– આશુ પટેલ
છત્તીસગઢના અંબિકારપુર વિસ્તારના બરગાઈ ગામની આ વાત છે. બરગાઈ ગામના મોટા ભાગના રહેવાસીઓ ગરીબ વર્ગના છે. ગરીબીને કારણે તેમનાં સંતાનોને તેઓ સારું શિક્ષણ નહોતા અપાવી શકતા પણ હવે થોડાં વર્ષોથી આ ગામના ગરીબ લોકોનાં સંતાનો સરસ મજાની ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી શકે છે અને એ પણ મફત.. પહેલી નજરે વાત માન્યામાં આવે એવી ન લાગે પણ આ હકીકત છે. બરગાઈ ગામના ગરીબ લોકો કોઈ પણ ફી ચૂકવ્યા વિના તેમનાં બાળકોને ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવી શકે છે.
વાત માંડીને કરીએ.. બરગાઈના વેપારીઓએ અને પ્રોફેશનલ્સે શિક્ષા કુટિર સ્કૂલ શરૂ કરી છે. આ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગરીબ લોકોનાં સંતાનો પણ ભણી શકે એ માટે તેમની પાસેથી ફી ન લેવાનો સંચાલકોએ નિર્ણય કર્યો. પણ ફી ને બદલે તેમની પાસેથી બીજું કશુંક મેળવવું એવો તેમણે વિચાર કર્યો. જો કે જે ગરીબો તેમનાં બાળકોને આ સ્કૂલમાં ભણાવવા ઈચ્છતા હોય તેમની પાસેથી સંચાલકો સ્કૂલ માટે કે પોતાના માટે કશું નહોતા મેળવવા માગતા હતા પણ સમાજ માટે પર્યાવરણ માટે તેમની પાસેથી કશું કરાવવા માગતા હતા. સ્કૂલના સંચાલકોએ એવી યોજના બનાવી કે જે ગરીબો તેમનાં બાળકોને આ સ્કૂલમાં ભણાવવા માગતા હોય તેમણે સ્કૂલને ફી આપવાને બદલે ફી તરીકે બાળક દીઠ એક વૃક્ષ વાવવું. અને પછી એ વૃક્ષના ઉછેરની જવાબદારી પણ સંભાળવી અને જો એ વૃક્ષ ઊગે નહીં અથવા મૃત્યુ પામે તો એને બદલે બીજું વૃક્ષ વાવવું.
આટલી સરળતાથી પોતાનાં બાળકોને ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવી શકાય એ માટે સ્વાભાવિક રીતે ગરીબ વાલીઓ તૈયાર થઈ ગયા. બરગાઈના ગરીબ લોકો ફીને બદલે વૃક્ષ વાવીને પોતાનાં બાળકોને ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઉચ્ચ સ્તરનું શિક્ષણ અપાવવા લાગ્યા. આજે બરગાઈમાં નવાં ૭૦૦ વૃક્ષો ઊભાં થઈ ગયાં છે.. એક અનોખો વિચાર એક સાથે અનેક સારાં પરિણામો લાવી શકતો હોય છે એનો પુરાવો બરગાઈ ગામની શિક્ષા કુટિર સ્કૂલ છે. (સૌજન્ય : મુંબઈ સમાચાર)