ATUL N. CHOTAI

a writer – since 2014


ભારતમાં નવા વર્ષની ઉજવણી વિવિધ રીતે થાય છે..

– વનિતાબેન રાઠોડ
આચાર્યા, શાળાનં – ૯૩,
રાજકોટ

હિન્દુઓનું નવુ વર્ષ એટલે દિવાળીનો બીજા દિવસ એટલે કે પડવો, બેસતુવર્ષ, નૂતન વર્ષની શરૂઆતએ તીથી મુજબ આસો વદ અમાસનો બીજો દિવસ, કાર્તિક માસનો પ્રથમ દિવસ કાર્તિક સુદ એકમ પરંપરા પ્રમાણે એક મહાઉત્સવની ઉજવણી સ્વરૂપે આ પર્વ ઉજવાયછે. મહારાષ્ટ્રમાં ગુડીપડવો તરીકે ઉજવાય છે.

હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્રી વર્ષ પ્રતિપદાએ નવુ વર્ષ એપ્રિલ માસમાં પણ નવું વર્ષ ઉજવાય છે. મુસ્લીમ કેલેન્ડર મુજબ મહોરમ વર્ષનો પ્રથમ માસ અને તેનો પહેલો દિવસ એટલે નવુ વર્ષ. પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ. ૨૧ માર્ચ એ પતેતી કે નવરોઝ તરીકે ઉજવાય છે. નવા વર્ષની ઉજવણી માટેની તૈયારીઓ માટે ઘરની સફાઇ આગલા દિવસોથી શરૂ થાય. નવા વર્ષની ઉજવણીમાં નવા કપડા-નવી વસ્તુઓની ખરીદી, નવા વર્ષના દિવસે સગા સબંધી મિત્રોના ઘરે જવુ, અભિનંદન પાઠવવા, શુભકામનાઓ પાઠવવી, મીઠાઇ – ફરસાણ બનાવવામાં આવે છે. ઘર-ઇમારતોને શણગારવામાં આવે છે. બજારોમાં નવી રોનક આવે, રસ્તાઓ શણગારવા-સજાવવામાં આવે, ચોતરફ લાઇટીંગ અને ડેકોરેટીવ મટીરીયલ દેખાય છે.

પંજાબીઓનું નવુ વર્ષ બૈશાખી, નાનકશાહી. કેલેન્ડરનો પ્રથમ દિવસ ૧૩ કે ૧૪ એપ્રિલે આવે છે. બુધ્ધ ધર્મમાં વિવિધ દેશોમાં વિવિધ દિવસોએ નવુ વર્ષ ઉજવાય. ત્રણ દિવસ સુધી ઉજવાતા નવા વર્ષનું પર્વ એપ્રિલ માસનાં પ્રથમ પુનમના દિવસથી ત્રણ દિવસ સુધી ઉજવાય છે. સીંધી લોકોનું નવુ વર્ષ એટલે ચેટીચાંદનો પર્વ. ચૈત્ર માસનાં બીજા દિવસે જુલેલાલનાં જન્મદિનનાં માનમાં ઉજવાય છે. ઇસાઇ લોકોનું નવુ વર્ષ વિશ્વભરમાં સ્વીકારાયેલું કેલેન્ડર મુજબ જાન્યુઆરીના પ્રથમ દિવસે ઉજવાય છે.

ભારતનાં વિવિધ રાજ્યોમાં વિવિધ દિવસોએ નવા વર્ષની ઉજવણી વર્ષભરમાં અનેક દિવસોએ લોકોના ધર્મ મુજબ, પરંપરા મુજબ, માન્યતાઓ પ્રમાણે નવવર્ષ પર્વ ઉજવાય છે. જેમાં લોકોનાં ધર્મ મુજબ કે પ્રથા મુજબ પૂજા-પાઠ કે વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં આવે છે. લોકોના વિવિધ પ્રદેશની વિવિધતા પ્રમાણેનાં પહેરવેશ તે પ્રદેશ મુજબની વાનગીઓ તથા તેમના રૂઢી-ગત રીવાજો મુજબની ઉજવણી કરે છે. ઉગાદીના પર્વને નવા વર્ષ તરીકે ચૈત્ર માસનાં પ્રથમ દિવસે કર્ણાટક, તેલંગાણા અને આંન્ધ્રપ્રદેશમાં ઉજવામાં આવે છે. વિશુ તહેવાર નવા વર્ષ તરીકે કેરલમાં ઉજવાય તો બૈશાખી પંજાબ, સિકિકમમાં શીખ લોકો નવા વર્ષ તરીકે ઉજવે.

પહેલા બૈશાખ બેંગાલી નવા વર્ષ તરીકે પશ્ચિમ બંગાળામાં ઉજવાય. પુથાન્ડુ તમીલનાડુમાં તમીલ કેલેન્ડરનાં પ્રથમ માસનાં પ્રથમ દિવસે ઉજવાય. ઉત્તરપૂર્વ ભારતમાં બાહેગ બીહુ નવા વર્ષ તરીકે ઉજવાય. ઓડિસામાં મહા વિશુવા સંક્રાતિ ઉડિયા કેલેન્ડર મુજબ ૧૪ કે ૧૫ એપ્રિલના નવા વર્ષનાં પ્રથમ દિવસે ઉજવાય. જુડે શિત્તલ પણ મૈથીલી નવુ વર્ષ બિહાર તથા ઝારખંડમાં નવા વર્ષ તરીકે ઉજવાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવંતનું નવુ વર્ષ ચૈત્ર માસનાં પ્રથમ દિવસે ઉજવાય છે. જે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રથમ દિવસ હોય છે. જે દિવસે ગ્રહ અને નક્ષત્રમાં પરિવર્તન થાય છે. તમીલનાડુમાં પોંગલ ૧૪ જાન્યુઆરીનાં નવુ વર્ષ ઉજવાય. કાશ્મીરી કેલેન્ડરમાં ૧૯ માર્ચનાં નવરેહના દિવસે નવુ વર્ષ ઉજવાય છે.

આમ ભારતનાં વિવિધ રાજ્યોમાં મૌસમ બદલાવ પ્રમાણે, તીથી મુજબ, નક્ષત્રો-ગ્રહોનાં સ્થાન બદલાવ મુજબ તો કયાંક પાકની લાગણીનાં અનુસંધાને નવા વર્ષની ઉજવણી થાય. જેમા સર્વ લોકો હર્ષ, ઉત્સાહ આનંદ-ઉમંગથી જોડાય છે. નવા વર્ષની ઉજવણીથી જીવનમાં નવો રંગ ઉમેરાય છે. જીવનમાં આંનદનાં નવા રંગોનો સંચાર થાય છે અને જીવન-ઉત્સાહ સંબંધોમાં નવી લાગણીઓનો વધારે થાય છે.


દીપાવલીના પર્વોનું પણ એક વિજ્ઞાન છે..

Happy Diwali

Happy Diwali

– મુકેશ પંડ્યા

ચોમાસુ ઉર્ફે ચાર્તુમાસનો છેલ્લો તહેવાર એટલે દિવાળી. શરદ અને હેમંત ઋતુુનું જંક્શન એટલે દિવાળી. ગરમી અને ઠંડીનો સંગમ એટલે દિવાળી. પાંચ દિવસ ને પાંચ રાત્રિનો તહેવાર છે દિવાળી. જેની શરૂઆત આસો મહિનાના અંતે અને સમાપન કારતક મહિનાની શરૂઆતથી થાય છે એ દિવાળી. આ બધી પૂર્વભૂમિકા બાંધવાનો હેતુ એટલો જ છે કે દિવાળી માત્ર ધર્મ કે તત્ત્વજ્ઞાન પર આધારિત નહિ, બલ્કે આ દેશની પ્રકૃતિ તેમ જ બદલાતી ઋતુઓને ધ્યાનમાં લઇને થતી ઉજવણી પણ છે. અંગ્રેજો જેને ઑક્ટોબર હીટ કહીને ઓળખતા એ આપણા આસો મહિનાની ગરમીનો અનુભવ તો આપણે કર્યો છે. દિવસે ત્રસ્ત કરી મૂકતા આ મહિનામાં એટલે જ બધા તહેવાર રાત્રે મનાવવામાં આવે છે, જેમ કે નવરાત્રિ, શરદ પૂર્ણિમા, કરવા ચોથ, દિવાળી વગેરે.. શરદ ઋતુમાં આવતો આ મહિનો દિવસમાં ગરમ અને રાતના ઠંડા વાતાવરણને લીધે બીમારી ફેલાવતો મહિનો પણ કહેવાય. કોઇ ડૉક્ટર પાસે તમે આ મહિનામાં જાવ ત્યારે તમને અચૂક કહેશે કે તમે ડબલ સિઝન (બે ઋતુ) નો ભોગ બન્યા છો. કોઇ વ્યક્તિનો જન્મદિવસ ઊજવતી વેળાએ આપણે એને જીવેત શરદ: શતમ કહીને સંબોધીએ તેનો અર્થ એ જ કે રોગિષ્ટ એવી સો શરદ ઋતુથી વ્યક્તિ બચી શકે તો બાકીની ઋતુઓ કાઢવી પ્રમાણમાં સરળ હોય છે.

આવી ઋતુથી બચવા તેમ જ પર્યાવરણને શુદ્ધ કરવા નવરાત્રિના હવન અને કંઈક અંશે દિવાળીમાં અગ્નિ કમ પ્રકાશ ફેલાવતા ફટાકડાં ઉપયોગી હતાં તેમાં ધંધાદારી વલણ આવતા બદનામ પણ થયાં છે. જો કે તારલિયા, લવિંગિયા. ફૂલઝરી, ફુવારા કે ચકરડી જેવા ફટાકડાં ફોડવામાં આવે તો તેની આકર્ષક રંગબેરંગી પ્રકાશમય ડિઝાઇનથી આંખ અને મનને આનંદ તો મળે જ છે. સાથે આવા ઓછા અવાજવાળા કે ધ્વનિ વગરના માત્ર ધુમાડો ફેલાવતા ફટાકડા આરોગ્ય માટે ઉપકારક સિદ્ધ થાય છે એમ આજનું વિજ્ઞાન પણ કહે છે. ફટાકડાંથી થતો ધુમાડો ચોમાસામાં વૃદ્ધિ પામેલા ડેન્ગ્યુ સહિતના મચ્છરોને દૂર ભગાવે છે. વળી ધુમાડાની અસર ઓછી થયા પછી હવામાન ઠંડુ થતાં જ ધુમાડાની રજકણો જમીન પર પથરાય જાય છે, તેથી નવા મચ્છરો પેદા થતાં નથી. આ ધુમાડાથી મચ્છરો મરતાં નથી પણ દૂર ભાગે છે એટલે અહિંસા પ્રેમીઓને પણ ગમી જાય તેવી આ વાત છે. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટ્યિુટના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ.નરેન્દ્ર મેહરોત્રા જણાવે છે કે અવાજ કરતાં ફટાકડામાં ગંધક તો પ્રકાશ ફેલાવતા ફટાકડાંમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે. કેટલાક ફટાકડામાં સ્ટ્રોન્શિયમ કે પોટેશિયમ પણ હોય છે. આ બધા ફટાકડાં એક સાથે ફોડવામાં આવે તો એવા વાયુઓનું મિશ્રણ ઉત્પન્ન થાય છે જે એન્ટિબોયોટિક તરીકે કામ આપી મચ્છરોનેે મારી હટાવે છે.એટલે એક જ જાતના ફટાકડા ન ફોડતાં વિવિધ ફટાકડાઓ ફોડવાં જોઇએ. જો કે હવે કાયદેસર પ્રતિબંધ આવ્યો હોવાને કારણે ફટાકડાના પ્રમાણમાં ઘણો ઘટાડો જોવા મળશે. આટલું સમજીને હવે દિવાળીના પાંચ દિવસની વાત કરીએ.

પ્રથમ દિવસ ધનતેરસ : ચોમાસામાં આવતી બેય ઋતુ વર્ષા અને શરદ, વિવિધ પાણીજન્ય તેમ જ પિત્તજન્ય રોગોથી પરેશાન કરતી આ ઋતુઓમાં હેમખેમ પસાર થયા પછી દિવાળીના પ્રથમ દિવસે આરોગ્યના દેવની પૂજા કરવી જોઇએ. આ આરોગ્યના દેવ એટલે ધન્વન્તરી જેમની પૂજા ધનતેરશના દિવસે કરી પોતાના તેમ જ કુટુંબના આરોગ્યની કામના કરવી જોઇએ. જૂના સમયમાં પહેલું સુખ તે જાતે નર્યાં એ કહેવત પ્રમાણે આરોગ્યને જ ધન માનવામાં આવતું હતું. નગદ નાણાંની શોધ તો એ વખતે થઇ જ ન હતી. ઘણા લોકો આ દિવસે લક્ષ્મીપૂજા કરે છે પણ તેને માટે દિવાળીનો દિવસ શ્રેષ્ઠ છે અને આ લક્ષ્મી એટલે પણ માત્ર ધન નહીં પણ આઠે પ્રકારની અષ્ટલક્ષ્મીની પૂજા કરવી જોઇએ. આ દિવસે કંસાર, શીરો કે લાપસીના આંધણ મુકાય છે. પિત્તજન્ય ઋતુનો આ છેલ્લો દિવસ આવા પિત્તનાશક મધૂર રસથી ઉજવવો સર્વથા યોગ્ય છે.

કાળીચૌદસ : પ્રથમ દિવસે આરોગ્યદેવની પૂજા કરી બીજે દિવસે શક્તિની આરાધના કરવી જોઇએ. તેને માટે મહાકાળી અને હનુમાનની ઉપાસના જરૂરી છે.અત્યાર સુધી વાતાવરણમાં પિત્તનો પ્રભાવ હતો હવે વાયુનો પ્રભાવ વધશે. શિયાળાની શરૂઆત થશે. વાયુના રોગોથી બચવા તૈલી પદાર્થોનું સેવન જરૂરી છે. આ દિવસે આપણે ત્યાં તળેલી વાનગી બનાવીને ખાવાનો રિવાજ છે તે સર્વથા યોગ્ય છે. ચકરી, સેવ. વડા કે ભજિયા ઘરે બનાવીને ખાવા વધુ ફાયદાકારક છે. કારણ કે ઊકળતા તેલના બાષ્પીભવન પામેલા કણો વાયુમાં ફેલાઇને લવચીકતા પ્રદાન કરે છે. તૈયાર નાસ્તાથી તમારા શરીરને તેલ મળે છે.પણ વાતાવરણમાં રહેલી શુષ્કતા દૂર કરવા ઘરે તળવાનો રિવાજ ખરેખર તર્કપૂર્ણ છે જે હવે બદલાતા સમય સાથે ભૂલાતો જાય છે. સમયના અભાવે ભાવપૂર્વક ઘરે બનાવાતા ફરસાણનો જમાનો ગયો. બસ ભાવ આપીને ખરીદાતાં તૈયાર ફરસાણ અને નાસ્તાના પડીકાં ઘરમાં ઠલવાતાં જાય છે. જોકે હજું ઘણા લોકો ઘરે ભજીયા તળી શરદકાળમાં ભેગો કરેલો કકળાટ કાઢવા બહાર જાય છે ખરાં. ઉલ્લેખનીય છે કે અવાજના કકળાટને શોષી લેવામાં તેલનું આગવું પ્રદાન છે. ઘરમાં અવાજ કરતાં દરવાજાં, પંખા કે હિંચકા અને કારખાનામાં મશીનને તેલ પૂરવાથી ખરેખર ઘોંઘાટ ઓછો થાય છે ખરો…??

દિવાળી : ચોમાસામાં ગુમાવેલા આરોગ્ય અને શક્તિને પ્રથમ બે દિવસ દરમ્યાન આવકાર આપો છો પછી દિવાળીને દિવસે તમે મા સરસ્વતી અને લક્ષ્મીની કૃપા મેળવવા સક્ષમ બનો છો. આ અમાસની રાત્રિએ બન્ને દેવીઓને આવકારવા પૂજા પાઠ થાય છે. રંગોળી પૂરવામાં આવે છે. બારણે તોરણો બાંધવામાં આવે છે, અને.. હાં દિવડાઓની હારમાળાથી વાતાવરણ દિવ્ય બને છે. મંત્ર સાધના માટે આ સમય અતિ ઉત્તમ છે. વરસાદના વાદળો હટી જાય છે. આસો મહિનાના પ્રખર તાપથી ભેજનું પ્રમાણ ઓછું થઇ જાય છે. નવરાત્રિના હવન અને દિવડાંઓની હારમાળાથી વાતાવરણ શુદ્ધ બને છે ત્યારે તમે રટેલા ભાવપૂર્ણ મંત્રોના તરંગોને પરમ શક્તિ સુધી પહોંચવા મોકળું મેદાન મળી જાય છે. એમાંય રાત્રિનો શાંત સમય અતિ ઉત્તમ છે.

નૂતન વર્ષ : આરોગ્ય, બળ, બુદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિએ ઘમંડી ન બનતાં વધુ નમ્ર બનવું જોઇએ. જેની આપણે કાગડોળે રાહ જોતા હોઇએ છીએ એ શિયાળાની શરૂઆત આ દિવસથી થાય છે. આપણને રોગિષ્ટ શરદકાળમાંથી જેમણે હેમખેમ બહાર કાઢ્યા તે પરમેશ્વરનો સર્વપ્રથમ આભાર માનવો જોઇએ. જેમની કૃપાથી આપણને દાણા પાણી મળ્યા છે તેમને અન્નકૂટ ધરાવીને પછી આપણે અન્ન ગ્રહણ કરવાની ભાવના રાખવી જોઇએ. શ્રીકૃષ્ણે ઇન્દ્રના કોપથી બચવા ગિરીરાજ પર્વત ધારણ કર્યો ત્યારે ખાધા પીધાં વિના પ્રજાની રક્ષા કરી હતી તેમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવા આ અન્નકૂટનો રિવાજ શરૂ થયો છે.આવા ભાવથી થતી પૂજાને ગોવર્ધન પૂજા પણ કહેવાય છે. દેવદર્શન બાદ વડીલોના ચરણસ્પર્શ કે સમવયસ્કો સાથે બે હાથ જોડીને કરાતાં નમસ્તે, આ બે ક્રિયાઓ પણ આપણી સંસ્કૃતિના અભિન્ન અને ઉપયોગી સંસ્કારો છે. વોટ્સઍપ અને ફેસબુક જેવા માધ્યમોની અસર હેઠળ આ રિવાજો ભૂલાતાં જાય છે પરંતુ શરીરની સુખાકારી માટે પણ આ રિવાજો પાળવા જોઇએ. હાથ પગના ટેરવાંઓથી અથડાઇને શરીરનું લોહી જ્યારે પાછું ફરતું હોય ત્યારે ટેરવે થતાં કંપનથી શક્તિના તરંગો ઉદ્ભવે છે. આ શક્તિને વાતાવરણમાં વેડફવા ન દેવી હોય અને શરીરની નાની મોટી બીમારી દૂર કરવાના ઉપયોગમાં લેવી હોય તો સિમ્પલ છે – તમે તમારા બે હાથ જોડી દરેકને નમસ્તે કરતા જાવ કે વાંકા વળીને વડીલોના અંગૂઠાનો સ્પર્શ અવશ્ય કરો. આવો ફિઝિકલ લાભ તમને ડિજિટલ માધ્યમ દ્વારા કદાપિ નહી મળે. કાંઇ નહીં તો કમસેકમ આ દિવસે વડીલોને પગે લાગવા અને સગાં સ્નેહીઓને મળવા અચૂક બહાર નીકળવું જોઇએ..

ભાઇબીજ : વસુધૈવ કુટુંબકમમાં માનનારા આ દેશમાં કૌટુમ્બિક તહેવારો ન હોય તો જ નવાઇ. દિવાળીએ કૌટુમ્બિક તહેવાર તો છે જ. સાથે સાથે ચાતુર્માસમાં ભાઇ બહેનના પ્રેમને ઉજવતો આ ત્રીજો અને છેલ્લો તહેવાર છે. શ્રાવણ મહિનામાં વીરપસલી અને રક્ષાબંધનને દરેક ભાઇ બહેન પ્રેમથી ઉજવે છે. ખરેખર યમ અને યમુનાના પ્રતીકરૂપે ભાઇ બહેનના તહેવારો મૂકીને આપણા શાસ્ત્રોએ મોટો ઉપકાર કર્યો છે. વાસ્તવમાં ઉપાસનાના આ ચાર મહિનાઓમાં વ્યક્તિના જીવનમાં વાસના ઓછી અને સાધનાનું પ્રમાણ વધારે હોવું જોઇએ. ભાઇ બહેન અને કુટુંબ સાથે હોય ત્યારે આપણા વિચાર, વાણી અને વર્તનમાં એક મર્યાદા આવી જતી હોય છે જે ચાતુર્માસ પર્વમાં જરૂરી હોય છે.

ધન્ય છે આપણા પૂર્વજોને જેમણે દરેક તહેવારો આપણા માથા પર ઠોકી બેસાડ્યા નથી, પણ દેશના ભૌગોલિક સ્થાન અને હવામાનને અનુલક્ષીને સમય સમય પર થતાં ફેરફારો સામે તનનું આરોગ્ય અને મનનો ઉત્સાહ ટકી રહે તે માટે બનાવેલા નિયમો છે. અફસોસની વાત તો એ છે કે આ જાતનું જ્ઞાન વિજ્ઞાન આપણને શાળા કોલેજોમાં શીખવવામાં આવતું નથી, એટલે શ્રદ્ધા ઓછી અને અંધશ્રદ્ધા વધતી જાય છે. દરમિયાન આ ભવ્ય સંસ્કૃતિનું અધકચરું જ્ઞાન ધરાવતા લોકો અદાલતમાં એક જનયાચિકા ફટકારી પૂરી જનતાના અરમાનો અને ઉત્સાહ પર ઠંડું પાણી ફેરવી દેતા હોય છે… (સૌજન્ય : મુંબઈ સમાચાર)


સસ્તા અને ગૌરવવંતા ગુજરાતી સાહિત્ય‍ના પ્રેરણાદાતા ભિક્ષુ અખંડાનંદને ક્યારેય ભૂલી શકાશે નહિ

Swami Akhandanadji

Swami Akhandanadji

ગુજરાતી સામયિક અખંડ આનંદ અને સસ્તું સાહિત્ય વર્ધકના સ્થાપક ભિક્ષુ અખંડાનંદનો જન્મ તારીખ ૦૩/૦૧/૧૮૭૪ ના રોજ ગુજરાતના ચરોતરના બોરસદ ગામમાં બોરસદમાં લોહાણા પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લલ્લુભાઈ હતું. પિતાનું નામ જગજીવનરામ ઠાકર અને માતાનું નામ હરિબા હતું. ભિક્ષુ અખંડાનંદ માત્ર પાંચ ધોરણ ભણીને તેમણે અભ્યાસ છોડી દીધો. આ લલ્લુભાઇ વાંચનના એટલા બધા શોખીન કે દુકાનમાં બેસાડો તો વેપાર કરવાને બદલે કોઇ ખૂણામાં જઇ ચોપડી લઇ બેસી જાય તથા લલ્લુભાઇને નાનપણથી જ સાધુનો સંગ પ્રિય હતો. ક્યાંય કથાકીર્તનનો ચાલતાં હોય તો એ ભાઇ વેપાર ધંધો એકબાજુ મૂકી ત્યાં જ જોવા મળે. લલ્લુભાઇએ જુદા જુદા વ્યવસાય કર્યા પરંતુ પાછળથી મન વૈરાગ્ય તફ વળતાં અમદાવાદ આવીને ઈ.સ ૧૯૦૪ માં મહા વદ તેરસને શિવરાત્રીના દિવસે સાબરમતીને કિનારે વૃદ્ધ સંન્યાસી શિવાનંદજી પાસે દીક્ષા ગ્રહણ કરી અને ત્યાર પછી તેમનું નામ અખંડાનંદ પડ્યું.

સંન્યાસ લઈને તેમણે સમગ્ર દેશમાં પરિભ્રમણ કર્યું. તેમને વાંચવાનો ખૂબ જ શોખ હોવાથી અનેક ધર્મગ્રંથો વાંચ્યા હતા. સ્વામી અખંડાનંદજી એક વખત નડીયાદ ગયા હતા ત્યાં એમના હાથમાં ભાગવત આવ્યું. એમાં લખેલા એકાદશ સ્કંધથી તેઓ તાજ્જુબ થઇ ગયા. ગીતા કરતાં પણ એ ગ્રંથ વધુ ગમ્યો પછી મનમાં વિચાર આવ્યો કે આ પુસ્તક જો ગુજરાતીમાં શ્લોક સાથે મળે તો કેટલા બધા લોકો લઇ શકે..?? એકવાર હિમાલયથી પાછા ફરેલા સંન્યાસી ભિક્ષુ અખંડાનંદ મુંબઈ આવ્યા. એક પુસ્તકની દુકાને ભજનસંગ્રહ ખરીદવા ગયા તેની કિંમત જોઈ તો ચાર પાંચ ગણી વધારેલ હતી.. જેથી એમને થયું કે સામાન્ય વ્યક્તિ પુસ્તકો કંઈ રીતે ખરીદી શકે..?? આવા સુંદર પુસ્તકનો આટલો બધો ભાવ..?? તેમણે પ્રકાશકને પૂછ્યું ભાઇ, આ પુસ્તક તો ખરેખર સુંદર છે પણ એનો ભાવ ખૂબ જ વધુ રાખેલો છે. છતાંય એકેય પુસ્તક સિલકમાં નથી રહેતું અને આ તેની ચોથી આવૃત્તિ છે. તો તમે સસ્તું ન આપી શકો..?? શા માટે..?? સસ્તું આપો, કિંમત વ્યાજબી રાખો તો સામાન્ય લોકો પણ લાભ લઇ શકે.. સ્વામીજીએ કહ્યું પ્રકાશકે વળતો જવાબ આપ્યો અમે કમાવા બેઠા છીએ, સેવા કરવા નહીં..

પ્રકાશકની વાત સાંભળીને સ્વામીજીને ખૂબ જ દુ:ખ થયું. તેઓ પુસ્તક લીધા વિના જ પાછા ફર્યા પણ તેમણે મનમાં ગાંઠ વાળી કે ભલે ગમે તે થાય મારે આવું જ પુસ્તક છાપવું.. સસ્તી કિંમત રાખવી અને લોકભોગ્ય બનાવવું તથા સમાજમાં સામાન્ય માણસ પણ લાભ લઇ શકે, વાંચી શકે, ખરીદી શકે એટલી ઓછી કિંમત જ રાખવી.. એક સારું કામ કરવાની મનમાં ધગશ લાગી. પોતાને હિમાલય તરફ જવું હતું પણ તે કાર્ય મુલત્વી રાખી એકાદશ સ્કંધનું પ્રકાશન હાથમાં લીધું. શ્રીમંતો મદદ કરવા ઘણાય આગળ આવતા હતા પણ દરેકની કંઇક ને કંઇક શરત હતી. કોઇને પોતાનું નામ છપાવવું હતું, કોઇકને પોતાનો ફોટો મુકાવવો હતો, કોઇકને પોતાને અર્પણ થાય એવી ઇચ્છા હતી. સ્વામીજીએ સોને સવિનય ના પાડી દીધી અને મહેનત કરીને પોતે એકલે હાથે એ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. જોતજોતામાં તો એની નકલો ચપોચપ ઊપડી ગઇ. સ્વામી અખંડાનંદને હવે એક ધૂન લાગી. તેમણે સારાં અને જીવનોપયોગી પુસ્તકો લોકોને સસ્તી કિંમતે આપવાનો એમણે નિર્ણય કર્યો અને તેના માટે સસ્તું સાહિત્યવર્ધકની તેઓએ સ્થાપના કરી.

ભિક્ષુ અખંડાનંદે ગુજરાતના સંસ્કારનું ઘડતર કર્યુ છે. ગીતા સહિત ધર્મ સંસ્કારના પુસ્તકોની ૫૪૦૦૦ જેટલી નકલો માત્ર સાડાત્રણ વર્ષમાં જ વેચીને વિક્રમ સજર્યો હતો તથા એમ. જે. પુસ્તકાલયને તેમણે વિવિધ ભાષાના દસ હજાર પુસ્તકો ભેટમાં આપીને ઉદાત ભાવનાનું દ્દષ્ટાંત પણ પૂરું પાડયું છે. અખંડાનંદ આર્યુવેદિક કોલેજની સ્થાપના પણ કરી. આજે તેમણે સ્થાપેલું સર્વ વિષયોને આવરી લેતું લોકભોગ્ય અખંડાનંદ સામયિક છેલ્લા પચાસ વર્ષથી અવિરતપણે પ્રગટ થાય છે. સસ્તું સાહિત્યની વિસ્તૃત લોકઉપયોગી પ્રવૃત્તિ એક વ્યક્તિના અભિયાન દ્વારા સધાયેલ મોટી ને ગરવી પ્રવૃતિનો પુરાવો છે. જ્ઞાનની પરબ માંડનાર ભિક્ષુ અખંડાનંદનું અવસાન ચોથી જાન્યુંઆરી ૧૯૪૨ના રોજ થયું હતું.  આજે પણ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં સ્વામી અખંડ આનંદ માર્ગ ઉપર અખંડ આનંદ નામનો હોલ છે ત્યાં સસ્તું સાહિત્ય વર્ધકની ઓફિસ આવેલી છે..


ડોંગરેજી મહારાજને કથા દરમિયાન તેમના પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે…

Dongreji Maharaj

Dongreji Maharaj

– આશુ પટેલ

ડોંગરેજી મહારાજના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે.. એક કેન્સર હૉસ્પિટલ માટે ફંડ ઊભું કરવા ડોંગરેજી મહારાજની કથા મુંબઈમાં યોજાઈ હતી. દાયકાઓ અગાઉ યોજાયેલી એ કથા થકી આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ કૅન્સર હૉસ્પિટલ માટે એકઠી થઈ ગઈ હતી. એ કથાના છેલ્લા દિવસે ડોંગરેજી મહારાજ કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમના કોઈ સ્નેહી ગંભીર ચહેરે તેમની પાસે ગયા. તેમણે ડોંગરેજી મહારાજને કાનમાં કહ્યું કે તમારા પત્ની મૃત્યુ પામ્યા છે. એ આઘાતજનક સમાચાર સાંભળ્યા પછી બીજી જ ક્ષણે ડોંગરેજીએ સ્વસ્થતા મેળવી લીધી અને દુ:ખદ સમાચાર લઈને આવેલા સ્નેહીને જવાબ આપીને ફરી કથા શરૂ કરી દીધી.. તેમણે એ દિવસે કથા પૂરી કરી. કથાના આયોજકોને ખબર પડી કે ડોંગરેજીના પત્ની મૃત્યુ પામ્યાં છે ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા પણ ડોંગરેજીએ કથા યથાવત્ ચાલુ રાખી એને કારણે તેઓ ગદગદ થઈ ગયા.

એ પછી ડોંગરેજી મહારાજે પત્નીના દેહાંત પછીની વિધિઓ હાથ ધરી. તેઓ થોડા દિવસ પછી પત્નીના અસ્થિ લઈને ગોદાવરી નદીમાં અસ્થિ વિસર્જન માટે નાશિક ગયા. એ વખતે અસ્થિ વિસર્જનની વિધિ કરનારા બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે તેમની પાસે પૈસા નહોતા જે સ્નેહીએ તેમને તેમના પત્નીના મૃત્યુના સમાચાર આપ્યા હતા એ તેમની સાથે હતા. ડોંગરેજી મહારાજે તેમને પોતાના પત્નીનું મંગળસૂત્ર આપીને કહ્યું કે આ વેચીની પૈસા લઈ આવો. બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે મારી પાસે કંઈ નથી. પેલા સ્નેહી સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો છલકાઈ ગઈ. જે માણસે થોડા દિવસો અગાઉ કૅન્સર હૉસ્પિટલ માટે પોતાની કથા થકી દોઢ કરોડનું ફંડ એકઠું કરી આપ્યું હતું. તેની પાસે મામૂલી રકમ પણ નહોતી સાદગીના પર્યાય સમા ડોંગરેજી મહારાજના જીવનના આવા તો અનેક કિસ્સાઓ છે. એ વાતો ફરી ક્યારે કરીશું.. ઘણા ફાઈવસ્ટાર બાબાઓ, બાપુઓ, સ્વામીઓ અને મહારાજો કરોડો અબજો રૂપિયામાં આળોટતા હોય છે તેમની બોચી ઝાલીને નિત્ય પ્રાત:કાળે આવા કિસ્સાઓનું પઠન કરવાની તેમને ફરજ પાડવી જોઈએ.. (મુંબઈ સમાચાર માંથી સાભાર)


Parmanandbhai Tanna has done many research and study about Matushri Virbaima

parmanand tanna - rajkot

parmanand tanna – rajkot

Parmanandbhai Tanna, Re. Rajkot has done many research and study about Matushri Virbaima. Parmanandbhai Tanna, resides in Rajkot is a retired government employee.He was born in Karanchi but his native is village Aamranbela of Morvi District.He has studied till B.A. & Singeet Visharad. He has deep faith on Re.Virbaima, the wife of great saint Jalarambapa. He had studied and done much research about her. Now, in his retired life, he does pious activity to give lectures with music on Re. Virbaima’s life. Anyone can contact him on address given below to get any information about Virbaima or to arrange pious lectures on her life.

Shri Parmanandbhai Tanna
“Rushikesh”, 6 – Gayakwadi Plot,
Opp. Railway Station, Rajkot – 360 001
Mobile 75671 61808
Time to contact

(10 am to 1 pm and 5 pm to 8 pm)


ઘોંઘાટ નામની બીમારીનો ઈલાજ કરવો હવે જરૂરી બની ગયો છે

લેખન – સંકલન  : અતુલ એન. ચોટાઈ – રાજકોટ

Voice Pollution

Voice Pollution

જ્ઞાન – વિજ્ઞાનનાં આ યુગમાં કાળા માથાના માનવીએ ઘણી સફળતાઓ મેળવી છે પણ આ વિકાસની બાબતોમાં મર્યાદાનું પાલન ન થવાથી વિકાસની બાબતો સમસ્યા બની સમાજમાં વિપરીત અસર કરે છે અને જેના પરિણામો આપણે સહુએ ભોગવવા પડે છે અવાજનું પ્રદુષણ એ આપણા  સમાજનાં દરેક લોકોને અસર કરતી એક ગંભીર સમસ્યા છે. આજે જાહેર સ્થળોએ મોબાઈલમાં જોર જોર થી વાતો કરવી, ઘરમાં – ઓફીસોમાં – વાહનોમાં જોરજોર થી ગીતો વગાડવા, આપણે ત્યાં ઉજવાતા લગ્ન – સગાઇ – બર્થ ડે જેવા ઘણા પ્રસંગોમાં અવાજ નું પ્રદુષણ ફેલાવવામાં આપણે જરાપણ બાકી રાખતા નથી આપણને મજા આવે છે એટલે બીજાને મજા આવતી જ હશે એવું આપણે માની લઈએ છીએ આજે  જાહેર પ્રસંગોમાં પણ સ્ટીરીયોનો ઘોંઘાટ વધી રહ્યો છે અને આથી વધુ વાહનોમાં મોટા તેમજ મ્યુઝીકલ હોર્ન નો વપરાશ પણ વધતો જાય છે આપણા ધાર્મિક કાર્યકર્મોમાં પણ અવાજનો  ઘણોં અતિરેક થતો જોવા મળે છે કોઈના ઉપર છાપ પાડવા કે દેખાદેખી પાછળ  આપણે તમામ પ્રકારની મર્યાદાઓં ઓળંગી જઈએ છીએ સમાજમાં કાંઈક દેખાડવા પાછળ આપણું પછાતપણું અને આપણે કેટલા શિક્ષિત અને સંસ્કારી છીએ..??  તે પણ બધાને ઉડીને આંખે વળગે છે  જેનું આપણે કયારેય ધ્યાન નથી રાખતા સમાજમાં બનતી આવી બધી ઘટનાઓમાંથી આપણે બોધપાઠ લઈ સમજવાને બદલે આપણે પોતે જ આ બધી બાબતો બાબતો કરવા માંડીએ તો આને બીમારી ન કહીએ તો શું કહીએ…??

માથુ ફાડી નાખે તેવો  ઘોંઘાટ લોકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે તથા આપણા પક્ષીઓ અને પ્રાણીઓના જીવ માટે પણ તે જોખમી સાબીત થઈ શકે છે દેશની સર્વોચ્ચ અદાલત નોઈસ પોલ્યુશન અને પર્યાવરણના મુદ્દા ઉપર ઘણી જ ચિંતીત છે અને તેમણે દેશમા અમુક દિવસોને બાદ કરતા બાકીના દિવસોમાં રાત્રિના ૧૦ વાગ્યા પછી કોઈપણ પ્રકારના પબ્લીક સીસ્ટમ લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુક્યો છે તથા વન વિભાગ હસ્તકની જગ્યા હોય તેની ત્રિજયામાં આ સમય દરમ્યાન પણ નોઈસનું પ્રમાણ કેટલુ હોય તે અંગે પણ નિર્દેશન આપવામાં આવેલ છે આપણે ત્યાં મંગલ કે ધાર્મીક પ્રસંગોની ઉજવણી થાય તે આવકાર્ય બાબત છે પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓની સાથે આપણા સહુના સલામત જીવન જીવવાના અધિકાર ઉપર ખલેલ પહોચાડવાનો કોઈને જરાપણ અધિકાર નથી..

અવાજનું આ પ્રદુષણ વ્યવહારિક દ્રષ્ટિએ તો અયોગ્ય છે જ પણ કાયદાની નજરે પણ અયોગ્ય છે.  બંધારણમાં આ બાબતે પગલા લેવાની જોગવાઈ પણ છે પણ સરકારી તંત્રને આ કામ કરવું નથી, પોલીસ વિભાગમાં મોટેભાગે નાક દબાવ્યા વગર કે પૈસા સિવાય કામ થતું નથી, રાજકીય પક્ષો માટે આ મુદો નથી અને મોટા ગજાના છાપાઓ – ચેનલો માટે આ સમસ્યા મહત્વની નથી, જે લોકોને કરવું છે તેને સમાજના અનિષ્ટ તત્વો કામ કરવા દેતા નથી અને સામાજિક સંસ્થાઓ આંખે થઇ સંબંધ બગડવા નથી માંગતી માટે આ બધા લોકો તરફથી આ સમસ્યાના ઈલાજની અપેક્ષા રાખવી આપણા માટે સાવ વ્યર્થ છે. ઘોંઘાટ નામની બીમારી સમાજના દરેક વ્યક્તિને અસર કરે છે અને આ સમસ્યામાં આપણે ખુદ પણ ઘણા જવાબદાર છીએ. જો આપણે બેસી રહીશું તો આનો ઈલાજ નહિ થાય માટે સહુ પ્રથમ આપણે પોતે જ થોડુક બીજા માટે વિચારીને ચાલીશું તો આ સમસ્યાનો સુખદ નિરાકરણ આવવાની શરૂઆત થશે અને બાકી જે લોકો આ બધું સમજવા નથી માંગતા તેને કાયદા –  કાનુનની ભાષાથી સમજાવવા પડશે માટે જાગ્યા ત્યાંરથી સવાર સમજી ને આ અવાજનાં પ્રદુષણની બીમારીનો ઇલાજ કરી તેને જડમુળથી નાબુદ કરી સમાજના વિકાસમાં સહભાગી બનીએ..!!


શ્રી કૃષ્ણએ ૩પ૦૦ વર્ષ પહેલા ઈરાકને તેની જ ભૂમિ પર યુધ્ધમાં હરાવ્યું હતું

જેને આપણે દાંડીયા રાસ કહીએ છીએ તે નૃત્ય કળા મૂળ અસુરોની હોવાનો પુરાતત્વવિદ્નો અભ્યાસ

–  ડો.સુરેન્દ્ર વ્યાસ

Shree Krisna

Shree Krisna

રાજકોટ : અમેરિકનો દાવો કરે છે કે યુધ્ધમાં અમે ઈરાકને હરાવ્યું છે. પુરાતત્વવિદ્ સુરેન્દ્ર વ્યાસ દાવો કરે છે કે ‘આપણા યુગપુરુષ શ્રી કૃષ્ણએ આજથી ૩પ૦૦ વર્ષ પૂર્વે ઈરાકને તેની જ ભૂમી પર હાર આપી હતી.તેમના મત અનુસાર જેને આપણે દાંડીયા રાસ કહીએ છીએ તે નૃત્ય કળા મૂળ અસુરોની છે. દાંડીયા રાસ દ્વારિકામાં પ્રચલિત થઈ ગોકુળ-મથુરા ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારા સંશોધનના આધાર મુજબ સિંધુ સંસ્કૃતિ તેમજ યુફ્રેટીસ અને તૈગ્રીસ નદીની સંસ્કૃતિ વચ્ચે વેપાર વાણિજ્યના સંબંધો હતા. ભાગવત કથામાં ઓખાહરણની કથા પણ આવે છે આ કથામાં ઐતિહાસીક પ્રસંગ સમાયેલો છે. કથા મુજબ દ્વારિકાના શ્રીકૃષ્ણનો પૌત્ર અનિરુધ્ધ કૌટુંબિક કારણોસર રિસાઈને કુટુંબનો ત્યાગ કરી, પશ્ચિમ એશિયાના દેશો તરફ એટલે કે હાલના ઈરાક દેશ તરફ ચાલી નીકળ્યો હતો. આ પ્રદેશ યુક્રેટીસ તૈગ્રીસ નદીની સંસ્કૃતિનો વિસ્તાર છે. જ્યાં એસીરીયન પ્રજા (પુરાણોમાં અસુરો) શાસન કરતી હતી. આ પ્રજા ખૂંખાર, લડાયક અને હિંસક હતી. તેને યુધ્ધમાં કદી પરાજય ન મળતો. કારણકે સમૃધ્ધ અને શક્તિશાળી પ્રજા હતી. આ વિસ્તાર કુદરતી ગેસ, ઓઈલનો વિસ્તાર છે. બાઈબલ અનુસાર એસીરીયન રાજધાની ‘સીટી ઓફ બ્લડ’ તરીકે ઓળખાતી હતી. અસુર રાજાને કથાકારે બાણાસૂર કહ્યો છે. જે સદાય પ૦૦ અંગરક્ષકોથી રક્ષાયેલો રહેતો. કથાકારે બાણાસુરને હજાર હાથ વાળો કહ્યોછે. તેના નગરનું નામ શોણિતપુર (સિટી ઓફ બ્લડ) હતું. બાણાસુરની રાજકુંવરીનું નામ ઉષા હતું અનિરુધ્ધ શોણિતપુરમાં પહોંચ્યો. બાણાસુરની પુત્રી ઉષાના પ્રેમમાં પડયો. બાણાસુરે તેને કેદ કર્યો. કથા અનુસાર નારદે (તે સમયના આંતરરાષ્ટ્રીય રાજદૂત) કૃષ્ણને અનિરુધ્ધની કેદના સમાચાર આપ્યા. કુષ્ણની વિનંતી છતાં કેદમાંથી અનિરુધ્ધ મૂક્ત ન થતા પોતાના પૌત્રને છોડાવવા બાણાસુર સામે યુધ્ધ પોકાર્યું. બાણાસુરના હજાર હાથ કૃષ્ણએ કાપી નાંખ્યા અને જીવતો કેદ પકડયો. હજાર હાથ એટલે તેના પ૦૦ અંગરક્ષકોનો નાશ થયો. શોણિતપુર નગરનું રક્ષણ અગ્નિ કરતો હતો. કારણકે કુદરતી તેલ-ગેસનો આ ભંડાર આ વિસ્તાર હતો. યુધ્ધની સંધી રુપે અસુર રાજા બાણાસુરે પોતાની પુત્રી ઉષાને કૃષ્ણના પૌત્ર અનિરુધ્ધ જોડે પરણાવી. ત્યારબાદ પૌત્ર અને પૌત્રવધુ સાથે કૃષ્ણ દ્વારિકા આવ્યા.  ઉષા સારી નૃત્યાંગના હતી. લાસ્ય નૃત્યશૈલીની પ્રખર નૃત્યાંગના હતી.અસુરોની લાકડીઓ અથડાવી, તલવારો વિંઝીને ગોળ-ગોળ નૃત્ય કરવાની પરંપરા પ્રથમ દ્વારિકામાં પ્રચલિત થઈ. જેને આપણે ‘દાંડીયા રાસ’ કહીએ છીએ.  મૂળ દાંડીયારાસ દ્વારિકાથી મથુરા-ગોકુળ ગયો હતો. અને તે પણ ઈરાકની રાજકુમારી ઉષાના આગમન બાદ પ્રચલિત થયું હતું. પાર્વતી માતા લાસ્ય નૃત્યના પ્રણેતા હતા. ‘ઉષા’ પૂર્વ જન્મની ‘ઓખા’, પાર્વતી પુત્રી હતી. (Courtesy : Sandesh)


વડોદરાના ડેસરમાં ઉપવાસમાં ખવાતા રાજગરાની ખેતી થાય છે

Rajigaro Farm in Desar

Rajigaro Farm in Desar

ઉપવાસ શરીર અને મનની શુદ્ધિ માટે ભારતીય સાંસ્કૃતિક ધાર્મિક પરંપરાની સાથે વણાઇ ગયેલી જીવન પદ્ધતિ છે. ઉપવાસનું નામ પડે એટલે જેને હળવું ધાન્ય કહી શકાય તેવો રાજગરો અવશ્ય યાદ આવે છે. ઉપવાસમાં ખવાતા રાજગરાની ખેતી વડોદરા જિલ્લાના એકમાત્ર ડેસર તાલુકામાં થાય છે.

અત્યારે ડેસર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં લાલચટાક રંગની જોગીની જટા યાદ એવા તેવા રાજગરો ભરેલા ડુંડવા લહેરાઇ રહ્યા છે એટલું જ નહીં ખેડૂતોએ રાજગરાના પાકની લણણી પણ શરૂ કરી દીધી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું વિભાજન કરી નવા બનાવાયેલા ડેસર તાલુકાના ઉપરવાસના વિસ્તારોમાં વર્ષોથી રાજગરાની ખેતી વંશ પરંપરાગત થાય છે. ડેસર પાસે ખેતર ધરાવતા ખેડૂત પિયૂષભાઇ પટેલે જણાવ્યું હતું કે ૯૦ દિવસના ટૂંકાગાળાનો રાજગરાનો પાક લીધા પછી તલનું વાવેતર શઇ શકે છે. રાજગરાના પાકનો સારો ભાવ મળે છે. કાપણી પછી રાજગરો ભરેલા ડુંડવાને ચારથી પાંચ દિવસ સુધી ખેતરમાં જ સુકવ્યા બાદ થ્રેસર વડે ડુંડામાંથી રાજગરો છૂટો પાડવામાં આવે છે. ખેડા અને પંચમહાલ જિલ્લા જોડાયેલા આ સરહદી તાલુકાના ખેડૂતો ઠાસરાના બજારમાં રાજગરાનો પાક વેચે છે અને વાવેતર માટે જરૂરી બિયારણ પણ ત્યાંથી જ ખરીદે છે.

રાજગરાની બાયોકેમીસ્ટ્રી અંગે જાણકારી આપતા ડૉ. મહેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે આ ધાન્ય પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફેટ ધરાવે છે. તેમાં ઊર્જા આપવાની ન્યુટ્રીટીવ વેલ્યુને કારણે તે ઉપવાસીઓના શરીરને ટકવાની ક્ષમતા આપે છે. જેથી ઉપવાસીઓ ઉપવાસ વેળા રાજગરાનો આહાર કરીને શરીરની ઊર્જા ટકાવી રાખે છે. એટલું જ નહીં રાજગરાના પાકમાં ક્લાઇમેટ ચેન્જ પડકારોનો પ્રતિકાર કરવાની તાકાત રહેલી હોઇ ગરમી અને ઠંડીની અસર ઓછી થાય છે.


ગુજરાતનું આ ગામ દિવંગતોના આત્માની શાંતિ માટે દરરોજ ભજન કરે છે

Sultanpur Bhahan Mandli

Sultanpur Bhahan Mandli

આજના ટેકનીકલ યુગમાં માનવી પાસે સમયનો અભાવ જોવા મળી રહ્યો છે. રૂપિયા કમાવાની લાલચ પાછળ લોકો આંધળી દોડ મુકી રહ્યા છે. ત્યારે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં રામદેવ ધૂન મંડળના યુવાનો દિવસે તનતોડ મહેનત કરી રાત્રે ગામના દિવંગત આત્માની શાંતિ માટે સત્સંગ, ધૂન અને ભજનના કાર્યક્રમો યોજે છે. ભજનના કાર્યક્રમમાં એકઠા થયેલા રૂપિયા મુંગા પશુ-પંખીઓ તથા ગરીબ લોકોને ભોજન કરાવી પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે. ગામના દિવંગત આત્માને સદગતી મળે તે માટે રામધૂન કરી ધાર્મિક વાતાવરણ અને ધર્મના વિચારો ફેલાવી એકતા અને ભાઇચારો ફેલાવવાનો પરમાર્થ કરી રહ્યા છે.

આજના ફાસ્ટ યુગમાં મોબાઇલ કોમ્પ્યુટરમાં વ્યસ્ત રહેતા યુવાનો જોવા મળી રહ્યા છે. ત્યારે સુલતાનપુર ગામના આ યુવાનોની સેવાકીય કરતા હોવાથી તેમને નમસ્કાર કરવાનું મન થાય. યુવાનો ગાયો માટે ચારો, પંખીઓ માટે ચણ તથા અનાથ, વિકલાંગ અને મંદબુધ્ધિના બાળકો માટે ફંડ એકત્ર કરે છે. તેમજ ગરીબ લોકોને પણ આર્થીક રીતે મદદ કરી રહ્યા છે. સુલતાનપુર ગામમાં કોઇ વ્યક્તિનું મોત નિપજે તો સ્વર્ગસ્થના ઘરે જઇને પરિવારજનોને શાંતિ અને આશ્વાસન મળે તે માટે રાત્રે રામધૂન કરે છે. યુવાનો દિવસે શારીરિક શ્રમ કરે અને રાત્રે સત્સંગ કરી મનની શાંતિ મેળવે.

દરેક ગામમાં મંડળો હોય પરંતુ સુલતાનપુરનું આ ધૂન મંડળ આજના યુવાનો અને સમાજને નવી રાહ ચિંધે છે. આજની નવી પેઢીને પતનની ગતિમાં ધકેલાઇ જતી રોકવાનો એકમાત્ર ઉપાય સદાચારના વિચારો છે. જે રામદેવ ધૂન મંડળના યુવાનો કરી રહ્યા છે. આખા વર્ષ દરમિયાન મંડળ દ્વારા જે કંઇ ફંડ એકત્ર થાય તે અનાથ આશ્રમમાં બ્લેન્કેટ તથા મિઠાઇનું વિતરણ કરી વાપરે છે. તેમજ મંદબુધ્ધિ ધરાવતા લોકોની દર વર્ષે મુલાકાત લે છે. અને ગૌશાળાઓમાં ઘાસચારો પણ યુવાનો પહોંચાડે છે. (તસવીર : કમલેશ રાવરાણી – સુલતાનપુર)


ગુજરાતની સરકારી શાળામાં મુસ્લીમ બાળાઓ પણ ગાયત્રી મંત્ર કડકડાટ બોલે છે

Muslim Student

Muslim Student

હાલ ધર્માંતરનો મુદ્દો રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં કોમી એકતાના દર્શન એક સરકારી શાળામાં જોવા મળ્યા છે. અહીં હિન્દુ મુસ્લીમ બન્ને ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આ શાળામાં નિયમીત પ્રાર્થનામાં ગાયત્રીમંત્ર બોલવામાં આવે છે.

બીજા ધોરણમાં અભ્યાસ કરતી સૈફા બાનુ ગરાણા નામની મુસ્લીમ બાળા કડકડાટ ગાયત્રીમંત્ર બોલે છે. ગાંધીભૂમિ પોરબંદરમાં રાજરત્ન શેઠ નાનજી કાલિદાસે વર્ષ 1919 માં કન્યા કેળવણીના ઉમદા હેતુથી ખારવાવાડ વિસ્તારમાં કન્યાશાળા શરૂ કરી હતી. એ સમયમાં 2500 જેટલી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતી હતી. જો કે સમય જતાં અહીં વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. આ શાળાનું નામ નાનજી કાલિદાસ મહેતા સરકારી શાળા છે. જેમાં ધો. 1 થી 8 સુધીનો અભ્યાસ ચાલે છે. આ શાળામાં મોટાભાગે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો અભ્યાસ કરે છે. આ ઉપરાંત હિન્દુ અને મુસ્લીમ બન્ને ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસઅર્થે આવે છે.

આ સરકારી શાળામાં નિયમીત પ્રાર્થના બોલાવવામાં આવે છે. જેમાં આ શાળામાં અભ્યાસ કરતા 175 જેટલા ભૂલકાઓ નિયમીત ગાયત્રીમંત્ર પણ બોલે છે, જેમાં ધો. 2 માં અભ્યાસ કરતી સૈફા બાનુ ગરાણા નામની મુસ્લીમ બાળા કડકડાટ ગાયત્રીમંત્ર બોલે છે. આ ઉપરાંત તે પ્રાર્થના પણ સારી રીતે બોલી શકે છે. આમ તો અનેક મુસ્લીમ બાળકો અભ્યાસ કરે છે, જેમાં સૈફાબાનુ નામની આ બાળકી ગાયત્રીમંત્રને શુધ્ધ ઉચ્ચારણ સાથે બોલી શકે છે. આ રીતે આ શાળામાં કોમી એકતાના દર્શન થાય છે. ઉલ્લેખનીય એ છે કે,પ્રાથમિક શાળાનું ભણતર પાયાનું ભણતર કહેવાય છે અને અહી તો પાયાનાં ભણતરમાં નાત, જાત, કોમ આ બધા ભેદભાવ કુમળા માનસ પર લાગે નહી તેવી પ્રતિતિ આ છાત્રામાં દેખાય છે.