ATUL N. CHOTAI

a writer – since 2014


ભારતનું એક માત્ર પતંગ મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે

kite museum

kite museum

ગુજરાતમાં અમદાવાદના આકાશને વિશ્વના પતંગોત્સવની રાજધાની ગણવામાં આવે છે ત્યારે અમદાવાદનું પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ હોવાના નાતે ખાસ મહત્વ ધરાવે છે. અમદાવાદના ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર ભાનુભાઈ શાહના પતંગોના પોતાના અંગત સંગ્રહમાંથી આ મ્યુઝિયમની શરૃઆત થઈ હતી. જો કે આજે આટલા વર્ષો પછી પણ પછી પહેલા જેમ હતું તેમ જ છે. મ્યુઝિયમમાં ૨૦૦ કરતાં વધારે કલાત્મક પતંગોનો સંગ્રહ સચવાયેલો પડયો છે જેમાંથી ૧૦૦ જેટલા પતંગને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. સમયાંતરે આ પતંગોની ફેરબદલી થતી રહે છે. હવે તો કળાના આવા ઉત્તમ નમૂના સમાન પતંગો બનાવનાર કારીગરો જ હવે રહ્યા નથી તે જોતાં આ પતંગ મ્યુઝિયમમાં સચવાયેલા પતંગો કળાની દ્રષ્ટિએ અનેરૃ મહત્વ ધરાવે છે.

પતંગ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મુકાયેલા તમામ પતંગો ભાનુભાઈ શાહે એકત્ર કરેલા છે. જાત ભાતના પતંગો ઉપરાંત પતંગો વિષે વિશ્વભરમાંથી રસપ્રદ માહિતી એકઠી કરવા પાછળ ભાનુભાઈએ ખૂબ મહેનત કરી છે. તેમના જણાવ્યા મુજબ ૧૯૮૨માં સ્કાય એબોવ ઇન્ડિયા નામનું એક્ઝિબિશન યોજાવાનું હતું ત્યાં મેં મારી પતંગો મોકલી ત્યાં તે ખૂબ વખણાઈ અને એ પછી કાઈટ મ્યુઝિયમ બનાવવાનો મારો વિચાર દ્રઢ થતો ચાલ્યો. વિશ્વભરના મ્યુઝિયમોમાંથી મેં પતંગો વિષેની માહિતી એકત્ર કરી તેનું ડોક્યુમેન્ટેશન કરવા માંડયું. ૮૬ માં એ વખતના ક્મીશ્નર વાસુસાહેબે તેમને સંસ્કારકેન્દ્રમાં મ્યુઝિયમ બનાવવા જગ્યા ફાળવી આપી અને આ રીતે ભારતનું પહેલું પતંગ મ્યુઝિયમ અમદાવાદમાં શરૃ થયું અને આજે આ પતંગ મ્યુઝિયમે ૩૦ વર્ષની સફર કાપી છે એ વાતનો તેમને આનંદ છે.

આ મ્યુઝિયમમાં પતંગના ઈતિહાસ અંગે રસપ્રદ માહિતી, ફુવારા – પક્ષીઓ નહેરુ ગાંધી જીઓમેટ્રીકલ ડિઝાઈનના પતંગો, કાગળના અનેક ટુકડા જોડીને બનાવાયેલા પતંગો, અત્યાર સુધીમાં ઉડાવાયેલા વિવિધ આકારના પતંગ વિષે માહિતી, વિવિધ જંતુઓના આકાર ધરાવતા પતંગો અંગે માહિતી, અમદાવાદની ઉતરાયણની લાક્ષણિકતા દર્શાવતા ફોટા, વિમાનની રચનામાં પતંગનો શું રોલ તે વિષે માહિતી, માણસને ઉંચકતા પતંગો વિશે, સદીઓ પહેલાના ભારતિય શાસ્ત્રોમાં પતંગના ઉલ્લેખ અને તે ઉપરથી રચાયેલા મિનિએચર પેઈન્ટિંગ્સ અંગે માહિતી, યુધ્ધ દરમિયાન અને માછલી પકડવાં જેવા વિવિધ ઉપયોગોમાં પતંગ કઈ રીતે વપરાતા..??  તેની સચિત્ર રજૂઆત તથા અમદાવાદની ઉત્તરાયણ ઉપર બનેલી ડોક્યુમેન્ટરી જોવા મળે છે. આ મ્યુઝિયમ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું છે અને મ્યુઝિયમ સવારના ૧૦ થી સાંજના ૬ દરમિયાન ખુલ્લુ રહે છે. સોમવારે બંધ રહે છે તથા પ્રવેશ નિઃશુલ્ક છે..


વિઠ્ઠલભાઈ દેલવાડીયાએ પતંગબાજી માં ગુજરાત નું નામ રોશન કર્યું છે

Vithalbhai Delvadiya - Navsari

Vithalbhai Delvadiya – Navsari

નવયુવાનોને શરમાવી દે એવા ગુજરાતના જાણીતા પતંગબાજ અને ૨૫ થી પણ વધુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈને ૧૫૦ થી વધુ ટ્રોફીઓ સાથે ૪ ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલા દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના સાગરા ગામના ૭૭ વર્ષીય વિઠ્ઠલભાઈ દેલવાડીયા આજે પણ ફીરકીના તાલે પતંગોને આકાશમાં નચાવી રહ્યા છે. ગુજરાતના એકમાત્ર વિઠ્ઠલભાઈ દેલવાડીયા જેઓ અવનવી ડીઝાઈનના રેપ સોપ નાયલોનના પંતગો પોતાની કારીગીરીથી જાતે સિલાઈ કરી બનાવે છે અને વિવિઘ પક્ષીઓના આકાર સાથે એક સાથે ૫૦૦ જેટલા પતંગો આકાશમાં સુશોભિત કરે છે. દેશ અને વિદેશોના કાઈટ ફેસ્ટીવલમાં પોતાનું કરતબ તેમણે બતાવેલ છે. ઈ. સ ૧૯૫૨મા ૧૨ વર્ષની ઉમરે બિહારના પટના ખાતે પતંગ મહોત્સવમાં ભાગ લઇ વિઠ્ઠલભાઈએ પ્રથમ ક્રમ મેળવેલ હતો તેઓએ ડો રાજેન્દ્ર પ્રસાદ, અટલબિહારી બાજપેયીથી માંડીને નરેન્દ્ર મોદીના હાથે સન્માન મેળવેલ છે. તેમજ મદ્રાસમાં એક દોરી સાથે ૫૦૧ પતંગ ચગાવવાનો રેકોર્ડ પણ હજી તેમના નામે બોલે છે. નાનપણથી જ પતંગ ઉડાડવાના શોખ ને લીધે ૭૭ વર્ષીય વિઠ્ઠલભાઈ દેલવાડીયા પતંગબાજ વિઠ્ઠલકાકા તરીકે ફેમસ છે. દેશ – વિદેશ અને ઘણા રાજ્યોમાં પોતાનું કૌશલ્ય બતાવી પતંગબાજી માં ગુજરાત નું નામ રોશન કર્યું છે.