ATUL N. CHOTAI

a writer – since 2014


સાવરકુંડલાના કાંતિભાઈ મિસ્ત્રીને બરફ ખાવાનું અનોખુ વ્યસન છે

kanjibhai mistry

kanjibhai mistry

સાવરકુંડલામાં કાનજીબાપુની જગ્યાના વિસ્તારમાં રહેતા અને ફર્નિચર બનાવવાનો ધંધો કરતાં કાંતિભાઈ મિસ્ત્રીને એક અજીબ આદત છે. દિવસમાં દસ – પંદર વખત બરફ ખાવાની આદત.. સવારે ઊઠે ત્યારથી બરફ ખાવાનું શરૂ થઈ જાય છે અને રાતે સૂતા પહેલાં પણ બે -ત્રણ ડીશ બરફ ખાવો જ પડે છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી આ વ્યસનમાં ફસાયા છે. સવાર પડતા જ તેમને બે – ત્રણ ડીશ ભરીને બરફ ખાઈ જવાની આદત છે. ત્યાર બાદ દર બે કલાકે તેમને બરફ ખાવા જોઈએ છે. શિયાળાની કડકડતી ટાઢ હોય કે ઉનાળાનો બળબળતો બપોર હોય તેમને બરફ ખાવા અચૂક જોઈએ છે.

આ લત તેમને ત્રીસેક વર્ષ પહેલા લાગી હતી. આવું શા માટે થાય છે..?? તે અંગે તેણે કોઈ મેડિકલ રિપોર્ટ કરાવ્યા નથી. મિસ્ત્રી કામ કરવા માટે જ્યાં પણ જવાનું થાય ત્યાં ફ્રીઝ છે કે કેમ તે પહેલાં જાણી લે છે અને પછી જ કામ રાખે છે. બહારગામ જવાનું થાય તો પણ થર્મોસમાં પોતાની સાથે બે – ત્રણ ડીશ બરફ લેતા જાય છે. જેથી રસ્તામાં ખાઈ શકાય. કાંતિભાઈ મિસ્ત્રીને દિવસભર સતત બરફ ખાવા જોઈએ છે. બરફની આ જરૂરિયાત પૂરી કરવા તેમણે પોતાના ઘરમાં બે ફ્રીઝ રાખ્યા છે. એટલું જ નહીં જો ફ્રીઝમાં બરફ જામ્યો ન હોય તો તેઓ ફ્રીજરમાં જામેલો બરફ પણ ખાઇ જાય છે. બરફનું નામ પડે એટલે કાંતિભાઇના ચહેરા પર અનોખી ચમક આવી જાય છે. તેમની એવી ઈચ્છા છે કે એક વખત કાશ્મીરમાં જઈ પહાડો પર જામેલો બરફ ખાવો છે.. (તસવીર : સૌરભ દોશી – ભાસ્કર ન્યુઝ – સાવરકુંડલા)

 


સાવરકુંડલાના એક એવા યોગી જેમણે મનોદિવ્યાંગોને પોતાનો પરિવાર બનાવ્યો

સાવરકુંડલા ના માનવ મંદિરમાં ૩૦ થી વધુ નિરાધાર અને સામાજિક રીતે તિરસ્કૃત મનોરોગીઓની અનોખી સેવા થાય છે

Manav Mandir - Savarkundlass

Manav Mandir – Savarkundlass

:: આલેખન ::
દર્શન ત્રિવેદી

પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,

રાજકોટ – ૩૬૦ ૦૦૧

એક વાર એવું બન્યું કે કાત્રોડી ગામમાં રામ પારાયણ ચાલતી હતી. કથાકાર ભગવાન શ્રીરામના ચરિત્રનું ગાન કરતા હતા. એવામાં એક પાગલ વ્યક્તિ ત્યાં આવી ચઢી અન્ય ભાવિકોએ એ પાગલ તરફ ધુત્કાર અને તિરસ્કારની લાગણી વરસાવી એ જોઇ કથાકારનો અંતરાત્મા હચમચી ગયો અને એમનો માંહ્યલો જાગી ગયો. એ જ ક્ષણે એમણે નિશ્ચય કર્યો કે સમાજ જેને પાગલ ગણે છે એવા વ્યક્તિઓની સેવા કરવી છે. પાંચેક વર્ષ પૂર્વેની આ રામકથામાં મનોદિવ્યાંગોની સેવાનું એક બીજ રોપાયું અને આજે એ વટવૃક્ષ બનીને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હાથસણી રોડ ઉપર માનવ મંદિર રૂપે ઝૂમી રહ્યું છે. એ કથાકાર એટલે ભક્તિરામ બાપુ.

નાની ટેકરી પર બનેલા માનવ મંદિરમાં પ્રવેશો એટલે તુરંત એક સૂચના વાંચવા મળે કે અહીંના અંતેવાસીને પાગલ કે ગાંડા કહીને બોલાવવા નહીં. પ્રવેશ દ્વાર પાસે જ ભક્તિરામ બાપુની બેઠક અહીં ભગવાનની પ્રતિમાઓ રાખવામાં આવી છે પણ માનવ મંદિરની મુલાકાત પછી તમને ચોક્કસ પ્રતીતિ થશે કે માનવ મંદિરમાં પૂજા તો અહીંના અંતેવાસી એવા મનોદિવ્યાંગોની જ થાય છે. હાલમાં અહીં ૩૦ જેટલા મનોદિવ્યાંગો છે આ પાંચ વર્ષમાં એકસો કરતા પણ વધુ મનોદિવ્યાંગો સાજાનરવા રૂડી રાણ્ય જેવા થઇ ઘરે ગયા છે માનવ મંદિરમાં સેવાર્થે લાવવામાં આવતા મનોદિવ્યાંગો માટે ચોક્કસ માનકો છે. કોઇ પરિવાર એમના બુદ્ધિક્ષત ભાઇ ભાંડુની સેવા કરવાને બદલે અહીં દાખલ કરવા ઇચ્છતા હોય તો એવા પરિવારને અહીંથી સાફ શબ્દોમાં જાકારો મળી જાય નિરાધારોને અગ્રતા એમાંય રખડતા ભટકતા મનોદિવ્યાંગોનો એક પરિવાર બની ગયો છે. આ પરિવારના મોભી ભક્તિરામ બાપુ કહે છે અહીં આવતા મનોદિવ્યાંગોની રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. જો નામ ન હોય તો નામકરણ થાય જેમકે એક યુવતીને નામ મળ્યું અનામિકા આ રજીસ્ટરમાં વજન સહિતની બાબતોની નોંધ કરવામાં આવે છે. કોઇ પણ મનોવિકલાંગ અહીં આવે એટલે એમની પ્રથમ સારવાર છે ભોજન.. ભક્તિરામ બાપુ કહે છે કે આવી વ્યક્તિને ભરપેટ જમાડો એટલે એમનું અડધુ પાગલપન ચાલ્યું જાય છે. રઝળપાટ દરમિયાન જેવું તેવું જેટલું મળે એટલું ખાતા હોવાથી તેમના શરીરને પડતા કષ્ટની કોઇ સીમા હોતી નથી. એથી જઠરાગ્નિ શાંત થઇ જાય એટલે ગમે તેવા ઉત્પાત મચાવતા અંતેવાસી શાંત થઇ જાય છે.

માનવ મંદિરમાં સારવાર માટે આવતા દરેક અંતેવાસી માટે દૈનિક ક્રમ પણ નિયત કરવામાં આવ્યો છે. સવારે નિત્યક્રિયા બાદ ચા પાણી, નાસ્તો, સ્નાનાદિ ક્રિયા કરાવવામાં આવે છે. પ્રાર્થના- યોગ કરવામાં આવે છે. શબ્દો થકી સરળ લાગતી આ દૈનિક ક્રિયા વાસ્તવમાં બહુ જ અઘરી છે. એક એક અંતેવાસી સાથે બહુ જ પ્રેમપૂર્વક વર્તવું પડે છે. માનવ મંદિરમાં વિશાળ ભોજનાલય બનાવવામાં આવ્યું છે. એમાં અંતેવાસીઓ અને મહેમાનોને એક પંગતે ભોજન પીરસવામાં આવે. વળી અંતેવાસીને પણ ભોજન પ્રત્યેના પોતાના ગમા અણગમાનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. ભક્તિરામ બાપુ પ્રત્યેકની મા બની જમાડે છે બપોર બાદ વિવિધ પ્રકારની રમતો પણ રમાડવામાં આવે. અહીં મનોદિવ્યાંગોની સેવા જોઇ તમને સત દેવીદાસ અને અમર માનું સ્મરણ થઇ આવે. પ્રત્યેક અઠવાડિયે તમામ અંતેવાસીઓનું તજજ્ઞ તબીબો દ્વારા પરીક્ષણ કરવામાં આવે તેમની સલાહ મુજબ સારવાર કરવામાં આવે અહીં આવતા તબીબો પણ એક પણ રૂપિયો લીધા વિના નિઃસ્વાર્થભાવે સેવા કરે છે એક રીતે જોઇએ તો અહીં આવતા તમામ અંતેવાસીઓના જીવન પરથી એક આખી નવલકથા લખી શકાય. અહીં રહેતા એક બહેન સરકારી વીમા કંપનીમાં કર્મચારી હતા. તે રોજ અંગ્રેજીમાં એક ચીઠ્ઠી લખે એમાં કરોડો રૂપિયા કોઇ એકાઉન્ટમાં જમા કરી દેવાનું કહે આવી ચીઠ્ઠીનો એક મોટો બંચ ભક્તિરામ બાપુ પાસે છે. એક યુવતી તો એટલા સરસ ગીતો ગાય કે તમને સાંભળતા જ રહેવાનું મન થાય કોઇ મુલાકાતી એમને મળે એટલે કોઇને કોઇ બહાને તમારી સાથે આવવાની વાત કરે એમનો દયનીય ચહેરો જોઇ તમને પણ લાગણી થઇ આવે..

એક પરિવારની કરુણતાની વાત સાંભળી ગમે તેવા પાષાણહદયીની પણ આંખ ભીની થઇ જાય. આ પરિવારની મા અને દીકરી બન્ને બુદ્ધિક્ષત થઇ ગયા. બન્નેની હાલત દયનીય બન્યા બાદ અહીં લાવવામાં આવ્યા. એક દિવસ દીકરીએ મા ને કોઇ વસ્તુ ફટકારી દીધી પોતાની દીકરીએ મારતા કોઇ તેમને કંઇ ન કહે એ માટે માએ પોતાનો ઘાવ છૂપાવી રાખ્યો આમ છતાં એ ઘા ધ્યાને આવતા સારવાર કરવામાં આવી દુનિયાદારીની કોઇ તમા ન હોવા છતાં એક માં ના દીકરી પ્રત્યેનો પ્રેમ તમને અવાચક કરી મૂકે. આ અંતેવાસીઓ સાથે એમના રઝળપાટ દરમિયાન એવી કેટલીય ઘટનાઓ બની છે કે જે સારૂ છે બહાર નથી આવી નહીં તો માનવતા શર્મસાર થઇ જાય.. આ માનવ મંદિર રામભરોસે ચાલે છે લોકોના દાનના કારણે આર્થિક સંકડામણ આવી નથી. અંતેવાસીની સારવાર માટે કોઇ ખામી રાખવામાં આવતી નથી. લોકો સેવા કરવા માટે પણ અહીં આવે છે. ભક્તિરામ બાપુ રામાયણની એક ચોપાઇ કહે છે પરહિત સરીસ ધરમ નાહી ભાઇ, પરપીડા સમ નહીં અધમાહિ આ માનવ મંદિરમાં માનવતાનું સંરક્ષણ અને સંવર્ધન થાય છે. એ ગર્વ લેવા જેવી બાબત છે દુનિયા જેને મનોરોગી સમજી ધુત્કારે છે તેવી વ્યક્તિ પ્રત્યે સંવેદનશીલ અને માનવતા સભર દ્રષ્ટીકોણથી જોવાની જરૂર છે તેવુ માનવ મંદિરની મુલાકાત ૫છી ચોક્કસ લાગે છે…


સાવરકુંડલાના છાત્રની ઉંદરડી સાથે અજીબ મિત્રતા છે

Krish Dodiya - Savarkundla

Krish Dodiya – Savarkundla

સાવરકુંડલાના શીવાજી નગરમાં રહેતો અને સનરાઇઝ સ્કૂલમાં ધો. ૪ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ક્રીશ ડોડીયા સવાર પડતા જ શાળાએ પહોંચી જાય છે  પરંતુ તે એકલો નહી. તેની સાથે નાની ઉંદરડી અચુક હોય છે  અને તે પણ તેના દફતરમાં કંપાસ બોક્સમાં..

ક્રિશ ડોડીયાને આ ઉંદરડી સાથે અજીબ દોસ્તી છે. બન્નેને એકબીજા વગર નથી ચાલતુ. ચાલુ શાળાએ આ ઉંદરડી તેના ખભા પર કે હાથ પર રમતી નજરે પડે છે. સામાન્ય પરિવારના ક્રિશ ડોડીયાના પિતા ચીમનભાઇ શીવાજી નગરમાં જ રહે છે અને લુહારી કામ તથા કાંટા કામનો ધંધો કરે છે. ચીમનભાઇના નવ વર્ષના આ પુત્રને કોઇપણ જીવ પ્રત્યે પ્રેમભાવ છે. વળી છેલ્લા છએક માસથી એક નાનકડી ઉંદરડી સાથે તેનો દિલનો નાતો જોડાઇ ગયો છે. જેને પગલે આખો દિવસ તે તેની સારસંભાળ લે છે. એટલુ જ નહી શાળાએ જાય ત્યારે પણ આ ઉંદરડીને સાથે લઇને જ જાય છે. ચાલુ ક્લાસરૂમે ઉંદરડી તેની આસપાસ ઘુમે છે. પોતાના લંચ બોક્સની સાથે સાથે તે કંપાસ બોક્સમાં પોતાના આ ખાસ મિત્ર માટે પણ નાસ્તો લઇને આવે છે. જીવનો જીવ સાથેનો લાગણીનો સબંધ શું હોય તેનુ આ સાક્ષાત ઉદાહરણ છે.

ક્રિશનો ઉંદરડી સાથેનો આ લગાવ કોઇ પબ્લીસીટી માટે નથી. શાળાના બાળકોને પણ આ ઉંદરડીની હાજરીમાં ભણવાની મજા પડે છે. શાળામાં રીશેષ પડતા જ ક્રિશ માટે ઉંદરડી સાથે રમવાનો સમય શરૂ થાય છે. તેનાથી ઉપરના ધોરણના ઘણા વિદ્યાર્થીઓ પણ ડરીને ઉંદરથી દુર ભાગે છે. પરંતુ ક્રિશ માટે તો તેની સાથે રમવામાં જ રીશેષનો સમય પુરો થઇ જાય છે. ક્રિશ રિશેષના સમયે ઘેરથી પોતાના માટે ભાગ ડબ્બામાં નાસ્તો લઇ આવે છે સાથે સાથે તેમના મિત્રને પણ ભૂલતો નથી અને ખાસ મિત્ર માટે પણ નાસ્તો લઇ આવે છે. અને સાથે નાસ્તો કરે છે. ટાબરીયા ક્રિશ ડોડીયાને કબુતર અને શ્વાન સાથે પણ દોસ્તી છે. શાળા સંચાલક પ્રતાપભાઇ ખુમાણે જણાવ્યુ હતું કે શેરીમાં કુતરી ગલુડીયાને જન્મ આપે તો તેના માટે ખાવા પિવાની અને પાણીની વ્યવસ્થા પણ તે કરે છે. એટલુ જ નહી કુતરી અને તેના બચ્ચાને ઠંડી ન લાગે તે માટે વ્યવસ્થા કરતો તે નજરે પડી જાય છે.


સંયુકત કુટુંબની ભાવના સાર્થક કરતો મોટા ઝીંઝુંડાનો ઉપાધ્યાય પરિવાર

Updhayay family

Updhayay family

વર્તમાન સમયમા સંયુકત પરિવારની ભાવના ઘટતી હોય તેમ જોવા મળી રહ્યું છે. પરંતુ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝૂંડા ગામના ઉપાધ્યાય પરિવારે હજુ પણ સંયુકત પરિવારની ભાવનાને જાળવી રાખી છે. આ પરિવારના ૬૦ સભ્યો એકસાથે રહે છે. એક જ રસોડે જમે છે. ઉપાધ્યાય પરિવાર સાંપ્રત સમયમાં સમાજને અનોખી પ્રેરણા પુરી પાડી રહ્યો છે. હાલમા આ પરિવારના ૧૧ પૌત્રોને એકસાથે યજ્ઞોપવિત ધારણ કરવામા આવતા ગ્રામજનોમા પણ હરખની હેલી જોવા મળી હતી. સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝૂંડા ગામે રહેતા મગનદાદા ઉપાધ્યાયના પરિવારમા પાંચ પુત્રો છે. મગનદાદાના પુત્ર એવા ભીમજીદાદા સહિ‌ત પાંચેય પુત્રો સંયુકત પરિવારમા રહે છે. પાંચેય પુત્રોના પુત્રો પણ જુદાજુદા વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાંચ ભાઇઓનો ૬૦ સભ્યોનો પરિવાર એકસાથે રહે છે. સાંપ્રત સમયમા સંયુકત કુટુંબની ભાવના ઓછી થઇ રહી હોય આ પરિવારે સંયુકત કુટુંની ભાવના સાર્થક કરી છે.