ATUL N. CHOTAI

a writer – since 2014


પ્રકૃતિ શિક્ષણ આપતું એક માત્ર હિંગોળગઢનુ અભ્યારણ્ય..

hingolgadh abhyarn

hingolgadh abhyarn

રાજકોટની ભાગોળે ૨૩૦ થી વધુ પંખીઓ અને વન્ય જીવોને જોવા જાણવાનો અવસર અને પ્રકૃતિને જાણવા માણવા શહેરથી બહાર નૈસર્ગીક વાતાવરણ જેવા કે જંગલ, વન કે અભ્યારણ્યની સંગાથે મહાલવું પડે. શહેરની ભીડભાડથી શાંત નૈસર્ગીક વાતાવરણમાં પશુ પંખીને જોવા જાણવાનો અને શાંતિનો અનુભવ થાય. નયનરમ્ય અલૌકીક વાતાવરણમાં પ્રાકૃતિક માહોલની અનુભૂતિ વર્ણવી ન શકાય. ખાસ કરીને વિદ્યાર્થી કાળમાં પ્રકૃતિને જોવા સમજવાનો અનેરો ઉત્સાહ હોય છે. સહાયક વન સંરક્ષક, ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 30 શિબિરમાં ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધોહતો. આ શિબિર ત્રણ દિવસ બે રાત્રીની હોઈ છે જેમાં રહેવા જમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે. અહીં દસ રૂમ છે. આ શિબિરમાં વિદ્યાર્થીઓને જંગલ વિશે, ઝાડપાન, વન્ય પ્રાણીઓની માહિતી તેમજ સાપ વિશે માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત ચેકડેમ સહિતના વિવિધ કામોની માહિતી અને મુલાકાત, ભેજ સંરક્ષણ અંગે માહિતગાર કરવામાં આવે છે. આ શિબિરમાં જોડાવા ગીર ફાઉન્ડેશન ગાંધીનગર અરજી કરવાની હોય છે.

૬૫૪.૧ હેક્ટરમાં ફેલાયેલ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ આ અભ્યારણ્યમાં ગિરાડ, ખપાટી, વિકરો, કાચયાડી, હરમો બાવળ, દેશી બાવળ જેવા વૃક્ષો છે. અહીં નવરંગ, દુધરેજ, થરતારો, મોર, બુલબુલ સહીત ૨૩૦ જેટલા પક્ષીઓ, ૧૯ જાતના સાપ, નીલગાય, હરણ,ચિંકારા, ઝરખ,સાહુડી સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆત અને શિયાળા દરમ્યાન અહીં મુલાકત લઈ આ પ્રકૃતિનો આનંદ લઈ શકાય છે. (માહિતી બ્યુરો -રાજકોટ)


સમગ્ર વિશ્વમાં એકમાત્ર કચ્છના નાના રણમાં જોવા મળતું વન્ય પ્રાણી એટલે ઘુડખર

ghudkhar animal

ghudkhar animal

 :: સંકલન :: 
જનક દેસાઇ
 માહીતી બ્યુરો – ગાંધીનગર

ગુજરાત વન્યપ્રાણીઓની વૈવિધ્યતામાં સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે. વિશ્વમાં એકમાત્ર કચ્છના નાના રણમાં જોવા મળતું દુર્લભ એવું વન્યપ્રાણી એટલે ઘુડખર. કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલું ઘુડખર અભયારણ્ય વન્યપ્રાણી અને પક્ષીઓના રક્ષણ માટે વિશેષ સ્થાન ધરાવે છે. પ્રાણી પક્ષીઓના રક્ષણ માટે ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી અધિનિયમ ૧૯૬૩ હેઠળ ૧૯૭૩માં અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ૧૯૭૮માં એમ કુલ ૪૯૫૩ ચો.કિ.મી. વિસ્તારમાં જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વર્ષ ૧૯૬૨ માં ઘુડખરની સંખ્યા ૩૬૨ અને વર્ષ ૨૦૧૪ માં ૪૪૫૧ થી વધુ છે. જે જોતા તેની સંખ્યામાં ખુબ સારો વધારો જોવા મળ્યો છે. ઘુડખર અભયારણ્ય ગુજરાતના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા એમ ૫ જિલ્લાના વિસ્તારને સ્પર્શ છે.

ઘુડખર પોતાની અસાધારણ ગતિ અને જોમ માટે આ વેગવાન પ્રાણી કલાકના ૩૦ કિ.મી. કરતાં વધુ ઝડપથી સતત બે કલાક જેટલા લાંબા સમય સુધી દોડી શકે છે. એટલુ જ નહીં, રણ જેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ તે ટુંકા અંતર માટે ૭૦ કિ.મી. પ્રતિ કલાક્ની મહત્તમ ગતિથી દોડી શકે છે. ઉષ્ણતામાનમાં થતાં ડિગ્રી સેલ્સિયસથી માંડીને ૫૦ ડિગ્રી સેલ્સિયસ જેટલા ફેરફારો અને અત્યંત વિષમ વાતાવરણીય પરિસ્થિતિઓમાં પણ આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. સરેરાશ ૨૧૦ સેમી. જેટલી લંબાઇ અને ૧૨૦ સેમી. જેટલી ઉંચાઇ ધરાવતા જંગલી ઘુડખર પીળાશ પડતો માટીયાળો રંગ ધરાવે છે. તીવ્ર ધ્રાણેંન્દ્રિય ધરાવતાં ઘુડખર સમુહજીવન ગાળતાં જોવા મળે છે.

કચ્છનું નાનું રણ આખા વિશ્વમાં વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક સંરચના ધરાવે છે. રણ વિસ્તાર, બેટ (પથ્થરવાળો વિસ્તાર) અને જળપ્લાવિત વિસ્તારો જેવી વિવિધ પ્રકારની સંરચના નાના રણમાં જોવા મળે છે. આજ રીતે દરિયાનો ખાડી વિસ્તાર પણ વિશિષ્ટ પ્રકારની જૈવિક વિવિધતા ધરાવે છે. કચ્છનાં નાના રણ વિસ્તારમાં વસતાં ઘુડખરની વિશિષ્ટ પ્રકારની પ્રજાતિ વિશ્વભરમાં ફક્ત આ વિસ્તારમાં જ જોવા મળે છે. આ વિસ્તારમાં ઝરખ, નાર, શિયાળ, રણલોકડી, ચિંકારા, નિલગાય વગેરે તેમજ ૨૦૦ થી વધુ પ્રકારના પક્ષીઓ, જુદી જુદી પ્રજાતિના ઝીંગા, ૧૫૭ પ્રકારની વનસ્પતિઓ અને ૨૨ પ્રકારની માછલીઓ વગેરે પણ વસવાટ કરે છે. કચ્છની ખાડી અને ચોમાસા દરમિયાનનો રણ વિસ્તાર માછલીઓ અને ઝીંગા માટેનો આદર્શ રહેઠાણ બની રહે છે. ચોમાસાથી શરૂ થઇને શિયાળા દરમિયાન રણમાં જળપ્લાવિત વિસ્તારોમાં ફ્લેમિંગો અને અન્ય યાયાવર વિદેશી પક્ષીઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.

કચ્છનું નાનું રણ અનેકવિધ વિવિધ પક્ષીઓની જાતિઓનું નિવાસસ્થાન છે. જેમાંથી મોટાભાગના પક્ષીઓ આખું વર્ષ જોવા મળે છે, જ્યારે યાયાવર પક્ષીઓ શિયાળાના સમયે દ્રષ્ટિગોચર થાય છે. કચ્છના નાના રણમાં તમામ પક્ષીઓને માટે વૈવિધ્યપૂર્ણ રહેઠાણ મળી રહે છે. જેમાં બેટ અને બેટના અંતરિયાળ વિસ્તારો, જળાશયોના કાંઠા જેવા સ્થાનો દરેક જાતિના પક્ષીઓ માટે અનોખા અને અનૂકુળ આશ્રય બની રહે છે. ઘુડખર માટે વિશ્વભરમાં જાણીતું આ અભયારણ્ય અન્ય સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ સરીસૃપો, ઉભયજીવ, મત્સ્ય અને અપૃષ્ઠવંશી જીવોનું પણ નિવાસસ્થાન છે. અહીં વિશિષ્ટ વનસ્પતિઓ પણ મળી આવે છે. કચ્છના નાના રણની મુલાકાત સમયે તમને ઘુડખર ઉપરાંત ચિંકારા (ઇંડિયન ગેઝેલ), કાળીયાર (બ્લેક બક), નીલગાય (બ્લુ બુલ), જંગલી ડુક્કર, વરૂ, શિયાળ, જંગલી બિલાડી, ઝરખ, જબાદી બિલાડી, કિડીખાઉ (પેંગોલીન), કલગીવાળી શાહુડી, જર્બિલ જેવા અસંખ્ય પ્રાણીઓ તેમના પ્રાક્રૃતિક વાતાવરણમાં નિહાળવા મળે છે. કચ્છના નાના રણની વનસ્પતિ સૃષ્ટિએ અહીંની વિષમ આબોહવામાં પણ વિકસવાનું અનૂકુલન સાધી લીધું છે. અહીંના મોટાભાગના બેટ અને આસપાસના વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ પ્રોસોપિસ જુલીફ્લોરા, વિદેશી બાવળ, ગાંડો બાવળ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આમ છતાં અહીં પ્રોસોપિસ સિનેરારિયા, સુમેરીના (ખીજડો) વૃક્ષો પણ અહીં જોવા મળે છે. અહીંની જમીન ક્ષારયુકત હોવાથી ખારાપાટમાં વિકસી શકતી વનસ્પતિઓ જેવી કે, સાલ્વાડોરા (પીલુ), મોરડ, ઊંટમોરડ, ડોલરી ઘાસ, થેક( સાયપ્રસ) વગેરે અહીં જોવા મળે છે. બાજ, પાટ્ટાઇ અને ટિલોર (ક્લેમિડોટિસ અંડ્યુલેટ) જેવાં અલભ્ય પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. આ રણમાં આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતાં જળપ્લાવિત વિસ્તારોમાં આવેલાં છે. જ્યાં મોટાહંજ (ફોએનિકોપ્ટેરસ રોઝિઅસ), નાનાહંજ (ફોએનિકોપ્ટેરસ માઇનોર), સફેદપેણ (પેલેકનસ ઓનોક્રોટાલસ), રૂપેરીપેણ (પેલેકનસ ક્રિસપ્સ), કુંજ(ગ્રુસગ્રુસ), મોટી ચોટીલી ડુબકી (પોડિસેપ્સ ક્રિસ્ટાટસ), મોટી વાબગલી (હાઇડ્રોપ્રોજ્ઞ કાસ્પિયા) જેવા પક્ષીઓ જોવા મળે છે.

એક સમયે ગુજરાત ઉપરાંત રાજ્સ્થાન, સિંધ, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન અને દક્ષિણ પૂર્વ ઇરાન સુધી જોવા મળે મળતાં ઘુડખર અશ્વ પરિવાર (ઇક્વિડે)ના સભ્ય છે. ચોમાસા બાદ ઊગી નીકળતું ઘાસ અને બેટ તેમજ તેની આસપાસના વિસ્તારમાં ઉગતું મોરડ તરીકે જાણીતું ઘાસ (સ્યુએડા નુડીફ્લોરા) ઘુડખરનું મુખ્ય ભોજન બને છે. ઉનાળાના સમયગાળામાં ઘુડખર પાણી અને ઘાસચારાની શોધમાં એક બેટથી બીજા બેટ તરફ ભ્રમણ કરતાં રહે છે. બજાણા ગામથી કચ્છના નાના રણમાં સહેલાઇથી પહોંચી શકાય છે. આ ઉપરાંત દસાડા, જૈનાબાદ અને ધ્રાંગધ્રા થઇને પણ અહીં સુધી પહોંચી શકાય છે. બજાણાથી સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ(૧૩૦ કિ.મી.) જ્યારે રાજકોટ (૧૬૦ કિ.મી.) અને ભુજ (૨૪૫ કિ.મી.) ના અંતરે આવેલું છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા (૨૨ કિ.મી.) તથા હળવદ અને બજાણા રેલવે સ્ટેશન નજીકના રેલવે સ્ટેશનો છે. કચ્છનું નાનું રણ પાકા માર્ગો અને હાઇવેથી સંકળાયેલુ છે. અહીં જમીન માર્ગે પહોંચવા માટે રાજ્ય પરિવહનની બસો, વિવિધ ખાનગી વાહનો દ્વારા પહોંચી શકાય છે. અમદાવાદથી વિરમગામ થઇને બજાણા કે ધ્રાંગધ્રા આવી શકાય છે. અભયારણ્યની મુલાકાતે આવતા પર્યટકોમાં ચોથા ભાગનાં પર્યટકો વિદેશી હોય છે. તેઓ રણમાં જીપ, સફારી, જળસૃષ્ટિ, પાણીના તલાવડા, અગરિયાની જીવનશૈલી, મુક્તપણે વિહરતી વન્ય જીવસૃષ્ટિ જેવા વિવિધ પ્રકારના અનુભવ લે છે. સાથે સાથે સુર્યોદય તેમજ સુર્યાસ્તનો આહલાદક અનુભવ તો ખરો જ આ જીવસૃષ્ટિ અને ઇકો સિસ્ટમ સતત સંઘર્ષ કરતી રહી છે. માણસની વિવિધ પ્રવૃતિ અને તેના દ્વારા ઉદભવતાં જોખમી પરિબળો ઇકો-સિસ્ટમને ગંભીર અસર કરે છે. લોકોના સહભાગી સહકારથી તથા પર્યાવરણ અને ઇકો સિસ્ટમના શિક્ષણ દ્વારા આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી સરળ રસ્તો કાઢવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.


ભારત સહીત દેશ – વિદેશ માં આવેલી ૫૧ શક્તિપીઠ વિશે જાણો છો..??

Shaktipeeths

Shaktipeeths

ભગવાન શિવજી જ્યારે સતીના દેહત્યાગથી વિહવળ થઈ ગયા ત્યારે સતીનું શબ હાથમાં લઈને પૃથ્વી પર ઉલ્કાપાત મચાવી દીધો. પત્ની વિયોગમાં ડૂબી ગયેલા શિવને બહાર કાઢવા માટે વિષ્ણુએ દેવી સતીના શરીરના સુદર્શન ચક્ર થી અનેક ટુકડા કરી નાંખ્યા. તે પૃથ્વી પર વિવિધ જ્ગ્યાઓએ પડ્યાં. તે જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી. શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહિં પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ, લંકા, નેપાળમાં પણ આવેલી છે. . તો ચાલો આ ૫૧ શક્તિપીઠ વિષે જાણકારી મેળવીએ …

1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન)
2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)
3. સુનંદા – બાંગ્લાદેશ
4. મહામાયા – પહલગાંવ (કાશ્મીર)
5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)
6. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ)
7. અંબાજી – આરાસુર, અંબાજી (ગુજરાત)
8. મહાશિરા – પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)
9. દાક્ષાયની – માનસરોવર (કૈલાસ)
1૦. વિમલા – ઉત્કલ (ઓડિશા)
11. ગંડકી ચંડી – પોખરા (નેપાળ)
12. દેવી બાહુલા – પં. બંગાળ
13. મંગલ ચંદ્રિકા – પં. બંગાળ
14. ત્રિપુરસુંદરી – ત્રિપુરા
15. ભવાની – બાંગ્લાદેશ
16. ભ્રામરી – પં. બંગાળ
17. કામાખ્યા – ગુવાહાટી (આસામ)
18. જુગાડયા – પં. બંગાળ
19. કાલીપીઠ – કોલકાતા
2૦. લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ)
21. જયંતી – બાંગ્લાદેશ
22. વિમલા મુકુટ – પં. બંગાળ
23. મણિકર્ણી – વારાણસી (ઉત્તરપ્રદેશ)
24. શ્રવણી – તામિલનાડુ
25. સાવિત્રી – હરિયાણા
26. ગાયત્રી – અજમેર (રાજસ્થાન)
27. મહાલક્ષ્મી – બાંગ્લાદેશ
28. કાંચી – પં. બંગાળ
29. કાલી – મધ્ય પ્રદેશ
3૦. નર્મદા – અમરકંટક (મધ્યપ્રદેશ)
31. શિવાની – ઉત્તરપ્રદેશ
32. ઉમા- ઉત્તરપ્રદેશ
33. નારાયણી- તામિલનાડુ
34. વારાહી – ગુજરાત
35. અર્પણ – બાંગ્લાદેશ
36. શ્રી સુંદરી – આંધ્રપ્રદેશ
37. કપાલીની – પં. બંગાળ
38. ચંદ્રભાગા – પ્રભાસ – સોમનાથ (ગુજરાત)
39. અવંતિ- ઉજ્જૈન (મધ્યપ્રદેશ)
4૦. ભ્રામરી – નાસિક (મહારાષ્ટ્ર)
41. વિશ્વેશ્વરી – આંધ્રપ્રદેશ
42. રત્નાવલી – પં. બંગાળ
43. અંબિકા – ભરતપુર (રાજસ્થાન)
44. મિથિલા – ભારત – નેપાળ બોર્ડર
45. નલહાટી – પં. બંગાળ
46. જયદુર્ગા – અજ્ઞાત
47. મહિષર્મિદની – પં. બંગાળ
48. યશોરેશ્વરી – બાંગ્લાદેશ
49. ફુલ્લરા – પં. બંગાળ
5૦. નંદિની – પં. બંગાળ
51. ઇન્દ્રક્ષી – લંકા
(Courtesy  : Sandesh)


મોતને મજાક બનાવીને પાટા ઉપર દોડતી અમૂલ્ય માનવ જિંદગી

People Crossing Railway Track

People Crossing Railway Track

માનવીનું જીવન અત્યંત કિમતી છે પરંતું જીવનને પણ મજાક સમજતા લોકો મોતની પણ પરવા કર્યા વગર કામ કરતા હોય છે. રેલવેના પાટા કોઈ જાહેર રસ્તા નથી હોતા પરંતુ માત્ર થોડોક સમય કે અંતર બચાવવા માટે રેલ્વેના પાટાનો જાહેર માર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા દ્રશ્યો રેલ્વે ફાટકની આસપાસ આવેલા વિસ્તારો માટે સામાન્ય બનતા હોય છે. રેલ્વે ટ્રેકનો રસ્તા તરીકે ઉપયોગ કરવા સાથે તેને ખોટી રીતે ક્રોસ કરવાના કારણે સેંકડો અકસ્માતો થયા હોય છે પરંતુ કોઈપણ અકસ્માત માટે મોટાભાગે માત્ર તંત્રને જ  દોષ દેવામાં આવતો હોય છે. હકીકતમાં આવા લોકોને રેલવેના પાટા ઓળંગતા રોકવામાં નિષ્ફળ સાબિત થયેલ તંત્ર જેટલું જવાબદાર છે તેટલા જ જવાબદાર તેને ઓળંગનારા લોકો પણ છે..!!

રેલ્વે ના પાટા પર જોખમી રીતે દોડતી આ જિંદગીઓ એક ક્ષણીક ભૂલનો ભોગ બને છે તેઓ આ જોખમથી તેઓ નાસમજ પણ છે પરંતુ મોત સાથે જાણે સ્પર્ધા જામી હોય તેમ ટ્રેન જોઈ ફાટક પરથી ઉતરી જવાના બદલે તેની આગળ દોડવાનું જોખમ પણ તેઓ ખેડી રહ્યા છે. રેલ્વે સ્ટેશન ના વિસ્તારોમાં  આપઘાત અને લાઇન ક્રોસ કરતી વેળાએ ટ્રેન હડફેટે મોતને ભેટવાના બનાવો બનતા હોય છે. મુખ્યત્વે લોકજાગૃતિનાં અભાવે માનવ જીંદગી ટ્રેન નીચે કપાઈ જતી હોય છે. અકસ્માત અને આપઘાતનાં આવા બનાવો રેલ્વે પોલીસ માટે માથાનાં દુ:ખાવા સમાન બની રહયા છે. ટ્રેન હડફેટે આવ્યા બાદ ક્ષતિ વિક્ષિત થઇ ગયેલી લાશને ઉંચકવા માટે અને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા માટે પોલીસને ભારે મુશ્કેલી નડતી હોય છે. વધતા જતા મોતનાં બનાવોને અટકાવવા રેલ્વે તંત્ર કે પોલીસ પાસે કોઇ યોગ્ય વિકલ્પ જોવા મળતો નથી. રેલ્વેનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ લોકોમાં જાગૃતિ આવે તો જ વણથંભી મોતની આ વણજાર અટકી શકે છે. કેટલાક બનાવોમાં લોકો પોતાની નિષ્કાળજી ના કારણે મોતને ભેટે છે રેલ્વે સ્ટેશન ઉપર ફૂટ ઓવરબ્રીજ હોવા છતાં શોર્ટકટ મારવાની લ્હાયમાં ટ્રેન ક્રોસ કરતા મોતને ભેટે છે. આ સિવાય ટ્રેક ક્રોસ કરતી વેળાએ મોબાઇલનાં ગીત સાંભળવાનાં કારણે પણ ધ્યાન ન હોવાથી ટ્રેનનો પાવો ન સાંભળવા ને કારણે પણ માનવ જીંદગી હોમાઇ જતી હોય છે. ટ્રેનની હડફેટે આવતા લોકોને જો સમયસર સારવાર મળે તો તેમના જીવ બચાવી શકાય તેમ છે પરંતુ રેલ્વે ટ્રેક પર સાંકડા અને જાડી જાંખરાવાળા હોવાનાં કારણે ૧૦૮ કે અન્ય એમ્બ્યુલન્સ તાત્કાલીક પહોંચી શકતી નથી ત્યારે આવા સંજોગોમાં રેલ્વેની એમ્બ્યુલન્સ વાન હોય તો ઘાયલ લોકોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડી શકાય તેમ છે. ભારતીય રેલ્વેએ ભારતના અર્થતંત્ર સહીત લોકોની સામાજીક જવાબદારી માટે જીવાદોરી સમાન છે પરંતુ દેશને ધબકતુ રાખનાર રેલ્વે તંત્ર હજુ પુરેપુરૂ સુદૃઢ ન હોવાના કારણે અને કાયદા નો અમલ કરાવવામાં ઉણુ ઉતરતુ હોવાના કારણે આ જીવાદોરી કેટલાય લોકો માટે મોતનુ કારણ બની છે

રોજે રોજ લાખોની સંખ્યામાં લોકો રેલ મુસાફરી કરી રહ્યા છે આમ જોવા જઈએ તો સડક માર્ગ કરતા રેલ્વે મુસાફરી સરળ અને સસ્તી હોવા સાથે એટલી જ સલામતીભરી હોય છે કે લોકો હોંશે હોંશે રેલ્વેમાં મુસાફરી કરી રહ્યા છે પરંતુ આ રેલ્વે મુસાફરી કયારેક એટલી પણ સસ્તી બની જાય છે કે એમાં કોઈકની જીંદગી પણ સલામત રહેતી નથી. આ રેલ્વેમાં સુરક્ષા તેમજ તંત્ર સુચારૂ રીતે ચાલે તે અર્થે અનેક લોકો રેલ્વે કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે તેમજ કોઈ અનિચ્છિનીય બનાવને અટકાવવા તેમજ રેલ્વે અકસ્માતોને અટકાવવા માટે આર.પી.એફ. જેવા આખા વિભાગને ઉભો કરવામાં આવ્યો છે પરંતુ ઓછી મહેકમ અને આળસના કારણે આર.પી. એફ. વિભાગ પણ પોતાની પુરેપુરી ફરજ નિભાવી શકતુ નથી જેના કારણે મુસાફરો મનફાવે તેમ રેલ્વે પ્રિમાઈસીસ માં ફરતા હોય છે સામેથી ટ્રેન આવતી હોવા છતાં જાણે કોઈ બહાદુરીનું કામ કરતા હોય તેમ કેટલાક તો ટ્રેનની આગળથી પસાર થઈ રેલ્વે ટ્રેક ક્રોસ કરતા હોય છે અને આવા બનાવો રેલ્વે સ્ટેશન ઉપર સામાન્ય બની ગયા છે. મુસાફરો કાયદાની ઐસી તૈસી કરી બિન્દાસ રીતે રેલ્વે ટ્રેક પર છલાંગ મારીને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ડર અનુભવતા નથી આમ રેલ્વે તંત્રની કાયદાની અમલવારી કરાવવા પ્રત્યે ઉદાસીનતા, બેદરકારી અને મુસાફરોની નિર્ભયતા અને ઉતાવળ ના કારણે પણ રેલ્વેની હદમાં રેલ્વે અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રેલ્વે પ્રશાસન દ્વારા આ બાબતની સૂચનાઓ આપવામાં આવે છે છતાં પણ મુસાફરો ગંભીરતા દાખવતા નથી અને તેમના જાન માલની સલામતીની ચિંતા કર્યા વગર બ્રિજનો ઉપયોગ કરવાના બદલે પાટા ઓળંગતા હોય છે જેના કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ઉપરાંત ટ્રેન ઉપડયા બાદ અને ટ્રેન ઉભી રહેતા પહેલા ટ્રેનમાં ચઢવા ઉતરવાની ઉતાવળ કરનાર કેટલાક કમભાગીઓ પણ રેલ્વે અકસ્માતનો ભોગ બની મોતને ભેટે છે.

રેલવે એક્ટ ૧૯૮૬ની ધારા ૧૪૭ મુજબ આવા રેલ્વે પાટા ક્રોસ કરનારને છ માસની સજા તેમજ ૧ હજારનો દંડની જોગવાઇ છે છતાં કાયદાનો અમલ કરાવનાર કોઇ ન હોય મુસાફરો કાયદાનો ભંગ કરતા જોવા મળે છે જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે. જાગૃત મુસાફરો આવા શોર્ટકટ શોધતા મુસાફરોને ટકોરે છે પરંતુ આવી ટકોરને મુસાફરો નજર અંદાજ કરતા હોય છે રેલવે મંત્રાલયના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર વર્ષે અંદાજે પંદર હજાર જેટલા લોકો રેલવેના પાટા ક્રોસ કરતા કપાઈ મરે છે. આ બધું આપણે પણ જોઈએ છીએ પણ કંઈ કરી શકતા નથી કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે પણ આવી ભૂલો કરતા હોઈએ છીએ તો ચાલો જાગ્યા ત્યારથી સવાર સમજીને એક જાગૃત અને સમજુ નાગરિક તરીકે હવેથી આપણે પણ આ બાબતો નું ધ્યાન રાખીશું અને શક્ય હોય ત્યાં સુધી આપણી આંખ સામે આવી કોઈ ઘટના ના બને તેવો પ્રયાસ કરવાનો પણ સંકલ્પ લઈંશું..


જામનગર નો પીરોટન ટાપુ એશિયાનું એક માત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉઘાન કહેવાય છે

Pirotan Island - Jamnagar

Pirotan Island – Jamnagar

પીરોટન બેટ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના સૌરાષ્ટ્રમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉઘાન માં આવેલ એક પરવાળા ટાપુનું નામ છે. પરવાળા ટાપુ આસપાસની અદ્ભુત દરીયાઈ સૃષ્ટી ઉપરાંત અહીયા તમ્મર (અંગ્રેજીઃ મેન્ગ્રોવ) ના જંગલ છે તથા ટાપુ પર એક દીવાદાંડી પણ આવેલી છે. અહીના ૪૨ ટાપુઓમાં થી માત્ર પીરોટન ટાપુ અને નરારા ટાપુ પર જ લોકોને પ્રવેશવા અને ફરવા દેવામાં આવે છે. પીરોટન ટાપુ પર સરળતાથી પહોંચી શકાતું હોવાથી તે વધુ લોકપ્રિય છે. જયારે નરારા ટાપુ પર માળખાકીય સવલતોનો અભાવ છે અને ભરતી વધારે હોય તેવા અમુક સમયે જ ત્યાં જઈ શકાય છે. પીરોટન ટાપુની દીવાદાંડી ખાતે કામ કરતા કામદારોને બાદ કરતા આ ટાપુઓ નિર્જન છે તો તમારી આસપાસના વિશાળ વિશ્વમાં ખોવાઇ જવાની તકને ઝડપી લઈને થોડી જાણકારી મેળવીને તમે પણ ઓછી ભરતીના પાણીમાં હરતાં ફરતાં, પાણી ઓછું થવાને કારણે જોઇ શકાતાં આકર્ષક સામૂદ્રિક જીવનને માણતા કલાકો ગાળી શકો છો. જો કે જેલીફીશ જેવા કેટલાક જીવોથી દૂર રહેવુ હિતાવહ છે. ઉઘાન અધિકારીઓને પૂછીને એ ખાતરી કરી લો કે બીજા કયા જીવો પ્રતિબંધિત છે પણ નુકશાનકારી ન હોય તેવા જીવોના સ્પર્થનો લ્હાવો લેવાનું ચૂકશો નહીં..

દરિયાને તીરે એક બાંધી’તી ઓટલી જેવા ગીતોના સથવારે દરિયાકાંઠાની મજા માણનારા લોકોને ખ્યાલ હશે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપરાંત નરારા, પીરોટન અને પોશીત્રા ટાપુની મુલાકાત શિયાળાના સમયમાં કેવી રોમાંચકારી હોય છે..? અલબત અત્યારે જામનગર નજીકનો પિરોટન ટાપુ કોરલ ટ્રેલ દ્વારા દરિયામાં પુલ બનાવી પરવાળાનું રક્ષણ કરવાનો પ્રોજેકટને લઈને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. આંદામાન, નિકોબારથી દરિયાઈ જીવને અહિયા ટ્રાન્સપ્લાન્ટ કરાશે દર વર્ષે શિયાળાના સમયમાં ૧૬૨ ચોરસ કિ.મી.માં પથરાયેલા મરીન નેશનલ પાર્કના હજારો લોકો મુલાકાત લ્યે છે. આ મરીન નેશનલ પાર્કની સાથે જોડાયેલા દરિયાઈ જીવસૃષ્ટીના નેશનલ અભ્યારણયમાં મોટા પ્રમાણમાં સમુદ્ર તારા, સમુદ્ર ફુલ, ઢોંગી માછલી, પરવાળા, એક્રોપોરા, સ્ટારફીશ વિગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે. દરિયાકાંઠા પર સર્જાતી ભરતી અને ઓટ દરમિયાન અહી જે દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે તે નિહાળવા માટે સંખ્યાબંધ પ્રવાસીઓ અત્યારે ઉમટી પડે છે પરંતુ પરવાળાના રક્ષણ માટે અત્યારે પીરોટન ટાપુ બંધ કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ સુધી આ ટાપુ ઉપરની દરિયાઈ જીવ સૃષ્ટિને ડીસ્ટર્બ નહી કરવાના હેતુથી પિરોટન ટાપુ ઉપર જઈ શકાતુ નથી પિરોટન અને પોશિત્રાના ટાપુ પર પથરાયેલી જીવસૃષ્ટિ નિહાળી ને પ્રવાસીઓ રોમાંચિત થઈ જાય છે.

દેશના એકમાત્ર મરીન નેશનલ પાર્કના વિકાસ માટે કોરલ ટ્રેલ બનાવવાનું આયોજન ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. જો આ ટ્રેલ બનાવવામાં આવશે તો જમીનથી ઉંચી ટ્રેલ ઉપરથી પ્રવાસીઓ પસાર થઈ શકશે. કોરલને નુકશાન નહી થાય એ જ રીતે અહી ડેડ ફિંગર કોરલનું પ્રમાણ વધી ગયું હોવાથી આંદામાન અને નિકોબાર ટાપુ ઉપરથી એક્રોપોશ નામના દરિયાઈ જીવને અહી લાવી ઉછેરવાનો પ્રોજેકટ પણ હાથ ધરવામાં આવ્યો છે. વધુમાં દરિયાઈ જીવોની સુરક્ષા માટે અહીના દરિયાકાંઠાના ૫૮ ગામોમાં કેટલાક જાગૃતિલક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવે છે તેથી મરીન નેશનલ પાર્કની દરિયાઈ જીવસૃષ્ટિનું જતન થઈ શકયું છે. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર અત્યારે સૌથી વધુ સમૃધ્ધ દરિયાઈ જીવસૃષ્ટિ મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં સચવાયેલી છે ત્યારે તેનું પ્રાકૃતિક ઢબે રક્ષણ કરવામાં લોક ભાગીદારી ઉમેરવી જરૃરી છે. પીરોટન ટાપુ અંગે વધુ માહિતી માટે ગુજરાત ટુરીઝમ ના ફોન નંબર ૦૭૯- ૨૩૯૭૭૨૦૦ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૦૦ ૫૦૮૦ ઉપર સંપર્ક કરી શકાય છે  


કૃષ્ણની દ્વારકા બની હેરિટેજ નગરી

Dwarka Temple

Dwarka Temple

 – શ્રીલેખા યાજ્ઞિક

શું આપે ક્યારેય નીચે જણાવેલ નામ સાંભળ્યા છે..? સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, દેવકી ચોક, વસુદેવજીની શેરી, ગોપાલજીની શેરી, ફૂલેકા શેરી, ભીડભંજન શેરી, વ્યાસ શેરી, હર્ષદા શેરી, બ્રહ્મકુંડ, કકરાટ કુંડ, સ્નાન કુંડ, ઉગમણો ચોક, ખારવા ચોક, ત્રણબત્તી ચોક, હોળી ચોક, ડેલો, ખડકી અને ટાંકું. જી, હા, સૌરાષ્ટ્ર સ્થિત દ્વારકા શહેરમાં રોજબરોજની વાતચીતમાં વપરાતા નામ છે. દ્વારકા શહેરને ‘કૃષ્ણની નગરી’ કહેવામાં આવે છે. અરે, ત્યાંની શેરીએ શેરીમાં કૃષ્ણનો સાક્ષાત્કાર જો ભાવ સાથે આપ જુઓ તો અવશ્ય અનુભવો. જેમ કે ત્યાં ફરતી ગાય હોય કે, મંદિરના શિખર ઉપર ફરકતી ધજા હોય, ગોમતી ઘાટ ઉપર ટહેલતી વખતે, ભડકેશ્ર્વર પાસે અગાધ તોફાની દરિયાને નિહાળતી વખતે, નિજમંદિરમાં કૃષ્ણની પટરાણીના દર્શન કરો ત્યારે, કૃષ્ણના ભાઈ બલરામ કે ત્રિકમજીના દર્શન કરી દેવકી ચોકમાં બે ઘડી નામ સ્મરણ કરવા બેસો ત્યારે પણ કૃષ્ણ કણેકણમાં વસતા હોય તેવો આભાસ થતો હોય છે. પીતાંબર અને બંડી પહેરીને ફરતા ગ્રામ્યજનો અને તેમની બોલીમાં જોવા મળે છે. આજે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ વીસરાઈ જવાની એક ભીતિ આપણે અનુભવી રહ્યા છીએ. તે સમયે દ્વારકા શહેરને ‘હેરિટેજ સિટી’ જાહેર કરવામાં આવતા સૌરાષ્ટ્રના લોકો આનંદિત થઈને ગર્વ અનુભવે છે. ગામની નાની શેરી ચોક કે કુંડના નામ જળવાયેલા રહેશે. ભવિષ્યમાં આ નામ પાછળ છુપાયેલ કૃષ્ણની યાદો અખંડ રહેશે. તે ગર્વ લેવા જેવી વાત તો કહેવાય જ ને..  ૨૧મી જાન્યુઆરી, ૨૦૧૫ના યુનિયન મિનિસ્ટર ઓફ અર્બન ડેવલપમેન્ટ શ્રી એમ. વૈંક્યાનાયડુએ ભારતનાં ૧૨ શહેરને ‘હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઑગ્મેન્ટેશન યોજના’ (હૃદય) હેઠળ હેરિટેજ શહેર જાહેર કર્યાં છે. વિકાસ માટે કુલ રકમ ૫૦૦ કરોડ ફાળવવામાં આવી છે. વારાણસી, મથુરા, ગયા, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાં આવેલ દ્વારકા શહેરને પણ સામેલ કરવામાં આવ્યું છે. શહેરના વિકાસ માટે કુલ ૨૨ કરોડની ફાળવણીનો પત્ર જામનગરનાં સંસદસભ્ય શ્રી પૂનમબહેનને સોંપવામાં આવ્યો હતો. આપણે આ હેરિટેજ સિટી તરીકે જાહેર થયેલ દ્વારકા શહેરની ખાસ વાતો જાણીએ. સ્કંદ પુરાણ અને મહાભારતમાં પણ યાત્રાધામ દ્વારકા ઐતિહાસિક નગરીની ગણના પામેલ છે. કૃષ્ણના શહેરની મુલાકાતમાં જગત મંદિરની મુલાકાત લેવાનો આગ્રહ ભક્તો દ્વારા રાખવામાં આવે છે. વર્ષમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મનુષ્ય જીવનમાં સારા કામ કરીને સ્વર્ગ લોકમાં સ્થાન મેળવી મોક્ષ પ્રાપ્ત કરવો. દ્વારકાધીશના મંદિરના પ્રવેશદ્વારને ‘સ્વર્ગ દ્વાર’ કહેવામાં આવે છે. છપ્પન પગથિયાં ઊતરો એટલે ગોમતી નદી તરફ આપ પહોંચો. તે દ્વારને ‘મોક્ષદ્વાર’ કહેવામાં આવે છે.

૨૫૦૦ વર્ષ પહેલાં બંધાયેલ આ મંદિરમાં પાંચ માળ જોવા મળે છે. અદ્ભુત કોતરણી ધરાવતા ૬૦ સ્તંભ જોવા મળે છે. મંદિર કુલ ત્રણ ભાગમાં વહેચાયેલું છે. જેમાં ભક્તિ માટેનું સ્થળ, પ્રકાશઘર (નિજમંદિર), સભાગૃહ. સૌથી ઉપર શિખર જોવા મળે છે. મંદિરના સભામંડપના ઉપરના ભાગમાં સુંદર નકશી કામ જોવા મળે છે. ઝરુખામાં અપ્સરા અને હાથીનું કોતરણી કામ થયેલ છે. શંકુ આકાર ઘરાવતું ૧૭૨ ફૂટ ઉંચુ શિખર છે. મંદિરની શોભા જોવી હોય તો ઉપરના માળે આવેલ ઝરુખામાંથી મંદિરની આસપાસ આવેલાં બીજાં નાનાં મંદિરોને પણ નિહાળી શકાય છે. ગર્ભગૃહમાં આવેલી ૧ મીટર ઊંચી દ્વારિકાધીશની મૂર્તિની સમક્ષ આપ ઊભા રહો તો એક અદૃશ્ય શક્તિને અનુભવી શકો છો. ગોમતી ઘાટ ઉપર ઉભા રહીને ગોમતી નદીને સમુદ્રમાં એકરૂપ થતી પણ જોઈ શકાય છે. દ્વારકાના મંદિરમાં રોજની છથી સાત બાવનગજની ધજા ચડાવવામાં આવે છે. મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ ભગવાન ૩૬ વર્ષ દ્વારકામાં રહ્યા હતા. એકલવ્ય અને દ્રોણાચાર્યની ભૂમિ પણ કહેવાય છે. એવી પણ માન્યતા છે કે કૃષ્ણના અવસાન બાદ સોનાની દ્વારકા પાણીમાં ડૂબી ગઈ હતી. સોનાની દ્વારકા શોધવાના પ્રયત્નો હજી આજે પણ ચાલી રહ્યા છે.

શારદાપીઠ: જગદ્ગુરુ શંકરાચાર્ય દ્વારા ૨૫૦ વર્ષ પહેલાં ચાર મઠની સ્થાપના કરવામાં આવી હતી. દ્વારકામાં સ્થાપેલ શારદાપીઠનો સમાવેશ થાય છે. બીજા પીઠ શૃંગેરી, પુરી, જ્યોતિર્મઠમાં સ્થાપવામાં આવેલ છે. બેટ દ્વારકા: દ્વારકાથી ૩૨ કિ.મીના અંતરે આવેલા બેટ-દ્વારકા દરિયાની અંદર આવેલું છે. બોટમાં બેસીને કે સ્ટીમ લૉંચમાં બેસીને આપ બેટ-દ્વારકા જઈ શકો છો. અહીંયા આવેલી દ્વારકાધીશની મૂર્તિ દેવી રક્મિણીએ ખાસ માટીમાંથી બનાવેલી છે. દ્વારિકાધીશની સમક્ષ ઊભા રહો તો તેમનું નિર્મળ સ્વરૂપ મનને શાંતિ અર્પે છે. એવી માન્યતા છે કે આ મૂળ દ્વારકામાં ભગવાન કૃષ્ણ તેમના કુટુંબ સાથે રહેતા હતા. નાગેશ્ર્વર મહાદેવ: દ્વારકાથી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા નાગેશ્ર્વર મહાદેવની ગણના ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાં થાય છે. રુક્મિણી મંદિર: ૧૬૦૦ વર્ષ પ્રાચીન આ મંદિર કૃષ્ણની પત્ની રુક્મિણીનું છે. ગોપી તળાવ: શ્રીકૃષ્ણને મળવા વ્યાકુળ ગોપીઓ વૃંદાવન મથુરાથી દ્વારકા પધારે છે. કૃષ્ણને મળવા જવું હોય તો સ્નાન કરી સાજશણગાર સજીને જવું જોઈએ. તેમ વિચારી ગોપી ગામની બહાર આવેલા તળાવમાં સ્નાન કરવા પાણીમાં ઊતરે છે. તેમનાં કપડાં ગામની એક જાતીના લોકો સંતાડી દે છે. જેને પાછા મેળવી ગોપી કૃષ્ણને મળવા જાય છે. હોળી ચોક: માતાજીના નોરતા વખતે ગામના પુરુષો પીતાંબર પહેરીને નવ દિવસ ગરબીમાં ઘૂમે છે. આ પ્રથા ૨૫૦ વર્ષથી ચાલી આવે છે. મંદિરમાં ગાઈડ તરીકે સેવા કરતા મુકુંદ વાયડા જણાવે છે.

દ્વારકા ગામના પુરુષોનો મુખ્ય પોષાક પણ કૃષ્ણ પહેરતાં તેવી બંડી અને પીતાંબર છે. શુદ્ધ ગાયનું દૂધ અને ઘી કેવું સ્વાદિષ્ટ હોય તે દ્વારિકાનગરીમાં આપને જોવા અને ચાખવા મળશે. ગામના લોકો દ્વારા દર્શનાર્થે આવતા ભક્તોની આગતા-સ્વાગતા કાઠિયાવાડી રીતભાત મુજબ કરવામાં આવે છે. કાઠિયાવાડની સાચી ઓળખ એટલે સવારના સમયે કડક મીઠી ચાની સાથે શિરામણમાં ગરમા-ગરમ ગાંઠિયા, તળેલા મરચાં અને પપૈયાનું સ્વાદિષ્ટ છીણ સ્વાદને સંતોષી શકવા સક્ષમ છે. મંદિરમાં દ્વારિકાધીશને ધરાવેલ પ્રસાદને ગ્રહણ કરવાનો મોકો મળે ત્યારે એમ જ થાય કે સાક્ષાત કૃષ્ણ આપને ભોજન પીરસી રહ્યા છે. સાંજના સમયે હજમાહજમના સ્વાદવાળી ગોટી સોડા પીવાની મજા માણવી જ જોઈએ. ફૂલેકા શેરીમાંથી બહાર નીકળો એટલે મોઢામાં મૂકો અને ઓગળી જાય તેવું મીઠું પાન દિલને ખુશ કરી દે છે.

ડૂની પોઈન્ટ: શાંત દરિયામાં તરવાની, સનબાથ લઈને આરામ કરવાની મજા લઈ શકાય છે. ડૂની પોઈન્ટ ગુજરાતની પ્રથમ ‘ઈકો-ટુરિઝમ’ સાઈટ ગણાય છે. પાણીમાં તરતી ડોલ્ફીન માછલીઓ, દરિયાઈ કાચબાની સાથે, સ્કુબા ડાઈવિંગની મોજ માણવા મળે છે. રાત્રિના સમયે ખુલ્લા આકાશની નીચે બેસીને ચંદ્રમાંની રોશની અને તારાઓને નિહાળો તો રોજબરોજના જીવનમાં અનુભવાતી માનસિક તાણ તમારાથી ક્યાંય દૂર ભાગી જાય છે. વૉટર પૉલો, બર્ડ વોચિંગની સાથે મેડિટેશન કરો કે ક્રુઝમાં બેસીને દરિયાની સફર કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરી શકાય છે. શણ અને બીજી કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલી ઝૂંપડીમાં રહેવાની પણ સગવડ મળી રહે છે. દ્વારકા ભારતનાં બીજાં શહેરોથી સરળ રીતે જોડાયેલું છે. જામનગર એરપોર્ટથી ૧૫૯ કિ.મી ના અંતરે આવેલું છે. બસ અને ટ્રેન દ્વારા સરળતાથી દ્વારકા નગરીમાં પહોંચી શકાય છે. અમદાવાદથી ૪૫૩ કિ.મી નું અંતર છે. ૨૧૭ કિ.મી નું અંતર રાજકોટથી ૧૩૭ કિ.મીનું અંતર બસ, ટ્રેન અને ખાનગી વાહન સરળતાથી કરી શકાય છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એ પણ સત્ય છે કે કોઈ પણ દેશ પોતાની સંસ્કૃતિ અને વારસાને અવગણીને વિકાસ સાધી શકે નહીં. કૃષ્ણ નગરીને ‘હેરિટેજ સિટી’ જાહેર કરવાથી આવનારી પેઢી પણ વાસુદેવજીની શેરી અને દેવકી ચોક જેવા નામો જાણીને કૃષ્ણના અવશેષ જોશે તે નક્કી છે. (Courtesy : Mumbai Samachar)


ગુજરાત ના આ મદિર માં હનુમાનજી તેના પુત્ર સાથે બીરાજમાન છે

Dandi Hanuman - Bet Dwarka

Dandi Hanuman – Bet Dwarka

ઓખા પાસે આવેલા બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે  જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે આ સ્થળે ભાવિકો રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે  આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાન દાંડીની પૌરાણિક માન્યતા છે હિન્દુ ધર્મને માનનારા એ વાત સારી રીતે જાણે છે કે ભગવાન શ્રીરામના પરમભક્ત અને ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર શ્રીહનુમાનજી બાલબ્રહ્મચારી હતા પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ધર્મશાસ્ત્રો પ્રમાણે જે સમયે હનુમાનજી સીતાની ખોજમાં લંકા પહોંચ્યા અને મેઘનાદ દ્વારા પકડવામાં આવ્યા અને તેમને રાવણના દરબારમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે રાવણે તેમની પૂંછડીમાં આગ લગાવી દીધી હતી અને હનુમાનજીએ  બળતી પૂંછડીથી આખી લંકા બાળી હતી બળતી પૂંછડી ને લીધે હનુમાનજી ને તીવ્ર વેદના થઈ રહી હતી તેને શાંત કરવા માટે તેઓ સમુદ્રના જળથી પોતાની પૂંછડીને અગ્નિ શાંત કરવા પહોંચ્યા તે સમયે તેમના પસીનાની એક ટીપું પાણીમાં ટપક્યું જેને એક માછલીએ પી લીધું હતું તે પસીનાના ટીપાથી તે માછલી ગર્ભવતી થઈ અને તેનો એક પુત્ર ઉત્પન્ન થયો  તેનું નામ પડ્યું હતું.  મકરધ્વજ પણ હનુમાનજીની જેમાં જ મહાન પરાક્રમી અને તેજસ્વી હતા તેને અહિરાવણ દ્વારા પાતાળ લોકનો દ્વારપાલ નિયુક્ત કર્યાં હતા  જ્યારે અહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણને દેવીની સમક્ષ બલી ચઢાવવા માટે પોતાની માયાના બળે પાતાળમાં આવ્યો હતો અને શ્રીરામ અને લક્ષ્મણને મુક્ત કરાવવા માટે હનુમાન પાતાળ લોક પહોંચ્યા અને ત્યાં તેમની મુલાકાત મકરધ્વજ સાથે થઈ ત્યારબાદ મકરધ્વજે પોતાની ઉત્પત્તિની કથા હનુમાનજીને સંભળાવી હતી હનુમાનજીએ અહિરાવણનો વધ કરી પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યા અને શ્રીરામે મકરધ્વજને પાતાળ લોકના અધિપતિ નિયુક્ત કરતા કહ્યું તેને ધર્મના માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપી હતી  ભારતમાં ફક્ત બે  જ એવા મંદિર છે જ્યાં હનુમાનજીની પૂજાની સાથે તેમના પુત્ર મકરધ્વજની પૂજા કરવામાં આવે છે જેમાંનું ગુજરાતનું એક માત્ર દાંડી હનુમાન નું મંદિર છે

ઓખામંડળની ભુમિ સંત – શુરા અને ધાર્મિક દ્રષ્ટિએ ખુબ જ ઐતિહાસિક ભુમિ છે અહીં નાની – નાની જગ્યાઓમાં પણ અનેક ધાર્મિક સ્થળો આવેલા છે ઉપરાંત બેટ દ્વારકાનું ધાર્મિક રીતે અનેરૂ મહત્વ છે અહીં હનુમાન દાંડી અને ચોયાર્સી ધુણા નામના બે ધાર્મિક સ્થળો પણ આવેલા છે  ચોયાર્સી ધુણા ધાર્મિક દ્રષ્ટિએ ખુબ પૌરાણિક છે અને સાધુ – સંતો માટે અનેરી જગ્યા છે  હનુમાનદાંડીમાં હનુમાનજી અને તેમના પુત્રનું મંદિર આવેલ છે. ત્યાં હનુમાનજી અને તેમના પુત્રની મૂર્તિઓ એક સાથે બિરાજમાન છે  પિતા – પુત્રની એક સાથે મૂર્તિ હોય તેવું આ એક અલભ્ય અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરુ મહત્વ ધરાવતું મંદિર છે. આ સ્થળે શ્રી રામ જય રામ જય જય રામની ધુન વર્ષોથી ચાલુ છે અને દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. આ મંદિર વિષે  એવી માન્યતા છે કે આ એ જ સ્થાન છે જ્યાં હનુમાનજી પહેલી વાર પોતાના પુત્ર મકરધ્વજને મળ્યા હતા. મંદિરની અંદર પ્રવેશ કરતાજ હનુમાન પુત્ર મકરધ્વજની મૂર્તિ છે.તો પાસે જ હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ બને મૂર્તિઓની વિશેષતા એ છે કે આ બંનેના હાથમાં કોઈ જ શસ્ત્ર નથી અને તેઓ આનંદિત મુદ્રામાં છે.

ઓખા થી પાંચ કિલોમીટર દૂર આવેલા આ મંદિરના સર્જનની લોકવાયકા એવી છે કે ચારસો વર્ષ પહેલાં ખારવાઓ દરિયામાં તોફાનમાં અટવાયા હતા. તેમને જમીન સુધી રસ્તો દેખાડવા માટે હનુમાનજી આવ્યા હતા. એ સમયે ખારવાઓએ તેમને રસ્તો દેખાડનારા આ મહાવીરનું નામ પૂછ્યું ત્યારે તેમને ખબર પડી કે મૂકવા આવનારા અન્ય કોઈ નહીં પણ સ્વયં હનુમાનજી છે. ખારવાઓએ હનુમાનજીને રોકાઈ જવાનો આગ્રહ કર્યો અને હનુમાનજીએ આ જગ્યાએ સ્થાન ગ્રહણ કર્યું. હનુમાનજીએ માર્ગ દેખાડ્યો હોવાથી એ દિવસથી આ હનુમાનજી દાંડીવાળા હનુમાન તરીકે ઓળખાવા લાગ્યા આ મંદિરના પ્રમુખ હેમંતસિંહ વાઢેરના જણાવ્યા  મુજબ વહાણવટું કરનારા દાદાનાં દર્શન કરીને આગળ વધવા લાગ્યા જે પ્રથા આજે પણ ચાલુ છે  અહીં દર્શન કરવા પહેલાં તો ખારવા જ આવતા પણ પછી તો મુસ્લિમ નાવિકો પણ આવવા લાગ્યા. દાંડીવાળા હનુમાનજીને પ્રસાદમાં સોપારી ચડાવવામાં આવે છે. આની પાછળની લોકવાયકા પણ એવી છે કે અહીંથી પસાર થનારાં મોટા ભાગનાં વહાણોમાં સોપારીની નિકાસ થતી હોવાથી ખારવાઓ દર્શન કરવા આવે ત્યારે સોપારી ચડાવતા હતા. એક સમયની આ મજબૂરી પછી પ્રથા બની ગઈ અને લોકો હનુમાનજીને સોપારી ચડાવવા લાગ્યા. કહેવાય છે કે અહીં ચડાવવામાં આવેલી સોપારીનો પ્રસાદ ખાવાથી ડિલિવરીમાં તકલીફ ઓછી થાય છે. છેલ્લા થોડા સમયથી શ્રીમંત લોકો અહીં સોના અને ચાંદીની સોપારી પણ ચડાવવા લાગ્યા છે. કહે  છે કે અહીં ચડાવવામાં આવેલી સોપારીનો પ્રસાદ ખાવાથી સ્ત્રીઓ ને ડિલિવરીમાં તકલીફ ઓછી થાય છે. છેલ્લા થોડા સમયથી શ્રીમંત લોકો અહીં સોના અને ચાંદીની સોપારી પણ ચડાવવા લાગ્યા છે.


ગુજરાત એક અનોખું ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન ઇતિહાસની ઝાંખી કરાવે છે

Gandhi Smruti Railway Station - Navsari

Gandhi Smruti Railway Station – Navsari

ગુજરાતના નવસારીથી દાંડી જવાના રસ્તે એરૂ ચાર રસ્તા અગાઉ હાંસોપોર પાસે એક રેલવે ફાટક આવે છે. આ રૂટ મુંબઈ તરફ આવતો – જતો હોવાથી સતત આ ફાટક તમને બંધ જ જોવા મળે. ઘડીક વાર માટે તો થોભવું જ પડે. આ ફાટક આમ તો અન્ય ફાટકોની જેમ સાવ સામાન્ય ફાટક જ ગણાય જ્યાં સુધી તમારી નજર બાજુમાં અડીખમ ઉભેલા એક નાનકડા સ્ટેશન પર ના પડે. અહીંથી દાંડી જવાના માર્ગ પર એક સ્ટેશન આવે છે જેનું નામ છે ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન  આ સ્ટેશન ગાંધીજી ની સ્મૃતિઓ સાથે સંકળાયેલું છે એટલે જ તેનું નામ આ સ્ટેશન સાથે જોડાયેલું છે.

ઈતિહાસ તરફ ફરી નજર દોડાવીએ તો ૧૨ મી માર્ચ ૧૯૩૦ ના દિવસે સાબરમતિ આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રા બાદ ગાંધીજીએ દાંડી નજીક આવેલા કરાડી ગામે આંબાના વૃક્ષ નીચે ખજૂરીના છટીયાની ઝુંપડીમાં તારીખ  ૧૪-૦૪-૩૦ થી ૦૪-૦૫-૩૦ સુધી નિવાસ કર્યો હતો. દાંડીમાં ૬ એપ્રિલે શરૂ કરેલી નમક કાનૂન ભંગની લડતને કારણે તેમણે કરાડીથી જ ધરાસણાના મીઠાના અગર તરફ કૂચ કરવાના પોતાના સંકલ્પની જાણ બ્રિટિશ પ્રતિનિધિઓને કરી દીધી હતી. તારીખ ચોથી મે ૧૯૩૦ ના રોજ અંગ્રેજ સરકારે ગાંધીજીની કરાડી ખાતેથી ધરપકડ કરી હતી. બાદમાં તેમને કરાડીથી મુંબઇ લાઇન પર હાંસોપોર લાવવામાં આવ્યા હતા. જ્યાં તારીખ પાંચમી મેના રોજ રાતે ૧: ૩૦ વાગે ફ્રંટીયર મેલને અહીં ઉભી રાખવામાં આવી હતી. વલસાડ લોકલ, ભરુચ શટલ, મુંબઈ લોકલ, સંજાણ- સુરત મેમુ ટ્રેનો ત્યાં ઉભી રાખવામાં આવે છે.

એવી માહિતી મળે છે એ સ્થળે ટ્રેન અચાનક ઉભી રાખવામાં આવી હતી. જે સ્થળે આજે સ્ટેશન છે ત્યાંથી ગાંધીજીને એ ટ્રેનમાં બેસાડી મુંબઇ લઇ જવામાં આવ્યા હતા. મુંબઇથી ગાંધીજીને પુણેની યરવેડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. એ દિવસની યાદગીરીરૂપે આજુબાજુના ગામોએ લડત ચલાવી હતી અને પરિણામ સ્વરૂપ ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન તારીખ ૧૫-૦૮-૧૯૯૭ ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ માત્ર એક એવું સ્ટેશન છે જ્યાં કદાચ એકપણ ટ્રેન એ ફાસ્ટ હોય કે લોકલ હોય થોભતી નહીં હોય. બાદમાં દાંડીયાત્રાની ૭૫ મી જ્યંતિ પ્રસંગે કોઇ પણ કારણ વગર આ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના વિરોધમાં હોંસોપોર ગાંધી સ્મૃતિ રેલવે હિતવર્ધક કમિટી દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું. ૧૦૫ દિવસના ઉપવાસ બાદ ફરી એકવાર સ્મૃતિ સ્ટેશનને શરૂ કરવામાં આવ્યું હતું. હાંસોપોર ગામના રેવન્યુ સર્વે નંબર ૪૦ ની જમીનમાં ગામના લોકો દ્વારા ગાંધીચોરો અને જલગૃહ બનાવવામાં આવ્યા છે. માટે  આ અનોખું ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન ઇતિહાસ ની ઝાંખી કરાવે છે.


બેટ દ્વારકામાં દરિયાઈ વસ્તુઓ વેચી અનેક લોકો રોજી રોટી મેળવે છે

Sea Items

Sea Items

ઓખા અને બેટ દ્વારકામાં વિશાળ દરિયાઇ કિનારો છે. જ્યાં દરિયાઇ કિનારે દરિયાની અંદર સૂશોભિત રંગબેરંગી શંખલા, રંગબેરંગી મોતી અને છીપ તેમના વિવિધ મોટા નાના શંખ સહિત દરિયાઇ પથ્થરનો વિપુલ પ્રમાણમાં જથ્થો છે. જે નાના શ્રમિકોને બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે આ દરિયાઇ સૂશોભન કરી ચીજવસ્તુઓના લીધે નાના શ્રમિકોને રોજી રોટી મળે છે.