ATUL N. CHOTAI

a writer – since 2014


દીપાવલીના પર્વોનું પણ એક વિજ્ઞાન છે..

Happy Diwali

Happy Diwali

– મુકેશ પંડ્યા

ચોમાસુ ઉર્ફે ચાર્તુમાસનો છેલ્લો તહેવાર એટલે દિવાળી. શરદ અને હેમંત ઋતુુનું જંક્શન એટલે દિવાળી. ગરમી અને ઠંડીનો સંગમ એટલે દિવાળી. પાંચ દિવસ ને પાંચ રાત્રિનો તહેવાર છે દિવાળી. જેની શરૂઆત આસો મહિનાના અંતે અને સમાપન કારતક મહિનાની શરૂઆતથી થાય છે એ દિવાળી. આ બધી પૂર્વભૂમિકા બાંધવાનો હેતુ એટલો જ છે કે દિવાળી માત્ર ધર્મ કે તત્ત્વજ્ઞાન પર આધારિત નહિ, બલ્કે આ દેશની પ્રકૃતિ તેમ જ બદલાતી ઋતુઓને ધ્યાનમાં લઇને થતી ઉજવણી પણ છે. અંગ્રેજો જેને ઑક્ટોબર હીટ કહીને ઓળખતા એ આપણા આસો મહિનાની ગરમીનો અનુભવ તો આપણે કર્યો છે. દિવસે ત્રસ્ત કરી મૂકતા આ મહિનામાં એટલે જ બધા તહેવાર રાત્રે મનાવવામાં આવે છે, જેમ કે નવરાત્રિ, શરદ પૂર્ણિમા, કરવા ચોથ, દિવાળી વગેરે.. શરદ ઋતુમાં આવતો આ મહિનો દિવસમાં ગરમ અને રાતના ઠંડા વાતાવરણને લીધે બીમારી ફેલાવતો મહિનો પણ કહેવાય. કોઇ ડૉક્ટર પાસે તમે આ મહિનામાં જાવ ત્યારે તમને અચૂક કહેશે કે તમે ડબલ સિઝન (બે ઋતુ) નો ભોગ બન્યા છો. કોઇ વ્યક્તિનો જન્મદિવસ ઊજવતી વેળાએ આપણે એને જીવેત શરદ: શતમ કહીને સંબોધીએ તેનો અર્થ એ જ કે રોગિષ્ટ એવી સો શરદ ઋતુથી વ્યક્તિ બચી શકે તો બાકીની ઋતુઓ કાઢવી પ્રમાણમાં સરળ હોય છે.

આવી ઋતુથી બચવા તેમ જ પર્યાવરણને શુદ્ધ કરવા નવરાત્રિના હવન અને કંઈક અંશે દિવાળીમાં અગ્નિ કમ પ્રકાશ ફેલાવતા ફટાકડાં ઉપયોગી હતાં તેમાં ધંધાદારી વલણ આવતા બદનામ પણ થયાં છે. જો કે તારલિયા, લવિંગિયા. ફૂલઝરી, ફુવારા કે ચકરડી જેવા ફટાકડાં ફોડવામાં આવે તો તેની આકર્ષક રંગબેરંગી પ્રકાશમય ડિઝાઇનથી આંખ અને મનને આનંદ તો મળે જ છે. સાથે આવા ઓછા અવાજવાળા કે ધ્વનિ વગરના માત્ર ધુમાડો ફેલાવતા ફટાકડા આરોગ્ય માટે ઉપકારક સિદ્ધ થાય છે એમ આજનું વિજ્ઞાન પણ કહે છે. ફટાકડાંથી થતો ધુમાડો ચોમાસામાં વૃદ્ધિ પામેલા ડેન્ગ્યુ સહિતના મચ્છરોને દૂર ભગાવે છે. વળી ધુમાડાની અસર ઓછી થયા પછી હવામાન ઠંડુ થતાં જ ધુમાડાની રજકણો જમીન પર પથરાય જાય છે, તેથી નવા મચ્છરો પેદા થતાં નથી. આ ધુમાડાથી મચ્છરો મરતાં નથી પણ દૂર ભાગે છે એટલે અહિંસા પ્રેમીઓને પણ ગમી જાય તેવી આ વાત છે. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટ્યિુટના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ.નરેન્દ્ર મેહરોત્રા જણાવે છે કે અવાજ કરતાં ફટાકડામાં ગંધક તો પ્રકાશ ફેલાવતા ફટાકડાંમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે. કેટલાક ફટાકડામાં સ્ટ્રોન્શિયમ કે પોટેશિયમ પણ હોય છે. આ બધા ફટાકડાં એક સાથે ફોડવામાં આવે તો એવા વાયુઓનું મિશ્રણ ઉત્પન્ન થાય છે જે એન્ટિબોયોટિક તરીકે કામ આપી મચ્છરોનેે મારી હટાવે છે.એટલે એક જ જાતના ફટાકડા ન ફોડતાં વિવિધ ફટાકડાઓ ફોડવાં જોઇએ. જો કે હવે કાયદેસર પ્રતિબંધ આવ્યો હોવાને કારણે ફટાકડાના પ્રમાણમાં ઘણો ઘટાડો જોવા મળશે. આટલું સમજીને હવે દિવાળીના પાંચ દિવસની વાત કરીએ.

પ્રથમ દિવસ ધનતેરસ : ચોમાસામાં આવતી બેય ઋતુ વર્ષા અને શરદ, વિવિધ પાણીજન્ય તેમ જ પિત્તજન્ય રોગોથી પરેશાન કરતી આ ઋતુઓમાં હેમખેમ પસાર થયા પછી દિવાળીના પ્રથમ દિવસે આરોગ્યના દેવની પૂજા કરવી જોઇએ. આ આરોગ્યના દેવ એટલે ધન્વન્તરી જેમની પૂજા ધનતેરશના દિવસે કરી પોતાના તેમ જ કુટુંબના આરોગ્યની કામના કરવી જોઇએ. જૂના સમયમાં પહેલું સુખ તે જાતે નર્યાં એ કહેવત પ્રમાણે આરોગ્યને જ ધન માનવામાં આવતું હતું. નગદ નાણાંની શોધ તો એ વખતે થઇ જ ન હતી. ઘણા લોકો આ દિવસે લક્ષ્મીપૂજા કરે છે પણ તેને માટે દિવાળીનો દિવસ શ્રેષ્ઠ છે અને આ લક્ષ્મી એટલે પણ માત્ર ધન નહીં પણ આઠે પ્રકારની અષ્ટલક્ષ્મીની પૂજા કરવી જોઇએ. આ દિવસે કંસાર, શીરો કે લાપસીના આંધણ મુકાય છે. પિત્તજન્ય ઋતુનો આ છેલ્લો દિવસ આવા પિત્તનાશક મધૂર રસથી ઉજવવો સર્વથા યોગ્ય છે.

કાળીચૌદસ : પ્રથમ દિવસે આરોગ્યદેવની પૂજા કરી બીજે દિવસે શક્તિની આરાધના કરવી જોઇએ. તેને માટે મહાકાળી અને હનુમાનની ઉપાસના જરૂરી છે.અત્યાર સુધી વાતાવરણમાં પિત્તનો પ્રભાવ હતો હવે વાયુનો પ્રભાવ વધશે. શિયાળાની શરૂઆત થશે. વાયુના રોગોથી બચવા તૈલી પદાર્થોનું સેવન જરૂરી છે. આ દિવસે આપણે ત્યાં તળેલી વાનગી બનાવીને ખાવાનો રિવાજ છે તે સર્વથા યોગ્ય છે. ચકરી, સેવ. વડા કે ભજિયા ઘરે બનાવીને ખાવા વધુ ફાયદાકારક છે. કારણ કે ઊકળતા તેલના બાષ્પીભવન પામેલા કણો વાયુમાં ફેલાઇને લવચીકતા પ્રદાન કરે છે. તૈયાર નાસ્તાથી તમારા શરીરને તેલ મળે છે.પણ વાતાવરણમાં રહેલી શુષ્કતા દૂર કરવા ઘરે તળવાનો રિવાજ ખરેખર તર્કપૂર્ણ છે જે હવે બદલાતા સમય સાથે ભૂલાતો જાય છે. સમયના અભાવે ભાવપૂર્વક ઘરે બનાવાતા ફરસાણનો જમાનો ગયો. બસ ભાવ આપીને ખરીદાતાં તૈયાર ફરસાણ અને નાસ્તાના પડીકાં ઘરમાં ઠલવાતાં જાય છે. જોકે હજું ઘણા લોકો ઘરે ભજીયા તળી શરદકાળમાં ભેગો કરેલો કકળાટ કાઢવા બહાર જાય છે ખરાં. ઉલ્લેખનીય છે કે અવાજના કકળાટને શોષી લેવામાં તેલનું આગવું પ્રદાન છે. ઘરમાં અવાજ કરતાં દરવાજાં, પંખા કે હિંચકા અને કારખાનામાં મશીનને તેલ પૂરવાથી ખરેખર ઘોંઘાટ ઓછો થાય છે ખરો…??

દિવાળી : ચોમાસામાં ગુમાવેલા આરોગ્ય અને શક્તિને પ્રથમ બે દિવસ દરમ્યાન આવકાર આપો છો પછી દિવાળીને દિવસે તમે મા સરસ્વતી અને લક્ષ્મીની કૃપા મેળવવા સક્ષમ બનો છો. આ અમાસની રાત્રિએ બન્ને દેવીઓને આવકારવા પૂજા પાઠ થાય છે. રંગોળી પૂરવામાં આવે છે. બારણે તોરણો બાંધવામાં આવે છે, અને.. હાં દિવડાઓની હારમાળાથી વાતાવરણ દિવ્ય બને છે. મંત્ર સાધના માટે આ સમય અતિ ઉત્તમ છે. વરસાદના વાદળો હટી જાય છે. આસો મહિનાના પ્રખર તાપથી ભેજનું પ્રમાણ ઓછું થઇ જાય છે. નવરાત્રિના હવન અને દિવડાંઓની હારમાળાથી વાતાવરણ શુદ્ધ બને છે ત્યારે તમે રટેલા ભાવપૂર્ણ મંત્રોના તરંગોને પરમ શક્તિ સુધી પહોંચવા મોકળું મેદાન મળી જાય છે. એમાંય રાત્રિનો શાંત સમય અતિ ઉત્તમ છે.

નૂતન વર્ષ : આરોગ્ય, બળ, બુદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિએ ઘમંડી ન બનતાં વધુ નમ્ર બનવું જોઇએ. જેની આપણે કાગડોળે રાહ જોતા હોઇએ છીએ એ શિયાળાની શરૂઆત આ દિવસથી થાય છે. આપણને રોગિષ્ટ શરદકાળમાંથી જેમણે હેમખેમ બહાર કાઢ્યા તે પરમેશ્વરનો સર્વપ્રથમ આભાર માનવો જોઇએ. જેમની કૃપાથી આપણને દાણા પાણી મળ્યા છે તેમને અન્નકૂટ ધરાવીને પછી આપણે અન્ન ગ્રહણ કરવાની ભાવના રાખવી જોઇએ. શ્રીકૃષ્ણે ઇન્દ્રના કોપથી બચવા ગિરીરાજ પર્વત ધારણ કર્યો ત્યારે ખાધા પીધાં વિના પ્રજાની રક્ષા કરી હતી તેમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવા આ અન્નકૂટનો રિવાજ શરૂ થયો છે.આવા ભાવથી થતી પૂજાને ગોવર્ધન પૂજા પણ કહેવાય છે. દેવદર્શન બાદ વડીલોના ચરણસ્પર્શ કે સમવયસ્કો સાથે બે હાથ જોડીને કરાતાં નમસ્તે, આ બે ક્રિયાઓ પણ આપણી સંસ્કૃતિના અભિન્ન અને ઉપયોગી સંસ્કારો છે. વોટ્સઍપ અને ફેસબુક જેવા માધ્યમોની અસર હેઠળ આ રિવાજો ભૂલાતાં જાય છે પરંતુ શરીરની સુખાકારી માટે પણ આ રિવાજો પાળવા જોઇએ. હાથ પગના ટેરવાંઓથી અથડાઇને શરીરનું લોહી જ્યારે પાછું ફરતું હોય ત્યારે ટેરવે થતાં કંપનથી શક્તિના તરંગો ઉદ્ભવે છે. આ શક્તિને વાતાવરણમાં વેડફવા ન દેવી હોય અને શરીરની નાની મોટી બીમારી દૂર કરવાના ઉપયોગમાં લેવી હોય તો સિમ્પલ છે – તમે તમારા બે હાથ જોડી દરેકને નમસ્તે કરતા જાવ કે વાંકા વળીને વડીલોના અંગૂઠાનો સ્પર્શ અવશ્ય કરો. આવો ફિઝિકલ લાભ તમને ડિજિટલ માધ્યમ દ્વારા કદાપિ નહી મળે. કાંઇ નહીં તો કમસેકમ આ દિવસે વડીલોને પગે લાગવા અને સગાં સ્નેહીઓને મળવા અચૂક બહાર નીકળવું જોઇએ..

ભાઇબીજ : વસુધૈવ કુટુંબકમમાં માનનારા આ દેશમાં કૌટુમ્બિક તહેવારો ન હોય તો જ નવાઇ. દિવાળીએ કૌટુમ્બિક તહેવાર તો છે જ. સાથે સાથે ચાતુર્માસમાં ભાઇ બહેનના પ્રેમને ઉજવતો આ ત્રીજો અને છેલ્લો તહેવાર છે. શ્રાવણ મહિનામાં વીરપસલી અને રક્ષાબંધનને દરેક ભાઇ બહેન પ્રેમથી ઉજવે છે. ખરેખર યમ અને યમુનાના પ્રતીકરૂપે ભાઇ બહેનના તહેવારો મૂકીને આપણા શાસ્ત્રોએ મોટો ઉપકાર કર્યો છે. વાસ્તવમાં ઉપાસનાના આ ચાર મહિનાઓમાં વ્યક્તિના જીવનમાં વાસના ઓછી અને સાધનાનું પ્રમાણ વધારે હોવું જોઇએ. ભાઇ બહેન અને કુટુંબ સાથે હોય ત્યારે આપણા વિચાર, વાણી અને વર્તનમાં એક મર્યાદા આવી જતી હોય છે જે ચાતુર્માસ પર્વમાં જરૂરી હોય છે.

ધન્ય છે આપણા પૂર્વજોને જેમણે દરેક તહેવારો આપણા માથા પર ઠોકી બેસાડ્યા નથી, પણ દેશના ભૌગોલિક સ્થાન અને હવામાનને અનુલક્ષીને સમય સમય પર થતાં ફેરફારો સામે તનનું આરોગ્ય અને મનનો ઉત્સાહ ટકી રહે તે માટે બનાવેલા નિયમો છે. અફસોસની વાત તો એ છે કે આ જાતનું જ્ઞાન વિજ્ઞાન આપણને શાળા કોલેજોમાં શીખવવામાં આવતું નથી, એટલે શ્રદ્ધા ઓછી અને અંધશ્રદ્ધા વધતી જાય છે. દરમિયાન આ ભવ્ય સંસ્કૃતિનું અધકચરું જ્ઞાન ધરાવતા લોકો અદાલતમાં એક જનયાચિકા ફટકારી પૂરી જનતાના અરમાનો અને ઉત્સાહ પર ઠંડું પાણી ફેરવી દેતા હોય છે… (સૌજન્ય : મુંબઈ સમાચાર)


ઘોંઘાટ નામની બીમારીનો ઈલાજ કરવો હવે જરૂરી બની ગયો છે

લેખન – સંકલન  : અતુલ એન. ચોટાઈ – રાજકોટ

Voice Pollution

Voice Pollution

જ્ઞાન – વિજ્ઞાનનાં આ યુગમાં કાળા માથાના માનવીએ ઘણી સફળતાઓ મેળવી છે પણ આ વિકાસની બાબતોમાં મર્યાદાનું પાલન ન થવાથી વિકાસની બાબતો સમસ્યા બની સમાજમાં વિપરીત અસર કરે છે અને જેના પરિણામો આપણે સહુએ ભોગવવા પડે છે અવાજનું પ્રદુષણ એ આપણા  સમાજનાં દરેક લોકોને અસર કરતી એક ગંભીર સમસ્યા છે. આજે જાહેર સ્થળોએ મોબાઈલમાં જોર જોર થી વાતો કરવી, ઘરમાં – ઓફીસોમાં – વાહનોમાં જોરજોર થી ગીતો વગાડવા, આપણે ત્યાં ઉજવાતા લગ્ન – સગાઇ – બર્થ ડે જેવા ઘણા પ્રસંગોમાં અવાજ નું પ્રદુષણ ફેલાવવામાં આપણે જરાપણ બાકી રાખતા નથી આપણને મજા આવે છે એટલે બીજાને મજા આવતી જ હશે એવું આપણે માની લઈએ છીએ આજે  જાહેર પ્રસંગોમાં પણ સ્ટીરીયોનો ઘોંઘાટ વધી રહ્યો છે અને આથી વધુ વાહનોમાં મોટા તેમજ મ્યુઝીકલ હોર્ન નો વપરાશ પણ વધતો જાય છે આપણા ધાર્મિક કાર્યકર્મોમાં પણ અવાજનો  ઘણોં અતિરેક થતો જોવા મળે છે કોઈના ઉપર છાપ પાડવા કે દેખાદેખી પાછળ  આપણે તમામ પ્રકારની મર્યાદાઓં ઓળંગી જઈએ છીએ સમાજમાં કાંઈક દેખાડવા પાછળ આપણું પછાતપણું અને આપણે કેટલા શિક્ષિત અને સંસ્કારી છીએ..??  તે પણ બધાને ઉડીને આંખે વળગે છે  જેનું આપણે કયારેય ધ્યાન નથી રાખતા સમાજમાં બનતી આવી બધી ઘટનાઓમાંથી આપણે બોધપાઠ લઈ સમજવાને બદલે આપણે પોતે જ આ બધી બાબતો બાબતો કરવા માંડીએ તો આને બીમારી ન કહીએ તો શું કહીએ…??

માથુ ફાડી નાખે તેવો  ઘોંઘાટ લોકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે તથા આપણા પક્ષીઓ અને પ્રાણીઓના જીવ માટે પણ તે જોખમી સાબીત થઈ શકે છે દેશની સર્વોચ્ચ અદાલત નોઈસ પોલ્યુશન અને પર્યાવરણના મુદ્દા ઉપર ઘણી જ ચિંતીત છે અને તેમણે દેશમા અમુક દિવસોને બાદ કરતા બાકીના દિવસોમાં રાત્રિના ૧૦ વાગ્યા પછી કોઈપણ પ્રકારના પબ્લીક સીસ્ટમ લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુક્યો છે તથા વન વિભાગ હસ્તકની જગ્યા હોય તેની ત્રિજયામાં આ સમય દરમ્યાન પણ નોઈસનું પ્રમાણ કેટલુ હોય તે અંગે પણ નિર્દેશન આપવામાં આવેલ છે આપણે ત્યાં મંગલ કે ધાર્મીક પ્રસંગોની ઉજવણી થાય તે આવકાર્ય બાબત છે પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓની સાથે આપણા સહુના સલામત જીવન જીવવાના અધિકાર ઉપર ખલેલ પહોચાડવાનો કોઈને જરાપણ અધિકાર નથી..

અવાજનું આ પ્રદુષણ વ્યવહારિક દ્રષ્ટિએ તો અયોગ્ય છે જ પણ કાયદાની નજરે પણ અયોગ્ય છે.  બંધારણમાં આ બાબતે પગલા લેવાની જોગવાઈ પણ છે પણ સરકારી તંત્રને આ કામ કરવું નથી, પોલીસ વિભાગમાં મોટેભાગે નાક દબાવ્યા વગર કે પૈસા સિવાય કામ થતું નથી, રાજકીય પક્ષો માટે આ મુદો નથી અને મોટા ગજાના છાપાઓ – ચેનલો માટે આ સમસ્યા મહત્વની નથી, જે લોકોને કરવું છે તેને સમાજના અનિષ્ટ તત્વો કામ કરવા દેતા નથી અને સામાજિક સંસ્થાઓ આંખે થઇ સંબંધ બગડવા નથી માંગતી માટે આ બધા લોકો તરફથી આ સમસ્યાના ઈલાજની અપેક્ષા રાખવી આપણા માટે સાવ વ્યર્થ છે. ઘોંઘાટ નામની બીમારી સમાજના દરેક વ્યક્તિને અસર કરે છે અને આ સમસ્યામાં આપણે ખુદ પણ ઘણા જવાબદાર છીએ. જો આપણે બેસી રહીશું તો આનો ઈલાજ નહિ થાય માટે સહુ પ્રથમ આપણે પોતે જ થોડુક બીજા માટે વિચારીને ચાલીશું તો આ સમસ્યાનો સુખદ નિરાકરણ આવવાની શરૂઆત થશે અને બાકી જે લોકો આ બધું સમજવા નથી માંગતા તેને કાયદા –  કાનુનની ભાષાથી સમજાવવા પડશે માટે જાગ્યા ત્યાંરથી સવાર સમજી ને આ અવાજનાં પ્રદુષણની બીમારીનો ઇલાજ કરી તેને જડમુળથી નાબુદ કરી સમાજના વિકાસમાં સહભાગી બનીએ..!!