પ્લાસ્ટિક મુક્ત ભારત અર્થે મિશન મંગલમ યોજના અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ સખી મંડળનું પ્રશસ્ય અભિયાન
પ્રધાનમંત્રીશ્રી નરેદ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન બાદ પર્યાવરણની જાગૃતિ અર્થે પ્લાસ્ટિક મુક્ત ભારતનું સ્વપ્ન સેવ્યું છે, જેને પૂર્ણ કરવા રાજકોટ જિલ્લા સખી મંડળે જુના લૂગડાંમાંથી થેલી બનાવી વેપારીઓ અને ગ્રાહકોને આપવાનું મિશન ઉપાડ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ દ્વારા જસદણ તાલુકાના જીવાપર ગામે નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અને જુના લૂગડાં એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. આ કપડાંમાંથી ભવાની સખી મંડળની બહેનોએ લૂગડાંની થેલી બનવવાનું શરુ કરેલ છે.
બિનઉપયોગી જુના કપડાંનું જિલ્લાની તમામ ૩૬ સખી મંડળ દ્વારા એકત્રીકરણ કરી તેમાંથી થેલી બનાવવાના નવતર અભિયાનના પ્રણેતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયાએ જણાવ્યું કે, સખીમંડળની બહેનોને એક થેલી દીઠ ૮ થી ૧૦ રૂ. મજૂરી લેખે થેલીના કટિંગ અને સીવણ થકી રોજની રૂ. ૧૦૦ થી ૨૦૦ ની રોજગારી સખી મંડળની બહેનોને થશે. આ થેલીઓ વેપારીઓને આપવામાં આવશે અને વેપારીઓ ગ્રાહકને આ થેલી આપશે, પરિણામે પ્લાસ્ટિકની બેગનો વિકલ્પ લોકોને મળી શકશે.
આ મંડળમાં ૧૦ મહિલાઓ છે જેઓ કાપડની થેલી તૈયાર કરશે અને મંડળની બહેનો રોજ ૨૦ જેટલી થેલીઓ સરળતાથી બનાવી શકે છે, જેથી રોજનું રૂ. ૨૦૦ સુધીનું વળતર મળી રહેશે. આ અભિયાન માટે તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટનો આભાર માન્યો હતો. (માહિતી બ્યુરો – રાજકોટ)