ATUL N. CHOTAI

a writer – since 2014


પ્રેરણાનું ગલગલિયું અને ઈન્સ્પિરેશનની ચટણી…

Saurabh Shah - Writer

Saurabh Shah – Writer

– સૌરભ શાહ

ટીવી પર સચિન તેન્ડુલકરની ડોક્યુમેન્ટરી જોઈ અને તમને ક્રિકેટર બનીને જગત આખામાં નામ રોશન કરવાની ઈચ્છા થઈ આવી. તમે કદાચ સાંભળ્યું કે વાંચ્યું પણ હશે કે કોઈ જાણીતા ક્રિકેટરને એની આગલી પેઢીના બીજા કોઈ મશહૂર ક્રિકેટરને રમતાં જોઈને પ્રેરણા મળી કે મારે પણ એમના જેવું થવું છે અને વખત જતાં એ પોતે પણ ક્રિકેટ જગતમાં એક સિતારો બની ગયો. આવું બધું વાંચી સાંભળીને આપણે પણ માની બેસીએ છીએ કે કોઈને જોઈને, એમનું કામ જોઈને, નામ જોઈને આપણને પ્રેરણા મળે એટલે આપણે એમના જેવા થઈ જઈએ. અને એટલે આપણે જ્યાંથી મળે ત્યાંથી પ્રેરણા લેવા માંડીએ. મહાપુરુષોનાં જીવનચરિત્રોમાંથી, એમના જીવનના પ્રેરણાત્મક પ્રસંગોમાંથી, કોઈનાં લખાણોમાંથી, વ્યાખ્યાનો પ્રવચનો અને સેમિનારોમાંથી. પ્રેરણાના ઢગલા નીચે દબાઈ જઈએ ત્યાં સુધી આપણે આપણા પર પ્રેરણાઓ ઠાલવ્યા કરતા હોઈએ છીએ.

કોઈનામાંથી પ્રેરણા મળતી હોય તો તે સારું જ છે પણ આવી પ્રેરણાઓ બહુ બહુ તો સ્ટાર્ટરના સ્પાર્ક પ્લગની ગરજ સારે. તમારી પાસે રસ્તાના ખાડા ટેકરાઓની ઝીંક ઝીલી શકે એવા સસ્પેશનવાળું વાહન હોવું જોઈએ, વાહનને નિયમિતરૂપે ઓઈલ-પેટ્રોલ મળવાં જોઈએ, તમારાં ટાયર પંકચર પ્રૂફ હોવાં જોઈએ અને સૌથી અગત્યની વાત તો એ કે હાઈવે પર ધસમસતા ટ્રાફિકમાં તેમ ગલીકૂંચીઓના બેફામ ટ્રાફિકમાં વાહન ચલાવવાની આવડત, કુશળતા તમારામાં હોવી જોઈએ. સ્ટાર્ટર માટેના સ્પાર્ક પ્લગના જોરે તમે એફ વન રેસ તો શું અમદાવાદથી મહેમદાવાદનો રસ્તો પણ કાપી શકવાના નથી. અને આ વાત તમે સારી રીતે સમજો છો એટલે જ પૂરતી તૈયારી વિના ઘરેથી શાક માર્કેટમાં જવા માટે પણ તમારા વેહિકલમાં નીકળતા નથી. પણ પ્રેરણાની બાબતમાં આપણે આવું માનતા નથી. ક્યાંકથી પ્રેરણા મળી ગઈ એટલે બની ગયા સચિન તેન્ડુલકર. સ્ટીવ જોબ્સનો કિસ્સો કોઈએ બઢાવી ચઢાવીને પોતાના સ્ટેન્ડ અપ કોમેડી જેવા વ્યાખ્યાન – સેમિનાર – પ્રવચનમાં કહીને તમને પ્રેરણાનું ગલગલિયું કરાવ્યું અને આપણે માની બેઠા કે હમૌ સ્ટીવ જોબ્સ બનત હૈ અને ભણવાનું પડતું મૂકી સ્ટીવ બનવાનાં સપનાં જોવા લાગ્યાં.

કોઈ પ્રેરણા આપે કે કોઈનામાંથી પ્રેરણા મળે ત્યારે પહેલાં તો એ જોવું જોઈએ કે આપણા પોતાનામાં એ પ્રકારની ટેલન્ટ છે કે નહીં..?? ગળાનાં ઠેકાણાં ન હોય એવા લોકો ટીવીના ટેલન્ટ શોમાં ભાગ લેવા નીકળી પડતા હોય છે.. શું કામ..?? તો કહે અમને ગાવાનો શોખ છે, અમારે પણ લતા કે કિશોર બનવું છે. શોખ હોવાથી તમે એ ક્ષેત્રમાં ટોચ પર પહોંચી શકવાના નથી ટોચની વાત જવા દો આગળ પણ વધી શકવાના નથી. હા, ઘરમાં ગાતાં ગાતાં તમે પંદરમી ઓગષ્ટના રોજ તમારા બિલ્ડિંગના કે તમારી સોસાયટીના ફંકશનમાં અય મેરે વતન કે લોગોં ગાઈને પાંચ જણાની શાબાશી મેળવી આવો એને કારણે કંઈ તમારા ક્ષેત્રમાં આગળ વધ્યા એવું ન કહેવાય.

શોખ હોવામાં અને પેશન હોવામાં જમીન આસમાનનો ફરક છે. પેશનને કારણે તમે તમારું સર્વસ્વ હોડ પર લગાવી દેતા હો છો બીજા તમામ વિકલ્પો બંધ કરીને તમારું સમગ્ર ફોકસ તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું છે તેના પર જ કેન્દ્રિત કરતા હો છો. જો કે નકરી પેશન કશાય કામની નથી હોતી. મુંબઈ જેવા શહેરમાં રોજના હજારો યુવાન યુવતીઓ શાહરૂખખાન બનવા આવતા હશે. એ સૌને પેશન હશે ત્યારે જ તો એમણે ઘરબહાર છોડીને મુંબઈ આવો સ્ટ્રગલ કરવાનું નક્કી કર્યું. પણ પેશનેટ લોકોમાં જો ટેલન્ટ ન હોય તો કંઈ વળતું નથી. પ્રતિભા કંઈ ઝાડ પર ઊગતી નથી કે બજારમાં તૈયાર પણ મળતી નથી.

તમને ક્રિકેટ રમતાં આવડતું હોય, ક્રિકેટના તમામ નિયમોની જાણકારી હોય અને ટીવી – ડીવીડી પર જોઈ જોઈને કોણ કેવી રીતે કયા પ્રકારનો બોલ રમે છે એની તમામ જાણકારી પણ તમે મેળવી લીધી હોય છતાં તમે સારા ક્રિકેટર ન બની શકો એવું બને..!! કારણ કે તમારી પાસે ક્રિકેટ વિશે જે કંઈ છે તે બીજા કોઈનામાં પણ હોઈ શકે. સેંકડો નહીં, હજારો કે લાખોમાં હોઈ શકે. તમારામાં ક્રિકેટર બનવાની વિશેષ પ્રતિભા જો ન હોય તો તમારે એ ક્ષેત્રમાં નસીબ અજમાવવાનો કોઈ અર્થ નથી. એવું જ સંગીતના ક્ષેત્રમાં. એવું જ લેખનના ક્ષેત્રમાં અને એવું જ કોઈપણ પ્રોફેશનમાં કે ઈવન બિઝનેસમાં અને ટેલન્ટ હોવી પણ પૂરતું નથી.

જે લોકોમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ એમને પોતાના ક્ષેત્રની તમામ ટેકનિકલ આવડત, પેશન, ટેલન્ટ હોવા ઉપરાંત સૌ લોકોમાં જે સૌથી મોટી ખાસિયત હોય છે તે દિવસરાત મહેનત કરવાની. એમાં કોઈ અપવાદ નહીં. સચિન તેન્ડુલકર પોતાની કારકિર્દીના મધ્યાહૃને પણ નેટ પ્રેક્ટિસ કરતો અને તે પણ વરસતા વરસાદમાં મને શરદી થઈ છે, માથું દુઃખે છે, પેટ દુઃખે છે, આજે મૂડ નથી, ઘરે મહેમાન છે, કેટલા દિવસથી પિક્ચર જોયું નથી વગેરે કારણો આ મહાન લોકોના જીવનમાં નથી હોતા.

જે લોકો આપણને પ્રેરણા આપે છે એમણે એ સ્થાને પહોંચવા માટે પોતાની અંગત તથા પારિવારિક અને સામાજિક મઝાઓનો કેટલો ત્યાગ કર્યો હશે એની તો આપણને કલ્પના પણ નથી હોતી. અને તે પણ એકાદ બે વખત કે અપવાદરૂપે નહીં. ડે ઈન એન્ડ ડે આઉટ તેઓએ આવો ભોગ આપ્યો હોય છે. કોઈ કચકચ વિના, કોઈ બહાનાં કાઢયા વિના, બિલકુલ સાહજિક પણે. ઈન્સ્પિરેશન જ્યાંથી મળતી હોય ત્યાંથી લઈએ, વાંધો નથી, સારું જ છે. પણ એટલી સભાનતા રાખીએ કે ભોજનની થાળીમાં એનું સ્થાન માત્ર ચટણી જેટલું જ છે. બાકીની વાડકીઓમાં પરસેવો, ટેલન્ટ, ત્યાગ, પેશન વગેરે જેવી ડઝનબંધ વાનગીઓ વિના આ થાળી અધૂરી છે. એકલી ચટણીથી પેટ ભરાતું હોય તો જ તમે પ્રેરણાત્મક વાતો સાંભળીને શેખચલ્લીનાં સપનાં જોતાં રહેજો.. (સંદેશ સંસ્કાર પૂર્તિ માંથી સાભાર)

Advertisements


તમારાં સમય, શક્તિ અને પૈસો ક્યાં ખર્ચાય છે, ક્યાં વેડફાય છે..??

Saurabh Shah - Writer

Saurabh Shah – Writer

– સૌરભ શાહ

આ દુનિયામાં બેઉ પ્રકારની પ્રવૃત્તિઓ થતી રહેવાની. સમાજ માટે ઉપયોગી અને સમાજ માટે નિરુપયોગી. દરેકે દરેક ક્ષેત્રમાં આવું રહેવાનું. ખોરાક જરૂરી છે, જરૂરી જ નહીં અનિવાર્ય છે પણ ખોરાક બનાવી વેચવાની પ્રવૃત્તિ જેઓ કરે છે એમાંના કેટલાય ઉત્પાદકો તદ્દન બિનઉપયોગી ખોરાક-પીણાંનું ઉત્પાદન કરતા રહે છે. એમની આ પ્રવૃત્તિ એમનું કે એમના ઈન્વેસ્ટરોનું ગુજરાન ચલાવવા માટે ઉપયોગી હશે, પણ સમાજ માટે નિરુપયોગી હોય છે.

અંડરવર્લ્ડના ડૉનની પ્રવૃત્તિઓ પણ એમ તો એના અને એના ગૅન્ગસ્ટરોના ઉદરપોષણ માટે જરૂરી હોવાની પણ સમાજ માટે..??  તદ્દન હાનિકારક અને આરોગ્ય માટે બિનઉપકારક ખોરાકના ટિન અને પડીકાં-ખોખાં માટે તમે કોઈ પણ મૉલના સ્ટોરમાં આંટો મારી આવશો તો ખબર પડશે કે અન્ન જેવી જીવન જરૂરિયાતની બાબતમાં પણ કેટકેટલી નિરુપયોગી ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું રહે છે. કમનસીબે, આપણામાંના કેટલાય એવાં ઉત્પાદનો ખરીદીને એને આરોગીને પોતાના હાર્ડ અર્ન્ડ મની ખર્ચીને પોતાની જ હેલ્થનું નુકસાન કરતા હોય છે.

આવું જ કપડાંની બાબતમાં.. જે પોશાક તમારું અંગ ઢાંકવા માટે, ટાઢ-તડકાથી તમારું રક્ષણ કરવા માટે અને તમારા દેખાવને ઓપ આપવા માટે બન્યા એમાં ફેશનના નામે કેવાં કેવાં કપડાં આવી ગયાં. અને તે પણ કેટલાં મોંઘાં..?? અમુક તો તમને મફત આપવામાં આવે તોય તમે ના પહેરો એવાં હોય. કપડાંની સાથે જ કેટકેટલી એસેસરીઝ તદ્દન નકામી હોવા છતાં ધૂમ વેચાતી હોય છે. ફરી એકવાર મૉલમાં આંટો મારજો એટલે ખ્યાલ આપશે કે રૂપાળી અને આકર્ષક દેખાતી આવી ચીજોમાંની નેવું ટકા તદ્દન બિનજરૂરી હોય છે છતાં એની પાછળ લોકો ધૂમ ખરચો કરતાં રહે છે.

ટીવી પર પણ ઉપયોગી અને નિરૂપયોગી પ્રવૃત્તિઓ થતી રહે છે. મનોરંજન અને માહિતીના સાધન તરીકે ટીવીની શોધ થઈ. આજની તારીખે રિયલ મનોરંજન કે હોલસમ એન્ટરટેઈન્મેન્ટ જેને કહીએ એવું ટીવી પર કેટલા ટકા..?? અને ખરેખરી, ઉપયોગી માહિતી આપતી ન્યૂઝ ચેનલો કેટલી..?? અને એમાંય ર૪ માં ના કેટલા કલાક આવી ઉપયોગી માહિતી કે અત્યંત જરૂરી સમાચારો તમને મળતા હશે..?? આવું જ પુસ્તકોની બાબતમાં… રોજ માત્ર ગુજરાતી ભાષામાં જ ડઝનબંધ પુસ્તકો પ્રગટ થતાં રહે છે. આમાંથી ખરેખર વાંચવાં કે વસાવવાં જેવાં પુસ્તકો કેટલાં..?? મોટાં શહેરોમાં રોજના થોકબંધ જાહેર કાર્યક્રમો થતા રહે છે. આમાંથી એવાં કેટલા કાર્યક્રમો જ્યાં જઈને તમે બે વાત ગાંઠે બાંધીને પાછી લાવી શકો.??

દરેકે દરેક ક્ષેત્રમાં ઉપયોગી અને નિરૂપયોગી પ્રવૃત્તિઓ થતી રહેવાની. અહીં ઉપયોગીનો મતલબ એ નથી કે સમાજના દરેકે દરેક વર્ગ માટે ઉપયોગી હોવી જોઈએ. સાહિત્યના કાર્યક્રમમાં અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટો માટે થતાં કાર્યક્રમોમાં જુદી જુદી ભીડ હોવાની અને બેઉ પ્રકારના કાર્યક્રમો સમાજના હિત માટે હોઈ શકે છે. સવાલ એ છે કે જે નિરૂપયોગી છે, જે બિનઉત્પાદક છે અને જેમાં સમયનો, સાધનોનો, પૈસાનો સંપૂર્ણ વેડફાટ છે એવી કેટલીય પ્રવૃત્તિઓ, એવાં કેટલાંય ઉત્પાદનો થતાં રહે છે. આ સંસાધનોનો ચોખ્ખો બગાડ છે. એટલું જ નહીં આ બગાડને કારણે જે સારી પ્રવૃત્તિઓ છે, જે સારાં ઉત્પાદનો છે એની પાછળ જે સમય-સાધન-પૈસા ઈન્વેસ્ટ થવાં જોઈએ તે થતાં નથી. પેલી બાજુ સંસાધનોનો જે બગાડ થાય છે તે બગાડ જો અટકાવીને આ બાજુએ વાળીએ તો આપણી પાસે વધુ સારી ખોરાકની ચીજો બનાવવા, વધુ સારાં પુસ્તકો છાપવાં, વધુ સારી ટીવી ચેનલો ચલાવવા, વધુ સારા જાહેર કાર્યક્રમો કરવા કે વધુ સારું કંઈ પણ કરવા માટે પૂરતાં સંસાધનો પ્રાપ્ત થાય.

પણ એવું થવાનું નથી.. તમે ઈચ્છા રાખો કે અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ ન થવી જોઈએ તો કંઈ એ અટકી જવાની નથી. તમારી પાસે જેમ અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓમાં ન જોડાવાની વિવેકબુદ્ધિ છે એવી વિવેકબુદ્ધિ આ બધી બિનઉપયોગી પ્રવૃત્તિઓથી અને નિરૂપયોગી ઉત્પાદનોથી દૂર રહેવા માટે પણ હોવી જોઈએ. કારણ કે આપણી પાસે સમય સીમિત છે, એનર્જી અમર્યાદ નથી અને પૈસો પણ ખોટો વેડફવા માટેનો નથી. તમારો રોજનો કેટલો સમય, તમારી કેટલી શક્તિ અને તમારા કેટલા પૈસા આવી બિનજરૂરી-નિરૂપયોગી પ્રવૃત્તિઓ આવાં નકામાં ઉત્પાદનો પાછળ ખર્ચાય છે એનો હિસાબ લગાવજો આજે જ… તમને ખ્યાલ આવશે કે તમે જરાક જ સભાન થઈ જશો તો તમારાં સંસાધનો કેટલાં બચી જશે. સમય નથીની તમારી ફરિયાદ દૂર થઈ જશે. તમે હંમેશાં તાજામાજા રહેશો, નીચોવાઈ ગયેલાં ઓજસહીન નહીં રહો અને પૈસો તો તમે જોઈ શકો એ રીતે બચતો થઈ જશે.

લોકો તો નીકળી પડવાના જ છે તમારા ખિસ્સામાં હાથ નાખવા-તમને જે ચીજની જરૂર નથી એવી ચીજો તમારા ગળે પહેરાવવા. તમારે એમનાથી બચવાનું છે. એ ફરજ તમારી છે. નકામી ચીજો પાછળ તમારો પૈસો ખર્ચાય છે ત્યારે તમને કામની ચીજો ખરીદવા માટેના પૈસા ઓછા પડે છે. આવું જ સમય-શક્તિનું છે. લોકોને તો શું છે, તમને આમંત્રણ આપવાના જ છે. આ કાર્યક્રમમાં આવો અને પેલાને ત્યાં જઈએ. તમારાં સમયશક્તિ તમારે સાચવવાનાં છે. આ રીતે એને વેડફતાં રહીશું તો સમય ઓછો જ પડવાનો છે અને જિંદગી ક્યાં પૂરી થઈ જશે એની ખબર પણ નહીં પડે.

આ દુનિયામાં બેઉ છે.. કેટલુંક ઉપયોગી છે, કેટલુંક બિનઉપયોગી છે. જેમ સમાજ માટે એમ વ્યક્તિ માટે પણ સમાજ એનું ફોડી લેશે. એને જે બિનઉપયોગી લાગશે એને ક્રમશ: હટાવી દેશે. આપણે આપણું ફોડી લેવાનું છે. આપણા માટે જે જે કંઈ બિનઉપયોગી છે એને આજથી જ ધીમે ધીમે દૂર કરતાં જઈએ જેથી જે કંઈ ઉપયોગી છે તેમાં વધુ સારી રીતે તન-મન-ધન પરોવી શકીએ. આ વિચાર મને આજે જ આવ્યો અને અચાનક લાગવા માંડ્યું કે મારી પાસે હવે ખૂબ સમય છે, ખૂબ શક્તિ છે અને પૈસો..?? વેલ, પાવલીને બદલે આઠ આના છે.. (સૌજન્ય : મુંબઈ સમાચાર)


લડવું જ હોય તો આપણી જાત સાથે લડો.. નહીં કે દુનિયા સાથે..!!

– સૌરભ શાહ

Saurabh Shah - Writer

Saurabh Shah – Writer

અન્યાયની સામે લડવાનું નહીં..? ગાંધીજી જો સાઉથ આફ્રિકામાં અન્યાયની સામે લડ્યા ન હોત તો..? એમને ટ્રેનમાંથી ખેંચીને પ્લૅટફૉર્મ પર ફેંકી દેવામાં આવ્યા ત્યારે એમણે આ અન્યાયનો સામનો નથી કરવો એવું વિચાર્યું હોત તો..? એમણે અન્યાયનો સામનો કરવાનું નક્કી કર્યું ત્યારે તો આપણને, આખી દુનિયાને મહાત્મા ગાંધી મળ્યા  બિલકુલ સાચી વાત તમારી જિંદગીનો હેતુ ગાંધીજી જેવી વ્યક્તિ બનવાનો હોય તો આગળ વધો અને લડો અન્યાયો સામે પણ પછી યાદ રાખજો કે તમારે એમના જેવી જિંદગી જીવવી પડવાની છે. ગાંધીજી આદર્શ પિતા બનવા ગયા હોત, આદર્શ પતિ બનવા ગયા હોત, તો ક્યારેય રાષ્ટ્રપિતા બની શક્યા ન હોત.. અન્યાયો સામે લડવાની તાકાત કેળવવા માટે ગાંધીજીએ પોતાના કુટુંબનો, સર્વસ્વનો ભોગ આપ્યો, પોતાની જાતનો પણ. એમણે પોતાની કે પોતાના કુટુંબની કમ્ફર્ટ્સનો ક્યારેય વિચાર કર્યો નહોતો. અહીં આપણે, આપણી પોતાની અને કુટુંબની કમ્ફર્ટ્સ જ નહીં, લકઝરીઝ માટે પણ શમણાં જોતાં હોઈએ છીએ. આપણે આપણા ભવિષ્યને સલામતીભર્યું બનાવવા કમાઈએ છીએ જેથી પોતાનું ઘર ખરીદી શકીએ, કાર ખરીદી શકીએ, જીવનવીમા અને મૅડિક્લેમનાં પ્રીમિયમો ભરી શકીએ. આપણને આપણી આજને જ નહીં આપણા બાકીના આયુષ્યને ફુલ્લી સિક્યૉર્ડ કરવામાં રસ છે. ગાંધીજી મહાન બન્યા, કારણ કે એમણે ક્યારેય પોતાના ભવિષ્યની ભૌતિક સુખાકારીનો વિચાર કર્યો નહીં ખરા અર્થમાં એ ત્યાગી હતા, સંન્યાસી હતા, સંત હતા એટલે જ મહાત્મા કહેવાયા. એમના પગલે ચાલવું હોય તો તમને કોઈ રોકતું નથી. તમારા જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી ગાંધીજીની જેમ અન્યાયો સામે લડતા રહો, પણ શું તમને ખાતરી છે કે તમે એક દિવસ પણ જેલમાં રહી શકશો..? ગાંધીજી વર્ષો સુધી જેલમાં રહ્યા, વારંવાર જેલમાં ગયા શું તમને ખાતરી છે કે તમે અઠવાડિયામાં એક વાર પણ ચોવીસ કલાક માટે બોલ્યા વિના રહી શકો એમ છો..? ગાંધીજી આજીવન દર સોમવારે મૌન પાળતા શું તમને ખાતરી છે કે તમે દસ દિવસ સળંગ નકોરડા ઉપવાસ કરી શકો છો..? ધર્મલાભ માટે કે પુણ્ય કમાવવા માટે નહીં, અન્યાયનો સામનો કરવા માટે ગાંધીજી વારંવાર ઉપવાસ કરતા રહ્યા અને જ્યારે ઉપવાસ નહોતા કરતા ત્યારે મિતાહારી રહેતા તમે પાંઉભાજી – પિત્ઝા – શ્રીખંડ – ભજિયાં – બટાટાવડાં વિના કેટલા દિવસ, કેટલાં અઠવાડિયાં, કેટલા મહિના જીવી શકશો..? શું તમને ખાતરી છે કે તમે આજીવન તમારા ધંધામાં, તમારી નોકરી દરમિયાન, તમારા કૌટુુંબિક જીવનમાં, તમારા અંગત જીવનમાં ૧૦૦% સત્ય બોલી શકશો..? સેક્સમુક્ત અને ચા – કૉફી સિગારેટ, દારૂ જેવાં વ્યસનોથી મુક્ત એવું જીવન જીવી શકશો..? વિચાર કરી જોજો.. પછી ગાંધીજીની જેમ અન્યાયો સામે લડજો. તમને થતા અન્યાયોની સામે જ નહીં, તમારી આસપાસના લોકોને થતા અન્યાયો સામે, સમાજને થતા અન્યાયો સામે લડજો એવું થશે ત્યારે સૌથી પહેલાં હું તમારી પાસે આવીને તમારાં ચરણસ્પર્શ કરીશ, તમારા હસ્તાક્ષર લઈશ અને તમારી સાથે સેલ્ફી પણ પાડીશ.

વિરોધ કરવો, અન્યાયની સામે લડવા ઊતરી પડવું એ કંઈ બધાનું કામ નથી ગાંધીજીએ પણ બધા જ અન્યાયોની સામે લડવાનું પૂંછડું પકડી નહોતું રાખ્યું  હી વૉઝ સિલેક્ટિવ અને એટલા માટે જ એમના વિરોધનું વજન પડતું જ્યાં ને ત્યાં એ વિરોધનો ઝંડો ઊંચકીને પહોંચી જતા હોત તો કેજરીવાલની જેમ એમને પણ કોઈ ગણકારતું ન હોત. જેમનું કામ છે વિરોધ કરવાનું, અન્યાયો સામે લડવાનું એમના જીવનનો એ હેતુ છે અથવા તો કહો કે એમના જીવનના એક વિશાળ હેતુનો એ અનિવાર્ય હિસ્સો છે. હું પ્રાણી સુરક્ષા માટે કામ કરતી સંસ્થા ચલાવતો હોઉં તો રસ્તે રખડતાં કૂતરાંથી માંડીને જંગલના વાઘ સુધીનાં પ્રાણીઓને થતા અન્યાય સામે લડીશ કારણ કે મારી જિંદગીનું એ ફોકસ છે. પણ મારા ફોકસમાં નહીં હોય એવા બીજા અનેક નાના – મોટા અન્યાયો હું બરદાસ્ત કરી લઈશ કારણ કે જો હું બધે જ લડવા જઈશ તો વહેંચાઈ જઈશ, ખર્ચાઈ જઈશ, મારી પાસે મારી સંસ્થા ચલાવવા માટેના ટાઈમ – ઍનર્જી – મની ખૂટી જશે. મારા પત્રકારત્વના જીવનમાં મેં મારા લાર્જર ફોકસનો એક હિસ્સો હોય એવા વિરોધો કર્યા જ છે, અન્યાયો સામે લડ્યો જ છું અને એના પરિણામ સ્વરૂપે જે સહન કરવાનું આવે તે કોઈ ફરિયાદ વિના સહન પણ કર્યું જ છે.

વાત હું મારી નહીં, આપણી કરું છું. સામાન્ય પ્રજાની કરું છું. જેમની જિંદગીનો હેતુ સારી રીતે જીવવાનો છે અને સારી રીતે જીવવા માટે સારું કમાવવાનો છે. કુટુંબને સાચવવાનો છે, કુટુંબને સુખી કરવાનો છે, એમની વાત કરું છું. એમણે વિરોધો અને ફરિયાદો કરવામાં સમયશક્તિ વેડફવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ. કોઈ સામેથી નડવા આવતું દેખાય તો રસ્તો બદલીને પણ એની સાથેનું ક્ધફ્રન્ટેશન ટાળવું જોઈએ અને આમ છતાં જો એ તમારું બગાડીને જ રહે તો નુકસાન સહન કરીને પણ તમારી જિંદગીના લક્ષ્ય ભણી આગળ વધતાં રહેવું જોઈએ. પત્રકારત્વમાં મારું નુકસાન કરનારા કેટલાક હિતશત્રુઓ ને પાઠ ભણાવવા હું બહુ આતુર હતો. વર્ષો પહેલાંની વાત છે. મારા લૉયરમિત્રે કહ્યું કે તું સાચો છે અને પેલા લોકો સો ટકા જુઠ્ઠા છે, લબાડ છે. કૉર્ટ પણ તને સાચો જ પુરવાર કરશે. પણ મારી એક સલાહ જીવનમાં લખી રાખ સામે ચાલીને કૉર્ટમાં કોઈ દિવસ જવું નહીં, દૂર રહેવું, ગમ ખાઈ જવી, લડવામાં જે કંઈ ખર્ચાઈ જશે તે સમયશક્તિ પાછાં મળવાનાં નથી આયુષ્યના અંતે જીવનનો એટલો ટુકડો ઓછો થઈ ગયેલો હશે એટલું જ નહીં તમે સાચા હો છતાં કોઈ તમને વિવાદમાં ઘસડી જવા માટે આતુર હોય તો પણ તમારું થોડુંક નુકસાન થવા દઈને સમાધાન કરી લેવું સારું કૉર્ટનાં પગથિયાં ઘસવા કરતાં આ વિકલ્પ ઘણો ઓછો નુકસાનકર્તા છે.  અન્યાયો સામે લડવાની મઝા તો મને પણ બહુ આવે પણ હવે હું સ્ક્રીન પર અમિતાભની જૂની કે સલમાનની નવી ફિલ્મો જોઈને મારો શોખ પૂરો કરી લઉં છું. (Courtesy : Mumbai Samachar)