ATUL N. CHOTAI

a writer – since 2014


ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે..

save sparrow

save sparrow

શહેરી પક્ષી ગણાતી ચકલી છેલ્લા એક દાયકાથી લુપ્ત થતી જાય છે. ખાસ કરીને મોબાઈલના આગમન પછી અને શહેરી વિસ્તારના મકાનોની બાંધણીમાં ફેરફાર થયા પછી ઘરે ઘરમાં ચિચિયારી કરતી ચકલી જોવી દુર્લભ થતી જાય છે. સામાન્ય રીતે ઘરની અંદર, વેન્ટીલેશનમાં, ખૂણે ખાંચરે ગોખલામાં અને મોટા ભાગે ટ્યુબ લાઈટ ઉપર માળો બાંધતી ચકલી હવે જોવા મળતી નથી.. એક સર્વેક્ષણ પ્રમાણે પાછળ એક વર્ષમાં શહેરી વિસ્તારમાં ચકલીની સંખ્યામાં ૩૦% જેટલો ભારે ઘટાડો નોંધાયો છે. ચકલીની સંખ્યા ઘટવા પાછળનું એક કારણ ખોરાકની અછત પણ મનાય છે. બગીચામાં મોટા પ્રમાણમાં કિટનાશકોનો ઉપયોગ થવાથી પણ ચકલીઓને પૂરતો ખોરાક મળતો નથી. ઉપરાંત ખુલ્લી ઘાસવાળી જમીનનું ઘટતું પ્રમાણ, વધતું જતું તાપમાન વગેરે પણ આ માટે વત્તા ઓછા અંશે જવાબદાર છે.

એક સમયે કાબર જે પ્રકારે ખોરાક મેળવાતી હતી તે હાલત હાલ ચકલીની થઇ ગઇ છે. સિગારેટના ઠુંઠિયા વચ્ચે ખોરાક શોધતી ચકલીની વ્યથાને કોણ સમજશે..?? જો આ સ્થિતિ ચાલુ રહે તો બાળકોને આવનારા દિવસોમાં માત્ર ચિત્રો અને તસવીરોમાં જ ચકલી જોવા મળે તેવી દહેશત ઉભી થઈ છે. આથી તો આ પંખીને બચાવવા માટે ગંભીરતાથી વિચારાઈ રહ્યું છે અને જન જાગૃત્તિના હેતુથી પ્રતિ વર્ષ ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી થાય છે. માળો બાંધવાની અણઆવડત અને દુશ્મનોની હેરાનગતિને કારણે ચકલીઓની સંખ્યા ઉતરોતર ઘટી રહી છે

માનવ વસ્તીની સાથે વસનારૃ આ નાનકડું પક્ષી તે ચકલી ઘર આંગણે, બખોલમાં, ગોખલામાં કે માટીના કુંડા જેવા માળામાં રહેનારૃ અને આખો દિવસ ચીં ચીં.કરી ઉડા ઉડ કરનારૃ અને વાતાવરણને જીવંત રાખનાર આ ચકલી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તેની ઘટતી સંખ્યાને કારણે વધુ યાદ કરવામાં આવે છે. ૨૦ મી માર્ચ એટલે પર્યાવરણની સમતુલા જળવાઇ રહે અને તેનું જતન થાય અને પ્રકૃતિ સાથે પોતાના અસ્તિત્વને જાળવવા સતત ઝઝૂમતાં આ નાનકડા પક્ષીને બચાવવા ૨૦ માર્ચનો દિવસ ચકલી બચાવો અભિયાન તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

ગુજરાતના સ્પેરોમેન તરીકે જાણીતા જગતભાઈ કિનખાબવાલાએ પોતાના શબ્દોમાં જણાવેલ કે અત્યારે થઈ રહેલા ગ્લોબલ વોર્મિંગને કારણે ભવિષ્યની આપણી પેઢી પાસે પાસબુકમાં તો બેલેન્સ હશે, પણ શ્વાસબુકમાં પૂરતા શ્વાસ નહીં હોય. પર્યાવરણને આપણી જરુર નથી પણ આપણે તેની જરુર છે અને એટલે આપણે આપણા સ્વાર્થ માટે પર્યાવરણના હિતમાં કામ કરવું પડશે.

સૌ પ્રથમ વખત જયારે વર્લ્ડ હાઉસ સ્પેરો ડે તરીકે ઉજવવામાં આવ્યો ત્યારે આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંઈ દિવસ ઉજવવાના હોય..?? ચકલીમાં તે વળી નવું શું છે..?? ચકલાં, ચકલી, ચકીબેન કે હાઉસ સ્પેરો એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી ગણાય છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે.. વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થઈ જશે.. ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે.

ચકલીના ઘરને ગમે ત્યાં અથવા વૃક્ષો ઉપર મુકી દેવાથી કે આ માળાઓ લટકાવી દેવાથી ચકલી ક્યારેય સફળતાપૂર્વક માળો બાંધીને રહી શકતી નથી. કારણકે તેના દુશ્મનો ખાસ કરીને નાની મોટી કાબરો, પુંછડીવાળો મોટો કાબર (ટ્રાઇપોટ), નાના બાજ પક્ષીઓ તેમજ રાત્રિના સમયે બિલાડી ચકલીના ઇંડા, બચ્ચા તેમજ માળાને રફેદફે કરીને બધી મહેનત નકામી કરી દે છે. એક સમયે આ ચકલીઓના ઝુંડ ચીં ચીં કરતાં જોવા મળતાં હતાં. આજે આ ચકલી પોતાના અસ્તિત્વ ઉપરના ખતરા સાથે જંગ ખેલી રહી છે. થોડા વર્ષો પહેલા મકાનોની એવી વ્યવસ્થા હતી કે ચકલી ઘરમાં સરળતાથી આવ જા કરી શકતી હતી. પરંતુ ઘરમાં છબીઓ ટીંગાળવાની તેમજ પાટીયા ઉપર ઉંધા વાસણો મુકવાની પ્રથા કાળક્રમે બદલાઇ જતાં અને નવા મકાનોમાં ચુસ્ત બારી બારણાંની ડીઝાઇનના કારણે ચકલીઓને ફરજીયાત ઘરની બહાર નીકળી જવું પડયું અને બહાર ગમે ત્યાં માળો બાંધવાની નોબત આવતાં પોતાની અણઆવડતના કારણે અને દુશ્મનોની સતત હેરાનગતિને કારણે બહુ ઓછી સંખ્યા ચકલીઓની વસ્તી રહેલા પામી છે.

આ અંગે એક પક્ષીપ્રેમીએ જણાવ્યું હતું કે ચકલી બચાવો અભિયાનના વ્યક્તિગત કે સંસ્થાઓના પ્રયાસો પ્રશંસાને પાત્ર છે. ચકલીના માળાઓ થોડો યોગ્ય માર્ગદર્શન હેઠળ સુરક્ષીત જગ્યાએ એટલે કે પોતાના ઘરની ઓસરી જ્યાં કાટખૂણો પડતો હોય તેવી થોડી ઊંચી જગ્યામાં આ કુંડાના કે પુંઠાના માળા મુકવામાં આવે તો ત્યાં ચકલી અવશ્ય ત્યાં માળો બાંધશે. ઘરના લોકોની સતત અવર જવરના કારણે દુશ્મન પક્ષીઓ તેમજ બિલાડી દૂર રહેશે જેથી સલામત અને સુરક્ષીત ઘર મળતાં ચોક્કસ ચકલીઓની સંખ્યા વધશે અને ચકલી બચાવ અભિયાનનો ધ્યેય પણ સિધ્ધ થતાં વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી પણ સાર્થક નિવડશે. આજના યુવાનો પરિવાર, મિત્રો સાથે કલાકો સુધી સ્માર્ટફોન ઉપર વ્યસ્ત રહે છે પણ પ્રકૃતિ માટે વોટસઅપ કે ફેસબુકમાં થોડો સમય આપી તેને બચાવવા અને તેની માવજત થાય તેવા નાના મોટા ઘણા કિમિયાઓ જેવા કે માટીના કુંડા, પુંઠાના ઘર કયાં કેવી રીતે સલામત અને સુરક્ષીત મુકવા તેનો પ્રચાર કરે તો પણ ઘણી જાગૃતિ આવી શકે અને પોતાના અસ્તિત્વના જંગ માટે લડતા નાનકડા પક્ષી માટે પણ આપણે ઘણાં ઉપયોગી થઇ શકીશું. તો ચાલો આપણે ચકલી બચાવવા માટે નાનકડો પ્રયાસ કરવાની શરૂઆત કરીએ..


જેતપુર પાસે અંકુર હોટલમાં ચકલીઓની ચીચીયારી ગુંજે છે

Sparrow House - Jetpur

Sparrow House – Jetpur

જેતપુર :  આજે શહેરોમાં હાલ ચકલીઓ જ્‍યારે લુપ્ત થતી જાય છે ત્‍યારે ચકલીઓની ચીચીયારી ફરી કાયમ કરવા ધારેશ્વર વિસ્‍તારમાં આવેલ જૂની અંકુર હોટલના માલિક મનસુખભાઈ મલી (પટેલ) છેલ્લા ૫ વર્ષથી માળાઓનું વિનામૂલ્‍યે વિતરણ કરે છે. ચકલી પ્રત્‍યેનો અગાધ પ્રેમને લીધે હોટલમાં સવારથી જ ચકલીઓની ચીચીયારીઓ ગુંજવા માંડે છે. અગાઉના સમયમાં વડીલો તેમના બાળકોને ચકી ચકાની વાતો સંભળાવતા અને બાળક ચકીને સૌ પ્રથમ ઓળખતા થતા તેનુ કારણ એ જ છે કે, ઘરમાં પંખા ઉપર, મીટરના બોકસ પર, ઘરમાં ટીંગાતા ફોટા પાછળ, ટયુબલાઈટ ઉપર સહિતની જગ્‍યામાં માળો બનાવતી તેથી બાળકના ધ્‍યાન પ્રથમ જ ચકી આવતી. આજના હરણફાળ ગતિ કરતા સમયમાં ઘરમાં ચકલીને માળો બાંધવા માટેની જગ્‍યા ગાયબ થઈ ગઈ છે. આલીશાન મકાનમાં ફોટોફ્રેમ લટકતી, ટયુબલાઈટ, મીટર બોકસ ગાયબ થઈ ગયા છે. પંખાની જગ્‍યા એ.સી.એ લઈ લીધી છે. તેથી ચકલીઓ ઘરમાં માળો બાંધી શકે તેવી જગ્‍યા રહી નથી. ફળીયામાં તેમજ આંગણામાં ઉગેલા વૃક્ષોનું નિકંદન નીકળી જતા શહેરનો વિસ્‍તાર વધી જતા ચકલી બિચારી ક્‍યાં જાય..? લોકોમાં એવી માન્‍યતા પ્રવર્તે છે કે ચકલીની પ્રજાતી લુપ્‍ત થતી જાય છે, પરંતુ ખરેખર તો એવુ છે કે વગડા દૂર થઈ શહેર બની જતા ચકલી લોકોથી દૂર ચાલી ગઈ છે અને મકાનોમાં માળા બાંધીને રહેતી ચકલી એ પોતાનું રહેઠાણ બદલી હાઈવે પર આવેલી હોટલોમાં રહેઠાણ બનાવ્‍યુ છે. આવી જ હાઈવે હોટલ જેતપુરના ધારેશ્વર પાસે રાજકોટ હાઈવે પર આવેલ જૂની અંકુર હોટલ છે. હોટલના માલિક મનસુખભાઈ પટેલ નો ચકલી પ્રેમ હોટલમાં પ્રવેશતા જ જોવા મળે છે. સામાન્‍ય રીતે પ્રવેશદ્વાર પર તોરણ બાંધેલ હોય છે પરંતુ અંકુર હોટલમાં ચકલીના માળાનું તોરણ જોવા મળે છે. મનસુખભાઈ પોતાના ગામથી વંથલી ૨૭ વર્ષ પહેલા જેતપુર આવી હોટલ શરૂ કરેલ. મનસુખભાઈને પહેલેથી જ અબોલ જીવ સાથે પ્રેમ હોય, હોટલની પાછળના ભાગે ચકલી તેમજ પારેવાઓને રહેવા માટે ૩૦ જેટલા વૃક્ષો વાવેલ છે. વૃક્ષો વચ્‍ચે મોટા કુંડા, ટીંગાડેલ છે જેથી ચકલી પાણી પી શકે સાથે સાથે ગરમીથી બચવા ન્‍હાય પણ શકે. મનસુખભાઈને તેમના ગામડે ખેતી હોય ખેતરમાં કુવામાં કબુતરો માળા બાંધે તે ખૂબ ગમતુ, કબુતરોની સાથે ખાસ કરી ચકલી પ્રત્‍યે વધુ લાગણી બંધાઈ હતી. મનસુખભાઇ સવારે ૧૦ વાગે એટલે રોટલા, રોટલી, ભાત, સેવ, બધુ ભેગુ કરી ચકલા માટે એક મોટો ત્રાસ તૈયાર કરી ચકલીઓને ચણ નાખવા માટે રોટલા – રોટલીનો ભુકો કરી ચકલી, કાબર, કબુતર સહિતના પારેવાઓને નાખતા. આ ક્રમ સાંજે પ વાગ્‍યે ફરી વખત રીપીટ કરવામાં આવતો ચકલીઓને આકર્ષવા મનસુખભાઇએ હોટલમાં ૭૦ થી ૮૦ જેટલા પુંઠા તેમજ માટીના માળાઓ મુકયા છે. છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી લોકોને ચકલી પ્રત્‍યેનો પ્રેમ વધારવા તેમજ ઘરના આંગણામાં ચકલી ફરી વખત ચીં-ચીં કરતી થાય, ચકલી બચાવો અભિયાન શરૂ કરેલ છે. આજે પણ મનસુખભાઇ પટેલ ની હોટલમાં ૪૦૦ જેટલી ચકલીઓ ચીં -ચીં કરે છે. મનસુખભાઇ બહારગામ ગયા હોય તો તેની ગેરહાજરીમાં તેમના ભાઇ મનસુખભાઇ નો નિત્‍યક્રમ સાચવે છે.

મનસુખભાઇનો પરિવાર તેમના ચકલી બચાવો અભિયાનમાં  સંપુર્ણ સહકાર આપે છે. હોટલની સાથે – સાથે ઘેર પણ ચકલીના માળાઓ તેમજ પાણીના કુંડા મુકી ચકલીથી આંગણુ ગુંજતુ કર્યુ છે. મનસુખભાઇ દર વર્ષે ૩ થી ૪ હજાર ચકલીના માળા વિનામૂલ્‍યે વિતરણ કરે છે. જેથી હોટલે આવતા ગ્રાહકો ચકલીની ચીંચીયારીઓથી આકર્ષીત થઇ ચકલીનો માળો લઇ જાય છે. મનસુખભાઇ લોકોને વિનંતી કરતા કહે છે કે તમે બીજુ કંઇ ન કરી શકો તો કઇ નહી પરંતુ માત્રને માત્ર તમારા ઘરમાં તમામ લોકો ચકલી પ્રત્‍યે પ્રેમ દર્શાવી આજની પેઢીને ચકલી શું છે. તે સમજાવવા પોતાના ઘેર જરૂર ચકલીના માળાની જગ્‍યા આપે. ચકલીઓએ તો ભોજના સ્‍વાદને લીધે તેમજ હોટલમાં એકદમ શુધ્‍ધ સાત્‍વીક ભોજન મળતુ હોય લોકો મુલાકાત લેવાનું ચુકતા નથી. ચકલીએ તો જુની અંકુર હોટલને પોતાની કાયમી રહેઠાણ બનાવી લીધુ છે તો આપ પણ ટેસ્‍ટ માણવા તેમજ ચકલીઓ વિશે વધુ જાણવા અને માળો મેળવવા મનસુખભાઇ પટેલ નો મોબાઇલ નં. ૯૯૭૯૨  ૪૫૦૧૫ ઉપર સંપર્ક કરી શકશો. (તસ્‍વીર – અહેવાલ  :  કેતન ઓઝા – જેતપુર)