ATUL N. CHOTAI

a writer – since 2014


મનહર ટંકારીયા… તસ્‍વીર પત્રકારત્‍વની ૬૦ વર્ષની યાત્રા..

Manharbhai Tankariya

Manharbhai Tankariya

-:  ખાસ મુલાકાત :-
દર્શન ત્રિવેદી
મો :  ૯૯૨૫૪ ૯૩૮૯૪

વર્ષ ૧૯૫૫ની આ વાત છે. એ વર્ષોમાં રાજકોટમાં બહુ રેલ્‍વે સેવા નહોતી. એમાંય ભાવનગર નજીક ચમારડીમાં ભયાનક રેલ્‍વે અકસ્‍માત થયો. એ વખતે દૈનિક અખબાર ફૂલછાબના તંત્રી હરસુખભાઇ સંઘાણીએ આ ઘટનાનો સચિત્ર વૃતાંત લેવા તસવીરકાર ગુણવંત સેદાણીને કહ્યું પણ એ રાજકોટમાં કયાંય મળે નહીં. ઘટના બહુ ગંભીર હતી એટલે સંઘાણી સાહેબે રાજકોટમાં ટેકસીઓ દોડાવી તેમની શોધ ચલાવી. તે મળ્‍યા તો પણ છેક રાત્રે. તે વરઘોડાની તસવીરો પાડતા હતા. ટેકસી ચાલકે સેદાણીને તંત્રીશ્રીનો સંદેશ આપ્‍યો, એટલે સેદાણીએ પોતાના આસીસ્‍ટન્‍ટને ચમારડી જવા ધકો મારી દીધો.

એ વખતે ફોટોગ્રાફરોએ આસીસ્‍ટન્‍ટ રાખવા પડતા. કેમ કે તે સમયે ઉપયોગમાં લેવાતા રોલીકોડ રોલીફોકસ કેમેરામાં એક તસવીર પાડી બલ્‍બ બદલવો પડતો. રૂ. ૨ માં રોલ અને ૫૦ પૈસામાં આ બલ્‍બ (સિલ્‍વાનિયા કંપની) મળતો. બાર તેર વર્ષની ઉંમરનો એ સહાયક ટેકસીમાં બેસી ચમારડી ગયો. ત્‍યાં વહેલી સવારે આ ઘટનાની ભયાવહ તસવીરો પાડી, ફૂલછાબમાં છપાઇ. અખબારી ભાષામાં એ તસવીરોથી હાહાકાર મચી ગયો. એ છોકરાને ઇનામમાં મળ્‍યા તંત્રીના વખાણ. સંઘાણી કોઇના વખાણ કે એ પણ બહુ મોટી વાત કહેવાતી. એ છોકરો એટલે મનહર ટંકારીયા… રાજકોટના એક માત્ર જુની પેઢીના ફોટોજર્નાલિસ્‍ટ..

વર્તમાન પત્રકાર આલમ એમને મનુકાકાના નામે ઓળખે છે. એકદમ સરળ અને સાલસ સ્‍વભાવ. બીજી ઓળખાણ તેમની એ કે તસવીર પત્રકારો રમેશ, જયેશ અને બિપીન ટંકારિયાના એ પિતા. ૫૯ વર્ષનું રાજકોટ અને સૌરાષ્‍ટ્રના પત્રકારત્‍વના ઇતિહાસનું ભાથું. એ પણ અણીશુધ્‍ધ પત્રકારત્‍વ. આજે પણ વ્‍હેલી સવારે ૫:૩૦ વાગે જાગી જાય છે. રેસકોર્ષ રીંગરોડ ફરતે ચક્કર મારે. મનુકાકા બહારનું કાંઇપણ આરોગતા નથી. ગરમ પાણીએ ન્‍હાતા નથી. ઘરમાં અલાયદા રાખેલા ગોળાનું પાણી પીએ. પોતાના કપડા જાતે જ ધૂએ. પોતાનો ઓરડો પણ જાતે સાફ કરે. આવી ઘણી બાબતો છે, પણ આટલાથી તેમના વ્‍યકિતત્‍વનો પરિચય મળી જ જાય.

દરજીકામ કરતા પ્રાગજીભાઇના સંતાન મનહરના હાથમાં કેમેરો કેવી રીતે આવી ગયો..?? એની પાછળ રસપ્રદ કિસ્‍સો છે. સ્‍વ. ગુણવંતભાઇ સેદાણીને એક સહાયકની જરૂરત હતી. તેમનો ભેટો મનહર સાથે થઇ ગયો. બલ્‍બનો થેલો ખંભે નાંખી રૂ. ૧૫ ના માસિક પગારથી નોકરી શરૂ થઇ ગઇ. એ પગાર સેદાણી પોતે ચુકવતા. સેદાણી હરકયુલસની સાયકલ ચલાવે અને એની પાછળ મનહર ટિંગાઇ જાય  આજી ડેમનું ખાતમુર્હુત હોઇ, કોઇ ખૂના મરકી કે કુદરતી ઉત્‍પાત. એમની સાયકલ પહોંચી જાય. સાયકલ ચલાવી સેદાણી થાકી જાય એટલે ટંકારિયાએ તેમની પગચંપી પણ કરવાની. આવી રીતે સાયકલ ચલાવી ઘણા વર્ષો બાદ ટંકારિયાએ સેકન્‍ડ હેન્‍ડ લુના ખરીદ્યુ. આમ વાહનયોગ થયો.

૫૦ ના દાયકામાં ભાવનગર ખાતે લક્ષ્મીચંડી હવનનું આયોજન થયું. એના રિપોર્ટીંગમાં મનહરને જવાનું થયું. કોઇ ઠગ છદ્મવેશે આ હવન કરતો હતો. એની મનહરને ગંધ આવી ગઇ. આ ઠગ કોઇને દર્શન આપે નહિ. એ વખતના રૂ. ૫ હજારનું દાન આપે તેને દર્શન આપે. મનહરે ઠગના પાલ (ટેન્‍ટ) પાસે વોચ લગાવી. એવામાં એક દંપતિ સહપરિવાર એમના દર્શન માટે ટેન્‍ટમાં ઘુસ્‍યુ એની સાથે મનહરે પણ અંદર સરકાવી દીધું. ઠગને એમ કે પરિવાર સાથે તસવીરકાર આવ્‍યો છે. એટલે હોંશેહોંશે ફોટા પડાવ્‍યા. ટંકારિયાએ રાજકોટ આવી ફૂલછાબના તંત્રી સંઘાણીને આ બાબતની જાણ કરી. એનો સચિત્ર અહેવાલ છપાયો. પેલો બાવો તો રાતોરાત નાસી છૂટયો. પણ, ટંકારિયાની વાહવાહ થઇ ગઇ. એ અરસામાં લોકસત્તા-જનસત્તા અખબારમાં તસવીરકારની જગા ઉભી થઇ. એ વખતના તંત્રી ડો. સામાણી મનુકાકાના કામથી વાકેફ. એટલે જનસત્તા સાથે કામગીરી શરૂ થઇ. એ બાદ સંદેશ સાથે પણ કામ કર્યુ. સાથે તેઓ પ્રસંગોપાત તસવીરો પાડવાની કામગીરી તો કરતા રહ્યા. એ સમયમાં કેટલી તસવીરો પાડવાની છે, એ રીતે ઓર્ડર આપવામાં આવતો.

એક સરસ કિસ્‍સો છે. એક વખત મનુભાઇ હલેન્‍ડા ખાતે લગ્ન પ્રસંગની તસવીરો પાડવા માટે ગયા. ગ્રુપ તસવીર લેતી વખતે એક વ્‍યકિતએ અચાનક રાડ પાડી, ને કહ્યું ઉભા રહો. એમણે પોતાના કાનમાં અત્તરનું પૂમડું ભરાવ્‍યું ને બાદમાં તસવીર ખેંચાવી જાણે કેમ તસવીરમાં સુગંધ આવવાની હોય.. પણ મનુભાઇએ એ વ્‍યકિતને તસવીરો તો આપી પણ પાછળ અત્તર લગાવીને સેલ્‍ફીના આજના જમાનામાં આ વાત મજેદાર બની રહેશે. એક લગ્ન પ્રસંગમાં ઘુંઘટ ઓઢી માયરામાં બેસેલી કન્‍યાએ ચોરી છુપીથી વરને જોઇ લીધો. એટલે તુરંત માયરો છોડી ઓરડામાં ચાલી ગઇ. કન્‍યાને શક ગયો કે તેમની સાથે છેતરપીંડી થઇ ગઇ છે. તસવીર બીજાની દેખાડી અન્‍ય વ્‍યકિત સાથે લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. હકીકતમાં એ વરના ચહેરા પર શીળીના ડાઘ હતા. પણ તસવીરમાં એ ડાઘ નહોતા. એમાં તસવીરની કરામતની વાત જયારે ટંકારિયાએ કન્‍યાને સમજાવી ત્‍યારે તે માની અને લગ્ન પત્‍યા આ એમના જીવનમાં યાદગાર કિસ્‍સો. એક વખત તેઓ પી. એમ. રૂમમાં મૃતદેહની તસવીર પાડવા ગયા. ત્‍યાં સાત લાશો પડેલી. એટલે કોનો ફોટો લેવાનો છે એ જાણવા પ્રેસ પર ફોન કર્યો. નામ જાણી એમણે લાશોના કફન ઉઠાવવાનું શરૂ કર્યુ તો ચક્કર આવી ગયા. એક ફોટો જર્નાલિસ્‍ટના કેટલા કારૂણ્‍યભાવ હોય છે એ વાતનો ખ્‍યાલ આવી શકે છે.

આવા તો અનેક કિસ્‍સા છે. એક વખત વરીષ્‍ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે કુવાડવા પાસે કોઇ સ્‍થળે લટકતી લાશ શોધવા માટે લગભગ આખો દિવસ ભુખ્‍યા તરસ્‍યા બેબાકળા બની ખેતરોમાં રખડયા. એ લટકતી લાશ પોલીસને ન મળી પણ મનુભાઇના કેમેરામાં આવી ગઇ. ત્‍યારે સ્‍વભાવિક પ્રશ્ન થાય કે હવે આવી મહેનત કોઇ કરે ખરા..?? એ જ રીતે એક જાણિતા કથાકારના ઘરે પડેલી આવકવેરાની રેડમાં મનુભાઇની તસવીરો સાક્ષીરૂપ બની હતી. તેમણે પોતાના પૈસે રૂ. ૧૦ ની કિંમતનો સર્વપ્રથમ બોકસ કેમેરો ખરીદ્યો. આ કેમેરો ખરીદી રાજકોટ આસપાસના નઝારાની તસવીરો લીધી. બાદમાં તે સમયે આધુનીક ગણાતો રોલીકોડી રોલી ફોકસ કેમેરો રૂ. ૨૫૦ ની કિંમતે ખરીદ્યો. એ પણ પોતાના પગારમાં બચત કરી કરી ને..

મનુકાકા દિવસમાં અઢાર કલાક કામ કરતા અલબત તસવીરો પ્રત્‍યેનું ઝુનુન આજે બરકરાર છે. તસવીરોના પ્રોસેસીંગમાં તેમની માસ્‍ટરી એટલે રાજકોટમાં સારા સારા સ્‍ટુડીયો એમને પ્રોસેસીંગ માટે બોલાવે. એક કલાકના પચાસ પૈસા લેખે આ કામ કરી આપે. સુદીર્ધ કારકીર્દીમાં તેમને અનેક ઇનામ અકરામો મળ્‍યા છે પણ શ્રી ગુણવંત સેદાણીના નિધન બાદ તેમની પુણ્‍યતિથિ નિમીતે ફૂલછાબ દ્વારા રાખવામાં આવેલી સ્‍પર્ધામાં તેમની તસવીરને પ્રથમ ઇનામ મળ્‍યું. તસવીરમાં એક પિતા પોતાની પુત્રીના લગ્ન પ્રસંગે મંદિર પર ચઢી રહ્યા છે. બીજી ગમતી તસવીરમાં એક અશ્વ છે. જે સવાર સાથે ઝુનુનથી કુદવા થનગને છે. મનુકાકાને ગમતા તસવીરકારમાં અરૂણભાઇ પંડયાનો સમાવેશ થાય છે. અરૂણભાઇ પાસે તસવીરો લેતી વખતે પ્રકાશ સંયોજનની અદ્દભુતકળા હતી.

મનુકાકાના વ્‍યકિતત્‍વના અનેક પાસા છે. એમનું અંગત જીવન જોઇએ તો તેમના લગ્ન શાંતાબેન સાથે થયા છે. એ વખતે જયારે મનુકાકાનું માગુ કન્‍યાપક્ષમાં ગયું ત્‍યારે સાસરીયાએ કોઇ લાંબુ વિચાર્યા વિના હા પાડી દીધી. કેમકે એના કામથી પરીચીત હતા. લગ્નમાં ફોટોગ્રાફી મગનભાઇ કાત્રોડિયાએ કરી મનુભાઇ દિવસે તસવીર પાડે અને રાત્રે પ્રોસેસિંગ કરે. શાંતાબેન પણ આ કાર્યમાં મદદ કરે. જુની પેઢીના પત્રકાર શ્રી રસિક રાજાણીની ઓળખાણથી મોટા પુત્ર રમેશને બેંકમાં નોકરીએ લગાવ્‍યો. રમેશને બેંકની નોકરી ગોઠી નહિ. અંતે પિતા સાથે ઝંપલાવ્‍યું. જયારે, જયેશે થોડો સમય દરજીકર્મ કરી કેમેરો હાથમાં લીધો. બિપીને પણ પહેલેથી તસવીરકાર થવાનું પસંદ કર્યુ. કોઇ તસવીરમાં ક્ષતિ દેખાય તો મનુકાકા ત્રણેય ભાઇઓને ખીજાવામાં બાકી ન રાખે. ત્રણેય પુત્રો પૈકી મનુકાકાને બિપીનની ફોટોગ્રાફી વધુ પસંદ છે. પૌત્રી જલ્‍પા ટંકારિયા પણ સારી આર્ટીસ્‍ટ છે.

તસવીર એટલે શું.. ?? એવું પુછયું તો તે તુરંત બોલી ઉઠે કે તસવીર એટલે તમને સતત જોયા જ કરવાનું મન થાય તે ૭૨ વર્ષની ઉંમરે પણ મનુકાકા તસવીરો ખેંચે છે કોઇ યુવાનોને શરમાવે તેવા ઉત્‍સાહથી કામ કરે છે. નવી પેઢીના તસવીરકારો, પત્રકારો એમની પાસેથી ઘણું શીખવા મળી શકે છે. મનહરભાઈ ટંકારીયાનું જૂન – ૨૦૧૬ માં અવસાન થયેલ છે. તેમના પુત્રો રમેશભાઇ ટંકારિયા મો. ૯૮૭૯૯ ૬૮૨૬૭, જયેશભાઇ ટંકારિયા મો. ૯૮૭૯૯ ૬૮૨૬૪, બિપીનભાઇ ટંકારિયા મો. ૯૮૨૫૩ ૫૮૦૩૦ નો આ વધુ માહિતી માટે સંપર્ક કરી શકાય છે