ATUL N. CHOTAI

a writer – since 2014


માધવપુર (ઘેડ) ના લકવાગ્રસ્ત પણ હિંમતવાન યુવાન ખુમારીથી જીવન જીવે છે

Harsukh Vaja - Madhavpur

Harsukh Vaja – Madhavpur

હું શરીરથી લાચાર છું, હિંમતથી નહીં પોરબંદર પાસે આવેલા માધવપુર (ઘેડ) ના લકવાગ્રસ્ત પણ હિંમતવાન યુવાન હરસુખ વાજા નામના આ યુવાનના આ શબ્દો છે.  હરસુખ વાજાની માતા જમુબેન ગોવિંદ વાજાએ તેમના આ પુત્ર પર ગર્વ છે અને તેઓ કહે છે કે ક્યારેય અમારો હરસુખ લાચાર કે નિરાશ હોય તેવું તેણે જણાવા નથી દીધું અડધું શરીર જન્મથી લકવાગ્રસ્ત હોવા છતાં દૈનિક કાર્યો પોતે જ કરે છે તો વહેલી સવારથી મોડી રાત સુધી ચા ની લારી ચલાવી માં – દિકરાનો જીવન નિર્વાહ ચલાવે છે. રાત્રે અહીં જ સૂઈ જાય છે છતાં તેમની ચા ની લારી પણ અડધી રાત્રે જાઓ તોય ગરમ ચા બનાવી આપે. માધવપુરના મોટા ઝાંપા વિસ્તારમાં હરસુખભાઈ ની ચા ની લારી તેમજ કેબીન આવેલા છે. થોડી – અમથી ચિંતાથી બ્લડપ્રેશર, ડાયાબીટીસ અને અનેક રોગ પાળતા લોકોએ હરસુખભાઈ પાસેથી પ્રેરણા લેવા જેવી ખરી..

શરીરથી નબળા પણ મનથી સશક્ત – તંદુરસ્ત અને ખુમારીભર્યું જીવન જીવતા આ યુવાનને લાખ લાખ સલામ..

Advertisements


સોમનાથમાં ભિક્ષુક પોતાને મળેલી ભીખમાંથી કુતરાઓને જમાડે છે

Surendrabhai Vankar - Somnath

Surendrabhai Vankar – Somnath

સામાન્ય રીતે જીવનમાં બે પ્રકારના ભીખારી હોય છે. એક તો નાણાંથી ભીખારી અને બીજો જીવનો ભીખારી. પોતાની પાસે પૈસા, સમૃધ્ધિ બધુ હોય, પરંતુ જીવ સારો ના હોય એટલે બીજાના માટે જ નહીં પોતાના માટે પણ પૈસાનો ઉપયોગ કરી શકે નહીં. જો કે સોમનાથમાં એક જુદા પ્રકારનો ભિક્ષુક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે આમ તો નાણાંથી ભીખારી છે, પરંતુ તેનો જીવ જાણે શ્રીમંત હોય તેમ પોતાને ભિક્ષાવૃત્તિથી મળેલા નાણાં શેરીના રખડતા કુતરાઓ પાછળ ખર્ચી નાખે છે.

સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે ગાંધીનગર પંથકના ભિક્ષુક વૃધ્ધ દ્વારા અબોલ જીવોની થઇ રહેલી સેવાથી દર્શનાર્થે આવતા ભાવીકો પણ દંગ રહી જાય છે. મૂળ ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના લોદ્રા ગામના વતની અને સોમનાથ મહાદેવ મંદિર પાસે ભિક્ષા માંગતા સુરેન્દ્રભાઇ સેંધાભાઇ વણકર (ઉ.વ.૬૦) દરરોજ સવાર અને સાંજે મંદિર નજીકના વિસ્તારમાં રખડતા ગલુડીયા, કુતરાઓને દુધ, બીસ્કીટ, કેળા સહિતની ચીજવસ્તુઓ ખવરાવી જીવદયા કાર્ય કરી રહયા છે.  તેવી જ રીતે દરરોજ દુધ, બિસ્કીટ, કેળા ખાઇ પાલતુ બની ગયેલા શ્વાન, ગલુડીયા સહિતના અબોલ જીવો  રાત્રે પણ તેની સાથે સુતા જોવા મળે છે. શરીરે અપંગ અને લાકડાની ઘોડીના સહારે ચાલતા આ વૃધ્ધની સેવાભાવી પ્રવૃતિના આ ભિક્ષુક વૃધ્ધ માંગી માંગીને થતી આવક અબોલ જીવો પાછળ વાપરી મનોમન ખુશી અનુભવે છે.  તસ્વીરમાં ગલુડીયાને દુધ પાતા ભિક્ષુક વૃધ્ધ દર્શાય છે..  (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ – કાજલી)


રાતી પાઈની પણ સરકારી સહાય લીધા વગર પોરબંદરનો વિકલાંગ યુવાન પગભર બન્યો

Pravinchandra Hindocha

Pravinchandra Hindocha

ગાંધીભૂમિ પોરબંદરમાં એક એવો વિકલાંગ યુવાન છે જે રાતીપાઈની પણ સરકારી સહાય લીધા વગર પગભર બન્યો છે એટલું જ નહીં પોતાનાં હાથ નીચે અડધો ડઝન જેટલા કારીગરો પણ તૈયાર કર્યાં છે. તંદુરસ્ત યુવતી સાથે ઘરસંસાર પણ માંડી ગૃહસ્થ જીવનની ગાડી પણ ચલાવી રહ્યો છે.  મળવા જેવા આ ૨૮ વર્ષનાં અનોખા વિકલાંગ યુવાનનો જીવનમંત્ર છે  શારીરિક ખામીથી હિંમત હારી જવાને બદલે ઝઝૂમો.. ઈશ્વર તમારી સાથે જ હશે..

પોરબંદરનાં પેરેડાઈઝ સીનેમા પાછળ આવેલા હર્ષદ પ્લોટમાં રહેતા અને મંડપ સર્વિસનાં વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવિણચંદ્ર હીન્ડોચાના પરિવારમાં યતીન નામના માત્ર છ માસનાં બાળકને ૨૮ વર્ષ પૂર્વે તાવ આવે છે. પરીવારજનો ડોકટર પાસે દવાની સાથે તાવનું ઈન્જેકશન પણ લેવડાવે છે. પરંતુ બે ઈન્જેકશન તાવ મટાડવાને બદલે એ માસુમ બાળકનાં જીવન સાથે ખેલ ખેલીને આડ અસર આપતું ગયું અને માત્ર છ મહીનાનાં યતીનને પગમાં પોલીયોની અસર થઈ અને જોતજોતામાં તો તેનો એક પણ સંપૂર્ણપણે ખોટો પડી ગયો આખા પરિવાર ઉપર આભ તુટી પડયું. કેટકેટલી દવા સારવાર કરાવ્યા છતાં પણ કશોજ હરફ નહીં પડતાં અંતે જેમ જેમ એ બાળક મોટો થવા લાગ્યો તેમ તેમ એક પણ ગુમાવવાને કારણે હેરાન પરેશાન બની ગયો.

વિકલાંગતાની સીધી જ અસર યતીનનાં અભ્યાસ ઉપર થઈ અને તેની આડઅસરના કારણે તે માત્ર ૧૦ ધોરણ સુધી જ ભણી શકયો અને તેમાં પણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છતાં તેના પરિવારજનોએ સતત તેને સધિયારો આપ્યો. યતિન ધો.૧૦માં નાપાસ થયા બાદ ઘરે જ પડયો રહેતો હતો પરંતુ તેને વાંચનનો શોખ હોવાથી ઘરનાં લોકો પુસ્તકો લાવી આપતા હતા. એ દરમ્યાન એક દિવસ તેના ઘરે ટી.વી. બગડી ગયું. આથી ઘરનાં સભ્યો કામમાં વધુ વ્યસ્ત હોવાને લીધે રિપેરીંગ કરાવી શકતા ન હતાં દરમ્યાન તેણે પોતાનાં પાયાને વિનંતી કરી કે, ઉપકરણોના રિપેરીંગ માટેનું કોઈ પુસ્તક બજારમાં મળે તો લાવી દો. પિતા પ્રવીણચંદ્રએ પણ પુત્રની વાત માનીને બજારમાંથી પુસ્તક લાવી આપ્યું અને એ પૂસ્તક વાંચતા વાંચતા યતીનને ટેકનીકલ ક્ષેત્રે વધુ રસ પડયો પછીતો ઘરમાં રહેતા ડીસમીસ, ટેસ્ટર વડે ટીવી ખોલી નાખ્યું અને સાંજ સુધીમાં તો ટીવીનાં જે છેડો લુઝ થઈ ગયો હતો તે તપાશીને રિપેરીંગ કરી ટેલીવીઝન ચાલુ પણ કરી દીધું ધીમે ધીમે અડોશ પડોશમાં ટીવી, સહીતના પંખા, ટેપ, જેવા ઉપકરણોનું સમારકામ કરવા લાગ્યાં.

પોરબંદરના છાંયાચોકી નજીક પ્રીય ઈલેકટ્રોનીકસ નામની ઉપકરણ સમારકામની દુકાન શરૃ કરી તે પણ ધમધમવા લાગી. આજે મહીને હજ્જારો રૃપીયાની કમાણી કરીને માત્ર પગભર જ નથી બન્યો. પરંતુ પિતાનાં નિધન પછી ઘર પણ ચલાવે છે. પોતાની આવડત અને કાબેલીયતનાં જોરે આ વિકલાંગ યુવાને ટેકનીકલ ક્ષેત્રમાં પોતાની માસ્ટરી સાબીત કરી બતાવ્યા બાદ હવે તે બેટરીથી સંચાલીત રીક્ષાઓ પણ બનાવે છે. કાર પણ બનાવી રહ્યો છે.

પોરબંદરનાં આ યુવાને પોતાનાં જીવનમાં એક જ મંત્રને ઉતાર્યો છે તે અંગે વાત કરતા તે કહે છે કે, જીવનમાં ગમે તેવી કપરી પરિસ્થિતી સર્જાય ગમે તેવા દુઃખના પહાડો તુટી પડે તો પણ કયારેય હીમ્મત હારવી નહીં. વિકલાંગોને પણ પ્રેરણા આપતા તે કહે છે કે આપણને કુદરતે ભલે કોઈ એક અંગમાં ખામી આપી પરંતુ તેનાથી લાચાર કે નિઃસહાય બની જવાની જરૃર નથી. જીંદગી સામે ઝઝુમતા રહીશું તો ઈશ્વર જરૃર આપણી સાથે રહેશે.


વિકલાંગ યુવક જલારામ બાપાના શરણમાં આવ્યો અને જીંદગી બદલાઈ ગઈ…

Parmanand Goswami

Parmanand Goswami

મજબુત મનના માણસને હિમાલય પણ ડગાવી શકતો નથી એ ઉક્તિને વિરપુરમાં રહેતાં અને હાથ ન હોવા છતાં હાથથી થતાં બધાં કામ પગથી સારી રીતે કરી બતાવી સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. એટલું જ નહીં, આ યુવાન એક દીકરીનો બાપ હોવાથી તેણે પુત્રીને રસોઇ બનાવતા અને સિલાઇ કામ પણ શીખવીને ફરજ અદા કરી છે.

ઉત્તરાંચલના નૈનિતાલમાં રહેતો પરમાનંદ સચ્ચીદાનંદ ગોસ્વામી નામના આ યુવાનને બાળપણમાં કોઇ પણ કામ જલદી અને જાતે જ કરી લેવાની ઉત્કંઠા હતી અને એટલે જ એકવાર લાઇટ રિપેર કરવા જતાં વીજ શોક લાગતાં તેના હાથ ક્રમશઃ કાપવાની ફરજ પડી. જીવન બચાવવા માટે હાથનો ભોગ આપવો જરૂરી હતો અને હિંમત હાર્યા વગર પરમાનંદ કામે વળગ્યો. હાથ ચાલ્યા જતાં શરૂઆતમાં નાસીપાસ થયેલા પરમાનંદ સુનમૂન બની ગયો હતો અને પંગુતાથી કંટાળી ઘર છોડીને વીરપૂર આવી ગયો. થોડો સમય તો બાપાના અન્નક્ષેત્રમાં જમી લેતો, પરંતુ અંતરાત્મા તો કકળતો રહેતો. આથી પોતે ધીમે ધીમે હાથેથી થતા હોય તેવા બધા કામ પગથી કરવાની ટેવ પાડવા લાગ્યો. અને ફાવટ પણ આવી ગઇ.

પગથી કામ કરવાની કલાને આજીવિકા બનાવનારા પરમાનંદે વીસેક વર્ષ પહેલાં અમરનાથની યાત્રા કરી હતી અને એ દરમિયાન સાવિત્રી નામની યુવતી તેની કલા પર મોહી પડી હતી અને બન્નેએ લગ્ન પણ કરી લીધા. સમયાંતરે બન્ને માતા પિતા બન્યા અને દીકરીએ જન્મ લીધો. થોડા વર્ષ પહેલાં પત્નીનું મોત થતાં પરમાનંદ સાવ એકલો પડી ગયો, પરંતુ હિંમત ન હાર્યો. વ્હાલસોયી પુત્રીને રસોઇ અને શિવણકામ પણ શીખવ્યું. ભરણપોષણ કરવા માટે પરમાનંદ આજે પણ હાથોથી કરવાના કાર્યો પગોથી કરવાની કલા યાત્રિકોને બતાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.