ATUL N. CHOTAI

a writer – since 2014


મહેસાણાના ચાંદણકી ગામમાં એક જ રસોડે દરરોજ આખું ગામ જમે છે

Single Kitchen in one Village

Single Kitchen in one Village

મહેસાણા જિલ્લાનું ચાંદણકી એ એક એવું ગામ છે જ્યાં એક જ રસોડે દરરોજ આખું ગામ જમે છે  અને આ ગામના મોટાભાગના લોકો ૫૫ થી ૬૦ ની ઉમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી તે માટે દેશ – પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા આ વ્યવસ્થા ઊભી કરાઇ છે જેનાથી ઘરના અને વડીલો બંને ખુશ છે. આ ગામના ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના પરીસર માં નિયમીત બંને ટાઇમ ગામ લોકો પોતાના સુખ – દુ:ખની વાતો કરતા કરતા ભોજન કરે છે. ગામનો સાક્ષરતા દર ૧૦૦ ટકા જેટલો છે. ગામના ૯૦૦ થી પણ વધુ લોકો બહારગામ રહે છે. તીર્થધામ બહુચરાજીથી પાંચ કિમીના અંતરે આવેલું ચાંદણકી નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે.

Advertisements


સલાયાનો ૫૦ જણનો પરિવાર એક રસોડે જમે છે

Joint Family -  Salaya

Joint Family – Salaya

માંડવી: આજના સમયમાં સૌને સ્વતંત્રતા જોઇએ છે  તેમાં પણ પરણ્યા બાદ તરત જ યુગલો અલગ થઇ જવા થનગનતા હોય છે પણ માંડવીના સલાયાનો ભટ્ટી પરીવાર આ બધામાં અનોખો છે  એક નહીં, બે નહીં પણ ત્રણ – ત્રણ પેઢીને એક્તાની દોરીમાં પરોવીને આ પરીવાર આજના બટકણા સંબંધોમાં પણ સંયુક્ત રહી રહ્યો છે. અહીં રોજ ૫૦ સભ્યની રસોઇ એક જ રસોડે બને છે અને તમામ એક પંગતે બેસીને જમે છે જે ખરેખર અનોખી નહીં પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રેરણાદાયી ઘટના છે. માંડવી શહેરના સામાકાંઠે વસેલા સલાયાના વાઘેરચોકમાં ભટ્ટીમંઝિલમાં આ પરીવાર રહે છે જેમાં 13 પુરુષ અને 13 મહિલા સાથે નાના – મોટા 26 બાળક સાથે  કુલ ૫૦  સભ્ય હળીમળીને એક સાથે રહે છે. તમામની રસોઇ એક રસોડે બને છે, જેમાં વપરાતી સામગ્રી પર નજર નાખીએ તો દૈનિક 5 કિલો ચોખા, 8 કિલો ઘઉં, 7 કિલો બાજરો, 3 કિલો મગફાડા, 8 કિલો શાકભાજી, 2 કિલો ખાંડ, દૈનિક 6  લિટર દૂધ, ૫૦ ગ્રામ ચા તેમજ 400 ગ્રામ વાટેલો મસાલાનો વપરાશ છે. ડાઇનિંગ રૂમ નાનો હોવાથી  એક સાથે પંગતમાં ૫૦ લોકો સાથે બેસી શકે અેમ ન હોઇ, પહેલાં પુરુષો તથા બાદમાં મહિલા – બાળકો જમે છે. ભોજન સાથે પરીવારના સભ્યો વિચારોનું આદાન પ્રદાન પણ કરે છે. વડીલો દરેકના વિચારોને જાણે છે.

પરીવારના મોભી ઉમર હાજી ઇલ્યાસે કહ્યું હતું કે  અમારી ત્રણ પેઢીમાં કાકાઇ ભાઇઓ સહીતનો પરીવાર સાથે રહે છે  તેથી રસાલો એટલો મોટો છે કે, બાળકોના ક્યારેક નામ યાદ રહેતા નથી તેથી ઘણીવાર કોઇપણ નામના સંબોધન કરીને બોલાવીએ છીએ. 24 નાના – મોટા બાળક માટે પ્રસંગો પર ચંપલથી કરીને કપડાની ખરીદી દરેક માટે એક સાથે કરવામાં આવે છે. પરીવારની આવક મુજબ ખર્ચ કરીને બચત કરાય છે  જેથી પુત્ર – પુત્રીના નિકાહ કરવા હોય ત્યારે બચાવેલી પુંજી કામ આવી શકે રસોડાનો હવાલો સંભાળતા હાજિયાણી જીલુબાઇના માર્ગદર્શન મુજબ રસોઇ બનાવવા અને કપડાં ધોવા માટે દરેકનો ક્રમ મુજબ વારો આવતો હોય છે જેથી છુટ્ટીના અને બાકીના સમયમાં મહિલાઓ ભરત ગુંથણ જેવા કામો કરી શકે તેમજ ઘરકામનો ભાર પણ કોઇ એક પર ન આવી જાય  આટલા મોટા પરીવાર માટે જો પાતળી અને નાની રોટલી મહિલાઓ બનાવવા જાય તો પહોંચી શકે નહીં તેથી બપોરે અને રાત્રે સામાન્ય કદની રોટલીના સ્થાને બાજરાના રોટલા જેમ ઘઉંના જાડા રોટલા બનાવાય છે જેથી જલ્દીથી કામ થઇ શકે. 50 લોકોની રસોઇ માટે કાયમ લાકડા અને છાણાનો ઉપયોગ કરીને ચુલા પર જ રસોઇ બનાવાય છે. ગેસનો વપરાશ માત્ર ચા – દૂધ માટે કરાય છે મસાલો પીસવા પણ મિક્સર ગ્રાઇન્ડરની જગ્યાએ પથ્થર પર જ વલોણાથી બનાવાય છે. આ પરીવારની જેમ ભટ્ટી મંઝિલમાં રહેતા 20થી 25 બિલાડાનું જૂથ પણ જમવાના સમયે એક સાથે આવીને પોતાનો ખોરાક લે છે. જે ખરેખર નવાઇ પમાડે તેવી વાત છે.


એક જ છત નીચે રહેતા સાવલિયા પરીવારમાંથી આપણે સહુએ શીખ લેવાની જરૂર છે..

Joint Family - Surat

Joint Family – Surat

સુરતના વરાછા વિસ્તારમાં હિરાબાગમાં ત્રણ માળનો હરિદર્શન નામનો એક બંગલો આવ્યો છે. અહીં સુરતનું સૌથી મોટું પરિવાર સાવલિયા પરિવાર રહે છે. તેંત્રીસ સભ્યોનો આ પરિવાર સાથે રહે છે અને સવારે અને સાંજે બે ટાઇમ સાથે જ જમે છે. જેના અન્ન ભેગા એનાં મન ભેગા સાવલિયા પરિવારના તેંત્રીસ સભ્યો જાણે આ કહેવતને જીવી રહ્યા છે.

છેલ્લા ૪૭ વર્ષથી આ ઘરના તમામ સભ્યો સાથે જ રહે છે અને મજાની વાત એ છે કે, ૪૭ વર્ષમાં આ બંગલાને ક્યારેય તાળું મારવામાં નથી આવ્યું. જેમ દરેક ઘરને એક અભરાઇ હોય છે, જેમાં નકામી ચીજ વસ્તુઓને મૂકી રાખવામાં આવે છે એમ આ પરીવારે આવી અભરાઇ પોતાના મનમાં બનાવી છે જેમાં નકામી વાતોને મૂકી દે છે અને સમયાંતરે એને ખાલી પણ કરી નાખે છે. આ કારણે કોઇપણ જાતના રાગ દ્વેશ વિના સાથે રહેવાનું સહેલું થઇ જાય છે. તેંત્રીસ જણાનું કામકાજ સંભાળવાનું હોય તો ભૂલો તો થાય પણ આવી ભૂલોને માટે ક્યારેય કોઇને સંભળાવવામાં નથી આવતું. જેની ભૂલ હોય એણે ભૂલ સ્વીકારી લેવાની. ઘરના વડીલોને પણ આ જ નિયમ લાગુ પડે છે. વડીલો પોતાની ભૂલનો એકરાર જાહેરમાં જ કરે જ છે. એમણે બનાવેલા મજાના દરેક નીયમો નું બધા પાલન કરે છે. આપણે સહુએ આ પરીવાર માંથી શીખ લેવાની જરૂર છે..


સંયુકત કુટુંબની ભાવના સાર્થક કરતો મોટા ઝીંઝુંડાનો ઉપાધ્યાય પરિવાર

Updhayay family

Updhayay family

વર્તમાન સમયમા સંયુકત પરિવારની ભાવના ઘટતી હોય તેમ જોવા મળી રહ્યું છે. પરંતુ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝૂંડા ગામના ઉપાધ્યાય પરિવારે હજુ પણ સંયુકત પરિવારની ભાવનાને જાળવી રાખી છે. આ પરિવારના ૬૦ સભ્યો એકસાથે રહે છે. એક જ રસોડે જમે છે. ઉપાધ્યાય પરિવાર સાંપ્રત સમયમાં સમાજને અનોખી પ્રેરણા પુરી પાડી રહ્યો છે. હાલમા આ પરિવારના ૧૧ પૌત્રોને એકસાથે યજ્ઞોપવિત ધારણ કરવામા આવતા ગ્રામજનોમા પણ હરખની હેલી જોવા મળી હતી. સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝૂંડા ગામે રહેતા મગનદાદા ઉપાધ્યાયના પરિવારમા પાંચ પુત્રો છે. મગનદાદાના પુત્ર એવા ભીમજીદાદા સહિ‌ત પાંચેય પુત્રો સંયુકત પરિવારમા રહે છે. પાંચેય પુત્રોના પુત્રો પણ જુદાજુદા વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાંચ ભાઇઓનો ૬૦ સભ્યોનો પરિવાર એકસાથે રહે છે. સાંપ્રત સમયમા સંયુકત કુટુંબની ભાવના ઓછી થઇ રહી હોય આ પરિવારે સંયુકત કુટુંની ભાવના સાર્થક કરી છે.