ATUL N. CHOTAI

a writer – since 2014


પોલીસ વિભાગને લગતી ૧૬ જેટલી સેવાઓ સીટીઝન પોર્ટલ પર ઓનલાઇન ઉપલબ્ધ બની

ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગની કાર્યદક્ષતા વધારવા માટેના પ્રયત્નોના ભાગ રૂપે સીટીઝન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે. જેમાં એક વાર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ૧૬ જેટલી વિભાગને લગતી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થઇ શકે છે. આ પોર્ટલ દ્વારા એફ.આઇ.આરની કોપી મેળવવી, ચોરાયેલ મિલ્કતની અરજી ગુમ થયેલ વ્યક્તિની અરજી, ઓનલાઇન આપી શકે છે. આ ઉપરાંત સીનીયર સીટીઝનની નોંધણી, ડ્રાઇવર કે ભાડુઆતની નોંધણી કરાવવી વગેરે જેવી કુલ મળીને ૧૬ જેટલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થશે. અરજી સબમીટ થયા બાદ મળેલા યુનીક નંબર વડે ફરીયાદને ટ્રેક પણ કરી શકાશે આથી વધુને વધુ લોકોને આ પોર્ટલ http://gujhome.gujarat.gov.in લાભ લેવા પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે. gujarat government police services for all people in onlie


મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે આજના નેટિઝન માટે એક ઉદાહરણીય દાખલો બેસાડ્યો છે..

Miss India Manushi Chhillar

Miss India Manushi Chhillar

નાની નાની વાતમાં દુ:ખી થઈ જતા અને માઠું લાગી આવતા સોશિયલ મીડિયા પર ઘૂરકતા આજના નેટિઝન માટે તાજેતરમાં જ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી આવેલી માનુષી છિલ્લરે એક ઉદાહરણીય દાખલો બેસાડ્યો છે. પોતાની અટકને લઈને કૉંગ્રેસી નેતા શશી થરૂરે સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણીને મન પર ન લગાડતા છિલ્લરે ટ્વિટ કરી આ મામલે કોઈ વધારે ઊહાપોહ ન કરવા જણાવ્યું હતું. થરૂરે નરેન્દ્ર મોદી દ્વારા લાદવામાં આવેલી નૉટબંધીની ટીકા કરવા લખ્યું હતું કે ચલણી નૉટો પર પ્રતિબંધ મૂકી કેટલી મોટી ભૂલ કરી છે. ભાજપને ખબર હોવી જોઈએ કે ભારતનું નાણું વિશ્વમાં ચાલે છે. જૂઓ.. આપણી છિલ્લર (ચિલ્લર) પણ મિસ વર્લ્ડ બની છે. તેના જવાબમાં માનુષીએ લખ્યું હતું કે જે છોકરી હમાણાં જ વિશ્વ જીતીને આવી છે તે આવી ટિપ્પણીથી દુ:ખી થાય તેમ નથી. ચિલ્લર બહુ સામાન્ય વાત છે. એ છોકરીની અંદરની ચિલ (ખુશમિજાજી) ભૂલશો નહીં.

જો કે સોશિયલ મીડિયામાં થરુરની ટિપ્પણીથી ભારે નારાજગી વર્તાઈ હતી. આ જોતા થરુરે માફી પણ માગી હતી. જો કે તેમની માફી પણ એક કટાક્ષ જ હતી. તેમણે લખ્યું હતું કે માની લઈએ કે આ વિનોદ બહુ નીચા સ્તરનો હતો. જે લોકોને આવા હળવા વિનોદથી દુ:ખ થયું હોય તેમની હું માફી માગું છું. જે છોકરીના જવાબને મેં ખાસ વખાણ્યું હતું તેને અપમાનિત કરવાનો મારો ચોક્કસ કોઈ ઈરાદો ન હતો. આજકાલ એક સામાન્ય વાક્ય કે રમૂજમાં કરેલી ટિપ્પણી મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. સોશિયલ મીડિયાને લીધે વાત બહુ પ્રસરી જાય છે અને નાનકડી વાત પણ મોટી બની જાય છે. લોકો રમૂજ અને અપમાનમાં ફરક સમજી શકતા નથી કે સમજવા ઈચ્છતા નથી.. ત્યારે આ યુવાન મિસ વર્લ્ડની આ પરિપક્વતા દાદ માગી લે તેવી છે.. (પીટીઆઈ)


ઘોંઘાટ નામની બીમારીનો ઈલાજ કરવો હવે જરૂરી બની ગયો છે

લેખન – સંકલન  : અતુલ એન. ચોટાઈ – રાજકોટ

Voice Pollution

Voice Pollution

જ્ઞાન – વિજ્ઞાનનાં આ યુગમાં કાળા માથાના માનવીએ ઘણી સફળતાઓ મેળવી છે પણ આ વિકાસની બાબતોમાં મર્યાદાનું પાલન ન થવાથી વિકાસની બાબતો સમસ્યા બની સમાજમાં વિપરીત અસર કરે છે અને જેના પરિણામો આપણે સહુએ ભોગવવા પડે છે અવાજનું પ્રદુષણ એ આપણા  સમાજનાં દરેક લોકોને અસર કરતી એક ગંભીર સમસ્યા છે. આજે જાહેર સ્થળોએ મોબાઈલમાં જોર જોર થી વાતો કરવી, ઘરમાં – ઓફીસોમાં – વાહનોમાં જોરજોર થી ગીતો વગાડવા, આપણે ત્યાં ઉજવાતા લગ્ન – સગાઇ – બર્થ ડે જેવા ઘણા પ્રસંગોમાં અવાજ નું પ્રદુષણ ફેલાવવામાં આપણે જરાપણ બાકી રાખતા નથી આપણને મજા આવે છે એટલે બીજાને મજા આવતી જ હશે એવું આપણે માની લઈએ છીએ આજે  જાહેર પ્રસંગોમાં પણ સ્ટીરીયોનો ઘોંઘાટ વધી રહ્યો છે અને આથી વધુ વાહનોમાં મોટા તેમજ મ્યુઝીકલ હોર્ન નો વપરાશ પણ વધતો જાય છે આપણા ધાર્મિક કાર્યકર્મોમાં પણ અવાજનો  ઘણોં અતિરેક થતો જોવા મળે છે કોઈના ઉપર છાપ પાડવા કે દેખાદેખી પાછળ  આપણે તમામ પ્રકારની મર્યાદાઓં ઓળંગી જઈએ છીએ સમાજમાં કાંઈક દેખાડવા પાછળ આપણું પછાતપણું અને આપણે કેટલા શિક્ષિત અને સંસ્કારી છીએ..??  તે પણ બધાને ઉડીને આંખે વળગે છે  જેનું આપણે કયારેય ધ્યાન નથી રાખતા સમાજમાં બનતી આવી બધી ઘટનાઓમાંથી આપણે બોધપાઠ લઈ સમજવાને બદલે આપણે પોતે જ આ બધી બાબતો બાબતો કરવા માંડીએ તો આને બીમારી ન કહીએ તો શું કહીએ…??

માથુ ફાડી નાખે તેવો  ઘોંઘાટ લોકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે તથા આપણા પક્ષીઓ અને પ્રાણીઓના જીવ માટે પણ તે જોખમી સાબીત થઈ શકે છે દેશની સર્વોચ્ચ અદાલત નોઈસ પોલ્યુશન અને પર્યાવરણના મુદ્દા ઉપર ઘણી જ ચિંતીત છે અને તેમણે દેશમા અમુક દિવસોને બાદ કરતા બાકીના દિવસોમાં રાત્રિના ૧૦ વાગ્યા પછી કોઈપણ પ્રકારના પબ્લીક સીસ્ટમ લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુક્યો છે તથા વન વિભાગ હસ્તકની જગ્યા હોય તેની ત્રિજયામાં આ સમય દરમ્યાન પણ નોઈસનું પ્રમાણ કેટલુ હોય તે અંગે પણ નિર્દેશન આપવામાં આવેલ છે આપણે ત્યાં મંગલ કે ધાર્મીક પ્રસંગોની ઉજવણી થાય તે આવકાર્ય બાબત છે પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓની સાથે આપણા સહુના સલામત જીવન જીવવાના અધિકાર ઉપર ખલેલ પહોચાડવાનો કોઈને જરાપણ અધિકાર નથી..

અવાજનું આ પ્રદુષણ વ્યવહારિક દ્રષ્ટિએ તો અયોગ્ય છે જ પણ કાયદાની નજરે પણ અયોગ્ય છે.  બંધારણમાં આ બાબતે પગલા લેવાની જોગવાઈ પણ છે પણ સરકારી તંત્રને આ કામ કરવું નથી, પોલીસ વિભાગમાં મોટેભાગે નાક દબાવ્યા વગર કે પૈસા સિવાય કામ થતું નથી, રાજકીય પક્ષો માટે આ મુદો નથી અને મોટા ગજાના છાપાઓ – ચેનલો માટે આ સમસ્યા મહત્વની નથી, જે લોકોને કરવું છે તેને સમાજના અનિષ્ટ તત્વો કામ કરવા દેતા નથી અને સામાજિક સંસ્થાઓ આંખે થઇ સંબંધ બગડવા નથી માંગતી માટે આ બધા લોકો તરફથી આ સમસ્યાના ઈલાજની અપેક્ષા રાખવી આપણા માટે સાવ વ્યર્થ છે. ઘોંઘાટ નામની બીમારી સમાજના દરેક વ્યક્તિને અસર કરે છે અને આ સમસ્યામાં આપણે ખુદ પણ ઘણા જવાબદાર છીએ. જો આપણે બેસી રહીશું તો આનો ઈલાજ નહિ થાય માટે સહુ પ્રથમ આપણે પોતે જ થોડુક બીજા માટે વિચારીને ચાલીશું તો આ સમસ્યાનો સુખદ નિરાકરણ આવવાની શરૂઆત થશે અને બાકી જે લોકો આ બધું સમજવા નથી માંગતા તેને કાયદા –  કાનુનની ભાષાથી સમજાવવા પડશે માટે જાગ્યા ત્યાંરથી સવાર સમજી ને આ અવાજનાં પ્રદુષણની બીમારીનો ઇલાજ કરી તેને જડમુળથી નાબુદ કરી સમાજના વિકાસમાં સહભાગી બનીએ..!!


ઘેર બેઠા ભેળસેળ જાણવાના નુસ્‍ખા

આલેખન :  રાજેશ ભાતેલિયા

ભેળસેળ ચકાસવાની સાદી અને સરળ રીતે ખાદ્યતેલમાં જો દિવલની ભેળસેળ કરાય હોય તો તે જાણવા માટે થોડાક તેલને કસનળીમાં લઇ પેટ્રોલીયમ ઇથરમાં ઓગાળો અને કસનળીને બરફ અને મીઠાના મિશ્રણમાં મુકતા જો માત્ર પાંચ જ મીનીટમાં તે ડોળુ થાય તો તેમાં દિવલ છે તેમ જાણી શકાય છે.

જયારે મીઠાઇ, પાન અને ચટણીમાં વપરાતા વરખમાં જો આપણને એમ લાગે કે એમાં એલ્‍યુમીનીયમની વરખ છે તો તે શોધવા માટે હાઇડ્રોકલોરીક એસીડમાં તે વરખ નાંખવાથી જો તે એલ્‍યુમીનીયમનું હશે તો અગોળી જશે અને જો ચાંદીનું વરખ હશે તો તે ઓગળશે નહીં.

આપણે બજારમાંથી ખરીદેલી રાઇમાં કોલસાની ભુકી નાંખવામાં આવી છે કે કેમ તે જાણવું હોય તો રાઇને હાથમાં મસળો અને રાઇ મસળતા કાળો રંગ હાથ ઉપર લાગે તો સમજવું કે કોલસાની ભુકીનું મિશ્રણ કરાયું છે.

બજારમાંથી આપણે ખરીદેલી ચા ખરેખર સારી છે કે ભેળસેળવાળી છે તે જોવું હોય તો ભીના ફિલ્‍ટર પેપર ઉપર આવી શંકાસ્‍પદ ભૂકી છાંટો થોડીવારમાં ફીલ્‍ટર પેપર ઉપર પીળા ગુલાબી લાલ ભુરા ડાઘા દેખાય તો સમજવું કે વપરાયેલી ચાના ડુચાને સુકવીને કૃત્રિમ રંગોથી રંગી ચામાં ભેળસેળ કરી છે.

ફરસાણ, રંગવાળી મીઠાઇ, આઇસ્‍ક્રીમમાં ભેળસેળ છે કે કેમ તે જોવું તો ખાદ્ય ચીજ ઉપર હાઇડ્રોકલોરીક એસીડ નાંખવાથી એનો રંગ ભુરો અને જાંબુડીયો બની જાય તો સમજવું કે મેટાનીલ યલો જેવા પ્રતિબંધિત કોલટાર કલરનો ઉપયોગ કરાયો હોઇ શકે છે.

મરચાની ભૂકીમાં લાકડાનો વહેર અને અખાદ્ય રંગ વપરાયો હોય તો ખાંડેલા મરચાને પાણીમાં નાંખવાથી વહેર તરસે તેમજ પાણી રંગીન થશે.

ચાની અંદર જીણી લોખંડની કણીઓ નાંખવામાં આવી હોય તો ચા ને લોહચુંબક  ઉપરથી પસાર કરતા લોખંડની રજકણો ચોંટી જશે.

દૂધની અંદર સ્‍ટાર્ચની ભેળસેળ કરાય હશે તો દૂધ થોડા દૂધમાં ચારથી પાંચ ટીપા ટીકચર ઓફ આયોડીન નાંખો સ્‍ટાર્ચ હશે તો બ્‍લ્‍યુ રંગે થશે.

દળાયેલી ખાંડમાં સોજી, ધોવાનો સોડા કે ચોકનું મિશ્રણ કરાયું હશે તો ધોવાનો સોડા કે ચોક હશે તો તેમાં હાઇડ્રોકલોરીક એસિડ નાંખતા ઉભરો આવશે અને સોજી હશે તો તેમાં ચારથી પાંચ ટીપા ટીંકચર ઓફ આયોડીન નાંખતા બ્‍લ્‍યુ રંગનું થશે.

ઘી અને માખણમાં વનસ્‍પતિની ભેળસેળ કરાય હશે તો એક ચમચી ભરી સાંકળ હાઇડ્રોકલોરીક એસિક (૧૦ એમ.એલ.) માં ઓગાળો તેમાં ૧૦ એમ.એલ. કરેલ ઘી ઉમેરો, મિશ્રણને હલાવો જો રંગ લાલ થાય તો માખણ અને ઘી નકલી સમજવાના રહેશે.

કઠોળ અને દાળમાં કૃત્રિમ રંગ વપરાયો હશે તો કઠોળ અને દાળ પાણીમાં નાંખવાથી પાણી રંગીન થઇ જશે.

કોપરેલમાં ખનીજ તેલ (મીનરલ ઓઇલ) ની ભેળસેળ કરાયેલ હશે તો તેલને ફ્રીઝમાં મુકવા છતાં પણ જો તે જામે નહીં તો કોપરેલ તેલ શુધ્‍ધ નથી જયારે મરીમાં ખનીજ તેલ (મીનરલ ઓઇલ), કેરોસીનની ભેળસેળ કરાય હશે તો મરી ચળકતા કાળા લાગે તથા હાથ ઉપર ઘસવાથી કેરોસીનની વાસ આવે.

મરચા અને હળદરની ભુકીમાં અખાદ્ય કૃત્રિમ રંગોની તથા બાહય સ્‍ટાર્ચ, કુસકી વગેરેની ભેળસેળ થતી હોય છે જેથી કંપની પેક નમુનામાં આવી ભેળસેળનું પ્રમાણ ખૂબજ ઓછું જોવા મળતું હોય કંપની પેક પ્રોડકટ ખરીદી અથવા તો જાતે મરીમસાલા બનાવવા જોઇએ. આમ ઘેર બેઠા પણ ભેળસેળ ચકાસી શકાય છે અને ઘેરબેઠા ભેળસેળ જે ચકાસી શકાતી નથી તે આપણી રાજય સરકારની આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા ખોરાક અને ઔષધ પ્રયોગશાળા આપણી મદદે હંમેશા તત્‍પર રહેતી આવી છે.

રાજકોટમાં યુનિવર્સિટી રોડ  ખાતે કાર્યકરત પ્રાદેશિક ખોરાક પ્રયોગશાળા આપણી મદદે સદૈવ તૈયાર છે. માત્ર રૂા. ૩ થી ર૦ માં ઘેરબેઠા રીપોર્ટ પણ મેળવી શકાય છે અને ભેળસેળવાળી જગ્‍યાએથી સામગ્રી ખરીદવાનું આપણે બંધ કરી ભેળસેળથી બચી શકીએ છીએ. વધુ વિગત માટે કચેરીના સમય દરમ્‍યાન રજાના દિવસો સિવાય ફોન નં. ૦ર૮૧ – રપ૮૧૦ર૯  ઉપર સંપર્ક કરવાનો રહેશે.