
Swami Vivekananda
:: સંકલન ::
જે. ડી. ત્રિવેદી
સહાયક માહિતી નિયામક,
પ્રાદેશીક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧
યુવાશકિત એ દેશની અમોધ સંપદા છે. નિરંતર શકિતનો સ્ત્રોત એટલે યુવાન. કોઇપણ સમયે પડકારોને ઝીલી લે એ જ સાચો યુવાન છે એટલે જ કહેવાયુ છે કે જો તુફાનો સે ટકરાતે હૈ ઉસે યુવાન કહતે હૈ. આ જ યુવાનમાં અદભુત ધૈર્ય શકિત અને સ્થિત પ્રજ્ઞતા હોવી જોઇએ. ખંત અને અદમ્ય ઉત્સાહનો સમન્વય એટલે યુવાન. આવા યુવાનો પાસે રાષ્ટ્ર ઘણી અપેક્ષાઓ રાખે છે. સ્વામિ વિવેકાનંદે કહયું હતું કે આજે જરૂર છે તાકાત અને આત્મ વિશ્વાસની… આપણામાં હોવી જોઇએ પોલાદની તાકાત અને મનોબળ એમની એ સિંહ ગર્જનાએ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના યુવકોમાં નવો જોશ અને ઉત્સાહ ભરી દીધો હતો. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદે આપણા રાષ્ટ્ર જીવનના પ્રત્યેક પાસાંઓનો સૂક્ષ્મ વિચાર કર્યો હતો. એ ઉમદા વિચારોને જીવનમાં ઉતારીને દરેક માનવ ભારતવાસી સ્વ કલ્યાણ, સમાજ કલ્યાણ, રાષ્ટ્ર કલ્યાણ અને વિશ્વ કલ્યાણ કરીને પોતાને અને દેશને ઉજ્જવળ કીર્તિ અપાવી શકે છે.
સ્વામી વિવેકાનંદનો જન્મ ઇ.સ. ૧૮૬૩ના જાન્યુઆરીની ૧૨મી તારીખે સંવત ૧૯૧૯માં પોષ મહિનાની સાતમને સોમવારે મકરસંક્રાંતિના શુભ દિવસે થયો હતો. મહાદેવની કૃપાથી પ્રાપ્ત થયેલાં પુત્રનું નામ માતાએ વીરેશ્વર રાખ્યું હતું. અને ત્યાર બાદ એનુ નામ નરેન્દ્રનાથ રાખવામાં આવ્યું હતું. તેમના પિતા વિશ્વનાથજી વકીલ હતા અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. શ્રી નરેદ્રના દાદા પણ નાની વયે સંન્યાસી બન્યા હતા. નરેન્દ્રને સાધુ સંતો પ્રત્યે નાનપણથી જ ખૂબ આદરભાવ હતો. માતા એ ઉત્તમ શિક્ષિકા છે. નરેદ્રને બાળપણમાં માતા પાસેથી જીવનની ઉપયોગી તાલીમ મળી હતી. માતાના ખોળામાં બેસીને તેણે રામાયણ, મહાભારત અને બીજી અનેક પૌરાણિક કથાઓ સાંભળી હતી. એ રીતે પ્રથમ ધાર્મિક શિક્ષણના બીજ માતાએ જ રોપેલા. બંગાળના સુપ્રસિધ્ધ પંડિત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપોલિટન ઇન્સ્ટીટયુશન નામની શાળામાં નરેન્દ્રએ શિક્ષણ લીધું હતું. અને ત્યારબાદ પ્રેસિડન્સી કોલેજમાં જોડાયા હતા. તેમની અસાધારણ બુધ્ધિ પ્રતિભાથી શિક્ષકો અને સહાધ્યાથીયો આકર્ષાયા હતા તેમજ તેમનું ભરાવદાર, સ્નાયુબધ્ધ સુડોળ શરીર પ્રભાવશાળી ચહેરો અને વિશાળ આંખો જોઇને સૌ કોઇ એમના ઉપર મુગ્ધ બનતા. નરેન્દ્ર દૃઢ પણે માનતા કે ચારિત્ર્ય એ જ માનવ જીવનનો પાયો છે. બ્રહ્મચર્ય વિના આધ્યાત્મિક અનુભવ અશક્ય છે તેમ તેમને લાગતું. થોડો સમય તેઓ બ્રહ્મોસમાજના વાતાવરણમાં રહ્યા હતા.
સને ૧૮૮૧ માં નરેન્દ્રનાથ શ્રી રામકૃષ્ણ પરમહંસને પ્રથમવાર તેમના પાડોશમાં સુરેન્દ્રનાથ મિત્રને ત્યા મળ્યા હતા અને દક્ષિણેશ્વર આવવા કહ્યું હતું. આ પ્રસંગ પછી તેમણે ઘરમાં લગ્ન કરવાની અસંમતિ દર્શાવી હતી. એક દિવસ તેઓ દક્ષિણેશ્વર ગયા અને ત્યાં તેમના ગાયેલા ભજનો શ્રી રામકૃષ્ણ એ પ્રશંસા કરી હતી. એક મહિના બાદ ફરી તેઓ રામકૃષ્ણને ત્યાં પહોંચી ગયા હતા ત્યારે રામકૃષ્ણ તેમને નજીકના મદુમલ્લિકના બાગમાં લઇ ગયા થોડું ફરી ઘરે આવ્યા અને નરેન્દ્રને ધ્યાનમાં બેસાડયાં. નરેન્દ્રને સારું ધ્યાન લાગી ગયું. આ પ્રસંગ પછી શ્રી રામકૃષ્ણ અને નરેન્દ્રનાથ વચ્ચે પ્રેમનું આકર્ષણ વધવા લાગ્યું. શ્રી રામકૃષ્ણના ત્યાગ, પવિત્રતા, સતત ઇશ્વર ભક્તિથી નરેન્દ્રનાથ એમના પ્રત્યે આકર્ષાયા હતા.જ્યારે શ્રી રામકૃષ્ણ નરેન્દ્રનાથના નિડરતા, સ્વાશ્રયવૃત્તિ, સત્યનિષ્ઠા વગેરે ગુણોથી આકર્ષાયા હતા. હવે બંને ગુરુ શિષ્ય બની ગયા હતા. શ્રી રામકૃષ્ણ સ્વધામ પધાર્યા પછી બધાં શિષ્યોમાં વિવેકથી જુદા પડી આવતા નરેન્દ્ર વિવેકાનંદજી કહેવાયા. ગુરુભાઇઓ સાથે સન્યાસનો સંકલ્પ લઇને વરાહનગરમાં મઠ સ્થાપ્યો. કેટલાંક ગુરુભાઇઓ પરિવ્રાજક બન્યા. વિવેકાનંદજીએ વિચાયું હવે હું સંસારમાં મહાન કાર્યો કરીશ ગુરુજીના વિચારો વિશ્વમાં ફેલાવીશ. સ્વામી વિવેકાનંદે ઉત્તર ભારત, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કન્યાકુમારી વગેરે સ્થળે પર્યટન કર્યું. ગુજરાતમાં તેઓ વડોદરા, ખેડા, અમદાવાદ, લીંબડી, ભાવનગર, શિહોર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, ભૂજ, પાલીતાણા, પોરબંદર સહિતના સ્થળે ફર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદના તિર્થાટન દરમિયાન જૂનાગઢમાં દિવાનજી હરિદાસ વિહારીદાસે સ્વામીજીને પોતાના મહેમાન બનાવ્યા હતા. અહીં તેમણે ગિરનારની ગુફાઓ અને પવહારી બાબાએ જ્યાં તપશ્ચર્યાં કરી હતી તે સ્થાન જોયું હતું. સ્વામીજી પોરબંદરમાં સૌથી વધુ અગીયાર માસ રોકાયા હતા. અહીં તેમણે પતંજલીના યોગશાષાનો અભ્યાસ અને ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા. સ્વામી વિવેકાનંદજીએ તિર્થાટન દરમિયાન રાષ્ટ્ર જીવનને નજીકથી નિહાળ્યું હતું. દેશમાં વ્યાપેલા અજ્ઞાન, ગરીબાઇ અને હૃદય દુર્બળતાને દૂર કરવા સ્વામીજીનો આત્મા પોકારતા હતા અને ઇલાજ શોધી કાઢયો હતો. ત્યાગ અને સેવાના આદર્શથી જ ભારતવર્ષ જગદગુરુ તરીકે વિરાજતો હતો. એ ત્યાગ અને સેવાથી જ ભારતમાં નવજીવન પ્રગટ થશે. દુઃખી દેશ બાંધવોના દુઃખ નિવારણ કાજે તેમણે દેશભક્તિમાં સંન્યાસ જોયો અને સન્યાસમાં દેશભક્તિનું દર્શન કર્યું.
તારીખ ૩૧ મે ૧૮૯૩ના રોજ મુંબઇ ખાતેથી અમેરીકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપવા સ્ટીમર માર્ગે સ્વામીજી ગયા હતા. ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ બહેનો અને ભાઇઓ એવું સંબોધન કરીને વ્યાખ્યાન આપ્યું. તેમનુ વ્યાખ્યાન સર્વોત્તમ હતું અને સર્વસ્પશી સચ્ચાઇ અને તૃષ્ટિબિંદુની વિશાળતા તરી આવી હતી. તેથી સભા મુગ્ધ થઇ ગઇ હતી. અમેરીકાના ઘણાં શહેરોમાં સ્વામીજીના અનેક વ્યાખ્યાનો ગોઠવાતા અને લોકો એમના અદ્ભૂત વાકછટા, તેજસ્વી વ્યક્તિત્ત્વ અને વિરલ જ્ઞાન વૈભવથી અંજાઇ જતા. સ્વામીજીએ શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને યુરોપનો પણ પ્રવાસ કર્યો હતો. સને ૧૮૯૭ માં સ્વામી વિવેકાનંદજીએ તેમના શિષ્યો સાથે શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કોલકત્તામાં કરી ૧૮૯૮ ની તારીખ ૯ મી ડિસેમ્બરે શ્રી રામકૃષ્ણ મઠની અને ૧૮૯૯ બેલૂર મઠની સ્થાપના કરી. સને ૧૯૦૨ની તારીખ ૪ જુલાઇ એ સ્વામી વિવેકાનંદજીએ એક સાચા યોગીને શોભે એ રીતે તેમણે મહાપ્રયાણ કર્યું. તેઓશ્રીએ ૩૯ વર્ષ, પ માસ અને ૨૪ દિવસનું આયુષ્ય ભોગવ્યું હતું. શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સત્યો અને આદર્શો મુજબ તેમની સ્થાપેલ સંસ્થાઓ ભારતના તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિવિધ રીતે કાર્યો કરી રહી છે. વિવિધ કાર્યો માનવમાં રહેલા ઇશ્વરની પૂજા કરવાના ભાવથી કરે છે. માત્ર ૩૯ વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર સ્વામી વિવેકાનંદ યુવાઓ માટે હંમેશા પ્રેરણા બની રહ્યા છે. તેમના માનમાં ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો આવા મહાપુરુષને આપણે શત શત વંદન કરીએ…
સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી ઉદ્ગારો
♦ જે મનુષ્યને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.
♦ ભારતમાં ત્યાગ અને સેવાથી જ નવજીવન પ્રગટ થશે.
♦ ઉઠો.. જાગો અને ધ્યેય પ્રાપ્તી થાય ત્યાં સુધી કાર્યરત રહો.
♦ નિઃસ્વાર્થતા વધુ લાભદાયક છે પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.
♦ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે.
♦ ઇશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો..?? શું બધાં દિન દુઃખી અને દુર્બળ લોકો ઇશ્વરરૂપ નથી..?? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી..??