ATUL N. CHOTAI

a writer – since 2014


બાળક મુળશંકરમાં થી મહર્ષિ દયાનંદ સરસ્વતી બનાવનારી પવિત્ર તપોભૂમિ એટલે મોરબી જિલ્લાનું ટંકારા ગામ

: સંકલન : :
જગદીશ ડી. ત્રિવેદી- સહાયક માહિતી નિયામક
પ્રાદેશિક માહિતી કચેરી, જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

Dayanand Sarashvati House - Tanakara

Dayanand Sarashvati House – Tanakara

મુળશંકર નામના તેજસ્વી યુવાનને મહર્ષિ દયાનંદ સરસ્વૂતી બનાવનારી ટંકારાની પવિત્ર તપોભુમિ આજે સમગ્ર વિશ્વને વેદો અને આર્યધર્મનો સંદેશો આપી રહી છે. એક સમયે જે સ્થળે રાજા અને રાણીના આનંદ પ્રમોદના સ્થળો હતા ત્યાંઆ આજે વિદ્યાર્થીઓ વેદોનું ગાન કરે છે. જયાં રાજવીના મનોરંજન માટેના નૃત્યો  થતા ત્યાં આજે હવનની પવિત્ર જવાળાઓ વચ્ચે મંત્રોચ્ચારનો ધ્વની ગુંજે છે.  ટંકારા સ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ માત્ર સ્વાંમીજીના જન્મસ્થ્ળની સ્મૃતિઓ સાચવીને જ નથી બેઠું પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીની વેદો તરફ પાછા વળવાના સંદેશ, અધ્યાત્મ અને સેવાની સુવાસને વિશ્વભરમાં પ્રસરાવી રહ્યું છે. વેદોની પરંપરાની જાળવણી આજે સેવાના સ્વરૂપે વિશ્વભરમાં આ સંસ્થાના માધ્યમથી વિસ્તરી રહી છે. મોરબીથી ૨૨ કિ.મી અને રાજકોટથી માત્ર ૪૫ કિ.મી દુર આવેલું આ પવિત્ર સ્થળ ડેમી નદીના તટે સાત એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટની સ્થાપના વર્ષ ૧૯૫૯માં થઇ હતી. પોરબંદરના સખાવતી શેઠ નાનજી કાલીદાસ મહેતાએ ૧.પ0 લાખ રૂપિયાનું દાન આપ્યું અને મોરબી સ્ટેટ પાસેથી રાજા – રાણીનો આવાસ અને અન્ય પરિસર ખરીદાયા અને મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ બનાવ્યુ રાજાનું નિવાસસ્થાન આજે ડીસ્પેન્સરી અને ૧૦ હજારથી વધુ પુસ્તકો ધરાવતી વેદદર્શન, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથ, સ્મૃતિઓ, સંસ્કૃત સાહિત્ય , સંસ્કૃત વ્યાકરણના પુસ્તકોથી સમૃધ્ધ પુસ્તકાલયમાં તબદીલ થયું છે. અગાઉના રાણીવાસમાં હવે વિદ્યાર્થીઓનું છાત્રાલય છે જયારે નૃત્યશાળામાં યજ્ઞશાળા બનાવાઇ હતી જેના ચારે પ્રવેશદ્વારોને ચારે વેદોના નામો અપાયા છે.

મહર્ષિ દયાનંદ સરસ્વરતી સ્માયક ટ્રસ્ટની મહાવિદ્યાલયમાં ધોરણ ૭ થી એમ.એ સુધીનો અભ્યાસક્રમ ચલાવાય છે. જે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. હાલમાં અહી ૧૫૦ થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વેદ આધારિત શિક્ષણ અને ૧૬ સંસ્કા્રોનું જ્ઞાન વિદ્યાર્થીઓને અપાય છે. યજ્ઞવિધિ,મંત્રોનું જ્ઞાન એ વિદ્યાર્થી જીવનનું અહી અભિન્ન અંગ છે. અહીંથી શિક્ષણ લઇને બહાર પડતો વિદ્યાર્થી અનુસ્નાતક કક્ષાની આચાર્યની પદવી પ્રાપ્ત  કરે છે. આ માટેની પરીક્ષા મહર્ષિ દયાનંદ વિશ્વ વિદ્યાલય રોહતક (હરિયાણા) દ્વારા લેવાય છે.  આ વિદ્યાલયમાં ગુજરાત સહિતના આશરે ૧૩ રાજયો, નેપાળ તથા મોરેશ્યસના બાળકો વેદજ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે. ગત વર્ષે મોરેશ્યસના બે વિદ્યાર્થીઓએ અહી પદવી પ્રાપ્ત કરી હતી. અહી પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે પણ સમૃધ્ધ પુસ્તકાલય હોવાથી વિદ્યાર્થીઓ આવે છે. આ વિદ્યાલયમાં ચોમાસા સિવાયના સમયમાં વિદ્યાર્થીઓ પ્રકૃતિના સાન્નિ યે વૃક્ષો નીચે બેસી ગુરૂકુળ પરંપરાથી વેદોનું જ્ઞાન મેળવે છે.

આ સંસ્થાનું ભવ્ય પ્રવેશદ્વાર બનાવાયું છે. આ પરિસરમાં ૧૦૦ જેટલા યાત્રિકોને એક સાથે સમાવી શકે તેવું સુંદર અતિથિગૃહ વિવિધ દાતાઓના સહયોગથી બનાવાયું છે જેમાં કેટલાક ઓરડાઓમાં રસોડાની સુવિધા પણ ઉપલબ્ધ છે. વિશાળ ભોજનાલયમાં યાત્રિકો માટે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ થઇ શકે છે. ટ્રસ્ટના પરિસરથી નજીક આવેલું છે મહર્ષિ દયાનંદ સરસ્વાતીનું જન્માસ્થળ, મુળશંકરનો જન્મ થયો તે ઘર હવે ટ્રસ્ટના હસ્તક છે. જેને આધુનિક બનાવી ત્યાં મહર્ષિના જન્મ સ્થાન પર યજ્ઞવેદી અને વાસણોને સ્મૃરતિરૂપ રાખવામાં આવ્યા છે. આ ઘરમાં હાલ ટ્રસ્ટ  દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીના ટંકારામા જન્મ થી માંડીને તેમની સમગ્ર જીવનયાત્રા અને મહાનિર્વાણ સુધીના સમયગાળાને સુંદર ચિત્રો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. અહી સ્વામીજી દ્વારા આર્ય ધર્મ અને વેદોના પ્રચાર અર્થે સમગ્ર આર્યવર્તમાં કરાયેલી યાત્રાનો સુંદર નકશો પ્રદર્શિત કરાયો છે. જબલપુરમાં ૧૮૭૪ ના વર્ષમાં આસી. કમિશ્નરશ્રી કૃષ્ણકુમારના ઘરે લેવાયેલી મહર્ષિની મૂળ તસવીર જેવી અલભ્ય તસવીર સહિતની સાત તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શન ખંડમાં ચારે વેદોનો એક જ ગ્રંથમાં સમાવેશ થયો હોય તેવું પુસ્તક તથા મહર્ષિ દયાનંદ સરસ્વ્તીના હસ્તલિખિત પત્રોની પ્રતિકૃતિઓ પણ પ્રદર્શિત કરાયા છે.

મુળશંકરને જે શિવાલયમાં શિવલીંગ પર ઉંદરડા ફરતા જોઇ બોધ થયો હતો તે બોધશિવરાત્રી શિવમંદિર આજે પણ દર્શનાર્થે ખુલ્લુ઼ છે. આ મંદિર તેમના પિતાશ્રી કરસનભાઇએ બનાવ્યું  હતું. શ્રી કુબેરનાથ મહાદેવના આ મંદિરમાં નિયમીત પુજા અર્ચન થાય છે અને આ પવિત્ર સ્થળ બોધ શિવરાત્રી શિવમંદિર પરિસર તરીકે સુખ્યાત છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા ટંકારામાં બોધમંદિર નજીક ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક વિદ્યાર્થીઓ માટે વિદ્યાલય પણ ચલાવાઇ રહ્યું છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રી સમયે ઋષિ બોધોત્સવ ઉજવાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ટંકારાને સમગ્ર વિશ્વમાં આર્યધર્મ અને વેદોનો પ્રચાર પ્રસાર કરી પવિત્ર તિર્થધામ બનાવનારા મહર્ષિ દયાનંદ સરસ્વતી, પૂર્વાશ્રમના મુળશંકર (મુળજી) નો જન્મ શ્રી કરસનભાઇ ત્રિવેદીના ઘરે માતા અમૃતબાઇની કુખે તા. ૨૪ – ૦૨- ૧૮૨૪ના રોજ થયો હતો. બાળપણથી જ આધ્યાત્મિિક સંસ્કારો ધરાવતા મૂળશંકરે ૨૧ વર્ષની વયે ટંકારા છોડયા બાદ સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો અને વેદોનું જ્ઞાન મેળવી સત્યાર્થપ્રકાશ મહાગ્રંથની રચના કરી અને વિશ્વને વેદો તરફ વળવાનો સંદેશો આપ્યોે. મહર્ષિ દયાનંદ સરસ્વતીનું તા.૩૦ – ૧૦ – ૧૮૮૩ ના રોજ દિવાળીના સમયે દેહાવસાન થયું હતું


જેતપુર પાસે અંકુર હોટલમાં ચકલીઓની ચીચીયારી ગુંજે છે

Sparrow House - Jetpur

Sparrow House – Jetpur

જેતપુર :  આજે શહેરોમાં હાલ ચકલીઓ જ્‍યારે લુપ્ત થતી જાય છે ત્‍યારે ચકલીઓની ચીચીયારી ફરી કાયમ કરવા ધારેશ્વર વિસ્‍તારમાં આવેલ જૂની અંકુર હોટલના માલિક મનસુખભાઈ મલી (પટેલ) છેલ્લા ૫ વર્ષથી માળાઓનું વિનામૂલ્‍યે વિતરણ કરે છે. ચકલી પ્રત્‍યેનો અગાધ પ્રેમને લીધે હોટલમાં સવારથી જ ચકલીઓની ચીચીયારીઓ ગુંજવા માંડે છે. અગાઉના સમયમાં વડીલો તેમના બાળકોને ચકી ચકાની વાતો સંભળાવતા અને બાળક ચકીને સૌ પ્રથમ ઓળખતા થતા તેનુ કારણ એ જ છે કે, ઘરમાં પંખા ઉપર, મીટરના બોકસ પર, ઘરમાં ટીંગાતા ફોટા પાછળ, ટયુબલાઈટ ઉપર સહિતની જગ્‍યામાં માળો બનાવતી તેથી બાળકના ધ્‍યાન પ્રથમ જ ચકી આવતી. આજના હરણફાળ ગતિ કરતા સમયમાં ઘરમાં ચકલીને માળો બાંધવા માટેની જગ્‍યા ગાયબ થઈ ગઈ છે. આલીશાન મકાનમાં ફોટોફ્રેમ લટકતી, ટયુબલાઈટ, મીટર બોકસ ગાયબ થઈ ગયા છે. પંખાની જગ્‍યા એ.સી.એ લઈ લીધી છે. તેથી ચકલીઓ ઘરમાં માળો બાંધી શકે તેવી જગ્‍યા રહી નથી. ફળીયામાં તેમજ આંગણામાં ઉગેલા વૃક્ષોનું નિકંદન નીકળી જતા શહેરનો વિસ્‍તાર વધી જતા ચકલી બિચારી ક્‍યાં જાય..? લોકોમાં એવી માન્‍યતા પ્રવર્તે છે કે ચકલીની પ્રજાતી લુપ્‍ત થતી જાય છે, પરંતુ ખરેખર તો એવુ છે કે વગડા દૂર થઈ શહેર બની જતા ચકલી લોકોથી દૂર ચાલી ગઈ છે અને મકાનોમાં માળા બાંધીને રહેતી ચકલી એ પોતાનું રહેઠાણ બદલી હાઈવે પર આવેલી હોટલોમાં રહેઠાણ બનાવ્‍યુ છે. આવી જ હાઈવે હોટલ જેતપુરના ધારેશ્વર પાસે રાજકોટ હાઈવે પર આવેલ જૂની અંકુર હોટલ છે. હોટલના માલિક મનસુખભાઈ પટેલ નો ચકલી પ્રેમ હોટલમાં પ્રવેશતા જ જોવા મળે છે. સામાન્‍ય રીતે પ્રવેશદ્વાર પર તોરણ બાંધેલ હોય છે પરંતુ અંકુર હોટલમાં ચકલીના માળાનું તોરણ જોવા મળે છે. મનસુખભાઈ પોતાના ગામથી વંથલી ૨૭ વર્ષ પહેલા જેતપુર આવી હોટલ શરૂ કરેલ. મનસુખભાઈને પહેલેથી જ અબોલ જીવ સાથે પ્રેમ હોય, હોટલની પાછળના ભાગે ચકલી તેમજ પારેવાઓને રહેવા માટે ૩૦ જેટલા વૃક્ષો વાવેલ છે. વૃક્ષો વચ્‍ચે મોટા કુંડા, ટીંગાડેલ છે જેથી ચકલી પાણી પી શકે સાથે સાથે ગરમીથી બચવા ન્‍હાય પણ શકે. મનસુખભાઈને તેમના ગામડે ખેતી હોય ખેતરમાં કુવામાં કબુતરો માળા બાંધે તે ખૂબ ગમતુ, કબુતરોની સાથે ખાસ કરી ચકલી પ્રત્‍યે વધુ લાગણી બંધાઈ હતી. મનસુખભાઇ સવારે ૧૦ વાગે એટલે રોટલા, રોટલી, ભાત, સેવ, બધુ ભેગુ કરી ચકલા માટે એક મોટો ત્રાસ તૈયાર કરી ચકલીઓને ચણ નાખવા માટે રોટલા – રોટલીનો ભુકો કરી ચકલી, કાબર, કબુતર સહિતના પારેવાઓને નાખતા. આ ક્રમ સાંજે પ વાગ્‍યે ફરી વખત રીપીટ કરવામાં આવતો ચકલીઓને આકર્ષવા મનસુખભાઇએ હોટલમાં ૭૦ થી ૮૦ જેટલા પુંઠા તેમજ માટીના માળાઓ મુકયા છે. છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી લોકોને ચકલી પ્રત્‍યેનો પ્રેમ વધારવા તેમજ ઘરના આંગણામાં ચકલી ફરી વખત ચીં-ચીં કરતી થાય, ચકલી બચાવો અભિયાન શરૂ કરેલ છે. આજે પણ મનસુખભાઇ પટેલ ની હોટલમાં ૪૦૦ જેટલી ચકલીઓ ચીં -ચીં કરે છે. મનસુખભાઇ બહારગામ ગયા હોય તો તેની ગેરહાજરીમાં તેમના ભાઇ મનસુખભાઇ નો નિત્‍યક્રમ સાચવે છે.

મનસુખભાઇનો પરિવાર તેમના ચકલી બચાવો અભિયાનમાં  સંપુર્ણ સહકાર આપે છે. હોટલની સાથે – સાથે ઘેર પણ ચકલીના માળાઓ તેમજ પાણીના કુંડા મુકી ચકલીથી આંગણુ ગુંજતુ કર્યુ છે. મનસુખભાઇ દર વર્ષે ૩ થી ૪ હજાર ચકલીના માળા વિનામૂલ્‍યે વિતરણ કરે છે. જેથી હોટલે આવતા ગ્રાહકો ચકલીની ચીંચીયારીઓથી આકર્ષીત થઇ ચકલીનો માળો લઇ જાય છે. મનસુખભાઇ લોકોને વિનંતી કરતા કહે છે કે તમે બીજુ કંઇ ન કરી શકો તો કઇ નહી પરંતુ માત્રને માત્ર તમારા ઘરમાં તમામ લોકો ચકલી પ્રત્‍યે પ્રેમ દર્શાવી આજની પેઢીને ચકલી શું છે. તે સમજાવવા પોતાના ઘેર જરૂર ચકલીના માળાની જગ્‍યા આપે. ચકલીઓએ તો ભોજના સ્‍વાદને લીધે તેમજ હોટલમાં એકદમ શુધ્‍ધ સાત્‍વીક ભોજન મળતુ હોય લોકો મુલાકાત લેવાનું ચુકતા નથી. ચકલીએ તો જુની અંકુર હોટલને પોતાની કાયમી રહેઠાણ બનાવી લીધુ છે તો આપ પણ ટેસ્‍ટ માણવા તેમજ ચકલીઓ વિશે વધુ જાણવા અને માળો મેળવવા મનસુખભાઇ પટેલ નો મોબાઇલ નં. ૯૯૭૯૨  ૪૫૦૧૫ ઉપર સંપર્ક કરી શકશો. (તસ્‍વીર – અહેવાલ  :  કેતન ઓઝા – જેતપુર)