીએ તથા આપણા દેશ માટે માત્ર બોલીને જ નહિ પરંતુ સાચા અર્થમાં સમય અને શક્ય બને તેટલું યોગદાન આપીને આપણી અમુલ્ય આઝાદીનું સાચા અર્થમાં સન્માન કરીએ.. ૭૨ માં સ્વાતંત્રય પર્વની આપ સહુને ખુબ ખુબ શુભેચ્છાઓ…

જયહિન્દ..

અતુલ એન. ચોટાઈ
પત્રકાર અને લેખક
રાજકોટ – ગુજરાત


ગુજરાતમાં સૌથી પ્રથમ મુંગી ફિલ્મનું થિએટર અમરેલીમાં હતું

ફીલ્મ ઉઘોગનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. મુંગી ફીલ્મથી શરૂ થયેલી આ દોડ હાલમાં થ્રીડી ફીલ્મો સુધી પહોંચી છે. ભારતમાં જયારે ફીલ્મ ઉઘોગની શરૂઆત થઇ ત્યારે મુંગી ફીલ્મોના થીએટર ખુબ જ જુજ હતાં. તે સમયે અમરેલી શહેર ગાયકવાડી શાસનના તાબા હેઠળ હતું. સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત પ્રદેશમાં તે સમયે સૌ પ્રથમ ફીલ્મી થીએટર અમરેલીમાં શરૂ થયુ હતું.

ઇ.સ. ૧૯૩૦માં મુંગી ફીલ્મનું થીએટર અમરેલી શહેરમાં શાળા નં. ૧ પાછળના વિસ્તારમાં રહેતા નગરશેઠ ઇબ્રાહીમ દાઉદ લીલાએ બનાવ્યુ હતું. જયાં દર્શકોને મુંગી ફીલ્મ બતાવવામાં આવતી હતી. અમરેલીના ઇતિહાસના જાણકાર મનસુખભાઇ રાવલ જણાવે છે કે આ ટોકીઝનો પડદો શણના કાપડનો બનાવવામાં આવ્યો હતો અને દર્શકો પાસેથી ફસ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને ક્લાસ થ્રી એમ ત્રણ અલગ અલગ ટીકીટના દર લેવામાં આવતા હતાં. ક્લાસ થ્રીના ટીકીટ ધારકને ગ્રાઉન્ડમાં પાથરેલી રેતીમાં બેસાડવામાં આવતા હતાં અને તેની પાસેથી પુરા શો ના બે પૈસા લેવામાં આવતા હતાં. સેકન્ડ ક્લાસના ટીકીટ ધારક ગ્રાહક માટે દેવદારના લાકડાના ખોખા ગોઠવાયા હતાં. તેના પર બેસવાનું અને પગ નીચે રેતી પર રાખવાના. પરંતુ પાછળ ટેકો દેવાની સગવડ નહી. તેના ત્રણ પૈસા લેવામાં આવતા. જયારે ફસ્ટ ક્લાસની ટીકીટ એક આનો એટલે કે ચાર પૈસા હતી. અને તેમાં પાછળ ટેકો દઇ ન શકાય તેવા બાકડા મુકવામાં આવતા હતાં.

આ થીએટરના માલીકને શાસન કરતા સયાજીરાવ ત્રીજાએ નગરશેઠ તરીકેનું બિરૂદ આપી તેમનું સન્માન કર્યુ હતું. તે સમયે અમરેલીમાં ગાયકવાડ સરકારનું શાસન હતું અને મુંગી ફીલ્મો દર્શાવતા આ થીએટરને ખાનગી કંપનીના પાવર હાઉસ દ્વારા વિજળી પુરી પાડવામાં આવતી હતી. તે વખતે અમરેલીમાં ખાનગી કંપનીની વિજળી ઉપલબ્ધ હતી અને ડીસી પાવર આપવામાં આવતો હતો. પડદા પર લોકોને મુંગી ફીલ્મ દર્શાવવામાં આવતી હતી. જે સમજવામાં મુશ્કેલી ન પડે તે માટે બે વ્યક્તિ પડદા પાસે ઉભી રહેતી હતી અને પડદા પર જે દ્રશ્યો બતાવવામાં આવે તેનું આ બે વ્યક્તિ દ્વારા મૌખીક વિવરણ કરવામાં આવતુ હતું. આ ફીલ્મ ચલાવવા માટે કોઇ લાયસન્સ લેવુ પડતુ ન હતું.