ATUL N. CHOTAI

a writer – since 2014


ગણપતી બાપાના વાહન એવા ઉંદરો પરીવારના સભ્યોની જેમ સાથે રહે છે

Umeshbhai Ramani

Umeshbhai Ramani

દરેક મંગલ કાર્યમાં જેનું સર્વ પ્રથમ પૂજન થાય છે તેવા વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાની ભકિત ગણેશોત્સવ સમયે બધા કરતા હોય છે પણ અહીં આપણે વાત કરવી છે ગણપતિ બાપાના વાહન એટલે કે મૂષકની.. સામાન્ય રીતે માણસને કૂતરાં, બિલાડા, પોપટ, ગાય, મોર કે કાચબા સાથે દોસ્તી કે આત્મીયતા થઇ જતી હોય છે પણ નટખટ મૂષકની માણસની સાથે દોસ્તી થાય અને મૂષકો પાછા માણસો સાથે જ ઘરમાં પરિવારના સભ્યોની જેમ રહે એ વળી કેવું..? અને એ પણ એક સાથે ૮૦ સફેદ ઉંદરો ની સાથે..!!

રાજકોટના સંત કબીર રોડ પર રહેતા અને બંગડીનું જોબવર્ક કરતા ઉમેશભાઇ રામાણીના ઘરે ૮૦ જેટલા સફેદ ઉંદર છે અને મૂષકરાજ સાથે એમને એવી દોસ્તી થઇ ગઇ છે કે મૂષકો રીતસર ઉમેશભાઇના શરીર પર આળોટે છે અને ઉમેશભાઇ પણ મૂષકોને સંતાનની જેમ સાચવે છે મજૂરી કામ કરતા ઉમેશભાઇ કહે છે કે ચારેક વર્ષ પહેલા ગણેશોત્સવ દરમિયાન બે જોડ સફેદ મૂષકોની લાવ્યો હતો પછી ઉત્સવ બાદ તેને રસ્તા પર છોડતા જીવ ન ચાલ્યો અને ઘરે પિંજરુ રાખ્યું ધીમે ધીમે દર ત્રણ ચાર મહિને મુષકોની જોડ છ થી સાત બચ્ચાને જન્મ આપતી ગઇ અને તેમની વસ્તી વધતી ગઇ ક્યારેક અમુક ઉંદર મોતને પણ ભેટ્યા છે. એક સમયે ઉંદરોનો વંશવેલો ૧૨૫ સુધી પહોચ્યો હતો પણ આજે ૮૦ જેટલા મૂષકો મારા ઘરમાં મારી સાથે રહે છે

મારા ઘરને મારા મીત્રો અને સંબંધીઓ રેટ હાઉસથી વધુ ઓળખે છે ઉમેશભાઇ કહે છે કે દર મહિને ઉંદરો પાછળ હું એક હજાર જેટલો ખર્ચ કરું છું ઉંદરોને કાજુ, બદામ, દૂધ, આઇસ્ક્રીમનો ખોરાક આપવામાં આવે છે. મારા ઘરના નવેળામાં ઉંદરો માટેનો એક અલગ વિભાગ જ કરવામાં આવ્યો છે જેમાં અલગ – અલગ પિંજરા રાખવામાં આવ્યાં છે સફેદ ઉંદરો ઘરમાં છૂટથી હરી ફરી શકે છે તેઓ ક્યાંય ભાગી જતા નથી તે ફળીયામાં ફરતા હોય છે અને  ફરી સમય થાય એટલે નવેળામાં પાછા આવી જાય છે. ગણપતી ઉત્સવ વખતે જે લોકોને ઉંદરો જોઇતા હોય તેને ઉમેશભાઈ ઉત્સવ પૂરતા વિનામૂલ્યે ઉંદર આપે છે જે ઉંદરો આરતીમાં અને પંડાલમાં આટાફેરા કરે છે જેથી લોકોમા એક નવું આકર્ષણ ઉભુું થાય છે તો ચાલો આપણે પણ  ઉમેશભાઈ ની અને ઉંદરો ની દોસ્તી ને સલામ કરીએ..


રાજકોટ નો એક એવો ગણેશોત્સવ જ્યાં મૂર્તિનું વિસર્જન કરાતું નથી

Ganpati Bapa

Ganpati Bapa

સમગ્ર ગુજરાતમાં ધામેધૂમે, વાજતે – ગાજતે શોભાયાત્રાઓ કાઢી શ્રધ્ધા – ભાવ સાથે ભાવિકો દ્વારા ગણપતિજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટમાં રૈયા ચોકડી પાસે આવેલા જીવન નગર ખાતે આયોજિત ગણેશ મહોત્સવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અહીંયા ગણપતિજીની સ્થાપનાના સમયે અર્થાત ગણેશોત્સવનાં પ્રારંભે કે સમાપનનાં દિવસે પણ શોભાયાત્રા કાઢવામાં આવતી નથી એટલું જ નહીં ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવતું નથી ગણેસોત્સવમાં ફટાકડાં ફોડી અવાજનું કે અબીલ – ગુલાલ કે અન્ય રંગો ઉડાડી વાતાવરણમાં પ્રદૂષણ કરવામાં આવતું નથી ફટાકડાનો ઘોંઘાટ કે અબીલ – ગુલાલ કે રંગો ઉડાડીને વાતાવરણને અને વિસર્જનથી પાણીને પ્રદૂષિત કરવામાં આવતું નથી

જીવન નગર વિકાસ સમિતિ દ્વારા આ  પ્રેરક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે આ સમીતી ના હોદ્દેદારો ના જણાવ્યા મુજબ  આશરે ૮૦૦ વારની વિશાળ જગ્યામાં પંડાલ ઉભો કરીને ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે દર્શનાર્થીઓ માટે ૨૫ બાંકડા મૂકવામાં આવ્યા છે. અને આ આયોજનની ખાસિયત એ છે કે કોઇને પણ મુશ્કેલી ન થાય, વાતાવરણમાં કે પાણીમાં પ્રદૂષણ ન ફેલાય તે સહિતની બાબતોનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે ગણેશોત્સવનાં પ્રારંભે ડી.જે  મ્યુઝિક સિસ્ટમ કે ફટાકડાં, બેન્ડવાજા કે કોઇપણ પ્રકારનાં અવાજ કે ઘોંઘાટ વગર શાંતિપૂર્ણ રીતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અને ટ્રાફિકને અડચણ થાય તે માટે શોભાયાત્રા કાઢવામાં આવતી નથી પંડાલ આસપાસ રહેવાસીઓને પણ કોઇ મુશ્કેલી ન પડે તે માટે ઓછા અવાજે, માત્ર એક નાના સાદા માઇક દ્વારા ગણપતિની આરતી, સ્તુતી ગાવામાં આવે છે. ગણેશોત્સવનાં દિવસો દરમિયાન કોઇપણ પ્રકારનાં એવા કાર્યક્રમો યોજવામાં આવતા નથી જેનાથી લોકોને ખલેલ પડે કે મુશ્કેલી થાય દરરોજ  પ્રસાદી વિતરણ બાદ પ્રસાદ વધે તો નજીકની ઝુંપડપટ્ટીમાં ગરીબ પરિવારોનાં બાળકોને આપી દેવામાં આવે છે.

ગણેશોત્સવનાં સમાપને પણ ગણપતિજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવતી નથી કે અબીલ – ગુલાલ કે કલર ઉડાડવામાં આવતા નથી ગણપતિજીની મૂર્તિને સોસાયટીનાં જ એક મકાનમાં સુરક્ષિત રીતે રાખી દેવામાં આવે છે જેથી આવતા વર્ષે ફરી આ મૂર્તિને પંડાલમાં બિરાજીત કરી શકાય અને મૂર્તિ પણ ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવી છે. લોકોને અને  પ્રકૃતિને કોઇપણ પ્રકારે વિઘ્ન ન થાય તેવા આ પ્રેરક આયોજનને લોકો પણ બીરદાવી રહયા છે. ગણેશોત્સવની ઉજવણીનું મહત્વ વધવા સાથે જે પ્રકારે ભપકેદાર આયોજનો પણ થઇ રહ્યા છે તે જોતા જીવન નગર ના આ ગણપતિ મહોત્સવમાં ભપકો નહીં પણ ભાવ વધુ દેખાઇ આવે છે.