ATUL N. CHOTAI

a writer – since 2014


દશેરામાં દસ નકારાત્મકતાનો અંત જરૂરી..

ravan

ravan

– કાજલ રામપરિયા

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પત્ની સીતાને દશાવતાર રાવણની ચુંગાલમાંથી બચાવીને લાવ્યા તો ખરાં.. પણ તમને ખબર છે..?? રાવણમાં જેટલી નકારાત્મકતા હતી તેટલી સકારાત્મકતાનો પણ વાસ હતો પણ કહેવાય છે કે ૧૦૦ સારા કામ ભલે કરો પણ એક ખરાબ કામ તમારી છબીને ફેરવવાની તાકાત ધરાવે છે. હવે તમે વિચારતા હશો કે વિજયા દશમી ઉર્ફે દશેરાના પાવન પર્વના દિવસે તો ભગવાન શ્રીરામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને પત્ની સીતાને તેમની સાથે ફરીથી અયોધ્યા નગરી લઇ ગયા હતા તેથી આ પર્વ મનાવવામાં આવે છે અને દર વર્ષે આ પૂતળાને બાળીને રામના વિજયનો જશ્ન ઉજવાય છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. રાવણની અંદર રહેલી નકારાત્મકતાઓને કારણે તે રામનો દુશ્મન બન્યો હતો.

રાવણના જીવન વિશે અમુક વાતો ગણ્યા ગાંઠ્યાં લોકો જ જાણે છે. વાસ્તવિકરૂપે રાવણ ભગવાન બ્રહ્માના દસ પુત્રો પૈકી પ્રજાપતિ પુલસ્ત્યના પુત્ર હતા. તેમ જ રાવણ શંકર ભગવાનનો પરમ ભક્તમાંનો એક વિદ્વાન ભક્ત ગણાતો હતો. હજુ એક ખાસ વાત એ છે કે સીતા તેના ભરથાર રામને જીવંત અને સુરક્ષિત મળી હતી તે રામનો સીતા પ્રત્યેનો પ્રેમ હતો અને સીતા રામને પવિત્ર મળી તે રાવણની મર્યાદા હતી. રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો એ તેની સકારાત્મકતા હતી, પણ તેનામાં અહંકાર, ક્રોધ, લાલચ અને લોભ હતાં તેથી તે રામના હાથે મોક્ષ પામ્યો હતો. દશમીનો અર્થ એ નથી કે તમે રાવણના પૂતળાનું દહન કરો. રાવણ દહન કરવા કરતાં પોતાની અંદર રહેલા રાવણને ખતમ કરવાની જરૂર છે. ચાલો જોઈએ આપણી અંદર રહેલાં દશાનન રાવણને…

અહંકાર : દુનિયાની કોઇપણ વ્યક્તિ ગમે તેટલી સારી હોય, છતાંય ક્યાંક ને ક્યાંક અહંકાર સેવતી હોય છે. જીવનમાં એવો તબક્કો પણ આવે છે જ્યાં અમુક કારણોસર ઇગો એટલે કે હુંપદપણું આવી જાય છે. વ્યક્તિ ગમે તેટલી સારી કેમ ન હોય તેની અંદર અમુક નકારાત્મકપણું આવી જ જાય છે. જીવનમાં ક્યાંક આપણે પણ ખરાબ હોઇએ છીએ. એ આપણને ખબર નથી પડતી પણ હા મોટા ભાગે જ્યારે આપણે પોતાની મનગમતી ચીજ હાંસલ કરીએ છીએ ત્યારે આપણી અંદર આપમેળે અહમ પ્રવેશે છે. અમુક નકારાત્મક વસ્તુને તો આપણે ક્યારેય કાઢી શકતાં નથી પણ ક્રોધ, લોભ, અહંકાર, અસહિષ્ણુતા, ઇર્ષ્યા, નિંદા, અસત્ય, ભય, અસુરક્ષા અને આળસ જેવી અમુક નકારાત્મક વાતોને નિયંત્રણમાં લાવવાની કોશિશ તો કરી જ શકીએ છીએ. આજના કળયુગમાં પોતાની જાતને આ નકારાત્મકભરી દુનિયાથી કેવી રીતે બચાવવી જોઇએ એ અંગે થોડી વાતો કરીશું.

દશેરાના પર્વ નિમિત્તે દસ નકારાત્મક શક્તિનું દહન કરવું જોઇએ. અહંકાર એ માનવીય પ્રવૃત્તિ છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે માણસને ઘણો સંઘર્ષ કરવો પડે છે. ઘણા લોકો એવું માને છે કે જીવનમાં આગળ વધવા માટે પ્રતિસ્પર્ધા હોવી જરૂરી બની જાય છે. હંમેશાં બીજી વ્યક્તિ કરતાં સારો દેખાવાની ઇચ્છા રાખે છે એને જ અહંકાર અથવા અહમ કહેવાય છે. બીજા કરતાં સારો દેખાવ કરવાની કોશિશમાં મોટા ભાગના લોકો પોતાનું જીવન નષ્ટ કરી નાખે છે. કોઇ સ્પર્ધામાં તે જીતે ત્યારે તેની ખુશી ક્ષણિક હોય છે, કારણ કે બીજી જ પળમાં તેને ખ્યાલ આવે છે કે બીજા કોઇ તેની આગળ ન નીકળી જાય.. વ્યક્તિના જીવનનો મોટા ભાગનો અનુભવ ફક્ત તેની ભૌતિક સુવિધાઓ સુધી જ સીમિત રહે છે, પણ એવી વસ્તુઓ ફળના છોતરાં સમાન હોય છે, જે ખાલી તેને સુરક્ષિત રાખે છે. તેવી જ રીતે આપણું શરીર પણ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે તે શરીરની ભીતર આપણા આત્માનો વાસ હોય છે અને આત્મા તો અમર હોય છે. શરીર જૂનું થયાં બાદ તે બીજું શરીર ધારણ કરે છે.

ઇર્ષ્યા : મીઠા ઝઘડા ક્યારે ઇર્ષ્યામાં પરિવર્તિત થઇ જાય છે તેની લોકોને ત્યારે ખબર પડે છે જ્યારે સંબંધો લાગણીહીન થઇ ચૂક્યા હોય છે. ઇર્ષ્યા તો કોઇથી પણ થઇ શકે.. તે પછી ભાઇ હોય, સગા સ્નેહી હોય, મિત્રો હોય કે પછી સહ કર્મચારી હોય.. મીઠી નોંક ઝોંકને લીધે ઇર્ષ્યાનો વિકાસ થાય છે, જે શરીર અને સંબંધોને બીમાર પાડી દે છે. આવું ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. જે વસ્તુને હાંસલ કરવાની તમારી ઇચ્છા હોય અને એ વસ્તુ જ્યારે અન્ય વ્યક્તિ હાંસલ કરી લે ત્યારે ઇર્ષ્યાનું પ્રમાણ ક્રોધનું રૂપ લઇ લે છે અને તેના કરતાં વધુ વસ્તુઓ હાંસલ કરવાની ઇચ્છા રાખવાના ચક્કરમાં બધુ ગુમાવી બેસે છે.

ક્રોધ : ક્રોધને નિયંત્રણમાં રાખવો એ સૌથી મોટો પડકાર હોય છે દરેક વ્યક્તિ માટે.. ગુસ્સો ફક્ત આપણા સ્વાસ્થ્યને જ નહીં પણ આપણા સ્નેહીજનોના જીવન પર પણ ગંભીર અસર કરે છે. તેને કારણે મોટા ભાગના લોકો માનસિક તણાવનો અનુભવ કરે છે. ક્રોધ પર કાબૂ મેળવવા માટે સમજદારી દાખવવી ખૂબ જરૂરી બની જાય છે નહીં તો આવા સ્વભાવને કારણે વ્યાવસાયિક જીવનની સાથે અંગત જીવનનો પણ નાશ થઇ જાય છે. દશેરાના દિવસે રાવણના પૂતળાની સાથે ગુસ્સો પણ સ્વાહા કરી નાખવો જોઇએ. જેથી મન શાંત રહે અને જીવનના તમામ નિર્ણય શાંત મનથી લઇ શકો.

લાલચ : અતિ લોભ એ પાપનું મૂળ તમે આ કહેવતને ખરાં અર્થમાં સમજશો તો કોઇપણ વસ્તુ જ્યારે અતિ થઇ જાય ત્યારે તે તમને ખતમ કરી નાખે છે. બાળકનો ઉછેર કરતી વખતે તેમના માતા-પિતાને એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે જ્યારે તેમનું સંતાન બોલવાનું શીખે ત્યારે તેમની ખોટી અને બિનજરૂરી ચીજોની માંગને પૂરી ન કરવી જોઇએ. આવી ખોટી જીદ ન કરવી જોઇએ એ બાબતે પ્રેમથી તેને સમજાવવું જોઇએ. બાળકો તેમના માતા-પિતાના વર્તનનું નિરીક્ષણ ખૂબ સારી રીતે કરે છે. તેથી બાળકો સમક્ષ તેમની વાણી અને જરૂરતો પર મર્યાદા અને જે છે તેમાં સંતુષ્ટિ રાખવી જોઇએ.

આળસ : આળસ પણ એક જાતનો નકારાત્મક અવગુણ છે. જે વ્યક્તિને દરેક રીતે નુકસાનકારક છે. આજના લોકોમાં દુનિયાભરની આળસ ભરેલી હોય છે અને કહેવાય છે કે આળસ માનવનો શત્રુ છે પણ વેપારીઓ માટે માણસોની આળસ ફાયદો કરાવી રહી છે. હવે ઘરના કામ માટે વૉશીંગ મશીન, મિક્સર, ડિશ વૉશર, રોટી મેકર જેવા મશીનથી તેમની જરૂરિયાતો પૂરી થતી હોવાથી શારીરિક રીતે વધુ કામ લોકો નથી કરી શકતાં પરિણામે દરેક કામ કરતાં પહેલા આળસ આવે છે. આળસના પણ ઘણા પ્રકાર હોય છે. વ્યાવસાયિક જીવનમાં તેમ જ ભણતરમાં કામને ટાળવાની આદત થઇ જાય છે. મોટા ભાગના મધ્યમવર્ગીય લોકોના ઘરે ઇલેક્ટ્રોનિક ગેજેટ આવી ગયાં હોવાથી આળસનું પ્રમાણ વધી ગયું છે અને વધુ પડતાં લોકો સુસ્તી આવવાને લીધે બીજા પર નિર્ભર રહેતા હોય છે. તેવામાં આળસનું વધવું પણ સ્વાભાવિક હોય છે. તેને ટાળવા માટે કોઇપણ કામમાં બિઝી રહેવું વધુ જરૂરી છે. જેથી આપણી અંદરની આળસ ઘટી જાય છે અને આપણે દરેક કામમાં સ્ફૂર્તિલા અને સક્રિય રહીએ છીએ.

અસુરક્ષા : અસુરક્ષા એ વ્યક્તિના આત્મ વિશ્વાસને ડગમગાવી નાખે છે. અસુરક્ષાથી જોડાયેલી દરેક સમસ્યા નકારાત્મક જ હોય છે. કોઇ ભવિષ્ય માટે અસુરક્ષિતતાનો અનુભવ કરતા હોય છે, તો કોઇ તેમના અંગત જીવનમાં લેવાઇ રહેલા નિર્ણયોથી અસુરક્ષિત રહે છે. આવા વિચાર ધરાવતી વ્યક્તિ ક્યારેય પોતાના અને તેના પરિવારના હિતમાં નિર્ણય લઇ શકતી નથી.

નિંદા : ખાસ કરીને વ્યાવસાયિક જીવનમાં નિંદાની આદત પોતાના અને બીજાના વિકાસમાં બાધારૂપ થઇ પડે છે. જો તમને કોઇની પ્રશંસા ન કરવી હોય તો નિંદા પણ ન કરવી જોઇએ. ભગવાને આપેલી વાણી ખૂબ જ કિંમતી હોવાથી તેનો સદુપયોગ કરવો જોઇએ. શક્ય હોય તેમ ઓછું પણ સારું અને સકારાત્મક શબ્દોનો વપરાશ કરીને બોલવું જોઇએ.

ભય : આપણી અંદર અમુક વસ્તુને લઇને ભય હોય છે જે આપણને આગળ વધવા માટે બાધારૂપ બને છે. તે ભય કોઇપણ પ્રકારનો હોઇ શકે છે. ભણતર બાદ નોકરી મળવાનો ડર, કંઇક નવી પહેલ કરતાં પહેલા નકારાત્મક વિચારીને ત્યાં જ અટકી રહેવાનો ડર, કોઇ વાતને વ્યક્ત કરતાં પહેલાનો ડર વગેરે. જીવનમાં કંઇક કરવા માટે ડરનો સામનો કરવો જ પડે છે. ડરને પછાડીને અને હિંમત દાખવીને જો તમે તમારા મનની વાત માનશો તો જીવનમાં કંઇક તોફાની કરી શકશો.

અસહિષ્ણુતા : સમાજમાં ખૂબ જ ઝડપથી અસહિષ્ણુતા વધી રહી છે. મોટા ભાગના લોકો કોઇ વાત પર અસહેમતી દાખવે છે તો અન્ય લોકો તેનાથી નારાજ થઇ જાય છે. આજની પેઢીમાં ના સાંભળવાની જરાય સહનશક્તિ નથી. તેમ જ લોકો પોતાને રાજા માનીને પરિવાર સંબંધી નિર્ણય પણ લેતા હોય છે તેમાંથી અમુક નિર્ણય તેમના હિતમાં નથી હોતા, જ્યારે પરિવારજનો આ વાત સમજાવે છે ત્યારે તેમને ના સાંભળવી બિલકુલ પસંદ નથી હોતી. તેથી સંવેદનશીલતા રાખવી જરૂરી થઇ જાય છે. બાળકનો ઉછેર કરતી વખતે જ આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ખોટું બોલવું : નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે જુઠ્ઠું બોલવું જોઇએ નહીં, પણ હંમેશાં એવું નથી થતું. જો કોઇની ભલાઇ માટે ખોટું બોલવામાં આવે તો તેને સ્વીકારવામાં માણસ અચકાતો નથી, પણ મોટાભાગના લોકો પોતાની જાતને ખોટાં કામોથી બચાવવા માટે ખોટું બોલવાનો સહારો લેતા હોય છે. જે તદન ખોટું છે.

જો દશેરાના પાવન પર્વ નિમિત્તે રાવણના પૂતળાની સાથે આપણી અંદર રહેલી આ દસ નકારાત્મકતાઓ પણ બાળી દઇએ તો દુનિયામાં ઘણો બદલાવ આવી જશે અને સર્વસ્વ રામરાજ્ય ફેલાઇ જશે. કોઇપણ જાતના રાજકારણ નહીં, હિંસક પ્રવૃત્તિઓ બંધ થઇ જશે અને ઘણી નાની મોટી વસ્તુ છે. આ દુનિયામાં જેનો અંત લાવવો અતિ આવશ્યક થઇ ચૂક્યું છે. દુનિયાને સુધારવા કરતાં સૌથી પહેલા આપણી જાતને સુધારીશું તો દુનિયા પણ આપોઆપ સુધરી જશે.. (મુંબઈ સમાચાર માંથી સાભાર)


હું છું તો બધું છે…

I Am Something

I Am Something

– મિલન ત્રિવેદી

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્ર્વાન તાણે.. આ તમે વર્ષોથી સાંભળતા આવ્યા છો. આ ઉદાહરણ શોધવા દૂર જવાનું નથી તમે કોઈ પણ એક કુટુંબ જુઓ એટલે એક માણસ તો મળી જ રહેશે કે જેને લાગતું હશે કે આખું કુટુંબ માત્ર તેના પર જ ચાલે છે અને આ વાત એ આખા ગામને કહેતો ફરતો હશે પણ હકીકતમાં જો તપાસ કરો તો ખબર પડશે કે આખું કુટુંબ આવું કહેવાવાળાને નિભાવતું હોય છે કારણ કે એ ગામ આખાને કહેવામાંથી ફ્રી થાય તો ઘરમાં ઉપયોગી થાય ને..? આ વ્યક્તિનું કામ માત્ર સલાહ આપવાનું હોય છે અને જો તેની સલાહ ન માનવામાં આવે તો ઘર આખું માથે લે પણ કુટુંબ એટલે બુદ્ધિશાળી માણસોનો સમૂહ. સમજીને તેને હા પાડી તેનાથી વિરુધ્ધ રીતે કામ પૂરું કરે એટલે ૧૦૦ % કામ પાર પડી જ જાય છતાં પરિણામ પોતાના લીધે જ આવ્યું છે એમ કહેતા હોય આમ જુઓ તો તેની વાત સાચી પણ કહેવાય કે તેની વાત ન માની એટલે જ કામ સમયસર પૂરું કરી શકાયું હોય.

હું શબ્દ મિથ્યાભિમાન છે પણ આ મિથ્યાભિમાન એટલી હદે ઘર કરી ગયું હોય છે કે અનુસંધિત વ્યક્તિઓ માટે પણ અભિમાન તો હું જ લેતો હોય છે. જેમ કે ‘મારા ફુવા પી.આઇ. છે’, સગપણ કોઈકે કરાવ્યું હોય, બહેન સાથેના ખરાબ સંબંધને કારણે ઘેર આવતા જતા ન હોય પણ ‘મારા ફુવા’ કહીને હું તત્ત્વ પોષવામાં આવતું હોય છે. ‘મારા દૂરના કાકાનો અમેરિકામાં ૩૦૦૦ વારનો બંગલો છે, સ્વિમિંગ પુલ, ગેઇમઝોન, જીમ, કાર્ડરૂમ બધુ છે. ચાર ચાર તો ગાડી છે ભાઈ ક્યારેય અમેરિકા જઈ શકવાના નથી અને પોતે ૧૨ x ૧૨ ના રૂમમાંથી બહાર નીકળ્યો ન હોય પણ દૂરના કાકાના બંગલાના વખાણ કરીને પોતાના હું તત્ત્વને સંતોષતો હોય છે. અમેરિકા વાળા કાકાએ પોતાની મહેનતથી આ બધુ ઊભું કર્યું હોય. આ માણસ જેટલી મહેનત કાકાનો પ્રચાર કરીને હું તત્ત્વને પોષવામાં કરે એટલી જ મહેનત જો પોતાના માટે કરે તો એટલીસ્ટ બાર બાય બારની ઓરડીમાંથી એકાદ ફ્લેટ ખરીદી લીધો હોય..

આ હું માત્ર વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી કોઈ કંપની પેઢી કે સમૂહને પણ લાગુ પડતું હોય છે. તમે શહેરનાં અખબારોમાં કે જાહેરાતોમાં અમુક શબ્દો વાંચશો જ સૌથી વધારે વંચાતું અખબાર કોઈ પોળ કે ચાલમાં લાયબ્રેરી હોય અને એક જ છાપું આવતું હોય અને ત્યાંના લોકો એક પછી એક આવીને વાંચી જતા હોય અથવા શહેરમાં ગાઠિયાં – ભજીયાં પેક કરવામાં આ જ અખબારનો ઉપયોગ થતો હોય તો અનાયાસે વંચાય જતું હોય ત્યારે માલિક લખે કે સૌથી વધુ વંચાતું અખબાર અમારું છે.. શહેરનું સર્વપ્રથમ અખબાર તમે જરા પણ નહીં માનતા સર્વપ્રથમ એટલે નંબર ૧. અહીં સર્વપ્રથમનો અર્થ એવો ગણવો કે માત્ર બે જ પેઇજમાં અખબાર બહાર પડતું હોય એટલે હજુ ચા પીવો ત્યાં તો મશીનમાંથી બહાર આવી જાય અને ફેરિયાઓને સોંપાય જાય. બીજા અખબાર આવે એ પહેલા જ બહાર પડી ગયું હોય ત્યારે અભિમાન લેવામાં આવે કે શહેરનું સર્વપ્રથમ અખબાર! સૌથી વધારે ફેલાવો ધરાવતું અખબાર અમુક અખબાર વાંચવા તો શું જોવા પણ ન ગમે તેવા હોય ત્યારે હાથમાં આવતાની સાથે જ બાજુવાળાને આપી દેવામાં આવતું હોય છે અને બાજુવાળો એ સુગ સાથે જ આગળ વધારે આમ થોડી જ વારમાં ઘણા હાથોમાં ફેલાય જતું હોય. પિકનીક પર જતી વખતે કપડા ન બગડે એટલે પહેલા એ અખબાર ફેલાવવામાં આવતું હોય ત્યારે સૌથી વધારે ફેલાવો ન ગણાય તો શું ગણાય..? સૌથી વધારે વેચાતું અખબાર આવા અખબારવાળાની વાત પણ ખોટી નથી. કોઈ ક્રિમીનલ કે પોલિટીશિયનના હાથે વેચાય જ જતું હોય છે. જે રૂપિયા આપે તેની વાહ વાહ કરવાની તો આવા અખબારને હક્ક હોય કે લખે સૌથી વધુ વેચાતું અખબાર.. એક માત્ર સત્ય હકીકતો રજૂ કરતું અખબાર આવાં અખબારો ન્યૂઝ નહીં વ્યૂઝ છાપતા હોય છે. અમારું માનવું આમ છે અને તેને જ સત્ય ગણી લેતા હોય છે. જો કે કૌંસમાં રહેલો (અ)સત્ય આવા અખબારને વધારે લાગુ પડતો હોય છે. સૌથી વધારે જગ્યાએથી પ્રસિદ્ધ થતું અખબાર આ વાત જરા પણ ખોટી નથી. ભાઈ પાસે મશીન જૂનું હોય એટલે માત્ર ૫૦૦ કોપી જ છાપી શકતું હોય ત્યારે દરેક એરિયામાં રહેલા પ્રેસ પાસે જઈને ૫૦૦ – ૫૦૦ કોપી છપાવવી પડતી હોય ત્યારે સત્ય જ લખે છે કે સૌથી વધારે જગ્યાએથી પ્રસિદ્ધ થતું અખબાર. નિડર અને નિષ્પક્ષ અખબાર આવું અખબાર એટલું નીડર અને નિષ્પક્ષ હોય છે કે નિષ્પક્ષ રીતે દરેક પક્ષને પૂછે કે આ સમાચાર છાપીએ..? અને હા પાડે તો જ છાપે એટલું નીડર હોય છે. આટલી હદે હું શબ્દનો દુરઉપયોગ થતો હોય છે.

ઘરની બહાર ભાઈ નીકળ્યા હોય અને પાડોશી કહે કે આમને હૉસ્પિટલ લઈ જશો..?? હૉસ્પિટલે લઈ ગયા હોય અને પછી વાતો કરતા હોય કે તે દિવસે હું ન હોત તો આજે ચંદુભાઈ જીવતા ન હોત’ એ ભાઈને પછી એ ખબર ન હોય કે એ તો છોડીને જતા રહ્યા હોય અને ચંદુભાઈને ખાલી ગેસ હોય અને ગેસમાં કોઈના મરી જવાના દાખલા નથી બેઠાં પણ હું ન હોત તો નો ખયાલ આ ભાઈના મગજમાંથી ક્યારેય ન નીકળે. આખી મિનીસ્ટ્રી દેશને ડામાડોળ થતો બચાવવા સતત પ્રયત્નશીલ હોય, લશ્કર અને પોલીસ પ્રશાસન પોતાના જીવના જોખમે દેશને સુરક્ષિત રાખવા ખડે પગે હોય પણ પક્ષના એક નાનામાં નાના કાર્યકરને એમ જ હોય કે મારા વિસ્તારના મત જો મેં ન અપાવ્યા હોત તો સરકાર રચી જ ન શકાણી હોત. હું આ પક્ષનો કાર્યકર છું એવી માન્યતા તેને પક્ષના તારણહારની કક્ષામાં મૂકી દે અને તેનું હું તત્ત્વ પરાકાષ્ઠાએ પહોંચાડી દે. આ હું શબ્દમાંથી બહુ ઓછા બાકાત રહે છે. મને ઘણા લોકો વાતો કરીને વિષયવસ્તુ આપતા હોય છે અને હું બધાને કહેતો ફરુ છું કે વાંચ્યો મારો લેખ..? કેમ બાકી..?

સવારથી સાંજ સુધી માણસ હું તત્ત્વમાંથી બહાર નીકળી શકતો નથી. હુંમાંથી અમે અને અમે માંથી આપણે બનવા હજુ તો ઘણા પ્રયત્નો કરવા પડશે. એક જ વાર જો અલગ અલગ વ્યક્તિત્વ બનવાને બદલે એક ટીમ બનશે તો કદાચ ફરી એવો પ્રશ્ર્ન નહીં આવે કે હું કરુ છું. જ્યારે જ્યારે અમે કરીએ છીએ એવું બોલવામાં આવે છે ત્યારે સ્ટ્રેન્થ વધે છે, તાકાત વધે છે અને જીત હંમેશાં સમૂહની થાય છે જ્યાં ઇગો જતો રહે છે અને ખરા અર્થમાં કુટુંબ બને છે. આ વાત જ્યારે સમજાણી ત્યારે મેં સભાન પણે હું તત્ત્વનો નાશ કરવાનો નક્કી કર્યું અને મારી જાતને સતત મનાવી અને પ્રયોગમાં મૂકી પણ જ્યારે હું આ બધી પરિસ્થિતિઓ પાર કરીને હું તત્ત્વમાંથી બહાર નીકળ્યો અને બેઠો એવો પહેલો વિચાર આવ્યો કે આ તો હું હતો કે હું માંથી બહાર નીકળ્યો બાકી બીજા કોઈનું કામ નથી હવે તમે એમ ન કહેતા કે આ તો હું હતો કે આખો લેખ વાંચ્યો બાકી બીજા કોઈનું કામ નથી.. (courtesy : mumbai samachar)