ATUL N. CHOTAI

a Writer


દેશનું એકમાત્ર ભારત માતાનું મંદિર ગુજરાતમાં આવેલું છે

Bharat Mata Temple in Gujarat

Bharat Mata Temple in Gujarat

ભાવનગર જિલ્લાનાં છોટે કાશી ગણાતા સિહોરથી માત્ર 15 કિલોમીટર દૂર મઢડા ગામ આવેલું છે. જ્યાં 100 કરતાંયે વધુ વર્ષો પુરાણું ભારત માતાનું મંદિર આવેલું છે. ગામ લોકોનાં જણાવ્યા પ્રમાણે સમગ્ર ભારત દેશમાં એકમાત્ર મઢડા ગામમાંજ ભારત માતાનું મંદિર આવેલું છે. કચ્છી જૈન શિવજીભાઈ દેવશીભાઈએ આ અલૌકિક અને અલભ્ય મંદિરની સ્થાપના કરી હતી. આજે ત્રીજી – ચોથી પેઢી આ મંદિરની જાળવણી અને દેખભાળ કરી રહ્યા છે. અંગ્રેજોનાં કાર્યક્રમ દરમિયાનની રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતું અને દશ દશકાથી વધુ જુનું ભારત માતાનું મંદિર ભાવનગર જ નહિં ગુજરાત રાજ્ય અને ભારત દેશ માટે ગૌરવ સમાન છે. એ સમયગાળામાં વણાટશાળા ચાલતી હતી. અને તેમાં ખાસ કરીને વિધવાઓને વિશેષ સ્થાન અપાતું હતું. વિધવા મહિલાઓ માટે અત્રે 18 જેટલા રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી તેઓ ત્યાંજ રહી શકે. મંદિરની બીજી દિશામાં તે જમાનામાં હજારો પુસ્તકો ધરાવતી લાયબ્રેરી પણ ધમધમતી હતી. ભારતમાતા મંદિરનાં પરિસરમાં ધ્યાનમંદિર પણ બનાવાયું છે. જેનાં ભોંયરાની અંદર સાધકો સાધના કરતાં હતા.

બલુંદ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતાં કચ્છી જૈન શિવજી દેવશીનાં પૌત્ર જીતુભાઈ કચ્છી જૈને જણાવ્યું હતું કે મારા દાદાએ એ સમયે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને ભારત માતાનાં મંદિરની સ્થાપના કરી હતી. તેઓ એક લેખક, કલાકાર, રાષ્ટ્રભક્ત હોવા ઉપરાંત આધ્યાત્મિક અંતરને સ્પષ્ટવક્તા પણ હતા. મઢડા ગામે ગાંધીજીની મુલાકાતો અને સામાજિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી ગ્રામજનોને એક તબક્કે એવું લાગતું હતું કે ગાંધીજી અહીં જ સાબરમતી આશ્રમ જેવો બીજો આશ્રમ બનાવશે. કચ્છી જૈન પરિવાર સાથે પણ ગાંધીજીને ઘનિષ્ઠ નાતો હતો. ભાવનગર સ્ટેટ દ્વારા અમુક વીઘા જમીન 99 વર્ષનાં લીઝ પર આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ અહીં બોબીન ફેક્ટરી શરૂ કરવામાં આવેલ. અમારા વડીલો કહેતા હતા કે 100 વર્ષ પૂર્વે ભારત મંદિરની જાહોજલાલી અદ્દભૂત હતી શિવજી દેવશી એક સંત પુરૂષ હતા અને તેમનાં અનુયાયીયો દેશભરમાં હતા. તેઓ મંગળબાબા તરીકે ઓળખાતા હતા.

Advertisements


સૌરાષ્ટ્રના આ મંદિરે ગણપતી બાપા લોકોની સમસ્યા સાંભળે છે

Ganesh Temple - Dhank

Ganesh Temple – Dhank

સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લામાં ઉપલેટાથી વીસ કિલોમીટર દૂર આવેલા ઢાંક ગામમાં સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું એક એવું મંદિર છે કે જ્યાં દેશ અને વિદેશમાંથી અનેક પત્રો ગુજરાતીમાં તો કોઇ પત્રો હિન્દીમાં આવે છે. દરેક ભક્તો બાપાના મંદિર સુધી પહોંચી શકતા ના હોવાથી ટપાલ દ્વારા આવેલા ભક્તોના પત્રો મંદિરના પૂજારી દિલસુખગીરી ગોસ્વામી એકાંતમાં ગણપતી બાપા સમક્ષ વાંચીને તેમની સમસ્યા ગણપતિ બાપાને સંભળાવે છે. ઢાંકમાં આવેલા ગણપતિ બાપાના આ મંદિરનો ઇતિહાસ બે હજાર વર્ષ પૂર્વેનો છે. હાલ અહીં દરરોજ પચાસથી વધુ પત્રો આવે છે. મંદિરમાં ગણપતિ બાપાનું મુખ ગામ તરફ છે અને પ્રાચીન ગ્રંથ મુજબ આવા ગામો પર કુદરતી આફતો આવતી નથી. મંદિરના પૂજારી જણાવે છે કે ભક્તોની સમસ્યાના પ્રશ્નો પત્ર લખનાર હું અને ગણપતિ દાદા ત્રણ જ જાણીએ છીએ. બે હજાર વર્ષ પહેલા ઢાંક ગામનું નામ પ્રેહ પાટણ હતું. લોકવાયકા પ્રમાણે એક સંતે શાપ આપતા અહીંના ધન – દોલત માટીના થઇ ગયા હતા. આથી આ ગામના લોકો દુખી બની ગયા હતા. ગ્રામજનોએ સંતના શાપમાં થી મુક્તિ મેળવવા ગણપતિ દાદાને પ્રાર્થના કરી અને પ્રેહ પાટણ યથાવત સ્થિતિમાં આવી ગયું. વનવાસ દરમિયાન પાંડવોએ અહીં ગણપતિદાદાના દિવ્ય સ્વરૂપની પૂજા કરી હોવાની લોકવાયકા છે. આ મંદિરે પત્ર મોકલવા નું સરનામું નીચે મુજબ છે

પૂજારી મહારાજ શ્રી,
શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર,
મુ. પોસ્ટ – ઢાંક – ૩૬૦ ૪૬૦
(તા – ઉપલેટા, જી – રાજકોટ)
ગુજરાત – ભારત


સિધ્ધપુરમાં માત્ર એક રુપીયામાં જન્મ અને મરણ વિધિ કરવામાં આવે છે

sidhhpur (patan)

sidhhpur (patan)

સિધ્ધપુર માટે વર્ષોથી એક કહેવત છે કે સસ્તુ ભાડું અને સિધ્ધપુરની જાત્રા એ હાલના કોમ્યુટર યુગમાં સાચી પડી રહી છે.  શહેરમાં રુપીયા એક માં જન્મ થાય છે તો પાંચ રુપીયામાં શહેરથી દૂર આવેલા સ્વયંભૂ શિવાલયના દર્શન થાય છે અને એક રુપીયામાં ડાયાબિટીસથી લઇને કેન્સર સુધીની સારવાર પણ મળે છે. તો એક રુપીયાથી લઇને યથાશક્તિ સુધી તર્પણવિધિ પણ થાય છે.

વર્ષો પહેલાં દાતા લક્ષ્મીચંદ સુંદરજીએ શહેરમાં પ્રસૂતિગૃહ, એલ.એસ. હાઇસ્કૂલ અને લાયબ્રેરીની સુવિધા ઊભી કરી હતી. જેમાં હવે અહીંના સામાજીક આગેવાનોએ આ કાર્યને આગળ વધાર્યુ છે.  શહેરના રામજીમંદિર ટ્રસ્ટ દ્રારા જનરલ હોસ્પિટલનાં દર્દીઓને વર્ષોથી નિ:શુલ્ક ભોજન અપાય છે.  સિધ્ધપુર શહેરમાં આપણે ખીસ્સામાં પચાસ રુપીયા લઇને નીકળીએ તો સવારથી સાંજ સુધીમાં સિધ્ધપુરની એક દિવસની યાત્રા, ભોજન ચા – પાણી સાથે થઇ શકે છે. સિધ્ધપુરમાં સેવાભાવી સંસ્થાઓ – લોકો દ્વારા થતી સેવાકીય પ્રવૃતી ને લીધે સસ્તુ ભાડુ અને સિધ્ધપુરની જાત્રા કહેવત સાર્થક થઇ રહી છે.


જગન્નાથ મંદિરની રહસ્યમય વાતોનો વિજ્ઞાન પાસે પણ જવાબ નથી

Jagannath Madir

Jagannath Madir

ઓરીસ્સાના પુરી શહેરમાં શ્રી જગન્નાથ મંદિર સ્થિત છે આ મંદિર ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) ને સમર્પિત છે. જગન્નાથનો અર્થ છે જગતના સ્વામી તેમની નગરી જ જગન્નાથપુરી કહેવાય છે. આ મંદિર હિન્દુઓના ચાર ધામો પૈકી એક છે. જગન્નાથ મંદિરની વાર્ષિક રથયાત્રા તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે જેમાં મંદિરના ત્રણેય મુખ્ય દેવતા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણેય અલગ – અલગ ભવ્ય રથોમાં વિરાજીત થઈ પોતાની માસીને ત્યાં જાય છે ત્યાં ભગવાન 8 દિવસ રોકાય છે તમને આ મંદિરથી જોડાયેલી કેટલીક રસપ્રદ અને રહસ્યમય વાતો જણાવી રહ્યા છીએ જેના પાછળનું કારણ વિજ્ઞાની પણ શોધી શક્યા નથી. આ મંદિર એ વાતનું પ્રમાણ છે કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર અને સ્થાપત્ય નિષ્ણાત હતાં..

(૧) સામાન્ય રીતે દરિયા કિનારા પર દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા તરફ જાય છે પણ પુરીમાં આનું વિપરિત થાય છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે.

(૨) સામાન્ય રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતાં હોય છે પણ મંદિરના ગુંબજની આજુ બાજુ કોઈ પક્ષી ઉડતું નથી મંદિરની ઉપરથી વિમાન પણ પસાર નથી થતાં.

(૩) રોજ 500 રસોઈયા 300 સહયોગીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે. કહેવાય છે કે પ્રસાદ 8 – 10 હજાર લોકો માટે જ બનાવવામાં આવ્યો હોય તો પણ આનાથી લાખો લોકો પેટ ભરીને જમી શકે છે. અહીં આશરે 20 લાખ શ્રદ્ધાળુઓ રોજ ભોજન કરી શકે છે. અહીં ક્યારે પણ પ્રસાદ ફેંકવો નથી પડતો. પ્રસાદ બનાવવા માટે 7 વાસણો એક ઉપર એક મૂકવામાં આવે છે પ્રસાદ લાકડીઓ ઉપર જ બનાવવામાં આવે છે. રસપ્રદ વાત છે કે સૌથી ઉપરના વાસણમાં મુકેલી વસ્તુ પહેલાં ચઢે છે પછી ક્રમશઃ નીચેના વાસણોમાં મુકેલી વસ્તુઓ ચઢે છે.

(૪) શ્રી જગન્નાથ મંદિરની ધ્વજા હંમેશા હવાની વિપરિત દિશામાં લહેરાય છે આનું કારણ હમણા સુધી શોધી નથી શકાયું. આ ધ્વજાને રોજ સાંજે બદલવામાં આવે છે જે વ્યક્તિ ધ્વજા બદલે છે તે ઉંધો થઈને ઉપર ચઢે છે. આ ધ્વજા ખૂબ જ ભવ્ય અને સુંદર છે તેના પર ભગવાન શિવનો ચંદ્ર બનેલો છે.

(૫) આ દુનિયાનું સૌથી ભવ્ય અને ઊંચુ મંદિર છે. આ મંદિરનો વિસ્તાર આશરે 4 લાખ વર્ગફુટ છે, આની ઊંચાઈ આશરે 214 ફુટ છે. મંદિર પાસે ઉભા થઈ તેનું મુખ્ય ગુંબજ જોવું અસંભવ છે. આખા દિવસમાં ક્યારેય મુખ્ય ગુંબજનો પડછાયો દેખાતો નથી આ મંદિર જોઈને અંદાજો લગાવી શકાય કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર રહ્યા હશે.

(૬) મંદિરના શિખર પર સુદર્શન ચક્ર લાગેલું છે શહેરના કોઈ પણ વિસ્તારથી તમે આ ચક્ર જોઈ શકો છો કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય એવું જ લાગે છે. અહીં દર 12 વર્ષે નવી પ્રતિમાઓ બનાવવામાં આવે છે આ પ્રતિમાઓનો આકાર અને રૂપ એ જ હોય છે કહેવાય છે કે તે મૂર્તિઓની પૂજા કરવામાં નથી આવતી માત્ર દર્શન માટે મૂકવામાં આવે છે.

(૭) કહેવાય છે કે દરિયાએ 3 વાર જગન્નાથ મંદિરને ક્ષતિ પહોંચાડી હતી ત્યારે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં. હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા હતાં અને તેમની પાછળ દરિયો પણ નગરમાં પ્રવેશ કરી જતો હતો. આ કારણથી ભગવાન જગન્નાથે, હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. જગન્નાથપુરીના દરીયા કિનારે બેડી હનુમાનજીનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

(૮) મહારાજા રણજીત સિંહએ આ મંદિરને ઘણુ બધું સોનું દાન કર્યુ હતું તેમણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપેલા સોનાથી આ માત્રા ઘણી વધુ હતી.

(૯) કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો ભગવાન જગન્નાથના દર્શન કરવા આવ્યા હતાં. માનવામાં આવે છે કે પ્રભુ ઈસુ સિલ્ક રૂટથી કાશ્મીર આવ્યા હતાં ત્યારે બેથલહેમ પાછા જતા પહેલાં તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતાં. 9 મી શતાબ્દીમાં આદિ શંકરાચાર્ય અહીં આવ્યા હતાં અને ચાર મઠો પૈકી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી.

(૧૦) આ મંદિરમાં ગેર ભારતીય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અગાઉ મંદિરને ક્ષતિ પહોંચડાવાના પ્રયાસ કરવામાં આવ્યા હતાં આ જ કારણથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

(૧૧) મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરતાંની સાથે તમને દરિયાની કોઈ અવાજ નહી સંભળાશે પણ જેમ જ તમે મંદિરથી એક પગલું બહાર આવશો તમે તે અવાજને સાંભળી શકશો.

(૧૨) આ મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ પ્રાપ્તિ માટે મૃતદેહોનું અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, પણ તમે મંદિરની બહાર જશો ત્યારે જ તમને મૃતદેહોના સળગવાની ગંધ આવશે. (Courtesy : Divya Bhaskar)


ભારત સહીત દેશ – વિદેશ માં આવેલી ૫૧ શક્તિપીઠ વિશે જાણો છો..??

Shaktipeeths

Shaktipeeths

ભગવાન શિવજી જ્યારે સતીના દેહત્યાગથી વિહવળ થઈ ગયા ત્યારે સતીનું શબ હાથમાં લઈને પૃથ્વી પર ઉલ્કાપાત મચાવી દીધો. પત્ની વિયોગમાં ડૂબી ગયેલા શિવને બહાર કાઢવા માટે વિષ્ણુએ દેવી સતીના શરીરના સુદર્શન ચક્ર થી અનેક ટુકડા કરી નાંખ્યા. તે પૃથ્વી પર વિવિધ જ્ગ્યાઓએ પડ્યાં. તે જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી. શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહિં પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ, લંકા, નેપાળમાં પણ આવેલી છે. . તો ચાલો આ ૫૧ શક્તિપીઠ વિષે જાણકારી મેળવીએ …

1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન)
2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)
3. સુનંદા – બાંગ્લાદેશ
4. મહામાયા – પહલગાંવ (કાશ્મીર)
5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)
6. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ)
7. અંબાજી – આરાસુર, અંબાજી (ગુજરાત)
8. મહાશિરા – પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)
9. દાક્ષાયની – માનસરોવર (કૈલાસ)
1૦. વિમલા – ઉત્કલ (ઓડિશા)
11. ગંડકી ચંડી – પોખરા (નેપાળ)
12. દેવી બાહુલા – પં. બંગાળ
13. મંગલ ચંદ્રિકા – પં. બંગાળ
14. ત્રિપુરસુંદરી – ત્રિપુરા
15. ભવાની – બાંગ્લાદેશ
16. ભ્રામરી – પં. બંગાળ
17. કામાખ્યા – ગુવાહાટી (આસામ)
18. જુગાડયા – પં. બંગાળ
19. કાલીપીઠ – કોલકાતા
2૦. લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ)
21. જયંતી – બાંગ્લાદેશ
22. વિમલા મુકુટ – પં. બંગાળ
23. મણિકર્ણી – વારાણસી (ઉત્તરપ્રદેશ)
24. શ્રવણી – તામિલનાડુ
25. સાવિત્રી – હરિયાણા
26. ગાયત્રી – અજમેર (રાજસ્થાન)
27. મહાલક્ષ્મી – બાંગ્લાદેશ
28. કાંચી – પં. બંગાળ
29. કાલી – મધ્ય પ્રદેશ
3૦. નર્મદા – અમરકંટક (મધ્યપ્રદેશ)
31. શિવાની – ઉત્તરપ્રદેશ
32. ઉમા- ઉત્તરપ્રદેશ
33. નારાયણી- તામિલનાડુ
34. વારાહી – ગુજરાત
35. અર્પણ – બાંગ્લાદેશ
36. શ્રી સુંદરી – આંધ્રપ્રદેશ
37. કપાલીની – પં. બંગાળ
38. ચંદ્રભાગા – પ્રભાસ – સોમનાથ (ગુજરાત)
39. અવંતિ- ઉજ્જૈન (મધ્યપ્રદેશ)
4૦. ભ્રામરી – નાસિક (મહારાષ્ટ્ર)
41. વિશ્વેશ્વરી – આંધ્રપ્રદેશ
42. રત્નાવલી – પં. બંગાળ
43. અંબિકા – ભરતપુર (રાજસ્થાન)
44. મિથિલા – ભારત – નેપાળ બોર્ડર
45. નલહાટી – પં. બંગાળ
46. જયદુર્ગા – અજ્ઞાત
47. મહિષર્મિદની – પં. બંગાળ
48. યશોરેશ્વરી – બાંગ્લાદેશ
49. ફુલ્લરા – પં. બંગાળ
5૦. નંદિની – પં. બંગાળ
51. ઇન્દ્રક્ષી – લંકા
(Courtesy  : Sandesh)


સિદ્ધપુરમાં આવેલું કાર્તિક સ્વામીનું મંદીર વર્ષમાં માત્ર સાત દિવસ જ ખુલ્લુ રહે છે

Kartik Swami Temple - Sidhhpur

Kartik Swami Temple – Sidhhpur

ધાર્મિક નગરી અને વિશ્વ પ્રસિધ્ધ માતૃગયા તિર્થ સિધ્ધપુરમાં અનેક દેવ મંદિરો આવેલા છે જેમાં બિંદુ સરોવર ખાતે આવેલ ભારતનું એક માત્ર કાર્તિકેય સ્વામીનું મંદીર આવેલું છે જેના દ્વારા કારતક સુદ આઠમથી પૂનમ સધી ફક્ત સાત દિવસ માટે વર્ષમાં એકજ વાર ખુલે છે. સરસ્વતી નદીના પટમાં બારસથી પૂનમ સુધી કાત્યોકનો લોક મેળો ભરાતો હોવાથી તેમજ કારતક માસમાં માતૃ શ્રાધ્ધનો અનેરો મહિમા હોવાથી આ સમય દરમિયાન આ મંદીરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ભગવાન શિવજીના બે પુત્રો કાર્તિક સ્વામી અને ગણેશજીની કથા સાથે જોડાયેલ આ મંદીરના કારતક માસમાં કાર્તિક સ્વામીના દર્શન કરવાથી ઉધ્ધાર અને મોક્ષ મળતો હોવાનું પ્રચલિત ધાર્મિક કથાને લઇને વર્ષમાં સાત જ દિવસ આ મંદીર ખુલ્લુ રહેતું હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. ભગવાન કાર્તિકના મંદિરો સમગ્ર વિશ્વમાં જવલ્લે જ જોવા મળે છે.જે પૈકીનું આ મંદીર સીદ્ધપુર માં આવેલું છે.


ગણપતી બાપાના વાહન એવા ઉંદરો પરીવારના સભ્યોની જેમ સાથે રહે છે

Umeshbhai Ramani

Umeshbhai Ramani

દરેક મંગલ કાર્યમાં જેનું સર્વ પ્રથમ પૂજન થાય છે તેવા વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાની ભકિત ગણેશોત્સવ સમયે બધા કરતા હોય છે પણ અહીં આપણે વાત કરવી છે ગણપતિ બાપાના વાહન એટલે કે મૂષકની.. સામાન્ય રીતે માણસને કૂતરાં, બિલાડા, પોપટ, ગાય, મોર કે કાચબા સાથે દોસ્તી કે આત્મીયતા થઇ જતી હોય છે પણ નટખટ મૂષકની માણસની સાથે દોસ્તી થાય અને મૂષકો પાછા માણસો સાથે જ ઘરમાં પરિવારના સભ્યોની જેમ રહે એ વળી કેવું..? અને એ પણ એક સાથે ૮૦ સફેદ ઉંદરો ની સાથે..!!

રાજકોટના સંત કબીર રોડ પર રહેતા અને બંગડીનું જોબવર્ક કરતા ઉમેશભાઇ રામાણીના ઘરે ૮૦ જેટલા સફેદ ઉંદર છે અને મૂષકરાજ સાથે એમને એવી દોસ્તી થઇ ગઇ છે કે મૂષકો રીતસર ઉમેશભાઇના શરીર પર આળોટે છે અને ઉમેશભાઇ પણ મૂષકોને સંતાનની જેમ સાચવે છે મજૂરી કામ કરતા ઉમેશભાઇ કહે છે કે ચારેક વર્ષ પહેલા ગણેશોત્સવ દરમિયાન બે જોડ સફેદ મૂષકોની લાવ્યો હતો પછી ઉત્સવ બાદ તેને રસ્તા પર છોડતા જીવ ન ચાલ્યો અને ઘરે પિંજરુ રાખ્યું ધીમે ધીમે દર ત્રણ ચાર મહિને મુષકોની જોડ છ થી સાત બચ્ચાને જન્મ આપતી ગઇ અને તેમની વસ્તી વધતી ગઇ ક્યારેક અમુક ઉંદર મોતને પણ ભેટ્યા છે. એક સમયે ઉંદરોનો વંશવેલો ૧૨૫ સુધી પહોચ્યો હતો પણ આજે ૮૦ જેટલા મૂષકો મારા ઘરમાં મારી સાથે રહે છે

મારા ઘરને મારા મીત્રો અને સંબંધીઓ રેટ હાઉસથી વધુ ઓળખે છે ઉમેશભાઇ કહે છે કે દર મહિને ઉંદરો પાછળ હું એક હજાર જેટલો ખર્ચ કરું છું ઉંદરોને કાજુ, બદામ, દૂધ, આઇસ્ક્રીમનો ખોરાક આપવામાં આવે છે. મારા ઘરના નવેળામાં ઉંદરો માટેનો એક અલગ વિભાગ જ કરવામાં આવ્યો છે જેમાં અલગ – અલગ પિંજરા રાખવામાં આવ્યાં છે સફેદ ઉંદરો ઘરમાં છૂટથી હરી ફરી શકે છે તેઓ ક્યાંય ભાગી જતા નથી તે ફળીયામાં ફરતા હોય છે અને  ફરી સમય થાય એટલે નવેળામાં પાછા આવી જાય છે. ગણપતી ઉત્સવ વખતે જે લોકોને ઉંદરો જોઇતા હોય તેને ઉમેશભાઈ ઉત્સવ પૂરતા વિનામૂલ્યે ઉંદર આપે છે જે ઉંદરો આરતીમાં અને પંડાલમાં આટાફેરા કરે છે જેથી લોકોમા એક નવું આકર્ષણ ઉભુું થાય છે તો ચાલો આપણે પણ  ઉમેશભાઈ ની અને ઉંદરો ની દોસ્તી ને સલામ કરીએ..


રાજકોટ નો એક એવો ગણેશોત્સવ જ્યાં મૂર્તિનું વિસર્જન કરાતું નથી

Ganpati Bapa

Ganpati Bapa

સમગ્ર ગુજરાતમાં ધામેધૂમે, વાજતે – ગાજતે શોભાયાત્રાઓ કાઢી શ્રધ્ધા – ભાવ સાથે ભાવિકો દ્વારા ગણપતિજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટમાં રૈયા ચોકડી પાસે આવેલા જીવન નગર ખાતે આયોજિત ગણેશ મહોત્સવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અહીંયા ગણપતિજીની સ્થાપનાના સમયે અર્થાત ગણેશોત્સવનાં પ્રારંભે કે સમાપનનાં દિવસે પણ શોભાયાત્રા કાઢવામાં આવતી નથી એટલું જ નહીં ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવતું નથી ગણેસોત્સવમાં ફટાકડાં ફોડી અવાજનું કે અબીલ – ગુલાલ કે અન્ય રંગો ઉડાડી વાતાવરણમાં પ્રદૂષણ કરવામાં આવતું નથી ફટાકડાનો ઘોંઘાટ કે અબીલ – ગુલાલ કે રંગો ઉડાડીને વાતાવરણને અને વિસર્જનથી પાણીને પ્રદૂષિત કરવામાં આવતું નથી

જીવન નગર વિકાસ સમિતિ દ્વારા આ  પ્રેરક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે આ સમીતી ના હોદ્દેદારો ના જણાવ્યા મુજબ  આશરે ૮૦૦ વારની વિશાળ જગ્યામાં પંડાલ ઉભો કરીને ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે દર્શનાર્થીઓ માટે ૨૫ બાંકડા મૂકવામાં આવ્યા છે. અને આ આયોજનની ખાસિયત એ છે કે કોઇને પણ મુશ્કેલી ન થાય, વાતાવરણમાં કે પાણીમાં પ્રદૂષણ ન ફેલાય તે સહિતની બાબતોનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે ગણેશોત્સવનાં પ્રારંભે ડી.જે  મ્યુઝિક સિસ્ટમ કે ફટાકડાં, બેન્ડવાજા કે કોઇપણ પ્રકારનાં અવાજ કે ઘોંઘાટ વગર શાંતિપૂર્ણ રીતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અને ટ્રાફિકને અડચણ થાય તે માટે શોભાયાત્રા કાઢવામાં આવતી નથી પંડાલ આસપાસ રહેવાસીઓને પણ કોઇ મુશ્કેલી ન પડે તે માટે ઓછા અવાજે, માત્ર એક નાના સાદા માઇક દ્વારા ગણપતિની આરતી, સ્તુતી ગાવામાં આવે છે. ગણેશોત્સવનાં દિવસો દરમિયાન કોઇપણ પ્રકારનાં એવા કાર્યક્રમો યોજવામાં આવતા નથી જેનાથી લોકોને ખલેલ પડે કે મુશ્કેલી થાય દરરોજ  પ્રસાદી વિતરણ બાદ પ્રસાદ વધે તો નજીકની ઝુંપડપટ્ટીમાં ગરીબ પરિવારોનાં બાળકોને આપી દેવામાં આવે છે.

ગણેશોત્સવનાં સમાપને પણ ગણપતિજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવતી નથી કે અબીલ – ગુલાલ કે કલર ઉડાડવામાં આવતા નથી ગણપતિજીની મૂર્તિને સોસાયટીનાં જ એક મકાનમાં સુરક્ષિત રીતે રાખી દેવામાં આવે છે જેથી આવતા વર્ષે ફરી આ મૂર્તિને પંડાલમાં બિરાજીત કરી શકાય અને મૂર્તિ પણ ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવી છે. લોકોને અને  પ્રકૃતિને કોઇપણ પ્રકારે વિઘ્ન ન થાય તેવા આ પ્રેરક આયોજનને લોકો પણ બીરદાવી રહયા છે. ગણેશોત્સવની ઉજવણીનું મહત્વ વધવા સાથે જે પ્રકારે ભપકેદાર આયોજનો પણ થઇ રહ્યા છે તે જોતા જીવન નગર ના આ ગણપતિ મહોત્સવમાં ભપકો નહીં પણ ભાવ વધુ દેખાઇ આવે છે.


રાજકોટના આ મંદિરમાં માતાજીને પિત્ઝા અને પાણીપુરીનો પ્રસાદ ધરવામાં આવે છે

Jivantika Mandir - Rajkot

Jivantika Mandir – Rajkot

રાજકોટ :  સૌરાષ્ટ્રની ભૂમિ સંત – શૂરાની ભૂમિ છે અહીં લોકો શ્રધ્ધાથી મંદિરે જાય છે અને દેવી-દેવતાના દર્શન કરે છે  ત્યારે રાજકોટમાં રજપૂતપરા ખાતે સૌરાષ્ટ્રનું એકમાત્ર જીવંતિકા માતાજીનું મંદિર આવ્યું છે. વાલીઓ પોતાના સંતાનોની સુખાકારી માટે જીવંતિકા માતાજી પાસે ખોળો પાથરે છે. બાળકોના માતાજી હોવાને નાતે તેમને પ્રસાદ પણ બાળકોને પ્રિય હોય તેવી વસ્તુઓનો ધરવામાં આવે છે. માતાજીને પિત્ઝા તથા પાણીપુરીનો પ્રસાદ ધરી બાદમાં બાળકોને તેની વહેંચણી કરી દેવામાં આવે છે અહી મોટી સંખ્યામાં લોકો જીવંતિકા માતાજીના દર્શન કરવા આવે છે જેથી આ મંદિર શ્રધ્ધાનું પ્રતિક બની ગયું છે.  (તસવીરઃ પ્રકાશ રાવરાણી – રાજકોટ)


કૃષ્ણની દ્વારકા બની હેરિટેજ નગરી

Dwarka Temple

Dwarka Temple

 – શ્રીલેખા યાજ્ઞિક

શું આપે ક્યારેય નીચે જણાવેલ નામ સાંભળ્યા છે..? સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, દેવકી ચોક, વસુદેવજીની શેરી, ગોપાલજીની શેરી, ફૂલેકા શેરી, ભીડભંજન શેરી, વ્યાસ શેરી, હર્ષદા શેરી, બ્રહ્મકુંડ, કકરાટ કુંડ, સ્નાન કુંડ, ઉગમણો ચોક, ખારવા ચોક, ત્રણબત્તી ચોક, હોળી ચોક, ડેલો, ખડકી અને ટાંકું. જી, હા, સૌરાષ્ટ્ર સ્થિત દ્વારકા શહેરમાં રોજબરોજની વાતચીતમાં વપરાતા નામ છે. દ્વારકા શહેરને ‘કૃષ્ણની નગરી’ કહેવામાં આવે છે. અરે, ત્યાંની શેરીએ શેરીમાં કૃષ્ણનો સાક્ષાત્કાર જો ભાવ સાથે આપ જુઓ તો અવશ્ય અનુભવો. જેમ કે ત્યાં ફરતી ગાય હોય કે, મંદિરના શિખર ઉપર ફરકતી ધજા હોય, ગોમતી ઘાટ ઉપર ટહેલતી વખતે, ભડકેશ્ર્વર પાસે અગાધ તોફાની દરિયાને નિહાળતી વખતે, નિજમંદિરમાં કૃષ્ણની પટરાણીના દર્શન કરો ત્યારે, કૃષ્ણના ભાઈ બલરામ કે ત્રિકમજીના દર્શન કરી દેવકી ચોકમાં બે ઘડી નામ સ્મરણ કરવા બેસો ત્યારે પણ કૃષ્ણ કણેકણમાં વસતા હોય તેવો આભાસ થતો હોય છે. પીતાંબર અને બંડી પહેરીને ફરતા ગ્રામ્યજનો અને તેમની બોલીમાં જોવા મળે છે. આજે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ વીસરાઈ જવાની એક ભીતિ આપણે અનુભવી રહ્યા છીએ. તે સમયે દ્વારકા શહેરને ‘હેરિટેજ સિટી’ જાહેર કરવામાં આવતા સૌરાષ્ટ્રના લોકો આનંદિત થઈને ગર્વ અનુભવે છે. ગામની નાની શેરી ચોક કે કુંડના નામ જળવાયેલા રહેશે. ભવિષ્યમાં આ નામ પાછળ છુપાયેલ કૃષ્ણની યાદો અખંડ રહેશે. તે ગર્વ લેવા જેવી વાત તો કહેવાય જ ને..  ૨૧મી જાન્યુઆરી, ૨૦૧૫ના યુનિયન મિનિસ્ટર ઓફ અર્બન ડેવલપમેન્ટ શ્રી એમ. વૈંક્યાનાયડુએ ભારતનાં ૧૨ શહેરને ‘હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઑગ્મેન્ટેશન યોજના’ (હૃદય) હેઠળ હેરિટેજ શહેર જાહેર કર્યાં છે. વિકાસ માટે કુલ રકમ ૫૦૦ કરોડ ફાળવવામાં આવી છે. વારાણસી, મથુરા, ગયા, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાં આવેલ દ્વારકા શહેરને પણ સામેલ કરવામાં આવ્યું છે. શહેરના વિકાસ માટે કુલ ૨૨ કરોડની ફાળવણીનો પત્ર જામનગરનાં સંસદસભ્ય શ્રી પૂનમબહેનને સોંપવામાં આવ્યો હતો. આપણે આ હેરિટેજ સિટી તરીકે જાહેર થયેલ દ્વારકા શહેરની ખાસ વાતો જાણીએ. સ્કંદ પુરાણ અને મહાભારતમાં પણ યાત્રાધામ દ્વારકા ઐતિહાસિક નગરીની ગણના પામેલ છે. કૃષ્ણના શહેરની મુલાકાતમાં જગત મંદિરની મુલાકાત લેવાનો આગ્રહ ભક્તો દ્વારા રાખવામાં આવે છે. વર્ષમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મનુષ્ય જીવનમાં સારા કામ કરીને સ્વર્ગ લોકમાં સ્થાન મેળવી મોક્ષ પ્રાપ્ત કરવો. દ્વારકાધીશના મંદિરના પ્રવેશદ્વારને ‘સ્વર્ગ દ્વાર’ કહેવામાં આવે છે. છપ્પન પગથિયાં ઊતરો એટલે ગોમતી નદી તરફ આપ પહોંચો. તે દ્વારને ‘મોક્ષદ્વાર’ કહેવામાં આવે છે.

૨૫૦૦ વર્ષ પહેલાં બંધાયેલ આ મંદિરમાં પાંચ માળ જોવા મળે છે. અદ્ભુત કોતરણી ધરાવતા ૬૦ સ્તંભ જોવા મળે છે. મંદિર કુલ ત્રણ ભાગમાં વહેચાયેલું છે. જેમાં ભક્તિ માટેનું સ્થળ, પ્રકાશઘર (નિજમંદિર), સભાગૃહ. સૌથી ઉપર શિખર જોવા મળે છે. મંદિરના સભામંડપના ઉપરના ભાગમાં સુંદર નકશી કામ જોવા મળે છે. ઝરુખામાં અપ્સરા અને હાથીનું કોતરણી કામ થયેલ છે. શંકુ આકાર ઘરાવતું ૧૭૨ ફૂટ ઉંચુ શિખર છે. મંદિરની શોભા જોવી હોય તો ઉપરના માળે આવેલ ઝરુખામાંથી મંદિરની આસપાસ આવેલાં બીજાં નાનાં મંદિરોને પણ નિહાળી શકાય છે. ગર્ભગૃહમાં આવેલી ૧ મીટર ઊંચી દ્વારિકાધીશની મૂર્તિની સમક્ષ આપ ઊભા રહો તો એક અદૃશ્ય શક્તિને અનુભવી શકો છો. ગોમતી ઘાટ ઉપર ઉભા રહીને ગોમતી નદીને સમુદ્રમાં એકરૂપ થતી પણ જોઈ શકાય છે. દ્વારકાના મંદિરમાં રોજની છથી સાત બાવનગજની ધજા ચડાવવામાં આવે છે. મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ ભગવાન ૩૬ વર્ષ દ્વારકામાં રહ્યા હતા. એકલવ્ય અને દ્રોણાચાર્યની ભૂમિ પણ કહેવાય છે. એવી પણ માન્યતા છે કે કૃષ્ણના અવસાન બાદ સોનાની દ્વારકા પાણીમાં ડૂબી ગઈ હતી. સોનાની દ્વારકા શોધવાના પ્રયત્નો હજી આજે પણ ચાલી રહ્યા છે.

શારદાપીઠ: જગદ્ગુરુ શંકરાચાર્ય દ્વારા ૨૫૦ વર્ષ પહેલાં ચાર મઠની સ્થાપના કરવામાં આવી હતી. દ્વારકામાં સ્થાપેલ શારદાપીઠનો સમાવેશ થાય છે. બીજા પીઠ શૃંગેરી, પુરી, જ્યોતિર્મઠમાં સ્થાપવામાં આવેલ છે. બેટ દ્વારકા: દ્વારકાથી ૩૨ કિ.મીના અંતરે આવેલા બેટ-દ્વારકા દરિયાની અંદર આવેલું છે. બોટમાં બેસીને કે સ્ટીમ લૉંચમાં બેસીને આપ બેટ-દ્વારકા જઈ શકો છો. અહીંયા આવેલી દ્વારકાધીશની મૂર્તિ દેવી રક્મિણીએ ખાસ માટીમાંથી બનાવેલી છે. દ્વારિકાધીશની સમક્ષ ઊભા રહો તો તેમનું નિર્મળ સ્વરૂપ મનને શાંતિ અર્પે છે. એવી માન્યતા છે કે આ મૂળ દ્વારકામાં ભગવાન કૃષ્ણ તેમના કુટુંબ સાથે રહેતા હતા. નાગેશ્ર્વર મહાદેવ: દ્વારકાથી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા નાગેશ્ર્વર મહાદેવની ગણના ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાં થાય છે. રુક્મિણી મંદિર: ૧૬૦૦ વર્ષ પ્રાચીન આ મંદિર કૃષ્ણની પત્ની રુક્મિણીનું છે. ગોપી તળાવ: શ્રીકૃષ્ણને મળવા વ્યાકુળ ગોપીઓ વૃંદાવન મથુરાથી દ્વારકા પધારે છે. કૃષ્ણને મળવા જવું હોય તો સ્નાન કરી સાજશણગાર સજીને જવું જોઈએ. તેમ વિચારી ગોપી ગામની બહાર આવેલા તળાવમાં સ્નાન કરવા પાણીમાં ઊતરે છે. તેમનાં કપડાં ગામની એક જાતીના લોકો સંતાડી દે છે. જેને પાછા મેળવી ગોપી કૃષ્ણને મળવા જાય છે. હોળી ચોક: માતાજીના નોરતા વખતે ગામના પુરુષો પીતાંબર પહેરીને નવ દિવસ ગરબીમાં ઘૂમે છે. આ પ્રથા ૨૫૦ વર્ષથી ચાલી આવે છે. મંદિરમાં ગાઈડ તરીકે સેવા કરતા મુકુંદ વાયડા જણાવે છે.

દ્વારકા ગામના પુરુષોનો મુખ્ય પોષાક પણ કૃષ્ણ પહેરતાં તેવી બંડી અને પીતાંબર છે. શુદ્ધ ગાયનું દૂધ અને ઘી કેવું સ્વાદિષ્ટ હોય તે દ્વારિકાનગરીમાં આપને જોવા અને ચાખવા મળશે. ગામના લોકો દ્વારા દર્શનાર્થે આવતા ભક્તોની આગતા-સ્વાગતા કાઠિયાવાડી રીતભાત મુજબ કરવામાં આવે છે. કાઠિયાવાડની સાચી ઓળખ એટલે સવારના સમયે કડક મીઠી ચાની સાથે શિરામણમાં ગરમા-ગરમ ગાંઠિયા, તળેલા મરચાં અને પપૈયાનું સ્વાદિષ્ટ છીણ સ્વાદને સંતોષી શકવા સક્ષમ છે. મંદિરમાં દ્વારિકાધીશને ધરાવેલ પ્રસાદને ગ્રહણ કરવાનો મોકો મળે ત્યારે એમ જ થાય કે સાક્ષાત કૃષ્ણ આપને ભોજન પીરસી રહ્યા છે. સાંજના સમયે હજમાહજમના સ્વાદવાળી ગોટી સોડા પીવાની મજા માણવી જ જોઈએ. ફૂલેકા શેરીમાંથી બહાર નીકળો એટલે મોઢામાં મૂકો અને ઓગળી જાય તેવું મીઠું પાન દિલને ખુશ કરી દે છે.

ડૂની પોઈન્ટ: શાંત દરિયામાં તરવાની, સનબાથ લઈને આરામ કરવાની મજા લઈ શકાય છે. ડૂની પોઈન્ટ ગુજરાતની પ્રથમ ‘ઈકો-ટુરિઝમ’ સાઈટ ગણાય છે. પાણીમાં તરતી ડોલ્ફીન માછલીઓ, દરિયાઈ કાચબાની સાથે, સ્કુબા ડાઈવિંગની મોજ માણવા મળે છે. રાત્રિના સમયે ખુલ્લા આકાશની નીચે બેસીને ચંદ્રમાંની રોશની અને તારાઓને નિહાળો તો રોજબરોજના જીવનમાં અનુભવાતી માનસિક તાણ તમારાથી ક્યાંય દૂર ભાગી જાય છે. વૉટર પૉલો, બર્ડ વોચિંગની સાથે મેડિટેશન કરો કે ક્રુઝમાં બેસીને દરિયાની સફર કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરી શકાય છે. શણ અને બીજી કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલી ઝૂંપડીમાં રહેવાની પણ સગવડ મળી રહે છે. દ્વારકા ભારતનાં બીજાં શહેરોથી સરળ રીતે જોડાયેલું છે. જામનગર એરપોર્ટથી ૧૫૯ કિ.મી ના અંતરે આવેલું છે. બસ અને ટ્રેન દ્વારા સરળતાથી દ્વારકા નગરીમાં પહોંચી શકાય છે. અમદાવાદથી ૪૫૩ કિ.મી નું અંતર છે. ૨૧૭ કિ.મી નું અંતર રાજકોટથી ૧૩૭ કિ.મીનું અંતર બસ, ટ્રેન અને ખાનગી વાહન સરળતાથી કરી શકાય છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એ પણ સત્ય છે કે કોઈ પણ દેશ પોતાની સંસ્કૃતિ અને વારસાને અવગણીને વિકાસ સાધી શકે નહીં. કૃષ્ણ નગરીને ‘હેરિટેજ સિટી’ જાહેર કરવાથી આવનારી પેઢી પણ વાસુદેવજીની શેરી અને દેવકી ચોક જેવા નામો જાણીને કૃષ્ણના અવશેષ જોશે તે નક્કી છે. (Courtesy : Mumbai Samachar)