ATUL N. CHOTAI

a writer – since 2014


લગ્ન માટે યોગ્ય પાત્ર મળવું આજે મુશ્કેલ બની ગયું છે…

marriage

marriage

અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતા પિયૂષ પાસે એ બધું હતું જે ૨૮ વર્ષની ઉંમરે એક યુવક પાસે હોવું જોઈએ. તેની પાસે સારી જોબ હતી, પોતાની કાર હતી અને ૨ બીએચકે ફલેટ પણ હતો જેમાં તે પોતાના પેરેન્ટ્સ અને નાના ભાઈ સાથે રહેતો હતો. આમ તો પિયૂષ માટે યોગ્ય છોકરી શોધવાના પ્રયાસ તેના મમ્મી પપ્પા ઘણા સમયથી કરતા હતા પણ જોઈએ એવું કયાંય ગોઠવાતું નહોતું. જ્ઞાતિમાં ખાસ અવર જવર ન હોવાથી પિયૂષના માતા પિતાના સંપર્કો પણ મર્યાદિત હતા. જે પણ છોકરી તેઓ પિયૂષ માટે શોધતા તેને કાં તો પિયૂષ ના પાડી દેતો કે પછી છોકરી તેને ના પાડી દેતી. કયારેક તો વાત શરુ થતાં પહેલા જ પૂરી થઈ જતી. આખરે આ શોધ લાંબી ચાલ્યા બાદ પિયૂષના માતા પિતાએ મેરેજ બ્યૂરોમાં તેનું નામ લખાવવાનું નક્કી કર્યું. દીકરો ૨૮ વર્ષનો થઈ ગયો હોવા છતાં તેનું કયાંય યોગ્ય ઠેકાણે ન ગોઠવાતા તેના મા બાપ થોડી ઘણી ચિંતામાં તો હતા જ પણ તેમને એમ હતું કે મેરેજ બ્યૂરોમાં તો પિયૂષને યોગ્ય કન્યા ચોક્કસ મળી જ જશે. આખરે એક દિવસ તેઓ પિયૂષ અને તેના સારા ફોટોગ્રાફસને લઈને એક મેરેજ બ્યૂરોમાં ઘણી આશાઓ સાથે પહોંચ્યાં. મેરેજ રજિસ્ટ્રેશન માટે ફોર્મ ભર્યા બાદ અને જે જરુરી પ્રક્રિયા હતી તે પૂરી થયા બાદ મેરેજ બ્યૂરોની રિસેપ્શનિસ્ટ સાથે પિયૂષની મમ્મીએ અમસ્તા જ વાત કરવાનું શરુ કર્યું. આજ કાલની છોકરીઓ કેવા છોકરા ગમાડે છે..?? તેમને કેવી સ્વતંત્રતા જોઈએ છે..?? અને કેટલી છોકરીઓ મેરેજ બ્યૂરોમાં રજિસ્ટ્રેશન કરાવે છે..?? વગેરે જેવા સવાલો તેમણે રિસેપ્શનિસ્ટને પૂછ્યા. જો કે જયારે તેમણે તેના જવાબ સાંભળ્યા ત્યારે તો તેમના હોશ જ ઉડી ગયા.

રિસેપ્શનિસ્ટે એક કિસ્સો તેમને સંભળાવતા કહ્યું કે એક છોકરીએ તો છોકરાને માત્ર એટલા માટે ના પાડી દીધી હતી કારણકે તેના ઘરના બે બેડરુમમાં જ એસી હતા પણ ડ્રોઈંગ રુમમાં એસી નહોતું. એક છોકરીએ તો છોકરા પાસે સિડાન કાર ન હોવાથી તેને ના પાડી દીધી હતી. એટલું જ નહીં પિયૂષની મમ્મીને તો એવું પણ જાણવા મળ્યું કે મોટાભાગની છોકરીઓ હવે જોઈન ફેમિલીમાં રહેવા માટે તૈયાર નથી થતી. એટલું જ નહીં છોકરાને જો ભાઈ બહેન કે મોટો પરિવાર હોય તો પણ તે તેમને હા પાડતા ખચકાય છે. કેટલીક છોકરીઓ તો પોતે ભલે બી.કોમ કે બીબીએ હોય પણ તેમને છોકરો તો સીએ કે એમબીએ જ જોઈતો હોય છે. સેલેરી પેકેજમાં પણ આ જ વાત લાગુ પડે છે. આ ઉપરાંત છોકરાની જો ટ્રાન્સફરેબલ જોબ હોય તો પણ છોકરીઓ તેને જલ્દી પરણવા માટે તૈયાર નથી થતી. છોકરાની પૈતૃક સંપત્તિ કેટલી છે તેની પણ ખાસ તપાસ થાય છે. કેટલાક કિસ્સામાં તો તેનું કેરેકટર કેવું છે તે જાણવા માટે ડિટેકિટવને પણ રોકવામાં આવે છે. છોકરીઓ પરણતા પહેલા જ મેરેજ કઈ રીતે કરવાના છે હનિમૂન પર કયાં જવાનું છે તે બધું લિસ્ટ પહેલાથી જ તૈયાર કરીને બેઠી હોય છે. આ સમસ્યાનો પિયૂષ જેવા હજારો મધ્યમ વર્ગના યુવકના મા બાપ આજે સામનો કરી રહ્યા છે.

ટીવી અને ફિલ્મોનું ચલણ વધતા અને સોશિયલ મીડિયામાં પણ લોકોનું શો-ઓફ જોઈ જોઈને છોકરીઓની અપેક્ષાઓ એટલી બધી વધી રહી છે કે કયારેક તે તેમના માટે યોગ્ય સાથી પસંદ કરવામાં અને કયારેક લગ્ન ટકાવી રાખવામાં પણ બાધારુપ બને છે. તેમાંય સૌથી વધુ મરો તો જે જ્ઞાતિમાં છોકરીઓની સંખ્યા ઓછી છે તેવા યુવકોને થાય છે. પૈસાદાર યુવકોનું તો આરામથી ગોઠવાઈ જાય છે પરંતુ મધ્યમવર્ગના કે કારકિર્દી માટે સ્ટ્રગલ કરતા યુવકો માટે ઈચ્છિત પાત્ર મળવું ઘણું જ અઘરું પડી જાય છે. માટે જ આજે સમાજમાં કયાંય ગોઠવાતું ન હોય તેવા યુવકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આજકાલ યંગસ્ટર્સને ઓનલાઈન પ્રેમ તો ફટાફટ થઈ જાય છે પણ આવા રિલેશન્સનો અંત પણ તેનાથી પણ ફટાફટ આવી જાય છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટમાં પણ આવો એક કેસ આવ્યો હતો જેમાં ઓનલાઈન પરિચયમાં આવેલું એક કપલ મેરેજ કર્યાના ગણતરીના દિવસોમાં જ છૂટું પડી ગયું હતું. છોકરા અને છોકરી બંનેને એકબીજા સાથે અપેક્ષાઓ અતિશય હોય છે પણ કોમ્પ્રોમાઈઝ કરવા કોઈ તૈયાર નથી થતું જેનાથી ડિવોર્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે… marriage bride groom bureau indian india gujarat gujarati hindu matrimonial problem girl boy love marriage relation cast terms condition in marriage couple

Advertisements


સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ ભયજનક હદે કેમ વધી રહ્યું છે..?

– સંજય વોરા

Divorce Couple

Divorce Couple

દુનિયામાં જેટલાં પણ લગ્ન થાય છે, તેમાંના ૨૦ ટકા છૂટાછેડામાં પરિણમે છે અમેરિકામાં થતાં ૫૦ ટકા અને જાપાનમાં થતાં ૩૨ ટકા લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. ભારતમાં ઇ.સ. ૧૯૭૪ની સાલમાં છૂટાછેડાનું પ્રમાણ ૩ થી ૪ ટકા હતું જે આજે વધીને ૧૩ થી ૧૪ ટકા ઉપર પહોંચી ગયું છે. આજે કોઇ પણ ફેમિલી કોર્ટમાં જઇએ તો છૂટાછેડા વિષયક કેસોનો ખડકલો જોવા મળે છે તેમાંના મોટા ભાગના કેસો આંતરજ્ઞાતિય અને આંતરજાતિય લગ્નોને લગતા હોય છે. જે પતિ – પત્ની બંને નોકરી-વ્યવસાય કરતા હોય તેમની અંદર પણ છૂટાછેડાનું પ્રમાણ વધુ જોવા મળે છે તેનું કારણ એ છે કે આર્ય સંસ્કૃતિની લગ્ન માટેની જે આચારસંહિતા છે તે પતિ – પત્ની બંનેના હિતમાં છે આજે આપણા સમાજમાં આ આચારસંહિતાનો ભંગ કરવામાં આવતો હોવાથી લગ્નો નિષ્ફળ જવાની સંભાવના વધતી જાય છે અને છૂટાછેડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જૂના જમાનામાં માતાપિતા કુળ, સંસ્કાર, ખાનદાની અને કુટુંબ જોઇને કન્યા – મૂરતિયાની સગાઇ કરી દેતા હતા લગ્ન પહેલાં પતિ – પત્ની એકબીજાનું મોંઢું પણ જોઇ શકતા નહીં આજે કન્યા અને મૂરતિયા વચ્ચે અનેક મિટિંગો કરીને સગાઇ કરવામાં આવે છે તેમ છતાં આજે જેટલાં લગ્ન નિષ્ફળ જાય છે એટલાં લગ્નો તે કાળમાં નિષ્ફળ જતા નહોતા આજે યુવક યુવતીઓ કોલેજમાં અને હવે તો સ્કૂલમાં ભણતા હોય ત્યારે એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનાં વચનો આપી દે છે. આજની નવી પેઢી પ્રેમમાં પડવા માટે કુળ, જાતિ, સંસ્કાર, ધર્મ વગેરે કાંઇ નથી જોતી તેઓ જેને પ્રેમ માને છે તે પણ હકીકતમાં મોહ અથવા શારીરિક આકર્ષણ હોય છે. માતા પિતાની મરજીથી ઉપરવટ જઇને તેઓ પરણે છે લગ્નના પહેલા જ દિવસથી તેમનો મોહ ઓસરી જાય છે બીજા છ મહિનામાં શારીરિક આકર્ષણ પણ ઘટવા લાગે છે ત્યાર પછી જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવામાં આવે ત્યારે ધર્મ, સંસ્કાર, સ્વભાવ, ખાનદાની અને સામાજીક દરજ્જાની વાસ્તવિકતાઓ સમજાય છે જેને કારણે વિસંવાદ પેદા થાય છે આ વિસંવાદનો કોઇ ઉકેલ ન મળતાં છેવટે આવાં લગ્નો છૂટાછેડામાં પરિણમે છે.

પતિ અને પત્ની લગ્ન કરીને સંસાર માંડે તે પછી કોઇ સમસ્યા પેદા થાય તો બધાં પતિ – પત્ની છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં નથી પહોંચી જતા. આવું આત્યંતિક પગલું ૧૦૦ માં થી ૨૦ યુગલો લે છે બાકીના ૮૦ પૈકી ૨૦ યુગલો સતત સંઘર્ષ કરતાં જીવે છે પણ છૂટાછેડા લેવા તૈયાર નથી થતા તેમનું લગ્નજીવન તો દુ:ખી જ હોય છે બાકીના ૬૦ પૈકી ૨૦ યુગલો એક છત હેઠળ જીવતા હોવા છતાં અજનબીની જેમ જીવે છે પણ છૂટાછેડા નથી લેતા તેમણે માનસિક દૃષ્ટિએ એકબીજા સાથે છૂટાછેડા લઇ લીધા હોય છે પણ સંતાનોનું ભવિષ્ય ન બગડે એમ સમજીને તેઓ ભેગા રહેતા હોય છે. બાકીના ૪૦ ટકા પૈકી ૨૦ ટકામાં સ્ત્રી – પુરુષ વચ્ચે પ્રેમ અને લાગણીના સંબંધો નથી હોતા પણ તેઓ સગવડિયા લગ્નને ટકાવી રાખે છે અને પરાણે હસતું મોંઢું રાખીને જીવે છે. આજના કાળમાં આપણા સમાજમાં જેઓ સાચા અર્થમાં સુખી હોય અને એકબીજાના સુખદુ:ખના સાથી બનીને રહેતા હોય તેવા પતિ-પત્નીની સંખ્યા ૨૦ ટકાથી વધુ નહીં હોય કોઇ પણ ભિન્ન જાતિ, ધર્મ, પરંપરા, સંસ્કાર અને રીતરિવાજો ધરાવતા સ્ત્રી – પુરુષ લગ્ન કરીને સંસાર માંડે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ધર્મ વગેરેની ભિન્નતાને કારણે અપરંપાર સમસ્યાઓ પેદા થાય છે યુવતી ચુસ્ત શાકાહારી પરિવારમાં મોટી થઇ હોય અને તેને સાસરે માંસાહારી વાનગીઓ રાંધવાની ફરજ પાડવામાં આવે ત્યારે તેને ઘર છોડીને ભાગી જવાની ઇચ્છા થઇ આવે છે. જૈન ધર્મ પાળતી કન્યા વૈષ્ણવ યુવક સાથે પ્રેમલગ્ન કરે અને પર્યુષણમાં પણ તેને વ્યાખ્યાન સાંભળવા જવા દેવામાં ન આવે ત્યારે તેને પોતાના ધર્મમાં લગ્ન કરવાનું મહત્ત્વ સમજાય છે. કચ્છની એક જૈન કન્યા પટેલના ઘરે પરણીને ગઇ ત્યારે તેને ચૂલો ફૂંકવાની અને વાસીદું વાળવાની ફરજ પાડવામાં આવી હતી લગ્નના છ જ મહિનામાં તે પિયર પાછી આવી ગઇ હતી સ્ત્રી – પુરુષ જ્યારે પ્રેમમાં હોય ત્યારે તેમને આ સમસ્યાઓની ગંભીરતા સમજાતી નથી પણ ગૃહસ્થાશ્રમના અનુભવથી ખ્યાલ આવે છે કે પોતાની જ્ઞાતિમાં અને પોતાના ધર્મમાં પરણવાના કેટલા ફાયદા છે. આ કારણે જ આજે પણ પ્રેમલગ્નો કરતાં માબાપે ગોઠવેલાં લગ્ન વધુ સફળ થતાં જોવા મળે છે હવે તો યુવક યુવતીઓમાં જાણે એરેન્જ્ડ મેરેજનો પવન ફૂંકાતો જોવા મળે છે.

આજની વિચિત્ર સામાજીક પરિસ્થિતિને કારણે લગ્નજીવનમાં અનેક સમસ્યાઓ પેદા થાય છે જે ભંગાણ તરફ દોરી જાય છે આવું ન બને તે માટે લગ્નૈચ્છુક કન્યા -મૂરતિયાઓએ અને તેમના વડીલાએ લગ્ન અગાઉ જ અમુક વસ્તુઓની ચોકસાઇ કરી લેવી જોઇએ જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે લગ્ન અગાઉ દરેક મૂરતિયાએ પોતાની ભવિષ્યની પત્નીને નિખાલસતાથી પૂછી લેવું જોઇએ કે તે લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહેવા માંગે છે કે અલગ થવા માંગે છે..? આજની આધુનિક કન્યાઓને સાસુ – સસરાની સેવા કરવી નથી હોતી અને તેમની મર્યાદાઓ પણ જાળવવી નથી હોતી આ કારણે તેઓ લગ્ન અગાઉથી જ સ્વતંત્ર થવાની યોજના ઘડી ચૂકી હોય છે પણ આ વાતની જાણ પોતાના ભાવિ પતિને કરતી નથી લગ્નના થોડા મહિનામાં જ તે પોતાની ઇચ્છા પ્રગટ કરે છે અને ઘરમાં ઝઘડાઓ થાય છે. કન્યા જો લગ્ન પહેલા નોકરી કરતી હોય અથવા સારી કારકિર્દીમાં સ્થિર થયેલી હોય તો લગ્ન પછી આ નોકરીનું અને કારકિર્દીનું શું કરવું।.?? તેની ચોખવટ પણ અગાઉથી જ કરી લેવી જોઇએ આજની યુવતીઓ પોતાની નોકરીને અને આર્થિક સ્વતંત્રતાને પતિ અને લગ્નજીવન કરતાં પણ વધુ પ્રેમ કરતી હોય છે તેઓ એવું માનીને પરણતી હોય છે કે લગ્ન પછી પણ તેને પોતાની નોકરી ચાલુ રાખવાની છૂટ આપવામાં આવશે સાસરાના નીતિનિયમો મુજબ આ છૂટ આપવામાં ન આવે ત્યારે ઘરમાં સંઘર્ષનાં બીજ રોપાતાં હોય છે અને મામલો છેવટે છૂટાછેડા સુધી પહોંચી જતો હોય છે. ઘણા પરિવારોમાં બે છેડા ભેગા કરવા માટે ઘરની વહુને નોકરી કરવાની ફરજ પાડવામાં આવતી હોય છે નોકરી કરતી યુવતીઓ પોતાનાં ઘરની અને બાળકોની વ્યવસ્થિત કાળજી રાખી શકતી નથી તેઓ ઓફિસે હોય ત્યારે તેમને ઘરની ચિંતા સતાવે છે અને ઘરે હોય ત્યારે ઓફિસનું ટેન્શન હોય છે પત્નીની જવાબદારી પતિ ઉપર આવી જાય છે પતિની આ કાર્ય કરવાની માનસિક તૈયારી નથી હોતી જેને કારણે સંઘર્ષ થાય છે અને મામલો છૂટાછેડા સુધી પહોંચી જાય છે લગ્નજીવનમાં જો સુખી થવું હોય તો સ્ત્રીએ લગ્ન પછી નોકરી કરવાનો આગ્રહ છોડી દેવો જોઇએ…

આજની આપણી વિષમ આર્થિક અને સામાજીક પરિસ્થિતિને કારણે લગ્ન કરીને સાસરે જતી સ્ત્રીઓના માથે પોતાનાં વૃદ્ધ માતા પિતાની સારસંભાળની જવાબદારી પણ આવી પડે છે જે પરિવારોમાં પુત્રો નથી હોતા અને માત્ર દીકરીઓ જ હોય છે તેમાં આવું ખાસ બને છે ઘણી વખત પુત્રો હોય છે પણ તેઓ પોતાનાં માતાપિતાની જવાબદારી નિભાવવાની ક્ષમતા કે દાનત ધરાવતા નથી હોતા જેને કારણે પરિણીત પુત્રીઓ ઉપર આ જવાબદારી આવી પડે છે પુત્રીઓ પોતે સાસરામાં સુખી હોય અને તેમને પોતાનાં માબાપ માટે લાગણી હોય એટલે તેમને માબાપને આર્થિક મદદ કરવાની ઇચ્છા થઇ આવે છે પણ તેને કારણે તેના ઘરમાં વિસંવાદ પેદા થાય છે. સંયુક્ત પરિવારમાં ઘરની વહુ આ રીતે પોતાના પિયરના સગાને આર્થિક મદદ કર્યા કરે તે ઘણા સભ્યોને ગમતું નથી વિભક્ત પરિવારમાં પતિની કમાણી ઓછી હોય અથવા તેનામાં ઉદારતાનો અભાવ હોય તો તે પોતાની પત્નીને રોકે છે જેને કારણે ઘરમાં ઝઘડાઓ થાય છે તેમાં પણ સ્ત્રી જો નોકરી કરતી હોય તો તે પોતાની આવકમાંથી મા બાપનું ભરણપોષણ કરવાની કોશિશ કરે છે જેને કારણે પણ સંઘર્ષ થાય છે. આ બાબતમાં પતિ – પત્ની પરસ્પર સમજણથી અને વિશ્ર્વાસથી કામ લે તે બહુ જરૂરી છે જૂના જમાના માં મા બાપે પરણેલી પુત્રીના ઘરનું પાણી પણ પીવું નહીં, એવો જે રિવાજ હતો એ આ પ્રકારના સંઘર્ષને ટાળવા માટે જ હતો..

આજે લગ્નજીવનમાં ખટરાગ વધી રહ્યો છે તેનું એક કારણ સ્ત્રીઓના મગજમાં સવાર થઇ ગયેલો સંદિગ્ધ સ્વતંત્રતાનો નશો છે આજની સ્ત્રી એમ માને છે કે તે નોકરી કરે અને તેની પોતાની આવક હોય તો જ તે સ્વતંત્ર બની શકે નોકરી કરતી અને પોતાની સ્વતંત્ર આવક ધરાવતી સ્ત્રીઓ એમ માનવા લાગે છે કે તેઓ પોતાની પારિવારિક જવાબદારી ન નિભાવે તો પણ ચાલી શકશે સ્ત્રી આર્થિક દૃષ્ટિએ પગભર બની જાય એટલે તેનામાં એક પ્રકારનો અહંકાર આવી જાય છે.હકીકતમાં નોકરી કરતી સ્ત્રી સ્વતંત્ર નથી બનતી પણ તેના બોસની ગુલામ બની જાય છે જેને કારણે પતિનું સ્વમાન ઘવાય છે અને પતિ – પત્નીના ઝઘડાઓ જન્મ ધારણ કરે છે. હકીકતમાં ઘરમાં રહેતી ગૃહિણી જેટલી સ્વતંત્ર છે એટલી નોકરી કરતી મહિલા સ્વતંત્ર નથી. પરણેલી સ્ત્રીઓ જો આ સ્ત્રી સમાનતાની ખોટી ધારણામાંથી બહાર આવે તો ઘણાં લગ્નજીવન બચી જાય તેમ છે. ગૃહસ્થાશ્રમમાં સુખી થવા માટે અને શાંતિથી જીવવા માટે જેમ નીતિની કમાણીની જરૂર છે તેમ લગ્નજીવનમાં પણ સ્થિરતા અને સંતોષની આવશ્યકતા છે. કોઇ માણસ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય પણ તેનું લગ્નજીવન નિષ્ફળ હોય તો તે માણસને સુખી ગણી શકાય નહીં વર્તમાન સમાજમાં લગ્નજીવનને નિષ્ફળ બનાવતાં પરિબળોને આપણે અનુભવના બળે ઓળખી લેવાં જોઇએ આ પરિબળોથી દૂર રહેવામાં આવે અને લગ્નસંસ્કાર માટે ઋષિમુનિઓએ જે મર્યાદાઓ નક્કી કરી છે તેનું કડક પાલન કરવામાં આવે તો પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરી આવે તેમ છે.  (Courtesy : Mumbai Samachar)