ATUL N. CHOTAI

a writer – since 2014


રી – ટેઈક વગરના રિયલ સીન અને આપણી નિષ્ઠુરતા..

Poor People

Poor People

એક ગરીબ અને લાચાર મહિલા અને એક પાલતું શ્વાન પોતાના પેટનો ખાડો પુરવા નવી નવી તરકીબો દ્ધારા લોકોને શહેર ના રસ્તાઓ ઉપર મનોરંજન પૂરું પાડી રહયા છે. જયારે આ તસ્વીરમાં મફતમાં મનોરંજન કરતા વાનરની વફાદારી અને મહિલાની મજબુરી પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. આજે સામાન્ય માણસને પોતાનું જીવન ગુજારવા જીવનમાં કેવા કેવા ખેલ કરવા પડે છે તે આ લોકો દ્વારા આપણને ખબર પડે છે.

આવા પરપ્રાંતિય પરિવારના લોકો શહેરના રાજમાર્ગો પર એક ૮ થી ૯ વર્ષની બાળકી સાથે અચંબાભર્યા ખેલ કરતા જોવા મળે  છે આઠેક ફૂટ ઉપર બાઘેલા દોરડા પર બાળકીના આવા હેરતભર્યા ખેલ જોઈ પસાર થતા લોકો પણ પોતાના વાહન થંભાવી બાળકીના ખેલ જોવા ઉભા રહી જાય છે અને જતા જતા ઘણા લોકો ૫ કે ૧૦ રૂપિયા આપતા જાય છે ત્યારે આ ખેલ જોઈ આટલું તો જરૂરથી શકાય કે અમુક લોકો આને રમત કહે છે પણ આ પરિવાર માટે આ રમત નથી આ રી-ટેઈક વગરના રિયલ સીન કરવામાં જોખમ પણ એટલું જ રહેલું છે પરંતુ પેટનો ખાડો પુરવા માટે આ ખેલ કરવો જરૂરી પણ છે

જો કે આર્થિક ઔદ્યોગિક પ્રગતિના યુગમાં આજે પણ એવા સેંકડો પરિવારો છે જેમને એક ટંક ભોજન માટે પણ કાળી મજુરી કરવી પડે છે મોટેરાઓ શ્રમ ઉઠાવે તે સમજી શકાય પરંતુ આવા પરપ્રાંતિય પરિવારના બાળકો પણ ગરીબી સાથે જિંદગીનો તાલમેલ મેળવવા વાસ પર ચાલી પોતાની જિંદગીને જોખમમાં મૂકી રહ્યા છે આજકાલ શહેરના રાજમાર્ગો પર આ પ્રકારના દ્વશ્ય સામાન્ય બની ગયા છે. આજે ઘણા શ્રીમંત લોકો મોજ શોખ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતા અચકાતા નથી હોતા પણ આવા લોકોને ૫ કે ૧૦ રૂપિયા દેતા તેનો જીવ નથી ચાલતો હોતો જે પણ ખરેખર એક સમજવા અને વિચારવા જેવી વાત હોય તેવું નથી લાગતું..??


પરાણે રજા ભોગવતા આ પરીવારોના મ્હો પર સ્મીત લાવવું જરૂરી છે

Small Family in Our City

Small Family in Our City

આપણે સહુ વરસાદી વાતાવરણ હોય કે હડતાલ હોય કે તહેવારના દિવસો હોય ત્યારે જલસા કરવાના મુડમાં આવી જઈએ છીએ પણ ઉપર આભ અને નીચે ધરતી જ જેનો આશરો છે તેવા ઘણા ગરીબ અને શ્રમીક પરિવારોથી લઇ રોજ નું કરી રોજ ખાતા હોય તેવા સામાન્ય લોકોની વસ્તી પણ આપણે ત્યાં ઉડીને આંખે વળગે એટલી છે. શહેરી ધમધમાટના માહોલ વચ્ચે આવા લોકોનું શું થતું હશે..?? તે વિચારવાની અને આપણે કઈ રીતે આ પરિવારોના મ્હો પર સ્મીત લાવી શકીએ તેવા પ્રયત્નો કરવાની જરૂર હોય તેમ નથી લાગતું..??


રામાયણનાં પાત્રોને સમજીને જીવનમાં ઉતારવાથી આપણી સાત ગરીબી દૂર થઇ જાય છે

Morarai Bapu

Morarai Bapu

– દશરથ પાસેથી ધર્મવ્રત,
– રામ પાસેથી સત્યવ્રત,
– લક્ષ્મણ પાસેથી જાગૃતિવ્રત,
– ભરત પાસેથી પ્રેમવ્રત,
– શત્રુઘ્ન પાસેથી મૌનવ્રત,
– સીતા પાસેથી પતિવ્રત અને
– હનુમાન પાસેથી સેવાવ્રત મળે છે.

 

 

માણસના જીવનમાં સાત સંખ્યાનું ખૂબ મહત્વ છે. જે રીતે અઠવાડિયાના વાર સાત છે. સંગીતના સૂર સાત છે. આપણા મુખ્ય ઋષિઓ સાત છે. પ્રાથમિક શાળાનાં ધોરણ સાત છે (જે હવે આઠ થવા જઇ રહ્યાં છે) રામચરિત માનસનાં કાંડ સાત છે. આમ સાતનો આંક માનવીના જીવનમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. તે મુજબ માણસમાં ગરીબી પણ સાત પ્રકારની જોવા મળે છે.

૧ – જ્ઞાનની ગરીબી : માણસની પ્રથમ દરિદ્રતા જ્ઞાનની દરિદ્રતા છે. એક કહેવત છે કે જ્ઞાન રંક નર મંદ  અભાગી. જે જ્ઞાનની બાબતમાં રંક છે તેવો મનુષ્ય મંદ અને અભાગી છે. જ્ઞાનની દરિદ્રતા એટલે  વિવેકની દરિદ્રતા. જ્ઞાનની દરિદ્રતા એટલે સમજણની દરિદ્રતા, માણસમાં સાર-અસાર, સુખ દુ:ખ, કંચન કથીર અને શુભ અશુભના ભેદને સમજવાની શક્તિ ન હોય તે જ્ઞાનની ગરીબી ગણાય. કોઇપણ વસ્તુને એના મૂળ સ્વરૂપમાં સમજવાની અસમર્થતાનું નામ જ્ઞાનની ગરીબી છે. અહીં એક સવાલ થાય કે તમામના હૃદયમાં પરમતત્વ બિરાજમાન છે કારણ આત્મા એ જ પરમાત્મા છે તો પછી વસ્તુને સાચા અર્થમાં સમજવામાં ભૂલ કેમ થતી હશે..?? તો એનો જવાબ વેદાંતમાંથી મળે છે. વેદાંત કહે છે કે બ્રહ્મ થવું પર્યાપ્ત નથી પરંતુ બ્રહ્મજ્ઞાન થવું જરૂરી છે. માણસમાં ઇશ્વર હોય તે પૂરતું નથી પણ માણસમાં ઇશ્વરી જ્ઞાન હોવું જોઇએ અને તે ન હોય તો માણસ પ્રથમ પ્રકારની ગરીબીનો ભોગ બને છે.

૨ – ભાવની ગરીબી : અહીં ભાવનો અર્થ કિંમત (Price) નથી પણ ભાવનો અર્થ પ્રેમ (Love) છે. અહીં ભાવ એટલે માનવીના હૃદયમાંથી ઉત્પન્ન થતા ભાવની વાત છે. જે રીતે બ્રહ્મ હોય પણ બ્રહ્મજ્ઞાન ન હોય તો નિરર્થક છે તેમ હૃદયમાં પ્રેમ હોય પણ પ્રેમ પ્રગટે નહીં તો સાર્થક નથી. પ્રેમ પ્રગટ ન થવાથી લોકો પોતાની જાતને દુ:ખી મહેસૂસ કરે છે. એનો અર્થ આપણી પાસે સંપદા છે પણ આપણે એનો લાભ લઇ શકતા નથી. જે રીતે બાપ દાદાની કરોડોની મિલકતનો વારસો હોય પણ કોઇ કાનૂની ગરબડના કારણે મળે નહીં એવું જ કંઇક ભાવ દરિદ્ર માણસોના જીવનમાં બને છે. હૃદયમાં પોતાના અધિકારનો પ્રેમ છે પણ કોઇ કારણથી પ્રગટ થતો નથી એટલે લાભ મળતો નથી. તુલસીદાસજી લખે છે કે હરિ વ્યાપક સર્વત્ર સમાના. દરેક સ્થાને હરિ સમાન રીતે વ્યાપક છે પણ એને પ્રગટ કરવાની ચાવી ભાવ છે. પ્રેમ સે પ્રગટ હો હિં મૈ જાના, પ્રેમ પ્રગટ ન થવાથી હરિ પ્રગટ થતો નથી અને આ પ્રકારનો જીવ બીજા  પ્રકારની ભાવદરિદ્રતાનો ભોગ બને છે.

૩ – વચનની ગરીબી : વચનની દરિદ્રતા એટલે વાણીની દરિદ્રતા. માણસે કોઇપણ જાતના સંકોચ વગર સત્ય બોલવું જોઇએ. જો એમ કરવું અશક્ય હોય તો મૌન ધરવું જોઇએ પણ કોઇને ખોટો હર્ષ પમાડે એવું અસત્ય ક્યારેય ન બોલવું જોઇએ. કોઇ દાકતર પાસે દર્દી આવે. ભગવાન ન કરે અને મરીજને જીવલેણ બીમારી માલૂમ પડે તો દાકતરનો ધર્મ છે કે દર્દી અથવા દર્દીનાં સગાંને તરત જ જાણ કરવી જોઇએ કે આ દર્દીને કેન્સર છે. એ સમયે દાકતર એમ કહે છે કે તમને તો નખમાં પણ રોગ નથી તો આ અસત્ય દર્દી તથા દર્દીના સગાં વહાલાંને રાજી કરશે પણ દર્દીને બચાવી શકશે નહીં. અસત્ય બોલીને પેદા કરેલો હર્ષ અલ્પજીવી હોય છે એના કરતાં દાકતર કડવાં સત્યનો આશ્રય લેશે તો તરત જ એ દિશામાં સારવાર થશે જે દર્દીને બચાવી લેશે અથવા લાંબું જીવવામાં મદદ કરશે માટે માણસે પ્રિય બોલવું જોઇએ તે બરાબર છે પરંતુ પ્રિયવાણી જો હિતકારી ન હોય તો અપ્રિય બોલીને પણ સામેની વ્યક્તિનાં હિતની ચિંતા કરવી એ વચનની અમીરી છે. આજનો માણસ અપ્રિય સત્ય બોલવાને બદલે પ્રિય અસત્ય બોલવા લાગ્યો છે અને તેથી ત્રીજા નંબરની ગરીબીનો ભોગ બની ગયો છે.

૪ – વિચારોની ગરીબી : માણસ સારા વિચાર કરે તો એની સારી અસર થાય છે તે મનોવૈજ્ઞાનિક સત્ય છે. એક અમેરિકન પત્રકારને એવી બીમારી લાગુ પડી કે જે બીમારીમાં પાંચસો માણસોમાંથી એક જ માણસ બચી શકે. જીવનના આવા કપરા કાળમાં એ પત્રકારને વિચાર આવ્યો કે જો ખરાબ વિચારોની માણસના શરીર ઉપર અસર થતી હોય તો સારા વિચારોની પણ ચોક્કસ અસર થવી જોઇએ એણે પોતે બચી જશે એવા વિશ્વાસ સાથે ખૂબ હકારાત્મક વિચારો શરૂ કર્યા નકારાત્મક વિચારોને જડબેસલાક  મગજવટો આપ્યો. માત્ર હાસ્ય ચિકિત્સાથી એ માણસ જીવી ગયો અને એણ પોતાના અનુભવોનું દળદાર પુસ્તક બનાવ્યું. આ પત્રકારનું નામ નોર્મન કઝીન્સ અને પુસ્તકનું નામ છે એનેટોમી ઓફ  ઇલનેસ. આજનો માણસ પોતાના માટે, પરિવાર માટે, સમાજ માટે અને વિશ્વ માટે ઘણું નકારાત્મક વિચારે છે  અને તેથી ચોથા પ્રકારની વિચાર દરિદ્રતાનો ભોગ બને છે.

૫ – બુદ્ધિની ગરીબી : માણસની પાંચમી દરિદ્રતા બૌદ્ધિક દરિદ્રતા છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં બુદ્ધિનાં ખૂબ વખાણ કર્યાં છે. જે વિવાદ કરે તે સાચી બુદ્ધિ નથી પરંતુ જે સંવાદ કરે તે બુદ્ધિ છે. બુદ્ધિજીવી અને બુદ્ધિશાળી વચ્ચે આસમાન જમીનનું અંતર છે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જે સ્વનો વિચાર કરે છે તે બુદ્ધિ નથી પણ જે સર્વનો વિચાર કરે છે તે બુદ્ધિ છે. જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ  કહ્યું છે કે માણસ કેટલો ચતુર છે તે અગત્યનું નથી પણ માણસ કેટલો સમજદાર છે તે અગત્યનું છે. જેની પાસે શાસ્ત્ર નથી એની બુદ્ધિ શસ્ત્ર બની જાય છે અને પરિણામે હિંસાનો જન્મ થાય છે. જેની બુદ્ધિ સદ્ગુરુ કે સદ્ગ્રંથથી દીક્ષિત નથી તે ગમે તેટલો ભણેલો હોવા છતાં શિક્ષિત નથી કારણ કે જીવનમાં શુદ્ધિ ન હોય તો બુદ્ધિ કુબુદ્ધિ બની જાય છે અને પરિણામે માણસ પાંચમા પ્રકારની દરિદ્રતાનો ભોગ બને છે.

૬ – ચિંતનની ગરીબી : તમને સવાલ થશે કે વિચારોની ગરીબી અને ચિંતનની ગરીબીમાં શું તફાવત છે..??  વિચાર અને ચિંતનમાં મોટો તફાવત છે. આજનો માણસ ખૂબ વિચારો કરે છે પરંતુ જરા પણ ચિંતન કરતો નથી. કોઇનું અહિત કરવા માટેનો વિચાર એ ચિંતન નથી. કોઇનું હિત કરવા માટેનો વિચાર એ  પણ ચિંતન નથી. પહેલો વિચાર કુવિચાર છે અને બીજો વિચાર સુવિચાર છે. માણસ શું કરવું એનો વિચાર કરે છે ત્યારબાદ વિચારને વાણી તથા વર્તન સ્વરૂપે કાર્ય કરે છે ત્યારબાદ પોતે કરેલો વિચાર, પોતે કરેલું વર્ણન અને પોતે ઉચ્ચારેલી વાણી યોગ્ય હતાં કે અયોગ્ય હતાં તે જાણવા માટે માણસ તટસ્થ બનીને વિચારે તે ચિંતન છે. આજના માણસની આ ચિંતનાત્મક તટસ્થતા ખોવાઇ ગઇ છે એટલે  એ છઠ્ઠા પ્રકારની ગરીબીનો ભોગ બન્યો છે.

૭ – મોહની ગરીબી : માણસનો મોહ વધે તે સાતમી દરિદ્રતા છે. આગળની છે ગરીબી એવી છે જેમાં જ્ઞાન, ભાવ, સત્યવચન, સુવિચાર, સુબુદ્ધિ અને ચિંતન ઘટે એટલે ગરીબી આવે છે જ્યારે સાતમા પ્રકારમાં મોહ વધે એટલે ગરીબી આવે છે. આ સાત પ્રકારની ગરીબીથી બચવા માટે શું કરવું એનો જવાબ રામચરિત માનસમાંથી મળે છે. આપણે પહેલાં દર્દની ચર્ચા કરી અને હવે એની દવા વિશે જાણી લઇએ. એક ભાઇ મુંબઇ જતા હતા એમના પાડોશીએ મુંબઇથી અરીસો મંગાવ્યો. પેલા ભાઇ અરીસા બદલે રામાયણ લાવ્યા અને કહ્યું કે આ દિવ્ય અરીસો છે. કાચના અરીસામાં તને માત્ર તારું શરીર દેખાશે ત્યારે આ સાચના અરીસામાં તારું આખું જીવન દેખાશે. જો રામાયણનાં સાત પાત્રોને બરાબર સમજી અને એમની પાસેથી મળતાં સાત વ્રતને જીવનમાં ઉતારો તો સાતે-સાત ગરીબી દૂર થઇ જાય છે