ATUL N. CHOTAI

a writer – since 2014


ખુબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી…

૧૮પ૭ના સ્‍વાતંત્ર્ય સંગ્રામની તેજસ્‍વી મહાનાયિકા ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ આજે નિર્વાણ દિવસ છે

૧૮૫૭ એ ચાર અંક હોઠે આવે કે તુરંત તેજસ્‍વી તારલાઓ આંખ સામે ઝળાંહળાં થાય છે. નાના સાહેબ પેશ્ર્વા, બહાદુરશાહ ઝફર, તાત્‍યા ટોપે, કુંવરસિંહ, અઝીમુલ્લાખાન, રંગો બાપુજી, અવધની બેગમો અને.. હા, એક તેજસ્‍વીની આ બધા વીરબંકાઓની વચ્‍ચે, તેમના જેટલી જ શૌર્યગાથા રચીને ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરી ગઇ છે. તેના વિના ૧૮૫૭ના સ્‍વાતંત્ર્યસંગ્રામનો આખો ઇતિહાસ જ અધૂરો છે. તેના વિના ભારતીય નારીની તેજગાથા પણ અધૂરી જ ગણાય. એ છે આપણી મહારાણી લક્ષ્મીબાઇ.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ દુનિયામાં મદહોશ બનીને છવાયેલી અંગ્રેજી ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીને જગતનાં ચોકમાં, ઘોડેસ્‍વાર બનીને, હાથમાં તલવાર લઇ પડકાર ફેકયો હતો : મે મેરી ઝાંસી નહીં દૂંગી બૂ઼ંદેલખંડના બુંદેલા. જેમ આપણે ત્‍યાં ઝાલાવાડ, ગોહિલવાડ, સોરઠ, પાંચાળ, વાગડ નામો ભૂંસાઇ ગયા તેવું આ બુંદેલખંડનું છે. ઉતર હિન્‍દુસ્‍તાનમાં આ ફળદ્રુપ પ્રદેશ બુંદેલખંડ નામે જાણીતો હતો. વિંધ્‍યાદ્રિના ઉત્તર દિશામાં ત્‍યા જ છે ઝાંસી. ત્‍યાં અઢારમી સદીનાં પ્રારંભે રાજા છત્રસાલ રાજય કરતો. તેની પરંપરામાં ગંગાધરરાવ ગાદી પર આવ્‍યા ત્‍યારે તેમના લગ્ન લક્ષ્મીબાઇ એટલે કે ચંચળ મનુની સાથે થયા હતા.

મહારાષ્‍ટ્રમાં સતારાની પાસે કૃષ્‍ણા નદી ખળખળ વહે છે. તેમા વાઇ જેવું ખોબા જેવડુ પણ રળીયામણુ ગામ. અહી઼ં મોરોપંત તાંબે રહે. પેશવાઇ સાથે તેમનો સારો નાતો એટલે દીવાનગીરી ચાલતી. મોરો પંતનાં પત્‍નિ ભાગીરથીબાઇ. ભાગીરથીબાઇએ કાર્તિક વદ ૧૪, સવંત ૧૮૯૧ ( ૧૧ નવેમ્‍બર, ૧૮૩૫ )ના રોજ કન્‍યારત્‍ન ને જન્‍મ આપ્‍યો. બારમાં દિવસે તેનું નામ પાડયું- મનુબાઇ, મનુ ખુબ જ ચપળ, અને અત્‍યંત તેજસ્‍વી, બુધ્‍ધિમતી હતી. તેમના લગ્ન ઝાંસીનાં મહારાજા ગંગાધરરાવ સાથે થયા. પરંતુ કુદરત ને કઇક અલગ જ મંજુર હતુ અને ૨૧મી નવેમ્‍બરે ત્રીજા પહોરે ઝાંસી-રાજવી ગંગાધરરાવે આંખો મીચી લીધી અને અંગ્રેજોએ ઝાંસી પડાવી લેવા કપટનીતી શરુ કરી દીધી આખરે ૧૫મી માર્ચ ૧૮૫૪નાં રોજ ઝાંસી રાજય ખાલસા કર્યુ અને તેનું જાહેરનામું ઝાંસીના દરબારમાં ઝાંસીનાં આસિસ્‍ટંટ પોલિટિકલ એજન્‍ટ મેજર એલિસે વાંચી સંભળાવ્‍યુ અને ધૂર્તતાપુર્વક રાણીને સંબોધીને જણાવ્‍યુ ચિંતા કરશો નહી. આપનો માનમરતબો ચાલુ રાખવામાં આવશે. રાજદરબાર સ્‍તબ્‍ધ હતો. કોઇનામાં કશુ બોલવાની શકિત જ નહોતી રહી. સૌની નજર રાણી લક્ષ્મીબાઇ તરફ હતી. રાણી લક્ષ્મીબાઇએ બુંદેલ બોલીમાં લલકાર સાથે જણાવ્‍યુ – મેરી ઝાંસી નહી દૂંગી અને આ સાથે આ વિરાંગનાનો અંગ્રેજો સાથે મહાસંગ્રામના મંડાણ થઇ ગયા

૧૮૫૭ : વિપ્‍લવની ચિનગારી

ઝાંસીમાં અદભુત તૈયારી થઇ રહી એ દિવસ હતો ૩૧મી મે, ૧૮૫૭, રવિવારની બપોરના અગિયાર વાગ્‍યાનો. આળસ મરડીને દેશવાસીને ઉભા થવાનો એ અવસર હતો. 1757નાં પ્‍લાસીના યુધ્‍ધ પછી પહેલીવાર, ચિનગારી અગ્નિજવાળામાં પલટાઇ જાય તેવી તૈયારી થઇ ચુકી હતી અને ખરેખર સમગ્ર ભારતમાં વિપ્‍લવની શરુઆત થઇ ચુકી હતી અને ૧૮૫૭નાં બળબળતા જૂન મહિનામાં આખું ભારત સળગી ઉઠયુ હતું ચોતરફ સ્‍વાતંત્ર્યસંગ્રામનો રણઘોષ હતો. અંગ્રેજોને લાગ્‍યું કે આમા જે મોટા માથાઓનો હાથ છે તેમાનાં એક રાણી લક્ષ્મીબાઇ પણ છે. રાણી લક્ષ્મીબાઇ અંગ્રેજો સામે તમામ મોરચે યુધ્‍ધે ચડયા અને રાણીના શૌર્યની કોઇ સીમા નહોતી. રાણીએ ચોતરફી અંગ્રેજ ઘેરાબંધીની સામે પોતાની સૈનિકી સૂઝબૂઝનો પરિચય આપ્‍યો. ૧૮મી જુન , ૧૮૫૮ વિક્રમ સંવત મુજબ જયેષ્‍ઠ સુદ સાતમનો દિવસ આમને સામનેનો ભીષણ જંગ શરુ થઇ ગયો અને અંતે સમગ્ર અંગ્રેજ સેના રાણી ઉપર તુટી પડયા પણ હિન્‍દુસ્‍તાનના નારી રત્‍નને પરાજિત કરવું એટલુ સહેલું નહોતું, રાણીએ વળી પાછી તલવાર ચમકાવી.શરીર પર ચારે તરફ પડેલા ઘાથી તે લોહીલુહાણ હતા. છેવટે તે ધરતીમાતા પર ઢળી પડયા.. રકતરંજિત તલવારની સાથે  ૧૮મી જુન ૧૮૫૮ બાબા ગંગાદાસે ઓમ વાસુદેવાય નમઃ ઉચ્‍ચારીને રાણી લક્ષ્મીબાઇનાં અંગુઠે અગ્નિ પેટાવ્‍યો. સુર્ય ઢળી ગયો હતો. રાણી શૌર્યની અગ્નિશીખા બનીને વિદાય લઇ રહયા હતા. એ જ શષાધારી સેનાનીનો પહેરવેશ, ગળામાં માળા અને તેજસ્‍વી, રુધિરભીનો ચહેરો. આમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ ૧૮૫૭ની તેજસ્‍વી મહાનાયિકા મૃત્‍યુ પછી પણ કાયમ અ-મર સ્‍વાતંત્ર્ય પુષ્‍પ છે. (માહિતી બ્યુરો – રાજકોટ)

બુંદેલે હર બોલો કે મુંહ
હમને સુની કહાની થી
ખૂબ લડી મર્દાની વહ
તો ઝાંસી વાલી રાની થી

 

 


સ્વાતંત્રય પર્વની આપ સહુને શુભકામનાઓ..

flag with child

flag with child

– દર્શના ઠક્કર

૧૫ મી ઓગષ્ટ આપણો સ્વાતંત્રય દિવસ છે આ દિવસોમાં ફિલ્મ રસિયાઓ દેશભક્તિની ફિલ્મો જોવાનું પસંદ કરતા હોય છે. હિન્દી ફિલ્મોમાં દેશભક્તિ ઉપર અનેક યાદગાર ફિલ્મો બનાવવામાં આવી છે. દેશભક્તિની વાત નીકળે એટલે સ્વાભાવિક રીતે મનોજકુમારની યાદ પહેલી આવે. જે.પી દત્તાએ પણ ફિલ્મો દ્વારા દર્શકોનાં દિલો-દિમાગ ઉપર દેશભક્તિનો જાદૂ ચલાવવામાં સફળતા મેળવી છે. ચાલો જાણીએ ૧૦ ફિલ્મો જે દેશ પ્રત્યે સમર્પણ અને સેવાનો ભાવ જગાવવામાં સફળ રહી.

ધ લીજેન્ડ ઓફ ભગતસિંહ : શહીદ ભગતસિંહ ઉપર ઘણી ફિલ્મો બની છે. સૌથી વધુ ચર્ચા ૧૯૬૫માં બનેલી મનોજકુમાર અભિનીત ફિલ્મ તથા ૨૦૦૨ માં અજય દેવગન અભિનિત ફિલ્મની જોવા મળી. ફિલ્મમાં સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ દ્વારા થયેલી દેશભક્તિની વાતો યુવાનોના દિલમાં વસી ગઈ.

બૉર્ડર : ૧૯૯૭માં બનેલી બૉર્ડર ફિલ્મમાં જે.પી દત્તાએ ૧૯૭૧માં રાજસ્થાનની સીમા ઉપર થયેલા ભારત-પાક વચ્ચેના યુદ્ધની સત્ય ઘટના ઉપર ફિલ્મ બનાવી. ફિલ્મમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, અક્ષયખન્ના, જેકી શ્રોફ, પુનિત ઈસ્સર, સુદેશ બેરીએ અભિનય ર્ક્યો હતો.

હકીકત : આ ફિલ્મ ૧૯૬૨માં ભારત-ચીન વચ્ચે થયેલા યુદ્ધની ઉપર બનાવવામાં આવી છે. એક એવી લડાઈ જેને માટે ભારતે ક્યારેય વિચાર્યું પણ ન હતું. કોઈપણ પ્રકારની તૈયારી પણ કરી ન હતી. સૈનિકો પાસે પૂરતાં શશ્ત્રો પણ ન હતાં. આ લડાઈમાં કેપ્ટન બહાદુર સિંહ (ધર્મેંન્દ્ર) પોતાની ટુકડીના જવાનોને બચાવી લે છે. ફિલ્મ શાનદાર બની હતી. યુદ્ધ ઉપર દેશમાં બનેલી આ પ્રથમ હિન્દી ફિલ્મ હતી. ફિલ્મનું યાદગાર ગીત અબ તુમ્હારે હવાલે વતન સાથિયો આજે પણ ગીત સાંભળતાં આંખમાં પાણી છલકાઈ જાય છે. આ ફિલ્મનું લેખન-નિર્દેશન ચેતન આનંદે ર્ક્યું હતું. ધર્મેન્દ્ર સિવાય ફ્લ્મિમાં બલરાજ સહાનીએ પણ ઉત્કૃષ્ટ અભિનય ર્ક્યો હતો.

કર્મા : ૧૯૮૬માં બનેલી ફિલ્મ કર્મામાં મલ્ટિસ્ટાર્સ જોવા મળ્યા હતા. ફિલ્મમાં દિલીપકુમારની સાથે નૂતન, અનિલ કપૂર, જેકી શ્રોફ અને અનુપમ ખેરે પણ અભિનય ર્ક્યો હતો. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કઈ રીતે દેશમાં આતંકનો પ્રકોપ વધતો હતો. દિલીપકુમારે કેટલાક કેદીઓની મદદથી આતંકનો સફાયો ર્ક્યો હતો. ફિલ્મનું ગીત હર કરમ અપના કરેંગે એ વતન તેરે લિએ આજે પણ એટલું જ લોકપ્રિય છે.

ક્રાંતિ : આ ફિલ્મ ૧૯૮૧માં આવી હતી. ફિલ્મની વાર્તા કાલ્પનિક હતી. અંગ્રેજોએ ચાલાકીથી એક રિયાસતને પોતાના તાબામાં લઈ લીધું હતું. સેનાપતિને ભાગવું પડે છે. તેનો પરિવાર વિખૂટો પડી જાય છે. સેનાપતિ તથા તેનો પુત્ર અંગ્રેજોની વિરુદ્ધમાં સંઘર્ષ કરે છે. આ ફિલ્મ પણ મલ્ટિસ્ટાર્સ હતી. દિલીપકુમાર,  મનોજકુમાર, શશીકપૂર, શત્રુઘ્ન સિન્હા, હેમા માલિની અને નિરુપા રૉયે અભિનય ર્ક્યો હતો.

લગાન : અંગ્રેજોએ ભારતમાં રાજ કરીને ભારતીયો ઉપર અનેક અત્યાચાર ર્ક્યા હતા. આ વિષયને ધ્યાનમાં લઈને લગાન ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગામડાંમાં રહેતી નિર્દોષ અને અભણ પ્રજાનું શોષણ અંગ્રેજો દ્વારા કરવામાં આવતું હતું. વધુ કર પણ ભરવો પડતો. કર નાબૂદ કરવા માટે અંગ્રેજોએ એક શર્ત રાખી હતી કે બંને વચ્ચે ક્રિકેટ મેચ રમાય તથા જો અંગ્રેજો હારી જાય તો કર નાબૂદ કરવામાં આવે. ક્યારેય ક્રિકેટ ન રમેલાં ગામના યુવાનો ક્રિકેટ ટીમ બનાવે છે. અંગ્રેજોને હરાવી પણ દે છે. દેશભક્તિની ભાવનાઓથી ભરપૂર આ ફિલ્મ બૉક્સ ઑફિસ ઉપર પણ સફળ રહી હતી. ઑસ્કાર ઍવૉર્ડ માટે પણ તેને મોકલવામાં આવી હતી.

એલઓસી કારગિલ : વર્ષ ૨૦૦૩માં આ ફિલ્મની રજૂઆત થઈ હતી. ૧૯૯૯ના ભારત-પાકિસ્તાન વચ્ચે જે કારગિલ યુદ્ધ ખેલાયું તેની ઉપર આ ફિલ્મ બની હતી. ફિલ્મનું નિર્માણ જે.પી દત્તાએ ર્ક્યું હતું. ફિલ્મમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીરોની બહાદુરી દર્શાવવામાં આવી હતી. ફિલ્મમાં અજય દેવગણ, અરમાન કોહલી સંજય દત્ત, નાગાર્જુન, સૈફ અલી ખાન, સુનીલ શેટ્ટી,અભિષેક બચ્ચન મોહનીશ બહલ, અક્ષય ખન્ના, મનોજ બાજપાયી, આશુતોષ રાણા, રાની મુખરજી, કરીના કપૂર, ઈશા દેઓલ અને રવીના ટંડને અભિનય ર્ક્યો હતો.

મંગલ પાંડે : આઝાદીની લડાઈમાં અંગ્રેજોની સામે માથું ઊંચકનાર એટલે જ મંગલ પાંડે. અંગ્રેજોની સામે પહેલો સશસ્ત્ર વિદ્રોહ સંપૂર્ણ દેશમાં આગની જેમ ફેલાઈ ગયો હતો. ૮ એપ્રિલ ૧૮૫૭માં બ્રિટિશ આર્મી દ્વારા મંગલપાંડેને ફાંસી આપવામાં આવી હતી. મંગલ પાંડે દ્વારા પ્રત્યેક ભારતીયના દિલમાં આઝાદીની આગ તો ફેલાઈ ગઈ હતી. ભારતના આ ક્રાંતિકારી પુત્ર ઉપર કેતન શાહે ૨૦૦૫માં મંગલ પાંડે ધ કિંગ ફિલ્મ બનાવી હતી. મંગલ પાંડેનું કિરદાર આમિર ખાને બખૂબી નિભાવ્યું હતું.

પૂરબ ઔર પશ્ચિમ : ૧૯૭૦માં મનોજ કુમારે ફિલ્મના નિર્માણની સાથે લેખકની જવાબદારી સ્વીકારીને પૂરબ ઔર પશ્ચિમ ફિલ્મનું નિર્માણ ર્ક્યું હતું. ફિલ્મ ઉપકાર બાદ મનોજકુમારે ‘ભારત કુમાર’ના રૂપમાં આ બીજી ફિલ્મ કરી હતી. ફિલ્મમાં વિનોદ ખન્નાએ અભિનય ર્ક્યો હતો.

ઉપકાર : ૧૯૬૭માં દેશભક્તિનો મહિમા ગાતી આ ફિલ્મ હતી. ‘ઉપકાર’ ફિલ્મ બનાવવાનો મુખ્ય હેતુ હતો જય જવાન જય કિસાન ના નારાને બુલંદ કરવાનો. મનોજકુમારના અભિનયે લાખો-કરોડો લોકોના દિલને જીતી લીધું હતું. ફિલ્મમાં મનોજકુમારનું નામ ભારત હતું. ફિલ્મ બાદ મનોજકુમારને લોકો ભારતના નામે જ ઓળખવા લાગ્યા હતા. ફિલ્મનું સુપ્રસિદ્ધ ગીત એટલે મેરે દેશ કી ધરતી સોના ઉગલે હીરે મોતી હતું. અહીં આપેલી ફિલ્મો સિવાય પણ જૂની નવી ઘણી સારી દેશભક્તિની ફિલ્મો આવી છે, જે દરેક માટે લખવું શક્ય ન હોવાથી તેની અહીં ફક્ત યાદી આપવામાં આવી છે. જેમાં ફિર સુબહ હોગી  રોટી કપડાં ઔર મકાન પ્રહાર  સરફરોશ વીર સાવરકર ગદર – એક પ્રેમકથા લગાન સ્વદેશ ચક દે ઇન્ડિયા અ વેડ્નસ્ડે રંગ દે બસંતી પરમાણુ – ધ સ્ટોરી ઑફ પીઓકે ♦ રાઝી  ધ ગાઝી એટેેકમણિકર્ણિકા – ધ ક્વીન ઑફ ઝાંસી જેવી ફિલ્મો ગણાય છે.

આ સિવાય જૂના જમાનાના ફિલ્મી ગીતોમાં દેશભક્તિના ગીતો બહુ લોકપ્રિય થતા અને તે સમયે આઝાદીની ચળવળથી લઇને સ્વતંત્રતા મળ્યા પછી દેશભક્તિનો જુવાળ પણ બહુ હતો. તેવખતે ધરખમ ક્રાંતિકારી ગીતકારો અને શાયરો પણ હતા, જેઓ ફિલ્મી ગીતોમાં અને કવિતાઓમાં દેશભક્તિની ભારોભાર ભાવના ભરતા. તે ગીતોથી લોકોમાં દેશભક્તિનો જબ્બર જુવાળ આવતો. સ્વાતંત્રય દિન નિમિત્તે આવા દેશભક્તિના કેટલાક લોકપ્રિય ગીતોને યાદ કરીએ. જે ગીતો સાંભળીને તમે આનંદ માણી શકશો..

દે દી હમેં આઝાદી બીના ખડગ બીના ઢાલ – ફિલ્મ જાગૃતિ – ૧૯૫૪ અય વતન અય વતન હમકો તેરી કસમ – શહીદ – ૧૯૬૫   અય મેરે પ્યારે વતન અય મેરે બીછડે ચમન – કાબુલીવાલા – ૧૯૬૧ હૈ પ્રીત જહાં કી રીત સદા – પૂરબ ઔર પશ્ચિમ – ૧૯૭૦ ♦  અપની આઝાદી કો હમ હરગીઝ મીટા નહીં સકતે – લીડર – ૧૯૬૫ ♦  કર ચલે હમ ફીદા જાનો તન સાથિયો – હકીકત – ૧૯૬૫ મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી – ઉપકાર- ૧૯૬૭ છોડો કલ કી બાતેં કલ કી બાત પુરાની – હમ હિન્દુસ્તાની – ૧૯૬૧   જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા – સિકંદર એ  આઝમ – ૧૯૬૫ દિલ દિયા હૈ જાન ભી દેંગે અય વતન તેરે લિયે – કર્મા – ૧૯૮૬ મેરા મુલ્ક મેરા દેશ – દિલજલે – ૧૯૯૬ આય લવ માય ઇન્ડિયા – પરદેસ – ૧૯૯૭ ભારત હમકો જાન સે ભી પ્યારા હૈ – હરિહરણ – ૧૯૯૨ યે જો દેશ હૈ તેરા – સ્વદેશ – ૨૦૦૪ ચક દે હો ચક દે ઇન્ડિયા – ચક દે ઇન્ડિયા – ૨૦૦૭ દેશ રંગીલા – ફના – ૨૦૦૬ તાઝદાર- એ – હરમ – સત્યમેવ જયતે – ૨૦૧૮ થારે વાસ્તે જાન ભી લુટા – પરમાણુ – ૨૦૧૮ અય વતન વતન – રાઝી – ૨૦૧૮  ઉપરાંત લોકપ્રિય નૉન ફિલ્મી ગીતો ♦  અય મેરે વતન કે લોગોં જરા આંખમેં ભર લો પાની – ગાયિકા -લતા મંગેશકર   માં તુઝે સલામ, વંદે માતરમ્ – ગાયક એ. આર. રહેમાન – ૧૯૯૭ જેવા ગીતોમાં દેશભક્તિ નો રસ છલકે છે.. (સ્ત્રોત : મુંબઈ સમાચાર)


દેશપ્રેમની આપણી ભાવનાને હવે જગાડવી પડશે..

૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવા ઘણા રાષ્ટ્રીય પર્વોમાંથી આપણી દેશપ્રેમની ભાવના ધીરે ધીરે ગાયબ થતી જાય છે. આજે આપણે ક્રિકેટ મેચ, ફિલ્મો અને તહેવારોમાં જેવો ઉત્સાહ દેખાડીએ છીએ તેવો ઉત્સાહ આપણા રાષ્ટ્રીય પર્વો ઉપર નથી દેખાડતા. આ એક સત્ય અને કડવી હકીકત છે તથા આપણી કમનસીબી પણ છે. આપણી પાસે મોબાઈલમાં બિનજરૂરી વાતો કરવા, ફેસબુક, વોટ્સઅપ જેવા સોશ્યલ મીડિયા માટે સમય હોય પણ દેશસેવાના કામ માટે કે આપણા રાષ્ટ્રીય પર્વો માટે જો આપણી પાસે સમય ના હોય કે રસ ના હોય કે તે બાબત આપણી માટે ખેદજનક પણ છે.

આપણા દેશનો ઇતિહાસ ખુમારી અને શહિદીઓથી ભરેલો છે. આપણી ભારત માતાની રક્ષા તથા દેશને આઝાદ કરાવવા માટે આપણા લીલાછમ માથાઓ વધેરાઈ ગયા અને ઘણા લોકોએ પોતાની નોકરી, વ્યવસાય, ધિકતી કમાણી અને પરિવાર છોડીને પોતાની જાતને દેશ માટે કુરબાન કરી દીધી અને એટલે જ આ આઝાદીનો અનુભવ આપણે સહુ કરી રહયા છીએ પણ જયારે આ અમુલ્ય આઝાદીનું જતન ના થાય અને આપણામાં રાષ્ટ્રપ્રેમનો અભાવ જોવા મળે ત્યારે આપણા માટે કુરબાન થયેલા આપણા દેશ શહીદોનું આ અપમાન થતું હોય તેમ નથી લાગતું..?? શું આ બધા વિરલાઓ તેના પરિવાર માટે વધારાના હતા..?? આજે આપણી પેઢીને આઝાદી તૈયાર ભાણે મળી ગઈ છે એટલા માટે તે આઝાદીની આપણને કદર નથી કરતા પણ ગુલામી, પરતંત્રતાની તકલીફ શું હોય..?? તેની આપણને કોઈને ખબર જ નથી. ફક્ત વિદેશમાં ભણવું, ડોલર – પાઉન્ડ કમાવા અને ત્યાં જ સેટલ થઇ જવું. દેશનું થવું હોય તે થાય પણ આપણું સારું થવું જોઈએ એવી આપણી વિચારસરણી ને હવે બદલવાની જરૂર છે.

આજે આપણે આઝાદીની સાચી કિંમત સમજતા નથી અને ધર્મ, રાજકારણ, જ્ઞાતિ – જાતિના નામે લડાઈ, ઝઘડા, આંદોલન કરી દેશને નુકશાન કરીએ છીએ. આપણી આવકમાંથી સરકારને પ્રમાણકતાથી ટેક્સ ભરી દેશની પ્રગતિમાં હિસ્સો આપવાને બદલે આપણે ટેક્સ ચોરી કરીએ છીએ, સરકારના લાભો ખોટી રીતે મેળવવા આપણે ઘણા કાવા દાવા પણ કરીએ છીએ, મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ જેવી ટેક્નોલોજીનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ..?? અને આપણે શું છીએ..?? આપણી ફરજો શું છે..?? તે જોવાને બદલે આપણે સરકારને અને બીજા લોકોને પણ તેની ફરજો સમજાવીએ છીએ..?? અને આવું બધું કરવા માટે જ આપણને આઝાદી મળી છે બરોબરને..??

આજે આપણો દેશ આંતરિક અને બાહ્ય જેવી ઘણી સમસ્યાઓથી પરેશાન છે તેવા સમયે આપણે દેશ માટે અને તેની પ્રગતિ અને વિકાસ થાય તે માટે વિચારવું જોઈએ. આપણા સમાજને રાષ્ટ્રપ્રેમને લગતું શિક્ષણ આપવાની જરૂરીયાત આજે વર્તાઈ રહી છે. આજે જો મહાત્મા ગાંધી સહિત આપણા વીર સપૂતોએ આપણા દેશ માટે વિચાર્યું ના હોત કે સમય ના આપ્યો હોત તો આપણી અત્યારે શું હાલત હોત..?? જો આપણી પાસે જ દેશ માટે સમય નહિ હોય તો બીજાને ને તો ક્યાંથી હોય..?? તો જયારે દેશ મુશ્કેલીમાં આવશે ત્યારે આપણને કોણ બચાવશે..?? તેવું વિચારી દેશના વિકાસને લગતી બાબતોમાં આપણે તન – મન – ધનથી લાગી જવું જોઈએ.

તો ચાલો હવે આપણે સહુ જાગ્યા ત્યારથી સવાર સમજીને જાહેરમાં જેટલી બહાદુરી દેખાડીએ છીએ તેટલી જ બહાદુરી આપણા દેશ માટે દેખાડી અને આ દેશના તમામ લોકોને આપણા પરિવારજનો સમજી અંદરો અંદર ઝઘડવાનું બંધ કરીએ તથા આપણા દેશ માટે માત્ર બોલીને જ નહિ પરંતુ સાચા અર્થમાં સમય અને શક્ય બને તેટલું યોગદાન આપીને આપણી અમુલ્ય આઝાદીનું સાચા અર્થમાં સન્માન કરીએ.. ૭૨ માં સ્વાતંત્રય પર્વની આપ સહુને ખુબ ખુબ શુભેચ્છાઓ…

જયહિન્દ..

અતુલ એન. ચોટાઈ
પત્રકાર અને લેખક
રાજકોટ – ગુજરાત