– પ્રિયદર્શી દત્તા
14 મી સપ્ટેમ્બરને હિન્દી ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1949 માં બંધારણ સભાએ આ દિવસે લાંબી જોશીલી ચર્ચા પછી હિંદીની દેવનાગરી લીપીને ભારતીય સંઘની અધિકૃત ભાષા તરીકે અપનાવી હતી. બંધારણના 17 મા ભાગના અનુચ્છેદ 343 થી 351 માં આ વિષયે વાત કરવામાં આવેલી છે. અનુચ્છેદ 341 (1) માં ઘોષણા કરવામાં આવી છે કે હવે પછી ભારતીય સંઘની અધિકૃત ભાષા દેવનાગરી લીપીમાં લખાતી ભાષા હિન્દી રહેશે પરંતુ અનુચ્છેદ (2) ને આગળ વાંચતા જણાય છે કે ભારત જેવા દેશમાં કે જ્યાં વિવિધ ભાષા બોલતા લોકો વસે છે અને તેના કાયદા, નિયમો અને નિયંત્રણો અંગ્રેજી ભાષામાં આલેખાયા છે ત્યાં અધિકૃત ભાષા નક્કી કરવાનો મુદ્દો કેટલો મુશ્કેલ અને ગૂંચવાડા ધરાવતો બની રહ્યો હશે. આ બાબતને એક સમાધાન તરીકે વર્ણવીશું તો તે ઘણું ઉત્તમ ગણાશે. સર્વોચ્ચ અદાલત, હાઈકોર્ટોની તમામ કાર્યવાહી, તમામ વિધેયકોની અધિકૃત ભાષા તથા સંસદમાં અને રાજ્યોની વિધાનસભાઓમાં રજૂ કરવામાં આવતા અને પસાર કરાતા કાયદાઓ (એક સંસ્થાનવાદી ભારત તરીકે) અંગ્રેજીમાં હોવા જોઈએ તેવુ બંધારણ (58મા) ના સુધારા ધારાનો માર્ગ મોકળો થયો ત્યાં સુધી એટલે કે તા.17 ફેબ્રુઆરી, 1987 સુધી બંધારણનું (સુધારાઓને આવરી લેતું) સુધારેલું સ્વરૂપ હિંદી ભાષામાં સુધારાઓ સહિત પ્રસિધ્ધ થઈ શક્યું ન હતું. ઘણા બધા કારણોથી હિંદી ભાષાનો અધિકૃત ભાષા તરીકેનો દેખાવ ખૂબ જ ઓછો સંતોષજનક રહ્યો છે અને આથી જ 70 વર્ષ પૂરા થયા પછી સરકારમાં અંગ્રેજી ભાષાને બદલે પણ હિંદી ભાષાને કોઈપણ રીતે, ઉપયોગમાં લઈ શકાતી નથી. આપણા બંધારણના ઘડવૈયાઓએ આ કામગીરી પૂર્ણ કરવા માટે માત્ર 15 વર્ષ આપ્યા હતા. અધિકૃત ભાષા (રાજભાષા)ને કાયદા, અધિકારીઓ, ન્યાયતંત્ર અને શસ્ત્ર દળો વગેરે જેવા સરકારના વિવિધ અંગો તરીકે ઓળખવામાં આવે છે. આમ છતાં, સરકારી સંસ્થાઓ કરતા રાષ્ટ્ર ઘણું મોટું હોય છે. મહાત્મા ગાંધીજીએ ભારતમાં જે લોક જુવાળ ઊભો કર્યો તે આ સંસ્થાઓની બહાર રહીને ઊભો કર્યો હતો. તેમની અસહકારની ચળવળ અથવા તો ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 હેઠળ કોંગ્રેસ ચૂંટણીઓમાં સામેલ થાય તે સામેનો વિરોધ એ બાબત સ્પષ્ટ કરે છે કે ગાંધીજી રાષ્ટ્ર આવી સંસ્થાઓ ઉપર આધારિત હોય તેના વિરોધમાં હતા. ગાંધીજી એ બાબતે સારી રીતે જાણકાર હતા કે સંસ્થાનવાદી ભારતમાં રાજ્યના સાધનો અને કરોડો લોકોના સમુદાયની વચ્ચે કેટલી મોટી ખાઈ છે. ગાંધીજી ઈન્ડિયાને બદલે ભારતીય રાષ્ટ્રને સંબોધવાનું વધુ પસંદ કરતા હતા. આ કારણે જ ગાંધીજીએ અંગ્રેજીના બદલે લોકોની ભાષાનો ઉપયોગ કરવાનો માર્ગ અપનાવ્યો હતો.
ગાંધીજીની સ્વરાજ માટેની ઝૂંબેશમાં ભાષાનો સવાલ તેના આંતરિક હિસ્સા જેવો હતો. તે સમજતા હતા કે લોકોને સ્વરાજના મિશનમાં માત્ર તેમની પોતાની ભાષા દ્વારા જ સામેલ કરી શકાય તેમ છે. આથી ગાંધીજી 1915 માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા તે પછી તેમણે હિંદી ભાષાના વધુ ઉપયોગ (અન્ય કોઈ પ્રાદેશિક ભાષાની તુલનામાં) પર ભાર મૂક્યો હતો. પ્રતાપમાં તા.28 મે, 1917ના રોજ પ્રસિધ્ધ થયેલા તેમના લેખમાં તેમણે હિંદીને રાષ્ટ્રીય ભાષા તરીકે ઓળખવાની હિમાયત કરી હતી. આ લેખમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના મોટા ભાગના લોકો કે જે હિંદી કે અંગ્રેજી જાણતા નથી તેમને અંગ્રેજીની તુલનામાં હિંદી શિખવાનું વધુ આસાન બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે ભારતના લોકો તેમના નેશનલ બિઝનેસનું કામકાજ હિંદીમાં હાથ ધરતા નથી તે તેમની કાયરતા છે. જો ભારતવાસીઓ આ કાયરતા ત્યજી દે અને હિંદી ભાષામાં શ્રધ્ધા રાખે તો રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાઉન્સિલોની કામગીરીનું પણ તે ભાષામાં સંચાલન થઈ શકે તેમ છે. આ લેખમાં ગાંધીજીએ સૌ પ્રથમવાર દક્ષિણ ભારતમાં હિંદી ભાષાના દૂતો મોકલવા માટેનો વિચાર વહેતો મૂક્યો હતો. તેમનો આ વિચાર વર્ષ 1923માં સ્થપાયેલી દક્ષિણ ભારત હિંદી પ્રચાર સભાના સ્વરૂપે આકાર પામ્યો. તા.20 ઓક્ટોબર, 1917ના દિવસે ભરૂચમાં યોજાયેલી બીજી ગુજરાત શિક્ષણ કોન્ફરન્સમાં ગાંધીજીએ જે પ્રવચન આપ્યું હતું તે ઉત્તમ પ્રકારનું હતું. આ પ્રવચનમાં તેમણે હિંદીને લોકપ્રિય બનાવવા માટેના સ્વામી દયાનંદ સરસ્વતીના પ્રયાસોને બિરદાવ્યા હતા.
સ્વામી દયાનંદ (1824 થી 1883) પણ ગાંધીજીની જેમ ગુજરાતમાંથી આવતા હતા. તે ધાર્મિક ચર્ચાઓ અને બોધ આપવામાં સંસ્કૃતને માધ્યમ તરીકે વાપરતા હતા. તેમણે હિમાલયમાં અને દક્ષિણ ભારતમાં દાયકાઓ સુધી જીવન પસાર કર્યું હોવા છતાં, તે દરમિયાન તેમણે હિંદી શિખવાની દરકાર રાખી ન હતી, પરંતુ વર્ષ 1873માં તેમણે જ્યારે કોલકતાની મુલાકાત લીધી ત્યારે તે બ્રહ્મોસમાજના કેશબચંદ્ર સેનના સંપર્કમાં આવ્યા હતા. સેને તેમને સંસ્કૃતના બદલે હિંદીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો, જેથી મોટા લોક સમુદાય સુધી પહોંચી શકાય. રસપ્રદ બાબત એ છે કે સ્વામી દયાનંદ કે પછી કેશબ ચંદ્ર સેન બંનેમાંથી કોઈ એકની મૂળ ભાષા પણ હિંદી નહોતી. દયાનંદે આ મૈત્રીપૂર્ણ સલાહ સ્વીકારી લીધી અને ખૂબ જ ટૂંકા ગાળામાં હિંદીમાં અત્યંત પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. તેમણે સત્યાર્થ પ્રકાશ (1875) નામનો મહાન ગ્રંથ હિંદીમાં લખ્યો. તેમના દ્વારા આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી અને આ સંસ્થા હિંદીને લોકપ્રિય અને શક્તિશાળી ભાષા બનાવવાની કામગીરીમાં લાગી ગઈ. આ રીતે ગાંધીજીએ સ્વામી દયાનંદ સરસ્વતીએ જ્યાંથી હિંદી ભાષાની મશાલ છોડી હતી ત્યાંથી આગળ ધપાવી હતી. જો કે, દયાનંદનો ધ્યેય ધાર્મિક પ્રકારનો હતો અને ગાંધીજીનો ધ્યેય રાષ્ટ્રીય હતો. ગાંધીજીએ હિંદી ભાષા દ્વારા ભારતીય માનસને બ્રિટીશ ભાષાની નાગચૂડમાંથી છૂટવાના સાધન તરીકે જોઈ. ગાંધીજીના આ મિશનને દક્ષિણ ભારતમાંથી પણ ઘણા લોકોએ સ્વિકાર્યું.
જી. દુર્ગાબાઈ (1909 – 1981) કે જે છેલ્લા વર્ષોમાં બંધારણ સભાના સભ્ય બન્યા હતા. તે કાકીનાડા (આંધ્ર પ્રદેશ)માં બાલિકા હિંદી પાઠશાળા નામે લોકપ્રિય થયેલી સંસ્થા તરૂણ વયની કન્યાઓને શિક્ષણ આપવા માટે ચલાવતા હતા. બાલિકા હિંદી પાઠશાળાની મુલાકાત સી. આર. દાસ, કસ્તુરબા ગાંધી, મૌલાના શૌકતઅલી, જમનાલાલ બજાજ અને સી.એફ. એન્ડ્રુઝ જેવા મહાનુભવો પણ લઈ ચૂક્યા હતા. આ મહાનુભવો એ બાબત માની શકતા ન હતા કે હિંદી ભાષામાં સેંકડો લોકોને જ્ઞાન આપતી આ સંસ્થા એક તરૂણ કન્યા દ્વારા ચલાવવામાં આવતી હતી. પરંતુ આ દુર્ગાબાઈ બંધારણ સભા સુધી પહોંચ્યા તે સમય સુધીમાં તો દક્ષિણ ભારતમાં હિંદી ભાષા અંગેની પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. તેમને એવું લાગ્યું કે હિંદીની તરફેણમાં જે ઈર્ષાયુક્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેને કારણે અન્ય લોકો હિંદી ભાષાથી વિમુખ થઈ રહ્યા છે. ખોટા માર્ગદર્શનને કારણે દેશ સેવકોએ જે હાંસલ કર્યું હતું તેની ઉપર ઈર્ષાળુ લોકોએ પાણી ફેરવી દીધું અને જોખમી પરિસ્થિતિ સર્જી. આ રીતે તેમણે તેમના તા.14 સપ્ટેમ્બર, 1949ના પ્રવચનમાં જણાવ્યું હતું કે “આ સદીના શરૂઆતના વર્ષોમાં આપણે જે રીતે હિંદી ભાષાને ઉત્સાહપૂર્વક અપનાવી તેની સામે જે આંદોલન થઈ રહ્યું છે તેનાથી મને આઘાત લાગ્યો છે…. તો શ્રીમાન, સામે પક્ષે આવા વધુ પડતા અને ખોટા પ્રકારના પ્રચારને કારણે જે લોકો હિંદી જાણતા હતા તેમનો અને જે લોકો હિંદીના ટેકેદાર હતા તેમનો સાથ ગૂમાવવો પડ્યો તે માટે આવો પ્રચાર જવાબદાર છે.” દુર્ગાબાઈના મનમાં જે દ્વિધા પ્રવર્તતી હતી અને તેમના પ્રવચનમાં વ્યક્ત થતી હતી તેવી જ દ્વિધા 70 વર્ષ પછી પણ દૂર થઈ નથી. કાયદેસરની ભાષાનો દરજ્જો માથાપર ઠોકવાના બદલે બિન હિંદી ભાષી વક્તાઓને સ્વૈચ્છિક પ્રયાસો દ્વારા હિંદી ભાષાની તરફેણમાં વાળી શકાય તેમ છે. હિંદી અને અન્ય ભાષાઓની વચ્ચે સાહિત્યીક અને સાંસ્કૃતિક પરામર્શ થતા રહેશે તો હિંદી ભાષાનો ઉદ્દેશ હલ થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે નિર્વિરોધ હિંદી ભાષા આગળ ધપી રહી છે. ઉદ્દેશ લોકો સમજે તેવી ભાષામાં મહત્તમ સમુદાય સુધી પહોંચવાનો છે. (લેખક નવી દિલ્હી સ્થિત સ્વતંત્ર સંશોધક અને કટાર લેખક છે. આ લેખમાં વ્યક્ત કરાયેલા અભિપ્રાયો તેમના અંગત છે. : પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો – ભારત સરકાર – અમદાવાદ)