ATUL N. CHOTAI

a writer – since 2014


સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ટ્રેનનો પાવો 1880 માં ગોંડલમાં વાગ્યો હતો

Gondal Railway Station

Gondal Railway Station

ભારતીય રેલવેના જાજરમાન ગૌરવાન્વિત ઇતિહાસમાં ગોંડલ રેલવેનું અતિ મહત્ત્વનું પ્રદાન છે ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવીએ યાતાયાત તેમજ જનપરિવહન માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલ કરી 189 માઇલના અંતરમાં મીટર ગેજ રેલવે ટ્રેક બિછાવી આજથી 135 વર્ષ પહેલા 18મી ડિસેમ્બર 1880 માં સૌ પ્રથમ ટ્રેન દોડતી કરી હતી જનતા માટે આ સમાચાર હર્ષની હેલી સમાન બની ગયા હતા ઇતિહાસમાં ડોકીયુ કરાવતા વિનોદભાઇ રાવલ જણાવે છે કે સૌરાષ્ટ્રમાં રેલવે લાઇનો વીસ્તારવાનો સૌ પ્રથમ વિચાર ત્રણ વ્યક્તિને આવ્યો હતો જેમાં મુંબઇ પ્રાંતના ગર્વનર રિચાર્ડ ટેમ્પલ, ગોંડલના રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવીને વિચાર આવ્યો હતો. આપણે રાજાશાહી તેમજ અંગ્રેજોને ભાંડવાની એક પણ તક જતી કરતા નથી પરંતુ જે સમયે જે.સી.બી જેવા અર્થમુવર્સ કે યાત્રીક સાધન સરંજામની ઉપલબ્ધિ ન હતી ત્યારે દેશી રાજવીઓ અને અંગ્રેજોએ સાથે મળીને 2235  કિલોમીટર રેલવે ટ્રેક બિચ્છાવ્યા હતા


ટીપે ટીપે ખેતી થાય નું સૂત્ર ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ સાર્થક કરે છે

Trakuda Village Farming - Gondal

Trakuda Village Farming – Gondal

ગોંડલ : આશરે ૨ હજારની વસ્તી ધરાવતા ગોંડલ તાલુકાના નાનકડા એવા ત્રાકુડા ગામમાં ૭૬૬ જેટલા ખેડૂતો કપાસ, મગફળી, ઘઉં, તરબુચ, શાકભાજીની ખેતી કરીને આજીવિકા રડે છે. આ પૈકીના ૨૫૦થી વધુ કિસાનોએ ટપક સિંચાઇ અપનાવી જ્યારે બાકીના ખેડૂતોએ પણ આ પદ્ધતિથી ખેતી કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે  આમ સંપૂર્ણ ગામ પરંપરાગત વરસાદ આધારિત ખેતી કરવાને બદલે આધુનિક ટપક સિંચાઇ પિયત પદ્ધતિ અપનાવી એક આદર્શ ગામનું ઉદાહરણ બન્યું છે. ગોંડલ તાલુકાનાં ખેતીવાડી અધિકારીશ્રી એ જણાવ્યું હતું કે ભારતના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે કયારેક સારું ચોમાસુ ન થવાથી ખેડૂતોના ખેતરો સુકાઇ જતા હોય છે હજુ પણ આપણા અશિક્ષિત કિસાનો ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી ઘણી વખત ખેડૂતોને પૂરતા જ્ઞાનના અભાવે પણ આધુનિક પિયત પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી અને એટલે જ અમે અમારા તાલુકાના કોઇ એક ગામને સંપૂર્ણ ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરે તે માટેના પ્રયત્ન શરૂ કર્યા અને આ માટે અમે ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ પસંદ કર્યુ  ત્રાકુડાનાં ખેતરોમાં કૂવા, ખેત તલાવડીમાં પાણી હોય છે જેથી ખેડૂતોને પાણીની ચિંતા નથી પણ આ પાણી ખેતરોમાં પહોંચાડવાની સમસ્યા જ રહે છે. રાજ્ય સરકાર અને ખેત ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ત્રાકુડાના નાના અને સીમાંત ખેડૂતોને ટપક સિંચાઇ ૯૦ ટકા જેટલી ખાસ સહાય અપાઇ જયારે મોટા ખેડૂતોને ટપક સિંચાઇ માટે ૮૦ ટકા સહાય આપવામાં આવે છે. પ્રોત્સાહક યોજનાથી પ્રેરાઇને કોઇ એક – બે નહીં પરંતુ પૂરા ૨૬૬ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી લીધી છે જયારે બાકીના ૫૦૦ જેટલાં ખેડૂતોએ પણ ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી લેવાનો સંકલ્પ કર્યો છે. આગામી ખરીફ સિઝનમાં સંપૂર્ણ ગામનાં ખેતરોને ટપક સિંચાઇ પદ્ધતિ અમલી બનાવી દેવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.


છેલા પાંચ વર્ષથી કબૂતરો અને ચકલી જેવા પંખીઓ માટે ગોંડલ નો યુવાન સળીઓ વીણે છે

Gondal Young People

Gondal Young People

ગોંડલ : પોતાના માળા માટે સળી વિણી રહેલો કબુતરનો અકસ્માત નજરે નિહાળતા રાજકોટ જિલ્લા ના ગોંડલ શહેરનાં એક યુવાન વેપારીએ વ્યથીત થઇ જવા પામ્યા હતા. કબૂતરનાં અકસ્માતની ઘટનાએ આ યુવાનોનું હૃદય પરિવર્તન કર્યું હોય તેમ છેલ્લાં પાંચ વર્ષથી આ યુવાનો કબૂતર, ચકલીઓ અને અન્ય પંખીઓ માટે સળીઓ વિણવાનું કામ કરી રહ્યા છે. ગોંડલ શહેર ની નાની બજાર માં આવેલા જે.કે. કોમ્પલેક્સમાં જ પંખીઓનાં માળા, પાણીના કુંડા મુકી અનોખી સેવા કરી રહ્યા છે. અલબત પંખીઓની ચરક ને તેઓ રંગોળી માની રહ્યા છે. ગોંડલની નાની બજારમાં જે.કે. માર્કેટ નામનું કોમ્પલેક્સ આવેલ છે જેમાં ડ્રેસ તેમજ અન્ય વસ્તુઓનો વેપાર કરતાં કાનભાઇ તન્ના, હિતેષભાઇ તન્ના, કૌશિકભાઇ ખાખરીયા, કેતનભાઇ મોવલિયા, અલીભાઇ ભાઇજી, હિતેષભાઇ તન્ના, તેમજ મુકેશભાઇ તન્ના પાંચ વર્ષ પહેલાં સર્વે પોત પોતાની દુકાનમાં ગ્રાહકોને સમજાવી રહ્યા હતા. ત્યારે બજારમાં પૂરપાટ ઝડપે મારૃતિ ઝેન ગાડી નીકળી હતી અને યુવા વેપારીઓની નજર સામે જ ‘માળા માટે સળી વિણી રહેલ’ કબુતરને કચડીને જતી રહેતા યુવા વેપારીઓ વ્યથિત બની ગયા હતા અને યુવાનોએ મનોમન સંકલ્પ કર્યો કે કોંક્રીટના આ જંગલમાં પક્ષીઓને દુઃખી થવા નથી દેવા… અને ત્યારથી શરૃ થયો એક અનોખો સેવાયજ્ઞા..!! ઉપરોક્ત પક્ષીપ્રેમી યુવા વેપારીઓએ રાજવી પેલેસ, સ્મશાન તેમજ ગ્રામ્ય રસ્તાઓ પરના વૃક્ષો નીચે જઇ સળીઓ એકઠી કરવાનું શરૃ કર્યું અને જ્યાં જ્યાં પંખીઓ માળો બાંધવાનું જણાય ત્યાં સળીઓ વેરે છે. તેઓના આ ઉમદા સેવા કાર્યથી આજે જે.કે. માર્કેટ કોમ્પલેક્સમાં જ ૫૦ થી પણ વધારે કબૂતર-ચકલીઓ ઉછરી રહ્યા છે. પંખીઓ માટે માળા સમાન પેટીઓ, પાણીના કુંડા તેમજ ઘઉં, બાજરો, જુવાર તેમજ મકાઇ સહિતની ચણો રાખવામાં આવી છે. પંખીઓના કલરવ અને કબૂતરનાં ઘુઘવાટને વેપારી યુવાનો પોતાનો પારિવારીક આવકાર માની રહ્યા છે. પંખીઓ હોય ત્યાં ચરક તો જરૃર થવાની ચરકને પણ વેપારીઓ રંગોળીઓ માની પોતાના માટે શુકનવંતી ગણી રહ્યા છે. શહેર તાલુકાની જનતાને પંખીઓ માટે માળા સમાન પેટી, કુંડા તેમજ ચણની જરૃરત  હોય તો તે જરૃરીયાત પુરી કરવા પણ યુવાનોએ જણાવ્યું છે


ગોંડલ રાજયમાં સાયકલ ચલાવવા માટે પણ લાયસન્સ લેવું પડતું

Cycle License in Gondal

Cycle License in Gondal

ગોંડલ : એક જમાને વિલાયતી નળિયાવાળું ઘર, સાયકલ, ટ્રાન્ઝિસ્ટર રેડિયો જેના પાસે હોય એ શાહુકાર ગણાતો હતો. આમ છતાં આ ”લકઝરી” લાઈફ દરેકને નસીબ ન હતી! કોઈ વ્યક્તિ સાયકલ લઈને ગામમાં નીકળે તો લોકો અચંબિત થઈ જતા હતા. માનશો?, ગોંડલ સ્ટેટમાં રાજાશાહી યુગ એટલે કે, ૧૯૩૦ની સાલમાં લેવું પડતું હતું! સાયકલ ધારકને મહારાજા ઠાકોર સાહેબ સર ભગવતસિંહજીની સહી વાળું નવ પાનાની પુસ્તિકાવાળુ લાયસન્સ યાને કે પરવાનો આપવામાં આવતો હતો! જેમાં દર્શાવેલા ૧૪ નિયમોનું સાયકલીસ્ટે ચૂસ્ત પણે પાલન કરવું ફરજિયાત હતું. એનું ઉલ્લંઘન કરનાર સામે કેસ દાખલ થતો હતો અને ગુનો સાબિત થયે પાંચ રૃપિયા મહત્તમ દંડ થતો હતો જે યુગમાં આમ પરિવહન માટે બળદગાડાં, ઘોડાગાડીનું ચલણ હતું ત્યારે સાયકલ અસ્તિત્વમાં આવી હતી, ભઈ, પગપાળા જવાનું હોય એમાં થાકી જવાય એ સમયે સાયકલ હાઈસ્પીડ વાહન લેખાતું હતું. ત્રીસથી ચાલીસ રૃપિયામાં સાયકલ મળતી હતી, કેટલાક લોકો સાયકલ ખરીદી તેને શણગારતા હતાં! એ જમાને લોકોનો એક પગાર જેટલી સાયકલની કિંમત હતી. જેના ઘરે સાયકલ હોય એ ‘ટોક ઓફ ધ વીલેજ- ટાઉન” ગણાતા હતાં. એમના દીકરા દીકરીની જલદી સગાઈ થઈ જતી હતી!! એંસી વર્ષની જૈફ ઉમર ધરાવતા હૃદયકાંતભાઈ રાવલ કહે છે કે એ જમાને ધનાઢય લોકોને જ સાયકલ નસીબ હતી એ યુગમાં મેં લોન લઈને સાયકલ ખરીદી હતી ગોંડલ સ્ટેટમાં કોઈ વ્યક્તિ ”ધૂમ સ્ટાઈલ”થી સાયકલ ચલાવે તો તેનું લાયસન્સ જપ્ત થઈ જતું હતું. એ જમાને ગોંડલ રાજયમાં સાયકલ ચલાવવા માટે પણ લાયસન્સ લેવું પડતું હતું. આ લાયસન્સ બુકમાં સાયકલ પરિચાલન માટે નિયમો દર્શાવવામાં આવતા હતાં. સાયકલ સવારી કરનારને પોલીસ સંકેત આપે તો ઉભી રાખવી પડતી હતી. સાયકલનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું. દરેક સાયકલને નાનકડી નંબર પ્લેટ અપાતી હતી. જો રાત્રે સાયકલ ચલાવવી હોય તો આગળ ”ટમટમિયું” અથવા લેમ્પ રાખવો પડતો હતો અને ડાયનેમો સાયકલ જોડે ”ઈન બિલ્ટ” રાખવો પડતો હતો. કેટલાક શોખિનો સાયકલમાં ”ડીડીટ” પણ ફીટ કરાવતા હતા ગોંડલ સ્ટેટની સાયકલ લાયસન્સ પુસ્તિકાને કુલ ૯ પાના રહેતા હતા જેમાં સાયકલ ચલાવવા માટે કુલ ૧૪ નિયમોની નિમવાવલી દર્શાવવામાં આવતી હતી. કોઈ સાયકલ ધારક આ નિયમોનો ભંગ કરે તો તેની સામે ન્યાયીક અદાલતી કાર્યવાહી થતી હતી જો મેજીસ્ટ્રેટ સમક્ષ ગુનો સાબિત થાય તો પાંચ રૃપિયા દંડ થતો હતો જૂના જમાનાની ફિલ્મો જોશો તો એમાં પણ સાયકલનો દબદબો રહેતો હતો. કેટલીય મહિલાઓએ પતિ સાયકલ ચલાવતો હોય અને પોતાનો ‘ભાર’ ખેંચતો હોય એવી સાયકલ સવારી માણી લીધી છે. અગાઉના જમાનામાં સાયકલની જેમ રેડીયો રાખવાનું પણ લાયસન્સ લેવું પડતું હતું જો કે ૧૯૮૦ પછી આ પ્રથા રદ થઈ હતી. સાયકલ સવારે ટ્રાફિકના નિયમોનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેતું હતું. સાયકલ થકી કોઈ અન્યને ઈજા પહોંચે એમ બેફિકરાઈથી સાયકલ ચલાવવી એ ગુનો બનતો હતો અને ન્યાયીક અદાલતમાં પાંચ રૃપિયા સુધી દંડ થતો હતો!


ગુજરાતનું આ ગામ દિવંગતોના આત્માની શાંતિ માટે દરરોજ ભજન કરે છે

Sultanpur Bhahan Mandli

Sultanpur Bhahan Mandli

આજના ટેકનીકલ યુગમાં માનવી પાસે સમયનો અભાવ જોવા મળી રહ્યો છે. રૂપિયા કમાવાની લાલચ પાછળ લોકો આંધળી દોડ મુકી રહ્યા છે. ત્યારે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં રામદેવ ધૂન મંડળના યુવાનો દિવસે તનતોડ મહેનત કરી રાત્રે ગામના દિવંગત આત્માની શાંતિ માટે સત્સંગ, ધૂન અને ભજનના કાર્યક્રમો યોજે છે. ભજનના કાર્યક્રમમાં એકઠા થયેલા રૂપિયા મુંગા પશુ-પંખીઓ તથા ગરીબ લોકોને ભોજન કરાવી પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે. ગામના દિવંગત આત્માને સદગતી મળે તે માટે રામધૂન કરી ધાર્મિક વાતાવરણ અને ધર્મના વિચારો ફેલાવી એકતા અને ભાઇચારો ફેલાવવાનો પરમાર્થ કરી રહ્યા છે.

આજના ફાસ્ટ યુગમાં મોબાઇલ કોમ્પ્યુટરમાં વ્યસ્ત રહેતા યુવાનો જોવા મળી રહ્યા છે. ત્યારે સુલતાનપુર ગામના આ યુવાનોની સેવાકીય કરતા હોવાથી તેમને નમસ્કાર કરવાનું મન થાય. યુવાનો ગાયો માટે ચારો, પંખીઓ માટે ચણ તથા અનાથ, વિકલાંગ અને મંદબુધ્ધિના બાળકો માટે ફંડ એકત્ર કરે છે. તેમજ ગરીબ લોકોને પણ આર્થીક રીતે મદદ કરી રહ્યા છે. સુલતાનપુર ગામમાં કોઇ વ્યક્તિનું મોત નિપજે તો સ્વર્ગસ્થના ઘરે જઇને પરિવારજનોને શાંતિ અને આશ્વાસન મળે તે માટે રાત્રે રામધૂન કરે છે. યુવાનો દિવસે શારીરિક શ્રમ કરે અને રાત્રે સત્સંગ કરી મનની શાંતિ મેળવે.

દરેક ગામમાં મંડળો હોય પરંતુ સુલતાનપુરનું આ ધૂન મંડળ આજના યુવાનો અને સમાજને નવી રાહ ચિંધે છે. આજની નવી પેઢીને પતનની ગતિમાં ધકેલાઇ જતી રોકવાનો એકમાત્ર ઉપાય સદાચારના વિચારો છે. જે રામદેવ ધૂન મંડળના યુવાનો કરી રહ્યા છે. આખા વર્ષ દરમિયાન મંડળ દ્વારા જે કંઇ ફંડ એકત્ર થાય તે અનાથ આશ્રમમાં બ્લેન્કેટ તથા મિઠાઇનું વિતરણ કરી વાપરે છે. તેમજ મંદબુધ્ધિ ધરાવતા લોકોની દર વર્ષે મુલાકાત લે છે. અને ગૌશાળાઓમાં ઘાસચારો પણ યુવાનો પહોંચાડે છે. (તસવીર : કમલેશ રાવરાણી – સુલતાનપુર)


એક સદીથી પ્રાથમિક શિક્ષણનો દીપ અખંડ પ્રજ્જવલિત રાખતી ૧૦૦ શાળાઓ

Government School

Government School

 :: આલેખન :: 
દર્શન ત્રિવેદી
પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,
રાજકોટ 

ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીની પ્રાથમિક શાળાઓ છે. આપણી અણમોલ વિરાસત ભારતમાં શિક્ષણનું મહત્‍વ જેટલું વૈદિક કાળમાં હતું એટલું જ મહત્‍વ આજે પણ છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોએ તો સમગ્ર વિશ્વમાં નામના મેળવી હતી. એ પૈકીની વલ્‍લભી વિદ્યાપીઠ આપણા સૌરાષ્‍ટ્રમાં હતી. આવી પ્રાચીન યુનિવર્સિટીનો વારસો ધરાવતા સૌરાષ્‍ટ્રમાં શિક્ષણ અને કેળવણીનું આજેય આગવું મહત્‍વ છે. શિક્ષણની આ પરંપરા આજપર્યંત ચાલી આવે છે. એ વાત અલગ છે કે વલ્‍લભી વિદ્યાપીઠ કાળની ગરતામાં ધકેલાઇ ગઇ. પણ, રાજકોટ જિલ્‍લામાં આવેલી સૈકા જુની શાળાઓ કંઇ વલ્‍લભી વિદ્યાપીઠથી કમ નથી. આવી સો પ્રાથમિક શાળાઓ છે, જેમણે દાયકાઓથી શિક્ષણનો દીપ અખંડ પ્રજ્જવલિત રાખ્‍યો છે.

ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીનો શિક્ષણ પ્રેમ જાણીતો છે. એમણે તો પોતાના રાજ્યના શાળાએ ન જનાર બાળકના વાલીને દંડ કરવાની જોગવાઇ કરી હતી. એના કારણે આજે સૌથી વધુ જૂની શાળાઓ ગોંડલ તાલુકામાં છે. જેમાં ૧૮૫૩માં સ્થાપાયેલી એસ. એસ. અજમેરા પ્રાથમિક શાળા તો રાજકોટ જિલ્લાની સૌથી જૂની શાળા છે. આ ઉપરાંત મોંઘીબા કન્યા તાલુકા શાળા નંબર-૩, દેરડી, સુલતાનપુર, શિવરાજગઢ, મોવિયા કુમાર શાળા નં.૧, મોટા દડવા, ચરખડી, ગોંડલ ચોવટિયા શાળા, દેવળા, ગોંડલ શાળા નં. ૧, કોલીથડ, ગોમટા, કેશવાળા, બાંદરા, પાટીદડ, રીબડા, શ્રીનાથગઢ, શેમળા, વાછરા, મસીતાળા, ત્રાકુડા, આંબરડી, દાળિયા બંધિયા, કમઢીયા, કમરકોટડા, વેજાગામ અને બિલડીની પ્રાથમિક શાળા એક સદી કરતા પણ વધુ સમયથી કાર્યરત છે. આ શાળાઓ આજે ઐતિહાસિક વિરાસત સમાન છે. જ્યોર્જીયન બાંધકામ શૈલી ધરાવતી આ શાળાઓની ઇમારતો આજેય અડીખમ છે.

ધોરાજી તાલુકામાં મોટી પરબડી, નાની પરબડી, છાડવાવદર, સુપેડી, મોટી વાવડી, મોટી મારડ, વાડોદર, ભાડેર, પાટણવાવ, કલાણા, છત્રાસા, ધોરાજી શાળા નં.૧ સો વર્ષ જૂની શાળા છે. કોટડા સાંગાણીમાં મહેતા કુમાર શાળા અને તાલુકા શાળા, અરડોઇ, રામોદ, અનિડા વાછરા, નવી મેંગણી, રામપરા, ભાડવા ગામની પ્રાથમિક શાળાઓ શતક જૂની છે. પડધરી તાલુકાની પડધરી પ્રાથમિક શાળા, સરપદડ, થોરિયાળી, વિસામણ, હડમતિયા, ખોડાપીપર ગામની શાળાઓ પણ સો વર્ષ પહેલા સ્થાપાયેલી છે.

જામકંડોરણાની કન્યા અને કુમાર શાળા, રાયડી, દૂધીવદર, ખજુરડા, સોડવદર, દડવી, ચરેલ, ચિત્રાવડ અને વાવડી ગામની પ્રાથમિક શાળા સો વર્ષ જૂની છે. ઉપલેટા તાલુકામાં જોઇએ તો ભાયાવદર કુમાર અને કન્યા શાળા, ઢાંક કુમાર અને કન્યા શાળા, ગાણોદ, કોલકી, વરજાંગજાળિયા, ખાખી જાળિયા, મેરવદર, લાઠ, ખીરસરા, તણસવા, ભીમોરા, ભાંખ, ચરેલિયા અને અરણી ગામની શાળા પણ સો વર્ષ જૂની શાળાની યાદીમાં આવે છે. આ ઉપરાંત લોધિકાની ચાંદલી, ચીભડા, વાઘપર, ખાંભા, ખીરસરા, નગરપીપળિયા, પાળ, પીપરડી અને જસદણ તાલુકાની આટકોટ, જસદણ કુમાર શાળા, ભાડલા, ભડલી, કુંદણી, સાણથલી, કાળાસર, વીરનગર, કાનપર, ભંડારિયા, ડોડીયાળા, પાંચવડા, અજમેરા ગામની શાળાઓ સો વર્ષ કરતા પણ વધુ સમયથી કાર્યરત છે. આમ જોઇએ તો ધોરાજીમાં ૧૨, ગોંડલમાં ૨૯, કોટડા સાંગાણીમાં ૮, પડધરીમાં ૬, જામકંડોરણામાં ૯, ઉપલેટામાં ૧૬, લોધિકામાં સાત અને જસદણ તાલુકામાં ૧૩ શાળાઓ છે. તાજેતરમાં રાજકોટમાંથી છૂટા પડેલા મોરબીમાં ૧૨, માળિયામિંયાણામાં ૧૦ અને વાંકાનેર ૧૪ શતક જૂની પ્રાથમિક શાળાઓ છે.

આ તો થઇ સદીઓ જુની શાળાઓની વાત, પરંતુ જેમ શિક્ષણની જ્યોત જગાવનાર સર ભગવતસિંહજી શાળામાંથી બાળકને ઉઠાડી મુકનાર વાલીને દંડ કરતા તેમ રાજય સરકાર છેલ્‍લા ૧૦ વર્ષથી શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ થકી શિક્ષણમાં ગુણાત્‍મક સુધારાના અભિગમની પરંપરા જાળવી રાખી છે. શિક્ષણ પ્રત્‍યે વાલીઓ અને બાળકો સંવેદનશીલ બને તેવા પ્રયત્‍નો સુધી સીમિત ન રહેતા રાજય સરકારે પ્રાથમિક શાળાઓને વીજળી, પાણી, નવા ઓરડા, આધુનિક સાધનો, શૌચાલયો જેવી સુવિધાઓથી સજ્જ કરી છે. બેશક, ખાનગી શાળાઓની હરોળમાં સરકારની પ્રાથમિક શાળાઓ આવવા લાગી છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે રાજય સરકાર ઘ્વારા કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ ઉજવાતા હોય છે ત્‍યારે પ્રત્‍યેક વાલીની ફરજ બને છે કે પોતાના બાળકનું શાળામાં નામાંકન કરાવે. બાળક ભણશે તો તેના પરિવાર તથા દેશનું ભવિષ્‍ય ઉજ્જવળ બનશે…


ગણપતિ ઉત્‍સવના ઓવરડોઝથી મારૂ કાળજુ બળે છે..

Sairam Dave

Sairam Dave

– સાઈરામ દવે

હે મારા પ્રિય ગણપતિપ્રેમી ભકતો,

હું આજે તમને એક ઇ-મેઇલ કરવા બેઠો છું. તમારા સુધી કોઇક તો પહોંચાડશે જ એવી આશા સાથે. તમે લોકો છેલ્લાં ઘણા વષોથી ગણપતિ ઉત્‍સવ ઉજવો છો એનાથી હું આમ તો ખુબ રાજી છું. પણ છેલ્લા ૧૦ વરસના ઓવરડોઝથી મારૂં કાળજું બળે છે. માટે જ આ ઇ-મેઇલ લખવા પ્રેરાયો છું.

તમને યાદ તો છે ને કે ઇ.સ. ૧૪ મી સદીમાં સંત મોર્ય ગોસાવીએ પુણે પાસે મોરગાવમાં મારું પ્રથમ મંદિર મોર્યેશ્વર બનાવ્‍યું ત્‍યારથી લોકો ગણપતિબાપા મોર્યને બદલે મોરિયા બોલતા થયા. તમે ભુલી ગયા કે મુગલો સામે હિન્‍દુત્‍વને એકઠું કરવા ઇ.સ. ૧૭૪૯ માં શિવાજી મહારાજે કુળદેવતા તરીકે ગણપતિને સ્‍થાપી પુજા શરૂ કરાવી. તમને યાદ જ હશે કે ઇ. સ. ૧૮૯૩ માં બાળ ગંગાધર ટિલકે મુંબઇના ગિરગાંવમાં સાર્વજનિક ગણેશ ઉત્‍સવથી અંગ્રેજો સામે ભારતને સંગઠીત કરવા આ ઉત્‍સવને ગરિમા બક્ષી. વળી પુણેમાં દગડુ શેઠે મારી ઘરમાં પધરામણી કરાવી ત્‍યારથી મને દગડુશેઠ તરીકે પ્રસિધ્‍ધિ મળી.

મારા આ ઉત્‍સવ સાથે ભારતને એક કરીને જગાડવાના કામના શ્રી ગણેશ ટિળકજીએ માંડયાતા પણ તમે લોકોએ હવે મારો તમાશો કરી નાખ્‍યો છે. અરે યાર.. શેરીએ શેરીએ ગણપતિની પધરામણી કરો છો.. તમારીયે શ્રધ્‍ધાને વંદન પરંતુ એકબીજાને બતાવી દેવા..?? સ્‍પર્ધા કરવા..?? તમે લોકો તો મારા નામે શકિત પ્રદર્શન કરવા લાગ્‍યા છો. આ ઉત્‍સવથી ભારતનું ભલું થાય એમ હતું. એટલે આજ સુધી મેં આ બધું ચાલવા દીધું છે.

આ ગણપતિ ઉત્‍સવનો સોસાયટીઓની ડેકોરેશન કે જમણવારની હરીફાઇઓ માટે હરગિજ નથી. જેમને ખુરશી સિવાય બીજા એકપણ દેવતા સાથે લેવા દેવા નથી તેઓ મારા ઉત્‍સવો શા માટે ઊજવી રહ્યા છે..?? આઇ એમ હર્ટ પ્‍લીઝ.. મારા વ્‍હાલા ભકતો, સંપતિનો આ વ્‍યય મારાથી જોવાતો નથી. આખા દેશમાં ગણપતિ ઉત્‍સવ દરમ્‍યાન અગરબતીની દુકાનમાં લાઇન, મીઠાઇની દુકાનમાં લાઇન, ફુલવાળાને ત્‍યાં લાઇન અરે યાર.. આ બધું શું જરૂરી છે..?? માર્કેટની ડિમાન્‍ડને પહોંચી વળવા નકલી દૂધ કે માવાની મીઠાઇઓ ડેરીવાળા પબ્‍લિકને બટકાવે છે અને પબ્‍લિક મને પધરાવે છે. હવે મારે ઇ ડુપ્‍લીકેટ લાડુ ખાઇને આશીર્વાદ કોને આપવા અને શ્રાપ કોને આપવા..?? કહો મને..??
શ્રધ્‍ધાના આ અતિરેકથી હું ફ્રસ્‍ટ્રેટ થઇ ગયો છું. એક ગામ કે શહેરમાં પ૦ કે ૧૦૦ ગણપતિ ઉજવાય એના કરતાં આખું ગામ કે શહેર કે બધી સોસાયટીઓ ભેગા મળીને એક ગણપતિ ઉજવે તો મારો સંત મોર્ય ગોસાવીનો, બાળ ગંગાધર ટિળક કે દગડુશેઠ અને શિવાજી મહારાજનો આત્‍મા રાજી થાય. અને ત્‍યાં પણ ડિસ્‍કો અને ફિલ્‍મની પાર્ટીઓ નહીં, રાષ્‍ટ્રભકિત અને સંસ્‍કૃતિનું ગાન થાય તો જ… હો..

વહાલા ગણેશ ભકતો, દુઃખ લગાાડતા, પણ હું તમારું એન્‍ટરટેઇનમેન્‍ટ નથી, હું તમારા દરેક શુભ કાર્યની શરૂઆતનો નિમિત છું અને તમે મારા ઉત્‍સવોથી મને જ ગોટે ચડાવી દીધો છે. મેં મોટું પેટ રાખ્‍યું જેથી હું દરેક ભકતની વાત અને સુખ દુઃખને સાગરપેટો બનીને સાચવી શકું. પણ તમે લોકો તો મોટા પેટનું કારણ ભૂખ સમજીને ટનના મોઢે મને લાડવા દાબવા માંડયા. મેં મોટા કાન રાખ્‍યા જેથી હું દરેક ભકતની ઝીણામાં ઝીણી વાત પણ સાંભળી શકું પણ તમે લોકો તો ૪૦૦૦૦ વોટની ડી. જે. સીસ્‍ટમ લગાડીને મારા કાન પકાવવા લાગ્‍યા છો. મેં ઝીણી આંખો રાખી જેથી હું ઝીણા ભ્રષ્‍ટાચાર કે અનિષ્‍ટને પણ જોઇ શકું. પરંતુ તમે તો તે ભ્રષ્‍ટાચારીઓ પાસેથી જ ફાળો ઉઘરાવાીને મારી આરતી ઉતરાવો છો.

નવરાત્રિને તો તમે અભડાવી નાખી, હવે ગણેશ ઉત્‍સવને ડાન્‍સ કે ડિસ્‍કો પાર્ટી ન બનાવો તો સારું. માતાજીએ તમને માફ કર્યા હશે, પણ મને ગુસ્‍સો આવશે ને તો સુંઢભેગા સાગમટે પાડી દઇશ. ઇટસ અ વોર્નિંગ. કંઇક તો વિચાર કરો.. ચિક્કાર દારૂ પીને મારી યાત્રામાં ડિસ્‍કો કરતાં તમને શરમ નથી આવતી..?? વ્‍યસનીઓએ ગણપતિબાપા મોરિયા નહીં પણ ગણપતિબાપા નો-રિયા બોલવું જોઇએ. કરોડો રૂપિયામાં મારા ઘરેણાંની હરરાજી કરી લેવાથી હું પ્રસન્ન થઇ જાઉં એમ..?? હું કાંઇ ફુલણશી છું કે લાખોની મેદની જોઇને હરખઘેલો થઇ જાઉ..??

અરે.. મારા ચરણે એક લાખ ભકતો ભલે ન આવો પણ એકાદ સાચો ભકત દિલમાં સાચી શ્રધ્‍ધા લઇને આવશે ને તો ય હું રાજી થઇ જઇશ લાડુના ઢગલા મારી સામે કરીને અન્નનો અતિરેક કરવા કરતાં ઝૂંપડપટ્ટીના કોઇ ભૂખ્‍યા બાળકને જમાડી દો મને પહોંચી જશે.. મારા નામે આ દેખાડો થોડો ઓછો કરો વહાલા ભકતો જે દરિયાએ અનેક ઔષધિઓ અને સંપતિ તમને આપી છે એમાં જ મને પધરાવી દઇને પર્યાવરણનો કચ્‍ચરઘાણ વાળતાં સહેજ પણ વિચાર નથી કરતાં..?? ઇકો ફ્રેન્‍ડલી ગણપતિ બનાવવામાં તમને વાંધો શું છે..?? અગર તો મારું વિસર્જન પણ કોઇ ગરીબના ઝૂંપડાનું અજવાળું થાય એવું ન કરી શકો..??

આ ગણપતિ ઉત્‍સવે મારી છેલ્લી એક વાત માનશો..?? મારા નામે દાન કરવાની નક્કી કરેલી રકમનો એક નાનકડો ભાગથી કોઇ ગરીબનાં છોકરા છોકરીની સ્‍કુલની ફી ભરી દો તો મારું અંતર રાજી થશે. આ સંપતિનો વિવેકપૂર્વક ઉપયોગ કરો. ભારતમાં જન્‍મેલો પ્રત્‍યેક નાગરીક દરેક ગણપતિ ઉત્‍સવે ભારતને વફાદાર રહેવાના સોગંદ લે અને ભારતનો દરેક યુવાન, માવા, ફાકી, ગુટખા, દારૂ અને તીનપતીમાંથી બહાર નીકળવાની કસમ ખાય અને દરેક દીકરીઓ ફેશનના સફોગેશનમાંથી બહાર નીકળવાની પ્રતિજ્ઞા લે તો જ આવતા વર્ષે આવીશ. બાકી મારા નામે છૂટા પાડવાનું છેતરવાનું અને દેવી દેવતાઓને ઇમોશનલી બ્‍લેકમેઇલિંગ કરવાનું બંધ કરો… કદાચ છેલ્લીવાર ભારત આવેલો તમારો જ… ગણેશ ‘મહાદેવ’ કૈલાશ પર્વત, સ્‍વર્ગલોકની બાજુમાં