સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે અપરાધિક મામલાની તપાસમાં સહયોગ નહિ કરનાર અને કોર્ટ દ્વારા ફરાર જાહેર આરોપીને આગોતરા જામીન આપી શકાય નહિ. ચીફ જસ્ટીસ પી.સદાશિવમ અને જસ્ટીશ રંજન ગોગોઇની ખંડપીઠે કહ્યું છે કે આગોતરા જામીન આપવાના કોર્ટના અધિકારનો માત્ર અપવાદરૂપ મામલામાં જ ઉપયોગ થવો જોઇએ જયાં એવું લાગે કે વ્યકિતને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.
સુપ્રિમ કોર્ટના પૂર્વ નિર્ણયોનો હવાલો આપતા બેંચે કહ્યું છે કે, જો કોઇને દંડ પ્રક્રિયા સંહિતાની કલમ ૮૨ હેઠળ ફરાર કે ઘોષિત અપરાધી જાહેર કરાયેલ હોય તો તે આગોતરા જામીન મેળવવાને હક્કદાર નથી. ખંડપીઠે કહ્યું છે કે આ જોગવાઇ સ્પષ્ટ કરે છે કે દંડ પ્રક્રિયા સંહિતાની કલમ ૪૩૮ હેઠળ પ્રદત અધિકાર અસાધારણ સ્વરૂપનો છે અને તેનો ઉપયોગ અપવાદ સ્વરૂપ મામલામાં જ થવો જોઇએ જયાં એવું લાગે કે વ્યકિતને ખોટી રીતે ફસાવવામાં આવેલ છે કે એવું લાગે કે કોઇ અપરાધનો આરોપી વ્યક્તિ પોતાની સ્વતંત્રતાનો દુરૂપયોગ નહિ કરે. કોર્ટે એક વ્યકિતને કથીત રીતે ઝેર આપીને મારી નાખવાની ઘટના બાદ ફરાર બે આરોપીઓ તે આગોતરા જામીન આપવાના મ.પ્રદેશ હાઇકોર્ટના નિર્ણયને રદ કરતા આમ જણાવ્યું હતું. ખંડપીઠે કહ્યું છે કે, હાઇકોર્ટ એ સમજવામાં નિષ્ફળ રહ્યું છે કે, કાનૂનમાં એ નિヘતિ વ્યવસ્થા છે કે જયારે કોઇ પણ આરોપી ફરાર જાહેર થાય કે તે તપાસમાં સહકાર ન આપતો હોય તો તેને આગોતરા જામીન આપવા ન જોઇએ.