ATUL N. CHOTAI

a writer – since 2014


ઉપલેટાના અજીમા ૧૨૬ વર્ષની જીવન સંધ્યાએ મતદાન કરવાનો અનોખો ઉત્સાહ ધરાવે છે

ajima - upleta

ajima – upleta

:: આલેખન ::
દર્શન ત્રિવેદી
પ્રાદેશિક માહિતી કચેરી
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

અરે… બાપલિયા મતદાન તો કરવું જ પડે ને.. ઉપલેટામાં રહેતા ૧૨૬ વર્ષના અજીમા ચંદ્રવાડિયાને ચૂંટણી વિશે પૂછતા આવું ઉત્સાહપૂર્વક બોલી ઉઠે. રાજશાહી અને લોકશાહી, બન્ને શાસન વ્યવસ્થા જેમના જીવનનું ભાથું છે, એવા અજીમાં મસ્તમૌલા છે. સવાસો વર્ષની આયુ હોવા છતાં તમારી સાથે ફટાફટ વાતો કરે અને પોતાના અનુભવો જણાવે. પુત્રો, પુત્રીઓ, પૌત્રો અને પૌત્રીઓ મળી ચોથી પેઢીએ ૬૫ વ્યક્તિનો નોખો નોખો પણ એક, બહોળો પરિવાર ધરાવતા અજીમાંને તેમના જન્મ વિશે પૂછતા ફટ કરતા કહે કે છપ્પનિયા દુષ્કાળ વખતે હું ૮ – ૧૨ વર્ષની હતી. વિક્રમ સંવંત ૧૯૫૬ થી અત્યારના વિક્રમ સંવંત ૨૦૭૪ સુધીની ગણતરી કરતા અજીમા સહેજે સવાસો વર્ષનું આયખુ વટાવી ચૂક્યા છે. પણ તેઓ કહે કે લાખો વર્ષની થઇ છું. તેઓ ક્યારેય દવાખાને ગયા નથી.

પોતાના બાળપણમાં જ ૫૬ નો દુષ્કાળની પીડા વેઠી ચૂકેલા અજીમાને એ કારમા દિવસો હજુ પણ યાદ છે. આમ તો તેમની મોટા ભાગની સ્મૃતિઓ વિલોપ થઇ ચૂકી છે. પણ દુષ્કાળના દિવસો અંગે પેટભરીને વાતો કરે. એ દિવસોમાં પાણીની વ્યવસ્થા, ભોજન અને કામની બાબતોએ બખુબી જણાવે. આ ઉંમરે અજીમાની આંખે સૂરજ આથમી ગયો છે. પણ તેનો અનુભવ અને શાણપણ તેમની વાતોમાં સહજે છલકાય જાય. એટલે જ તેઓ આ વખતે પણ મતદાન કરવા માટે ભારે ઉત્સાહી છે. તેઓ એક સમયે પોરબંદર રાજવીને ત્યાં કામ કરતા હતા. જેને તેઓ આજે પણ રાણા સાહેબ તરીકે યાદ કરે છે. આઝાદીના સમાચારો નિરંતર મેળવ્યા છે. એટલે તેમના માટે લોકશાહીના ઉત્સવ સમા મતદાન વખતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાનું ભૂલતા નથી.

ઉપલેટામાં ચાર પ્રપોત્રો સાથે રહેતા અજીમા સવાર, બપોર અને સાંજે રોટલા, રોટલી અને દૂધ જમે છે. તેમના લાંબા આયુષ્યનું રહસ્ય પૂછીએ તો તે કહે કે આ બાયુ (માતાઓ) ના આશીર્વાદ છે. તેઓ પોતાના સમયકાળ દરમિયાન દાયણ તરીકેનું કામ કરતા હતા. જટીલમાં જટીલ પ્રસુતિ સરળતાથી કરાવી દેતા. આસપાસના ગામોમાંના પરિવારો સુવાવડ સમયે અજીમાની સેવા લેતા હતા. એટલે અજીમાંને એવો દ્રઢવિશ્વાસ છે કે આ માતાઓના આશીર્વાદના કારણે તેમને દીર્ઘાયું પ્રાપ્ત થયું છે. અજીમાં સાથે વાતચીતમાં તેની સ્મૃતિમાં ખૂટતી કડી પ્રપોત્ર મારખીભાઇ જોડી આપે. આવા અજીમાં પણ લોકશાહીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવવાના છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આજની તારીખે ૩૭૨ શતાયુ મતદારો છે. તેમાં અજીમાં સૌથી મોટા છે. એટલે કે સમગ્ર રાજકોટના વડીલ અજીમા છે. રાજકોટ જિલ્લાના આવા વયોવૃદ્ધ મતદારો આજના યુવાપેઢી માટે પ્રેરણાદાયક બને છે.


પાટડીના મહેન્દ્રભાઇ છેલ્લા ૧૫ વર્ષથી બ્લેક બોર્ડ પર સુવિચારો લખે છે

mahendrasinh zhala

mahendrasinh zhala

આજકાલ વોટ્સઅપ અને ફેસબુકના જમાનામાં સુવિચારો અને કોટેશનનું ફાસ્ટ ફોરવર્ડિગ વધી રહયું છે,પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં રહેતા વેપારી મહેન્દ્રસિંહ ઝાલા છેલ્લા ૧૫ વર્ષથી પોતાના દિવસની શરુઆત કાળા પાટિયા પર એક સુવિચાર લખીને કરે છે. તેઓ એક સામાન્ય વેપારી છે. એસએસએસી સુધી અભ્યાસ કરનાર આ માણસે કોઇ ફિલોસોફરો કે વિદ્વાનોના પુસ્તકો પણ વાંચ્યા નથી.તેમ છતાં તેમને જયાંથી પણ સારું વાંચવા મળે કે તેમના મનમાં ઉગી નિકળે તેવી સરસ વાત લખે છે. ખાસ કરીને વાર તહેવાર કે પ્રસંગ હોય ત્યારે તેને અનુરુપ વાકયો શોધીને વિચારીને લખે છે.આ દ્વારા લોકોને શુભેચ્છાઓ અને અભિનંદન પણ આપે છે.સવારે પોતાની દુકાન ખોલે તે પહેલા પાટિયા પર સુવિચાર લખે છે.તેમણે અત્યાર સુધી જેટલા પણ સુવિચારો લખ્યા છે તે તમામનો નોટબુકમાં સંગ્રહ કરી રાખ્યો છે.આ રીતે સુવિચારોની પાંચ જેટલી નોટબુક ભરાઇ ગઇ છે. આજકાલ લોકો ફેસબુક જેવા સોશિયલ માધ્યમો પર લાઇક માટે મથતા રહે છે.જયારે આ માણસ નવા જમાનાથી દૂર રહીને કોઇ તેના લખાણને વખાણે છે કે નહી તેની પરવા કર્યા વિના રોજનો ક્રમ જાળવી રાખે છે. બજારમાં નિકળતા માણસો તેમની દુકાનના પાટિયા પર લખેલા સુવિચાર પર અચૂક નજર ફેરવે છે.અંદાજે એક દિવસમાં ૪૦૦ થી પણ વધુ લોકો ઉભા રહીને સુવિચાર વાંચે છે.ઘણા તો સારા સુવિચારના આધારે એક બીજા સાથે ચર્ચા કરવા લાગે છે.જો કે ખૂબ જ સ્પર્શી જાય તેવું ચોટદાર સુવાકય લખાયું હોય ત્યારે લોકો તેમને અભિનંદન પણ આપે છે. મહેન્દ્રભાઇ આ પ્રવૃતિ કોઇના વખાણ સાંભળવા નહી પરંતુ પોતાના શોખથી કરે છે.સુવિચાર લખવાની પ્રવૃતિની શરુઆત કેવી રીતે થઇ તે અંગે વાત કરતા તેઓ જણાવે છે એક સાર મને વિચાર આવ્યો કે એક સારુ વાકય પણ ઘણી વાર જીવન બદલી નાખતું હોય છે.માણસોનું મગજ નાની નાની વાતમાં ગરમ રહેતું હોય તો તેને સુવિચારોથી જ શાંત કરી શકાય છે. (તસ્વીર – અંબુ પટેલ – ગુજરાત સમાચાર)


ઝાલોદના વૃદ્ધા ૧૫ વર્ષથી નિ:શુલ્ક જળસેવા કરે છે

Nisulk Jal Seva

Nisulk Jal Seva

ઝાલોદના નાનસલાઇ ગામની વૃધ્ધ મહિલા છેલ્લા ૧૫ વર્ષથી નિ:શુલ્ક જળસેવા કરી રહી છે. એકલવાયુ જીવન જીવતી આ મહિલા લોકોને પાણી પીવડાવવા માટે પોતાના દરરોજ પાંચ કલાક ખર્ચે છે. વૃદ્ધા પોતાની આ સેવાને કારણે આસપાસના વિસ્તારોમાં જાણીતી બની છે. ઝાલોદ તાલુકાના નાનકડા નાનસલાઇ ગામમાં વૃધ્ધ મહિલા કમળાબેન પટેલ રહે છે તેઓના પતિ દશ વર્ષ પહેલા ગુજરી ગયા હતા કમળાબેન નાનસલાઇ પ્રાથમિક શાળાની આગળ આવેલી એક નાનકડી ઝુપડીમાં એકવાયુ જીવન ગુજારે છે સેવાભાવી હોવાથી છેલ્લા ૧૫ વર્ષથી ઉનાળાની ગરમીમાં અને નવરાશ ના સમયમાં ઘરનું કામકાજ પતાવી પાણીનો ઘડો અને લોટો લઇ જઇને નાનસલાઇ ગામના આવેલા પીકઅપ સ્ટેશન પાછળ બેસી રહે છે અને ત્યાંથી પસાર થતાં લોકોને પાણીની પરબની જેમ પાણીની સુવિધા આપી સેવા કાર્ય કરી રહ્યા છે. તેઓ દરરોજ દિવસ દરમિયાન પાંચ કલાકનો સમય કાઢી આવતા – જતાં લોકોને પાણી પીવડાવી સંતોષ માણે છે. કમળાબહેન વીશે જાણતા લોકોને તરસ લાગતાં તેઓ ખાસ કરીને કમળાબહેન પાસે જઇને પોતાની તૃષા શાંત કરે છે. આજે તો ઘણા લોકોએ પાણી ને વેચવાનો ધંધો બનાવી લીધો છે તેવા સંજોગોમાં આવી સેવા કરનાર કમળાબેન પાસેથી આપણે પણ કંઈક શીખવું અને સમજવું પણ જોઈએ એવું નથી લાગતું..??


પાટડી ના ૧૦૫ વર્ષનાં માજી પરિવારના ગુજરાન માટે શાકની લારી ચલાવે છે

Kanuben Thakor - Patdi

Kanuben Thakor – Patdi

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ગામમાં જીવનની અનેક તડકી – છાંયડી જોયા બાદ પોતાની બોબડી પુત્રવધુ અને અપંગ પુત્રની ૧૦૫ વર્ષની વૃદ્ધ માતા આજેય શાકભાજીની લારીથી પોતાના ગરીબ પરિવારનું ગુજરાન ચલાવે છે. જીવનમાં આવેલા એક પછી એક દુ:ખનાં પહાડને પાર પાડવા આ વૃદ્ધાએ અનેક માનતાઓ સાથે બહુચરાજી, અંબાજી, રણુંજા અને છેક દ્વારકા સુધીની પગપાળા યાત્રાઓ પણ કરી છે. પાટડી ખાતે આવેલી શાકમાર્કેટની મુલાકાત લો તો તમને યુવાનોને પણ શરમાવે એવા ૧૦૫ વર્ષનાં વૃધ્ધા કનુબેન  ઠાકોર વટથી શાકભાજીનો ધંધો કરતો જોવા મળે છે.  પોતાની આંખોમાં ઝળહળિયા સાથે તેઓ પોતાનું દુઃખ જણાવતા કહે છે કે  હું અને  મારા પતિ ચકાજી સડલીયા (ઠાકોર) દરબારી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. મારે સંતાનમાં સાત દિકરા અને ૧  દિકરી હતી પરંતુ પતિનાં મોત બાદ કુદરતની ક્રૂર થપાટ સામે મારા ૭ દિકરામાંથી પાંચ દિકરા અકાળે મોતને  ભેટ્યા હતાં મારો મોટો દિકરો જીવો દુદાપર ગામે મજૂરી કામ કરે છે અને એનાથી નાનો દિકરો બળદેવ અપંગ છે. જ્યારે એની પત્ની બોબડી છે અને જીવનમાં આવેલા એક પછી એક દુઃખનાં પહાડ સામે મે અનેક માનતાઓ રાખી હતી અને  સતત ૨૫ વર્ષ સુધી દર પૂનમે પગપાળા બહુચરાજી પણ ગઇ હતી આ સિવાય માનતાઓ પુરી કરવા અંબાજી, રણુંજા અને છેક  દ્વારકા સુધીનાં પગપાળા યાત્રાઓ કરી છે. અને આજની તારીખે પણ હું મારા અપંગ દિકરાને લઈને સવારે નવ થી બપોરનાં એક વાગ્યા સુધી શાકભાજીની લારી પર બેસવા અચૂક જવુ છું. ખરેખર ૧૦૫  વર્ષની વયે પોતાના અપંગ દિકરા અને બોબડી પુત્રવધુ માટે શાકભાજીની લારી દ્વારા પેટીયુ રળતા પાટડી ના ૧૦૫ વર્ષના વૃદ્ધાની જીંદાદિલીને ચાલો તેમને દિલથી સલામ  કરીએ


કલકતા ના શીલાબેન ઘોષ ૮૭ વર્ષની ઉમરે પણ મહેનત કરી સન્માનભેર જીવે છે

Sheela Ghosh - Kokata

Sheela Ghosh – kolkata

નવી દિલ્હી : ભારતમાં મંદિર, રેલ્વે સ્ટેશન, ટ્રાફિક સિગ્નલ પર ઘણી મહિલાઓ અને પુરુષો સામાન્ય રીતે ભીખ માંગતા જોવા મળે છે. ઘણા લોકો સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં પણ ભીખ માંગતા હોય છે જેમને જોઇને લોકો વિચારે છે કે આ લોકો કામ કેમ નથી કરતા..??  જો કે તેનાથી વિપરીત કલકતા ના ૮૭ વર્ષિય મહિલા શીલાબેન ઘોષ ઘણા લોકો માટે આદર્શ બની રહયા છે. શીલાબેન ઘોષ કોલકાતાની એક જાણીતી કંપનીના આઉટલેટ્સની બહાર ચિપ્સ વેચતા જોવા મળે છે. ૮૭ વર્ષિય આ મહિલાને સુપરવુમનનું ઉપનામ આપવામાં આવે તો નવાઇ નહીં મુશ્કેલીને કારણે હાર માનતા લોકો માટે શીલાબેન આદર્શ અને ઉત્તમ નમૂનો છે. કેન્સરને કારણે પોતાના પુત્રને ગુમાવ્યા બાદ આ મહિલા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી ભીખ માંગવાને બદલે પોતાની જાતે જ મહેનત કરી સન્માન ભેર જીવન જીવી રહી છે. સામાન્ય રીતે આ વયના લોકોને ઘણી બિમારીઓ હોય છે અને તેઓ ઘરની બહાર પગ પણ મૂકી શકતા નથી. જો કે શીલાબેન સાથે આવું નથી અને તે છેલ્લા પાંચ વર્ષથી આ જ રીતે પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે. આપણને બધાને આ વાત ઉપર થી ઘણું શીખવા અને સમજવા મળે છે


રાજકોટ ના જયાબેન વડગામા પ્રભુકાર્ય ની સાથે સમયનો સદ્દઉપયોગ પણ કરે છે

Jayaben Vadgama - Rajkot

Jayaben Vadgama – Rajkot

રાજકોટ : વડીલો તેના નિવૃતિનો સમય ધાર્મિક પ્રવૃતિઓ કરવાની સાથે સેવામય રીતે અને પરિવારજનો વચ્ચે આનંદથી ગાળતા હોય છે. દરમિયાન રાજકોટના એક વૃધ્ધ મહિલા તેમનું જીવન પ્રભુકાર્ય સાથે વાટ બનાવવા તેમજ ઉનના રૂમાલ બનાવવાનું કાર્ય કરે છે. રાજકોટ શહેરમાં યુનિવર્સીટી રોડ ઉપર અજંતા પાર્ક, બ્લોક નં. ૧૪૬ માં રહેતા જયાબેન ગાંડાલાલ વડગામા જેઓ આ વિસ્તારમાં વાટુવાળા જયાબા તરીકે વિખ્યાત છે. મુળ ધોરાજીના હાલ રાજકોટમાં રહેતા ગુર્જર સુતાર જ્ઞાતિના જયાબા છેલ્લા ૨૦ વર્ષોથી વાટ બનાવે છે. આ દીવાની વાટ બનાવી લોકોને વિનામુલ્યે વિતરણ કરે છે. કોઇની પાસે એક રૂપિયો પણ ચાર્જ લેતા નથી અત્યાર સુધીમાં અનેક લોકોને વાટ બનાવી આપી છે. સાથોસાથ ઉનના રૂમાલ પણ બનાવે છે. ૮૭ વર્ષની ઉંમરે પણ પોતાનું કામ જાતે જ કરે છે. તેઓ કહે છે કે ગોંડલથી સાસરે આવી સિવણ કોર્ષ કરેલો. ૧૨ વર્ષ સુધી એમ્બ્રોડરીના વર્ગો પણ ચલાવેલા. અનેક લોકોએ આ વર્ગો કર્યા હતા. તેઓ પીડબલ્યુડીમાં નોકરી કરતાં. હાલ નિવૃતિ સાથે પેન્શનનું જીવન વિતાવે છે.  તેના પરિવારમાં પ્રવિણભાઇ (ઉ.૭૦) (રીટાયર્ડ ડીએસપી ઓફીસ), હંસાબેન અતુલભાઇ ખારેચા (ઉ.૬૫), અશ્વિનભાઇ (વ્યાપાર), નીતીનભાઇ (નોકરી) છે. જયાબાના બાપુજીનું નામ ભુરાભાઇ ગજ્જર, માતા જકલબેન છે. જયાબાના સસરા અમરશીભાઇ પણ દાતા હતા. તેઓ અમેરીકાનો પ્રવાસ પણ કરી આવ્યા છે. ત્યાં પણ અનેક લોકોને દીવાની વાટ અને ગુંથળવાળા રૂમાલ આપેલા. જયાબાને હાલ ૯ હજાર પેન્શન મળે છે. જેમાંથી દર મહિને તેઓ ૧૫૦૦ નું દાન આપે છે. વધુ માહિતી માટે જયાબાનો મો. ૯૪૦૯૫ ૫૦૭૪૭ / ૮૭૩૪૯ ૮૬૬૬૭ ઉપર સંપર્ક કરી શકાય છે.


વડોદરાના ગિરીશભાઈ ભટ્ટને ચાર હજાર થી પણ વધુ લોકોની બર્થ ડે યાદ છે

Girish Bhatt - Vadodra

Girish Bhatt – Vadodra

પોતાના ફેમિલી મેમ્બર્સના બર્થ ડે યાદ રાખવા અને તેમને વીશ કરવાની ઇચ્છા ઘણા લોકો કાયમ પૂરી શકતા નથી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ૫૯ વર્ષીય ગિરિશભાઇ  ભટ્ટ પોતાના ફેમિલી મેમ્બર્સ તો ઠીક પણ એકવાર મળ્યાં હોય તેવા લોકોની બર્થ ડે પણ આસાનીથી યાદ રાખી શકે છે. તેઓ અત્યાર સુધી ૪૦૦૦  થી વધુ વ્યક્તિના બર્થ ડે યાદ રાખી શક્યા છે.

પોતાની આ ખાસિયત માટે તેમને ઘણા યુવાનો તારીખવાળા ભટ્ટકાકાના નામે જ ઓળખે છે. ગિરિશભાઇ ઘર બહાર નિકળે અને રસ્તામાં મળનાર જાણીતી વ્યક્તિની બર્થ ડે હોય તો તેને વીશ કરવાનું ચૂક્તા નથી અને સાથે જ આગામી દિવસોમાં જાણ હોય તો તેના પરિવારજનોની બર્થડે નો પણ ઉલ્લેખ કરવાનું ચૂક્તા નથી. તેમની બીજી ખાસિયત મહાનુભાવોના બર્થ ડે યાદ રાખવાની પણ છે. ફિલ્મોનો શોખ વધુ હોવાથી તેઓ બોલિવૂડના અનેક એક્ટર-એક્ટ્રેસની બર્થ ડે પણ તેમને મોઢે છે. તેથી ખૂબ નાના બાળકો મળે તો તેમની બર્થ ડે ની સાથે સંબંધિત બોલિવૂડ હસ્તીનું નામ પણ કહે છે.

બર્થ ડે જ નહીં તેઅો ઘટનાઓની તારીખો પણ આસાનીથી યાદ રાખે છે. દેશ, રાજ્ય અને વડોદરામાં બનતી ઘણી ઘટનાઓ તેમને યાદ છે. તેઓ કહે છે કે  ૧૯૯૧ થી મારી આ ક્ષમતા વિશેની સભાનતા આવી આ ખાસિયતને લીધે લોકો મને હંમેશાં યાદ કરતાં રહેતા તેથી હું વધુને વધુ યાદ રાખતો થયો હતો. જો કે આ ખાસિયતનો કોઇ આર્થિક ઉપયોગ ન થયો તેનો કોઇ અફસોસ નથી. તે કહે છે કે  ભગવાને ખાસિયત આપી છે પણ સાથે કિસ્મત પણ આપી છે. આપણું કામ કામ કરવાનું છે.. બાકી ઉપરવાળા પર છોડવું જોઇએ


અશક્ત વડીલોના ચહેરા ઉપર મુસ્કાન લાવવાનો એક અનોખો પ્રયાસ

Vijay Kandoliya - Bhavnagar

Vijay Kandoliya – Bhavnagar

પેરાલિસિસ, અપંગતા, માનસિક બિમારી જેવી તકલીફોથી પીડાતા નિ:સહાય વૃદ્ધોને જ્યારે ઘરમાંથી ધક્કો લાગે છે ત્યારે તેઓની આંગળી પકડવાનું કામ ભાવનગરનું સેવાધામ કરી રહ્યું છે. ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલું આ સેવાધામ નિ:સહાય વૃદ્ધ દર્દીઓનું નિ:શુલ્ક આશ્રયસ્થાન બન્યું છે.

મોંઘવારીના સમયમાં વૃદ્ધાશ્રમમાં રહેવા માટે પણ ડિપોઝીટ ભરવાની થાય છે અને ત્યારે મૂળ વ્યવસાયે ડોકટર એવા વિજય કંડોલિયાને વિચાર આવ્યો કે આવી કપરી પરિસ્થિતિમાં નિરાધાર વડીલોનું કોણ..?? અને તેમણે ગુરૂકુળ પાછળની સોસાયટીમાં એક મકાન ભાડે લઈને આ પ્રકારના પીડિત લોકો માટે ઓમ સેવા ધામ આશ્રયસ્થાન બનાવ્યું. તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ સેવાના ઈરાદાથી બિલકુલ નિ:શુલ્કપણે તેમની સેવા કરવાથી મંદિરે જવાની પણ જરૂરિયાત રહેતી નથી. દાતાઓ દ્વારા દાન મળી રહેતું હોવાથી આ વડીલોનો રહેવા જમવા ઉપરાંત દવા સારવારનો પણ ખર્ચ ઉઠાવી શકાય છે. જો કે હાલમાં મર્યાદિત ધોરણે ભાડાના મકાનમાં ૮  થી ૧૦ વ્યક્તિઓનો નિવાસ શક્ય બન્યો છે. ભવિષ્યે વધુ સેવાનો લાભ મળે તેવા હેતુથી મોટું આશ્રયસ્થાન બનાવવાનું આયોજન છે.


સોમનાથમાં ભિક્ષુક પોતાને મળેલી ભીખમાંથી કુતરાઓને જમાડે છે

Surendrabhai Vankar - Somnath

Surendrabhai Vankar – Somnath

સામાન્ય રીતે જીવનમાં બે પ્રકારના ભીખારી હોય છે. એક તો નાણાંથી ભીખારી અને બીજો જીવનો ભીખારી. પોતાની પાસે પૈસા, સમૃધ્ધિ બધુ હોય, પરંતુ જીવ સારો ના હોય એટલે બીજાના માટે જ નહીં પોતાના માટે પણ પૈસાનો ઉપયોગ કરી શકે નહીં. જો કે સોમનાથમાં એક જુદા પ્રકારનો ભિક્ષુક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે આમ તો નાણાંથી ભીખારી છે, પરંતુ તેનો જીવ જાણે શ્રીમંત હોય તેમ પોતાને ભિક્ષાવૃત્તિથી મળેલા નાણાં શેરીના રખડતા કુતરાઓ પાછળ ખર્ચી નાખે છે.

સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે ગાંધીનગર પંથકના ભિક્ષુક વૃધ્ધ દ્વારા અબોલ જીવોની થઇ રહેલી સેવાથી દર્શનાર્થે આવતા ભાવીકો પણ દંગ રહી જાય છે. મૂળ ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના લોદ્રા ગામના વતની અને સોમનાથ મહાદેવ મંદિર પાસે ભિક્ષા માંગતા સુરેન્દ્રભાઇ સેંધાભાઇ વણકર (ઉ.વ.૬૦) દરરોજ સવાર અને સાંજે મંદિર નજીકના વિસ્તારમાં રખડતા ગલુડીયા, કુતરાઓને દુધ, બીસ્કીટ, કેળા સહિતની ચીજવસ્તુઓ ખવરાવી જીવદયા કાર્ય કરી રહયા છે.  તેવી જ રીતે દરરોજ દુધ, બિસ્કીટ, કેળા ખાઇ પાલતુ બની ગયેલા શ્વાન, ગલુડીયા સહિતના અબોલ જીવો  રાત્રે પણ તેની સાથે સુતા જોવા મળે છે. શરીરે અપંગ અને લાકડાની ઘોડીના સહારે ચાલતા આ વૃધ્ધની સેવાભાવી પ્રવૃતિના આ ભિક્ષુક વૃધ્ધ માંગી માંગીને થતી આવક અબોલ જીવો પાછળ વાપરી મનોમન ખુશી અનુભવે છે.  તસ્વીરમાં ગલુડીયાને દુધ પાતા ભિક્ષુક વૃધ્ધ દર્શાય છે..  (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ – કાજલી)


સ્મશાનમાં ૫૦ વર્ષથી વધુ સેવા આપનાર કડવીમા આજે દરેક લોકોના હ્રદયમાં જીવંત છે

Kadviba Bareiya

Kadviba Bareiya

સામાન્ય રીતે સ્મશાન એ ડરામણુ સ્થળ છે પરંતુ ભાવનગરના ૮૫ વર્ષીય વૃદ્ધા કડવીમા માટે તે નિવાસસ્થળ છે. છેલ્લા ૫૦ કરતા વધુ વર્ષોથી તેઓ પોતાનુ જીવન અહીંજ વીતાવી રહ્યા છે. અત્યાર સુધીમાં શહેરના કેટલાય મૃતદેહોને અગ્નિદાહ આપીને પોતાનો સેવા ધર્મ બજાવી ચૂકયા છે.

સ્ત્રી પરંપરાઓની બેડી તોડીને તેઓએ અહીં આશ્રય લીધો છે. લાંબા અરસાથી વિધવા તરીકે જીવન ગુજારતા કડવીમા માટે અહીં કુંભારવાડા સ્મશાન જ જીવનનું અંતિમ ધ્યેય બની ગયુ છે. રેલવે ફાટક પાસે આવેલા સ્મશાનમાં કોઇની અંતિમ યાત્રા આવે છે કે સૌથી પ્રથમ લાકડા ઉંચકીને ગોઠવવાવાળા કડવીમાં હોય છે. તેમના અનેક સન્માનો થયા છે, મહિલા દિને ચંદ્રકોથી નવાજવામાં આવ્યા છે. કારણ કે તેમણે તેમના સ્ત્રીતત્વને ગૌરવમય બનાવ્યુ છે.

કડવીમા માટે આ કામ પસંદ કરવાનું મુખ્ય કારણ આર્થિક પરિસ્થિતિ છે. વર્ષો પૂર્વે તેઓએ આવકના સાધન તરીકે સ્મશાનમાં લાકડા હેરફેરનું કામ સ્વિકાર્યું હતું. જો કે  હાલમાં તો તેઓને માત્ર જીવન નિર્વાહ પૂરતી આવક મરણજનાર વ્યક્તિના સ્વજનો પાસેથી મળી રહે છે. વળી, તેના એકના એક પુત્ર પાસેથી પણ આર્થિક સંકડામણના લીધે કોઇ સહાય ન મળતા છેલ્લાં શ્વાસ સુધી આ જ સેવા સ્વિકારી લીધી છે. લોકોની સેવામાં કડવીમાએ આખી જિંદગી વીતાવી દીધી છે. પરંતુ હાલ વૃદ્ધાવસ્થામાં તેમની સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે.

મૂળ નામ કડવીબેન બારૈયા શહેરમાં કડવીમા તરીકે જ ઓળખાય છે. પતિનુ અવસાન થઇ ચૂકયુ છે અને સંતાનોમાં ૨ પુત્રો તેમજ એક પુત્રી પૈકી પણ એક દિકરાનુ અવસાન થઇ ગયુ હોવાથી અનેક સન્માનો, એવોર્ડઝ મેળવ્યા છતાં પણ આર્થિક સંકડાશમાં જિંદગી ગુજારી રહ્યા છે. અને અમને મળેલા એક સમાચાર મુજબ થોડા સમય પહેલા તેમનું અવસાન થયું છે. તેમણે સમાજ માટે કરેલી સેવા ખરેખર ધન્યવાદને પાત્ર છે.