ATUL N. CHOTAI

a writer – since 2014


ભારતનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન જે અડધું મહારાષ્ટ્ર અને અડધું ગુજરાતમાં આવેલું છે..

navapur railway station

navapur railway station

ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની સરહદ પર નવાપુર નામનું એક એવું રેલવે સ્ટેશન આવેલું છે જેનો એક ભાગ ગુજરાતના તાપી જિલ્લામાં અને બીજો ભાગ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલો છે. નવાપુર આમતો મહારાષ્ટ્ર રાજયનું છેલ્લું અને ગુજરાતથી જાઓ તો પહેલું ગામ છે. ૧૯૬૦ ના વર્ષ દરમ્યાન ૧ મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગલા પાડવામાં આવ્યા હતા ત્યારથી તેના રેલવે સ્ટેશનની બરાબર વચ્ચેથી ગુજરાતના તાપી જિલ્લાની શરૂઆત થાય છે.

નવાપુર આમ તો ગુજરાતની હદમાં આવેલ હતું હાલમાં નવાપુર સ્ટેશનની ટીકીટ બારી જે મહારાષ્ટ્રની હદમાં અને ટીકીટ લેવા માટે ઉભા રહેતા પેસેન્જરો ગુજરાતની હદમાંથી ટીકીટ મેળવતા હોવાનું પણ જણાઈ આવ્યું છે. પ્લેટફોર્મ ઉપર મુસાફરો એક રાજયની સરહદ ઓળંગીને બીજા રાજયમાં ફરતા જોવા મળે છે. આ સ્ટેશન ઉપર જયારે ટ્રેન ઊભી રહે છે ત્યારે તેનું એન્જિન ગુજરાતમાં તો તેના પાછલા ડબ્બા મહારાષ્ટ્રની સરહદમાં હોય છે.


રેલ્વેની બે મહિલા પાઇલોટસે મહિલા સશક્તિકરણના નવા આયામો રચ્યા છે

Train Driver Women

Train Driver Women

 :: સંકલન ::
સોનલ જોષીપુરા
પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

પારકી પંચાતનું જીવતું જાગતું સ્વરૂપ એટલે સ્ત્રીઓ, રોંગ નંબરમાં પણ કલાકો સુધી વાત કરી શકતી બહેનો, સેલ્ફી લેવા માટે જાતભાતનાં નખરાંઓ કરતી મહિલાઓ, આ અને આવી તો બીજી કેટલીય માથામેળ વગરની સ્ત્રીઓ વિષેની ટીપ્પણીને સરિતા કુશવાહા અને ભાવના ગોમેઇ નામની બે યુવતીઓએ સણસણતો જવાબ આપ્યો છે. આ બંને સાહસિક યુવતીઓએ ટ્રેઇન ચલાવીને મહિલા જગતને એક નવા જ ટ્રેક પર મુકી દીધું છે. પશ્ચિમ રેલ્વે વિભાગની ઓખા-આબુ રોડ ટ્રેઇનમાં લોકોમોટિવ પાઇલોટ તરીકે સમગ્ર ટ્રેઇનના સંચાલનની જવાબદારી સંભાળતી સરિતા કુશવાહા છેલ્લા આઠ વર્ષથી તેમની ફરજો ખૂબીપૂર્વક અદા કરી રહી છે. તેમના મદદનીશ તરીકે ભાવના ગોમેઇ છેલ્લા બે વર્ષથી આસિસ્ટન્ટ લોકોમોટિવ પાઇલોટ બનીને સરિતાજીને સંતોષજનક સહકાર આપી રહી છે.

રેલ્વેની ડયુટી કલાકો આધારિત હોય છે. ફાવી જાય તો અઘરી ન લાગે એવી આ ડયુટી નિભાવવા માટે સદા સજ્જ એવા સરિતાજી જણાવે છે કે મહિલા પાઇલોટ ટ્રેઇન ચલાવી શકશે એ વાત શરૂઆતમાં તો પેસેન્જરો સ્વીકારવા જ તૈયાર નહોતા. પરંતુ અમે મક્કમ રહીને સંપૂર્ણ સજ્જતાપૂર્વક અમારી ડયુટી કરવા માંડી એટલે સામાન્ય માણસો પણ અમારામાં વિશ્વાસ મુકતા થઇ ગયા. બાકી રહી વાત કલાકો આધારિત ફરજની તો કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીઓ પણ શીફટીંગમાં કામ કરતી જ હોય છે ને… અમારે ભાગે તો દેશના નાગરિકોને તેમની મંઝિલે પહોંચાડવાનું પડકારજનક અને પરમાર્થનું કામ આવ્યું છે એ પૂરૂં કરીને અમે અમારી જાતને બડભાગી માની છીએ.

મીકેનીકલ એન્જીનીયરીંગ ડીગ્રી ધરાવતી સરિતા કુશવાહા છેલ્લા આઠ વર્ષથી ટ્રેઇન ચલાવે છે. તેમની ભરતી આસિસ્ટન્ટ લોકોમોટિવ પાઇલોટ તરીકે થઇ હતી ત્યારબાદ પ્રમોશન મેળવીને તેઓ હવે લોકોમોટિવ પાઇલોટ બનીને પશ્ચિમ રેલ્વેમાં સફળતાપૂર્વક તેમની ફરજો અદા કરી રહયા છે તેમના અધિકારીઓ પણ તેમની કાર્યશૈલીથી ખુશ છે.

એવી જ બીજા લેડી છે કુ.ભાવના ગોમેઇ જે આસિસ્ટન્ટ લોકોમોટિવ પાઇલોટ તરીકે આ જ ટ્રેઇનમાં સરિતાજીને મદદ કરે છે. તેઓ પણ ખૂબ સાહસિક સ્વભાવના છે. ઇલેકટ્રોનિક્સ એન્જીનીયરીંગની ડીગ્રી ધરાવતી ભાવનાને નાનપણથી ટ્રેઇન ચલાવવાના અભરખા હતા એટલે એ દિશા તરફ જ પ્રયાણ કરીને તેઓ આ પોસ્ટ સુધી પહોંચ્યા છે. આ બંને બહેનો શરૂઆતમાં માત્ર ગુડઝ ટ્રેઇન જ ચલાવતી હતી પરંતુ તેમની કાર્યદક્ષતા પિછાણીને રેલ્વે અધિકારીઓ હવે તેમને મેજર પેસેન્જર ટ્રેઇનમાં પણ ડયુટી સોંપી રહયા છે. બંને મહિલાઓની ઇચ્છા રાજધાની એકસપ્રેસ ચલાવવાની છે. આ ઇચ્છા જલ્દી પુરી થાય તેવી આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કૈંક અલગ કરવા ઇચ્છતી તમામ બહેનો તરફથી શુભેચ્છાઓ…


ચેન્નઇના કુલી પોયામોઝીની પ્રામાણિકતા આપણા સહુ માટે પ્રેરણારૂપ છે..

Chennai coolie

Chennai coolie

– અનંત મામતોરા

કોઇ વ્યક્તિને સ્ટેશન પરથી પાંચ લાખથી પણ વધુ રોકડા ભરેલી બેગ મળી આવે અને એ વ્યકિત થોડી પણ લાલચુ હોય તો બેગ લઇને ક્યારે નવ દો ગ્યારહ થઇ જાય એની ખબર પણ ન પડે.. પણ આજેય એવા પ્રામાણિક લોકો દુનિયામાં છે જે ગરીબ અને મધ્યમ વર્ગના હોવા છતાં આટલી બધી રોકડ ભરેલી બેગ તેના અસલ માલિક સુધી પહોંચાડવા દોડાદોડ કરી મૂકે. વાત છે ચેન્નઇના પરાં વિસ્તારમાં આવેલા તંબારમ સ્ટેશન પર બનેલી ઘટનાની..

પહેલી નવેમ્બરે સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ પ્લેટ ફોર્મ નં. ૫ ઉપર પોયામોઝી નામના કુલીએ એક નધણિયાતી બેગ જોઇ. હજી થોડીવાર પહેલાં જ સાલેમ – ચેન્નઇ એગ્મોર એક્સપ્રેસ ટ્રેને પ્લેટફોર્મ છોડ્યું હતું. આ બેગને તપાસતાં જ અંદર રોકડા નાણાં જોઇને ઘડીભર તો એ હેબતાઇ ગયો. જો કે પળવારમાં જ એ ત્યાં ફરજ પર હાજર સાંધાવાળા તરફ ભાગ્યો. તેને અને સ્ટેશન માસ્તરને આ ઘટનાની જાણ કરી. સ્ટેશન માસ્તરે પણ પળવારનો વિલંબ કર્યા વિના રેલવે સુરક્ષા દળને આ ઘટનાની જાણ કરી.

આ બેગના માલિકને શોધી કાઢવામાં સુરક્ષા દળને સહેજ પણ વાર ન લાગી જે ચેન્નઇ એગ્મોર સ્ટેશને પહોંચવાની તૈયારીમાં હતો. જ્યારે આ પ્રવાસીને ખબર પડી કે તેણે બેગ ગુમાવી છે. તરત જ તેણે ફરિયાદ નોંધાવી. એ જ સમયે તાબડતોબ એને સધિયારો આપવામાં આવ્યો કે તેની બેગ સલામત છે ત્યારે તેનો શ્વાસ હેઠે બેઠો. આ બેગમાં કુલ પાંચ લાખ, પંચોતેર હજાર અને સાતસો વીસ રૂપિયા હતાં જે તેને સલામત સુપરત કરવામાં આવી. આ પ્રવાસી પેલા પોર્ટર પોયામોઝીથી એટલો બધો પ્રભાવિત થયો કે તેને રોકડ રકમ બક્ષિસમાં આપવાની ઓફર કરી. પણ પેલા પોર્ટરે તો એક પાઇ લેવાનો પણ ઇનકાર કર્યો અને કહ્યું કે એણે કશું નવું નથી કર્યું માત્ર પોતાની ફરજ નિભાવી છે.

આ કુલી એની પ્રામાણિકતા માટે જ પ્રખ્યાત નથી એણે ઘણાં ઘરેથી ભાગી ગયેલાં કે રખડતાં બાળકોના મા બાપને શોધી કાઢી તેમનું પુનર્મિલન પણ કરાવ્યું છે. પોયામોઝી છેલ્લાં પંદર વર્ષથી આ સ્ટેશન પર કામ કરી રહ્યો છે પણ ક્યારેય માનવતાવાદી કાર્યો બદલ પૈસાની ઓફર કરવામાં આવે તો તેણે સ્વીકાર્યા નથી. જો કે ચેન્નઇ ડિવિઝનલ રેલવે મેનેજર નવીન ગુલાટીને જ્યારે આ બેગ વાળી ઘટનાની ખબર પડી ત્યારે એ ખુદ આ સ્ટેશન પર દોડી આવ્યા હતા અને રેલવે કોચની ડિઝાઇન વાળુ સ્મૃતિચિહ્ન આપી તેનું આ તંબારમ સ્ટેશન પર જ જાહેર સન્માન કર્યુ હતું. આવા હળહળતા કળિયુગમાં પોયામોઝી જેવા સતયુગી માનવો પણ વિચરી રહ્યાં છે એ વાત જ આશ્ચ્રર્ય સાથે આનંદ આપે એવી છે. ધન્ય છે આ પ્રામાણિક પોર્ટરને અને ધન્ય છે તંબારમ રેલવે અધિકારીઓની કાર્યદક્ષતાને… ચાલો આ કુલીની પ્રમાણિકતા ઉપરથી આપણે પણ ફક્ત શબ્દોથી જ નહી પણ આવું કોઈ લોકઉપયોગી કાર્ય કરીને પોયામોઝીની પ્રામાણિકતાનું સન્માન કરીએ..


સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ટ્રેનનો પાવો 1880 માં ગોંડલમાં વાગ્યો હતો

Gondal Railway Station

Gondal Railway Station

ભારતીય રેલવેના જાજરમાન ગૌરવાન્વિત ઇતિહાસમાં ગોંડલ રેલવેનું અતિ મહત્ત્વનું પ્રદાન છે ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવીએ યાતાયાત તેમજ જનપરિવહન માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલ કરી 189 માઇલના અંતરમાં મીટર ગેજ રેલવે ટ્રેક બિછાવી આજથી 135 વર્ષ પહેલા 18મી ડિસેમ્બર 1880 માં સૌ પ્રથમ ટ્રેન દોડતી કરી હતી જનતા માટે આ સમાચાર હર્ષની હેલી સમાન બની ગયા હતા ઇતિહાસમાં ડોકીયુ કરાવતા વિનોદભાઇ રાવલ જણાવે છે કે સૌરાષ્ટ્રમાં રેલવે લાઇનો વીસ્તારવાનો સૌ પ્રથમ વિચાર ત્રણ વ્યક્તિને આવ્યો હતો જેમાં મુંબઇ પ્રાંતના ગર્વનર રિચાર્ડ ટેમ્પલ, ગોંડલના રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવીને વિચાર આવ્યો હતો. આપણે રાજાશાહી તેમજ અંગ્રેજોને ભાંડવાની એક પણ તક જતી કરતા નથી પરંતુ જે સમયે જે.સી.બી જેવા અર્થમુવર્સ કે યાત્રીક સાધન સરંજામની ઉપલબ્ધિ ન હતી ત્યારે દેશી રાજવીઓ અને અંગ્રેજોએ સાથે મળીને 2235  કિલોમીટર રેલવે ટ્રેક બિચ્છાવ્યા હતા


ભારતીય રેલ્વે વિષે જાણવા જેવું…

Indian Railway

Indian Railway

ભારતમાં રેલવે શરૂ થયાને ૧૬૨ વર્ષ પુરા થઇ ગયા છે  રેલવે ભારતના કરોડરજ્જુ સમાન છે આજના સમયમાં રેલવે એક સ્થળથી બીજા સ્થળે જવા અનિવાર્ય સાધન બન્યું છે રેલવેના કારણે નાગરિકો આરામદાયક અને સલામતરીતે હરી ફરી શકે છે વિશ્વમાં સૌથી મોટા રેલવે નેટવર્ક પૈકીના એક તરીકે ભારતીય રેલવે નેટવર્કને ગણવામાં આવે છે ૭૫૦૦ સ્ટેશન અને ૬૫૦૦૦ કિલોમીટરના રૂટ ઉપર ૧૧૫૦૦૦ કિલોમીટરનું રેલવે નેટવર્ક છે. રેલવે દ્વારા દરરોજ ૨૫ મિલિયન યાત્રીઓ મુસાફરી કરે છે જ્યારે વાર્ષીક આધાર પર નવ અબજથી વધુ લોકો ભારતીય રેલવેમાં યાત્રા કરે છે.  ભારતીય રેલવે વિશ્વમાં સૌથી મોટા નેટવર્ક પૈકી એક છે. ભારતમાં ધણા સ્થળો ઉપર પોતાના લોકોમોટીવ અને કોચ બનાવનાર ફેક્ટરીઓ આવેલી છે ભારતીય રેલવેમાં મલ્ટીગેજ નેટવર્ક છે ભારતીય રેલવેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે કર્મચારીઓની સંખ્યા આશરે ૧.૪ મિલિયન જેટલી છે. રોલિંગ સ્ટોકની વાત કરવામાં આવે તો ભારતીય રેલવે ૨૨૯૩૮૧ નૂર વેગન ધરાવે છે જ્યારે ૬૯૭૧૩ પેસેન્જર કોચ ધરાવે છે. જ્યારે ૯૨૧૩ લોકોમોટીવ ધરાવે છે ટ્રેનમાં ૫ ડીઝીટ નંબરીંગ વ્યવસ્થા છે. ભારતીય રેલવે ૧૦૦૦૦થી વધુ ટ્રેનો દોડાવે છે  ૧૯૬૦ બાદથી ભારતીય રેલવે ઉપર લગભગ તમામ ઇલેક્ટ્રીફાઈડ સેક્શનમાં ૨૫૦૦૦ વોલ્ટ એસી ટ્રેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં ૨૦મી જાન્યુઆરી ૧૮૬૩ના દિવસે પ્રથમવાર અમદાવાદથી સુરતની ટ્રેન શરૂ કરવામાં આવી હતી તેને હવે ૧૫૨ વર્ષ પુરા થયા છે આંકડા દર્શાવે છે કેરેલવેમાં દરરોજ ૨.૩૦ કરોડ લોકો મુસાફરી કરી રહ્યા છે. રેલવેએ સંરક્ષણ સામગ્રીને નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રેલવેમાં હાલ ૧૩ લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ભારતીય રેલવેમાં ૧૨૫૦૦ જેટલી ટ્રેનો છે અને ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલા લોકો દરરોજ મુસાફરી કરે છે. ભારતની પહેલી પેસેન્જર ટ્રેને  ઈ.સ. ૧૮૫૩ માં બોરી બંદરથી ઠાણે વચ્ચે સફર કરી હતી આ ટ્રેનમાં ૧૪ બોગીઓમાં ૪૦૦ યાત્રીઓએ ૪૦ કિ. મી. નું અંતર ૧ કલાક અને ૧૫ મિનિટમાં પુરૂ કર્યુ હતું. ટ્રેનમાં સામેલ ત્રણ ડબ્બાના નામ સિંધ, મુલતાન અને સાહિબ રખાયા હતા. મુંબઈ ના બોરી બંદર સ્ટેશનનું પુનઃ નિર્માણ બાદ વિકટોરીયા ટર્મીનસ બન્યુ હતું અને પછીથી છત્રપતિ શિવાજી ટર્મીનસ તરીકે પ્રખ્યાત થયુ.