ATUL N. CHOTAI

a writer – since 2014


ગુજરાત શબ્દ મૂળ પ્રાકૃત શબ્દ ગુર્જરત્ર પરથી આવ્યો છે

Gujarat State

Gujarat State

– હિમાંશુ ઉપાધ્યાય,
સહાયક માહિતી નિયામક
સંયુક્ત માહિતી નિયામકશ્રી ની કચેરી, આંબાવાડી – અમદાવાદ

ભારતના નકશામાં ગુજરાતે ૧ લી મે, ૧૯૬૦ ના દિવસે અલગ રાજ્ય તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું, પરંતુ આ ભૂમિને ગુજરાત નામ તો ૯૦૦ વર્ષ પહેલાં મળી ચૂકયું હતું. ગુજરાત શબ્દ સોલંકી રાજાઓના સમયથી એટલે કે દસમી સદીથી પ્રચલિત થયો હતો. ગુજરાત શબ્દ મૂળ પ્રાકૃત શબ્દ ગુર્જરત્ર પરથી આવ્યો છે. ગુજરાત એટલે ગુર્જર જાતિ. ભારતના ઉત્તર વિસ્તારમાંથી નીચે ઊતરી આવી પંજાબ, રાજસ્થાન થઈ પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં ઠરીઠામ થઈ. કાળક્રમે ગુર્જરો જ્યાં વસ્યા તે વિસ્તાર ગુજરાત તરીકે ઓળખાયો.

આ ગુર્જર ધરા ઘણી પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે. ગુજરાતમાંથી લોકજીવનના જે પ્રાચીન અવશેષો મળ્યા છે તે હડપ્પા અને મોંહેજો ડેરોની સંસ્કૃતિના સમકાલીન છે. આ અવશેષો ૪૫૦૦ વર્ષ પહેલાંના છે. આ ઇતિહાસ પર નજર કરીએ તો છેલ્લાં ૨ હજાર વર્ષના સમય દરમિયાન જુદા જુદા રાજ્યકર્તાઓએ શાસન કર્યું છે. સૌ પ્રથમ રાજપૂતો, મુસ્લિમો, જૈન રાજ્યકર્તાઓ, મરાઠા તથા છેલ્લે અંગ્રેજો આવ્યા. ગુજરાત રાજ્યની રચનાની પશ્ચાદ ભૂમિકા જોઈએ તો સ્વરાજ્યની સ્થાપના સાથે સૌ પ્રથમ ગુજરાતનાં રાજ્યો, ગુજરાતના પાંચ જિલ્લાઓ સાથે મુંબઈ રાજ્યમાં ભળ્યા હતા. પરિણામે સૌરાષ્ટ્રના વિસ્તારનો એક રાજકીય એકમ બન્યો અને કચ્છને કેન્દ્રના વહીવટ નીચે કમિશનરને હસ્તક મૂકવામાં આવ્યું. ૧૯૪૭માં સ્વરાજ્ય પ્રાપ્તિના પગલે ભાષાવાર પ્રાંત રચવાની માગણી પ્રબળ બની હતી. ત્યારબાદ ૧૯૫૩માં કેન્દ્ર સરકારે જસ્ટિસ ફઝલ અલીના અધ્યક્ષપદે રાજ્ય પુન:રચનાના અર્થે ફરી પંચ નીમ્યું હતું.

આ પંચની ભલામણોના આધારે નવેમ્બર-૧૯૫૬ માં મહારાષ્ટ્ર અને ગુજરાતના ૪૩ જિલ્લાના બનેલા દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ પરંતુ ગુજરાતી ભાષા બોલનારી પ્રજાની બહુમતી ધરાવતા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં એક બાજુ અમદાવાદમાં ઈન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાતની માગણી સાથે આંદોલનો શરૂ થયાં તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ દ્વિભાષી રાજ્યમાંથી અલગ થવાની માગ ચાલુ જ હતી. અંતે તે વખતના દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન યશવંતરાવ ચવ્હાણના આગ્રહથી મુંબઈ રાજ્યનું  વિભાજન કરવાનો કેન્દ્ર  સરકારે  નિર્ણય  કર્યો અને  ૧ લી મે, ૧૯૬૦ ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજયો બન્યાં. અલગ રાજ્ય બનતાં તે સમયે જિલ્લાઓની રચના, તેનું પુનર્ગઠન સતત ચાલતું આવ્યું. તે સમયે ૧૯ જિલ્લાઓમાં રાજ્ય વહેંચાયેલું હતું. પરંતુ દિન પ્રતિદિન વધતી જતી વસતિ અને લોકોની આકાંક્ષા અને અપેક્ષાઓને અનુરૂપ વહીવટમાં વધુ સરળતા લાવવા, વિકેન્દ્રીકરણની ક્રિયા વધુ વેગવાન બનાવવા ૧૯૯૭માં બીજી ઓકટોબરે જિલ્લાઓનું પુન:ગઠન થતાં બીજા નવા ૬ જિલ્લાઓની રચના થઈ અને ત્યારબાદ તેમાં વધારો થતો ગયો અને એમ હાલ ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ અસ્તિત્વમાં છે.

૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.નો ભૂમિ વિસ્તાર અને ૨૧,૬૬૫ ચો.કિ.મી.નો વન વિસ્તાર ધરાવતું ગુજરાત ૧૬૦૦ કિ.મી. જેટલો લાંબો દરિયાકાંઠો પણ ધરાવે છે. ૩૩ જિલ્લા, ૨૪૯ તાલુકાઓ, ૧૮૨૫૬ ગામોમાં પથરાયેલું ગુજરાત તેની આગવી વિકાસકૂચ સાથે આગળ વધી રહ્યું છે. છ કરોડથી વધુ વસતિ ધરાવતા ગુજરાતમાં ૮૭.૨૩ ટકા પુરુષ સાક્ષરતા અને ૭૦.૭૩ ટકા સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ એ રાજ્યમાં ઉઘડેલી શિક્ષણભૂખ અને તેના પગલે રાજ્ય દ્વારા તે દિશામાં લેવાતાં પગલાંની ગવાહી પૂરે છે. ભારત સરકારના આયોજન પંચ દ્વારા દસમી પંચ વર્ષીય યોજનામાં રાજ્ય માટે વિકાસ દર નકકી કરવામાં આવે છે. આ દર છેલ્લાં પાંચથી સાત વર્ષોમાં વિભન્ન રાજ્યોએ હાંસલ કરેલ વિકાસ દર અને પ્રગતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ અને સમીક્ષા કર્યા બાદ નિયત કરવામાં આવે છે. છેલ્લાં વર્ષોમાં ગુજરાતની આર્થિક પ્રગતિ ખૂબ જ ઝડપથી થઈ છે. આર્થિક નિષ્ણાતો દ્વારા નકકી કરાયેલ તમામ પાસાંઓમાં રાષ્ટ્રીય એવરેજ કરતાં ગુજરાત આગળ રહ્યું છે..


ગુજરાતમાં આજે પણ ૪૨ લાખ જેટલા પરિવારો સાઇકલ ચલાવે છે

Bicycle Running

Bicycle Running

અમદાવાદ : ગતિશિલ ગુજરાતના મેટ્રો શહેરોમાં લક્ઝુરિયસ કારો અને લેટેસ્ટ મોડેલની બાઇકોની સંખ્યા વધી રહી છે. ઝડપી અવરજવર માટે વધુ એવરેજ અને સુવિધા ધરાવતાં ટુ -ફોર વ્હિલરો વધ્યાં છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં સાઇકલનો ઉપયોગ કરનારો વર્ગ આજેય છે. રાજ્યમાં આજે પણ ૪૨ લાખ જેટલા પરિવારો સાઇકલ ધરાવે છે. આજની ઝડપી યુગમાં શહેરોમાં એક થી બીજા સ્થળે જવા માટે કારો – બાઇકોનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે આજે ઘણાં તો સાઇકલ ચલાવવામાં પણ  નાનપ અનુભવી રહ્યાં છે આમ છતાંયે સાઇકલોનો જાણે દબદબો જળવાઇ રહ્યો છે. છેલ્લી વસ્તી ગણતરીના આંકડા આધારે ગુજરાતમાં આજેય ગ્રામ્ય વિસ્તારોમાં ૧૯.૫૯ લાખ અને શહેરી વિસ્તારોમાં ૨૨.૮૧ લાખ પરિવારો સાઇકલનો ઉપયોગ કરે છે. આખાયે ગુજરાતમાં અમદાવાદ એવું શહેર છે કે જયાં ૬.૮૯ લાખ પરિવારો આજેય સાઇકલનો ઉપયોગ કરે છે જયારે ડાંગમાં સૌથી ઓછાં ૬૯૧૪ પરિવારો પાસે સાઇકલ છે. ઝડપી યાતાયાતના યુગમાં આજેય ઘણાં એવાં લોકો છે કે  જેમને પેટ્રોલનો ખર્ચ પોષાતો નથી એટલે જ સાઇકલ તેમના માટે આશિર્વાદરૃપ બની રહી છે. ખાસ કરીને ગામડાંઓમાં તો લોકો સાઇકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. આમ સાઇકલનો ઉપયોગ કરનારો વર્ગ પણ છે. આ કારણોસર જ સાઇકલનો ઉપયોગ યથાવત રહી શક્યો છે  આજે રસ્તાઓ પર લાખો કાર, બાઈક ઠલવાયા છે ત્યારે સાયકલ ચલાવીને જતો વ્યકિત્ત અલગ તરી આવે છે.


બાળગીત, હાલરડાં અને શૌર્યગીતના રસથાળની જરૂર છે

ગુજરાતી સાહિત્યમાં પ્રતિ વર્ષ સર્જન પ્રક્રિયા ખૂબ જ સારી રીતે થઈ રહી છે. લેખકો અને કવિઓ તેમજ નવલકથા સર્જકો, લઘુવાર્તાના લેખકો નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં પુસ્તકોની સંખ્યા પણ અન્ય ભાષામાં પ્રસિદ્ધ થતાં પુસ્તકોની સમકક્ષ થવા જાય છે. ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અન્ય ભાષાની સમૃદ્ધિ જેટલી જ છે. વાંચનથી વ્યક્તિ ભાષા સમૃદ્ધ બને છે તેનો વૈચારિક વૈભવ ઊંચી કક્ષાએ જાય છે. તેનું ચિંતન પણ વધે છે. તર્ક અને વિચારની કક્ષા ઉર્ધ્વગામી બને છે તેનો લાભ સ્વયંને મળે છે.

ગુજરાતી ભાષાના લેખકોની સર્જનયાત્રા એ વ્યક્તિગત આત્મસંતોષ માટે છે તેમ સ્વીકારીએ તો તે વખતે તેમની મહેનત, લગન અને સમર્પણની પણ પ્રશંસા કરવી રહી.. કળા, સાહિત્ય અને સંગીતથી સમાજની ઓળખ પ્રસ્થાપિત થાય છે. ગુજરાતી સમાજમાં વાંચનની ટેવ વિકસે, વાંચનનું સ્તર ઊંચું આવે અને ગુણવત્તા વધે તે માટે યુવાન પેઢીએ વધુ વાંચન માટે પ્રયત્ન કરવો જોઈએ.

આવી બાબતમાં માતા પિતા દ્વારા સંન્નિષ્ઠ પ્રયાસ થાય તેમ ગોઠવણ થવી જોઈએ. ૧૦-૧૨ કે ૧૪-૧૫ વર્ષ સુધીના વિદ્યાર્થી, બાલિકામાં વાંચન વધે તે માટે માતા પિતાએ સપ્તાહમાં એક કલાક પ્રયાસ કરવા રહ્યા. આખા સપ્તાહ દરમ્યાન બાળકે ઈતર વાંચન (અભ્યાસ સિવાય) કેટલું કર્યું..?? તેમાં તેને શું પસંદ પડયું..?? અને તેની રૂચિ કયા પ્રકારના વાંચનમાં છે..?? તે બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નાના બાળકોને સંગીતમય કાવ્ય અને કંડિકા, જોડકણામાં રસ પડે છે. આવું સાહિત્ય બાળક સમક્ષ રજૂ કરવું જોઈએ. ગુજરાતી ભાષામાં બાળગીતોનો રસથાળ એ વિષય પર બાળગીતોનું અન્ય કવિઓનું સંકલન મનસુખલાલ ઉપાધ્યાય (પ્રવીણ) દ્વારા થયું છે. તેમાં જૂની પેઢીના કવિઓના યાદગાર કાવ્યો રજૂ થયા છે. આપણે ત્યાં બાળગીતો હમણાં હમણાં બહુ ઓછા થયા છે. અલબત્ત ઘણા શિક્ષકોએ બાળગીતોની રચના કરીને પ્રસિદ્ધ કરી છે પરંતુ કોઈ કારણથી તે લોકભોગ્ય બન્યા નથી. જૂની પેઢીમાં ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ દ્વારા રચિત બાળગીતો સૌરાષ્ટ્ર સરકારની ભારતી વાંચનમાળામાં ભણવામાં આવ્યા હતા.

કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ચુસ્ત ગાંધીવાદી હતા અને તેઓ રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળની સ્કૂલમાં આચાર્ય હતા. તેમણે શિક્ષાપત્રી પર સુંદર વિશ્ર્વલેષણ પણ લખ્યું હતું. તેમણે ઘણા બાળગીતો લખ્યા છે. જે બધા જ લોકપ્રિય બન્યા હતા અને આજે પણ ગણગણવા ગમે તેટલી તાજગી તેમાં છે. મેં એક બિલાડી પાળી છે, તું દોડ તને દાવ મઝાની ખિસ્કોલી આજે પણ ઘણાને યાદ છે. ખારા ખારા ઉસ જેવા આછા આછા તેલ જેવા પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમછેલમ મહાસાગર પરનું કાવ્ય તાલબદ્ધ ગાવું ગમે છે. બાળકોને પ્રકૃતિ અને પશુ પંખી પરના કાવ્ય બહુ પસંદ પડે છે. આવા તો અનેક કાવ્યો છે જે માતા પિતા ગાઈ બતાવે તો ગુજરાતી ભાષાનો વૈભવ દીપી ઊઠશે અને બાળકોને ભાષા પ્રતિ રૂચિ થશે. તેવી જ રીતે નાના બાળકોને હાલરડાં બહુ ગમે છે. માતા પોતાના બાળકને પારણામાં સૂવરાવતી વખતે જે મધુર ભાવથી ગીત ગાય છે તે હાલરડું છે તેમાં લય અને તાલ સાથે પવનનું મિશ્રણ થાય છે અને માતા જે શબ્દો બોલે છે તેમાં માતૃત્વનો ભાવ ભળે છે. આથી બાળકના મગજમાં સુરક્ષાનો ભાવ આવે છે જેથી તેને ઊંઘ આવે છે.  હાલરડું એ માત્ર ભારતીય સંસ્કૃતિની જ વિશિષ્ટતા છે. આટલી સુંદર બાબતો આપણા સાહિત્ય  બાળગીતોમાં છે. હાલરડા અંગે ડૉ. પ્રભાશંકર રામશંકર તેરૈયા (નિવૃત્ત હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગુજરાતી ભાષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) દ્વારા વિશ્ર્લેષણ કરીને અભિપ્રાય આપવામાં આવ્યો છે. તેમણે ડૉ. હરિવલ્લભ ભાયાણી પાસે પીએચ.ડી. કર્યું છે.

આંગણવાડી,  બાલમંદિર અને સમાજના મેળાવડામાં જો બાળગીતોને પ્રોત્સાહિત કરવામાં આવે તો ભાષાનું માધુર્ય જળવાઈ રહેશે અને દરેક વયની વ્યક્તિને તેમાંથી આનંદ મળશે. ભાષા એ માહિતી સંચારનું માધ્યમ છે તેની સાથે થયેલા કાર્ય કે સંદેશાની પૂર્તિ કરવાનું સાધન પણ છે. બાળગીતો – હાલરડાં જેટલું જ મહત્વ શૌર્ય ગીતો એટલે કે દેશભક્તિના ગીતોનું છે. આજે ઝાકઝમાળની આ દુનિયામાં આ બધી બાબતો સાવ ઝાંખી પડી ગઈ છે. બાળકોમાં દેશદાઝની ભાવના કેળવાય તો લાંબાગાળે સમગ્ર દેશને ફાયદો થાય તે વાતને ભૂલવા જેવી નથી. પ્રત્યેક શબ્દ બ્રહ્મ છે અને પ્રત્યેક શબ્દની પોતાની સંસ્કૃતિ છે આથી તો તેની અસર છે અને તેના મનોવૈજ્ઞાનિક પ્રત્યાઘાત છે. ભાષા અને સાહિત્યનું મહત્ત્વ વિજ્ઞાન, ગણિત અને અન્ય વિષય જેટલું જ છે. દરેક વ્યક્તિ તેને સમજે અને સ્વીકારે તે સમયની માગ છે.. (courtesy : mumbai samachar)