ATUL N. CHOTAI

a writer – since 2014


આ બહાદુર ગુજરાતી મહિલાએ ૧૦૦ થી વધુ વાર સિંહનો સામનો કરેલ છે

manjuben makvana

manjuben makvana

આપણે જયારે ભણતા ત્યારે ચારણ કન્યા સાવજોને ભગાડતી હતી તેની વાત આવતી હતી તેવી જ રીતે અમરેલી જીલ્લાનાં ખાંભાના ૪૫ વર્ષિય મંજુબેન મકવાણા નામના મહિલા વર્ષોથી પોતાનાં બકરા ચરાવવાં ઘોર જંગલમાં એકલા જઈને અનેકવાર સિંહોને ભગાડી પોતાનાં બકરાનાં જીવ બચાવી આ મહિલાએ શુરવિરતાનું ઉદાહરણ પુરૃ પાડયું છે.

ખાંભાનાં ભગવતીપરામાં રહેતા મંજુબેન મકવાણા છેલ્લા ૨૦ વર્ષથી પોતાનાં બકરા જંગલમાં ચરાવી ગુજરાન ચલાવી રહ્યા છે. ગમે તેવા તડકા અને વરસાદમાં પણ સવારે આઠ વાગે બકરા લઈને જંગલમાં જતા મંજુબેન સાંજે છ વાગે પાછા ફરે છે. સવારે બકરાને લઈને ખંભે કુહાડી નાખી ઘરેથી નીકળી જતા મંજુબેન બપોરનુ ભોજન પણ સીમમા સાથે લઇ જાય છે. જંગલમાં સાવજની ડણકથી માનવીનાં હાજા ગગડી જાય છે પરંતુ ૪૫ વર્ષિય પાતળા બાંધાનાં મંજુબેન એક મહિલા હોવા છતાં પણ મરદ મુછાળા પુરૃષને શરમાવે તેવી લોખંડી હિંમત દાખવે છે. માલધારી ગોવાળો તેને ચારણ કન્યાનાં ઉપનામે સંબંધો છે.

સાવજોનાં નેશ ગણાતા બાવાગાળા, ધોળીનેશ, ભુત વડલી, રાહાગાળા વિસ્તારમાં કોઈપણ ડર વગર બકરા ચરાવતા મંજુબેનને અનેકવાર સાવજોનો ભેટો થઈ ચૂકેલો છે. તેઓએ જાનનાં જોખમે સાવજોને ભગાડી પોતાનાં બકરાનાં જીવ બચાવેલા છે. ઉંમર પ્રમાણે કાને ઓછું સાંભળતા મંજુબેન એક કિલોમીટર દૂરથી પ્રાણીઓને પારખવાની કુશળતાં ધરાવે છે. ખંભે કુહાડી અને કુહાડીનાં છેડે ભાથુ બાંધી જંગલનાં રાજાને હિંમતપૂર્વક બકરાની આસપાસ પણ ફરકવા દેતા નથી. લગભગ સો વખત સિંહોને બકરાથી દૂર હડસેલનાર મંજુબેનને હવે સાવજોનાં જરાપણ ડર રહ્યો નથી..


લીમડાના ઝાડ પર લટકતી નાની દેખાતી અને નકામી ગણાતી એવી લીંબોળી હજ્જારોની કમાણી કરાવે છે

limboli

limboli

આપણા આંગણે લીમડાનું વૃક્ષ હોય તો તેના પર લટકેલી લીંબોળી પાકે કે નીચે પડે તેના પર આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. પરંતુ લીમડાના વૃક્ષ પર લાગતી લીંબોળી કેટલીય મહિલાઓ માટે આજીવિકાનું સાધન બન્યું છે. વર્ષના બે મહિનામાં લીંબોળીઓ થકી મહિલાઓ લાખો રૂપિયા કમાતી થઈ છે. અને આ લીંબોળીઓ વીણીને તેને ખાતર બનાવતી કંપનીઓને આપવામાં આવે છે. ગુજરાત ના ભરૂચ જિલ્લામાં આ ઉદ્યોગ મોટા પાયે ફાલ્યો છે. લીમડાના વૃક્ષ પર આવતી લીંબોળીઓ ભરૂચ જિલ્લાની કેટલીય મહિલાઓ માટે આજીવિકાનું સાધન બની છે. સામાન્ય રીતે રોડ પર વેસ્ટ જતી લીંબોળીઓ વીણીને મહિલાઓ તેનો ઉપયોગ કરતી થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતર બનાવતી કંપનીઓને આહવાન કર્યું હતું કે હવેથી ખાતરને નીમ કોટેડ બનાવવું. જેનાથી ખાતરના ઉદ્યોગો દ્વારા જે દુરુપયોગ થતો હતો અને ખાતરની અછત ઉભી થતી હતી તે અટકશે. અને નીમ કોટેડ ખાતરથી ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બનશે. ખાતર બનાવતી કંપનીઓએ આ વાતને સ્વીકારી છેલ્લાં બે વર્ષથી સંપૂર્ણ ખાતર નીમ કોટેડ બનાવવાની શરૂઆત કરી છે. ભરૂચ ખાતે આવેલ જી.એન.એફ.સી. કંપની દ્વારા પણ 100 ટકા નીમ કોટેડ ખાતર બનાવવામાં આવે છે. અને તેના માટે વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને લીંબોળીઓ વીણી કેવી રીતે કમાણી કરી શકાય તે માટેની તાલીમ આપવામાં આવે છે. ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે મહિલાઓ એકત્રિત થઈ લીંબોળીઓ વીણી કમાણી કરી રહી છે. કંપની અને મહિલાઓ વચ્ચે કોઈ દલાલ નથી હોતો. મહિલાઓ સીધી કંપનીને જ લીંબોળીઓ વેચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓ સ્વનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે લીંબોળીઓ એ માત્ર કચરો હોય છે. પરંતુ આ કચરામાંથી પણ મહિલાઓ આજીવિકા ઉભી કરી શકે છે અને સારામાં સારું વળતર મેળવી શકે જે આ મહિલાઓ એ સાબિત કરેલ છે


1 Comment

કન્યાઓને પણ યજ્ઞોપવિત આપવાની પરંપરા..

Aryakanya Gurukul Janoi

Aryakanya Gurukul Janoi

યજ્ઞોપવિત એ આપણા એક પવિત્ર સંસ્કાર છે આ સંસ્કાર આજે અમુક જ્ઞાતિમાં જ લેવામાં આવે છે અને  એમાં પુરુષોએ જ આ સંસ્કાર ધારણા કરવાની હોય છે.પણ પોરબંદરમાં આવેલ આર્યકન્યા ગુરુકુળની સંસ્થા દ્વારા કન્યાઓને પણ પવિત્ર યજ્ઞોપવિત સંસ્કાર દર વર્ષે  બળેવના દિવસે આપવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા ૭૫ વર્ષોથી ચાલતી આવે છે


જૂનાગઢનાં કલ્પનાબેન જોષીએ 2500 જેટલા સાપ પકડ્યા છે

Kalpna Joshi Snake Catcher - Junagadh

Kalpna Joshi Snake Catcher – Junagadh

જૂનાગઢ : આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને પુરૂષ સમોવડી બનતી જાય છે ત્યારે જૂનાગઢનાં એવા  જ કોબ્રા ક્વિનનાં નામે ઓળખાતા કલ્પનાબેન જોષી કે જેણે 13 વર્ષમાં 2500 થી વધુ સર્પ પકડીને સમાજની મહિલાઓ અને પુરૂષોને એક અનેરૂ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કલ્પનાબેન છેલ્લા 13 વર્ષથી સર્પ પકડે છે. સર્પ પકડવાના શોખને કલ્પનાબેને એક અનોખી સેવા સાથે સમાજને એક નવું જ ઉદાહરણ આપ્યું છે. પહેલાનો સમય એવો હતો કે ઘણા સમાજનાં લોકો મહિલાઓને ઘરની બહાર નિકળવા નહોતા દેતાં પરંતુ આજે સમય બદલાયો છે. બેંક, રેલ્વે, પોસ્ટઓફિસ, બસ કંડકટર સહિત દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓએ સ્થાન મેળવી લીધું છે. મહિલાઓની દરેક ક્ષેત્રમાં અગ્રસ્થાનને લઇને ઘણાં પુરૂષોએ કહ્યુ કે માત્ર ઘર સાચવણી અને પરિવારની સારસંભાળ લેવાનું કામકાજ  મહિલાઓ કરી શકે પરંતુ ઘણી એવી મહિલાઓ એવી છે કે જેણે આવું બોલનાર પુરૂષવર્ગનાં મોંને બંધ કરી દીધા છે. એવું જ કંઇક જૂનાગઢની કોબ્રા ક્વિનનાં નામે ઓળખાતા કલ્પનાબેન જોષીએ કરીને બતાવ્યું છે. સાપ પકડવાએ કંઇ નાની સુની વાત નથી. જીવનાં જોખમીવાળી વાત છે ઘણીવાર સાપ કરડવાથી માણસનું મૃત્યુ પણ થઇ જાય છે. ત્યારે કલ્પનાબેને સાપ પકડવાના શોખને આજે સેવામાં રૂપાંતર કર્યુ છે.

કલ્પનાબેન વ્યાવસાયીક રીતે પ્લેહાઉસ ચલાવે છે અને સાથોસાથ એલએલબીનો અભ્યાસ પણ ચાલુ છે કલ્પનાબેન જ્યારે 8 વર્ષનાં હતા ત્યારે સૌપ્રથમ સાપને હાથમાં પકડ્યો હતો. ત્યારપછી બીક જતી રહી હતી. ત્યારથી લઇને અત્યાર સુધીમાં 2500 થી વધુ સર્પ પકડ્યાં છે. જેમાં ઝેરી સાપ, બિનઝેરી, અજગર, ચંદનઘો, મગર વગેરેનાં રેસ્કયુ કર્યા છે. સાપ પકડવાનો શોખ હતો માટે ધીરે-ધીરે તેને ઓળખતા શીખ્યા તે વિષેની બુકો વાંચીને તેનાં વિષેનું જ્ઞાન મેળવ્યું આ રેસ્ક્યુ દરમિયાન ઘણી બધીવાર સાપ કરડયા પણ છે. કલ્પનાબેનને પરશુરામ ફાઉન્ડેશન, માધવ કો – ઓપરેટીવ બેંક જેવી અનેક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. કલ્પનાબેન જોષીએ જણાવ્યું કે હું આજની મહિલાઓને એટલું જ કહેવા માંગુ છું કે પરિવાર અને પતિનો સપોર્ટ સારો હોય તો આજની મહિલાઓએ પોતાના મગજમાંથી એ કાઢી નાંખવું જોઇએ કે સ્ત્રી હોવાથી આ વસ્તુ મારાથી ન થાય.


ગુજરાતની સૌથી નાની હેમ રેડીયો ઓપરેટર સાક્ષી વાગડિયા પુરૂષોના ઇજારાને પડકાર આપે છે

Sakshi Vagadiya

Sakshi Vagadiya

રાજકોટ:  રાજકોટની સાક્ષી વાગડિયા પાસે હજુ નથી ડ્રાઇવિંગ લાઇસન્સ કે, નથી સેલફોન.છતાં તેની એક અનેરી સિધ્ધિને કારણે તે ફક્ત ધરતીના દેશો પર જ નહીં પરંતુ અવકાશમાં ઉડતા તોતિંગ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રીઓનો સંપર્ક કરી શકે છે આટલું જ નહીં પણ ફક્ત પોણા પંદર વર્ષની વયે હેમ રેડિયોનું લાઇસન્સ મેળવીને આ કિશોરીએ એમેચ્યોર રેડિયો વિશ્વમાં પુરુષોના ઇજારાને પડકાર્યો છે. ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે લાઇસન્સ ધરાવતા કુલ બે હજાર હેમમાં માંડ ફક્ત 5 ટકા જ મહિલા છે. તેમાં સાક્ષી સૌથી નાની વયની છે. હેમ રેડિયોની ઉપયોગીતા અંગે સાક્ષી વાગડિયા કહે છે કે અાધુનિક વિશ્વમાં મોબાઇલ અને સેટેલાઇટ ફોન આવ્યા બાદ સંદેશાવ્યવહાર પધ્ધતિમાં અમૂલ પરિવર્તન આવ્યું છે છતાં પણ એમેચ્યોર રેડિયોની અગત્યતા એટલી જ છે  તાજેતરમાં નેપાળમાં વિધ્વંસક  ધરતીકંપ આવ્યો કે ગત વર્ષે ઉત્તર ભારતમાં આવેલા વિનાશક પૂરના સમયે જ્યારે સંદેશાવ્યવહારના તમામ સાધનો નિષ્ફળ નિવડ્યા ત્યારે સંપર્ક સ્થાપિત કરવા હેમ રેડિયો મદદે આવ્યો  હજુ પણ આવા તારાજીના સમયમાં હેમ રેડિયો એ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક મહત્ત્વનો હિસ્સો છે. સાક્ષી વધુમાં કહે છે કે  વિશ્વભરમાં તમામ ક્ષેત્રના દિગ્ગજ હેમ રેડિયો સાથે સંકળાયેલા છે, ત્યારે હું તેમની મદદથી શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ સાધવામાં તેનો ઉપયોગ કરીશ. રાજકોટ શહેરની  સાક્ષી વાગડિયાએ આમ તો એમેચ્યોર રેડિયોનું  લાઇસન્સ મેળવવા માટેની પરીક્ષા જો કે ફક્ત સાડા બાર વર્ષની વયે જ પ્રાપ્ત કરી લીધી હતી. મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન એન્ડ આઇટી દ્વારા આ માટે ભારે ચકાસણી બાદ હેમ રેડિયો લાઇસન્સ જારી કરવામાં આવે છે. વાગડિયા પરિવારમાં હેમ ઓપરેટરની સંખ્યા સાક્ષી સહિત હવે ચારે પહોંચી છે, ત્યારે આ પરિવાર કદાચ હેમ પરિવાર તરીકે ઓળખાતો થાય તો નવાઇ નહીં. સાક્ષી (કોલ સાઇન VU3EXP ), તેના પિતા રાજેશભાઇ (VU2EXP),  કાકા પ્રકાશભાઇ (VU3PLJ) તેમજ પિતરાઇ પ્રિયેશ (VU3GLY) ચારે હેમ ઓપરેટર છે. વધુ જાણકારી માટે સાક્ષી વાગડિયા ના  પિતા રાજેશભાઇ વાગડિયા નો  મોબાઈલ નંબર 98982 83916 ઉપર સંપર્ક કરી શકાય છે


પોરબંદરનાં લલીતાબેન ખુદાઇ ૬ર વર્ષની ઉંમરે પણ દરરોજ ૧ર કિ.મી. દોડે છે

આલેખનઃ  નિમેશ ગોંડલીયા : મો –  ૯૦૩૩ર ર૦૧૬૪

Laliteben Khudai -  Porbandar

Laliteben Khudai – Porbandar

ભારતની એક મહિલાનું નામ જયારે રનીંગ દોડની વાત આવે એટલે પી.ટી. ઉષાનું નામ મોઢામાં તરત આવે જેને એક સિધ્ધી હાંસલ કરી છે. જેથી તે સૌથી શ્રેષ્ઠ મહિલા દોડવીર તરીકે સુપ્રસિધ્ધ છે. તો બીજી બાજુ ઘણી મહિલાઓનું જંક ફુડ ખાઇને બેડોળ શરીર બની જાય છે અને ડોકટરો પાસેથી મોંઘી ડાયટીંગ ટીપ્સ લે છે અને પછી વોકીંગ શરૃ કરે છે અમુક પગલા ચાલ્યા બાદ શ્વાસ ચડી જાય છે અને બોલી ઉઠી છે બસ હવે આપણાથી હવે નહિ ચલાય હો..!! આ છે આધુનિક મહિલાની લાઇફ સ્ટાઇલ પરંતુ ઘણીવાર આપણી આસપાસ નજર કરીએ તો ઘણી એવી મહિલાઓ પણ છે કે જે પોતાના પરિવારનું ગુજરાત ચલાવવા ઝઝુમી રહી છે અને દિવસ રાત તનતોડ મહેનત કરે છે ઘણી વાર આપણને એમ થાય કે ધન્ય છે આ મહિલાને કે તે થાકતી નથી આજકાલ ઘણી મહિલાઓ દોડની સ્પર્ધામાં દોડતી કે જોગીંગમાં દોડતી જોઇ હશે પરંતુ કયારેય વ્યવસાય માટે દોડતી મહિલા ભાગ્યે જ જોઇ હશે. પોરબંદરના બસ સ્ટેન્ડ રોડ પાસે બરાબર સાડા અગિયાર વાગ્યે બપોરે એક ૬ર વર્ષીય મહિલા અચુક લારીમાં ટીફીન લઇને દોડતી જોવા મળશે. આ મહિલા ખારવાવાડ વિસ્તારમાં શહીદ ચોકથી સૌરાષ્ટ્ર કેમીકલ ફેકટરીના કર્મચારીઓના ઘરેથી ટીફીન લઇને આશરે છ થી સાત કિલોમીટર દુર આવેલ ફેકટરીમાં કર્મચારીઓને ૧ર વાગ્યે પહોંચાડે છે એ લારીમાં મુકીને ફરી પાછા લાવે છે એટલે કે રોજના આશરે ૧પ થી પણ વધુ કિ.મી. આ મહિલા દોડે છે એ પણ ૬ર વર્ષની ઉમંરે।.!! પોરબંદરના ખારવાવાડના શહીદ ચોકમાં રહેતી લલીતા નારણભાઇ ખુદાઇ ઉર્ફે લલકી આજે ૬ર વર્ષની ઉંમરે પણ ભલભલાને શરમાવે તેવું કામ કરી રહી છે. આ નાની ઉમરથી જ ચાલુ કરેલ ટીફીન આપવાનો વ્યવસાય ૬ર વરસે પણ ચાલુ રાખ્યો છે લલીતાબેન સવારે વહેલા ઉઠીને દિનચર્યા મુજબ ૧૦ વાગ્યે ઘરેથી નિકળી સૌરાષ્ટ્ર કેમીકલ ફેકટરી ના કર્મચારીઓ ના ઘરે – ઘરે જઇ ને ટીફીન એકત્રિત કરી લારીમાં મુકે છે અને ખારવાવાડ થી લારી સાથે દોડવાનું શરૃ કરે છે અને સાત કિલોમીટર દુર આવેલ સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરી સુધી કર્મચારીઓને ઘરનું ટીફીન બરાબર ૧૨ વાગ્યે પહોચાડે છે આપે મુંબઇ ના ડબ્બાવાળાઓનું મેનેજમેન્ટની વિશે ખ્યાલ હશે જેની ડીસ્કવરી અને જીયોગ્રાફી ચેનલે  નોંધ લઇ ડોકયુમેન્ટરી બનાવી છે તેવી જ રીતે આ લલીતાબેનનું કામ પણ આશ્ચર્ય પમાડે તેવું છે તેઓ કોઇપણ સમયે કડકડતી ઠંડી અને કાળઝાળ ગરમી કે ધોધમાર વરસાદની પરવાહ કર્યા વગર પણ દોડી ને આ કાર્ય ૬૨ વર્ષની વર્ષે પણ ચાલુ  રાખે છે તે દરમ્યાન તેની ટ્રાફિક અને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે ઘણીવાર લલીતાબેન બીમાર પડે છે છતાં પણ તેઓ બીમારી ની ચિંતા છોડીતે તેનું કાર્ય ચાલુ રાખેલ છે.  લલીતાબેને બાળપણ થી જ પોતાના માતા પિતા ની છત્ર છાયા ગુમાવી હતી ઘરમાં ચાર બહેનો જ હતી એટલે ગુજરાત ચલાવવા માટે ટીફીન લારીમાં મુકી સાત કિમીદુર આવેલ સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીના કર્મચારીઓને ટીફીન દેવાનો વ્યવસાય શરૃ કર્યો સમય જતા મોટી બહેનનું અવસાન થયું અને બીજી બન્ને બહેનોના લગ્ન કરાવ્યા બાદ લલીતાબેન ખારવાવાડ ના શહીદ ચોક પાસે આવેલા નાના ઘરમાં રહે છે અને એકલવાયું જીવન જીવી રહ્યા છે. આ લલકીને અમે ઘણી વાર બધા ના પણ પાડીએ છીએ કે હવે તારી ઉમર થઇ છે હવે કામ છોડી દે  અને ઘણીવાર તો ધોમ તડકામાં માથા પર ભીનું કપડું રાખીને પણ ટીફીન દેવા જાય છે ત્યારે અમારૃ હૃદય દ્રવી ઉઠે છે આ કામ મારાથી તો ના જ થઇ શકે પણ લલકી એક જ જવાબ  આપે છે મરીશ ત્યાં સુધી હું આ કાર્ય ચાલુ રાખીશ.કોઈપણ ઋતુ ની ચિંતા કર્યા વગર ૬૨  વરસે પણ દોડતી રહેતી આ મહિલા ખરેખર પોરબંદરની પી ટી ઉષા જ છે લાખો સલામ આ મહિલાને.. ટીવીમાં આવતી મહિલાઓને એવોર્ડ અને બ્રાંડ એમ્બ્રેસેડર બનાવાય છે પરંતુ આવી મહિલાઓ ના સન્માન અંગે પણ વિચારવું રહ્યું…


રાજકોટ ના જયાબેન વડગામા પ્રભુકાર્ય ની સાથે સમયનો સદ્દઉપયોગ પણ કરે છે

Jayaben Vadgama - Rajkot

Jayaben Vadgama – Rajkot

રાજકોટ : વડીલો તેના નિવૃતિનો સમય ધાર્મિક પ્રવૃતિઓ કરવાની સાથે સેવામય રીતે અને પરિવારજનો વચ્ચે આનંદથી ગાળતા હોય છે. દરમિયાન રાજકોટના એક વૃધ્ધ મહિલા તેમનું જીવન પ્રભુકાર્ય સાથે વાટ બનાવવા તેમજ ઉનના રૂમાલ બનાવવાનું કાર્ય કરે છે. રાજકોટ શહેરમાં યુનિવર્સીટી રોડ ઉપર અજંતા પાર્ક, બ્લોક નં. ૧૪૬ માં રહેતા જયાબેન ગાંડાલાલ વડગામા જેઓ આ વિસ્તારમાં વાટુવાળા જયાબા તરીકે વિખ્યાત છે. મુળ ધોરાજીના હાલ રાજકોટમાં રહેતા ગુર્જર સુતાર જ્ઞાતિના જયાબા છેલ્લા ૨૦ વર્ષોથી વાટ બનાવે છે. આ દીવાની વાટ બનાવી લોકોને વિનામુલ્યે વિતરણ કરે છે. કોઇની પાસે એક રૂપિયો પણ ચાર્જ લેતા નથી અત્યાર સુધીમાં અનેક લોકોને વાટ બનાવી આપી છે. સાથોસાથ ઉનના રૂમાલ પણ બનાવે છે. ૮૭ વર્ષની ઉંમરે પણ પોતાનું કામ જાતે જ કરે છે. તેઓ કહે છે કે ગોંડલથી સાસરે આવી સિવણ કોર્ષ કરેલો. ૧૨ વર્ષ સુધી એમ્બ્રોડરીના વર્ગો પણ ચલાવેલા. અનેક લોકોએ આ વર્ગો કર્યા હતા. તેઓ પીડબલ્યુડીમાં નોકરી કરતાં. હાલ નિવૃતિ સાથે પેન્શનનું જીવન વિતાવે છે.  તેના પરિવારમાં પ્રવિણભાઇ (ઉ.૭૦) (રીટાયર્ડ ડીએસપી ઓફીસ), હંસાબેન અતુલભાઇ ખારેચા (ઉ.૬૫), અશ્વિનભાઇ (વ્યાપાર), નીતીનભાઇ (નોકરી) છે. જયાબાના બાપુજીનું નામ ભુરાભાઇ ગજ્જર, માતા જકલબેન છે. જયાબાના સસરા અમરશીભાઇ પણ દાતા હતા. તેઓ અમેરીકાનો પ્રવાસ પણ કરી આવ્યા છે. ત્યાં પણ અનેક લોકોને દીવાની વાટ અને ગુંથળવાળા રૂમાલ આપેલા. જયાબાને હાલ ૯ હજાર પેન્શન મળે છે. જેમાંથી દર મહિને તેઓ ૧૫૦૦ નું દાન આપે છે. વધુ માહિતી માટે જયાબાનો મો. ૯૪૦૯૫ ૫૦૭૪૭ / ૮૭૩૪૯ ૮૬૬૬૭ ઉપર સંપર્ક કરી શકાય છે.


ગામડાંની મહિલાઓ અહીં તાલીમ લઈને રેડિયો જોકી બને છે

FM Radio Station in Manipur

FM Radio Station in Manipur

અમદાવાદ ના સાણંદ પાસે આવેલા મણીપુર ગામના આ રેડિયો સ્ટેશનને મહિલાઓ રૂડો રેડિયો તરીકે ઓળખે છે. સેવા એકેડમી નામની સંસ્થા દ્વારા આ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવે છે. આ એકેડમીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ટ્રેનિંગ આપી લીડરશીપના ગુણ વિકસિત કરવાનો છે. તેના માટે મણિપુરમાં ટ્રેનીંગ સેન્ટર છે. અહીં રાજ્યભરની પસંદ થયેલી મહિલાઓને તાલીમ આપી ગામડાઓમાં અન્ય મહિલાઓને તે સેવા આપવા માટે પ્રેરિત કરવામાં આવે છે. તેની અંદર એક ખાસ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, જે  છે કમ્યુનીકેશન  એક તો મહિલાઓ સારી રીતે લોકો સુધી તેમની વાત પહોંચાડે અને તેનાથી લોકોને ફાયદો થાય એમ બેવડા ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે આ રેડિયો સ્ટેશનનું નિર્માણ થયું છે. સેવા એકેડમીની સ્થાપના ઇલા ભટ્ટ દ્વારા કરવામાં આવી છે જેઓ હાલમાં ગુજરાત વિદ્યાપીઠના ચાન્સલર પદે છે  ઉપરાંત  તેમને અગાઉ પદ્મભુષણ એવોર્ડથી પણ સન્માનિત પણ કરવામાં આવ્યા છે.  ૨૦૦૯ ની સાલમાં સરકાર તરફથી લાયસન્સ 30 લાખ રૂપિયાના ખર્ચે સ્ટુડીયોનું નિર્માણ કરવામાં આવ્યું

આ રેડિયો દ્વારા ૧૦  કિલોમીટરની ત્રિજ્યામાં 90.4 એફએમ બેન્ડ પર ૪૦ ગામડાઓમાં પ્રસારણ જાય છે. મહિલાઓ દ્વારા જ સંપૂર્ણપણે સંચાલિત આ સ્ટુડીયો બાળકો, વડીલો, મહિલાઓ, સ્વાસ્થ્ય, શિક્ષણ તેમજ મનોરંજનના અલગ અલગ કાર્યક્રમો રજૂ કરે છે. સ્વાસ્થ્ય માટે તબીબોની ટીમ દ્વારા પ્રશ્ન જવાબના સેશનના માધ્યમથી લોકોની શંકાઓનું સમાધાન કરવામાં આવે છે. બાળકો માટે ખાસ કાર્યક્રમો અહીં પ્રોગ્રામ કરવામાં આવે છે. પ્રેરણારૂપ કિસ્સાઓનો ઉલ્લેખ તેમજ જાણીતા લોકોના ઇન્ટરવ્યૂ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મહિલાઓ માટે રસોઇ થી માંડીને અન્ય જરુરી માહિતીની ટિપ્સ પણ રજૂ કરવામાં આવે છે. સંચાલકોના જણાવ્યા પ્રમાણે ઘણા કિસ્સાઓમા અન્ય ગામડાઓમાં વ્યસન મુક્તિ અને સ્વાસ્થ્યના અન્ય સકારાત્મક ઉદેશ્યમાં અહીંથી રજૂ થતી માહિતી લોકોને ફળી છે. પરિણામે ઘણા લોકોએ વ્યસન ત્યજ્યુ પણ છે તેમજ સ્વાસ્થ્યને લઇને જાગૃતિ આવી છે. આ માટે  મહિલાઓની ટીમ પ્રોગ્રામિંગ માટે રિસર્ચ કરે છે. લોકોના પ્રતિભાવ જાણે છે અને કાર્યક્રમથી તેમને શું ફાયદો થયો તેના વિશે માહિતી મેળવે છે. તે સિવાય તેમની માંગણીઓ પ્રમાણે કાર્યક્રમ ડિઝાઇન કરે છે. દરરોજ સવારે ૯  વાગ્યાથી ૧ વાગ્યા સુધી ચાર કલાક માટે કાર્યક્રમ રજૂ થાય છે. જેને બપોરના ચાર વાગ્યા પછી ફરી પ્રસારિત કરવામાં આવે છે. અહીં પસંદ કરાયેલી મહિલાઓને રેડિયો સિવાય કોમ્પ્યુટર, આઇટી અને અન્ય વોકેશનલ કોર્સની તાલીમ પણ વિના મૂલ્યે આપવામાં આવે છે. ત્રણ મહિનાની અંદર મહિલાઓને દરેક ટ્રેનિંગ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મોટાભાગની મહિલાઓ  ૧૦ – ૧૨   ધોરણ સુધીનો અભ્યાસ ધરાવે છે જે હવે ન માત્ર કોમ્પ્યુટરને સારી રીતે ઓપરેટ કરે છે પણ સ્ટુડીયોમાં સ્ક્રિપ્ટિંગ, એડીટિંગ અને વોઇસ ઓવર પણ આસાનીથી કરી શકે છે. ગામઠી ભાષાથી થતી રજૂઆતના લીધે લોકો સુધી સચોટ રીતે સંદેશો પહોંચે છે, તેમ સંચાલકોનું કહેવુ છે.


આણંદની શિક્ષિકાએ ૪૮ લાખ ભેગા કરી શિષ્યવૃત્તિ ફંડ બનાવ્યું

Ilaben Teacher in Ananad

Ilaben Teacher in Ananad

૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસ ઉજવાઇ ગયો. ઠેરઠેર સંમેલનો યોજાયાં, ભાષણો થયાં ને મહિલા વિકાસની, મહિલા શિક્ષણની વાતો થઇ છતાં દર વર્ષની માફક મહિલા હોય કે મહિલાની દીકરી કોઇની સ્થિતિમાં ખાસ કોઇ સુધારો નથી થયો ત્યારે આણંદના ગામડી વિસ્તારની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક મહિલા કન્યા કેળવણીના અભિગમને સાચા અર્થમાં સાકાર કરી રહી છે. કારણ કે એમણે આદિવાસી અને ભરવાડ કોમની આઠ બાળકીઓને દત્તક લઇ પોતાના ઘેર ભણાવી બાદમાં શાળામાં એડમિશન અપાવ્યું અને સાથેસાથે શિષ્યવૃત્તિ પણ અપાવી છે. આ માટે પ્રારંભે પોતાના ૧ લાખ રૃપિયાથી શરૃઆત કરી હતી, ત્યારબાદ ધીમે ધીમે એમની સેવાની સુવાસ ચોતરફ ફેલાતા એમનાં નાણાં અને દાનની મદદથી એમની પાસે આજે ૪૮ લાખનું શિષ્યવૃત્તિ ફંડ એકઠું થયું છે. જેના વ્યાજમાંથી તેઓ કન્યાઓને જ નહીં કુમારોને પણ શિષ્યવૃત્તિ આપીને ભણાવે છે.

ઈલાબેન ઈમાનુએલ નામના આ શિક્ષિકાના સેવા યજ્ઞને પ્રારંભમાં રૃા. પાંચ લાખ સહાય મળી ત્યારબાદ સિનિયર સિટીઝન મંડળે ૧ લાખ આપ્યા જેથી કુલ ૭ લાખનું ફંડ ભેગું થતા એમનો ઉત્સાહ વધતો ગયો ને ધીમે ધીમે ફંડ વધીને ૪૮ લાખ સુધી પહોંચી ગયું. આ રકમથી પ્રથમ તબક્કે ૫૪ જેટલા ધો. ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓને રૃા. એક હજાર સહાય આપી ને પછી ૪૮ લાખના વ્યાજમાં થી વધુ ને વધુ ગરીબ વિદ્યાર્થીઓને સહાય આપવાના હેતુથી ધો. ૧ થી ૫ ના ૨૦૦ બાળકોને રૃા. ૧૫૦૦ તથા ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓને રૃા. ૨૫૦૦ ની શિષ્યવૃત્તિ આપવાનું શરૃ કર્યું. ગરીબ વિદ્યાર્થીઓને પૂરતી સહાય અપાઇ રહી છે છતાં તેઓ દર વર્ષે શિષ્યવૃત્તિ ફંડમાં પોતાના રૃા. ૧ લાખ ઉમેરતા જાય છે.

શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ ત્યજી દેવાયેલાં બાળકો તથા વૃધ્ધો માટે આશ્રમ પણ શરૃ કરવા માગે છે ને નિવૃત્તિ સમયે પોતાની પાસે જે કંઇ પૂંજી હશે તે આ કામમાં લગાડી દેશે એવું તેઓ કહે છે. તેઓ પોતે એકલા નથી. પતિ અને સંતાનો છે છતાં પોતાનું સર્વસ્વ અન્યને અર્પણ કરવાની તેમની ભાવના દાદ માગી લે તેવી છે. ઈલાબેનને આ સેવાકીય પ્રવૃત્તિ માટે ૨૦૦૬ માં અખિલ ભારતીય સન્માન પુરસ્કાર મળ્યો હતો તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ ઉપર કામ કરી જ્ઞાાન સાથે ગમ્મત આપતા પ્રોગ્રામ બનાવી બાળકોને અભ્યાસમાં રૃચિ લેતા કરવા બદલ એમના પ્રોજેક્ટને ૨૦૦૫માં રતન ટાટા ઈનોવેટિવ પુરસ્કાર પણ અર્પણ કરાયો હતો.


સ્મશાનમાં ૫૦ વર્ષથી વધુ સેવા આપનાર કડવીમા આજે દરેક લોકોના હ્રદયમાં જીવંત છે

Kadviba Bareiya

Kadviba Bareiya

સામાન્ય રીતે સ્મશાન એ ડરામણુ સ્થળ છે પરંતુ ભાવનગરના ૮૫ વર્ષીય વૃદ્ધા કડવીમા માટે તે નિવાસસ્થળ છે. છેલ્લા ૫૦ કરતા વધુ વર્ષોથી તેઓ પોતાનુ જીવન અહીંજ વીતાવી રહ્યા છે. અત્યાર સુધીમાં શહેરના કેટલાય મૃતદેહોને અગ્નિદાહ આપીને પોતાનો સેવા ધર્મ બજાવી ચૂકયા છે.

સ્ત્રી પરંપરાઓની બેડી તોડીને તેઓએ અહીં આશ્રય લીધો છે. લાંબા અરસાથી વિધવા તરીકે જીવન ગુજારતા કડવીમા માટે અહીં કુંભારવાડા સ્મશાન જ જીવનનું અંતિમ ધ્યેય બની ગયુ છે. રેલવે ફાટક પાસે આવેલા સ્મશાનમાં કોઇની અંતિમ યાત્રા આવે છે કે સૌથી પ્રથમ લાકડા ઉંચકીને ગોઠવવાવાળા કડવીમાં હોય છે. તેમના અનેક સન્માનો થયા છે, મહિલા દિને ચંદ્રકોથી નવાજવામાં આવ્યા છે. કારણ કે તેમણે તેમના સ્ત્રીતત્વને ગૌરવમય બનાવ્યુ છે.

કડવીમા માટે આ કામ પસંદ કરવાનું મુખ્ય કારણ આર્થિક પરિસ્થિતિ છે. વર્ષો પૂર્વે તેઓએ આવકના સાધન તરીકે સ્મશાનમાં લાકડા હેરફેરનું કામ સ્વિકાર્યું હતું. જો કે  હાલમાં તો તેઓને માત્ર જીવન નિર્વાહ પૂરતી આવક મરણજનાર વ્યક્તિના સ્વજનો પાસેથી મળી રહે છે. વળી, તેના એકના એક પુત્ર પાસેથી પણ આર્થિક સંકડામણના લીધે કોઇ સહાય ન મળતા છેલ્લાં શ્વાસ સુધી આ જ સેવા સ્વિકારી લીધી છે. લોકોની સેવામાં કડવીમાએ આખી જિંદગી વીતાવી દીધી છે. પરંતુ હાલ વૃદ્ધાવસ્થામાં તેમની સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે.

મૂળ નામ કડવીબેન બારૈયા શહેરમાં કડવીમા તરીકે જ ઓળખાય છે. પતિનુ અવસાન થઇ ચૂકયુ છે અને સંતાનોમાં ૨ પુત્રો તેમજ એક પુત્રી પૈકી પણ એક દિકરાનુ અવસાન થઇ ગયુ હોવાથી અનેક સન્માનો, એવોર્ડઝ મેળવ્યા છતાં પણ આર્થિક સંકડાશમાં જિંદગી ગુજારી રહ્યા છે. અને અમને મળેલા એક સમાચાર મુજબ થોડા સમય પહેલા તેમનું અવસાન થયું છે. તેમણે સમાજ માટે કરેલી સેવા ખરેખર ધન્યવાદને પાત્ર છે.