ATUL N. CHOTAI

a Writer


આપણું ઇન્ડિયન એરફોર્સ મુસીબતોના સમયે નાગરિકોના જીવ બચાવવાનું કાર્ય હમેશા જારી રાખે છે

Indian Air Force

Indian Air Force

જમીન પરની બચાવ ટીમ માટે પહોંચવું અશક્ય હોય તેવા સ્થળોએ ઇન્ડિયન એરફોર્સ નાગરિકોના જીવ બચાવવાનું કાર્ય હમેશા જારી રાખતું હોય છે. હવાઈ બચાવ માટેની રાજ્ય સત્તાવાળાઓની વિનંતી ઉપર ભારતીય હવાઈ દળ હમેશા પોતાની કામગીરી આરંભી ચાલુ કરી દે છે. ઇન્ડિયન એરફોર્સના જામનગર સ્થિત હેલિકોપ્ટર એકમનું 01 MI-17V5 એટલે કે સ્ટેલિયન્સ તરીકે જાણીતું હેલિકોપ્ટર આ કામગીરી માટે જાણીતું છે. વિંગ કમાન્ડરની આગેવાની હેઠળ આ હેલિકોપ્ટર સહીત આપણા જાંબાઝ જવાનો પૂરનો પ્રવાહ ખતરનાક હોય કે કોઈપણ અશક્ય પરિસ્થીતી વચ્ચે પણ પોતાના જીવના જોખમે લોકોને બચાવવાની કામગીરી હંમેશા કરતા રહેતા હોય છે. એરફોર્સના એરક્રાફ્ટ અને ક્રૂના સદસ્યો બચાવ અને રાહત માટેની કોઈપણ વિનંતીને પહોંચી વળવા માટે તેઓ હંમેશા સજ્જ હોય છે. તો ચાલો આપણા જવાનોની કામગીરીને આપણે દિલથી સલામ કરીને બિરદાવીએ અને જરૂર પડ્યે આપણે પણ આવા કોઈપણ દેશસેવાના કામમાં સહભાગી બનવા પણ પ્રયત્ન કરીએ..

Advertisements


જામનગર નો પીરોટન ટાપુ એશિયાનું એક માત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉઘાન કહેવાય છે

Pirotan Island - Jamnagar

Pirotan Island – Jamnagar

પીરોટન બેટ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના સૌરાષ્ટ્રમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉઘાન માં આવેલ એક પરવાળા ટાપુનું નામ છે. પરવાળા ટાપુ આસપાસની અદ્ભુત દરીયાઈ સૃષ્ટી ઉપરાંત અહીયા તમ્મર (અંગ્રેજીઃ મેન્ગ્રોવ) ના જંગલ છે તથા ટાપુ પર એક દીવાદાંડી પણ આવેલી છે. અહીના ૪૨ ટાપુઓમાં થી માત્ર પીરોટન ટાપુ અને નરારા ટાપુ પર જ લોકોને પ્રવેશવા અને ફરવા દેવામાં આવે છે. પીરોટન ટાપુ પર સરળતાથી પહોંચી શકાતું હોવાથી તે વધુ લોકપ્રિય છે. જયારે નરારા ટાપુ પર માળખાકીય સવલતોનો અભાવ છે અને ભરતી વધારે હોય તેવા અમુક સમયે જ ત્યાં જઈ શકાય છે. પીરોટન ટાપુની દીવાદાંડી ખાતે કામ કરતા કામદારોને બાદ કરતા આ ટાપુઓ નિર્જન છે તો તમારી આસપાસના વિશાળ વિશ્વમાં ખોવાઇ જવાની તકને ઝડપી લઈને થોડી જાણકારી મેળવીને તમે પણ ઓછી ભરતીના પાણીમાં હરતાં ફરતાં, પાણી ઓછું થવાને કારણે જોઇ શકાતાં આકર્ષક સામૂદ્રિક જીવનને માણતા કલાકો ગાળી શકો છો. જો કે જેલીફીશ જેવા કેટલાક જીવોથી દૂર રહેવુ હિતાવહ છે. ઉઘાન અધિકારીઓને પૂછીને એ ખાતરી કરી લો કે બીજા કયા જીવો પ્રતિબંધિત છે પણ નુકશાનકારી ન હોય તેવા જીવોના સ્પર્થનો લ્હાવો લેવાનું ચૂકશો નહીં..

દરિયાને તીરે એક બાંધી’તી ઓટલી જેવા ગીતોના સથવારે દરિયાકાંઠાની મજા માણનારા લોકોને ખ્યાલ હશે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપરાંત નરારા, પીરોટન અને પોશીત્રા ટાપુની મુલાકાત શિયાળાના સમયમાં કેવી રોમાંચકારી હોય છે..? અલબત અત્યારે જામનગર નજીકનો પિરોટન ટાપુ કોરલ ટ્રેલ દ્વારા દરિયામાં પુલ બનાવી પરવાળાનું રક્ષણ કરવાનો પ્રોજેકટને લઈને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. આંદામાન, નિકોબારથી દરિયાઈ જીવને અહિયા ટ્રાન્સપ્લાન્ટ કરાશે દર વર્ષે શિયાળાના સમયમાં ૧૬૨ ચોરસ કિ.મી.માં પથરાયેલા મરીન નેશનલ પાર્કના હજારો લોકો મુલાકાત લ્યે છે. આ મરીન નેશનલ પાર્કની સાથે જોડાયેલા દરિયાઈ જીવસૃષ્ટીના નેશનલ અભ્યારણયમાં મોટા પ્રમાણમાં સમુદ્ર તારા, સમુદ્ર ફુલ, ઢોંગી માછલી, પરવાળા, એક્રોપોરા, સ્ટારફીશ વિગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે. દરિયાકાંઠા પર સર્જાતી ભરતી અને ઓટ દરમિયાન અહી જે દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે તે નિહાળવા માટે સંખ્યાબંધ પ્રવાસીઓ અત્યારે ઉમટી પડે છે પરંતુ પરવાળાના રક્ષણ માટે અત્યારે પીરોટન ટાપુ બંધ કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ સુધી આ ટાપુ ઉપરની દરિયાઈ જીવ સૃષ્ટિને ડીસ્ટર્બ નહી કરવાના હેતુથી પિરોટન ટાપુ ઉપર જઈ શકાતુ નથી પિરોટન અને પોશિત્રાના ટાપુ પર પથરાયેલી જીવસૃષ્ટિ નિહાળી ને પ્રવાસીઓ રોમાંચિત થઈ જાય છે.

દેશના એકમાત્ર મરીન નેશનલ પાર્કના વિકાસ માટે કોરલ ટ્રેલ બનાવવાનું આયોજન ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. જો આ ટ્રેલ બનાવવામાં આવશે તો જમીનથી ઉંચી ટ્રેલ ઉપરથી પ્રવાસીઓ પસાર થઈ શકશે. કોરલને નુકશાન નહી થાય એ જ રીતે અહી ડેડ ફિંગર કોરલનું પ્રમાણ વધી ગયું હોવાથી આંદામાન અને નિકોબાર ટાપુ ઉપરથી એક્રોપોશ નામના દરિયાઈ જીવને અહી લાવી ઉછેરવાનો પ્રોજેકટ પણ હાથ ધરવામાં આવ્યો છે. વધુમાં દરિયાઈ જીવોની સુરક્ષા માટે અહીના દરિયાકાંઠાના ૫૮ ગામોમાં કેટલાક જાગૃતિલક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવે છે તેથી મરીન નેશનલ પાર્કની દરિયાઈ જીવસૃષ્ટિનું જતન થઈ શકયું છે. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર અત્યારે સૌથી વધુ સમૃધ્ધ દરિયાઈ જીવસૃષ્ટિ મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં સચવાયેલી છે ત્યારે તેનું પ્રાકૃતિક ઢબે રક્ષણ કરવામાં લોક ભાગીદારી ઉમેરવી જરૃરી છે. પીરોટન ટાપુ અંગે વધુ માહિતી માટે ગુજરાત ટુરીઝમ ના ફોન નંબર ૦૭૯- ૨૩૯૭૭૨૦૦ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૦૦ ૫૦૮૦ ઉપર સંપર્ક કરી શકાય છે  


એશિયાનું એકમાત્ર સોલેરિયમ જામનગરમાં છે

Solarium in Jamnagar

Solarium in Jamnagar

જામનગર: પોણા પાંચસો વર્ષ જૂના હાલાર પ્રદેશના નવાનગર સ્ટેટ હવે જામનગરમાં રાજાશાહી વખતના અનેક સ્ટ્રક્ચર અચંબામાં મૂકી દે તેવા છે આવા રાજાશાહી વખતના સ્ટ્રક્ચર માનું એક સ્ટ્રક્ચર એટલે સમગ્ર એશિયામાં કાર્યરત એવું એકમાત્ર જામનગરનું રાજાશાહી વખતમાં ઇ.સ.1933માં બંધાયેલું સોલેરિયમ લગભગ 100 વર્ષ પુરાણું અને હાલ ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરે છે અને અહિયા હજારો લોકોએ સૂર્યકિરણથી સારવાર મેળવી છે. હાલ બંધ રહેલા આ સોલેરિયમને જે એશિયામાં એકમાત્ર છે તેનો મૂળ ઢાંચો યથાવત્ રાખી તેને રિનોવેટ કરી લોકોને જોવા માટે ખુલ્લું મૂકવા કોર્પોરેશનના રૂ.48 કરોડના પ્રોજેક્ટમાં રૂ.10 કરોડનો ખર્ચ સમાવેશ કરીને હેરિટેજ જાળવણી કરાશે. એટલે અંગ્રેજોના શાસન દરમિયાન આઝાદી પહેલા જામનગરનું આ સોલેરિયમ બનાવવામાં આવ્યું હતું. સોલેરિયમની ઊંચાઇ 40 ફૂટ છે. પ્લેટફોર્મ ઉપર જે 10 સોલેરિયમ કેબિન બાંધવામાં આવી છે તે જમીનથી ત્રીસ ફૂટ ઊંચા ટાવર પર ગોઠવવામાં આવી છે. સોલેરિયમનું પ્લેટફોર્મ 114 ફૂટ લાંબું છે જેના પર ટ્રીટમેન્ટ માટે બાંધવામાં આવેલી 13 x 9ની 10 કેબિનને સૂર્યની દિશા પ્રમાણે ફેરવી શકાય છે. સૂર્ય જેમ આકાશમાં ફરે છે તે પ્રમાણે 10 -15 મિનિટો ગોઠવવામાં આવે છે અને તેના માટે નિરીક્ષણ રૂમમાં નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય છે. આમ કુદરતી કિરણોની મદદથી હજારો લોકોએ જેતે સમયે સારવાર મેળવી હતી. રાજાશાહીના વખતમાં બંધાયેલું આ સોલેરિયમ એશિયાનું એકમાત્ર સોલેરિયમ છે જે જામનગરની જનતા માટે તેમજ સમગ્ર ભારત માટે એક ગૌરવની વાત છે જુદા – જુદા દેશના મુલાકાતીઓને ઐતિહાસિક હિતને કારણે સારવારના હેતુ સિવાય પણ મુલાકાતીઓને આકર્ષે છે.


કાવડ લઇને ભિક્ષા માગી ભૂખ્યાની જઠરાગ્નિ ઠારવાનો અનોખો સેવાયજ્ઞ

Srivan Social Activity in Jamnagar

Srivan Social Activity in Jamnagar

જામનગર : આજના કળિયુગમાં દાન – ધર્માદાનું મહત્ત્વ ઓછું થઇ ગયું છે, પરંતુ છેલ્લા 50 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે ઘરે-ઘરે જઇ કાવડમાં ભિક્ષા માગી એકઠું થયેલું ધાન ગરીબ લોકોને આપીને તેમની ભૂખ સંતોષવાનું કામ વૃધ્ધ દ્વારા અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે. ગુજરાત બહારથી આવી વસેલા વૃધ્ધે આજથી 50 વર્ષ પહેલાં જામનગરમાં ઘરે-ઘરે જઇ ઝોળી માગવાનું કાર્ય શરૂ કર્યું હતું અને આ ઝોળીમાં એકઠું થયેલું ધાન ભીડભંજન પાસે ગરીબ લોકોને આપી તેમની ભૂખ સંતોષે છે. મધ્યપ્રદેશથી ગુજરાતના જામનગરમાં 50 વર્ષ પહેલાં આવી વસેલા શ્રીવાન નામના યુવાને ગરીબોની ભૂખ સંતોષવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેની પાસે ન હતી એટલી સંપત્તિ કે ન હતા એટલા રૂપિયા, છતાં પણ તેણે કરેલા દૃઢ નિશ્ચયને પૂરો કરવા માટે તેણે શ્રવણની જેમ રામ લખેલા કાવડ લઇ ઘરે-ઘરે ભિક્ષા માગવાનું કાર્ય શરૂ કર્યું હતું. જામનગરના મધ્યમવર્ગના લોકોએ આ યુવાનના આ કાર્યને આદર આપી દરરોજ તેને ભિક્ષામાં ઘરમાં બનાવેલા રોટલી, શાક, મિષ્ટાન આપવાનું શરૂ કર્યું હતું અને શ્રીવાન ભિક્ષામાં મળેલું આ ધાન ભીડભંજન મંદિર પાસે બેસેલા ગરીબ લોકોને આપી તેમની ભૂખ સંતોષતા હતા. જે કાર્યને આજે લગભગ 50 વર્ષ પૂર્ણ થયા છતાં પણ શ્રીવાન દ્વારા આ કાર્યને અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે. બહારથી આવી વસેલા 24 વર્ષીય યુવાનના આ સંકલ્પના કારણે 50 વર્ષ બાદ પણ રોજના 200થી વધુ લોકોને જમવાનું પ્રાપ્ત થાય છે અને તેમના અંતરના આશીર્વાદ શ્રીવાનને મળે  છે. જેના લીધે સવારે 11 થી લઇ બપોરના 2 વાગ્યા સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભિક્ષા માગે છે અને નિ:સ્વાર્થ ભાવે આ લોકોને જમાડે છે. મધ્યપ્રદેશના શ્રીવાને આજથી 50 વર્ષ પહેલા બનાવેલા વાંસની સળીના એ જ કાવડમાં આજ સુધી તે ભિક્ષા માગે છે.


જામનગરનો આ પોપટ ચા પીવાનો શોખીન છે

Parrot Drinking Tea in Jamnagar

Parrot Drinking Tea in Jamnagar

જામનગર : ગત લોકસભાની ચુંટણીમાં ‘‘ચા” ચર્ચાનો વીષય બની હતી વડાપ્રધાન તેમના બાળપણના સમયમાં રેલ્‍વે સ્‍ટેસન પર ચા વેચતા હતા તે વાત ખુદ નરેન્‍દ્રભાઇ મોદીએ જાહેરમાં કહેતાં તેમના વિરોધી પણ સ્‍તબ્‍ધ બની ગયા હતા ચુંટણી સમયે શરૂ થયેલ ચા ની ચર્ચા છેક ઓબામાની ભારત યાત્રા સુધી ચાલી માનવીમાં ચા નું વ્‍યસન કે ચા ની  ટેવ તો ખુબ સાંભળવા મળી હશે પણ.. જામનગર માં એક પોપટ પણ ચા નો જબરો શોખીન છે જામનગરના ગાંધીનગર વિસ્‍તારમાં રહેતા પક્ષી પ્રેમી ફિરોજખાન પઠાણ ને આજથી પાંચ વર્ષ પૂર્વે ઘાયલ અવસ્‍થામાં એક પોપટનું બચુ મળી આવ્‍યું હતું જેને ફિરોજભાઇ સારવાર કરવાના અર્થે તેમના ઘેર લઇ આવ્‍યા હતા સારવાર દરમિયાન પોપટ ઘરના સદસ્‍યો સાથે એટલી હદે તો હળીમળી ગયો કે ફિરોજભાઇનું ઘર જ હવે પોપટનું ઘર બની ગયું છે  ઘર ના સદસ્‍યો જયારે ચા પીવે ત્યાંરે પોપટ પણ ચા પીવા માંડે છે.. અને ચા તો પોપટને એટલી હદે ભાવે છે કે ચા ની રકાબી પોતાની તરફ ખેચી  જાતે ચા પીવા લાગે છે ફિરોજભાઇ અને તેમના પાડોસીઓ એ આ પોપટનું નામ પણ ચા નો રસિયો પોપટ પાડી દીધું છે (ફોટો સ્‍ટોરી : જગત રાવલ)


સરકારી શાળામાં જ બાળકોને ભણાવવા ગ્રામજનોની પ્રતિજ્ઞા

Government School

Government School

ભાણવડ : સારૃં શિક્ષણ તો ખાનગી શાળામાં જ મળે એવી વાલીઓની મનોવૃતિનો છેદ ઉડાવવા સરકારી શાળાનાં આચાર્ય સહિતનાં શિક્ષકોએ ગણતરી માંડીને એક અલાયદી ઝુંબેશ ઉપાડી છે  જેમાં સહભાગી થઇને ગ્રામજનોએ પણ હવે સરકારી શાળામાં જ બાળકોને ભણાવવાની પ્રતિજ્ઞા લીધી છે. આ વાત છે જામનગર જીલ્લાના ભાણવડ તાલુકાનાં નાનકડા  એવા વાનાવડ ગામની.  ભાણવડથી ૧૪ કિ.મી.નાં અંતરે આવેલા વાનાવડ ગામમાં અંદાજે ૨૨૦૦ લોકોની વસ્તી છે. આ ગામ પ્રમાણમાં સુખી – સમૃધ્ધ છે. એકમાત્ર કૂવા ઉપર આધાર હોવાથી પાણીની થોડી તકલીફ છે. શિક્ષણની બાબતાં આ  ગામ પ્રેરણારૃપ બનવા લાગ્યું છે એમાં સરકારી શાળાનાં શિક્ષકોની ફરજનિષ્ઠાનો સિંહફાળો છે અહીં ધો.૧ થી ૮ સુધીનું શિક્ષણ મળી રહે છે. વાનાવડની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોતર ઘટવા લાગી ગત વર્ષે ૧૪૩ વિદ્યાર્થીઓ હતા, જે ચાલુ વર્ષે ઘટીને ૧૩૨ થઇ જતાં આચાર્ય સહિતનાં ચાર શિક્ષકોએ ફૂરસદનો સમય વાતોમાં વેડફવાને બદલે ચર્ચા – વિચારણા કરીને નવતર ઝુંબેશનો પાયો નાખ્યો જેમાં ગ્રામ પંચાયતનાં સદસ્યો અને આગેવાનોને પણ સામેલ કર્યા સતત એક સપ્તાહ સુધી શિક્ષકોએ ગામમાં ઘરે ઘરે ફરીને બાળકો સરકારીને બદલે ખાનગી શાળામાં કેમ જાય છે…?  તેનો સર્વે કર્યો અને રિપોર્ટ બનાવ્યો આચાર્ય દિપકભાઇ નકમુનું કહેવા મુજબ સરકારી શાળામાં પણ ખાનગી સ્કૂલ કરતા સારૃં શિક્ષણ મળે અને બધી સુવિધાઓ પણ છે  એવું વાલીઓને સમજાવવા માટે શિક્ષકોએ ખાસ રાત્રિનો સમય પસંદ કર્યો અને બધા ગ્રામજનોને અનુકૂળ રહે એવા સમયે એક વાલી સંમેલન ગોઠવ્યું જેના માટે શિક્ષકો અને ગ્રામ પંચાયતનાં સદસ્યોએ આમંત્રણ પત્રિકા પણ છપાવી અને દરેક ગ્રામજનને રૃબરૃ જઇને આપી પરિણામે ગત ૨૩ મી માર્ચે રાત્રે સાડાઆઠ વાગ્યે વાલી સંમેલન ચાલુ થયું ત્યારે બધા જ લોકો ઉમટી પડતા જાણે ગ્રામસભા ભરાઇ હોય એવો મેળાવડો જામ્યો વાલી સંમેલનનું સંચાલન શિક્ષકો કે આગેવાનોને બદલે શાળાનાં બાળકોએ જ કર્યું અને સરકારી શાળામાં અદ્યતન પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, અનુભવી શિક્ષક સ્ટાફ, રમત – ગમતનાં સાધનો, વિશાળ લાયબ્રેરી, એમ્ફ્રી થિયેટર, આરોગ્ય ચકાસણીની સવલત, યોગ શિક્ષણ, મધ્યાહન ભોજન અને શિષ્યવૃત્તિના લાભ ધો.૧  થી અંગ્રેજીનો આરંભ, ઠંડુ – શુધ્ધ પીવાનું પાણી, શૌચાલયની વ્યવસ્થા, પ્રોજેકટર અને સાઉન્ડ સિસ્ટમથી શિક્ષણ અને પ્રાકૃતિક વાતાવરણ સહિતની સુવિધાઓનું સુદંર પ્રસ્તુતિકરણ કર્યું. એટલું જ નહીં ગ્રામજનોને ‘શાળા વિહાર’ કરાવીને બધી સુવિધાઓ બતાવી હતી. પરિણામે ત્રણ કલાકનાં કાર્યક્રમને જબ્બર પ્રતિસાદ મળ્યો અને એકસાથે તમામ ગ્રામજનોએ ઉભા થઇને હવે સરકારી શાળામાં જ બાળકોને ભણાવવાનો સંકલ્પ લીધો હતો આ સાથે ગામને સ્વચ્છ રાખવાની પણ પ્રતિજ્ઞા લેવાઇ હતી સરકારી શાળામાં દાખલ થતાં વિદ્યાર્થીઓમાં ઘટાડો અને શાળા છોડીને જતા રહેતાં વિદ્યાર્થીઓ ના ઊંચા દર માટે શાળામાં અપૂરતી માળખાગત સુવિધા, સગવડ અને શિક્ષકોની ઘટને મુખ્ય જવાબદાર ગણવામાં આવે છે તેમ જણાવીને સીઆરસી કો-ઓર્ડિનેટર ગોવિંદભાઇ રાઠોડ કહે છે કે સરકારી શાળામાં  વિદ્યાર્થીઓ ની સંખ્યા ઘટે તો સરકાર દ્વારા શિક્ષકો ઘટાડી દેવાય છે અને લાયબ્રેરી જેવી સુવિધા પણ છીનવાઇ જવાની શક્યતા રહે છે. વાનાવડની સરકારી પ્રાથમિક શાળામાં ઘણી સુવિધાઓ છે અને કેટલીક સુવિધાઓ માટે દાતાઓ પણ ખુબ મદદરૃપ  બન્યા છે વાનાવડ ગામ માટે સંપૂર્ણ સહયોગ આપવા દાતાઓ હંમેશા તૈયાર જ રહે છે.


જામનગરની એક અનોખી લાઈબ્રેરી જે વિનામૂલ્યે અદભૂત વાંચન સામગ્રી પીરસે છે

જામનગરમાં એક આશ્રમ દ્વારા વાંચન ભૂખ સંતોષવા અનોખા પ્રકારની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત મિત્ર સર્કલ તેમજ બજારમાં પસ્તીમાં મળતા જર્જરિત પુસ્તકો મેળવી તેમનો જીર્ણોધ્ધાર કરી આશ્રમમાં સાર્વજનિક લાયબ્રેરી ઉભી કરવામાં આવી રહી છે. જામનગરના રણછોડદાસ આશ્રમમાં ચાલી રહેલું બુક બાઈન્ડીંગનું કામ જ્ઞાન વાંછુકો માટે એક અમુલ્ય ખજાનો બનશે. કયાંકથી ૧૦૦ વર્ષ જુનું રામાયણનું પુસ્તક તો કયાંકથી કલાપીની કવિતા અને બાળસાહિત્યના પુસ્તકો અહીં વિવિધ જગ્યાએથી એકઠાં કરવામાં આવ્યા છે. આવી રીતે મળીને આજે અહીં 2500 જેટલા પુસ્તકો એકઠા થયા છે અને તેનાંથી એક સુંદર મજાની લાયબ્રેરી બની છે.  આ લાઈબ્રેરીને જૂના પુસ્તકોને રીપેર કરીને સમુદ્ધ બનાવાઈ છે લોકો પુસ્તક વાંચતાં થાય તેવા વિચારથી આ પુસ્તક આશ્રમની શરૂઆત કરવામાં આવી હતી લાયબ્રેરીમાં તમામ પુસ્તકોના ધાર્મિક વિભાગ, સાહિત્ય વિભાગ, શૈક્ષણિક વિભાગ, બાળ વિભાગ, યોગ પ્રવાસ એમ અલગ – અલગ વિભાગ પાડવામાં આવ્યા છે.જેથી પુસ્તકો શોધવામાં સરળતા રહે છે. આ પુસ્તકોના વાંચન માટે દરરોજ સાંજે મહિલાઓ, વૃધ્ધો,અને બાળકો આવે છે. અને હા… આ લાયબ્રેરીમાં કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી.


જામનગર ના આ સદ્દગૃસ્થ છેલ્લા ચાર દાયકાથી અબોલ પશુ-પંખી માટે આ રીતે પાણી પૂરું પાડે છે.

Rasikbhai Ramavat social worker in Jamnagar

Rasikbhai Ramavat social worker in Jamnagar

જામનગરમાં છેલ્લા ચાર દાયકાથી નગરના એક સદગૃહસ્થ પીવાના પાણીની કુડી અને કુંડાઓ દરરોજ ભરીને મુક સેવકની જેમ અબોલ પશુ-પંખીઓના કોઠાને ટાઢક પહોચાડવાની મુકસેવા કરીને અનેરો રાહ ચીંધે છે તેઓ પ્લાસ્ટીકના કેરબા પાણીથી ભરી દરરોજ રેકડીમાં લઇ જઇ કુંડી-કુંડા ભરી અબોલ જીવની મૂક સેવા કરી રહ્યા છે. છેલ્લાં ચાર દાયકાથી આ મૂકસેવા કરતા રસિકલાલ રામાવતની સેવા-પ્રવૃત્તિની શહેરના અનેક જીવદયાપ્રેમીઓ સરાહના કરી રહ્યા છે. જીવન માટે હવા પછીની બીજી અતિ આવશ્યક જરૂરીયાત પાણીની છે, શ્વાસ માટે હવાનો વ્યાપક છે પરંતુ પાણી તો મેળવવુ પડે તેમાંય માણસો તો પાણી માંગીને, ભરીને કે સંગ્રહ કરી રાખીને મેળવી છે છે પરંતુ અબોલ પશુ, પંખીઓને પાણીની જરૂરીયાત હોય અને તેમાંય ધોમ ધખતા તાપમાં પાણી માટે ટળવળતા હોય તો દરેક સ્થળે તેમના માટે સુવિધા કેવી રીતે ઉપલબ્ધ બને, હા, કયારેક કયારેક ઢોર માટે કુંડી, અવેડા, પક્ષીઓ માટે પાણીના કુંડા સહિત જાહેર સ્થળોએ વ્યવસ્થા હોય છે. પરંતુ તેમાં નિયમીત પાણી ભરાય છે કેમ? તે પ્રશ્ન છે ત્યારે નગરના સદગૃહસ્થ જેઓ છેલ્લા પાંચ દાયકાથી દ્વારકાથી આવી જામનગર સ્થાયી થયા છે અને છેલ્લા ચાર દાયકાથી શહેરના તમામ અવેડા, કુંડીને પાણીથી ભરવાની દરરોજ અવિરત સેવા કરનાર રસીકલાલ રામાવત (બાવાજી) ખરા અર્થમાં મુકસેવક બની રહ્યા છે જામનગરમાં પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં વધુમાં વધુ કુંડી, અવેડા, કુંડાઓ પાણીથી ભરવા તેઓ પોતાના નળ કે જાહેર નળમાંથી પાણીના નાના-મોટા કેરબા ભરી રેકડીમાં લઇ જઇને બધે જ પહોચીને તે પાણીથી ભરે છે આ માટે તેમણે કદી દાન પણ સ્વીકાર્યુ નથી શહેરના ગાંધીનગરના હાઉસીંગ બોર્ડમાં રહેતા આ સદગૃહસ્થના પરિવારમાં તેમના પુત્ર-પુત્રવધુ છે તેમના પુત્ર બ્રાસપાર્ટમાં મિસ્ત્રી તરીકે કામ કરે છે. રસીકલાલ પોતે તો આ સેવામાં રત રહે છે અને અબોલ પશુ-પંખીઓના કોઠે ટાઢક પહોચાડે છે જે સરાહનીય સેવા છે. રસિકલાલ રામાવત જૈફ વયે પણ જરા પણ થાકયા વગર વહેલી સવારે ધેરથી નીકળી પડે છે.  હાથલારી ચલાવીને તેઓ જુદા-જુદા વિસ્તારોમાં ફરે છે અને અબોલ જીવની તરસ છીપાવવા શહેરના તમામ અવેડાં, કૂંડીઓ અને કૂંડાઓ ભરી લે છે. આ સેવાપ્રવૃત્તિ માટે તેઓએ કયારેય કોઇ પાસેથી ફંડ-ફાળાની અપે ાા રાખી નથી પરંતુ, અનેક જીવદયાપ્રેમીઓ તેઓને સામેથી મદદ કરી રાા છે. ચાર દાયકાથી ચાલતી આ સેવા-પ્રવૃત્તિ શરીર સાથ આપે ત્યાં સુધી ચાલુ રાખવાની તેઓની ઇરછા છે.


ભારતીય સિનેમાનાં ૧૦૦ વર્ષની માહિતી દર્શાવતો અનોખો આંબો

Dipak Ravjibhai Visavadiya

Dipakbhai Ravjibhai Visavadiya

પોરબંદરના સીમર ગામની હાઈસ્કુલમાં ફરજ બજાવતા અને ભાણવડનાં રણજીતપરામાં પ્રકાશનગર ખાતે રહેતા દિપક રવજીભાઈ વિસાવાડીયાએ ભારતીય સીનેમાની ૧૦૦ વર્ષની માહિતી આપતો આંબો તૈયાર કર્યો છે. ૧૧ બાય ૨૩ ફૂટના આ આંબામાં ૭૫૫ જેટલી ફિલ્મો તથા કલાકારો સાથે સંકળાયેલી બાબતોનો સમાવેશ કરાયો છે. આ આંબો ૧૪ માસમાં તૈયાર કરાયો છે. ઈ.સ. ૧૯૧૩માં દાદાસાહેબ ફાળકેએ ભારતની પ્રથમ મુંગી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી નવા યુગની શરૃઆત કરી હતી. ત્યાર પછીના ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં પગથિયાઓ આ આંબામાં રજૂ કરવામાં આવ્યા છે. છેલ્લે રામલીલા ફિલ્મ સુધીની વાતો આવરી લેવામાં આવી છે. ભારતીય સિનેમામાં મહત્વનું યોગદાન આપનાર અભિનેતા, અભિનેત્રી, નિર્માતા- દિગ્દર્શક, સંગીતકાર વિગેરેના ફોટોગ્રાફસ પણ મુકવામાં આવ્યા છે. આંબામાં દર્શાવાયેલી તમામ માહિતી માટે વર્તમાન પત્રો અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ માહિતી હિન્દી, અંગ્રેજી ભાષામાં લખવામાં આવી છે. દિપક વિસવાડીયાએ વેદમૂર્તિ બ્રહ્માજીની સૃષ્ટિ પણ ૭ બાય ૧૩ ફૂટનાં આંબા સ્વરૃપે રજૂ કરી છે. તેમણે અત્યાર સુધીમાં અનેક વંસવૃક્ષો બનાવ્યા છે. અમિતાભ બચ્ચન, જમશેદજી ટાટાના આંબા બનાવવાની કામગીરી શરૃ કરી છે.


આપણાં ગુજરાતના ખૂણે ખૂણે છે એક ગોવા.!!

અહીંયા પગ મુકતાં જ તમને જોવા મળશે રમણીય નજારા

વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે પરિવારજનો બાળકો સાથે દેશના સુંદર સ્થળોની મુલાકાત માટેની યોજના બનાવતા હોય છે. જેમાં સૌથી વધારે લોકો ગરમીની સિઝનમાં ગોવા જેવા બીચ પર જવાની યોજના બનાવે છે. ત્યારે ગુજરાતમાં પણ એવા ઘણા બીચ આવ્યા છે કે જ્યાં ગોવા જેટલી અત્યાધુનિક સુવિધાઓ નથી છતાં પણ પરિવાર સાથે દરિયાની સૌંદર્યતાને માણવાની યોજના બનાવી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારને બીચ ટૂરિઝમ તરીકે વિકસાવવાની યોજના છે. સરકાર દ્વારા જે વિસ્તારને વિકસાવવા માટે યોજના હાથ ધરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, કચ્છના સ્થળોને વિકસાવવામાં આવનાર છે. ત્યારે અહિંયા ગુજરાતમાં આવેલા કેટલાક સુંદર બીચ અંગે માહિતી આપવામાં આવી છે. જ્યાં પરિવાર સાથે વેકેશન ગાળી શકાય છે.

1- પિંગ્લેશ્વર, કચ્છ :

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર બીચ્સમાનું એક છે. તે કચ્છથી 100 કીમી. દુર આવેલું છે. વિકાસની દ્રષ્ટિએ પણ તે એક યોગ્ય સ્થળ છે. કચ્છનું હબ ગણાતા પિંગ્લેશ્વરમાં લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની ફેસેલિટી જેમ કે, ડ્રિન્ક્સ, સર્ફ, સનબાથ વેગેરે ઉભુ કરવાની યોજના છે. બીચનો આંનદ માણવા આવેલા લોકોને કોઇ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે ત્યાં મોટેલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, કાફેટેરિયાઝ, ટેન્ટ, કાર્વાન ફેસેલિટી ઉભી કરવાની યોજના સરકારની છે. દરિયા કાંઠે આવેલું પિંગ્લેશ્વર સુંદરતાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ સ્થળ છે. ઉપરાંત ત્યાં આવેલું શિવ મંદિર ઘણું જ પ્રખ્યાત છે. જ્યાં શ્રાવણ મહિનાના દર સોમવારે મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું : કચ્છના સુંદર બીચ પર પહોંચવા માટે ભૂજથી દર 30 મીનિટે એસટી બસ અને જીપ મળી શકે છે. ઉપરાંત શહેરમાંથી જીપ ભાડે પણ કરી શકાય છે.

2- માંડવી, કચ્છ

પિંગ્લેશ્વર બીચની જેમ માંડવી બીચ પણ કચ્છની સુંદરતામાં વધારો કરે છે. માંડવી બીચનો સમાવેશ ગુજરાતના સુંદર બીચીઝમાં થાય છે. તેમજ તે કાશી વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. માંડવી ગામથી થોડેક દૂર આવેલા આ બીચની રેત અને સારી સાઇટના કારણે પ્રવાસીઓ એક હોલીડે પેકેજ પણ તૈયાર કરી શકે છે. હરસાલ એક જ સ્થળે હોલીડે મનાવવાના બદલે જો તમે સ્થળ બદલવા માગતા હોવ તો માંડવી શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઇ શકે છે. માંડવી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, વેરાવળ જેવા શહેરો સાથે રોડ મારફતે જોડાયેલો છે. માંડવી સાથે ધોલાવિરા, ભુજોડીનું હેન્ડીક્રાફ્ટ અને કચ્છના રણને જોવાની યોજના પણ તમે બનાવી શકો છે.

કેવી રીતે પહોંચવું : માંડવીની નજીકનું એરપોર્ટ ભુજ છે જેના માટે મુંબઇથી દરરોજ ફ્લાઇટ મળી શકે છે. તેમજ રેલવે થકી જવું હોય તો ભુજ અને ગાંધીધામ નજીકના સ્ટેશન છે. આ ઉપરાંત ભુજ, અમદાવાદ અને રાજકોટ નજીકના સ્થળો છે. જ્યાંથી તમે કેબ ભાડે કરીને જઇ શકો છો. તેમજ લોકલ ટ્રાન્સપોર્ટમાં નોન મીટર ઓટો રિક્ષા મળી શકે છે.

3- મિયાની બીચ :

મિયાની પોરબંદર નજીક આવેલુ નાનુ ગામ છે. મિયાની જામનગર અને પોરબંદર એમ બે મોટા શહેરો સાથે વિભાજિત થયેલું છે. મિયાની નજીક હર્ષદી માતાનું મંદિર આવેલું છે. તેમજ તે બીજી તરફથી મેડા ક્રીક સાથે જોડાયેલુ છે. પ્રવાસન સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે મિયાની એક શ્રેષ્ઠ લોકેશન છે. સ્વચ્છ દરિયો અને નાની હિલ રાઇટ પણ આ બીચ પર જોવા મળે છે. તેમજ આ બીચ પોરબદંર, જુનાગઢ, સોમનાથ, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના શહેરો સાથે જોડાયેલું છે.

કેવી રીતે પહોંચવું

રોડ ટ્રાન્સપોર્ટ માટે અમદાવાદ, રાજકોટ, દ્વારકા, વેરાવળ, જામનગર અને જુનાગઢ સહિતના સ્થળેથી સરકારી બસ અને પ્રાઇવેટ વ્હિકલ મળી શકે છે. તેમજ રેલવે ટ્રાન્સપોર્ટ માટે પોરબંદર નજીકનું સ્થળ છે. તેમજ રાજકોટ, અમદાવાદથી રેલવે મળી શકે છે.

4- માધવપુર બીચ

માધવપુર જુનાગઢ જિલ્લામાં આવેલુ સુંદર બીચ છે. સૌરાષ્ટ્રના સુંદર બીચીઝમાં માધવપુરનો સમાવેશ કરવામાં આવે છે. માધવપુર બીચની રેતી સુંદર છે. દરિયાનું પાણી શાંત અને ભૂરાશ પડતા રંગનું છે. તેમજ તેનું પાણી છીછરું છે. હોટલ, રેસ્ટોરેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સારી સુવિધાના કારણે આ બીચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. તેમજ આ બીચને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને કેટલીક યોજનાઓ પર કામગીરી હાથ ધરી છે.

કેવી રીતે પહોંચવું

માધવપુર જુનાગઢની નજીક આવેલું છે. તેથી જુનાગઢ પહોંચવા માટે અમદાવાદ, રાજકોટ, પોરબંદર જેવા સ્થળેથી ખાનગી અને સરકારી વાહન મળી શકે છે. રેલવે થકી જવું હોય તો અમદાવાદ અને રાજકોટથી આસાનીથી રેલવે મળી શકે છે.

5- ગોપનાથ બીચ

ગોપનાથ ભાવનગરથી 75 કીમી દુર આવેલું છે. ગુજરાતના અન્ય દરિયાકાંઠાની જેમ ગોપનાથમાં પણ સુંદર દરિયાકાંઠાના દર્શન થઇ શકે છે. કલરફુલ પક્ષીઓ, લાઇમ સ્ટોન ક્લિક, સી બ્રિઝીસના કારણે વેકેશન દરમિયાન આ દરિયાકાંઠે લોક મેળાવડો જોવા મળે છે. દરિયાકાંઠે વોકિંગ કરવા માટે પણ આ બીચ ઉત્તમ છે. જો કે, ઉછળતા મોજાઓના કારણે તેમાં દુર સુધી સ્વિમિંગ કરી શકતા નથી. ગોપનાથ નજીક અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, જૈન ધાર્મિક સ્થલ, પાલિતાણા અને તળાજા પણ જોવા લાયક સ્થળ છે.

કેવી રીતે પહોંચવું

ગોપનાથ બીચ ભાવનગર નજીક આવેલું છે. તેથી આ બીચ પર પહોંચતા પહેલા ભાવનગર આવવું પડે છે. ભાવનગર આવવા માટે અમદાવાદની સમયાંતરે સરકારી અને ખાનગી વ્હિકલ મળી શકે છે. આ ઉપરાંત મુંબઇથી ટ્રેન અને પ્લેન થકી પણ ભાવનગર આવી શકાય છે.

6- ભવાની બીચ, મહુવા

મહુવાથી પાંચ કીમી દુર આવેલા ભવાની બીચ પાસે પ્રાચિનકાળનું મંદિર આવેલું છે. બીચની આસપાસ લીલુછમ ઘાસ છે. તેમ કુદરતી સૌંદર્યથી આ બીચ ઓપી ઉઠે છે. રમણિય વાતાવરણ ધરાવતું આ બીચ પ્રવાસી પ્રવૃતિઓ માટે સુરક્ષિત સ્થળ છે. તેમજ આ બીચ સૌરાષ્ટ્રના અન્ય સ્થળો સાથે પણ જોડાયેલ છે. ગોપનાથ બીચની જેમ આ બીચ પણ પાલિતાણાના જૈન સ્થળોની નજીક છે. ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે મોટેલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, કાફેટારિયા, ટેન્ટ અને કારવાન ફેસેલિટી ઉભી કરવા અંગે પગલા ભરી રહી છે.

કેવી રીતે પહોંચવું

મહુવા નજીક ભાવનગર શહેર આવેલું છે જે ત્રણેય ટ્રાન્સ્પોટેશન રોડ, ટ્રેન અને એર સેવા સાથે સંકળાયેલ છે. જેથી ત્યાં પહોંચવામાં કોઇ આપત્તિનો સામનો કરવો પડતો નથી.

7- સર્કેશ્વર બીચ

અમરેલી અને જુનાગઢ જિલ્લાની સરહદ પર સર્કેશ્વર બીચ આવેલું છે. તેમજ તે દિવની પણ નજીક છે. પાણીનો રંગ લોકોને આકર્ષે તેવો છે. રેતી પણ આહલાદક છે. અહીંયાના દરિયામાં લાંબા અતંર સુધી છીછરું પાણી હોવાના કરાણે ત્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરી શકાય છે. તેમજ સર્કેશ્વર બીચની આસપાસનો વિસ્તાર પણ નિહાળવા લાયક છે. રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેટિલટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેથી રાજ્ય બહારના એટલેકે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને ગુજરાતના રળીયામણા બીચ તરફ આકર્ષી શકાય.

કેવી રીતે પહોંચવું

સર્કેશ્વર બીચની નજીકનું રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીંયા પહોંચવા માટે અમરેલીથી સમયાંતરે વાહન મળી શકે છે.

8- અહેમદપુર માંડવી, જુનાગઢ

સંઘ પ્રદેશ દિવની બોર્ડર અને જુનાગઢ જિલ્લાન ઉના તાલુકામાં આવેલું અમદપુર માંડવી નલિયા માંડવીની બીલકુલ નજીક આવેલું છે. આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચીઝમાનું એક છે. જે સાત કીમીનો દરિયાકાંઠો ધરાવે છે. સર્કેશ્વર બીચની જેમ આ બીચ પર પણ લાંબા અંતર સુધી છીછરુ પાણી હોવાના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેટિલટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો થકી રાજ્ય બહારના એટલેકે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને ગુજરાતના રળીયામણા બીચ તરફ આકર્ષવા કવાયત હાથ ધરી છે.

કેવી રીતે પહોંચવું

અહેમદપુર માંડવી બીચની નજીકનું શહેર ઉના છે જ્યારે રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીંયા પહોંચવા માટે જુનાગઢથી સમયાંતરે વાહન મળી શકે છે.

9- નારગોલ બીચ

નારગોલ બીચ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. તેની આસપાસ સુરત અને દહેજ જેવા બે વિશાળ પોર્ટ છે. ઉપરાંત વિકાસની દ્રષ્ટીએ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસની શક્યતાઓ વધુ છે. સુરત ઉપરાંત નારગોલ બીચની નજીક સાપુતારા, દાડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.

કેવી રીતે પહોંચવું

નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ ઉમરગાંઉ છે. તેમજ રેલવે થકી જવા માટે નજીકનું રેલવે સ્ટેશન સજાણ છે. ઉપરાંત વલસાડ અને સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.

10- તિથલ બીચ

તિથલ બીચ પણ નારગોલ બીચની જેમ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. આ બીચ પણ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસનો વ્યાપ વઘારે છે. તિથલ બીચ ગુજરાતના શ્રેષ્ઠ માણવા લાયક સ્થળોમાનું એક સ્થળ છે. તેમજ સુરત ઉપરાંત સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો પણ આ બીચની નજીક છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.

કેવી રીતે પહોંચવું

નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ વલસાડે છે. તેમજ રેલવે થકી જવા માટે પણ નજીકનું રેલવે સ્ટેશન વલસાડ છે. સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.

11- દ્વારકા બીચ

જામનગર જિલ્લામાં આવેલું દ્વારકા બીચ પોતાની સુદંરતાની સાથે જ ધાર્મિક મહત્તાના કારણે પણ વિશ્વભરમાં જાણીતું છે. દરિયાકાંઠે આવેલા દ્વારિકાધિશ મંદિરના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટે છે. દ્વારકાના દરિયામાં ડોલફિન, પોર્પાઇઝ,ઓક્ટોપસ સ્ટાર ફિશ જેવા દરિયાઇ જીવો જોવા મળે છે.

કેવી રીતે પહોંચવું

દ્વારકા જવા માટે જામનગરથી વ્હિકલ મળી શકે છે. તેની નજીકનું એરપોર્ટ જામનગર છે. ભારતભરમાંથી રેલવે થકી દ્વારકા જઇ શકાય છે.

12- જામનગર બીચ

સૌરાષ્ટ્રના સુંદર શહેરોમાંનું એક એવું જામનગરના દરિયાની દ્રષ્ટિએ પણ અન્ય શહેરો કરતા વધારે ભાગ્યશાળી છે. જામગનરમાં જોવા માટે અનેક સ્થળો છે. જેમાં પીરાટોન ટાપુ, માઢી, લાગૂન, પોસિત્રા, બાલાછડી, બેડી બંદર વગેરે જામનગરમાં દરિયાકાંઠાના સ્થળો જોવાલાયક છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, કચ્છથી જામનગર સુધી 42 એવા નાના બીચ છે જે ગુજરાતના દરિયાકાંઠાની સુંદરતામાં અનેરો વધારો કરે છે. તેમજ જામનગરના બીચ પર તમને એકાંત પણ મળી શકે છે.

કેવી રીતે પહોંચવુ

જામનગર ત્રણેય માર્ગે પહોંચી શકાય છે. રેલવે અને રોડ મારફતે પહોંચવા માટે તમને અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાંથી આરામથી વ્હિકલ મળી શકે છે. જામનગરમાં એરપોર્ટ હોવાથી તમે હવાઇ મારફતે પણ જામનગર આવી શકો છો.

13- સોમનાથ બીચ

સૌરાષ્ટ્રના હાર્દસમો સોમનાથ બીચ ભારતના સૌથી શ્રેષ્ઠ બીચીઝમાં સ્થાન ધરાવે છે. તેની એક ખાસિયત એ પણ છે કે ત્યાં શિવ મંદિર આવેલું છે જે 12 જ્યોર્તિલિંગમાનું એક છે. મહાશિવરાત્રી દરમિયાન ત્યાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. જો કે, સોમનાથનો બીચ સ્વિમિંગ કરવા માટે ઉત્તમ માનવામાં આવતો નથી. શાંત વાતાવરણમાં કુદરતી સૌંદર્યને માણવાનો એક અનેરો આંનદ આ બીચ પરથી મળી શકે છે. સોમનાથના બીચ પર કેમલ રાઇડ અને લાઇટ સ્નેક્સનો આનંદ માળી શકો છો.

કેવી રીતે પહોંચવું

સોમનાથની નજીકના સ્થળ જૂનાગઢ અને ચોરવાડ છે. સોમનાથ જવા માટે રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓના વાહન મળી શકે છે. ઉપરાંત નજીકનું રેલેવે સ્ટેશન વેરાવળ છે. આ ઉપરાંત ગુજરાતમાં જોવાલાયક બીચીઝમાં દિવ- દમણ, ચોરવાડ, ઓખા, ઘોઘા, દાંડી, સુવાલી, પોરબંદર, ડુમાસ છે. જે ગુજરાતની દરિયાઇ સુંદરતાને વધારે સુંદર બનાવે છે.