ATUL N. CHOTAI

a writer – since 2014


ગામડાંઓ ગુરુની ગરજ સારે છે…

indian village life

indian village life

– પ્રેમલ પરીખ

આર્થિક સમૃદ્ધિ મેળવવાના આશય સાથે કેટલાક દાયકાઓથી ગામડાંના લોકો શહેર ભણી દોટ મૂકી રહ્યા છે. શહેરીકરણ અને આધુનિકીકરણના થઇ રહેલા વિસ્તારનો આ પ્રતાપ છે. શહેરમાં નોકરી કે વ્યવસાયને માર્ગે કમાણી કરવામાં રહેલી અમાપ તક તેમ જ જીવનને આધુનિક બનાવવાની ક્ષમતા આ વલણ માટે પ્રમુખપણે જવાબદાર માનવામાં આવે છે. મોડર્ન શૈલી સાથે જીવતા શહેરીજનો પોતાને ચડિયાતા માનતા હોય છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો સુધ્ધાં શહેરીજનોને સારું જીવન કઇ રીતે જીવાય એના બે ચાર પાઠ તો ચોક્કસ ભણાવી શકે છે. વસતિ વધારાથી શહેરોની સિલાઇ ફાટી રહી હોવા છતાં ભારતમાં ૭૦ ટકા લોકો હજુ ગામડામાં રહે છે. શહેરમાં તમામ આધુનિક સુવિધાઓ હોવા છતાં આ ગામડામાં રહેતા લોકો સારું જીવન કઇ રીતે જીવી શકાય એ શીખવી શકે છે.

પ્રદૂષણ સહિત કેટલીક સમસ્યાઓથી રોજેરોજ હેરાન થતો શહેરીજન જ્યારે મુક્ત હવામાનવાળા ગામડા તરફ પ્રયાણ કરે છે ત્યારે એને એક અલાયદો અનુભવ થાય છે. એક અનેરી તાજગીનો અનુભવ થાય છે. શહેરમાં અડધા કલાકની મુસાફરીથી થાકી જતો માણસ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક કલાકો સુધી ચાલીને પણ થાકતો નથી. ઊલટાનો તાજગીનો અનુભવ કરે છે. એક એવી તાજગી જે એને જોમવંતો બનાવી દે છે. શહેરી જીવનથી મુક્ત થવું હોય તો ગ્રામ્ય જીવન શ્રેષ્ઠ વિકલ્પ છે. શહેરીજીવનના કારણે ગુમાવી દીધેલી ઓળખાણ ફરી મેળવવાની તક ગ્રામ્ય જીવન આપે છે. શહેરી જીવનથી થાક્યા હો, કંટાળ્યા હો તો ગામડામાં એક લટાર મારી આવો અને તમારી જાતને પૂછો કે તમને શું જોઇએ છે..??

આનંદ ક્યાંથી મળી શકે..?? : આપણા મૂલ્યને જાણવું એ મુશ્કેલ કાર્ય છે. આપણે પોતાને અન્ય સાથે સરખાવીએ છીએ. સારી કારકિર્દી, પારિવારિક જીવન, પૈસા વગેરે. સોશિયલ મીડિયામાં ઝડપી ફેરફારના કારણે આપણે સતત વ્યસ્ત રહીએ છીએ. પણ જરા વિચારી જુઓ, ભારતના ગામડામાં પુરુષો, મહિલાઓ અને બાળકો ટેક્નોલોજી વગર પણ કેવા ખુશ છે. તેઓ તેમની ખુશી ધાર્મિક વિધિઓ, સાંજની ચા અને ગીતો ગાઇને મેળવે છે. જો તેઓ આ રીતે ખુશ રહી શકે તો આપણે કેમ નહીં.??

આધુનિકરણની ભ્રામકતા : શહેરીકરણના કારણે આપણે દેખાદેખી કરીએ છીએ. આપણું ઘર કેવું દેખાય છે, આપણે શું ખરીદીએ છીએ, આપણે કેવી રીતે વાત કરીએ છીએ. આપણને ઝડપી અને આધુનિક બનવું છે. બીજી તરફ ગામડાના લોકો સામે જુઓે, તેઓ આખો દિવસ કામ કરીને પરસેવો પાડીને પણ થાકતા નથી. તેમની ભાષા અને રહેણીકરણીમાં નિર્દોષતા દેખાય છે. તેમને કોઇ વસ્તુ ન મળે તો અફસોસ નથી કરતા. તેઓ એકલા જ ખુશ રહે છે.

અતિથિને આવકાર : તેમના ઘર નાના ભલે હોય, દિલ મોટા છે. તેઓ તમને મીઠો આવકાર આપશે. તેમણે બનાવેલી રસોઇ ખવડાવશે. તમને ઉષ્માનો અનુભવ કરાવશે. એમની પાસે પૈસા ઓછાં હશે તો પણ ચલાવી લેશે. તમે ક્યાંથી આવ્યા છો તેનાથી તેમની મહેમાનગતિમાં કોઇ ફરક નહીં પડે. તમે તેમની સ્થાનિક ભાષા સમજી ન શકો તો પણ તમને મદદ કરશે. જોકે, તેમની પોતીકી ભાષામાં એક જાતનો જાદુ છે.

ઓછું પણ વધુ છે : ગામડાના લોકો પાસે આધુનિક સાધનો ન હોવા છતાં તેમની પાસે પેઢીઓથી ચાલી આવતી મજબૂત સંસ્કૃતિ છે. તેમને ખબર છે કે તેને કઇ રીતે સાચવી રાખવી. તેઓ કુદરતી નિયમો પ્રમાણે ચાલે છે. કોઇ ગૂંચવણ નહીં, કોઇ ધાંધલધમાલ નહીં. ગામડાનું જીવન આપણી માટે ખરેખર પ્રેરણાદાયક છે.

કુદરતી ઉપચાર : માવજતનો વિચાર આજે તો તબીબી ક્ષેત્રે પણ સ્વીકાર્ય બની ગયો છે. બિલાડીના ટોપની જેમ વધી રહેલા વૃદ્ધાશ્રમો અને મેડિકલ સેન્ટરોને કારણે આપણે માવજતનો સાચો અર્થ જ ભૂલી ગયા છે. રિસર્ચથી જાણવા મળ્યું છે કે મોટી ઉંમરના લોકો જો તેમના પોતાના ઘરમાં રહે તો તેઓ લાંબું અને શાંતિપૂર્વકનું જીવન જીવે છે. આમ, આપણને બધાને ભારતના ગામડાં શીખવે છે કે સાદું અને સંપૂર્ણપણે અલગ જ જીવન કઇ રીતે જીવી શકાય… (મુંબઈ સમાચાર માંથી સાભાર)

 

Advertisements