ATUL N. CHOTAI

a writer – since 2014


સૌરાષ્ટ્રના આ મંદિરે ગણપતી બાપા લોકોની સમસ્યા સાંભળે છે

Ganesh Temple - Dhank

Ganesh Temple – Dhank

સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લામાં ઉપલેટાથી વીસ કિલોમીટર દૂર આવેલા ઢાંક ગામમાં સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું એક એવું મંદિર છે કે જ્યાં દેશ અને વિદેશમાંથી અનેક પત્રો ગુજરાતીમાં તો કોઇ પત્રો હિન્દીમાં આવે છે. દરેક ભક્તો બાપાના મંદિર સુધી પહોંચી શકતા ના હોવાથી ટપાલ દ્વારા આવેલા ભક્તોના પત્રો મંદિરના પૂજારી દિલસુખગીરી ગોસ્વામી એકાંતમાં ગણપતી બાપા સમક્ષ વાંચીને તેમની સમસ્યા ગણપતિ બાપાને સંભળાવે છે. ઢાંકમાં આવેલા ગણપતિ બાપાના આ મંદિરનો ઇતિહાસ બે હજાર વર્ષ પૂર્વેનો છે. હાલ અહીં દરરોજ પચાસથી વધુ પત્રો આવે છે. મંદિરમાં ગણપતિ બાપાનું મુખ ગામ તરફ છે અને પ્રાચીન ગ્રંથ મુજબ આવા ગામો પર કુદરતી આફતો આવતી નથી. મંદિરના પૂજારી જણાવે છે કે ભક્તોની સમસ્યાના પ્રશ્નો પત્ર લખનાર હું અને ગણપતિ દાદા ત્રણ જ જાણીએ છીએ. બે હજાર વર્ષ પહેલા ઢાંક ગામનું નામ પ્રેહ પાટણ હતું. લોકવાયકા પ્રમાણે એક સંતે શાપ આપતા અહીંના ધન – દોલત માટીના થઇ ગયા હતા. આથી આ ગામના લોકો દુખી બની ગયા હતા. ગ્રામજનોએ સંતના શાપમાં થી મુક્તિ મેળવવા ગણપતિ દાદાને પ્રાર્થના કરી અને પ્રેહ પાટણ યથાવત સ્થિતિમાં આવી ગયું. વનવાસ દરમિયાન પાંડવોએ અહીં ગણપતિદાદાના દિવ્ય સ્વરૂપની પૂજા કરી હોવાની લોકવાયકા છે. આ મંદિરે પત્ર મોકલવા નું સરનામું નીચે મુજબ છે

પૂજારી મહારાજ શ્રી,
શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર,
મુ. પોસ્ટ – ઢાંક – ૩૬૦ ૪૬૦
(તા – ઉપલેટા, જી – રાજકોટ)
ગુજરાત – ભારત


ગણપતી બાપાના વાહન એવા ઉંદરો પરીવારના સભ્યોની જેમ સાથે રહે છે

Umeshbhai Ramani

Umeshbhai Ramani

દરેક મંગલ કાર્યમાં જેનું સર્વ પ્રથમ પૂજન થાય છે તેવા વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાની ભકિત ગણેશોત્સવ સમયે બધા કરતા હોય છે પણ અહીં આપણે વાત કરવી છે ગણપતિ બાપાના વાહન એટલે કે મૂષકની.. સામાન્ય રીતે માણસને કૂતરાં, બિલાડા, પોપટ, ગાય, મોર કે કાચબા સાથે દોસ્તી કે આત્મીયતા થઇ જતી હોય છે પણ નટખટ મૂષકની માણસની સાથે દોસ્તી થાય અને મૂષકો પાછા માણસો સાથે જ ઘરમાં પરિવારના સભ્યોની જેમ રહે એ વળી કેવું..? અને એ પણ એક સાથે ૮૦ સફેદ ઉંદરો ની સાથે..!!

રાજકોટના સંત કબીર રોડ પર રહેતા અને બંગડીનું જોબવર્ક કરતા ઉમેશભાઇ રામાણીના ઘરે ૮૦ જેટલા સફેદ ઉંદર છે અને મૂષકરાજ સાથે એમને એવી દોસ્તી થઇ ગઇ છે કે મૂષકો રીતસર ઉમેશભાઇના શરીર પર આળોટે છે અને ઉમેશભાઇ પણ મૂષકોને સંતાનની જેમ સાચવે છે મજૂરી કામ કરતા ઉમેશભાઇ કહે છે કે ચારેક વર્ષ પહેલા ગણેશોત્સવ દરમિયાન બે જોડ સફેદ મૂષકોની લાવ્યો હતો પછી ઉત્સવ બાદ તેને રસ્તા પર છોડતા જીવ ન ચાલ્યો અને ઘરે પિંજરુ રાખ્યું ધીમે ધીમે દર ત્રણ ચાર મહિને મુષકોની જોડ છ થી સાત બચ્ચાને જન્મ આપતી ગઇ અને તેમની વસ્તી વધતી ગઇ ક્યારેક અમુક ઉંદર મોતને પણ ભેટ્યા છે. એક સમયે ઉંદરોનો વંશવેલો ૧૨૫ સુધી પહોચ્યો હતો પણ આજે ૮૦ જેટલા મૂષકો મારા ઘરમાં મારી સાથે રહે છે

મારા ઘરને મારા મીત્રો અને સંબંધીઓ રેટ હાઉસથી વધુ ઓળખે છે ઉમેશભાઇ કહે છે કે દર મહિને ઉંદરો પાછળ હું એક હજાર જેટલો ખર્ચ કરું છું ઉંદરોને કાજુ, બદામ, દૂધ, આઇસ્ક્રીમનો ખોરાક આપવામાં આવે છે. મારા ઘરના નવેળામાં ઉંદરો માટેનો એક અલગ વિભાગ જ કરવામાં આવ્યો છે જેમાં અલગ – અલગ પિંજરા રાખવામાં આવ્યાં છે સફેદ ઉંદરો ઘરમાં છૂટથી હરી ફરી શકે છે તેઓ ક્યાંય ભાગી જતા નથી તે ફળીયામાં ફરતા હોય છે અને  ફરી સમય થાય એટલે નવેળામાં પાછા આવી જાય છે. ગણપતી ઉત્સવ વખતે જે લોકોને ઉંદરો જોઇતા હોય તેને ઉમેશભાઈ ઉત્સવ પૂરતા વિનામૂલ્યે ઉંદર આપે છે જે ઉંદરો આરતીમાં અને પંડાલમાં આટાફેરા કરે છે જેથી લોકોમા એક નવું આકર્ષણ ઉભુું થાય છે તો ચાલો આપણે પણ  ઉમેશભાઈ ની અને ઉંદરો ની દોસ્તી ને સલામ કરીએ..