શબ્દની સાધના અને ચિંતનની આરાધના થકી સ્વરસિધ્ધિ પ્રાપ્ત કરીને લોકપ્રિયતાના ડુંગરા સર કરનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ ને વર્ષ ૨૦૧૩ ના દીપાવલીના પર્વ નિમિત્તે એક નાની એવી શુભેચ્છા મુલાકાત લેવાની ઉત્તમ તક મળી હતી.
શ્રી ભીખુદાનભાઈ ગઢવી વિષે આપણે આછેરો પરિચય મેળવીએ તો તેમનો જન્મ જૂનાગઢ જીલ્લાના કુતિયાણા તાલુકાના ખીજ્દળ ગામે તા.૧૯-૦૯-૧૯૪૮ ના રોજ થયો અને તેમનુ મૂળ વતન જૂનાગઢ જીલ્લાના કેશોદ પાસેનું માણેકવાડા ગામ છે અને તેઓએ અભ્યાસમાં ઓલ્ડ એસ. એસ. સી પાસ કરેલ છે. તેઓ ખેતી કરવાનું પણ જાણે છે અને સાથે સાથે રેડીયો – ટીવી તેમજ જાહેર પ્રોગ્રામો દ્રારા ગુજરાતી લોકોના હદયના તેમણે એક અનેરૂં સ્થાન મેળવ્યું છે.
ભીખુદાનભાઈના જાહેર પ્રોગ્રામોની આજ સુધી ૪૫૦ જેટલી ઓડિયો સીડી તથા ગુજરાતી લોકસાહિત્યની તથા ગ્રામ્ય સંસ્કારનું જતન કરતી ઘણી વિડીયો કેસેટો પણ બહાર પાડેલ છે અને ભીખુદાનભાઈએ દુબઇ, અબુઘાબી, શારજહા, બહેરીન, મસ્કત, સિંગાપુર, લંડન, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઈન્ડોનેશીયા, મોરેશીયસ સહિતના ઘણા દેશોમાં તથા ભારતભરમાં મુંબઈ, દીલ્હી, કલકતા, ચેન્નઈ અને બેંગ્લોર જેવા મહાનગરોમાં પણ પોતાના કાર્યક્રમો દ્વારા લોકપ્રીયતા મેળવી છે.
ભીખુદાનભાઈ એ સમાજ અને રાષ્ટ્ર માટે પણ ઘણા નિ:શુલ્ક કાર્યક્રમો કર્યા છે. વૈભવથી ઝગમગતા અમેરિકા જેવા દેશો સુધી પોતાની ૪૩ વર્ષની સફરમાં દસેક હજાર જેટલા કાર્યક્રમો દ્ધારા ગુજરાતી લોક સાહિત્યની સુવાસ ભીખુદાનભાઈએ ફેલાવી છે. ભીખુદાનભાઈને લોકસાહિત્યની આ શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતીના હસ્તે વર્ષ – ૨૦૧૦માં સંગીત નાટક અકાદમી એવોર્ડ થી સન્માનીત પણ કરેલ છે. આ સિવાય ભારત સરકાર – ગુજરાત અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્ધારા પણ તેમને માન સન્માન અને એવોર્ડ મળેલા છે. ભીખુદાનભાઈ નિરાંતના સમયમાં પોતાના ફાર્મહાઉસ ભરતવન ખાતે સમય પસાર કરે છે. સવાર સાંજે નિયમિત પુજા કરે છે અને વાંચન પણ કરે છે. આટલી મોટી વ્યક્તિ હોવા છતાં પણ તેઓ ખુબ જ સરળ અને નિખાલસ છે.
તેઓએ અમારી તથા અમારા મિડિયા પરીવાર ના સભ્યો સાથે ખુબજ સરળતાથી ઘણી બધી વાતો કરી હતી અને સારું વાંચીને, સારું સંભાળીને, સારા લોકોનો સંગ કરીને સમાજ કઈક સારું આપવું જોઈએ. જો કે આમ કરવાથી તેની સારી અસરો મોડી જરૂર થશે પણ ઈશ્વર દરેક માણસની તેની સાચી મહેનત અને નિષ્ઠાનો બદલો જરૂર આપે છે તેવું જણાવેલ હતું તથા મીડિયા ક્ષેત્રની આ કામગીરીમાં પણ સાચી જવાબદારી નિભાવવી લોકોને સાચા અને સારા સમાચારો આપી સમાજ અને દેશ માટે નિષ્ઠાથી કામ કરવાની શીખ પણ આપી હતી અને અમારા મિડિયા પરીવાર ના તમામ સભ્યને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.
શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથેની શુભેચ્છા મુલાકાતમાં અતુલભાઈ ચોટાઈની સાથે રાજકોટના ફોટોગ્રાફર શ્રી વિપુલભાઇ પડાળીયા અને શિક્ષણક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવનાર શિક્ષણ વિભાગના વહીવટી કર્મચારી શ્રી બ્રીજેનભાઈ પાંઊ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો પત્ર વ્યવહારથી નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.
શ્રી ભીખુદાનભાઈ ગઢવી, બી – ૪૪, રાધાકૃષ્ણ નગર,
મોતીબાગ પાસે, જૂનાગઢ – ૩૬૨ ૦૦૧