:: સંકલન ::
અલ્તાફ કુરેશી
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં માઉન્ટેન્ડ પોલીસ હેડ હવાટર ખાતે આવેલી પોલીસ અશ્વ તાલીમ શાળા અને આર.ડી.ઝાલા હોર્સ રાઇડીંગ કલબનો ઇતિહાસ રજવાડા અને બ્રિટીશ એજન્સી જેટલો પુરાણો છે. અહી ૩પ જેટલા અશ્વોનો રાખ-રખાવ પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવે છે. પોલીસ તાલીમ શાળા અને હોર્સ રાઇડીંગ વિશે ઘણુ જાણવા જેવુ છે. આમ તો રાજા રજવાડા અને બ્રિટીશ એજન્સી વખતથી પોલીસ દળમાં અશ્વોનો ઉપયોગ કરવામાં આવે છે તે વખતે રાજા રજવાડા પોતાના સૈનિકોને અને બ્રિટીશ એજન્સીમાં પોતાના કર્મચારીઓને અશ્વસ્વારીની ખાસ તાલીમ આપવામાં આવતી હતી અને શહેરમાં પેટ્રોલીંગમાં કરવામાં આવતુ. ભારત દેશ આઝાદ થયા બાદ ભારત સરકારે આ અશ્વસ્વારીની કળાને જીવંત રાખવા માટે તાલીમ શાળામાં ફેરવી નાખી હતી. આ રીતે ગુજરાતમાં અમદાવાદ ખાતે અને રાજકોટમાં પોલીસ તંત્ર દ્વારા ઘોડેસ્વારીની તાલીમ આપવામાં આવે છે.
રાજકોટની વાત કરીએ તો રાજકોટના રેલવે સ્ટેશન પાસે જીલ્લા જેલની પાછળ આવેલી માઉન્ટેન્ડ લાઇનમાં પોલીસ તંત્ર દ્વારા ગુજરાત પોલીસ અશ્વદળ તાલીમ સ્કુલ કાર્યરત છે. આ તાલીમ શાળા બ્રિટીશ અને રાજા રજવાડા વખતની છે. આઝાદી પહેલાની આ તાલીમ શાળામાં ત્યારે પણ આ જ જગ્યાએ અશ્વ સવારીની તાલીમ આપવામાં આવતી અને આજે પણ અશ્વ સવારીની તાલીમ આપવામાં આવે છે. સૌ પ્રથમ આ ગુજરાત પોલીસ અશ્વદળ તાલીમ સ્કુલમાં ટ્રેઇન થયેલા ઘોડાઓ અને ઘોડેસ્વારો માટેની ઓલ ઇન્ડિયા ગેઇમ ટુર્નામેન્ટ યોજવામાં આવતી હતી ત્યારે આ તાલીમ સ્કૂલમાં પી.આઇ તરીકે જે. બી. ગોહિલ ફરજ બજાવતા હતાં અને તેને વિચાર આવ્યો કે આ અશ્વ સવારીની તાલીમ માત્ર પોલીસ જવાનોને તો આપવામાં આવે જ છે પરંતુ આ કળાની લોકોને જાણકારી મળે તે હેતુથી તેણે ર૦૦પ ની સાલમાં માઉન્ટેન્ડ પોલીસ હેડ કવાર્ટર ખાતે આર.ડી. ઝાલા હોર્સ રાઇડીંગ કલબની શરૂઆત કરી હતી અને હાલમાં આ આધુનિક સમયમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં પેટ્રોલીંગ માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે આ અશ્વસવારીને જીવંત રાખવા માટે લોકોને ઘોડેસવારી શીખાડવામાં આવે છે. આ અશ્વસવારી શું છે..?? અને ઘોડેસવારી કેવી રીતે કરવી જોઇએ..?? તેની તાલીમ આપવામાં આવે છે.
આ તાલીમ સ્કૂલમાં હાલમાં અરબી, કાઠીયાવાડી અને મારવાડી એમ ૩પ જેટલા ઘોડાઓ છે. આ ૩પ ઘોડાઓને ટ્રેઇન કરવા માટે હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલ ટ્રેઇનર હોય છે તથા ચાર સાઇસ અને બે જેટલા સફાઇ કામદારો હોય છે. ટ્રેનર ઘોડાને ટ્રેઇન કરે છે જયારે સાઇસ ઘોડાને ટાઇમસર નીણ આપવું, માલીશ કરવું, પાણી આપવુ અને ઘાસની પથારી કરવી તેવી કામગીરી બજાવે છે અને સફાઇ કામદાર ઘોડાની જગ્યાની સફાઇ કરે છે. હાલમાં રાજકોટમાં નાઇટ પેટ્રોલીંગમાં પોલીસ દ્વારા ઘોડાનો ઉપયોગ થાય છે અને હાઇવે પેટ્રોલીંગ, સીમ પેટ્રોલીંગ તમામ પ્રકારના વીઆઇપી બંદોબસ્ત તથા મેળા બંદોબસ્તમાં પણ પોલીસ દ્વારા ઘોડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘોડેસ્વારી પોલીસ તો ઠીક પણ આર.ડી.ઝાલા હોર્સ રાઇડીંગ કલબમાં પોલીસ સિવાયના લોકોને પણ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ સવારે ૬-૩૦ થી ૮-૦૦ વાગ્યા સુધી તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ સ્કુલમાં તાલીમાર્થીઓને ત્રણ માસની તાલીમ આપવા આવે છે. આ તાલીમ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ માટે ફરજીયાત છે. વધુ માહિતી માટે આ તાલીમ સ્કૂલના બ્લોગ rdzalahorseridingclub.blogspot.in ની મુલાકાત લઇ શકાય છે.