ATUL N. CHOTAI

a writer – since 2014


ભક્તિનાં સંગે પ્રકૃતિનાં ખોળે મહાલવાનો અનોખો અવસર એટલે ગરવા ગીરનારની પાવનકારી લીલી પરક્મા..

Girnar Parikma

Girnar Parikma

આલેખન : અશ્વિન પટેલ
(માહિતી બ્યુરો – જૂનાગઢ)

ગ્રીક માઇથોલોજીમાં જે સ્‍થાન સૈાદર્ય અને સંપતિની દેવી એફ્રોડાઇડનું છે એ ભારતીય પુરાણકથામાં ઐશ્‍વર્યની અધિષ્‍ઠત્રી દેવી પ્રકૃતિનું છે. આજનાં શિક્ષીત બુધ્ધીવાદી એરકન્‍ડીનમાં બેસીને સૈાદર્યસભર સારી સારી વાતો ભલે કરે,પણ ભારતીય ભાતિગળ ગ્રામીણ અને અર્ધ કે અશિક્ષીત કોઠાસુઝ વાળી(ગામઠી) જનતા પ્રકૃતિનાં ખોળે ઉછરે છે અને પ્રકૃતિ સાથે જીવે છે અને કુદરતનાં ડગલે અને પગલે નિર્મિત પર્વો, ઉત્‍સવોમાંપ્રકૃતિને સંસ્‍કૃતિ સાથે જોડીને ઈશ્વર સાથે એકાકાર થયાની અનુભુતિ પણ કરે છે.

ભારતવર્ષમાં નગાધિરાજ હિમાલય પર્વત આમ જોઇએ તો સૈાથી ઉંચો પર્વત છે. જ્યાં કૈલાસ, શિખર, સમેત અનેક દેવ-દેવીનાં ઉલ્‍લેખ સાથે સાંસ્‍કૃતીક અને ધાર્મિક અસ્‍મિતાનાં બીજ જોડાયેલા છે પણ કહે છે હિમાલય જેનો આદર કરે તેવા પર્વત ગિરનાર આપણાં ગરવા ગુજરાતને પોતાનાં ખોળે રમાડી રહ્યા છે. આમ પણ હમેંશા સાંભળતા આવ્‍યા છીએ કે ગિરનાર એ જોગી, રોગી, ભોગી, ત્‍યાગી, અને રાગીથી વૈરાગી, અનુરાગી સહું કોઇને પોતાની તળેટીમાં આશિષ આપે છે. ઈચ્‍છે છે તેવુ પામે અને પામે તેવુ ભોગવે તેવી વાત ભવનાથ તિર્થ ક્ષેત્રે અનુભવાતી રહે છે. અનેક ઋષિ કુળનાં મહાત્‍માઓ પોત-પોતાનાં સિધ્ધ આશ્રમ સાથે સંસ્‍કૃતિનાં રખોપા કરતા પ્રકૃતિની ગોદમાં લોકોને સદાય આવકારે છે. પુજ્યપાદ સંતો અને મહંતોની પાવન ભુમિ એટલે ગિરીવર ગિરનારજીની ભુમિ, ગિરનાર પર્વત એટલે નવનાથ અને ચોસઠ જોગણીનાં બેસણાનો પર્વત, પરબ વાવડી, સતાધાર, વિરપુર અને કનકાઇ, બાણેજ જેવા યાત્રાધામો અને અરબ સાગરનાં તટે ભોળા સોમનાથ અને ભગવાન દ્વારિકાનાં નાથ શ્રીકૃષ્‍ણનાં મંદિરોની ધ્વજા પરથી પરસાર થતી હવાની લહેરખી ગિરનારનાં ગુરૂ દતાત્રેયથી ભવનાથ સુધી અમી આશિષ આપતિ અનુભવાય એવી આ દેવલોક ભુમિમાં પ્રતીવર્ષ કાર્તીકી અગિયારસથી ત્રિ-દિવસયીય જટાળા જોગીની પ્રદિક્ષણા(પરિક્રમા) પ્રવાહીત મેળાનાં રૂપે યોજાય છે. જેને સોરઠવાસીઓ લીલી પરકમા તરીકે ઓળખે છે. ભક્તિનાં સંગે અને પ્રકૃતિનાં ખોળે મહાલવાનો મહામુલો અવસર એટલે જ પરિક્રમાંનો પથપ્રવાસ.

જૂનાગઢ જિલ્‍લાને ગુજરાતનાં બીજા જિલ્‍લાઓની તુલનાએ કુદરતે લાડકવાયો ગણ્યો હશે. અહીં વિશાળ દરિયાકાંઠો, ગીર અને ગીરનારની વન્‍ય સૃષ્‍ટી અને વિશ્વને ધ્યાન ખેંચે તેવા એશિયેટીક લાયન (સીંહ) અને તાલાળાની જગમશહુર કેસર કેરી, આ ઉપરાંત દ્વાદશ જ્યોતિલીંગ પૈકી પ્રથમ એવા સોમનાથ મહાદેવ, શ્રીકૃષ્‍ણનું દેહોત્‍સર્ગ, ભાલકાતિર્થ, તુલશીશ્‍યામ યાત્રીકોને યાત્રા પ્રવાસ માટે કાયમ આવકારે છે. જિલ્‍લાઓમાં અનેક નાના-મોટા મેળાઓ યોજાય છે. જેમાં જગ મશહુર શિવરાત્રીનો મેળો પણ ગિરનારની ગોદમાં જ ઉજવાય છે. તે જ ગિરનારજીને નવલા વર્ષની અગીયારસે પ્રદિક્ષણા રૂપે પ્રતી વર્ષ લીલી પરિક્રમા યોજાય છે. જેમાં લાખોની સંખ્‍યામાં ભાવીક ભક્તો લીલી વનરાજી વચ્ચેથી પર્વત અને ખીણની વચ્ચેથી ભક્તિભાવથી મહાલતા ત્રિદીવસીય મેળા રૂપે આ પરિક્રમા કરી પુણ્યનું ભાથુ બાંધ્યાનો અહેસાસ કરે છે. અગાઉનાં સમયમાં દિવસભર પરિક્રમા પથ પર પદ યાત્રા થતી, સાંજ ઢળ્યે પડાવ નંખાતા, બહેનો ભાવતા ભોજનીયા બનાવતી, પુરૂષો ભજનની સરવાણી વહેવડાવે અને વૃધ્ધો અને માતાઓ લોક સંગીતનાં ઢાળે ધોળ કે લોકગીતોનાં સુરોથી વનને વૃંદાવનમાં તબદીલ થયાની અનુભતી કરતા જંગલ મધ્યે ત્રણ દિવસ રહે પણ કોઇ જ ભય નહીં, કોઇ જ ચિંતા નહીં મારા તમારાનાં કોઇ જ ભાવ નહીં, કોઇ નાનો નહી કે કોઇ મોટો નહીં સહુના સથવારે સહુના સહકારથી એકબીજાનાં પુરક બનીને પ્રકૃતિ દેવીનાં ખોળે રૂડા અવસરે મહાલતા હોય છે.

આ મેળામાં જૂનાગઢનાં ગામે ગામથી જેમ કે પોરબંદરથી મેર સમાજનાં ભાઇ બહેનો, ઘેડમાંથી આહીર અને કોળી સમાજ, નાઘેરમાંથી કારડીયા રાજપુત સમાજ, હાલારેથી કણબી-વાણીયા, વેપારી સમાજ, બાબરીયાવાડ, ભાલ, ઝાલાવાડ, ગોહીલવાડ, કચ્‍છ, વાગડ, બરડો, કાઠીયાવાડ વગેરે પ્રાંતોમાંથી અઢારેય વરણનાં ભાઇ-બહેનો કોઇ જ નાત જાતનાં ભેદભાવ વિના કે કોઇ ધનવાન કે ગરીબનાં વાદ વગર સૈા કોઇ આવે છે. અને આવનારને કોઇ જ સુવિધાની જરૂરત નહીં. આજે વખત વિતતો ચાલ્‍યો, જમાનાની અસર અને વાહન વ્‍યવહારોની સગવડ વધતા આ પરિક્રમામાં રાજ્યભરમાંથી તો ઠીક પણ દેશ-વિદેશમાંથી યાત્રીકો ભાવિકો આવવા લાગ્‍યા છે. દરેક વર્ષે યાત્રીકો વધતા જ જાય છે. હજારોની સંખ્‍યામાં અને લાખોમાં આંકડો તબદીલ થયો હોવા છતા ઈશ્વરનાં આશિર્વાદ અને રાજ્ય સરકારનાં વહીવટી તંત્ર તેમજ સ્‍થાનિક સેવાભાવી સંસ્‍થાઓ એસ.ટી નિગમ, પોલીસતંત્ર, મહાનગરપાલીકા, જિલ્‍લાપંચાયત, આરોગ્‍ય અને આયુર્વેદ શાખા, માહિતી વિભાગ સહિત જૂદા-જૂદા જિલ્‍લાઓમાંથી આવી સેવા કરતા સેવાભાવી મંડળો, યાત્રીકોને કોઇજ અગવડતા ના પડે તેની તકેદારી રાખે છે. સહુને આત્‍મિયતાનાં ઓજસે પ્રકાશનાં પુંજથી રોશન કરતો આ રૂડો અવસર સારા વરસાદથી વધુ નિખરશે. સંસ્‍કૃતિ અને પ્રકૃતિનાં મિલાપ સમા આ લીલી પરિક્રમાંનાં પ્રત્‍યેક યાત્રીકને યાત્રા શુભ બની રહે તેવી શુભકામનાં. . . girnar lili parikama parikma in junagadh in gujarat india


વેકેશનમાં ખરા બપોરે રમવાના બદલે જૂનાગઢના બાળકોએ પાણીની પરબ શરૂ કરી

junagadh child

junagadh child

ધોમધખતો તાપ પડી રહયો છે સૂર્ય નારાયણ કોપાયમાન છે ત્યારે લોકોને તડકામાં પાણીની તરસ લાગે તે સ્વાભાવિક છે. લોકોની તરસ છીપાવવા માટે જૂનાગઢના ત્રણ બાળકોએ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. સામાન્ય રીતે વેકેશન પડે ત્યારે બાળકો રમવામાં કે ફરવામાં પોતાનો સમય કાઢતા હોય છે ત્યારે જૂનાગઢના આ ત્રણ બાળકોનું આ કામ ખરેખર અભિનંદનને પાત્ર છે. મળતી માહિતી પ્રમાણે જુનાગઢના બસ સ્ટેન્ડ પાછળ આવેલી સોસાયટીમાં બળબળતા તાપમાં નીકળતા લોકો માટે દીપ દયાની, વંશ લવાની અને હર્ષ નામના ત્રણ બાળકોએ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. આ બાળકોએ બપોરે ૩ થી ૫ સુધી પાણીની પરબ શરૂ કરી છે. આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને અંકલ પાણી પીતા જાવ, આંટી પાણી પીતા જાવ, કહીને બોલાવી બોલાવી આ બાળકો લોકોને પાણી પીવડાવે છે. ત્રણ નાના બાળકોએ શરુ કરેલા પાણીની પરબ ઉપર લોકો પાણી પી ગરમીમાંથી રાહત મેળવે છે. આ જ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ આ બાળકોની સેવા જોઈ લોકો ચોંકી ઉઠ્યા છે. બાળકોની પરીક્ષા પૂર્ણ થઇ અને વેકેશનનો સદુપયોગ કરવાનો વિચાર આવતા તેમને પાણીના પરબની શરૂઆત કરી હતી. પોતાના ઘરેથી જ પાણી ભરીને લાવી અને આ બાળકો લોકોને પાણી પીવડાવે છે. આ કામમાં તેમના પરિવારજનો પણ તેમને મદદ કરે છે..


સૌરાષ્ટ્રના પિખોર જેવા નાનકડા ગામના ૪૫ જેટલા યુવાનો સશસ્ત્ર દળમાં ફરજ બજાવી માં ભોમની રક્ષા કરી રહયા છે

army soldier - pikhor

army soldier – pikhor

સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાથી અંદાજે પંદર કિલોમીટર દુર માંડ ૧૮૦૦ જેટલી વસ્તી ધરાવતા નાનકડા એવા પીખોર ગામમાંથી આજે ૪૫ જેટલા યુવાનો આર્મીમાં ફરજ બજાવી દેશસેવા કરી રહ્યા છે. ગુજરાતી યુવાનો ફૌજ, બી.એસ.એફ સહિતના સુરક્ષા દળમાં ઓછા હોવાનું મહેણુ મારવામાં આવે છે પરંતુ પિખોર ગામના આ યુવાનોએ આ મહેણુ ભાંગ્યું છે. નાનકડા ગામમાંથી આટલી મોટી સંખ્યામાં આર્મીમાં ફરજ બજાવતા યુવાનો માટે ગામલોકો ગર્વ લે છે. પીખોર ગામમાંથી જેટલા યુવાનો આર્મીમાં જોડાયેલા છે તે પૈકી સૌથી વધારે મયા દરબાર સમાજના યુવાનો છે. આ ગામમાંથી મયા દરબાર સમાજ, દલિત સમાજ, રબારી સમાજ, બાવાજી સમાજ, પાટીદાર સમાજ, વાણંદ અને કુંભાર સમાજમાં થી યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે અને આમાંથી ઘણા આર્મીમાંથી ફરજ બજાવી નિવૃત પણ થઇ ચુક્યા છે. અને આ નિવૃત થયેલા જવાનો ગામના યુવાનો ફૌજ  બી.એસ.એફ માં જોડાય તે માટે તાલીમ આપે છે આ ગામના આગેવાનોના જણાવ્યા મુજબ આ ગામમાં ઘરે ઘરેથી એક એક યુવાનને મા ભોમની રક્ષા કાજે તૈયાર કરવામાં આવે છે. અને આગામી પાંચ વર્ષમાં વધુ ને વધુ યુવાનોને આર્મીમાં મોકલવાના છે. પિખોર ગામના લોકોની દેશ ભાવના આપણા સહુ માટે પ્રેરણાદાયી છે.


વિસાવદરનાં ભલગામમાં એક અજીબ મુંગા જીવની અનોખી દાસ્તાન

Dog in Vishavadar

Dog in Vishavadar

જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાનાં ભલગામ (મોટા) ગામે એક અજીબ શ્વાને લોકોને અચંબામાં મૂકી દીધા છે. ગામમાં કોઇને ત્યાં મૃત્યુ થાય ત્યારથી લઇને મૃતકની ઉત્તરક્રિયા ન પતે ત્યાં સુધી આ શ્વાન એક ઘરનાં સભ્યની માફક રહે છે. ગામમાં કોઇનું મૃત્યુ થાય ત્યારે મૃતકને ઘેર ગામલોકો ની સાથે આ શ્વાન પણ પહોંચી જાય છે અને તેના આપ્તજનોની માફક જ રડવા લાગે એ પાછું સ્મશાનયાત્રામાં પણ જોડાય, અંતિમ વિધી વખતે ચિત્તાની પાસેજ રહે. અગ્નિદાહ દેવાયા બાદ તેની આંખમાંથી મૃતકને જાણે અંજલિ આપતો હોય એમ અશ્રુધારા વહાવે અને પરિવારજનો સાથે જ પરત ફરી અન્યોની જેમ સ્નાન પણ કરે.છે  હવે તો ગામલોકો પણ જાણી ગયા હોઇ તેને ચા – પાણી, ખાવાનું આપે છે  મૃતકની ઉત્તરક્રિયા ન પતે ત્યાં સુધી આ કુતરું તેને ઘેર જ ધામા નાંખે છે અને ખુબીની વાત તો એ છે કે એક કુતરૂં પોતાની શેરીમાંથી બીજી શેરીમાં જાય તો ત્યાંનાં કુતરાં તેને ભસીને ભગાડી મુકતા હોય છે પણ આ શ્વાન મૃતકને ઘેર જાય તો એ શેરીનાં કુતરાં તેને ભસતા નથી તેર દિવસ માટે એ ત્યાં જ રહે છે તથા મૃતકનો ખરખરો કરવા માટે પાથરેલાં ગાદલાં પરજ તે બેસે છે જો કે તેર દિવસ બાદ મૃતકનાં પરિવારજનો મહાદેવનાં મંદિરે દિવો મૂકવા જાય ત્યારે તેની સાથે જાય છે અને ત્યાંથી પછી તે પાછું નથી ફરતું. માનવી પ્રત્યે અનોખી લાગણી ધરાવતા આ શ્વાનને હવે ગામલોકો પણ શેરીનાં કુતરાંની જેમ ક્યારેય હડધૂત નથી કરતા


જૂનાગઢનાં છોટુભાઇને વાનરો સાથે ગજબ ની મિત્રતા છે

Chhotubhai - Junagadh

Chhotubhai – Junagadh

જૂનાગઢમાં રહેતા છોટુભાઇ ને ગિરનારના જટાશંકર જતા લોકો લગભગ દીઠે ઓળખે છે. અડાબીડ જંગલ વચ્ચે જઇ વાનરોને બટેટા ખવડાવતા તેઓ નજરે ચઢતા હોય છે અને વાનરો પણ તેમના હાથમાંથી બટેટા લઇ પેટપૂજા કરતા જોવા મળે છે  વાનરો તેમના ખંભા પર તો કયારેક તેમના ખોળામાં બેસીને ગેલ કરતા હોય છે..  વાનરો સાથે છોટુભાઇની મીત્રતા ખરેખર પ્રેરણાદાયક છે


જૂનાગઢનાં કલ્પનાબેન જોષીએ 2500 જેટલા સાપ પકડ્યા છે

Kalpna Joshi Snake Catcher - Junagadh

Kalpna Joshi Snake Catcher – Junagadh

જૂનાગઢ : આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને પુરૂષ સમોવડી બનતી જાય છે ત્યારે જૂનાગઢનાં એવા  જ કોબ્રા ક્વિનનાં નામે ઓળખાતા કલ્પનાબેન જોષી કે જેણે 13 વર્ષમાં 2500 થી વધુ સર્પ પકડીને સમાજની મહિલાઓ અને પુરૂષોને એક અનેરૂ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કલ્પનાબેન છેલ્લા 13 વર્ષથી સર્પ પકડે છે. સર્પ પકડવાના શોખને કલ્પનાબેને એક અનોખી સેવા સાથે સમાજને એક નવું જ ઉદાહરણ આપ્યું છે. પહેલાનો સમય એવો હતો કે ઘણા સમાજનાં લોકો મહિલાઓને ઘરની બહાર નિકળવા નહોતા દેતાં પરંતુ આજે સમય બદલાયો છે. બેંક, રેલ્વે, પોસ્ટઓફિસ, બસ કંડકટર સહિત દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓએ સ્થાન મેળવી લીધું છે. મહિલાઓની દરેક ક્ષેત્રમાં અગ્રસ્થાનને લઇને ઘણાં પુરૂષોએ કહ્યુ કે માત્ર ઘર સાચવણી અને પરિવારની સારસંભાળ લેવાનું કામકાજ  મહિલાઓ કરી શકે પરંતુ ઘણી એવી મહિલાઓ એવી છે કે જેણે આવું બોલનાર પુરૂષવર્ગનાં મોંને બંધ કરી દીધા છે. એવું જ કંઇક જૂનાગઢની કોબ્રા ક્વિનનાં નામે ઓળખાતા કલ્પનાબેન જોષીએ કરીને બતાવ્યું છે. સાપ પકડવાએ કંઇ નાની સુની વાત નથી. જીવનાં જોખમીવાળી વાત છે ઘણીવાર સાપ કરડવાથી માણસનું મૃત્યુ પણ થઇ જાય છે. ત્યારે કલ્પનાબેને સાપ પકડવાના શોખને આજે સેવામાં રૂપાંતર કર્યુ છે.

કલ્પનાબેન વ્યાવસાયીક રીતે પ્લેહાઉસ ચલાવે છે અને સાથોસાથ એલએલબીનો અભ્યાસ પણ ચાલુ છે કલ્પનાબેન જ્યારે 8 વર્ષનાં હતા ત્યારે સૌપ્રથમ સાપને હાથમાં પકડ્યો હતો. ત્યારપછી બીક જતી રહી હતી. ત્યારથી લઇને અત્યાર સુધીમાં 2500 થી વધુ સર્પ પકડ્યાં છે. જેમાં ઝેરી સાપ, બિનઝેરી, અજગર, ચંદનઘો, મગર વગેરેનાં રેસ્કયુ કર્યા છે. સાપ પકડવાનો શોખ હતો માટે ધીરે-ધીરે તેને ઓળખતા શીખ્યા તે વિષેની બુકો વાંચીને તેનાં વિષેનું જ્ઞાન મેળવ્યું આ રેસ્ક્યુ દરમિયાન ઘણી બધીવાર સાપ કરડયા પણ છે. કલ્પનાબેનને પરશુરામ ફાઉન્ડેશન, માધવ કો – ઓપરેટીવ બેંક જેવી અનેક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. કલ્પનાબેન જોષીએ જણાવ્યું કે હું આજની મહિલાઓને એટલું જ કહેવા માંગુ છું કે પરિવાર અને પતિનો સપોર્ટ સારો હોય તો આજની મહિલાઓએ પોતાના મગજમાંથી એ કાઢી નાંખવું જોઇએ કે સ્ત્રી હોવાથી આ વસ્તુ મારાથી ન થાય.


બાંટવાનાં લખધીરભાઇ ની હાથવણાટની કલા ખરેખર અદભુત છે

Lakhdhirbhai Parmar - Batva

Lakhdhirbhai Parmar – Batva

જૂનાગઢ : કોઇ તમને કહે કે કપડા, ઝૂલા કે લગ્ન મંડપ,  કોઇપણ પ્રકારનાં મશીન, સોય કે સંચા વગર તૈયાર થાય છે તો તમને પહેલા આ વાત ગળે નહીં ઉતરે તમે કહેશો કે આવું કઇ રીતે થાય પરંતુ આટલી જ નહી 300 થી પણ વધુ વસ્તુઓ માટે હાથની આંગળીને જ એક વૃદ્ધે બનાવ્યું છે જી હા, બાંટવામાં રહેતા લખધીરભાઇ પરમાર છેલ્લા 30 વર્ષથી કોઇપણ પ્રકારનાં મશીન વગર ગાંઠોનાં ગણિતથી આવી વસ્તુઓ બનાવી રહ્યા છે એટલુ જ નહી તેમની આ હાથ વણાટની કલા દેશ – દુનિયામાં પણ ખ્યાતી પણ પામી છે માત્ર થોડુ ભણેલા લખધીરભાઇએ કલાને કોઇ સીમાડા નડતા નથી તે કહેવતને સાર્થક કરી છે એટલું જ નહીં આ કલાને તેણે જીવી જાણી છે. બાંટવાનાં લખધીરભાઇ કડવાભાઇ પરમાર ઉર્ફે સુધીરભાઇને આજથી 30 વર્ષ પહેલા તેમના બહેને એક પર્સ બનાવવા માટે રેશમની દોરી આપી અને ગાંઠ વાળતા શીખવ્યું બસ ત્યારથી મનમાં વિચાર ઝબક્યો કે જો આ રીતે એક પર્સ બનતુ હોય તો અન્ય વસ્તુઓ કેમ ન બને અને ત્યારથી તેમની ગાંઠનાં ગણિતની સફર શરૂ થઇ. માત્ર એક રેશમ કે કોટનની દોરીમાંથી કપડા, બુટ, સ્કટ, ટોપ સહિતની વસ્તુઓ સુધીરભાઇ બનાવ્યા લાગ્યા બાદમાં તેઓએ એનઆઇએફડી અને નીફ્ટનાં વિદ્યાર્થીઓને પણ તાલીમ આપી ધીમે – ધીમે તેમની કલા દેશ-વિદેશમાં ફેલાવા લાગી એમાંય, ગાલીચા, ઝૂલા, લેડીઝ વેર અને ગૃહ સજાવટની વસ્તુઓની માંગ દિન પ્રતિદિન વધતી ગઇ પરંતુ ત્યાં તેમને પૈસા તો ખૂબ મળ્યા પરંતુ જે ક્રેડીટ મળવી જોઇતી હતી તે ન મળી અને અંતે તેમણે આ સંસ્થા સાથે છેડો ફાડ્યો લખધીરભાઇ કહે છે કે અત્યાર સુધીમાં 500 થી વધુ ઝૂલા અમેરીકામાં વેચાયા છે. સરકાર દ્વારા લખધીરભાઇને આ કલા બદલ 2003 માં રાજયપાલનાં હસ્તે વોલપીસ હસ્તકલા કારીગરી ક્ષેત્રનો પ્રથમ ક્રમનો એવોર્ડ મળ્યો છે તેઓ દોરી કામથી થ્રીડી ઇફેકટમાં પણ કામ કરી શકે છે પરંતુ અફસોસ એ વાતનો છે કે આ કલા અત્યાર કોઇ શીખવા તૈયાર નથી જો સ્ત્રીઓ ઘર બેઠા આ કલા શીખે તો એક સારી રોજગારીની તકો પણ ઉભી થઇ શકે તેમ છે  ત્યારે જૂનાગઢ કે અન્ય શહેરનાં લોકો કલા શીખવા માંગતા હોય તો તેઓએ પોતાનો સંપર્ક કરવા જણાવ્યું છે.


વિસાવદરના નટુભગત ઘેરઘેરથી રોટલા ઉઘરાવી ગાયો તથા કુતરાના કોઠા ટાઢા કરે છે

Natubhai Dabhi - Visavadar

Natubhai Dabhi – Visavadar

વિસાવદર  : પવિત્ર યાત્રાધામ સતાધારાની છત્રછાયા છે તેવા વિસાવદર પંથકમાં ‘સંતોની ભૂમિમાં અનોખા માનવી’ પંકિતને યથાર્થ કરતાં ‘કેટલાક’ અલગારી જીવો પણ છે… વાત જાણે એમ છે કે વિસાવદર નજીક ભલગામ (મોટા) ખાતે એક દરજી ભગત રહે છે  જેનું પુરૂ નામ નટવરલાલ ગોપાલજી ડાભી (ઉ.વ.૬૦),  ધંધો – દરજી કામ, પત્‍ની બે દિકરી – બે દિકરા સહિત પાંચ વ્‍યકિતના પરિવાર સાથે ૧ રૂમ – રસોડા સાથેના નળીયાવાળા મકાનમાં રહી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ નોખી માટીના અનોખા માનવી સમા નટુ દરજી આમ તો ‘નટુ ભગત’ તરીકે જાણીતા છે સામાન્‍ય સ્‍થિતિમાં પણ નિજાનંદ મેળવતો આ અલગારી જીવ છેલ્લા ૧૬ વર્ષથી અનોખો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. નટુ ભગત ભલગામથી વિસાવદર ર૦ કિલોમીટરનો માર્ગ સાયકલ પર કાપે છે અને છેલ્લા ૧૬ વર્ષથી વિસાવદર આવી ગંજીવાડા – જીવાપરા બંને ખેડુ વિસ્‍તારમાંથી સપ્‍તાહમાં એકવાર દર શુક્રવારે ખંભે ઝોળે નાખી ‘સંત દેવીદાસ’ના આહલેક સાથે રોટલા ઉઘરાવે છે અને ગાયો તથા કુતરાઓને રોટલા નાખી આ મુંગા જીવોના કોઠા ટાઢા કરે છે  વળી સાથોસાથ બાળકોને પણ ચોકલેટ વિતરણ કરી નિજાનંદ માણે છે. ‘નટુ ભગતે’ બે દિકરીઓને સાસરે વળાવી છે. એક દિકરીને ઘરબારી કરવાની છે. બંને દિકરા હજુ સગીર વયના છે તેને પણ ધંધે ચડાવવાના છે પણ ‘નટુ ભગતે’ એક જ વાકય બોલે છે કે ઉપાધી કરે હજાર હાથવાળો આપણી  શુ ત્રેવડ છે..? નટુભાઇ સિલાઇ મશીનના જબરા કારીગર છે ઘરનું ગાડુ ગબડાવે છે  નટુભગતે ૧૪ વર્ષ સુધી ભવનાથમાં શિવરાત્રી -પરિક્રમમાં પણ અન્નક્ષેત્રોમાં સેવા આપી હતી નટુ ભગતે ‘સંતવાણી’ના જબરા પ્‍યાસી છે  આખો દિ’ સાયકલ ઢસરડી ગમે ત્‍યાં કામે જાય અને રાત્રે પણ સંતવાણીના કાર્યક્રમોમાં ઘેર કોઇને કહયા વગર ચાલી નિકળે.. તેઓ સાયકલ પર પણ ભાવનગર જિલ્લામાં બગદાણા, બજરંગદાસબાપુના આશ્રમે, રાજપરા ખોડીયાર મંદિરે, ઉંચા કોટડા ચામુંડાના મંદિરે પણ પહોંચી જાય છે. આવા છે.. સંતોની ભૂમિના અનોખા માનવી…


ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે એક ખાસ મુલાકાત

Meet Atul Chotai With Bhikhudan Gadahvi

Meet Atul Chotai With Bhikhudan Gadahvi

શબ્દની સાધના અને ચિંતનની આરાધના થકી સ્વરસિધ્ધિ પ્રાપ્ત કરીને લોકપ્રિયતાના ડુંગરા સર કરનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ ને વર્ષ ૨૦૧૩ ના દીપાવલીના પર્વ નિમિત્તે એક નાની એવી શુભેચ્છા મુલાકાત લેવાની ઉત્તમ તક મળી હતી.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી વિષે આપણે આછેરો પરિચય મેળવીએ તો તેમનો જન્મ જૂનાગઢ જીલ્લાના કુતિયાણા તાલુકાના ખીજ્દળ ગામે તા.૧૯-૦૯-૧૯૪૮ ના રોજ થયો અને તેમનુ મૂળ વતન જૂનાગઢ જીલ્લાના કેશોદ પાસેનું માણેકવાડા ગામ છે અને તેઓએ અભ્યાસમાં ઓલ્ડ એસ. એસ. સી પાસ કરેલ છે. તેઓ ખેતી કરવાનું પણ જાણે છે અને સાથે સાથે રેડીયો – ટીવી તેમજ જાહેર પ્રોગ્રામો દ્રારા ગુજરાતી લોકોના હદયના તેમણે એક અનેરૂં સ્થાન મેળવ્યું છે.

ભીખુદાનભાઈના જાહેર પ્રોગ્રામોની આજ સુધી ૪૫૦ જેટલી ઓડિયો સીડી તથા ગુજરાતી લોકસાહિત્યની તથા ગ્રામ્ય સંસ્કારનું જતન કરતી ઘણી વિડીયો કેસેટો પણ બહાર પાડેલ છે અને ભીખુદાનભાઈએ દુબઇ, અબુઘાબી, શારજહા, બહેરીન, મસ્કત, સિંગાપુર, લંડન, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઈન્ડોનેશીયા, મોરેશીયસ સહિતના ઘણા દેશોમાં તથા ભારતભરમાં મુંબઈ, દીલ્હી, કલકતા, ચેન્નઈ અને બેંગ્લોર જેવા મહાનગરોમાં પણ પોતાના કાર્યક્રમો દ્વારા લોકપ્રીયતા મેળવી છે.

ભીખુદાનભાઈ એ સમાજ અને રાષ્ટ્ર માટે પણ ઘણા નિ:શુલ્ક કાર્યક્રમો કર્યા છે. વૈભવથી ઝગમગતા અમેરિકા જેવા દેશો  સુધી પોતાની ૪૩ વર્ષની સફરમાં દસેક હજાર જેટલા કાર્યક્રમો દ્ધારા ગુજરાતી લોક સાહિત્યની સુવાસ ભીખુદાનભાઈએ ફેલાવી છે. ભીખુદાનભાઈને લોકસાહિત્યની આ શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતીના હસ્તે વર્ષ – ૨૦૧૦માં સંગીત નાટક અકાદમી એવોર્ડ થી સન્માનીત પણ કરેલ છે. આ સિવાય ભારત સરકાર – ગુજરાત અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્ધારા પણ તેમને માન સન્માન અને એવોર્ડ મળેલા છે. ભીખુદાનભાઈ નિરાંતના સમયમાં પોતાના ફાર્મહાઉસ  ભરતવન ખાતે સમય પસાર કરે છે. સવાર સાંજે  નિયમિત પુજા કરે છે અને  વાંચન પણ કરે છે. આટલી મોટી વ્યક્તિ હોવા છતાં પણ તેઓ ખુબ જ સરળ અને નિખાલસ છે.

તેઓએ અમારી તથા અમારા મિડિયા પરીવાર ના સભ્યો સાથે ખુબજ સરળતાથી ઘણી બધી વાતો કરી હતી અને સારું વાંચીને, સારું સંભાળીને, સારા લોકોનો સંગ કરીને સમાજ કઈક સારું આપવું જોઈએ. જો કે આમ કરવાથી તેની સારી અસરો મોડી જરૂર થશે પણ ઈશ્વર દરેક માણસની તેની સાચી મહેનત અને નિષ્ઠાનો બદલો જરૂર આપે છે તેવું જણાવેલ હતું તથા મીડિયા ક્ષેત્રની આ કામગીરીમાં પણ સાચી જવાબદારી નિભાવવી લોકોને સાચા અને સારા સમાચારો આપી સમાજ અને દેશ માટે નિષ્ઠાથી કામ કરવાની શીખ પણ આપી હતી અને અમારા મિડિયા પરીવાર ના તમામ સભ્યને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથેની શુભેચ્છા મુલાકાતમાં અતુલભાઈ ચોટાઈની સાથે રાજકોટના ફોટોગ્રાફર શ્રી વિપુલભાઇ પડાળીયા અને શિક્ષણક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવનાર શિક્ષણ વિભાગના વહીવટી કર્મચારી શ્રી બ્રીજેનભાઈ પાંઊ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો પત્ર વ્યવહારથી નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી, બી – ૪૪,  રાધાકૃષ્ણ નગર,
મોતીબાગ પાસે, જૂનાગઢ – ૩૬૨ ૦૦૧


માત્ર ૫૦ રૂપિયામાં જ વેચાયું હતું ધીરૂભાઇ અંબાણીનું મકાન..??

Dhirbhai Ambani House

Dhirbhai Ambani House

ધીરૂભાઇ કુકસવાડામાં જન્મયાં હતાં. આ છબીમાં આપને દેખાય છે તે જ ઘર વિશ્વાસ નહિ આવે કે આ ઘર માત્ર ૫૦ રૂપિયામાં ધીરુભાઈના પિતા હીરાચંદભાઈ એ વેંચી દીધું હતું કેમકે રૂપિયાની જરૂરિયાત હતી અને તે માટે તેમના પડોશમાં રહેતા નટવરલાલ વસરાની એ લીધું હતું ત્યારે નળિયા વાળું મકાન હતું અને ત્યારબાદ નટવરભાઈ એ આ મકાન પાડીને વ્યવસ્થિત બાંધકામ કર્યું હતું અને આજે ત્યાં નટવરલાલના પુત્ર શાંતિભાઈ રહે છે.

શાંતિભાઈ વસરાનીનાં જણાવ્યાં પ્રમાણે આ મકાન તેમનાં પિતા એ ૧૯૩૫ માં લીધું હતું માત્ર ૫૦ રૂપિયામાં અને ત્યારે જુનું કાચું મકાન હતું અને અમને મકાન વેંચી નાખ્યા બાદ તેઓ ચોરવાડ રહેવા ગયા હતા ત્યાં તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. ધીરુભાઈનો જન્મ આ જ ઘર માં થયો હતો અને ત્યારે નવાબનું રાજ હતું ત્યારે ૧૯૩૫માં આ મકાનના દસ્તાવેજમાં હીરાચંદભાઈ અંબાણીની સહી પણ છે નટવરલાલ વસરાની સાથે પારિવારિક સંબંધો ધરાવતા હીરાચંદભાઈ એ આ મકાન માત્ર ૫૦  રૂપિયામાં વેંચી અને ચોરવાડ રહેવા ગયા ત્યાં ત્યારે ધીરુભાઈની ઉમર માત્ર ૫ વર્ષની હતી. આજે કુકસવાડા ગામનાં લોકો ધીરુભાઈ ને ખુબજ યાદ કરે છે અને આમ જોઈએ તો કુકસવાડા જ ધીરુભાઈનું જન્મ સ્થળ છે પરંતુ ચોરવાડ ગયા બાદ અત્યારે ચોરવાડ તેમનું જન્મ સ્થળ માનવામાં આવે છે.