નૌશીરવાન બાપુજી કરંજીયાએ ઇંગ્લીશ શોર્ટહેન્ડમાં લંડનની ઇન્સીટીટયુટમાંથી મેડલ મેળવ્યા બાદ માતૃભાષાનું શોર્ટહેન્ડ બનાવ્યું
સુરત: હાલમાં નવી જનરેશન ખાસ કરીને ઇંગ્લીશ ભાષા શબ્દો શોર્ટમાં લખતી થઇ ગઇ છે. સોશિયલ મીડિયા તેમજ પર્સનલ મેસેજ ચેટમાં આ ટુંકા શબ્દોવાળી ભાષાનો ઉપયોગ થાય છે આ ભાષા અનઓફિશીયલી ‘નેટ લેંગ્વેજ’ તરીકે જાણીતી છે પણ સીધી સરળ ભાષાનું શોર્ટહેન્ડ નજર સામે હોય તો કરોળીયાનું જાળું વિખેરાઇ ગયેલું પડયું હોય તેમ લાગે છે જ્યારે ઇન્ટરનેટ નહોતું, ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો ત્યારે શોર્ટહેન્ડની ડિમાન્ડ હતી અને ગુજરાતી શોર્ટહેન્ડની રચના તો સુરતના એક પારસીએ કરી હતી. નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, સોનિયા ગાંધી કે અન્ય રાજનેતા અથવા ધર્મગુરુઓના વ્યાખ્યાનોના શબ્દ – શબ્દ વાક્ય રચનાની ભૂલ વિના વર્તમાન પત્રો કે સામાયિકોમાં આપણે વાંચી શકીએ છીએ. જેનું કારણ ટેકનોલોજી છે. પ્રવચનના રેકોર્ડિંગ બાદ આખું પ્રવચન સાંભળી કે વાંચી શકાય છે. પરંતુ આજથી ત્રણ ચાર દાયકા અગાઉ જ્યારે રેકોર્ડીંગની સુવિધા ન હતી ત્યારે પણ રાજનેતાઓના પ્રવચનોનો સમગ્ર ચિતાર વર્તમાનપત્રોમાં અહેવાલરૃપે જોવા મળતો. જે માટે ખાસ બનાવાયેલી લિપીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે લિપી એટલે શોર્ટહેન્ડ લિપી તેમાંયે ગુજરાતી શોર્ટહેન્ડનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. આ લિપીની રચના કરનાર સુરતના રહીશ હતા. વર્ણાક્ષરોને રેખા ચિહ્નો દ્વારા તૈયાર કરવામાં આવેલી લિપીને શોર્ટહેન્ડ એટલે કે લઘુલિપી કહેવામાં આવે છે. સૌપ્રથમ ગુજરાતી શોર્ટહેેન્ડની રચના નૌશીરવાન બાપુજી કરંજીયાએ કરી હતી. તેમનો જન્મ ૧૮ – ૯ – ૧૯૧૨ના રોજ વલસાડમાં એક ગરીબ પરંતુ ઉમદા અને ખાનદાન દસ્તૂરજીને ત્યાં થયો હતો. તેમના પિતા બાપુજી કરંજીયા ખંભાતની અગિયારીના વડા ધર્મગુરુ હતા. તેઓ પાંચ ભાઇઓ હતા. ખંભાતમાં ધોરણ ૪ પછીનું શિક્ષણ ઉપલબ્ધ ન હોવાથી ઉચ્ચ શિક્ષણ માટે નૌશીરભાઇ સુરત આવીને વસ્યા અને ઇ.સ. ૧૯૨૧માં ઓર્ફનેજ (અનાથાલય)માં દાખલ થયા. નૌશીરભાઇએ તેમના ગુરુ સાવકશા બહેરામજી અમરોલીયા પાસેથી શોર્ટહેન્ડની શ્રેષ્ઠ તાલીમ મેળવી હતી. શોર્ટહેન્ડ શિખવાની તેમની ધગશ એટલી બધી હતી કે, મોડીરાત સુધી કેરોસીનના દિવાના અજવાળામાં ભોજનાલયના ટેબલ પર બેસીને તેઓ અંગ્રેજી શોર્ટહેન્ડ લખતા હતા. ઇ.સ. ૧૯૩૧માં તેમણે અંગ્રેજી શોર્ટહેન્ડ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું અને લંડનની પીટ્સમેન ઇન્સ્ટીટયુટ તરફથી શોર્ટહેન્ડના વિષય માટે તેમને તામ્રચંદ્રકો (બ્રોન્ઝ મેડલ) પ્રાપ્ત એનાયત થયા હતા. આઠ વર્ષ ઓર્ફનેજમાં રહીને શોર્ટહેન્ડ ટાઇપ રાઇટીંગ અને ટીચર્સ ડિપ્લોમાનો અભ્યાસ કરીને ૧૮ વર્ષની વયે તેમાં ખંભાત ગયા અને ત્યારબાદ ફરી ૧૯૪૦માં સુરત આવ્યા અને સુરત આવ્યા બાદ તેમણે ગુજરાતી શોર્ટહેન્ડના મુળાક્ષરો લખવાની શરૃઆત કરી હતી. સદ્ગત નૌશીરવાન કરરંજીયાના પુત્ર રોહિતભાઇ કહે છે કે, ”મારા પિતાજીએ સુરત આવ્યા પછી ગુજરાતી શોર્ટહેન્ડના સર્જન માટે ગુજરાતી ભાષાના વ્યાકરણના નિયમોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી તેના પર પ્રભુત્વ મેળવ્યું હતું. ૨૦મી જુને ૧૯૬૧ના દિવસે તેમણે ગુજરાતી શોર્ટહેન્ડ લખવાની શરૃઆત કરી હતી. જેમાં અમારા પરિવારના તમામ સભ્યોએ સહકાર આપ્યો હતો. મે તેમના બ્લોક માટેની ડિઝાઇન તૈયાર કરી અને ત્યારબાદ પુસ્તક તૈયાર થયું અને સરકારે ગુજરાતી લઘુલીપીને માન્યતા આપી હતી. જાતે આ લિપીની કરી હોવા છતાં આ લિપીને ”નૌશિરવાન લઘુલિપી” અથવા ”કરંજીયા લઘુલિપી” એવું નામ આપી શકાયું હોત. પણ પ્રભુની મહેરબાનીથી આ ભગીરથ કાર્ય પાર પડયું હોવાથી તેને ”મહેર લઘુલિપી” નામ આપવામાં આવ્યું અને આ રીતે ગુજરાતી શોર્ટહેન્ડની શરૃઆત થઇ હતી.