ATUL N. CHOTAI

a writer – since 2014


ફ્રાંસની એક મહિલા ૪૦ વર્ષથી હનુમાનજીની પૂજા કરે છે

Mocha Hanuman - Porbandar

Mocha Hanuman – Porbandar

અમદાવાદ : રામાયણમાં ભગવાન રામના સેવક દૂત બનીને રાવણનો સંહાર કરવામાં મદદ કરનારા બળ અને બુધ્ધિના દેવ ગણાય છે વિવિધ દેવતાઓની પૂજા અર્ચના કરતા ભારત દેશમાં સૌથી વધુ મંદિરો હનુમાનજીના જોવા મળે છે. કારણ કે ભાગ્યે જ કોઇ ગામ કે શહેરોનો કોઇ વિસ્તાર જોવા મળે છે જયાં હનુમાનજીનું મંદિર ના હોય.પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે પોરબંદરના માધવપુર પાસે આવેલા મોચા ગામમાં ફ્રાંસની એક હનુમાન ભકત મહિલા છેલ્લા ૪૦ વર્ષથી હનુમાનજીનું મંદિર બનાવીને સેવા પૂજા કરે છે. માધવપુરથી દરિયા કિનારાના રસ્તે જતા મોચા ગામમાં આવે છે. દરિયા પાર હજારો કિમી દૂરથી આવીને મોચા ગામને કર્મભૂમિ બનાવનાર હનુમાન ભકત મહિલા જયારે ભારત આવ્યા ત્યારે માત્ર ૨૨ વર્ષના હતા. તેમણે વર્ષો પહેલા હિમાલય સહિત સમગ્ર ભારતનું ભ્રમણ કર્યા પછી તેઓ પોરબંદર આવ્યા અને મોચા ગામમાં રોકાઇ ગયા હતા. સામાન્ય રીતે મહિલાઓ હનુમાનજીના મંદિરમાં પુજા અર્ચના કરતી નથી ત્યારે તેઓ ભારતની પ્રથમ મહિલા પણ છે હનુમાનજીના મંદિરમાં સેવા પૂજા કરે છે. આ વિદેશી મહિલા ખૂબજ ઓછું બોલે છે પોતે પ્રસિધ્ધિ કે પ્રચારમાં માનતા નથી. તેમણે વ્હાલા વતન ફ્રાંસને છોડીને ભારતમાં વસ્યા ત્યારે જાત જાતની અફવાઓ પણ ચાલતી હતી. કેટલાક ને તો ફ્રાંસ જેવા દેશની વિદેશી મહિલાએ સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં જઇને વસવાટ કર્યો તેની શંકા કુશંકા પણ થતી હતી પરંતુ ૪૦ વર્ષ પછી સૌરાષ્ટ્રના ભાતિગળ જીવનમાં એટલા ઓતપ્રોત થઇ ગયા છે કે તેઓ અસ્સલ કાઠિયાવાડી લહેકામાં સરસ ગુજરાતી બોલી શકે છે. આ ગામમાં માતાજી તરીકે ઓળખાતા ફ્રાંસના આ મહિલા ભારતીય સંસ્કૃતિ અને વિચારોના વાહક બનીને લોકોને હનુમાનજીની ભકિત કરે છે. એટલું જ નહી તેઓ આજુ બાજુના પંથકના લોકોને વ્યસન મુકિતનો મેસેજ આપે છે. દર્શન કરવા આવતા નવ દંપતિઓને કુટુંબ નિયોજન અંગે પણ સમજાવે છે. તેઓ આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ભણાવવા માટે મદદ કરે છે.બાળકોને સાત્વિક ભોજન મળે તે માટે બટુક ભોજન પણ ચલાવે છે. તેમના મંદિર અને આશ્રમની મુલાકાતે અનેક લોકો આવે છે.જો કે આ ફ્રાંસની આ મહિલા પોતાના દેશના સગા સંબંધીઓ સાથે આજે પણ સંપર્કમાં છે. તે અવાર નવાર પોતાના વતન દેશની મુલાકાત પણ લેતા રહે છે.