ગુજરાતની બીલીમોરા – વઘઇ ટ્રેન એ સુંદરતા અને આદિવાસી વિસ્તારના વાંસની રોજિંદી હેરાફેરીથી ઓળખાતી ટ્રેન છે. જેણે તાજેતરમાં ૧૦૪ વર્ષ પુરા કર્યા છે. ૬૩ કિલોમીટર લાંબો ટ્રેક ધરાવતી આ ટ્રેન નેરોગેજ લાઈન છે. જે ડાંગના જંગલોમાંથી પસાર થાય છે. આ ટ્રેનનો રૂટ વલસાડના બીલીમોરાથી શરુ કરીને ડાંગ જિલ્લાના વઘઇ સ્ટેશન સુધીનો છે. આ રૂટમાં ગણદેવી, ચીખલી રોડ, રંકાવા, ધોળીકુઆ, અનાવલ, ઉનાઈ અને વાંસડા રોડ, કેવડી રોડ, કાલા આંબા અને ડુંગરડા સ્ટેશન આવે છે. આ ટ્રેનમાં બધા જ સ્ટેશને ટિકિટ બારીની સુવિધા નથી અને સુવિધા માત્ર વઘઇ, ઉનાઈ અને બીલીમોરા સ્ટેશન પર છે. ૬૩ કિલિમીટરનો ટ્રેક ધરાવતી આ ટ્રેન અંગ્રેજોના સમયમાં સયાજીરાવ ગાયકવાડે ૧૯૧૩ માં ચાલુ કરી હતી. આ ટ્રેન તે સમયે ગાયકવાડ સરકારની ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેના શાસન હેઠળ હતી જે તે સમયના બરોડા રાજ્યના તાબા હેઠળ હતી. આ ટ્રેનનો મુખ્ય હેતુ આ વિસ્તારની પ્રજાનો સંપર્ક બરોડા રાજ્ય સાથે સતત રહે એ હતો. સ્વતંત્રતા પછી પશ્ચિમ રેલવેમાં આ રેલવેને મર્જ કરી દેવામાં આવી. પાંચ ડબ્બાઓ સાથે દોડતી આ ગાડી ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને ૩ કલાક જેટલા સમયમાં બીલીમોરા થી વઘઈ અને વઘઈ થી બીલીમોરા પહોંચે છે.
૧૯૩૭ સુધી સ્ટીમ એન્જીનથી ચાલતી આ ટ્રેનને ત્યારબાદ ડીઝલ એન્જીનમાં દેવામાં આવી. ૧૯૯૪ માં જુના સ્ટીમ એન્જીનને મુંબઈના ચર્ચગેટ સ્ટેશન પર શો પીસ તરીકે મૂકી દેવામાં આવ્યું છે. ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેના મોટાભાગના નેરોગેજને બ્રોડગેજમાં ફેરવી દેવામાં આવ્યા છે. આ ટ્રેનને રસ્તામાં સાત જેટલા મોટા ક્રોસિંગ આવે છે પરંતુ એકપણ સ્ટેશને ગેટમેનની વ્યવસ્થા નથી. આની જગ્યાએ ટ્રેનમાં જ ગેટમેન હોય છે જે ટ્રાફિક પણ ક્લિયર કરે છે અને ગેટ પણ ઉતરીને બંધ કરે છે. આ ટ્રેન એક દિવસમાં બે ટ્રીપ લગાવે છે જેનો ઉપાડવાનો સમય નક્કી હોય છે પણ પહોચવાનો સમય નક્કી નથી હોતો. આ ટ્રેનમાં બેઠેલ ગાર્ડ જ ટિકિટ વહેંચે છે. આ ટ્રેનની ખાસિયત એ પણ છે કે એ વાંસડા નેશનલ પાર્કમાં રહીને પસાર થાય છે જ્યાં ચિત્તા, બિલાડી, અજગર, દીપડા, મોટી ખિસકોલીઓ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. આવી ઐતિહાસિક અને અનોખું મહત્વ ધરાવતી ટ્રેનો આપણા ગુજરાતમાં છે એ ખુબજ આનંદની વાત છે..