ATUL N. CHOTAI

a writer – since 2014


ભક્તિનાં સંગે પ્રકૃતિનાં ખોળે મહાલવાનો અનોખો અવસર એટલે ગરવા ગીરનારની પાવનકારી લીલી પરક્મા..

Girnar Parikma

Girnar Parikma

આલેખન : અશ્વિન પટેલ
(માહિતી બ્યુરો – જૂનાગઢ)

ગ્રીક માઇથોલોજીમાં જે સ્‍થાન સૈાદર્ય અને સંપતિની દેવી એફ્રોડાઇડનું છે એ ભારતીય પુરાણકથામાં ઐશ્‍વર્યની અધિષ્‍ઠત્રી દેવી પ્રકૃતિનું છે. આજનાં શિક્ષીત બુધ્ધીવાદી એરકન્‍ડીનમાં બેસીને સૈાદર્યસભર સારી સારી વાતો ભલે કરે,પણ ભારતીય ભાતિગળ ગ્રામીણ અને અર્ધ કે અશિક્ષીત કોઠાસુઝ વાળી(ગામઠી) જનતા પ્રકૃતિનાં ખોળે ઉછરે છે અને પ્રકૃતિ સાથે જીવે છે અને કુદરતનાં ડગલે અને પગલે નિર્મિત પર્વો, ઉત્‍સવોમાંપ્રકૃતિને સંસ્‍કૃતિ સાથે જોડીને ઈશ્વર સાથે એકાકાર થયાની અનુભુતિ પણ કરે છે.

ભારતવર્ષમાં નગાધિરાજ હિમાલય પર્વત આમ જોઇએ તો સૈાથી ઉંચો પર્વત છે. જ્યાં કૈલાસ, શિખર, સમેત અનેક દેવ-દેવીનાં ઉલ્‍લેખ સાથે સાંસ્‍કૃતીક અને ધાર્મિક અસ્‍મિતાનાં બીજ જોડાયેલા છે પણ કહે છે હિમાલય જેનો આદર કરે તેવા પર્વત ગિરનાર આપણાં ગરવા ગુજરાતને પોતાનાં ખોળે રમાડી રહ્યા છે. આમ પણ હમેંશા સાંભળતા આવ્‍યા છીએ કે ગિરનાર એ જોગી, રોગી, ભોગી, ત્‍યાગી, અને રાગીથી વૈરાગી, અનુરાગી સહું કોઇને પોતાની તળેટીમાં આશિષ આપે છે. ઈચ્‍છે છે તેવુ પામે અને પામે તેવુ ભોગવે તેવી વાત ભવનાથ તિર્થ ક્ષેત્રે અનુભવાતી રહે છે. અનેક ઋષિ કુળનાં મહાત્‍માઓ પોત-પોતાનાં સિધ્ધ આશ્રમ સાથે સંસ્‍કૃતિનાં રખોપા કરતા પ્રકૃતિની ગોદમાં લોકોને સદાય આવકારે છે. પુજ્યપાદ સંતો અને મહંતોની પાવન ભુમિ એટલે ગિરીવર ગિરનારજીની ભુમિ, ગિરનાર પર્વત એટલે નવનાથ અને ચોસઠ જોગણીનાં બેસણાનો પર્વત, પરબ વાવડી, સતાધાર, વિરપુર અને કનકાઇ, બાણેજ જેવા યાત્રાધામો અને અરબ સાગરનાં તટે ભોળા સોમનાથ અને ભગવાન દ્વારિકાનાં નાથ શ્રીકૃષ્‍ણનાં મંદિરોની ધ્વજા પરથી પરસાર થતી હવાની લહેરખી ગિરનારનાં ગુરૂ દતાત્રેયથી ભવનાથ સુધી અમી આશિષ આપતિ અનુભવાય એવી આ દેવલોક ભુમિમાં પ્રતીવર્ષ કાર્તીકી અગિયારસથી ત્રિ-દિવસયીય જટાળા જોગીની પ્રદિક્ષણા(પરિક્રમા) પ્રવાહીત મેળાનાં રૂપે યોજાય છે. જેને સોરઠવાસીઓ લીલી પરકમા તરીકે ઓળખે છે. ભક્તિનાં સંગે અને પ્રકૃતિનાં ખોળે મહાલવાનો મહામુલો અવસર એટલે જ પરિક્રમાંનો પથપ્રવાસ.

જૂનાગઢ જિલ્‍લાને ગુજરાતનાં બીજા જિલ્‍લાઓની તુલનાએ કુદરતે લાડકવાયો ગણ્યો હશે. અહીં વિશાળ દરિયાકાંઠો, ગીર અને ગીરનારની વન્‍ય સૃષ્‍ટી અને વિશ્વને ધ્યાન ખેંચે તેવા એશિયેટીક લાયન (સીંહ) અને તાલાળાની જગમશહુર કેસર કેરી, આ ઉપરાંત દ્વાદશ જ્યોતિલીંગ પૈકી પ્રથમ એવા સોમનાથ મહાદેવ, શ્રીકૃષ્‍ણનું દેહોત્‍સર્ગ, ભાલકાતિર્થ, તુલશીશ્‍યામ યાત્રીકોને યાત્રા પ્રવાસ માટે કાયમ આવકારે છે. જિલ્‍લાઓમાં અનેક નાના-મોટા મેળાઓ યોજાય છે. જેમાં જગ મશહુર શિવરાત્રીનો મેળો પણ ગિરનારની ગોદમાં જ ઉજવાય છે. તે જ ગિરનારજીને નવલા વર્ષની અગીયારસે પ્રદિક્ષણા રૂપે પ્રતી વર્ષ લીલી પરિક્રમા યોજાય છે. જેમાં લાખોની સંખ્‍યામાં ભાવીક ભક્તો લીલી વનરાજી વચ્ચેથી પર્વત અને ખીણની વચ્ચેથી ભક્તિભાવથી મહાલતા ત્રિદીવસીય મેળા રૂપે આ પરિક્રમા કરી પુણ્યનું ભાથુ બાંધ્યાનો અહેસાસ કરે છે. અગાઉનાં સમયમાં દિવસભર પરિક્રમા પથ પર પદ યાત્રા થતી, સાંજ ઢળ્યે પડાવ નંખાતા, બહેનો ભાવતા ભોજનીયા બનાવતી, પુરૂષો ભજનની સરવાણી વહેવડાવે અને વૃધ્ધો અને માતાઓ લોક સંગીતનાં ઢાળે ધોળ કે લોકગીતોનાં સુરોથી વનને વૃંદાવનમાં તબદીલ થયાની અનુભતી કરતા જંગલ મધ્યે ત્રણ દિવસ રહે પણ કોઇ જ ભય નહીં, કોઇ જ ચિંતા નહીં મારા તમારાનાં કોઇ જ ભાવ નહીં, કોઇ નાનો નહી કે કોઇ મોટો નહીં સહુના સથવારે સહુના સહકારથી એકબીજાનાં પુરક બનીને પ્રકૃતિ દેવીનાં ખોળે રૂડા અવસરે મહાલતા હોય છે.

આ મેળામાં જૂનાગઢનાં ગામે ગામથી જેમ કે પોરબંદરથી મેર સમાજનાં ભાઇ બહેનો, ઘેડમાંથી આહીર અને કોળી સમાજ, નાઘેરમાંથી કારડીયા રાજપુત સમાજ, હાલારેથી કણબી-વાણીયા, વેપારી સમાજ, બાબરીયાવાડ, ભાલ, ઝાલાવાડ, ગોહીલવાડ, કચ્‍છ, વાગડ, બરડો, કાઠીયાવાડ વગેરે પ્રાંતોમાંથી અઢારેય વરણનાં ભાઇ-બહેનો કોઇ જ નાત જાતનાં ભેદભાવ વિના કે કોઇ ધનવાન કે ગરીબનાં વાદ વગર સૈા કોઇ આવે છે. અને આવનારને કોઇ જ સુવિધાની જરૂરત નહીં. આજે વખત વિતતો ચાલ્‍યો, જમાનાની અસર અને વાહન વ્‍યવહારોની સગવડ વધતા આ પરિક્રમામાં રાજ્યભરમાંથી તો ઠીક પણ દેશ-વિદેશમાંથી યાત્રીકો ભાવિકો આવવા લાગ્‍યા છે. દરેક વર્ષે યાત્રીકો વધતા જ જાય છે. હજારોની સંખ્‍યામાં અને લાખોમાં આંકડો તબદીલ થયો હોવા છતા ઈશ્વરનાં આશિર્વાદ અને રાજ્ય સરકારનાં વહીવટી તંત્ર તેમજ સ્‍થાનિક સેવાભાવી સંસ્‍થાઓ એસ.ટી નિગમ, પોલીસતંત્ર, મહાનગરપાલીકા, જિલ્‍લાપંચાયત, આરોગ્‍ય અને આયુર્વેદ શાખા, માહિતી વિભાગ સહિત જૂદા-જૂદા જિલ્‍લાઓમાંથી આવી સેવા કરતા સેવાભાવી મંડળો, યાત્રીકોને કોઇજ અગવડતા ના પડે તેની તકેદારી રાખે છે. સહુને આત્‍મિયતાનાં ઓજસે પ્રકાશનાં પુંજથી રોશન કરતો આ રૂડો અવસર સારા વરસાદથી વધુ નિખરશે. સંસ્‍કૃતિ અને પ્રકૃતિનાં મિલાપ સમા આ લીલી પરિક્રમાંનાં પ્રત્‍યેક યાત્રીકને યાત્રા શુભ બની રહે તેવી શુભકામનાં. . . girnar lili parikama parikma in junagadh in gujarat india


દશેરામાં દસ નકારાત્મકતાનો અંત જરૂરી..

ravan

ravan

– કાજલ રામપરિયા

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પત્ની સીતાને દશાવતાર રાવણની ચુંગાલમાંથી બચાવીને લાવ્યા તો ખરાં.. પણ તમને ખબર છે..?? રાવણમાં જેટલી નકારાત્મકતા હતી તેટલી સકારાત્મકતાનો પણ વાસ હતો પણ કહેવાય છે કે ૧૦૦ સારા કામ ભલે કરો પણ એક ખરાબ કામ તમારી છબીને ફેરવવાની તાકાત ધરાવે છે. હવે તમે વિચારતા હશો કે વિજયા દશમી ઉર્ફે દશેરાના પાવન પર્વના દિવસે તો ભગવાન શ્રીરામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને પત્ની સીતાને તેમની સાથે ફરીથી અયોધ્યા નગરી લઇ ગયા હતા તેથી આ પર્વ મનાવવામાં આવે છે અને દર વર્ષે આ પૂતળાને બાળીને રામના વિજયનો જશ્ન ઉજવાય છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. રાવણની અંદર રહેલી નકારાત્મકતાઓને કારણે તે રામનો દુશ્મન બન્યો હતો.

રાવણના જીવન વિશે અમુક વાતો ગણ્યા ગાંઠ્યાં લોકો જ જાણે છે. વાસ્તવિકરૂપે રાવણ ભગવાન બ્રહ્માના દસ પુત્રો પૈકી પ્રજાપતિ પુલસ્ત્યના પુત્ર હતા. તેમ જ રાવણ શંકર ભગવાનનો પરમ ભક્તમાંનો એક વિદ્વાન ભક્ત ગણાતો હતો. હજુ એક ખાસ વાત એ છે કે સીતા તેના ભરથાર રામને જીવંત અને સુરક્ષિત મળી હતી તે રામનો સીતા પ્રત્યેનો પ્રેમ હતો અને સીતા રામને પવિત્ર મળી તે રાવણની મર્યાદા હતી. રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો એ તેની સકારાત્મકતા હતી, પણ તેનામાં અહંકાર, ક્રોધ, લાલચ અને લોભ હતાં તેથી તે રામના હાથે મોક્ષ પામ્યો હતો. દશમીનો અર્થ એ નથી કે તમે રાવણના પૂતળાનું દહન કરો. રાવણ દહન કરવા કરતાં પોતાની અંદર રહેલા રાવણને ખતમ કરવાની જરૂર છે. ચાલો જોઈએ આપણી અંદર રહેલાં દશાનન રાવણને…

અહંકાર : દુનિયાની કોઇપણ વ્યક્તિ ગમે તેટલી સારી હોય, છતાંય ક્યાંક ને ક્યાંક અહંકાર સેવતી હોય છે. જીવનમાં એવો તબક્કો પણ આવે છે જ્યાં અમુક કારણોસર ઇગો એટલે કે હુંપદપણું આવી જાય છે. વ્યક્તિ ગમે તેટલી સારી કેમ ન હોય તેની અંદર અમુક નકારાત્મકપણું આવી જ જાય છે. જીવનમાં ક્યાંક આપણે પણ ખરાબ હોઇએ છીએ. એ આપણને ખબર નથી પડતી પણ હા મોટા ભાગે જ્યારે આપણે પોતાની મનગમતી ચીજ હાંસલ કરીએ છીએ ત્યારે આપણી અંદર આપમેળે અહમ પ્રવેશે છે. અમુક નકારાત્મક વસ્તુને તો આપણે ક્યારેય કાઢી શકતાં નથી પણ ક્રોધ, લોભ, અહંકાર, અસહિષ્ણુતા, ઇર્ષ્યા, નિંદા, અસત્ય, ભય, અસુરક્ષા અને આળસ જેવી અમુક નકારાત્મક વાતોને નિયંત્રણમાં લાવવાની કોશિશ તો કરી જ શકીએ છીએ. આજના કળયુગમાં પોતાની જાતને આ નકારાત્મકભરી દુનિયાથી કેવી રીતે બચાવવી જોઇએ એ અંગે થોડી વાતો કરીશું.

દશેરાના પર્વ નિમિત્તે દસ નકારાત્મક શક્તિનું દહન કરવું જોઇએ. અહંકાર એ માનવીય પ્રવૃત્તિ છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે માણસને ઘણો સંઘર્ષ કરવો પડે છે. ઘણા લોકો એવું માને છે કે જીવનમાં આગળ વધવા માટે પ્રતિસ્પર્ધા હોવી જરૂરી બની જાય છે. હંમેશાં બીજી વ્યક્તિ કરતાં સારો દેખાવાની ઇચ્છા રાખે છે એને જ અહંકાર અથવા અહમ કહેવાય છે. બીજા કરતાં સારો દેખાવ કરવાની કોશિશમાં મોટા ભાગના લોકો પોતાનું જીવન નષ્ટ કરી નાખે છે. કોઇ સ્પર્ધામાં તે જીતે ત્યારે તેની ખુશી ક્ષણિક હોય છે, કારણ કે બીજી જ પળમાં તેને ખ્યાલ આવે છે કે બીજા કોઇ તેની આગળ ન નીકળી જાય.. વ્યક્તિના જીવનનો મોટા ભાગનો અનુભવ ફક્ત તેની ભૌતિક સુવિધાઓ સુધી જ સીમિત રહે છે, પણ એવી વસ્તુઓ ફળના છોતરાં સમાન હોય છે, જે ખાલી તેને સુરક્ષિત રાખે છે. તેવી જ રીતે આપણું શરીર પણ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે તે શરીરની ભીતર આપણા આત્માનો વાસ હોય છે અને આત્મા તો અમર હોય છે. શરીર જૂનું થયાં બાદ તે બીજું શરીર ધારણ કરે છે.

ઇર્ષ્યા : મીઠા ઝઘડા ક્યારે ઇર્ષ્યામાં પરિવર્તિત થઇ જાય છે તેની લોકોને ત્યારે ખબર પડે છે જ્યારે સંબંધો લાગણીહીન થઇ ચૂક્યા હોય છે. ઇર્ષ્યા તો કોઇથી પણ થઇ શકે.. તે પછી ભાઇ હોય, સગા સ્નેહી હોય, મિત્રો હોય કે પછી સહ કર્મચારી હોય.. મીઠી નોંક ઝોંકને લીધે ઇર્ષ્યાનો વિકાસ થાય છે, જે શરીર અને સંબંધોને બીમાર પાડી દે છે. આવું ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. જે વસ્તુને હાંસલ કરવાની તમારી ઇચ્છા હોય અને એ વસ્તુ જ્યારે અન્ય વ્યક્તિ હાંસલ કરી લે ત્યારે ઇર્ષ્યાનું પ્રમાણ ક્રોધનું રૂપ લઇ લે છે અને તેના કરતાં વધુ વસ્તુઓ હાંસલ કરવાની ઇચ્છા રાખવાના ચક્કરમાં બધુ ગુમાવી બેસે છે.

ક્રોધ : ક્રોધને નિયંત્રણમાં રાખવો એ સૌથી મોટો પડકાર હોય છે દરેક વ્યક્તિ માટે.. ગુસ્સો ફક્ત આપણા સ્વાસ્થ્યને જ નહીં પણ આપણા સ્નેહીજનોના જીવન પર પણ ગંભીર અસર કરે છે. તેને કારણે મોટા ભાગના લોકો માનસિક તણાવનો અનુભવ કરે છે. ક્રોધ પર કાબૂ મેળવવા માટે સમજદારી દાખવવી ખૂબ જરૂરી બની જાય છે નહીં તો આવા સ્વભાવને કારણે વ્યાવસાયિક જીવનની સાથે અંગત જીવનનો પણ નાશ થઇ જાય છે. દશેરાના દિવસે રાવણના પૂતળાની સાથે ગુસ્સો પણ સ્વાહા કરી નાખવો જોઇએ. જેથી મન શાંત રહે અને જીવનના તમામ નિર્ણય શાંત મનથી લઇ શકો.

લાલચ : અતિ લોભ એ પાપનું મૂળ તમે આ કહેવતને ખરાં અર્થમાં સમજશો તો કોઇપણ વસ્તુ જ્યારે અતિ થઇ જાય ત્યારે તે તમને ખતમ કરી નાખે છે. બાળકનો ઉછેર કરતી વખતે તેમના માતા-પિતાને એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે જ્યારે તેમનું સંતાન બોલવાનું શીખે ત્યારે તેમની ખોટી અને બિનજરૂરી ચીજોની માંગને પૂરી ન કરવી જોઇએ. આવી ખોટી જીદ ન કરવી જોઇએ એ બાબતે પ્રેમથી તેને સમજાવવું જોઇએ. બાળકો તેમના માતા-પિતાના વર્તનનું નિરીક્ષણ ખૂબ સારી રીતે કરે છે. તેથી બાળકો સમક્ષ તેમની વાણી અને જરૂરતો પર મર્યાદા અને જે છે તેમાં સંતુષ્ટિ રાખવી જોઇએ.

આળસ : આળસ પણ એક જાતનો નકારાત્મક અવગુણ છે. જે વ્યક્તિને દરેક રીતે નુકસાનકારક છે. આજના લોકોમાં દુનિયાભરની આળસ ભરેલી હોય છે અને કહેવાય છે કે આળસ માનવનો શત્રુ છે પણ વેપારીઓ માટે માણસોની આળસ ફાયદો કરાવી રહી છે. હવે ઘરના કામ માટે વૉશીંગ મશીન, મિક્સર, ડિશ વૉશર, રોટી મેકર જેવા મશીનથી તેમની જરૂરિયાતો પૂરી થતી હોવાથી શારીરિક રીતે વધુ કામ લોકો નથી કરી શકતાં પરિણામે દરેક કામ કરતાં પહેલા આળસ આવે છે. આળસના પણ ઘણા પ્રકાર હોય છે. વ્યાવસાયિક જીવનમાં તેમ જ ભણતરમાં કામને ટાળવાની આદત થઇ જાય છે. મોટા ભાગના મધ્યમવર્ગીય લોકોના ઘરે ઇલેક્ટ્રોનિક ગેજેટ આવી ગયાં હોવાથી આળસનું પ્રમાણ વધી ગયું છે અને વધુ પડતાં લોકો સુસ્તી આવવાને લીધે બીજા પર નિર્ભર રહેતા હોય છે. તેવામાં આળસનું વધવું પણ સ્વાભાવિક હોય છે. તેને ટાળવા માટે કોઇપણ કામમાં બિઝી રહેવું વધુ જરૂરી છે. જેથી આપણી અંદરની આળસ ઘટી જાય છે અને આપણે દરેક કામમાં સ્ફૂર્તિલા અને સક્રિય રહીએ છીએ.

અસુરક્ષા : અસુરક્ષા એ વ્યક્તિના આત્મ વિશ્વાસને ડગમગાવી નાખે છે. અસુરક્ષાથી જોડાયેલી દરેક સમસ્યા નકારાત્મક જ હોય છે. કોઇ ભવિષ્ય માટે અસુરક્ષિતતાનો અનુભવ કરતા હોય છે, તો કોઇ તેમના અંગત જીવનમાં લેવાઇ રહેલા નિર્ણયોથી અસુરક્ષિત રહે છે. આવા વિચાર ધરાવતી વ્યક્તિ ક્યારેય પોતાના અને તેના પરિવારના હિતમાં નિર્ણય લઇ શકતી નથી.

નિંદા : ખાસ કરીને વ્યાવસાયિક જીવનમાં નિંદાની આદત પોતાના અને બીજાના વિકાસમાં બાધારૂપ થઇ પડે છે. જો તમને કોઇની પ્રશંસા ન કરવી હોય તો નિંદા પણ ન કરવી જોઇએ. ભગવાને આપેલી વાણી ખૂબ જ કિંમતી હોવાથી તેનો સદુપયોગ કરવો જોઇએ. શક્ય હોય તેમ ઓછું પણ સારું અને સકારાત્મક શબ્દોનો વપરાશ કરીને બોલવું જોઇએ.

ભય : આપણી અંદર અમુક વસ્તુને લઇને ભય હોય છે જે આપણને આગળ વધવા માટે બાધારૂપ બને છે. તે ભય કોઇપણ પ્રકારનો હોઇ શકે છે. ભણતર બાદ નોકરી મળવાનો ડર, કંઇક નવી પહેલ કરતાં પહેલા નકારાત્મક વિચારીને ત્યાં જ અટકી રહેવાનો ડર, કોઇ વાતને વ્યક્ત કરતાં પહેલાનો ડર વગેરે. જીવનમાં કંઇક કરવા માટે ડરનો સામનો કરવો જ પડે છે. ડરને પછાડીને અને હિંમત દાખવીને જો તમે તમારા મનની વાત માનશો તો જીવનમાં કંઇક તોફાની કરી શકશો.

અસહિષ્ણુતા : સમાજમાં ખૂબ જ ઝડપથી અસહિષ્ણુતા વધી રહી છે. મોટા ભાગના લોકો કોઇ વાત પર અસહેમતી દાખવે છે તો અન્ય લોકો તેનાથી નારાજ થઇ જાય છે. આજની પેઢીમાં ના સાંભળવાની જરાય સહનશક્તિ નથી. તેમ જ લોકો પોતાને રાજા માનીને પરિવાર સંબંધી નિર્ણય પણ લેતા હોય છે તેમાંથી અમુક નિર્ણય તેમના હિતમાં નથી હોતા, જ્યારે પરિવારજનો આ વાત સમજાવે છે ત્યારે તેમને ના સાંભળવી બિલકુલ પસંદ નથી હોતી. તેથી સંવેદનશીલતા રાખવી જરૂરી થઇ જાય છે. બાળકનો ઉછેર કરતી વખતે જ આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ખોટું બોલવું : નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે જુઠ્ઠું બોલવું જોઇએ નહીં, પણ હંમેશાં એવું નથી થતું. જો કોઇની ભલાઇ માટે ખોટું બોલવામાં આવે તો તેને સ્વીકારવામાં માણસ અચકાતો નથી, પણ મોટાભાગના લોકો પોતાની જાતને ખોટાં કામોથી બચાવવા માટે ખોટું બોલવાનો સહારો લેતા હોય છે. જે તદન ખોટું છે.

જો દશેરાના પાવન પર્વ નિમિત્તે રાવણના પૂતળાની સાથે આપણી અંદર રહેલી આ દસ નકારાત્મકતાઓ પણ બાળી દઇએ તો દુનિયામાં ઘણો બદલાવ આવી જશે અને સર્વસ્વ રામરાજ્ય ફેલાઇ જશે. કોઇપણ જાતના રાજકારણ નહીં, હિંસક પ્રવૃત્તિઓ બંધ થઇ જશે અને ઘણી નાની મોટી વસ્તુ છે. આ દુનિયામાં જેનો અંત લાવવો અતિ આવશ્યક થઇ ચૂક્યું છે. દુનિયાને સુધારવા કરતાં સૌથી પહેલા આપણી જાતને સુધારીશું તો દુનિયા પણ આપોઆપ સુધરી જશે.. (મુંબઈ સમાચાર માંથી સાભાર)


ચાલો લોકશિક્ષક શ્રીકૃષ્ણ સાચા અર્થમાં સમજીએ..

Shree Krisna

Shree Krisna

– ડો. દિનકર જોશી

કેલિડોસ્કોપ નામના રમકડામાં આંખ ઠેરવીને કાચના ટુકડાઓના અદ્ભુત વૈવિધ્યને મન ભરીને માણ્યાં ન હોય એવો કોઇ માણસ શોધ્યોય નહીં જડે. પ્રતિક્ષણ આ કાચના ટુકડાઓ એટલા બધા આકર્ષક વૈવિધ્યને આપણી આંખ સામે સજીવન કરે છે કે આપણે મુગ્ધ થઇ જઇએ. શ્રીકૃષ્ણ ખરેખર થયા હશે કે નહીં અને થયા હશે તો કેટલાં વરસ પહેલાં થયા હશે એની શોધખોળ કરવાને બદલે જો એમને ખરેખર માણવા કે સમજવા હોય તો આ કેલિડોસ્કોપિય સૌંદર્ય જ કામ લાગે એમ છે. પ્રતિક્ષણ બદલાય અને પ્રત્યેક બદલાયેલું રૂપ મનમાન્યો અહેસાસ કરાવે એવા આ શ્રીકૃષ્ણે ભગવદ ગીતામાં એક શબ્દ પ્રયોજ્યો છે. લોકસંગ્રહ અર્જુન માટે આ શબ્દ બરાબર હતો પણ આપણા માટે આ શબ્દનો અર્થ સમાજસેવા થાય છે. સ્વાર્થનું સદંતર વિગલન કરીને અન્યો માટે આપણે જે કંઇ કરીએ અને જેના થકી સમાજ ઊજળો થાય એવી સમાજસેવા એટલે લોકસંગ્રહ..

આવા કોઇપણ પ્રકારના લોકસંગ્રહના પાયામાં શિક્ષણ રહેલું હોય છે. આ શિક્ષણ એટલે પાઠ્યપુસ્તકો દ્વારા પ્રાપ્ત થતાં વિદ્યાપીઠોનાં સર્ટિફિકેટો નહીં. શરીરમાં વહેતા લોહીમાં સહજ થઇ જતી સંસ્કાર ભૂમિકા એટલે શિક્ષણ. કૃષ્ણે પોતાના આયુ કાળમાં આજીવન આવું શિક્ષણ એમના તત્કાલીન યુગને આપ્યું છે. ભાંખોડિયા ભરતા લાલાથી માંડીને યોગેશ્વર સુધીનાં એમનાં સંખ્યાબંધ રૂપોમાં એમનું શિક્ષક તરીકેનું એક રૂપ પણ જોવા જેવું છે. આર્યાવર્ત ત્યારે ગણતંત્રો દ્વારા પ્રજાકીય શાસન ભોગવતા સમૂહોનો પ્રદેશ હતો. વ્રજભૂમિ પણ સ્વતંત્ર અને મથુરા પણ સ્વતંત્ર. મથુરાના કંસે જોહુકમીથી વ્રજને ખંડણી ભરવા ફરજ પાડી. વ્રજની ગાયોનું ઘી, માખણ, દહીં ઇત્યાદિ ગોકુળની ગોપિકાઓ મથુરાના સીમાડે અર્પણ કરવા જતી. આ ગોરસ એ જ તો ધનસંપત્તિ હતા.

જેઓ ધનસંપત્તિ પરિશ્રમ કરીને પ્રાપ્ત કરે છે તેમની એ સંપત્તિ જેઓ પરિશ્રમ કરતા નથી તેઓ શી રીતે લઇ જઇ શકે..?? કૃષ્ણે પોતાના બાલસખાઓ સાથે મથુરાના માર્ગે જતું આ ગોરસ રોક્યું, લૂટ્યું, સ્વયં ખાધું અને સહુ કોઇને ખવડાવ્યું. પણ લોકજાગૃતિના આ કામમાં જો વસતિનો અર્ધો ભાગ એટલે કે સ્ત્રીઓ સાથ અને સહકાર ન આપે તો આ જાગૃતિનો પાઠ ફળદાયી ન નીવડે. સ્ત્રીઓ તો બાળઉછેર અને ગૃહ વ્યવસ્થામાં વ્યસ્ત હોય એટલું જ નહીં, શરમાળ પણ હોય. એને બહાર શી રીતે લાવવી..?? કૃષ્ણે વ્રજભૂમિ ઉપર રાસનાં આયોજનો કર્યાં. આ રાસ નિમિત્તે ગોપકન્યાઓ બહાર આવી. કૃષ્ણે એમને લોકસંગ્રહનો પાઠ શીખવ્યો. જે સમાજમાં સ્ત્રી અને પુરુષ સહભાગી થઇને કામ કરે છે એ સમાજ પછાત કે પરતંત્ર રહેતો નથી.

યમુના નદીના પ્રચંડ જળરાશિમાં કાલિય નાગના નામે કોઇ સત્તાધીશ હોય અને પોતાની સત્તાની આણથી પાણીને વિષયુક્ત બનાવીને એનો ઉપભોગ કરતા તટપ્રદેશના લોકોને રોકે એ કેમ સહન થાય..?? જળરાશિ તો પ્રકૃતિદત્ત છે. એના ઉપર કોઇનું સ્વામીત્વ ન હોય. કૃષ્ણે આ જળરાશિ મુક્ત કરાવ્યો અને લોકોને સમજાવ્યું કે પ્રકૃતિદત્ત જળ સહુ કોઇની જરૂરિયાત પૂરી કરવા માટે છે. કોઇના સ્વામીત્વ માટે નહીં.. (આજે આપણી નર્મદા કે કાવેરી નદીઓનાં જળ માટે ઝઘડતાં રાજ્યો આ જાણતાં હશે ખરાં..??) ધર્મનું અનુશીલન હંમેશાં થવું જોઇએ પણ જ્યારે વહેવારિક જીવનમાં ધર્મસંકટ પેદા થાય, બે ધર્મો વચ્ચે સંઘર્ષ પેદા થાય ત્યારે શું કરવું..?? જીવનમાં આવું અવાર નવાર બને છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં શસ્ત્ર હાથમાં ન લેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને છતાં ભીષ્મના વધ માટે કૃષ્ણે પ્રતિજ્ઞાભંગ કર્યો. પોતાની પ્રતિજ્ઞા અને ભીષ્મનો વધ આ બે પૈકી ધર્મના શાસનને કાયમી કરવા માટે ભીષ્મનો વધ મોટો ધર્મ હતો. વ્યક્તિ કરતાં સમષ્ટિ મહાન છે. કૃષ્ણે વ્યક્તિ તરીકે પોતાની પ્રતિજ્ઞાનો ભોગ આપીને સમષ્ટિના કલ્યાણને પસંદ કર્યું. અઢાર અક્ષૌહિણીને તો ઠીક પણ ભાવિ પેઢીઓને સુદ્ધાં એમણે શીખવ્યું કે વ્યક્તિ કરતાં સમષ્ટિ મહાન છે. ધર્મને ઓળખતાં શીખો. નાના ધર્મના ભોગે મોટા ધર્મનું રક્ષણ કરો.

પ્રાગજ્યોતિષપુરના ભૌમાસુરના અંત:પુરમાં બળજબરીથી રોકવામાં આવેલી સોળ હજાર સ્ત્રીઓને કૃષ્ણે મુક્ત કરી. મુક્તિ પામેલી આ સ્ત્રીઓ સમાજની દૃષ્ટિએ દૂષિત હતી. હકીકતે તેઓ નિર્દોષ હતી. ભૌમાસુરે એમના પતિઓને પરાસ્ત કરીને એક વિજેતા તરીકે એમની ખંડણી મેળવી હતી. આ સ્ત્રીઓનો હવે સામાજિક દરજ્જો શો હોઇ શકે..?? એ તિરસ્કૃત અને અનાથ બની જાય. કૃષ્ણે આ તમામ અપહ્યુતાઓને દ્વારકાના પોતાના મહેલમાં આશ્રય આપીને રાજવધૂનો દરજ્જો આપ્યો. જે સમાજ નિર્દોષ સ્ત્રીઓનું સ્થાન કે સન્માન જાળવી શકતો નથી એ સમાજ પોતાને સંસ્કૃતિનો સંરક્ષક કહી શકતો નથી. કૃષ્ણે સંસ્કૃતિ સંરક્ષકનો આ પાઠ એક લોકશિક્ષક તરીકે પોતાની તત્કાલીન પેઢીને શીખવ્યો.

યુદ્ધથી કોઇ પ્રશ્ન કાયમ માટે કદી ઊકેલતો નથી છતાં આસુરી તત્ત્વો યુદ્ધ અનિવાર્ય બનાવી મૂકે ત્યારે મહાવિનાશના ભોગે પણ એમને વશ કરવા જોઇએ. આ આસુરી તત્ત્વ પોતાના પરિવારના જ હોય તો પણ લાગણીઓથી ઉપર ઊઠીને અધર્મનો નાશ કરવો જ જોઇએ. અધર્મનો આવો નાશ કરતી વખતે કશું મેળવવા માટે નહીં પણ આવી પડેલા કર્મને આસક્તિ મુક્ત થઇને નીભાવવું એ જ ધર્મ છે એવો શાશ્વત ઉપદેશ કૃષ્ણે જગદગુરુ બનીને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપ્યો. લોકશિક્ષક તરીકેની કૃષ્ણની આ અમીટ સિદ્ધિ છે. કૃષ્ણે એમના જીવનકાળ દરમિયાન એમના તત્કાલીનોને જે શીખવ્યું છે એ પેઢીઓ પછી આપણા સહુ માટે એવું ને એવું જ તરોતાજા છે. (મુંબઈ સમાચારમાંથી સાભાર )

shree krishnam vande jagad gurum message for all religious indian people gujarat mathura vrundavan dwarkadhish temple yogeshwar shree krishna gujarat india religious gopi arujun mahabharat


શાંતિના દૂત માટેની ભગવાને કરેલી ભોજન વ્યવસ્થા

pigeon eating food

pigeon eating food

કહેવાય છે કે ભગવાન દરેક જીવને સવારે ભૂખ્યા જરૂર જગાડે છે પરંતુ કયારેય ભૂખ્યા સુવડાવતો નથી. દરેક જીવના ગુજારા માટે ભગવાન કોઇ ને કોઇ વ્યવસ્થા કરીજ રાખી હોય છે. શાંતિના દૂત તરીકે ઓળખતા કબૂતરોને પણ સવારમાં જ તેનો નાસ્તો મળી રહે તેના માટે કેટલાયે પ્રકૃતિપ્રેમી લોકો સક્રિય રહેતા હોય છે. જામનગર પાસે આવેલા ભાણવડના માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારમાં શાંતિના દૂત મોટી સંખ્‍યામાં પોતાનું ભોજન લેવા માટે આવતા હોય છે.  શાંતિના દૂત માટેની ભગવાન ઘ્વારા કરવામાં આવેલ ભોજનની વ્યવસ્થા આ તસવીરમાં જોઈ શકાય છે. (તસવીર : રવિ પરમાર- ભાણવડ)


નિર્દોષ પશુઓને જીવતદાન આપવું એ જ મહાન ધર્મ છે…

– આશુ પટેલ

રતુભાઈ શેઠ સંપાદિત પુસ્તક સંસ્કાર કથાઓમાં એક કથા વાંચી એ વાચકો સામે મૂકું છું…

લોકોના રોષનો કોઇ પાર નહોતો…. ચોરેને ચૌટે એક જ વાત સંભળાતી હતી મહારાજ કુમારપાળ ભલે જૈન ધર્મ પાળે, ભલે હેમચન્દ્રાચાર્યને તેમના ગુરુ બનાવે એમાં કોઇને કોઇ વાંધો નથી પરંતુ કુળદેવી કંટકેશ્ર્વરી પાસે કોઇ જીવનું બલિદાન આપવામાં નહીં આવે એવી રાજ આજ્ઞા બહાર પાડવાનો એમને શો અધિકાર છે..?? આજે કેટલાંય વર્ષોથી એ પરંપરા ચાલી આવે છે એ કુળદેવીને રીઝવવા દર વર્ષે બલિદાન આપવામાં આવે છે. લોકોની અનુમતિ લીધા વિના રાજાએ બહાર પાડેલી આજ્ઞાનો શો અર્થ છે..?? પૂજારીઓ ક્રોધથી ધૂંવાપૂંવા થતા હતા. પરંપરામાં માનનારાઓનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થઇ ઊઠ્યો હતો. મહારાજ કુમારપાળને આવી મતિ કેમ સૂઝી..?? કુળદેવીને ક્રોધિત કરીને એ જૈન થયેલ મહારાજા શું ફાયદો કરવાના..?? એનું ધનોતપનોત નહીં થઇ જાય..?? સૌ કોઇ પોતપોતાની રીતે વાતો કરતા હતા. રાજા ઉપર ખફા થઇને અવનવી રીતે તેમને ગાળો આપતા હતા.

મુખ્ય પૂજારી અને કેટલાક આગેવાન મહાજને મહારાજા પાસે જઇ વિનંતી કરવાનો વિચાર ર્ક્યો. દરબારમાં મહારાજાને વંદન કરીને દબાતે સાદે આગેવાનોએ કહ્યું મહારાજ, આપે જે આજ્ઞા બહાર પાડી છે તેનાથી નગરજનોને ખૂબ જ દુ:ખ થયું છે. મોટા ભાગના નગરવાસીઓ એનાથી નારાજ છે..!! મહારાજાએ સૌને શાંતિથી સાંભળ્યા કહ્યું મહાજન તો ગામનું નાક કહેવાય. આપ સૌ મારે મન પૂરા માનના અધિકારી છો પણ આપ સૌ એમ માનો છો કે માતા આગળ નિર્દોષ પશુઓનાં બલિદાન આપવાથી જ માતા રાજી થાય છે..?? જેવો આપણા સૌનો જીવ છે એવો એ પશુઓનો પણ જીવ છે

પરંતુ… મહાજને કહ્યું જુઓ, હું તમને કોઇને નારાજ કરવા નથી માગતો.મહારાજે કહ્યું મહારાજની વાત સાંભળીને પૂજારી અને મહાજનો ખુશ થઈ ગયા બોલ્યા, મહારાજની વાત બરાબર છે કોઇના ધર્મની વચ્ચે આવી સૌને નારાજ કરવાનું આપને ન જ ગમે સાચી વાત છે મહારાજે કહ્યું હું કોઇને પણ નારાજ કરવા નથી માગતો. આપણે એક કામ કરીએ… શું..??પૂજારી બોલી ઊઠ્યો. ‘જુઓ, જેટલા પશુઓનો ભોગ દર વર્ષે અપાય છે એટલાં પશુઓનો જ ભોગ આ વખતે પણ આપવાનો. આપણે હોમ – હવન કરીશું અને એ પશુઓ માને ચરણે ધરી દઇશું. મંદિરમાં બારણાં બંધ કરી દઇશું, પછી માને જેટલો ભોગ જોઈએ એટલો એ જાતે લઈ લેશે મહાજનના આગેવાન અને પૂજારીઓ એક બીજા સામે જોઇ રહ્યા. કુમારપાળની વાત તો વાજબી હતી એ સામે કોઇ દલીલ થઇ શકે તેમ નહોતી. બધાએ એ વાત કબૂલ કરી હજારો જીવતાં પશુઓને મંદિરના વિશાળ ચોકમાં પૂરી દીધા અને બહારથી બારણું બંધ કરી દીધું. આજુબાજુ સખત જાપ્તો મૂકી દીધો જેથી અંદર કોઇ જઇ ન શકે

બીજા દિવસે પ્રભાત થયું માતાજીના મંદિરની આજુબાજુ લોકોનું મોટું ટોળું જમા થઇ ગયું. બધાને કુતૂહલ હતું કે માતાજી કેટલાં પશુઓનો ભોગ લે છે..?? પૂજારીએ મંદિરનું મુખ્ય મોટું દ્વાર ખોલ્યું ત્યાં તો નિર્દોષ પશુઓ બહાર દોડી ગયાં. અંધશ્રદ્ધા ઉપર મદાર બાંધીને બેઠેલા પૂજારીઓના હાથ હેઠા પડ્યા. માતાજીની મૂર્તિને સંબોધતા તેમણે કહ્યું મારા પ્રિય નગરજનો, દયા અને તે પણ મૂંગા પ્રાણીઓ પ્રત્યે દયા એના જેવો બીજો કોઇ ધર્મ જ નથી. આપણામાં જે જીવ છે એ જ આત્મા આ પશુઓમાં પણ છે અને મા તો દયાની દેવી કહેવાય..!! એ કંઇ પોતાના બાળકોને મારે કે રમાડે..?? નિર્દોષ પશુઓને જીવતદાન આપવું એ જ મહાન ધર્મ છે… (courtesy : mumbai samachar)


કચ્છમાં સાધુએ એકલે હાથે ડુંગર કોતરીને શિવમંદિર સ્થાપ્યું

Shiv Temple

Shiv Temple

કચ્છ અને સૌરાષ્ટ્રની ધરા સાથે સંત અને શૂરાની સાથે માનવીની અદ્દભુત શક્તિઓ સાથે ઇશ્રરીય શક્તિનો સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ ઇતિહાસમાં અંકાયેલી છે. કચ્છમાં એક કાળા માથાનો માનવી અકલ્પનીય હામ અને શિવભક્તિથી અચંબિત કરી દે તેવી સાધના કરી રહ્યો છે.

કચ્છના લખપત તાલુકામાં આવેલા ગુનેરી ગામે નમય નારાયણના નામે ઓળખાતા એક અલગારી સાધુ જીવે એકલા હાથે ડુંગર કોતરી નાખ્યો છે અને ડુંગર ખોદીને બનાવેલી ગુફામાં શિવમંદિરની સ્થાપના કરી છે. આ શિવમંદિરનું માહાત્મ્ય દિન પ્રતિદિન વધી રહ્યું છે. સ્થાનિક લોકોને એક સાધુએ એકલા હાથે નિર્માણ કરેલા શિવમંદિર પર અતૂટ આસ્થા બંધાઇ રહી છે.

નમય નારાયણ નામના સાધુએ ૨૦૦૯ થી ગુનેરી ગામે એક ડુંગર પર પડાવ નાખ્યો. દિવસે શિવભક્તિ અને અઘોર સાધનામાં મસ્ત રહેતા નમય નારાયણ મોડી રાત બાદ હાથમાં રૂદ્રાક્ષની માળા છોડીને હથોળી અને છીણું પકડી લેતા હતા. કોઇની પણ મદદ માગ્યા વિના નમય નારાયણ આખી રાત ડુંગર કોતરતા રહેતા હતા. પાંચ વર્ષના અથાગ પરિશ્રમ બાદ નમય નારાયણે એકલા હાથે ગુફા કોતરી નાખી અને અંદર શિવમંદિરની સ્થાપના કરી, જે આજે સ્થાનિક લોકોની પ્રબળ આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. એકલા નમય નારાયણની મહેનતથી આજે ગુનેરી ગામનું શિવ ગુફા મંદિર એ કક્ષાએ પહોંચી ચૂક્યું છે કે પ્રસિદ્ધિ માટે કરોડોના ખર્ચે જાતભાતના તાયફા કરતી રાજય સરકાર આ ગુફા મંદિરની નોંધ લઇ તેને પ્રમોટ કરે તો તો તેની વિશ્ર કક્ષાએ નોંધ લેવાય એવી સ્થિતિ છે. એક માણસ એકલપંડે શું કરી શકે તેનો બોલતો પુરાવો ઉપરોક્ત તસવીર છે. નમય નારાયણ કોઇ દિવસ ખાવાં પીવાની પરવા નથી કરતા. તેમનું કહેવું છે, ઉપરવાળો કીડીને કણ અને હાથીને મણ આપી જ દે છે. અહીં વગડામાંય જીવતા રહેવાય એટલું શિવશંભુની દયાથી મળી જાય છે.


વિકલાંગ યુવક જલારામ બાપાના શરણમાં આવ્યો અને જીંદગી બદલાઈ ગઈ…

Parmanand Goswami

Parmanand Goswami

મજબુત મનના માણસને હિમાલય પણ ડગાવી શકતો નથી એ ઉક્તિને વિરપુરમાં રહેતાં અને હાથ ન હોવા છતાં હાથથી થતાં બધાં કામ પગથી સારી રીતે કરી બતાવી સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. એટલું જ નહીં, આ યુવાન એક દીકરીનો બાપ હોવાથી તેણે પુત્રીને રસોઇ બનાવતા અને સિલાઇ કામ પણ શીખવીને ફરજ અદા કરી છે.

ઉત્તરાંચલના નૈનિતાલમાં રહેતો પરમાનંદ સચ્ચીદાનંદ ગોસ્વામી નામના આ યુવાનને બાળપણમાં કોઇ પણ કામ જલદી અને જાતે જ કરી લેવાની ઉત્કંઠા હતી અને એટલે જ એકવાર લાઇટ રિપેર કરવા જતાં વીજ શોક લાગતાં તેના હાથ ક્રમશઃ કાપવાની ફરજ પડી. જીવન બચાવવા માટે હાથનો ભોગ આપવો જરૂરી હતો અને હિંમત હાર્યા વગર પરમાનંદ કામે વળગ્યો. હાથ ચાલ્યા જતાં શરૂઆતમાં નાસીપાસ થયેલા પરમાનંદ સુનમૂન બની ગયો હતો અને પંગુતાથી કંટાળી ઘર છોડીને વીરપૂર આવી ગયો. થોડો સમય તો બાપાના અન્નક્ષેત્રમાં જમી લેતો, પરંતુ અંતરાત્મા તો કકળતો રહેતો. આથી પોતે ધીમે ધીમે હાથેથી થતા હોય તેવા બધા કામ પગથી કરવાની ટેવ પાડવા લાગ્યો. અને ફાવટ પણ આવી ગઇ.

પગથી કામ કરવાની કલાને આજીવિકા બનાવનારા પરમાનંદે વીસેક વર્ષ પહેલાં અમરનાથની યાત્રા કરી હતી અને એ દરમિયાન સાવિત્રી નામની યુવતી તેની કલા પર મોહી પડી હતી અને બન્નેએ લગ્ન પણ કરી લીધા. સમયાંતરે બન્ને માતા પિતા બન્યા અને દીકરીએ જન્મ લીધો. થોડા વર્ષ પહેલાં પત્નીનું મોત થતાં પરમાનંદ સાવ એકલો પડી ગયો, પરંતુ હિંમત ન હાર્યો. વ્હાલસોયી પુત્રીને રસોઇ અને શિવણકામ પણ શીખવ્યું. ભરણપોષણ કરવા માટે પરમાનંદ આજે પણ હાથોથી કરવાના કાર્યો પગોથી કરવાની કલા યાત્રિકોને બતાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.