ATUL N. CHOTAI

a writer – since 2014


ભારતમાં નવા વર્ષની ઉજવણી વિવિધ રીતે થાય છે..

– વનિતાબેન રાઠોડ
આચાર્યા, શાળાનં – ૯૩,
રાજકોટ

હિન્દુઓનું નવુ વર્ષ એટલે દિવાળીનો બીજા દિવસ એટલે કે પડવો, બેસતુવર્ષ, નૂતન વર્ષની શરૂઆતએ તીથી મુજબ આસો વદ અમાસનો બીજો દિવસ, કાર્તિક માસનો પ્રથમ દિવસ કાર્તિક સુદ એકમ પરંપરા પ્રમાણે એક મહાઉત્સવની ઉજવણી સ્વરૂપે આ પર્વ ઉજવાયછે. મહારાષ્ટ્રમાં ગુડીપડવો તરીકે ઉજવાય છે.

હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્રી વર્ષ પ્રતિપદાએ નવુ વર્ષ એપ્રિલ માસમાં પણ નવું વર્ષ ઉજવાય છે. મુસ્લીમ કેલેન્ડર મુજબ મહોરમ વર્ષનો પ્રથમ માસ અને તેનો પહેલો દિવસ એટલે નવુ વર્ષ. પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ. ૨૧ માર્ચ એ પતેતી કે નવરોઝ તરીકે ઉજવાય છે. નવા વર્ષની ઉજવણી માટેની તૈયારીઓ માટે ઘરની સફાઇ આગલા દિવસોથી શરૂ થાય. નવા વર્ષની ઉજવણીમાં નવા કપડા-નવી વસ્તુઓની ખરીદી, નવા વર્ષના દિવસે સગા સબંધી મિત્રોના ઘરે જવુ, અભિનંદન પાઠવવા, શુભકામનાઓ પાઠવવી, મીઠાઇ – ફરસાણ બનાવવામાં આવે છે. ઘર-ઇમારતોને શણગારવામાં આવે છે. બજારોમાં નવી રોનક આવે, રસ્તાઓ શણગારવા-સજાવવામાં આવે, ચોતરફ લાઇટીંગ અને ડેકોરેટીવ મટીરીયલ દેખાય છે.

પંજાબીઓનું નવુ વર્ષ બૈશાખી, નાનકશાહી. કેલેન્ડરનો પ્રથમ દિવસ ૧૩ કે ૧૪ એપ્રિલે આવે છે. બુધ્ધ ધર્મમાં વિવિધ દેશોમાં વિવિધ દિવસોએ નવુ વર્ષ ઉજવાય. ત્રણ દિવસ સુધી ઉજવાતા નવા વર્ષનું પર્વ એપ્રિલ માસનાં પ્રથમ પુનમના દિવસથી ત્રણ દિવસ સુધી ઉજવાય છે. સીંધી લોકોનું નવુ વર્ષ એટલે ચેટીચાંદનો પર્વ. ચૈત્ર માસનાં બીજા દિવસે જુલેલાલનાં જન્મદિનનાં માનમાં ઉજવાય છે. ઇસાઇ લોકોનું નવુ વર્ષ વિશ્વભરમાં સ્વીકારાયેલું કેલેન્ડર મુજબ જાન્યુઆરીના પ્રથમ દિવસે ઉજવાય છે.

ભારતનાં વિવિધ રાજ્યોમાં વિવિધ દિવસોએ નવા વર્ષની ઉજવણી વર્ષભરમાં અનેક દિવસોએ લોકોના ધર્મ મુજબ, પરંપરા મુજબ, માન્યતાઓ પ્રમાણે નવવર્ષ પર્વ ઉજવાય છે. જેમાં લોકોનાં ધર્મ મુજબ કે પ્રથા મુજબ પૂજા-પાઠ કે વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં આવે છે. લોકોના વિવિધ પ્રદેશની વિવિધતા પ્રમાણેનાં પહેરવેશ તે પ્રદેશ મુજબની વાનગીઓ તથા તેમના રૂઢી-ગત રીવાજો મુજબની ઉજવણી કરે છે. ઉગાદીના પર્વને નવા વર્ષ તરીકે ચૈત્ર માસનાં પ્રથમ દિવસે કર્ણાટક, તેલંગાણા અને આંન્ધ્રપ્રદેશમાં ઉજવામાં આવે છે. વિશુ તહેવાર નવા વર્ષ તરીકે કેરલમાં ઉજવાય તો બૈશાખી પંજાબ, સિકિકમમાં શીખ લોકો નવા વર્ષ તરીકે ઉજવે.

પહેલા બૈશાખ બેંગાલી નવા વર્ષ તરીકે પશ્ચિમ બંગાળામાં ઉજવાય. પુથાન્ડુ તમીલનાડુમાં તમીલ કેલેન્ડરનાં પ્રથમ માસનાં પ્રથમ દિવસે ઉજવાય. ઉત્તરપૂર્વ ભારતમાં બાહેગ બીહુ નવા વર્ષ તરીકે ઉજવાય. ઓડિસામાં મહા વિશુવા સંક્રાતિ ઉડિયા કેલેન્ડર મુજબ ૧૪ કે ૧૫ એપ્રિલના નવા વર્ષનાં પ્રથમ દિવસે ઉજવાય. જુડે શિત્તલ પણ મૈથીલી નવુ વર્ષ બિહાર તથા ઝારખંડમાં નવા વર્ષ તરીકે ઉજવાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવંતનું નવુ વર્ષ ચૈત્ર માસનાં પ્રથમ દિવસે ઉજવાય છે. જે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રથમ દિવસ હોય છે. જે દિવસે ગ્રહ અને નક્ષત્રમાં પરિવર્તન થાય છે. તમીલનાડુમાં પોંગલ ૧૪ જાન્યુઆરીનાં નવુ વર્ષ ઉજવાય. કાશ્મીરી કેલેન્ડરમાં ૧૯ માર્ચનાં નવરેહના દિવસે નવુ વર્ષ ઉજવાય છે.

આમ ભારતનાં વિવિધ રાજ્યોમાં મૌસમ બદલાવ પ્રમાણે, તીથી મુજબ, નક્ષત્રો-ગ્રહોનાં સ્થાન બદલાવ મુજબ તો કયાંક પાકની લાગણીનાં અનુસંધાને નવા વર્ષની ઉજવણી થાય. જેમા સર્વ લોકો હર્ષ, ઉત્સાહ આનંદ-ઉમંગથી જોડાય છે. નવા વર્ષની ઉજવણીથી જીવનમાં નવો રંગ ઉમેરાય છે. જીવનમાં આંનદનાં નવા રંગોનો સંચાર થાય છે અને જીવન-ઉત્સાહ સંબંધોમાં નવી લાગણીઓનો વધારે થાય છે.


રાજકોટની કરણસિંહજી સરકારી હાઇસ્કુલ ખાનગી શાળાઓથી પણ ચડીયાતી પૂરવાર થાય છે..

karansinhji high school

karansinhji high school

સંકલન : સિધ્ધરાજસિંહ ઝાલા
પ્રમુખશ્રી – રાજકોટ જીલ્લા શિક્ષણ
સેવા વર્ગ- ૩

રાજકોટમાં આવેલી ઐતિહાસિક સરકારી કરણસિંહજી હાઇસ્કુલ સાચા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે. માધ્યમિક વિભાગ ધોરણ ૯, ૧૦ તેમજ ઉ.મા. વિભાગ ધોરણ-૧૧ તથા ૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ વિભાગ ધરાવતી કરણસિંહજી હાઇસ્કુલ સરકારી શાળાઓમાં સૌથી વધુ સંખ્યા ધરાવતી શાળા ગણાય છે. અને વિદ્યાર્થીઓની વાર્ષિક ફી માત્ર ૩૬ રૂપિયા જ છે. એસ.એમ.ડી.સી.ગ્રાન્ટ માંથી વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્કુલબેગ, સ્કુલ યુનિફોર્મ, કોમ્પ્યુટર શિક્ષણ તદ્દન મફત આપવામાં આવે છે. તેમજ સરકારશ્રી તરફથી સ્કોલરશીપ આપવામાં આવે છે. એટલુ જ નહિ પણ કરણસિંહજી શાળામાં અતિ આધુનીક વાઇ ફાઇ સ્માર્ટ રૂમ દરેક રૂમમાં સ્માર્ટ બોર્ડ અને સી.સી ટીવી સજજ શાળા બનાવવામાં આવી છે. આ આધુનિક બિલ્ડીંગમાં અદ્યતન લેબોરેટરી, વિશાળ પ્રાર્થનાખંડ, જીમના સાધનો, રમત-ગમતના સાધનો સુસજ્જ સ્પોર્ટસ રૂમ અને વિશાળ મેદાનની સુવિધા ઉપલબ્ધ છે. આ સરકારી શાળામાં એન.સી.સી, એન.એસ.એસ., સ્કાઉટ, ઇકો કલબની પ્રવૃતિનાં જ્ઞાન સાથે ૪૨ પ્રકારની ઔષધિ સાથેનો બગીચો વિદ્યાર્થીઓને ઉત્તમ વાતાવરણ પુરૂ પાડે છે.

રાજકોટ જિલ્લામાં એક માત્ર રોજગારીની માહિતી આપવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નોલેજ કોર્નર અને કેરિયર કોર્નર નો લાભ વિદ્યાર્થીઓને વિનામુલ્યે મળે છે. આ શાળામાં આજની સેલ્ફ ફાઇનાન્સ શાળા કરતા પણ વધારે સારૃં બોર્ડનું પરિણામ આવે છે. તે પણ માત્ર ૩૬ રૂપિયા વાર્ષિક ફી માં ઉપલબ્ધ છે. ત્યારે વાલીઓનાં પણ લાખો રૂપિયા ખંખેરતી શિક્ષણનાં હાટડા બાંધીને બેઠેલી સંસ્થાઓમાંથી મુકિત મેળવવા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ શાળા આશીર્વાદરૂપ છે. વીસ વર્ષથી વધુ વર્ષના અનુભવી પૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષકો અને સમગ્ર સ્ટાફ દ્વારા આધુનિક ટેકનોલોજી તેમજ વાઇફાઇ રૂમ પ્રોજેકટર સાથે બાઇસેગ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આર્ટસ, કોમર્સ, સાયન્સ કોઇપણ વિભાગમાં પ્રવેશ મેળવવાની ઉતમ તક આ શાળા દ્વારા આપવામાં આવે છે. વાલીઓનાં લાખો રૂપિયા ખંખેરતી સેલ્ફ ફાઇનાન્સ શાળા માટે હવે વળતા પાણી જોવા મળી રહ્યા છે ત્યારે તમામ વાલીઓએ જાગૃત બનીને સારૃં શિક્ષણ માત્ર પૈસા આપવાથી મળે છે તે ખ્યાલમાંથી બહાર આવી આવુ ઉંચુ પરિણામ તેમજ બાળકોનાં સર્વાગી વિકાસ કરાવતી અને શિક્ષણ સાથે સંસ્કાર આપતી શાળામાં પ્રવેશ મેળવવો એ આજના જમાનાની માંગ હોવાનું જણાઈ રહયુ છે. રાજકોટમાં બસ સ્ટેન્ડ પાછળ, કનક રોડ ઉપર, સરકારી સીટી ગેસ્ટ હાઉસની સામે આ શાળા આવેલી છે. વધુ માહિતી માટે શાળાના ફોન નંબર ૦૨૮૧ – ૨૨૨૬૮૮૯ ઉપર સંપર્ક કરી શકાય છે.


કોચિંગ ક્લાસ એટલે વિદ્યાર્થીઓની આકાંક્ષાને મોતમાં ધકેલતો ધંધો ગણાય છે

Tuition Classes

Tuition Classes

– નિધિ ભટ્ટ

વિદ્યાર્થીઓનાં જીવનમાં ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ બાળકની હોંશિયારી માપવા માટેનું હથિયાર ગણાતું આવ્યું છે. ભારતીય શિક્ષણ પ્રથાએ સમાજના વિવિધ સ્તરના કુટુંબોમાં એવો ભય ફેલાવી દીધો છે કે ધોરણ ૧૦ માં સારા માર્ક્સ ન મેળવી શકનાર બાળક જીવનમાં ઉચ્ચ અભ્યાસ માટે સક્ષમ નથી બાળક ધો. ૧૦માં આવે એટલે તેની આઝાદી છીનવી લેવામાં આવે છે. ઘરના સભ્યો પોતાના તેમજ સંતાનનાં મોજશોખ, લગ્ન સમારંભ, સામાજિક મેળાવડા, પર્યટન કે પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા હોય છે. સંતાનને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ફક્ત બે જ કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે જેમાં શાળા – કૉલેજ – કોચિંગ ક્લાસમાં હાજરી આપવાની અને વિવિધ પરીક્ષાની તૈયારી કરવાની. દરેક માતા – પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક ડૉક્ટર કે એન્જિનિયર જ બને.. આ માટે તેઓ મોંઘીદાટ ફી ચૂકવીને બાળકોને કોચિંગ ક્લાસમાં મોકલે છે. કોચિંગ ક્લાસ એટલે શિક્ષણના મેદાનમાં ચોગ્ગા અને છક્કા મારવાની ટેકનિક શીખવાડતું હથિયાર ગણાય છે.

દેશમાં કોચિંગ ક્લાસનું હબ ગણાતું કોટા શહેર આજકાલ વિદ્યાર્થીઓમાં વધી ગયેલી આત્મહત્યાને કારણે ચર્ચામાં છે. આ વર્ષે કુલ ૨૬ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. ગયા વર્ષે ૧૧ વિદ્યાર્થીઓએ આપઘાત ર્ક્યો હતો. ૨૦૧૩ માં ૧૩ વિદ્યાર્થીઓએ મોતને વહાલું ર્ક્યું હતું. જીવનમાં સફળતાનાં શિખરો સર કરવાની તાલીમ લેવા અનેક અરમાન સાથે આવેલા વિદ્યાર્થીઓના જીવનમાં કોચિંગ ક્લાસ મૃત્યુનો ઘંટ વગાડી દે છે. આત્મહત્યાની વધતી ઘટનાઓએ કોચિંગ ક્લાસની એક ભયાવહ છબી સમાજ સામે ઊભી કરી છે. માસૂમ બાળકોમાં જાણે કે ‘મોતને વહાલું કરવાની સ્પર્ધા’ વેગ પકડી રહી છે. હાલમાં તો એવું કહેવાઈ રહ્યું છે કે દર તેરમાં દિવસે એક વિદ્યાર્થી મોતને ભેટી રહ્યો છે! કારણ એકદમ સાફ છે – પરીક્ષાઓમાં સફળ થવાનું ભારે દબાણ, વિવિધ ક્ષેત્રે આગળ વધી શકાય તેવા વિકલ્પનો અભાવ, શાળામાં શિક્ષકોનો ઉપેક્ષા ભરેલ વ્યવહાર જવાબદાર ગણાય છે. માતા – પિતા – સંબધી અને સમાજની માસૂમ બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ અને દેખાદેખીનો માહોલ ઊભો કરાય છે. બાળકોને ફક્ત પરીક્ષાલક્ષી જ્ઞાન અને સૂચનાઓ આપવામાં આવતી હોય છે તેમને જીવનના સાચા રસ્તાથી અજાણ રાખવામાં આવે છે.

આઈઆઈટી, જેઈઈ તથા મેડિકલની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી ધોરણ ૧૨ ના અભ્યાસની સાથે જ કરવામાં આવે છે. આઈઆઈએમની પ્રવેશ પરીક્ષા એટલે કે કેટની તૈયારી ગ્રેજ્યુએશન કે તેના સમકક્ષ અંતિમ વર્ષની સાથે કરવામાં આવતી હોય છે જેથી વિદ્યાર્થીઓેનું એક વર્ષ બચાવી શકાય વિદ્યાર્થીઓ બધું જ સાથે કરવા જતાં ગૂંચવાઈ જઈને ભારે મૂંઝવણ અનુભવે છે. નવા નિયમો પ્રમાણે આઈઆઈટીમાં બેની જગ્યાએ ત્રણ મોકા મળશે. આવા નિયમો જ વિદ્યાર્થીઓને માટે જાન લેવા સાબિત થાય છે. પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ૧૭ – ૧૮ વર્ષની કાચી ઉંમરના હોય છે. કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ પાસેથી ઓછામાં ઓછી બે લાખની ફી વસૂલ કરે છે. બાળકો પણ માતા – પિતાની આર્થિક હાલત અને વધતા ખર્ચના વિચારને કારણે એક પ્રકારની તાણ અનુભવતા હોય છે. કોચિંગ ક્લાસમાં જતા મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોચિંગ ક્લાસમાં શિખવતા અધ્યાપકો દ્વારા પણ ભેદભાવ રાખવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને ક્લાસમાં આગળ બેસાડવામાં આવે છે. ક્યારેક તેમને માટે અલગ કલાસ લેવામાં આવે છે. અભ્યાસમાં સામાન્ય વિદ્યાર્થીઓની અધ્યાપક દ્વારા ચાલુ કલાસમાં હાંસી ઉડાવવામાં આવે છે , તેમને ધિક્કારવામાં આવે છે.

અધ્યાપકો તો છડેચોક કહેતા હોય છે કે જ્યારે માતા – પિતા જાણતા હોય છે કે તેમનું સંતાન શાળામાં પણ સારો દેખાવ કરી શકવા સક્ષમ ન હતું તો સ્પર્ધાત્મક પરીક્ષાની કસોટી માટે તેમણે સંતાનને મોકલવા જ ન જોઈએ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાને બદલે તેમને નાસીપાસ કરવામાં આવે છે. કોટા શહેર પહેલાં દક્ષિણ ભારત સ્પર્ધાત્મક પરીક્ષાનો ગઢ ગણાતો હતો. કેરળ એક એવું રાજ્ય છે કે જ્યાં સાક્ષરતાની ટકાવારી ૧૦૦ ટકા જોવા મળે છે. તેમ છતાં દક્ષિણ ભારત અને તેમાં પણ કેરાલા તો આત્મહત્યાનું હબ ગણાતું હતું. શાળા – કોલેજના અભ્યાસની સાથે કોચિંગ ક્લાસનું ચલણ દક્ષિણ ભારતમાંથી પૂરા દેશમાં ફેલાયેલું છે. સંસ્થાઓને ફાયદો એ જ છે કે તેમને પરીક્ષાનાં સારાં પરિણામ લાવવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મળી રહે છે તેથી જ કોચિંગ ક્લાસમાં તગડી રકમ અધ્યાપકો મેળવે છે. વર્ષના ૧૫ થી ૨૦ લાખ રૂપિયા તો સામાન્ય અધ્યાપકો મેળવે છે. ખ્યાતનામ અધ્યાપકો બે કરોડ રૂપિયા જેટલું અધધધ વેતન મેળવે છે. જેમની ઉપર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સફળ બનાવાવાની જવાબદારી પણ હોય છે જેને માટે તેઓ વિવિધ તરકીબો અપનાવતા રહે છે.

શાળા – કોલેજની જેમ કોચિંગ ક્લાસમાં એવો કોઈ કાયદો અમલમાં હોતો નથી જેનો ઉપયોગ વિદ્યાર્થીઓની તરફેણમાં હોય, કોચિંગ ક્લાસમાં તો ફક્ત એક જ મંત્ર હોય છે કે ‘ભણો કે મરો’ (પરફોર્મ ઔર પેરિશ). વિદ્યાર્થીઓને શિક્ષણ આપી પ્રગતિના પંથે લઈ જતા કોચિંગ ક્લાસ હવે ધીકતો ઉદ્યોગ ગણાવા લાગ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા વધી ગયેલ આત્મહત્યાની ઘટનાઓને ધ્યાનમાં લઈને જિલ્લા પ્રસાશને ૧૨ સૂત્રી કાર્યક્રમ જાહેર ર્ક્યો છે. કોચિંગ ક્લાસ દ્વારા પણ વિદ્યાર્થીઓને મનોચિકિત્સક અને કરિયર કાઉંન્સેલર દ્વારા યોગ્ય જાણકારી બાદ જ દાખલ કરવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓને યોગાની સાથે ક્લાસમાંથી ગાયબ રહેતા વિદ્યાર્થીઓને સમજાવટ કરવી અને એક સાથે ફી ભરવાની માગણીને બદલે હપ્તામાં ભરી શકે તેવી સુવિધાઓ આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ. નાણાં છાપવાના કારખાના ફેરવાઈ ગયેલા કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ક્યારે સમજશે..? કુદરતી બક્ષિસ મેળવેલ હોશિંયાર વિદ્યાર્થીઓની વાત બાજુ પર રાખીને સામાન્ય વિદ્યાર્થીઓની સમસ્યાઓને સાંભળવાનો સમય કોચિંગ ક્લાસના માલિકો ક્યારે કાઢશે..? તગડું વેતન મેળવતા અધ્યાપકો ક્યારે વિદ્યાર્થીઓની લાગણી સમજશે..? કોચિંગ ક્લાસને જ સર્વસ્વ માનતા વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગતી હોય તો વિદ્યાર્થીઓની મુશ્કેલીઓની સામે આંખ આડા કાન જ થાય તે સત્ય સમજવું સમાજ માટે પણ એટલું જ અગત્યનું બની રહે છે…  (Courtesy : Mumbai Samachar)


વિદ્યાર્થીઓના વાળ કાપીને સેવા કરતા અનોખા શિક્ષકની જીવતી વાર્તા

Rajnikant Rathod Teacher - Vadodra

Rajnikant Rathod Teacher – Vadodra

પોતાના બાળકને ખાનગી શાળામાં ભણાવવાના વધતા જતા ક્રેઝના લીધે અને સરકારી શાળાઓનાં રેઢિયાળ સંચાલનને કારણે સરકારી શાળાઓનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે. મધ્યમ અને પૈસાદાર વર્ગના લોકો એમનાં બાળકોને તોતિંગ ફી લેતી ખાનગી શાળામાં ભણાવતાં થયા એટલે સરકારી શાળાઓમાં અને એમાંય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં વિદ્યાર્થીઓનો દુકાળ પડવા માંડ્યો છે. સરકારી શાળામાં ગરીબ ઘરનાં અને પછાત જાતિના લોકોનાં બાળકો ભણતાં હોય એટલે શાળાના શિક્ષકોથી માંડીને આચાર્ય અને અધિકારીઓથી માંડીને મંત્રી મહોદય સુધીના લોકોને ઝાઝી ચિંતા ન હોય સાથે સાથે બાળકો પણ મનફાવે ત્યારે શાળામાં હાજરી આપે અને ભણવાની ઈચ્છા ન હોય ત્યારે ગુટલી મારે. એકલા ગુજરાતમાં જ નહીં પણ  દેશ આખામાં મોટાભાગની સરકારી શાળાઓની આ સ્થિતિ જોવા મળતી હોય છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા શાંતિવન ડુપ્લેક્ષમાં રહેતા અને નંદેસરી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા શિક્ષક રજનીકાંત રાઠોડે શિક્ષણને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ છે. વિદ્યાર્થીઓની સ્વચ્છતા માટે રજનીકાંતભાઇ છેલ્લા નવ વર્ષથી કાર્યરત છે.

રજનીકાંત રાઠોડ માત્ર બાળકોના વાળ જ નથી કાપતા પરંતુ શાળાએ આવતા બાળકોને નવડાવે પણ છે બાળકોના નખ કાપવાની, કપડાંને સિલાઈ કરી આપવાની કે શર્ટ – પૅન્ટનાં બટન ટાંકી આપવાની કામગીરી પ્રમાણમાં સરળ ગણાય પણ લાંબાલચક વાળને કાપવાનું કોને આવડે..? ત્યારે રજનીભાઈ કહે છે કે વાળ કાપતાં તો મને પણ ફાવતું નહોતું પણ મેં આ માટે મારા વાળંદ પાસે જઈને તાલીમ લીધી એ પછી કાતર અને અસ્ત્રા સહિતની ચીજ વસ્તુઓ ખરીદીને વાળ કાપવાનો સૌથી પહેલો પ્રયોગ મારા દીકરા પર કર્યો ધીરે ધીરે હાથ બેસતો ગયો એ પછી મેં મારી શાળાનાં બાળકોના વાળ કાપવાનું શરૂ કર્યું..

રજનીકાંતભાઈ પોતાના હસ્તક આઠેય શાળાની રોજે રોજ મુલાકાત લે અને એમને જે બાળકનાં જુલફાં વધેલાં લાગે એને સામે બેસાડી માંડે કાપવા એમને ભાગે રોજે રોજ દસ – બાર બાળકના વાળ કાપવાની જવાબદારી આવે અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર જેટલા બાળકોના વાળ રજનીભાઈએ કાપી આપ્યા છે છેલ્લા એક વર્ષથી રજનીકાંત રાઠોડ વડોદરા નજીક આવેલી નંદેસરી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. આ શાળામાં પણ તેઓએ બાળકોને વાળ કાપી આપવાથી લઇને તમામ પ્રવૃતિઓને જાળવી રાખી છે તેઓ શાળામાં આવતા મધ્યાહન ભોજનને સૌથી પહેલા પોતે ચાખી લે છે ત્યારબાદ તેમની શાળાના વિદ્યાર્થીઓ ભોજન લે છે જેના કારણે તેમની શાળાના બાળકોને મળતુ ભોજન સારૂ મળે છે તેની ખાત્રી કરી શકાય છે સાથે જ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે દવાની પણ વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવેલી છે તેમની આ પ્રવૃતી બદલ  નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલે પ્રશસ્તીપત્ર આપીને સન્માન પણ કર્યુ હતુ તો આપણે આ શિક્ષક ની સેવાને બિરદાવીએ અને આપણા સમાજ – દેશ માટે આપણે પણ આવુ કઈક કાર્ય કરી દેખાડીએ..!!


સરકારી શાળામાં જ બાળકોને ભણાવવા ગ્રામજનોની પ્રતિજ્ઞા

Government School

Government School

ભાણવડ : સારૃં શિક્ષણ તો ખાનગી શાળામાં જ મળે એવી વાલીઓની મનોવૃતિનો છેદ ઉડાવવા સરકારી શાળાનાં આચાર્ય સહિતનાં શિક્ષકોએ ગણતરી માંડીને એક અલાયદી ઝુંબેશ ઉપાડી છે  જેમાં સહભાગી થઇને ગ્રામજનોએ પણ હવે સરકારી શાળામાં જ બાળકોને ભણાવવાની પ્રતિજ્ઞા લીધી છે. આ વાત છે જામનગર જીલ્લાના ભાણવડ તાલુકાનાં નાનકડા  એવા વાનાવડ ગામની.  ભાણવડથી ૧૪ કિ.મી.નાં અંતરે આવેલા વાનાવડ ગામમાં અંદાજે ૨૨૦૦ લોકોની વસ્તી છે. આ ગામ પ્રમાણમાં સુખી – સમૃધ્ધ છે. એકમાત્ર કૂવા ઉપર આધાર હોવાથી પાણીની થોડી તકલીફ છે. શિક્ષણની બાબતાં આ  ગામ પ્રેરણારૃપ બનવા લાગ્યું છે એમાં સરકારી શાળાનાં શિક્ષકોની ફરજનિષ્ઠાનો સિંહફાળો છે અહીં ધો.૧ થી ૮ સુધીનું શિક્ષણ મળી રહે છે. વાનાવડની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોતર ઘટવા લાગી ગત વર્ષે ૧૪૩ વિદ્યાર્થીઓ હતા, જે ચાલુ વર્ષે ઘટીને ૧૩૨ થઇ જતાં આચાર્ય સહિતનાં ચાર શિક્ષકોએ ફૂરસદનો સમય વાતોમાં વેડફવાને બદલે ચર્ચા – વિચારણા કરીને નવતર ઝુંબેશનો પાયો નાખ્યો જેમાં ગ્રામ પંચાયતનાં સદસ્યો અને આગેવાનોને પણ સામેલ કર્યા સતત એક સપ્તાહ સુધી શિક્ષકોએ ગામમાં ઘરે ઘરે ફરીને બાળકો સરકારીને બદલે ખાનગી શાળામાં કેમ જાય છે…?  તેનો સર્વે કર્યો અને રિપોર્ટ બનાવ્યો આચાર્ય દિપકભાઇ નકમુનું કહેવા મુજબ સરકારી શાળામાં પણ ખાનગી સ્કૂલ કરતા સારૃં શિક્ષણ મળે અને બધી સુવિધાઓ પણ છે  એવું વાલીઓને સમજાવવા માટે શિક્ષકોએ ખાસ રાત્રિનો સમય પસંદ કર્યો અને બધા ગ્રામજનોને અનુકૂળ રહે એવા સમયે એક વાલી સંમેલન ગોઠવ્યું જેના માટે શિક્ષકો અને ગ્રામ પંચાયતનાં સદસ્યોએ આમંત્રણ પત્રિકા પણ છપાવી અને દરેક ગ્રામજનને રૃબરૃ જઇને આપી પરિણામે ગત ૨૩ મી માર્ચે રાત્રે સાડાઆઠ વાગ્યે વાલી સંમેલન ચાલુ થયું ત્યારે બધા જ લોકો ઉમટી પડતા જાણે ગ્રામસભા ભરાઇ હોય એવો મેળાવડો જામ્યો વાલી સંમેલનનું સંચાલન શિક્ષકો કે આગેવાનોને બદલે શાળાનાં બાળકોએ જ કર્યું અને સરકારી શાળામાં અદ્યતન પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, અનુભવી શિક્ષક સ્ટાફ, રમત – ગમતનાં સાધનો, વિશાળ લાયબ્રેરી, એમ્ફ્રી થિયેટર, આરોગ્ય ચકાસણીની સવલત, યોગ શિક્ષણ, મધ્યાહન ભોજન અને શિષ્યવૃત્તિના લાભ ધો.૧  થી અંગ્રેજીનો આરંભ, ઠંડુ – શુધ્ધ પીવાનું પાણી, શૌચાલયની વ્યવસ્થા, પ્રોજેકટર અને સાઉન્ડ સિસ્ટમથી શિક્ષણ અને પ્રાકૃતિક વાતાવરણ સહિતની સુવિધાઓનું સુદંર પ્રસ્તુતિકરણ કર્યું. એટલું જ નહીં ગ્રામજનોને ‘શાળા વિહાર’ કરાવીને બધી સુવિધાઓ બતાવી હતી. પરિણામે ત્રણ કલાકનાં કાર્યક્રમને જબ્બર પ્રતિસાદ મળ્યો અને એકસાથે તમામ ગ્રામજનોએ ઉભા થઇને હવે સરકારી શાળામાં જ બાળકોને ભણાવવાનો સંકલ્પ લીધો હતો આ સાથે ગામને સ્વચ્છ રાખવાની પણ પ્રતિજ્ઞા લેવાઇ હતી સરકારી શાળામાં દાખલ થતાં વિદ્યાર્થીઓમાં ઘટાડો અને શાળા છોડીને જતા રહેતાં વિદ્યાર્થીઓ ના ઊંચા દર માટે શાળામાં અપૂરતી માળખાગત સુવિધા, સગવડ અને શિક્ષકોની ઘટને મુખ્ય જવાબદાર ગણવામાં આવે છે તેમ જણાવીને સીઆરસી કો-ઓર્ડિનેટર ગોવિંદભાઇ રાઠોડ કહે છે કે સરકારી શાળામાં  વિદ્યાર્થીઓ ની સંખ્યા ઘટે તો સરકાર દ્વારા શિક્ષકો ઘટાડી દેવાય છે અને લાયબ્રેરી જેવી સુવિધા પણ છીનવાઇ જવાની શક્યતા રહે છે. વાનાવડની સરકારી પ્રાથમિક શાળામાં ઘણી સુવિધાઓ છે અને કેટલીક સુવિધાઓ માટે દાતાઓ પણ ખુબ મદદરૃપ  બન્યા છે વાનાવડ ગામ માટે સંપૂર્ણ સહયોગ આપવા દાતાઓ હંમેશા તૈયાર જ રહે છે.


સરકાળી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચાલતું ગુજરાતનું પ્રથમ મ્યુઝિકલ બેન્ડ

Student Music Band

Student Music Band

ઇન્ટરનેશનલ લેવલની એજ્યુકેશનલ સીસ્ટમના બણંગા ફુંકતી ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા પોતાના પરિણામો અને પ્રવૃત્તિઓ અંગે ગાય બજાવીને ઢંઢેરા પીટાતા હોય છે. આ વચ્ચે સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ચોપડીયા જ્ઞાન સિવાય વિવિધલક્ષી પ્રવૃત્તિઓ થકી જ્ઞાન અપાતું હશે કે કેમ..?? તેવો પ્રશ્ન લોકોના મગજમાં સતત રહેતો હોય છે.

સરકારી શાળાનું નામ પડે એટલે એક અલગ છાપ પડે કે ત્યાં ભણતર નબળું હોય, વિદ્યાર્થી નબળા હોય કોઇ સમયસર સરખું ભણાવે નહીં વગેરે વગેરે.. પરંતુ રાજકોટની સરકારી શાળાના ગરીબ વિદ્યાર્થીઓમાં છૂપી શકિત બહાર લાવવા સરકારે અનોખું આયોજન કરી એક મ્યુઝિકલ બેન્ડ તૈયાર કર્યું છે જેમાં વિવિધ શાળામાંથી ધોરણ છ  સાતમાં અભ્યાસ કરતા ૩૦ વિદ્યાર્થીઓને તાલીમ આપી ૧  લાખના ખર્ચે આખી બેન્ડ પાર્ટી તૈયારી કરી છે.  ૧૫ દિકરીઓ પણ આમાં તાલીમ થકી મેળવેલી કલા પીરસે છે.  ૧૫ દિકરીઓ સાથે કોઇ સરકારી શાળાના વિદ્યાર્થીઓનું બેન્ડ હોય તે ગુજરાતની પ્રથમ ઘટના છે.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તક કુલ ૮૧ શાળા આવે તેમાં ૩૩ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું હતું  કે દરેક વિદ્યાર્થીઓમાં કંઇકને કંઇક છૂપી શક્તિ રહેલી છે તેના ભાગ રૂપે તંત્રએ એક નવતર પ્રયોગ કર્યો અને રવિન્દ્રનાથ ટાગોર સરકારી શાળાનં  ૬૪ ના વિદ્યાર્થીમાં જેને મ્યુઝિકમાં રસ હોય તેને તાલીમ આપવામાં આવી. વિદ્યાર્થીને છ માસ તાલીમ આપી અને એક મ્યુઝિકલ બેન્ડ તૈયાર કર્યુ જેમાં વિદ્યાર્થીઓને સારેગામા, પરેડ, ગાયત્રીમંત્ર, જન ગણ રાષ્ટ્રગીત, એ મેરે વતન કે લોગો સહિતના રાષ્ટ્ર ગીત અને પ્રાર્થના પર ધૂનો વગાડવાની તાલીમ આપવામાં આવી આ મ્યુંઝિકલ બેન્ડ આગામી દિવસોમાં મહાનગરપાલિકાના સરકારી કાર્યક્રમોમાં પરફોર્મ કરશે અને ભવિષ્યમાં કોઇ સંસ્થા કે ખાનગી વ્યકિત આ બેન્ડની માંગ કરશે તો તેમાંપણ મોકલાશે. આ માટે કેટલો ચાર્જ લેવો તે હજુ તંત્રએ નકકી કર્યું નથી. હાલ તો વિદ્યાર્થી જાહેરમાં પરફોર્મ કરવા થનગની રહયાં છે. આ બેન્ડના માસ્ટર અલ્લારખા છે. આ દ્રશ્ય જોઇ સરકારી શાળામાં અપાતી વિવિધલક્ષી તાલીમનું ચિતાર મળી શકે છે.


ગુજરાતની જમિયતપૂરા ગામની સરકારી શાળા રાજ્યની મોડલ શાળા છે

Gandhinagar Government School

Gandhinagar Government School

રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષણ માટે છેલ્લા ઘણા સમયથી બાળકોના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેમ કે ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ, સર્વ શિક્ષા અભિયાન વગેરે.. આ બધા કાર્યક્રમોનો ઉદ્દેશ માત્ર એક છે કે બાળકોનો નિરંતર વિકાસ…

આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં બાળકોને ટેકનોલોજીથી જ શિક્ષણ અપાય અને બાળકો નાનપણથી જ ટેકનોસેવી બને એવા ઉદ્દેશથી ગામના જ એક માણસ દ્વારા આખી સ્કૂલને અધત્તન ટેકનોલોજીથી સજ્જ કરી દેવાય અને એ પણ ગામલોકોના સહયોગથી તો..??  જ્યાં બાળકો કમ્પ્યુટર દ્વારા અભ્યાસ કરતા હોય, બાળકો જ પરીક્ષાના પેપર તપાસતા હોય, અને જો શિક્ષક ના હોય તો ટેકનોલોજીના ઉપયોગથી પહેલા ધોરણના બાળકો પણ અન્ય વર્ગમાં ભણાવે એવી સંપૂર્ણ ફિલ્મી લાગે એવી આ કહાની ગુજરાતના પાટનગરથી એકદમ નજીકની શાળામાં સાર્થક થઈ છે.

ગાંધીનગરથી નજીક આવેલા જમિયતપૂરા ગામની શાળા રાજ્યની તો મોડલ શાળા છે પરંતુ દેશની પણ પ્રથમ અને એકમાત્ર મોડલ સ્કૂલ છે એવું આ શાળાને રાજ્ય અને દેશ સમક્ષ મોડલ સ્કૂલ તરીકે મુકનાર ગોવિંદભાઈ પટેલનું માનવું છે. આ શાળામાં વાઈ ફાઈ દ્વારા કોઈ પણ બાળક પોતાના લેપટોપ, ટેબલેટ કે મોબાઈલથી પોતાની જાતે કોઈ પણ એકમ ભણી શકે છે. આ પ્રોજેક્ટ દ્વારા લોકોને સરકારી શાળાઓમાં દાન કરવા પ્રેરી ગામડાની સરકારી શાળાઓને અધ્યતન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આખી શાળામાં માત્ર એક જ કમ્પ્યુટરનો ઉપયોગ કરી થીન ક્લાયંટ ટેક્નોલૉજી દ્વારા ઓછા ખર્ચે અને ઓછામાં ઓછો જાળવણી ખર્ચ આવે તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

શાળામાં એક અદ્યતન કમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે જેમાં ૧૨ થીન ક્લાયંટ લગાવી તેને લોકલ એરીયા નેટવર્કથી સરવર સાથે જોડવામાં આવ્યા છે.  શાળાના તમામ વર્ગોમાં ૪૨ ઈચના LCD લગાવવામાં આવ્યા છે અને તેને થીન ક્લાયંટ દ્વારા લોકલ એરીયા નેટવર્કથી સર્વર સાથે જોડવામાં આવ્યા છે. સર્વરમાં ગુરૂજી ઑનલાઈન સોફ્ટ્વેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે અને તેમાં દરેક ધોરણનું ગુણવત્તાસભર અને રસપ્રદ શૈક્ષણિક સાહિત્ય મૂકી શિક્ષકો પોતાના વર્ગખંડમાં જ બાળકોને જુદા જુદા વિષયોનું વાંચન સાહિત્ય, આકૃતિ, ફોટોગ્રાફ, શ્રાવ્ય સાહિત્ય અને દ્રશ્ય શ્રાવ્ય સાહિત્ય સરળતા થી બતાવી જેતે એકમનું ઉંડાણ પૂર્વકનું જ્ઞાન આપી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

શિક્ષક વર્ગખંડમાં કોઈપણ એકમનું જુદા જુદા ચાર પ્રકારના પ્રશ્નો દ્વારા વારંવાર પુનરાવર્તન કરાવી પોતાના બાળકોને હાજર જવાબી બનાવી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આનંદીબેને મુખ્યમંત્રી બન્યા બાદ સૌથી પ્રથમ મુલાકાત આ મોડલ સ્કૂલની લીધી હતી. આનંદીબેન પટેલે સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ ની મુલાકાત લઈ આ પ્રોજેક્ટ રાજ્યની વધુમાં વધુ શાળાઓમાં શરૂ કરવાનો આદેશ કરી આ અનુકરણીય કાર્ય માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ શાળાને રાજ્યની મોડલ સ્કૂલ તરીકે અપનાવીને આખા રાજ્યમાં આવી શાળાઓ સ્થાપવાનો અનુરોધ કર્યો હતો.જેમાં આ શાળાને મોડલ તરીકે અપનાવીને વિદ્યાર્થીઓને અધત્તન ટેકનોલોજીથી ગુણવત્તા લાવવાની વાત કરી હતી.


પાટણની ખોડિયાર બચત બેન્ક બાળકો દ્વારા જ સંચાલીત છે

Child Bank in Patan

Child Bank in Patan

આ તસ્વીર કોઇ ક્લાસરૂમની નથી પણ સ્કૂલનાં બાળકોની બેન્ક છે તેમાં ક્લાર્કથી લઇને મેનેજર સુધી તમામ બાળકો છે. આ બાળકોએ બેન્કિંગમાં એવી પકડ જમાવી છે કે બેન્કનું બેલેન્સ ૧.૪૦ લાખ રૂપિયા જેટલું થઈ ગયું છે. તેનું સમગ્ર સંચાલન માત્ર ત્રીજાથી પાંચમા ધોરણનાં બાળકો જ કરે છે.

આ બાળ બેન્કના અસ્તિત્વમાં આવવાનું કારણ પણ બાળકો જ છે. તેની  શરૂઆત એટલા માટે કરાઈ હતી જેથી કોઇ બાળક દર વર્ષે યોજાતા પ્રવાસથી વંચિત ન રહે. વાસ્તવમાં ગુજરાતમાં દર વર્ષે વર્ષમાં એક વખત સ્કૂલનાં બાળકો માટે ક્યાંકને ક્યાંક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. અનેક વખત ટોકન રકમ જમા ન કરાવવાના કારણે ઘણા બાળકો તેનાથી વંચિત રહી જાય છે. વરાણા પ્રાથમિક સ્કૂલના શિક્ષકોએ આ વાતની જાણકારી આપી હતી.આખરે ૨૦૧૧ માં સ્કૂલના પ્રિન્સિપાલ મોહન પટેલે બાળ બેન્કની યોજના બનાવી. તેમણે બાકીના બધા શિક્ષકોને તૈયાર કર્યા. બધાએ વિચાર્યુ કે બેન્કિંગની ટ્રેનિંગ પણ થઇ જશે. આ રીતે ૨૬ જાન્યુઆરી ૨૦૧૧ ના રોજ સ્કૂલની બાળબેન્ક શરૂ થઇ. આ બાળબેન્કને ખોડિયાર બચત બેન્ક નું નામ અપાયું. હવે સ્કૂલનો એક પણ બાળક પ્રવાસથી વંચિત રહેતો નથી.


ગુજરાતની સરકારી શાળામાં મુસ્લીમ બાળાઓ પણ ગાયત્રી મંત્ર કડકડાટ બોલે છે

Muslim Student

Muslim Student

હાલ ધર્માંતરનો મુદ્દો રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં કોમી એકતાના દર્શન એક સરકારી શાળામાં જોવા મળ્યા છે. અહીં હિન્દુ મુસ્લીમ બન્ને ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આ શાળામાં નિયમીત પ્રાર્થનામાં ગાયત્રીમંત્ર બોલવામાં આવે છે.

બીજા ધોરણમાં અભ્યાસ કરતી સૈફા બાનુ ગરાણા નામની મુસ્લીમ બાળા કડકડાટ ગાયત્રીમંત્ર બોલે છે. ગાંધીભૂમિ પોરબંદરમાં રાજરત્ન શેઠ નાનજી કાલિદાસે વર્ષ 1919 માં કન્યા કેળવણીના ઉમદા હેતુથી ખારવાવાડ વિસ્તારમાં કન્યાશાળા શરૂ કરી હતી. એ સમયમાં 2500 જેટલી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતી હતી. જો કે સમય જતાં અહીં વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. આ શાળાનું નામ નાનજી કાલિદાસ મહેતા સરકારી શાળા છે. જેમાં ધો. 1 થી 8 સુધીનો અભ્યાસ ચાલે છે. આ શાળામાં મોટાભાગે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો અભ્યાસ કરે છે. આ ઉપરાંત હિન્દુ અને મુસ્લીમ બન્ને ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસઅર્થે આવે છે.

આ સરકારી શાળામાં નિયમીત પ્રાર્થના બોલાવવામાં આવે છે. જેમાં આ શાળામાં અભ્યાસ કરતા 175 જેટલા ભૂલકાઓ નિયમીત ગાયત્રીમંત્ર પણ બોલે છે, જેમાં ધો. 2 માં અભ્યાસ કરતી સૈફા બાનુ ગરાણા નામની મુસ્લીમ બાળા કડકડાટ ગાયત્રીમંત્ર બોલે છે. આ ઉપરાંત તે પ્રાર્થના પણ સારી રીતે બોલી શકે છે. આમ તો અનેક મુસ્લીમ બાળકો અભ્યાસ કરે છે, જેમાં સૈફાબાનુ નામની આ બાળકી ગાયત્રીમંત્રને શુધ્ધ ઉચ્ચારણ સાથે બોલી શકે છે. આ રીતે આ શાળામાં કોમી એકતાના દર્શન થાય છે. ઉલ્લેખનીય એ છે કે,પ્રાથમિક શાળાનું ભણતર પાયાનું ભણતર કહેવાય છે અને અહી તો પાયાનાં ભણતરમાં નાત, જાત, કોમ આ બધા ભેદભાવ કુમળા માનસ પર લાગે નહી તેવી પ્રતિતિ આ છાત્રામાં દેખાય છે.