ATUL N. CHOTAI

a Writer


સાવરકુંડલાના એક એવા યોગી જેમણે મનોદિવ્યાંગોને પોતાનો પરિવાર બનાવ્યો

સાવરકુંડલા ના માનવ મંદિરમાં ૩૦ થી વધુ નિરાધાર અને સામાજિક રીતે તિરસ્કૃત મનોરોગીઓની અનોખી સેવા થાય છે

Manav Mandir - Savarkundlass

Manav Mandir – Savarkundlass

:: આલેખન ::
દર્શન ત્રિવેદી

પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,

રાજકોટ – ૩૬૦ ૦૦૧

એક વાર એવું બન્યું કે કાત્રોડી ગામમાં રામ પારાયણ ચાલતી હતી. કથાકાર ભગવાન શ્રીરામના ચરિત્રનું ગાન કરતા હતા. એવામાં એક પાગલ વ્યક્તિ ત્યાં આવી ચઢી અન્ય ભાવિકોએ એ પાગલ તરફ ધુત્કાર અને તિરસ્કારની લાગણી વરસાવી એ જોઇ કથાકારનો અંતરાત્મા હચમચી ગયો અને એમનો માંહ્યલો જાગી ગયો. એ જ ક્ષણે એમણે નિશ્ચય કર્યો કે સમાજ જેને પાગલ ગણે છે એવા વ્યક્તિઓની સેવા કરવી છે. પાંચેક વર્ષ પૂર્વેની આ રામકથામાં મનોદિવ્યાંગોની સેવાનું એક બીજ રોપાયું અને આજે એ વટવૃક્ષ બનીને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હાથસણી રોડ ઉપર માનવ મંદિર રૂપે ઝૂમી રહ્યું છે. એ કથાકાર એટલે ભક્તિરામ બાપુ.

નાની ટેકરી પર બનેલા માનવ મંદિરમાં પ્રવેશો એટલે તુરંત એક સૂચના વાંચવા મળે કે અહીંના અંતેવાસીને પાગલ કે ગાંડા કહીને બોલાવવા નહીં. પ્રવેશ દ્વાર પાસે જ ભક્તિરામ બાપુની બેઠક અહીં ભગવાનની પ્રતિમાઓ રાખવામાં આવી છે પણ માનવ મંદિરની મુલાકાત પછી તમને ચોક્કસ પ્રતીતિ થશે કે માનવ મંદિરમાં પૂજા તો અહીંના અંતેવાસી એવા મનોદિવ્યાંગોની જ થાય છે. હાલમાં અહીં ૩૦ જેટલા મનોદિવ્યાંગો છે આ પાંચ વર્ષમાં એકસો કરતા પણ વધુ મનોદિવ્યાંગો સાજાનરવા રૂડી રાણ્ય જેવા થઇ ઘરે ગયા છે માનવ મંદિરમાં સેવાર્થે લાવવામાં આવતા મનોદિવ્યાંગો માટે ચોક્કસ માનકો છે. કોઇ પરિવાર એમના બુદ્ધિક્ષત ભાઇ ભાંડુની સેવા કરવાને બદલે અહીં દાખલ કરવા ઇચ્છતા હોય તો એવા પરિવારને અહીંથી સાફ શબ્દોમાં જાકારો મળી જાય નિરાધારોને અગ્રતા એમાંય રખડતા ભટકતા મનોદિવ્યાંગોનો એક પરિવાર બની ગયો છે. આ પરિવારના મોભી ભક્તિરામ બાપુ કહે છે અહીં આવતા મનોદિવ્યાંગોની રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. જો નામ ન હોય તો નામકરણ થાય જેમકે એક યુવતીને નામ મળ્યું અનામિકા આ રજીસ્ટરમાં વજન સહિતની બાબતોની નોંધ કરવામાં આવે છે. કોઇ પણ મનોવિકલાંગ અહીં આવે એટલે એમની પ્રથમ સારવાર છે ભોજન.. ભક્તિરામ બાપુ કહે છે કે આવી વ્યક્તિને ભરપેટ જમાડો એટલે એમનું અડધુ પાગલપન ચાલ્યું જાય છે. રઝળપાટ દરમિયાન જેવું તેવું જેટલું મળે એટલું ખાતા હોવાથી તેમના શરીરને પડતા કષ્ટની કોઇ સીમા હોતી નથી. એથી જઠરાગ્નિ શાંત થઇ જાય એટલે ગમે તેવા ઉત્પાત મચાવતા અંતેવાસી શાંત થઇ જાય છે.

માનવ મંદિરમાં સારવાર માટે આવતા દરેક અંતેવાસી માટે દૈનિક ક્રમ પણ નિયત કરવામાં આવ્યો છે. સવારે નિત્યક્રિયા બાદ ચા પાણી, નાસ્તો, સ્નાનાદિ ક્રિયા કરાવવામાં આવે છે. પ્રાર્થના- યોગ કરવામાં આવે છે. શબ્દો થકી સરળ લાગતી આ દૈનિક ક્રિયા વાસ્તવમાં બહુ જ અઘરી છે. એક એક અંતેવાસી સાથે બહુ જ પ્રેમપૂર્વક વર્તવું પડે છે. માનવ મંદિરમાં વિશાળ ભોજનાલય બનાવવામાં આવ્યું છે. એમાં અંતેવાસીઓ અને મહેમાનોને એક પંગતે ભોજન પીરસવામાં આવે. વળી અંતેવાસીને પણ ભોજન પ્રત્યેના પોતાના ગમા અણગમાનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. ભક્તિરામ બાપુ પ્રત્યેકની મા બની જમાડે છે બપોર બાદ વિવિધ પ્રકારની રમતો પણ રમાડવામાં આવે. અહીં મનોદિવ્યાંગોની સેવા જોઇ તમને સત દેવીદાસ અને અમર માનું સ્મરણ થઇ આવે. પ્રત્યેક અઠવાડિયે તમામ અંતેવાસીઓનું તજજ્ઞ તબીબો દ્વારા પરીક્ષણ કરવામાં આવે તેમની સલાહ મુજબ સારવાર કરવામાં આવે અહીં આવતા તબીબો પણ એક પણ રૂપિયો લીધા વિના નિઃસ્વાર્થભાવે સેવા કરે છે એક રીતે જોઇએ તો અહીં આવતા તમામ અંતેવાસીઓના જીવન પરથી એક આખી નવલકથા લખી શકાય. અહીં રહેતા એક બહેન સરકારી વીમા કંપનીમાં કર્મચારી હતા. તે રોજ અંગ્રેજીમાં એક ચીઠ્ઠી લખે એમાં કરોડો રૂપિયા કોઇ એકાઉન્ટમાં જમા કરી દેવાનું કહે આવી ચીઠ્ઠીનો એક મોટો બંચ ભક્તિરામ બાપુ પાસે છે. એક યુવતી તો એટલા સરસ ગીતો ગાય કે તમને સાંભળતા જ રહેવાનું મન થાય કોઇ મુલાકાતી એમને મળે એટલે કોઇને કોઇ બહાને તમારી સાથે આવવાની વાત કરે એમનો દયનીય ચહેરો જોઇ તમને પણ લાગણી થઇ આવે..

એક પરિવારની કરુણતાની વાત સાંભળી ગમે તેવા પાષાણહદયીની પણ આંખ ભીની થઇ જાય. આ પરિવારની મા અને દીકરી બન્ને બુદ્ધિક્ષત થઇ ગયા. બન્નેની હાલત દયનીય બન્યા બાદ અહીં લાવવામાં આવ્યા. એક દિવસ દીકરીએ મા ને કોઇ વસ્તુ ફટકારી દીધી પોતાની દીકરીએ મારતા કોઇ તેમને કંઇ ન કહે એ માટે માએ પોતાનો ઘાવ છૂપાવી રાખ્યો આમ છતાં એ ઘા ધ્યાને આવતા સારવાર કરવામાં આવી દુનિયાદારીની કોઇ તમા ન હોવા છતાં એક માં ના દીકરી પ્રત્યેનો પ્રેમ તમને અવાચક કરી મૂકે. આ અંતેવાસીઓ સાથે એમના રઝળપાટ દરમિયાન એવી કેટલીય ઘટનાઓ બની છે કે જે સારૂ છે બહાર નથી આવી નહીં તો માનવતા શર્મસાર થઇ જાય.. આ માનવ મંદિર રામભરોસે ચાલે છે લોકોના દાનના કારણે આર્થિક સંકડામણ આવી નથી. અંતેવાસીની સારવાર માટે કોઇ ખામી રાખવામાં આવતી નથી. લોકો સેવા કરવા માટે પણ અહીં આવે છે. ભક્તિરામ બાપુ રામાયણની એક ચોપાઇ કહે છે પરહિત સરીસ ધરમ નાહી ભાઇ, પરપીડા સમ નહીં અધમાહિ આ માનવ મંદિરમાં માનવતાનું સંરક્ષણ અને સંવર્ધન થાય છે. એ ગર્વ લેવા જેવી બાબત છે દુનિયા જેને મનોરોગી સમજી ધુત્કારે છે તેવી વ્યક્તિ પ્રત્યે સંવેદનશીલ અને માનવતા સભર દ્રષ્ટીકોણથી જોવાની જરૂર છે તેવુ માનવ મંદિરની મુલાકાત ૫છી ચોક્કસ લાગે છે…

Advertisements


લોહાણા સમાજના દર્દીઓ માટે વિનામૂલ્યે સગવડ મળી શકે છે

અમદાવાદ કે મુંબઈ સારવાર અર્થે આવતા લોહાણા સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે રહેવાની સગવડ મળે તેવી વ્યવસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદમાં રોકાવા માટે શ્રી ભવાનભાઈ કોટક મોં – ૯૮૨૫૨ ૩૩૩૨૭ તથા શ્રી જીતેન્દ્રભાઈ કારિયા મોં – ૯૭૨૨૯ ૦૦૯૦૦ અને મુંબઈમાં શ્રી ડો સુરેશભાઈ પોપટ મોં – ૦૯૩૨૦૨ ૨૪૦૧૯ તથા શ્રી શંભુભાઈ હરીયાણી મોં ૦૯૮૯૨૨ ૫૬૪૪૯ નો સંપર્ક કરવા શ્રી લોહાણા મહાપરિષદના હોદેદારો દ્વારા જણાવવામાં આવેલ છે.


આંખના અંધારાને દૂર કરવાનું અનોખું અભિયાન

Gautambhai Upadhyay - ahemdabad

Gautambhai Upadhyay – ahemdabad

આજે ચશ્માના માર્કેટમાં એટલી બધી વેરાઇટી છે કે આપણે જોતા જોતા થાકી જઈએ છીએ બજારમાં સો રૃપિયાથી માંડીને ૧૫ હજાર સુધીના ચશ્મા મળે છે પરંતુ અમદાવાદમાં રહેતા ગૌતમભાઇ ઉપાધ્યાય છેલ્લા ૪૦ વર્ષથી અનોખી સેવા કરી રહ્યા છે તેમણે છેલ્લા સાત વર્ષમાં બાવીસ હજાર જેટલા જરૃરિયાતમંદ વ્યક્તિઓને ૧૦ થી ૫૦ રૃપિયાની કિંમતે ચશ્મા આપ્યા છે. આ કામ ગૌતમભાઇ વિવિધ સંસ્થાઓના સહકારથી કરી રહ્યા છે. મૂળ ચશ્માની દુકાન ધરાવતા ૫૪ વર્ષીય ગૌતમભાઇ ગુજરાતમાં ધાર્મિક સંગઠનો, ધર્માદા સંસ્થાઓ, ચેરિટેબલ હોસ્પિટલો અને નાના મોટા ગામડાઓમાં જઇને લોકોના આંખોના નંબર ચેક કરીને નજીવી કિંમત અથવા મફતમાં ચશ્મા બનાવી આવે છે. ગૌતમભાઈનું અનેક સંસ્થાઓ તરફથી સન્માન પણ થયું છે અને તેઓ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદ બહારના જિલ્લાઓ અને ગામડાઓમાં પણ સેવા આપે છે. આજે ચશ્મામાં એટલી બધી વેરાઇટીઓ આવી ગઇ છે કે સામાન્ય માણસને વર્ષમાં બે જોડી ચશ્મા બનાવવા પણ મોંઘા પડે છે ત્યારે જરૃરિયામંદ વ્યક્તિઓ માટે ગૌતમભાઈ કામ કરી રહ્યા છે આજે સમાજમાં આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિની ખૂબ જરૃરિયાત જણાઇ રહી છે.

Advertisements


છેલ્લા પાંચ વર્ષથી કેન્સરના દર્દીઓ માટે નિ:શુલ્ક હોમ કેર સેવા અપાય છે

થોડા સમય પહેલા એક જ ગામમાં ૩૦ ટકા કરતા વધુ લોકોને કેન્સર છે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. દેશભરમાં કેન્સરની વધતી સમસ્યા સામે તેનો કોઈ ઉપાય આપણી પાસે નથી ખાસ કરીને છેલ્લા સ્ટેજના કેન્સરના દર્દીઓને કિમોથેરથી, રેડીઓથેરપી, ઓપરેશન કે અન્ય કોઈ પ્રકારની કેન્સરની ટ્રીટમેન્ટ ફાયદા કારક નથી રહેતી ત્યારે દર્દી તથા તેના સગા સબંધીઓની પરિસ્થિતિ ઘણી કરુણાજનક બની જતી હોય  છે. આવી પરિસ્થિતિને પાર પાડવા અને ખર્ચાળ હોસ્પિટલોના ચાર્જથી  રાહત મળી રહે તે હેતુથી શિવરંજની ચાર રસ્તા પાસે શ્યામ ઓન્કોલોજી ફાઉન્ડેશન દ્વારા કરૃણાલય કેન્સર પેલીએટીવ કેર સેન્ટરની શરુઆત કરી છે. જેમાં  દર્દીની પીડા જેવી કે અસહ દુ :ખાવો, શ્વાસની તકલીફ, ઉબકા-ઉલટી, ઝાડા જેવી ખરાબ પરિસ્થિતિ ઓછી થઈ શકે તે માટે તબીબી કાળજી લેવામાં આવે છે તેમજ દર્દીને ત્યાં રહેવાનું, જમવાનું, દવાઓ, કાઉન્સલીંગ નિ :શુલ્ક કરી અપાય છે. આ અંગે માહિતી આપતા મેનેજિંગ ટ્રસ્ટી સોનલબહેન શાહ કહે છે કે અમે છેલ્લા સ્ટેજ પર કેન્સર સામે લડી રહેલા દર્દીઓને ‘જીવનમાં દિવસો નહીં પણ દિવસોમાં જીવન ઉમેરવાનું કામ કરીએ છીએ’ અહીં દર્દીને ખુશી મળે તે માટે સંગીત, ટી.વી, કેરમ, ચેસ જેવી એન્ટરટેન્ટમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ કોઈ પણ પ્રકારના ધર્મ કે જાતીનો ભેદ ભાવ રાખ્યા વગર દરેક દર્દીને તેના ધર્મ પ્રમાણે તહેવારની ઉજવણી કરાવાય છે. અને દર્દી સાથે આવેલા સગાને પણ અહીં નિ :શુલ્ક રાખવામાં આવે છે. ૨૦૧૨થી લઈ આજ સુધી અહીં ૧૦૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. જો કેન્સરનો દર્દી છેલ્લા સ્ટેજમાં હોય અને તે હોસ્પિટલ જવા ન માંગતો હોય તો કરુણાલય ટ્રસ્ટના ડોક્ટરો, કાઉન્સલર, સોશ્યલ વર્કર અને સીસ્ટરની એક ટીમ દર્દીના ઘરે જઈને તેમને સારવાર પુરી પાડે છે જો દર્દી હોસ્પિટલમાં રાત્રે રોકાવવા ન ચાહે તો તેમને સવારથી સાંજ સુધી નિ :શુલ્ક દવાઓ, બે ટાઈમનું ભોજન અને દિવસ દરમિયાન રહેવાની વ્યવસ્થા પણ કરી આપાય છે.

દર્દીઓને બધી નિ:શુલ્ક સેવાઓનો લાભ મળશે

– ઘરે બેઠા કાઉન્સલીંગ
– તમામ પ્રકારની દવાઓ
– દર્દીઓને રહેવા, જમવાની સગવડ
– દર્દી સાથે સગાને રહેવાની સગવડ
– દર્દીના છેલ્લા દિવસોમાં શકય તેટલો આનંદ આપવા પ્રયાસ
– દર્દીના સગાવાહલાનું અને દર્દીનું કાઉન્સલીંગ

Advertisements


ભારતના ૫૦ ટકા નાગરિકોના દાંત શા કારણે સડી ગયા છે..?

 – સંજય વોરા

Dental Treatment

Dental Treatment

એક બહુ જાણીતી ટૂથપેસ્ટના ઉત્પાદકો તાજેતરમાં ગાઇવગાડીને જાહેરાત કરે છે કે ભારતમાં દર બીજા માણસના દાંત સડેલા છે. આજે તો ગામડાના લોકો પણ મોટાપાયે ટૂથપેસ્ટ વાપરી રહ્યા છે. તેમ છતાં જો ભારતના ૫૦ ટકા નાગરિકોના દાંત સડી જતા હોય તો તે માટે આજકાલ બજારમાં વેચાતી ટૂથપેસ્ટો જ જવાબદાર હોવી જોઇએ. આજનો ટૂથપેસ્ટનો ધંધો કેવળ નફો રળવા માટે ખોટા દાવાઓ કરી આપણને ગુમરાહ કરતી મલ્ટિનેશનલ કંપનીઓના હાથમાં છે. આ ટૂથપેસ્ટને સ્વાદિષ્ટ, સુગંધી અને આકર્ષક બનાવવા માટે તેમાં અનેક ઝેરી રસાયણો વાપરવામાં આવે છે, જેની કદાચ આપણા ડેન્ટિસ્ટને પણ જાણ નથી હોતી. આપણા ડેન્ટિસ્ટ પણ ટૂથપેસ્ટ બનાવતી કંપનીઓ પાસેથી કમિશન મેળવીને ટૂથપેસ્ટોના દલાલો બનીને દાંતના આરોગ્ય બાબતમાં આપણને ગુમરાહ કરવાનું કાર્ય કરે છે. આ કારણે જે આજે વિદેશોમાં હોલિસ્ટિક ડેન્ટિસ્ટ્રીની અને નેચરલ ટૂથપેસ્ટોની ડિમાન્ડ વધી ગઇ છે. આપણા વડવાઓ બાવળ, લીમડો, દાડમ કે કરંજનાં દાતણ કરતા હતા અને ૧૦૦ વર્ષની ઉંમર સુધી તેમના દાંત મજબૂત રહેતા હતા. આપણા ૭૦ વર્ષના વૃદ્ધો પણ પોતાના દાંત વડે શેરડીનો સાંઠો તોડીને ખાઇ શકતા હતા. આપણાં બાળકો નાનાં હોય ત્યારથી તેમના દાંત સડવા લાગે છે અને ડેન્ટિસ્ટને ત્યાં આપણાં ચક્કર ચાલુ થઇ જાય છે. આપણે બાળકોને નાનપણથી રોજ સવારે અને રાત્રે સૂતી વખતે ટૂથપેસ્ટ ઘસવાની આદત પાડીએ છીએ, છતાં આવું કેમ થાય છે? આપણા વડવાઓ કુદરતી દાતણ કરતા હતા, તેને બદલે આપણે મોટી મોટી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી ટૂથપેસ્ટ વાપરવાનું શરૂ કર્યું ત્યારે શું આપણને ખબર હતી કે આ ટૂથપેસ્ટમાં કયાં કયાં કેમિકલ્સ વાપરવામાં આવે છે અને તેની આપણા દાંત તેમ જ શરીર ઉપર શી અસર થાય છે? હવે પશ્ર્ચિમના વિજ્ઞાનીઓ આપણને ચેતવી રહ્યા છે કે ટૂથપેસ્ટને મીઠી બનાવવા માટે, તેમાં ફીણ પેદા કરવા માટે અને તેને આકર્ષક બનાવવા માટે અનેક હાનિકારક રસાયણો ભેળવવામાં આવે છે, જેનાથી કેન્સર જેવી બીમારીઓ પણ થઇ શકે છે.

દાંતના આરોગ્ય માટે મીઠો સ્વાદ હાનિકારક માનવામાં આવ્યો છે. મીઠા પદાર્થમાં બેક્ટેરિયા વધુ થાય છે અને દાંત ઝડપથી સડે છે. તેમ છતાં ટૂથપેસ્ટના ઉત્પાદકો બાળકોને અને પુખ્ત વયના લોકોને પણ લલચાવવા માટે તેમાં સેકેરીન જેવા કેમિકલ્સ ઉમેરે છે અને પિપરમિન્ટનો સ્વાદ ધરાવતાં કૃત્રિમ રસાયણો પણ તેમાં નાખે છે. હકીકતમાં દાંતની અને પેઢાંની રક્ષા કરવી હોય તો તેને કડવો તેમ જ તૂરો રસ આપવો જોઇએ, પણ આવો સ્વાદ હોય તો બાળકો ટૂથપેસ્ટ વાપરે નહીં અને ધંધામાં ખોટ જાય, માટે દાંતના આરોગ્યની ઉપેક્ષા કરીને પણ ટૂથપેસ્ટમાં સેકેરીન ભેળવવામાં આવે છે. વિજ્ઞાનીઓના મતે સેકેરીન કેન્સરજનક પદાર્થ છે. બાળકો ટૂથપેસ્ટ કરતાં તેને ગળી જાય છે. તેના વાટે સેકેરીન તેમના પેટમાં જાય છે અને તેમને બ્લેડરનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. કોઇ વ્યક્તિ ટૂથપેસ્ટ ગળે નહીં પણ થૂંકી કાઢે તો પણ તેના મોંઢાની મ્યુકસ મેમ્બ્રેન વાટે સેકેરીન લોહીમાં ભળે છે અને કેન્સર પેદા કરે છે. દાંત સાફ કરવા માટે મોંઢામાં ફીણ પેદા કરવા બિલકુલ જરૂરી નથી. તો પણ લોકો પરંપરાગત રીતે દાતણ કરવાનું છોડીને ટૂથપેસ્ટ વાપરવા લોભાય તે માટે તેમાં ફીણ પેદા કરે તેવાં કેમિકલ્સ ભેળવવામાં આવે છે. જાણીને આંચકો લાગશે પણ કપડાં ધોવા માટેના સાબુ, ડિટર્જન્ટ અને શેમ્પૂમાં ફીણ પેદા કરવા માટે જે સોડિયમ લોરીલ સલ્ફેટ નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો જ ઉપયોગ આપણાં મોંઢામાં બિનજરૂરી અને હાનિકારક ફીણ પેદા કરવા માટે કરવામાં આવે છે. સોડિયમ લોરીલ સલ્ફેટ આપણી આંખોને અને મગજને પણ નુકસાન કરે છે. તેના કારણે વાળ પણ ખરવા લાગે છે.

ટૂથપેસ્ટના ઉત્પાદકો આપણને ગાઇવગાડીને કહે છે કે તેમાં ફ્લોરાઇડ ભેળવવામાં આવ્યું છે, જેનાથી દાંતની રક્ષા થાય છે. આ ફ્લોરાઇડના વપરાશ બાબતમાં અમેરિકામાં જબ્બર વિવાદ ચાલી રહ્યો છે. ઘણા વિજ્ઞાનીઓ કહે છે કે ફ્લોરાઇડથી દાંતને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. જો બાળકો પેસ્ટની સાથે ફ્લોરાઇડ ગળી જાય તો તેમનાં મરણ પણ થઈ શકે છે, એમ અમેરિકાનું રિવોલ્યુશન હેલ્થ નામનું મેગેઝિન કહે છે. ફ્લોરાઇડનો ઉપયોગ ટૂથપેસ્ટમાં મર્યાદિત પ્રમાણમાં જ કરવાનાં ધારાધોરણો છે, પણ ફ્લોરાઇડ હવામાં ઊડી જતું હોવાથી ઉત્પાદકો તેમાં જરૂર કરતાં વધુ માત્રામાં ફ્લોરાઇડ ઠપકારે છે, જે હકીકતમાં દાંતને નુકસાન કરે છે. ફ્લોરાઇડના વધુ પડતાં ઉપયોગથી દાંતનું ઇનેમલ ઘસાઇ જાય છે અને દાંતનાં હાડકાં નબળાં પડે છે. આ ઉપરાંત ટૂથપેસ્ટમાં ટ્રિક્લોઝોન, ટિટેનિયમ ડાયોક્સાઇડ અને હ્યુમકંટ નામનાં કેમિકલ્સ વપરાય છે, જેનાથી આરોગ્યને ફાયદો થાય છે કે નુકસાન તેની આપણને કોઇ ચોક્કસ માહિતી નથી. તમે કોઇ ઇમાનદાર અને ટૂથપેસ્ટ બનાવતી કંપનીએ જેને ભ્રષ્ટ ન બનાવ્યો હોય તેવા કેમિસ્ટને જઇને પૂછશો તો તે સાચી વાત કરશે કે દાંતને સાફ કરવા માટે મહત્ત્વની વસ્તુ પેસ્ટ નથી પણ બ્રશ છે. દાંતને સાફ કરવાનું, તેમાંનો કચરો બહાર કાઢવાનું અને તેને ઝગમગતા બનાવવાનું બધું કાર્ય હકીકતમાં બ્રશ કરે છે. પરંતુ કોરું બ્રશ દાંત ઉપર ઘસી શકાય નહીં. તેને ઘસવા માટે કોઇ પ્રવાહી કે ચીકણા માધ્યમની જરૂર પડે. આ કામ પાણી કરી શકે છે અને પેસ્ટ પણ કરી શકે છે. કોઇ પણ બ્રશને પાણીમાં પલાળીને દાંત ઉપર ઘસો તેનાથી જેટલા દાંત સાફ થાય છે, તેટલી જ સફાઇ ટૂથપેસ્ટથી થાય છે, જરાય વધુ નહીં. પાણી તદ્દન નિર્દોષ છે, જ્યારે ટૂથપેસ્ટમાં અનેક ઝેરી રસાયણોનો ઉપયોગ થતો હોવાથી તે હાનિકારક છે. પાણી મફતમાં મળે છે, જ્યારે ટૂથપેસ્ટના રૂપિયા ખર્ચવા પડે છે. આ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે, જેનો કોઇ ડેન્ટિસ્ટ પણ ઇનકાર કરી શકશે નહીં. આજે આપણા ઘરોમાં ટૂથપેસ્ટનો જે વપરાશ જોવા મળે છે તે એના ગુણધર્મને કારણે નથી પણ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા પ્રચારને કારણે અને આપણા મગજના થયેલાં ધોવાણને કારણે છે.

ઇમાનદાર ડેન્ટિસ્ટો તમને કહેશે કે તમારે દર મહિને નવું બ્રશ લેવું જોઇએ. તેનું કારણ એ છે કે આ બ્રશમાં જ બેક્ટેરિયા પોતાનું ઘર બનાવે છે. બાળકો બ્રશ ઉપર મીઠી મીઠી ટૂથપેસ્ટ લઇને, દાંતે બ્રશ ઘસીને પછી આ બ્રશ સરખું ધોયા વિના કબાટમાં પાછું મૂકી દે છે. આ કારણે બ્રશમાં બેક્ટેરિયા પેદા થાય છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. કોઇ પણ બ્રશને બીજી વખત વાપરવું હોય તો તેને ઓછામાં ઓછી દસ મિનિટ માટે ગરમ પાણીમાં ડૂબાડી રાખવું જોઇએ. જો આમ ન કરવામાં આવે તો બ્રશમાં પેદા થયેલાં બેક્ટેરિયા આપણા મોં વાટે શરીરમાં પ્રવેશ કરી જાય છે. જો બ્રશના દાંતા મુલાયમ અને ગોળાકાર છેડા ધરાવતા ન હોય તો તેનાથી દાંતનું ઇનેમલ ઘસાઇ જાય છે. યોગ્ય બ્રશ પસંદ કર્યા પછી, તેને યોગ્ય રીતે સાફ કરીને લીધા પછી પણ જો બ્રશનો ઉપયોગ દાંત ઉપર કેવી રીતે કરવો તે ન આવડતું હોય તો દાંતના ઇનેમલને અને અવાળાંને નુકસાન થઇ શકે છે. આ બધું કર્યા પછી પણ દર મહિને નવું બ્રશ લેવું અનિવાર્ય માનવામાં આવે છે. આપણા લોકો તો બ્રશને ગરમ પાણીથી કદી સાફ કરતાં નથી, એક બ્રશ એક વર્ષ સુધી ચલાવે છે અને કેવી રીતે બ્રશ કરવું તે પણ જાણતા નથી. આ સંયોગોમાં બ્રશથી દાંતને નુકસાન થયા વગર રહે જ નહીં.

જે રીતે ઇન્જેક્શનની સિરિન્જથી લાગતા ચેપથી બચવા માટે તબીબો ડિસ્પોસેબલ (એક વખત વાપરીને ફેંકી દેવાય તેવી) સિરિન્જનો ઉપયોગ કરવા લાગ્યા છે, તે રીતે બ્રશ પણ એક વખત વાપરીને ફેંકી દેવું જોઇએ, જેથી બેક્ટેરિયાથી બચી શકાય. તમે દલીલ કરશો કે દરરોજ નવું બ્રશ ખરીદવાનું કેમ પરવડે..? જેઓ દાતણ કરે છે તેઓ હકીકતમાં ડિસ્પોસેબલ બ્રશનો જ ઉપયોગ કરે છે. દાતણ એક વખત કરીને ફેંકી દેવાનું હોય છે, જેથી તેમાં કોઇ બેક્ટેરિયા પેદા થવાની સંભાવના જ રહેતી નથી. દાતણ ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ બંનેનું કામ કરે છે. દાતણમાં જે કડવો અને તૂરો રસ હોય છે તે દાંતને સડાથી બચાવે છે. આ રસ  ૧૦૦%  નેચરલ હોય છે અને તેમાં કોઇ હાનિકારક રસાયણો નથી હોતાં. આયુર્વેદના મતે કરંજનું દાતણ શ્રેષ્ઠ છે; પછી લીમડાના અને બાવળના દાતણનો વારો આવે છે. હવે ઘણી કંપનીઓ હર્બલ ટૂથપેસ્ટો કાઢવા લાગી છે. તેમાં પણ ફીણ ઉત્પન્ન કરવા માટે કેમિકલ્સ તો વાપરવામાં આવે જ છે. દાતણ જ એકમાત્ર ૧૦૦%  હર્બલ ટૂથપેસ્ટ છે અને સાથે ડિસ્પોસેબલ ટૂથબ્રશ પણ છે. દાંતના આરોગ્ય માટે દાતણ શ્રેષ્ઠ છે. આ વાત તમને કોઇ ડેન્ટિસ્ટ નહીં કહે કારણ કે દાતણ વેચનારા ફેરિયાઓ દાંતના ડોક્ટરને કોઇ કમિશન આપતા નથી પણ ટૂથપેસ્ટનું ઉત્પાદન કરતી મલ્ટિનેશનલ કંપનીઓ આપે છે. દાંતમાં બેક્ટેરિયા અને સડો પેદા કરતા આહારવિહારનો ત્યાગ કરવામાં નહીં આવે ત્યાં સુધી દુનિયાની કોઇ દવા દાંતના રોગોથી બચાવી શકે તેમ નથી. આજે દાંતના રોગો વધ્યા છે, તેનું કારણ દાંતને નુકસાન કરે તેવાં ઠંડાં પીણાં, આઇસક્રીમ, ચોકલેટ, પિપરમિન્ટ, ચ્યુંઇગમ, ચા, કોફી વિગેરે પદાર્થોનું વધી રહેલું સેવન છે. લોકો ટીવી ઉપરની જાહેરખબરો જોઇને એવું માનવાને પ્રેરાય છે કે આ બધું ખાધા પછી પણ જો ફલાણી ટૂથપેસ્ટથી દાંત સાફ કરી લેશું તો દાંતને કોઇ નુકસાન નહીં થાય. આ હડહડતું જૂઠાણું છે. દુનિયાની કોઇ ટૂથપેસ્ટ કિટાણુઓ સામે ૨૪ કલાકની સુરક્ષા આપી શકતી નથી. જો કોઇ ટૂથપેસ્ટમાં જંતુનાશક દવાઓ ઉમેરવામાં આવી હોય તો તે બેક્ટેરિયાને મારવા ઉપરાંત આપણા શરીરને પણ નુકસાન કરે છે.

મલ્ટિનેશનલ કંપનીઓ, તેમના એજન્ટ જેવા ડેન્ટિસ્ટો અને માર્કેટિંગના નિષ્ણાતો ભેગા મળીને કોઇ બોગસ અને હાનિકારક પદાર્થને ક્યાં સુધી આપણા ઘરમાં અને જીવનમાં ઘૂસાડી શકે છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ટૂથપેસ્ટ છે. આપણા દેશના બુદ્ધિજીવીઓ, વિજ્ઞાનીઓ, વિદ્વાનો અને ઇન્ટેલિજન્ટ કહેવાતા લોકો પણ આજે વગર વિચાર્યે ટૂથપેસ્ટ અને બ્રશ વાપરી રહ્યા છે. આજે મોટાં શહેરોમાં તો ટૂથપેસ્ટનો પ્રચાર એટલી હદે વધી ગયો છે કે દાતણનાં દર્શન પણ દુર્લભ બની ગયાં છે. ગામડાના લોકોના ઘરઆંગણે લીમડાનું ઝાડ હોય તો પણ તેમને દાંતે ફીણવાળી ટૂથપેસ્ટ ઘસતા જોઇને મલ્ટિનેશનલ કંપનીઓની માયાજાળ કેટલી વ્યાપક હોય છે, તેનો ખ્યાલ આવે છે. કમ સે કમ જેઓ પોતાની જાતને બુદ્ધિશાળી ગણતા હોય તેમણે તો આ લેખમાં આપેલી હકીકતોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી જોઇએ અને પછી પોતાના દાંતના આરોગ્ય માટે જે વિકલ્પ શ્રેષ્ઠ જણાય તે અપનાવી લેવો જોઇએ. (Courtesy : Mumbai Samachar)

Advertisements


અશક્ત વડીલોના ચહેરા ઉપર મુસ્કાન લાવવાનો એક અનોખો પ્રયાસ

Vijay Kandoliya - Bhavnagar

Vijay Kandoliya – Bhavnagar

પેરાલિસિસ, અપંગતા, માનસિક બિમારી જેવી તકલીફોથી પીડાતા નિ:સહાય વૃદ્ધોને જ્યારે ઘરમાંથી ધક્કો લાગે છે ત્યારે તેઓની આંગળી પકડવાનું કામ ભાવનગરનું સેવાધામ કરી રહ્યું છે. ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલું આ સેવાધામ નિ:સહાય વૃદ્ધ દર્દીઓનું નિ:શુલ્ક આશ્રયસ્થાન બન્યું છે.

મોંઘવારીના સમયમાં વૃદ્ધાશ્રમમાં રહેવા માટે પણ ડિપોઝીટ ભરવાની થાય છે અને ત્યારે મૂળ વ્યવસાયે ડોકટર એવા વિજય કંડોલિયાને વિચાર આવ્યો કે આવી કપરી પરિસ્થિતિમાં નિરાધાર વડીલોનું કોણ..?? અને તેમણે ગુરૂકુળ પાછળની સોસાયટીમાં એક મકાન ભાડે લઈને આ પ્રકારના પીડિત લોકો માટે ઓમ સેવા ધામ આશ્રયસ્થાન બનાવ્યું. તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ સેવાના ઈરાદાથી બિલકુલ નિ:શુલ્કપણે તેમની સેવા કરવાથી મંદિરે જવાની પણ જરૂરિયાત રહેતી નથી. દાતાઓ દ્વારા દાન મળી રહેતું હોવાથી આ વડીલોનો રહેવા જમવા ઉપરાંત દવા સારવારનો પણ ખર્ચ ઉઠાવી શકાય છે. જો કે હાલમાં મર્યાદિત ધોરણે ભાડાના મકાનમાં ૮  થી ૧૦ વ્યક્તિઓનો નિવાસ શક્ય બન્યો છે. ભવિષ્યે વધુ સેવાનો લાભ મળે તેવા હેતુથી મોટું આશ્રયસ્થાન બનાવવાનું આયોજન છે.

Advertisements