ATUL N. CHOTAI

a writer – since 2014


ગુજરાતની ઐતિહાસિક ભવાઇ ઇતિહાસ બનીને રહી ગઇ છે

Bhavai in Gujarat

Bhavai in Gujarat

સુરેન્દ્રનગર : “માથે ઓઢી ઓઢણી, પગે બાંધ્યા ઘૂઘરા, અમે ઘાઘરી પેરીને પડમાં ઘૂમ્યા, જોનારા કોઇ ન મળ્યા…” કવિ કાગબાપુએ લખેલી આ કવિતા વર્તમાન સમયે ભવાઇના કલાકારો માટે યથાર્થ સાબીત થઇ રહી છે. ભૂલાઇ રહેલી ભવાઇથી ગુજરાતના અનેક અદના કલાકારોને રોજીરોટીના ફાંફા છે ત્યારે વિસરાઇ રહેલી ભવાઇની ભવ્ય વીરાસતને બચાવવા માટે કલાકારો પરસેવો પાડી રહ્યા છે પરંતુ મનોરંજનના આજના ફાસ્ટ યુગમાં શું ભવાઇની આ કલાનો અદકેરો વારસો રંગભૂમિ પર નહી પરંતુ કાગળ પર જ રહી જશે..??  27 માર્ચના વિશ્વ રંગમંચના દિવસે ફરીથી ભૂંગળા ધણધણી ઉઠશે।.? આ સવાલ ખાસ કરીને બેકાર બનેલા ભવાઇના કલાકારો માટે મહત્વનો બની ગયો છે. રંગભૂમિના કલાકારોનો એક સમયે દબદબો હતો. ગામમાં ભવાઇનો ખેલ રમવાની જાહેરાત થતાની સાથે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ ફેલાઇ જતો હતો પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. લોકો માટે મનોરંજનના એક પછી એક આધુનીક સાધનો સામગ્રી બજારમાં વેચાય છે અને આથી જ ભવાઇની કલાનો મહામૂલો વારસો વિસરાઇ રહ્યો છે. ભવાઇનું પાત્ર ભજવનારને કયારેય માઇકની જરૂર પડતી ન હતી બૂલંદ અવાજે તેઓ નાટક ભજવતા હતા ગામમાં ભૂંગળાનો એક અવાજ સાંભળતાની સાથે લોકો નાટક જોવા માટે ભેગા થઇ જતા હતા ભવાઇમાં ભૂંગળા, તબલા, વાજા પેટી, મંજીરાનો જ તાલ લેવામાં આવતો હતો. ત્યારે ભૂલાઇ રહેલી કલાની ધરોહરને બચાવવા માટે  ભવાઇના ઘણા કલાકારો મથામણ કરી રહ્યા છે  ભવાઇમાં જે નાટકો ભજવાતા તેમાં ઐતિહાસિક, વિરતા, ત્યાગ, પ્રેમ કહાની આધારીત નાટકો ભજવવામાં આવતા હતા. જેમાં ખાસ કરીને જશમા ઓડણ, જનંદા ઝૂલણ, શેલ બટાઉ, મોળકલા જેવા વેશ ભજવવામાં આવતા હતા.  ભવાઇમાં કલાકારની ચાલનું ખૂબ મહત્વ હોય છે. કલાકારની ચાલ તે આગવી ઓળખ છે. સાત પગલાની જુદી જુદી ચાલમાં સીધી ચાલ, દોઢની સાંટી, છ છૂમની ચાલ, ગોળ ચક્કર ચાલ, આડી દોઢની ચાલ, ખટેરીયો, ચોથ ચકરીયાની ચાલનો સમાવેશ થાય છે.

લક્ષ્મી ગુજરાતી ભાષાનું પહેલું નાટક ગણાય છે જેને  ૧૬૪ વર્ષ પહેલાં દલપતરામે રચ્યું હતું સમયના પ્રવાહે ફિલ્મી ટીવીના માધ્યમો વધી જતાં રંગભૂમિ વિસારે પડી છે. ગુજરાતી રંગભૂમિને લાગેવળગે છે ત્યાં સુધી  ૧૫૦ થી વધુ વર્ષ પહેલાં ઈ.સ.૧૮૫૧ માં પારસી લોકોએ ગુજરાતી નાટક ભજવવાની મુંબઈથી શરૃઆત કરી હતી. ત્યારબાદ માદન કંપની, પારસી ઈન્પીરીયલ, મુંબઈ ગુજરાતી નાટક મંત્રી વિજય નાટક કંપની અન્ય સંસ્થાઓ દ્વારા નાટકો ભજવવાની પરંપરા આગળ વધારી હતી. જેમાં ધાર્મિક નાટકો સહકુટુંબ માણી શકાય તે રીતે ભજવાતા. જેમાં માલવપતિ મુંજ, સત્તાનો મદ, વડીલોના વાંકે,  નળ દમયંતિ વગેરે ધૂમ મચાવતા હતા. સને ૧૯૧૦ થી ૩૦ નો ત્રણ દાયકાનો સમય ગુજરાતી રંગભૂમિનો સુવર્ણકાળ ગણાતો જેમાં મુંબઈની નાટય સંસ્થાઓ સુરત, વડોદરા, અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્ર, કરાંચી અને  બર્મામાં આવા લોકભોગ્ય નાટકો ભજવી જનતામાં ભારેે પ્રતિસાદ મેળવતા હતા કહેવાય છે કે રાત્રે ૯-૦૦ થી શરૃ થતાં નાટકો પ્રજાનો વન્સમોર  ઝીલતાં ઝીલતાં પરોઢીયાના ૪ વાગી જતા હતા. તેની ખબર પણ પડતી ન હતી. આમ, મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા, જોતીતી વાલમની વાટ રે, અલબેલા કાજે ઉજાગરા,  મુંબઈની ઈલેકટ્રીક ટ્રેનોમાં પ્રજા લોકપ્રિય નાટકોના નામ ચાકથી લખતી હતી એવી નાટકોની ચરમસીમા હતી.


આ છે કુંવારા પત્રકાર પોપટલાલ નો સાચો પરિવાર..!!

Shayam Pathak Family

Shayam Pathak Family

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારીત થનારી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીક ની શરુઆત ૨૮ જુલાઇ ૨૦૦૮ ના રોજ થઇ હતી તે મુખ્યત્વે ગુજરાતી લેખક તારક મહેતા ની સાપ્તાહીક શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા” પર આધારિત છે. આ ધારાવાહીક ભારતીય ટેલિવિઝન ની સૌથી લાંબી ચાલનારી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીકનો સેટ દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી સ્થિત સ્ટુડિયો ખાતે નિર્માણ કરવામા આવ્યો હતો જેનું માર્ચ ૨૦૧૨ મા નવીનીકરણ કરવામા આવ્યુ હતુ.. આ સીરિયલમાં પત્નીની શોધ કરતાં પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક હકીકતમાં પરણેલા છે તેમણે બી.કોમ. પછી સી.એ.નો અભ્યાસ કર્યો છે ત્યારબાદ ત્રણ વર્ષ સુધી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તાલીમ મેળવ્યા બાદ છેલ્લાં બાવીસ જેટલા વર્ષથી તેઓ નાટયક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. મુંબઈમાં સ્ટેજ શો કરતી વેળા રશ્મી નામની દક્ષિણ ભારતીય યુવતિ સાથે તેનું મન મળી ગયુ અને બંન્ને પરણીગયા હતા આજે તેમને સાત વર્ષની પુત્રી નિયતિ તથા ચાર વર્ષનો પુત્ર પાર્થ અને  શિવમ એમ ત્રણ  સંતાનો છે. મુંબઈમાં તેઓ ઘાટકોપરની ગુજરાતી ચાલી માં રહે છે અને શ્યામ પાઠકને રોટલી સિવાય ઘણું રાંધતા આવડે છે પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠકે વાસ્તવિક જીવનમાં પત્રકારો વિશે પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યુ હતું કે પત્રકારનું જીવન અનેક અનિશ્ચિતતાઓ અને પડકારોથી ભરેલું હોય છે દરરોજ સવારે ઘરેથી નિકળ્યા પછી તેમને ખબર જ નથી હોતી કે આજે કઈ ઘટના અને પડકારનો સામનો કરવાનો છે. શ્યામ પાઠક વાંચનના શોખીન છે કામની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ પરીવારને  હમેશા પ્રાથમિક્તા આપે છે અને રજાના દિવસોમાં તેઓ પરીવાર સાથે જ્ રહેવાનું પસંદ કરે છે તો કુવારા પત્રકાર પોપટલાલ ના સાચા પરીવાર મળવાની મજા આવી ને..!!


ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે એક ખાસ મુલાકાત

Meet Atul Chotai With Bhikhudan Gadahvi

Meet Atul Chotai With Bhikhudan Gadahvi

શબ્દની સાધના અને ચિંતનની આરાધના થકી સ્વરસિધ્ધિ પ્રાપ્ત કરીને લોકપ્રિયતાના ડુંગરા સર કરનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ ને વર્ષ ૨૦૧૩ ના દીપાવલીના પર્વ નિમિત્તે એક નાની એવી શુભેચ્છા મુલાકાત લેવાની ઉત્તમ તક મળી હતી.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી વિષે આપણે આછેરો પરિચય મેળવીએ તો તેમનો જન્મ જૂનાગઢ જીલ્લાના કુતિયાણા તાલુકાના ખીજ્દળ ગામે તા.૧૯-૦૯-૧૯૪૮ ના રોજ થયો અને તેમનુ મૂળ વતન જૂનાગઢ જીલ્લાના કેશોદ પાસેનું માણેકવાડા ગામ છે અને તેઓએ અભ્યાસમાં ઓલ્ડ એસ. એસ. સી પાસ કરેલ છે. તેઓ ખેતી કરવાનું પણ જાણે છે અને સાથે સાથે રેડીયો – ટીવી તેમજ જાહેર પ્રોગ્રામો દ્રારા ગુજરાતી લોકોના હદયના તેમણે એક અનેરૂં સ્થાન મેળવ્યું છે.

ભીખુદાનભાઈના જાહેર પ્રોગ્રામોની આજ સુધી ૪૫૦ જેટલી ઓડિયો સીડી તથા ગુજરાતી લોકસાહિત્યની તથા ગ્રામ્ય સંસ્કારનું જતન કરતી ઘણી વિડીયો કેસેટો પણ બહાર પાડેલ છે અને ભીખુદાનભાઈએ દુબઇ, અબુઘાબી, શારજહા, બહેરીન, મસ્કત, સિંગાપુર, લંડન, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઈન્ડોનેશીયા, મોરેશીયસ સહિતના ઘણા દેશોમાં તથા ભારતભરમાં મુંબઈ, દીલ્હી, કલકતા, ચેન્નઈ અને બેંગ્લોર જેવા મહાનગરોમાં પણ પોતાના કાર્યક્રમો દ્વારા લોકપ્રીયતા મેળવી છે.

ભીખુદાનભાઈ એ સમાજ અને રાષ્ટ્ર માટે પણ ઘણા નિ:શુલ્ક કાર્યક્રમો કર્યા છે. વૈભવથી ઝગમગતા અમેરિકા જેવા દેશો  સુધી પોતાની ૪૩ વર્ષની સફરમાં દસેક હજાર જેટલા કાર્યક્રમો દ્ધારા ગુજરાતી લોક સાહિત્યની સુવાસ ભીખુદાનભાઈએ ફેલાવી છે. ભીખુદાનભાઈને લોકસાહિત્યની આ શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતીના હસ્તે વર્ષ – ૨૦૧૦માં સંગીત નાટક અકાદમી એવોર્ડ થી સન્માનીત પણ કરેલ છે. આ સિવાય ભારત સરકાર – ગુજરાત અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્ધારા પણ તેમને માન સન્માન અને એવોર્ડ મળેલા છે. ભીખુદાનભાઈ નિરાંતના સમયમાં પોતાના ફાર્મહાઉસ  ભરતવન ખાતે સમય પસાર કરે છે. સવાર સાંજે  નિયમિત પુજા કરે છે અને  વાંચન પણ કરે છે. આટલી મોટી વ્યક્તિ હોવા છતાં પણ તેઓ ખુબ જ સરળ અને નિખાલસ છે.

તેઓએ અમારી તથા અમારા મિડિયા પરીવાર ના સભ્યો સાથે ખુબજ સરળતાથી ઘણી બધી વાતો કરી હતી અને સારું વાંચીને, સારું સંભાળીને, સારા લોકોનો સંગ કરીને સમાજ કઈક સારું આપવું જોઈએ. જો કે આમ કરવાથી તેની સારી અસરો મોડી જરૂર થશે પણ ઈશ્વર દરેક માણસની તેની સાચી મહેનત અને નિષ્ઠાનો બદલો જરૂર આપે છે તેવું જણાવેલ હતું તથા મીડિયા ક્ષેત્રની આ કામગીરીમાં પણ સાચી જવાબદારી નિભાવવી લોકોને સાચા અને સારા સમાચારો આપી સમાજ અને દેશ માટે નિષ્ઠાથી કામ કરવાની શીખ પણ આપી હતી અને અમારા મિડિયા પરીવાર ના તમામ સભ્યને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથેની શુભેચ્છા મુલાકાતમાં અતુલભાઈ ચોટાઈની સાથે રાજકોટના ફોટોગ્રાફર શ્રી વિપુલભાઇ પડાળીયા અને શિક્ષણક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવનાર શિક્ષણ વિભાગના વહીવટી કર્મચારી શ્રી બ્રીજેનભાઈ પાંઊ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો પત્ર વ્યવહારથી નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી, બી – ૪૪,  રાધાકૃષ્ણ નગર,
મોતીબાગ પાસે, જૂનાગઢ – ૩૬૨ ૦૦૧