ATUL N. CHOTAI

a writer – since 2014


ચાલો લોકશિક્ષક શ્રીકૃષ્ણ સાચા અર્થમાં સમજીએ..

Shree Krisna

Shree Krisna

– ડો. દિનકર જોશી

કેલિડોસ્કોપ નામના રમકડામાં આંખ ઠેરવીને કાચના ટુકડાઓના અદ્ભુત વૈવિધ્યને મન ભરીને માણ્યાં ન હોય એવો કોઇ માણસ શોધ્યોય નહીં જડે. પ્રતિક્ષણ આ કાચના ટુકડાઓ એટલા બધા આકર્ષક વૈવિધ્યને આપણી આંખ સામે સજીવન કરે છે કે આપણે મુગ્ધ થઇ જઇએ. શ્રીકૃષ્ણ ખરેખર થયા હશે કે નહીં અને થયા હશે તો કેટલાં વરસ પહેલાં થયા હશે એની શોધખોળ કરવાને બદલે જો એમને ખરેખર માણવા કે સમજવા હોય તો આ કેલિડોસ્કોપિય સૌંદર્ય જ કામ લાગે એમ છે. પ્રતિક્ષણ બદલાય અને પ્રત્યેક બદલાયેલું રૂપ મનમાન્યો અહેસાસ કરાવે એવા આ શ્રીકૃષ્ણે ભગવદ ગીતામાં એક શબ્દ પ્રયોજ્યો છે. લોકસંગ્રહ અર્જુન માટે આ શબ્દ બરાબર હતો પણ આપણા માટે આ શબ્દનો અર્થ સમાજસેવા થાય છે. સ્વાર્થનું સદંતર વિગલન કરીને અન્યો માટે આપણે જે કંઇ કરીએ અને જેના થકી સમાજ ઊજળો થાય એવી સમાજસેવા એટલે લોકસંગ્રહ..

આવા કોઇપણ પ્રકારના લોકસંગ્રહના પાયામાં શિક્ષણ રહેલું હોય છે. આ શિક્ષણ એટલે પાઠ્યપુસ્તકો દ્વારા પ્રાપ્ત થતાં વિદ્યાપીઠોનાં સર્ટિફિકેટો નહીં. શરીરમાં વહેતા લોહીમાં સહજ થઇ જતી સંસ્કાર ભૂમિકા એટલે શિક્ષણ. કૃષ્ણે પોતાના આયુ કાળમાં આજીવન આવું શિક્ષણ એમના તત્કાલીન યુગને આપ્યું છે. ભાંખોડિયા ભરતા લાલાથી માંડીને યોગેશ્વર સુધીનાં એમનાં સંખ્યાબંધ રૂપોમાં એમનું શિક્ષક તરીકેનું એક રૂપ પણ જોવા જેવું છે. આર્યાવર્ત ત્યારે ગણતંત્રો દ્વારા પ્રજાકીય શાસન ભોગવતા સમૂહોનો પ્રદેશ હતો. વ્રજભૂમિ પણ સ્વતંત્ર અને મથુરા પણ સ્વતંત્ર. મથુરાના કંસે જોહુકમીથી વ્રજને ખંડણી ભરવા ફરજ પાડી. વ્રજની ગાયોનું ઘી, માખણ, દહીં ઇત્યાદિ ગોકુળની ગોપિકાઓ મથુરાના સીમાડે અર્પણ કરવા જતી. આ ગોરસ એ જ તો ધનસંપત્તિ હતા.

જેઓ ધનસંપત્તિ પરિશ્રમ કરીને પ્રાપ્ત કરે છે તેમની એ સંપત્તિ જેઓ પરિશ્રમ કરતા નથી તેઓ શી રીતે લઇ જઇ શકે..?? કૃષ્ણે પોતાના બાલસખાઓ સાથે મથુરાના માર્ગે જતું આ ગોરસ રોક્યું, લૂટ્યું, સ્વયં ખાધું અને સહુ કોઇને ખવડાવ્યું. પણ લોકજાગૃતિના આ કામમાં જો વસતિનો અર્ધો ભાગ એટલે કે સ્ત્રીઓ સાથ અને સહકાર ન આપે તો આ જાગૃતિનો પાઠ ફળદાયી ન નીવડે. સ્ત્રીઓ તો બાળઉછેર અને ગૃહ વ્યવસ્થામાં વ્યસ્ત હોય એટલું જ નહીં, શરમાળ પણ હોય. એને બહાર શી રીતે લાવવી..?? કૃષ્ણે વ્રજભૂમિ ઉપર રાસનાં આયોજનો કર્યાં. આ રાસ નિમિત્તે ગોપકન્યાઓ બહાર આવી. કૃષ્ણે એમને લોકસંગ્રહનો પાઠ શીખવ્યો. જે સમાજમાં સ્ત્રી અને પુરુષ સહભાગી થઇને કામ કરે છે એ સમાજ પછાત કે પરતંત્ર રહેતો નથી.

યમુના નદીના પ્રચંડ જળરાશિમાં કાલિય નાગના નામે કોઇ સત્તાધીશ હોય અને પોતાની સત્તાની આણથી પાણીને વિષયુક્ત બનાવીને એનો ઉપભોગ કરતા તટપ્રદેશના લોકોને રોકે એ કેમ સહન થાય..?? જળરાશિ તો પ્રકૃતિદત્ત છે. એના ઉપર કોઇનું સ્વામીત્વ ન હોય. કૃષ્ણે આ જળરાશિ મુક્ત કરાવ્યો અને લોકોને સમજાવ્યું કે પ્રકૃતિદત્ત જળ સહુ કોઇની જરૂરિયાત પૂરી કરવા માટે છે. કોઇના સ્વામીત્વ માટે નહીં.. (આજે આપણી નર્મદા કે કાવેરી નદીઓનાં જળ માટે ઝઘડતાં રાજ્યો આ જાણતાં હશે ખરાં..??) ધર્મનું અનુશીલન હંમેશાં થવું જોઇએ પણ જ્યારે વહેવારિક જીવનમાં ધર્મસંકટ પેદા થાય, બે ધર્મો વચ્ચે સંઘર્ષ પેદા થાય ત્યારે શું કરવું..?? જીવનમાં આવું અવાર નવાર બને છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં શસ્ત્ર હાથમાં ન લેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને છતાં ભીષ્મના વધ માટે કૃષ્ણે પ્રતિજ્ઞાભંગ કર્યો. પોતાની પ્રતિજ્ઞા અને ભીષ્મનો વધ આ બે પૈકી ધર્મના શાસનને કાયમી કરવા માટે ભીષ્મનો વધ મોટો ધર્મ હતો. વ્યક્તિ કરતાં સમષ્ટિ મહાન છે. કૃષ્ણે વ્યક્તિ તરીકે પોતાની પ્રતિજ્ઞાનો ભોગ આપીને સમષ્ટિના કલ્યાણને પસંદ કર્યું. અઢાર અક્ષૌહિણીને તો ઠીક પણ ભાવિ પેઢીઓને સુદ્ધાં એમણે શીખવ્યું કે વ્યક્તિ કરતાં સમષ્ટિ મહાન છે. ધર્મને ઓળખતાં શીખો. નાના ધર્મના ભોગે મોટા ધર્મનું રક્ષણ કરો.

પ્રાગજ્યોતિષપુરના ભૌમાસુરના અંત:પુરમાં બળજબરીથી રોકવામાં આવેલી સોળ હજાર સ્ત્રીઓને કૃષ્ણે મુક્ત કરી. મુક્તિ પામેલી આ સ્ત્રીઓ સમાજની દૃષ્ટિએ દૂષિત હતી. હકીકતે તેઓ નિર્દોષ હતી. ભૌમાસુરે એમના પતિઓને પરાસ્ત કરીને એક વિજેતા તરીકે એમની ખંડણી મેળવી હતી. આ સ્ત્રીઓનો હવે સામાજિક દરજ્જો શો હોઇ શકે..?? એ તિરસ્કૃત અને અનાથ બની જાય. કૃષ્ણે આ તમામ અપહ્યુતાઓને દ્વારકાના પોતાના મહેલમાં આશ્રય આપીને રાજવધૂનો દરજ્જો આપ્યો. જે સમાજ નિર્દોષ સ્ત્રીઓનું સ્થાન કે સન્માન જાળવી શકતો નથી એ સમાજ પોતાને સંસ્કૃતિનો સંરક્ષક કહી શકતો નથી. કૃષ્ણે સંસ્કૃતિ સંરક્ષકનો આ પાઠ એક લોકશિક્ષક તરીકે પોતાની તત્કાલીન પેઢીને શીખવ્યો.

યુદ્ધથી કોઇ પ્રશ્ન કાયમ માટે કદી ઊકેલતો નથી છતાં આસુરી તત્ત્વો યુદ્ધ અનિવાર્ય બનાવી મૂકે ત્યારે મહાવિનાશના ભોગે પણ એમને વશ કરવા જોઇએ. આ આસુરી તત્ત્વ પોતાના પરિવારના જ હોય તો પણ લાગણીઓથી ઉપર ઊઠીને અધર્મનો નાશ કરવો જ જોઇએ. અધર્મનો આવો નાશ કરતી વખતે કશું મેળવવા માટે નહીં પણ આવી પડેલા કર્મને આસક્તિ મુક્ત થઇને નીભાવવું એ જ ધર્મ છે એવો શાશ્વત ઉપદેશ કૃષ્ણે જગદગુરુ બનીને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપ્યો. લોકશિક્ષક તરીકેની કૃષ્ણની આ અમીટ સિદ્ધિ છે. કૃષ્ણે એમના જીવનકાળ દરમિયાન એમના તત્કાલીનોને જે શીખવ્યું છે એ પેઢીઓ પછી આપણા સહુ માટે એવું ને એવું જ તરોતાજા છે. (મુંબઈ સમાચારમાંથી સાભાર )

shree krishnam vande jagad gurum message for all religious indian people gujarat mathura vrundavan dwarkadhish temple yogeshwar shree krishna gujarat india religious gopi arujun mahabharat


જગન્નાથ મંદિરની રહસ્યમય વાતોનો વિજ્ઞાન પાસે પણ જવાબ નથી

Jagannath Madir

Jagannath Madir

ઓરીસ્સાના પુરી શહેરમાં શ્રી જગન્નાથ મંદિર સ્થિત છે આ મંદિર ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) ને સમર્પિત છે. જગન્નાથનો અર્થ છે જગતના સ્વામી તેમની નગરી જ જગન્નાથપુરી કહેવાય છે. આ મંદિર હિન્દુઓના ચાર ધામો પૈકી એક છે. જગન્નાથ મંદિરની વાર્ષિક રથયાત્રા તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે જેમાં મંદિરના ત્રણેય મુખ્ય દેવતા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણેય અલગ – અલગ ભવ્ય રથોમાં વિરાજીત થઈ પોતાની માસીને ત્યાં જાય છે ત્યાં ભગવાન 8 દિવસ રોકાય છે તમને આ મંદિરથી જોડાયેલી કેટલીક રસપ્રદ અને રહસ્યમય વાતો જણાવી રહ્યા છીએ જેના પાછળનું કારણ વિજ્ઞાની પણ શોધી શક્યા નથી. આ મંદિર એ વાતનું પ્રમાણ છે કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર અને સ્થાપત્ય નિષ્ણાત હતાં..

(૧) સામાન્ય રીતે દરિયા કિનારા પર દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા તરફ જાય છે પણ પુરીમાં આનું વિપરિત થાય છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે.

(૨) સામાન્ય રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતાં હોય છે પણ મંદિરના ગુંબજની આજુ બાજુ કોઈ પક્ષી ઉડતું નથી મંદિરની ઉપરથી વિમાન પણ પસાર નથી થતાં.

(૩) રોજ 500 રસોઈયા 300 સહયોગીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે. કહેવાય છે કે પ્રસાદ 8 – 10 હજાર લોકો માટે જ બનાવવામાં આવ્યો હોય તો પણ આનાથી લાખો લોકો પેટ ભરીને જમી શકે છે. અહીં આશરે 20 લાખ શ્રદ્ધાળુઓ રોજ ભોજન કરી શકે છે. અહીં ક્યારે પણ પ્રસાદ ફેંકવો નથી પડતો. પ્રસાદ બનાવવા માટે 7 વાસણો એક ઉપર એક મૂકવામાં આવે છે પ્રસાદ લાકડીઓ ઉપર જ બનાવવામાં આવે છે. રસપ્રદ વાત છે કે સૌથી ઉપરના વાસણમાં મુકેલી વસ્તુ પહેલાં ચઢે છે પછી ક્રમશઃ નીચેના વાસણોમાં મુકેલી વસ્તુઓ ચઢે છે.

(૪) શ્રી જગન્નાથ મંદિરની ધ્વજા હંમેશા હવાની વિપરિત દિશામાં લહેરાય છે આનું કારણ હમણા સુધી શોધી નથી શકાયું. આ ધ્વજાને રોજ સાંજે બદલવામાં આવે છે જે વ્યક્તિ ધ્વજા બદલે છે તે ઉંધો થઈને ઉપર ચઢે છે. આ ધ્વજા ખૂબ જ ભવ્ય અને સુંદર છે તેના પર ભગવાન શિવનો ચંદ્ર બનેલો છે.

(૫) આ દુનિયાનું સૌથી ભવ્ય અને ઊંચુ મંદિર છે. આ મંદિરનો વિસ્તાર આશરે 4 લાખ વર્ગફુટ છે, આની ઊંચાઈ આશરે 214 ફુટ છે. મંદિર પાસે ઉભા થઈ તેનું મુખ્ય ગુંબજ જોવું અસંભવ છે. આખા દિવસમાં ક્યારેય મુખ્ય ગુંબજનો પડછાયો દેખાતો નથી આ મંદિર જોઈને અંદાજો લગાવી શકાય કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર રહ્યા હશે.

(૬) મંદિરના શિખર પર સુદર્શન ચક્ર લાગેલું છે શહેરના કોઈ પણ વિસ્તારથી તમે આ ચક્ર જોઈ શકો છો કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય એવું જ લાગે છે. અહીં દર 12 વર્ષે નવી પ્રતિમાઓ બનાવવામાં આવે છે આ પ્રતિમાઓનો આકાર અને રૂપ એ જ હોય છે કહેવાય છે કે તે મૂર્તિઓની પૂજા કરવામાં નથી આવતી માત્ર દર્શન માટે મૂકવામાં આવે છે.

(૭) કહેવાય છે કે દરિયાએ 3 વાર જગન્નાથ મંદિરને ક્ષતિ પહોંચાડી હતી ત્યારે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં. હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા હતાં અને તેમની પાછળ દરિયો પણ નગરમાં પ્રવેશ કરી જતો હતો. આ કારણથી ભગવાન જગન્નાથે, હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. જગન્નાથપુરીના દરીયા કિનારે બેડી હનુમાનજીનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

(૮) મહારાજા રણજીત સિંહએ આ મંદિરને ઘણુ બધું સોનું દાન કર્યુ હતું તેમણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપેલા સોનાથી આ માત્રા ઘણી વધુ હતી.

(૯) કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો ભગવાન જગન્નાથના દર્શન કરવા આવ્યા હતાં. માનવામાં આવે છે કે પ્રભુ ઈસુ સિલ્ક રૂટથી કાશ્મીર આવ્યા હતાં ત્યારે બેથલહેમ પાછા જતા પહેલાં તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતાં. 9 મી શતાબ્દીમાં આદિ શંકરાચાર્ય અહીં આવ્યા હતાં અને ચાર મઠો પૈકી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી.

(૧૦) આ મંદિરમાં ગેર ભારતીય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અગાઉ મંદિરને ક્ષતિ પહોંચડાવાના પ્રયાસ કરવામાં આવ્યા હતાં આ જ કારણથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

(૧૧) મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરતાંની સાથે તમને દરિયાની કોઈ અવાજ નહી સંભળાશે પણ જેમ જ તમે મંદિરથી એક પગલું બહાર આવશો તમે તે અવાજને સાંભળી શકશો.

(૧૨) આ મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ પ્રાપ્તિ માટે મૃતદેહોનું અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, પણ તમે મંદિરની બહાર જશો ત્યારે જ તમને મૃતદેહોના સળગવાની ગંધ આવશે. (Courtesy : Divya Bhaskar)


કૃષ્ણની દ્વારકા બની હેરિટેજ નગરી

Dwarka Temple

Dwarka Temple

 – શ્રીલેખા યાજ્ઞિક

શું આપે ક્યારેય નીચે જણાવેલ નામ સાંભળ્યા છે..? સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, દેવકી ચોક, વસુદેવજીની શેરી, ગોપાલજીની શેરી, ફૂલેકા શેરી, ભીડભંજન શેરી, વ્યાસ શેરી, હર્ષદા શેરી, બ્રહ્મકુંડ, કકરાટ કુંડ, સ્નાન કુંડ, ઉગમણો ચોક, ખારવા ચોક, ત્રણબત્તી ચોક, હોળી ચોક, ડેલો, ખડકી અને ટાંકું. જી, હા, સૌરાષ્ટ્ર સ્થિત દ્વારકા શહેરમાં રોજબરોજની વાતચીતમાં વપરાતા નામ છે. દ્વારકા શહેરને ‘કૃષ્ણની નગરી’ કહેવામાં આવે છે. અરે, ત્યાંની શેરીએ શેરીમાં કૃષ્ણનો સાક્ષાત્કાર જો ભાવ સાથે આપ જુઓ તો અવશ્ય અનુભવો. જેમ કે ત્યાં ફરતી ગાય હોય કે, મંદિરના શિખર ઉપર ફરકતી ધજા હોય, ગોમતી ઘાટ ઉપર ટહેલતી વખતે, ભડકેશ્ર્વર પાસે અગાધ તોફાની દરિયાને નિહાળતી વખતે, નિજમંદિરમાં કૃષ્ણની પટરાણીના દર્શન કરો ત્યારે, કૃષ્ણના ભાઈ બલરામ કે ત્રિકમજીના દર્શન કરી દેવકી ચોકમાં બે ઘડી નામ સ્મરણ કરવા બેસો ત્યારે પણ કૃષ્ણ કણેકણમાં વસતા હોય તેવો આભાસ થતો હોય છે. પીતાંબર અને બંડી પહેરીને ફરતા ગ્રામ્યજનો અને તેમની બોલીમાં જોવા મળે છે. આજે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ વીસરાઈ જવાની એક ભીતિ આપણે અનુભવી રહ્યા છીએ. તે સમયે દ્વારકા શહેરને ‘હેરિટેજ સિટી’ જાહેર કરવામાં આવતા સૌરાષ્ટ્રના લોકો આનંદિત થઈને ગર્વ અનુભવે છે. ગામની નાની શેરી ચોક કે કુંડના નામ જળવાયેલા રહેશે. ભવિષ્યમાં આ નામ પાછળ છુપાયેલ કૃષ્ણની યાદો અખંડ રહેશે. તે ગર્વ લેવા જેવી વાત તો કહેવાય જ ને..  ૨૧મી જાન્યુઆરી, ૨૦૧૫ના યુનિયન મિનિસ્ટર ઓફ અર્બન ડેવલપમેન્ટ શ્રી એમ. વૈંક્યાનાયડુએ ભારતનાં ૧૨ શહેરને ‘હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઑગ્મેન્ટેશન યોજના’ (હૃદય) હેઠળ હેરિટેજ શહેર જાહેર કર્યાં છે. વિકાસ માટે કુલ રકમ ૫૦૦ કરોડ ફાળવવામાં આવી છે. વારાણસી, મથુરા, ગયા, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાં આવેલ દ્વારકા શહેરને પણ સામેલ કરવામાં આવ્યું છે. શહેરના વિકાસ માટે કુલ ૨૨ કરોડની ફાળવણીનો પત્ર જામનગરનાં સંસદસભ્ય શ્રી પૂનમબહેનને સોંપવામાં આવ્યો હતો. આપણે આ હેરિટેજ સિટી તરીકે જાહેર થયેલ દ્વારકા શહેરની ખાસ વાતો જાણીએ. સ્કંદ પુરાણ અને મહાભારતમાં પણ યાત્રાધામ દ્વારકા ઐતિહાસિક નગરીની ગણના પામેલ છે. કૃષ્ણના શહેરની મુલાકાતમાં જગત મંદિરની મુલાકાત લેવાનો આગ્રહ ભક્તો દ્વારા રાખવામાં આવે છે. વર્ષમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મનુષ્ય જીવનમાં સારા કામ કરીને સ્વર્ગ લોકમાં સ્થાન મેળવી મોક્ષ પ્રાપ્ત કરવો. દ્વારકાધીશના મંદિરના પ્રવેશદ્વારને ‘સ્વર્ગ દ્વાર’ કહેવામાં આવે છે. છપ્પન પગથિયાં ઊતરો એટલે ગોમતી નદી તરફ આપ પહોંચો. તે દ્વારને ‘મોક્ષદ્વાર’ કહેવામાં આવે છે.

૨૫૦૦ વર્ષ પહેલાં બંધાયેલ આ મંદિરમાં પાંચ માળ જોવા મળે છે. અદ્ભુત કોતરણી ધરાવતા ૬૦ સ્તંભ જોવા મળે છે. મંદિર કુલ ત્રણ ભાગમાં વહેચાયેલું છે. જેમાં ભક્તિ માટેનું સ્થળ, પ્રકાશઘર (નિજમંદિર), સભાગૃહ. સૌથી ઉપર શિખર જોવા મળે છે. મંદિરના સભામંડપના ઉપરના ભાગમાં સુંદર નકશી કામ જોવા મળે છે. ઝરુખામાં અપ્સરા અને હાથીનું કોતરણી કામ થયેલ છે. શંકુ આકાર ઘરાવતું ૧૭૨ ફૂટ ઉંચુ શિખર છે. મંદિરની શોભા જોવી હોય તો ઉપરના માળે આવેલ ઝરુખામાંથી મંદિરની આસપાસ આવેલાં બીજાં નાનાં મંદિરોને પણ નિહાળી શકાય છે. ગર્ભગૃહમાં આવેલી ૧ મીટર ઊંચી દ્વારિકાધીશની મૂર્તિની સમક્ષ આપ ઊભા રહો તો એક અદૃશ્ય શક્તિને અનુભવી શકો છો. ગોમતી ઘાટ ઉપર ઉભા રહીને ગોમતી નદીને સમુદ્રમાં એકરૂપ થતી પણ જોઈ શકાય છે. દ્વારકાના મંદિરમાં રોજની છથી સાત બાવનગજની ધજા ચડાવવામાં આવે છે. મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ ભગવાન ૩૬ વર્ષ દ્વારકામાં રહ્યા હતા. એકલવ્ય અને દ્રોણાચાર્યની ભૂમિ પણ કહેવાય છે. એવી પણ માન્યતા છે કે કૃષ્ણના અવસાન બાદ સોનાની દ્વારકા પાણીમાં ડૂબી ગઈ હતી. સોનાની દ્વારકા શોધવાના પ્રયત્નો હજી આજે પણ ચાલી રહ્યા છે.

શારદાપીઠ: જગદ્ગુરુ શંકરાચાર્ય દ્વારા ૨૫૦ વર્ષ પહેલાં ચાર મઠની સ્થાપના કરવામાં આવી હતી. દ્વારકામાં સ્થાપેલ શારદાપીઠનો સમાવેશ થાય છે. બીજા પીઠ શૃંગેરી, પુરી, જ્યોતિર્મઠમાં સ્થાપવામાં આવેલ છે. બેટ દ્વારકા: દ્વારકાથી ૩૨ કિ.મીના અંતરે આવેલા બેટ-દ્વારકા દરિયાની અંદર આવેલું છે. બોટમાં બેસીને કે સ્ટીમ લૉંચમાં બેસીને આપ બેટ-દ્વારકા જઈ શકો છો. અહીંયા આવેલી દ્વારકાધીશની મૂર્તિ દેવી રક્મિણીએ ખાસ માટીમાંથી બનાવેલી છે. દ્વારિકાધીશની સમક્ષ ઊભા રહો તો તેમનું નિર્મળ સ્વરૂપ મનને શાંતિ અર્પે છે. એવી માન્યતા છે કે આ મૂળ દ્વારકામાં ભગવાન કૃષ્ણ તેમના કુટુંબ સાથે રહેતા હતા. નાગેશ્ર્વર મહાદેવ: દ્વારકાથી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા નાગેશ્ર્વર મહાદેવની ગણના ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાં થાય છે. રુક્મિણી મંદિર: ૧૬૦૦ વર્ષ પ્રાચીન આ મંદિર કૃષ્ણની પત્ની રુક્મિણીનું છે. ગોપી તળાવ: શ્રીકૃષ્ણને મળવા વ્યાકુળ ગોપીઓ વૃંદાવન મથુરાથી દ્વારકા પધારે છે. કૃષ્ણને મળવા જવું હોય તો સ્નાન કરી સાજશણગાર સજીને જવું જોઈએ. તેમ વિચારી ગોપી ગામની બહાર આવેલા તળાવમાં સ્નાન કરવા પાણીમાં ઊતરે છે. તેમનાં કપડાં ગામની એક જાતીના લોકો સંતાડી દે છે. જેને પાછા મેળવી ગોપી કૃષ્ણને મળવા જાય છે. હોળી ચોક: માતાજીના નોરતા વખતે ગામના પુરુષો પીતાંબર પહેરીને નવ દિવસ ગરબીમાં ઘૂમે છે. આ પ્રથા ૨૫૦ વર્ષથી ચાલી આવે છે. મંદિરમાં ગાઈડ તરીકે સેવા કરતા મુકુંદ વાયડા જણાવે છે.

દ્વારકા ગામના પુરુષોનો મુખ્ય પોષાક પણ કૃષ્ણ પહેરતાં તેવી બંડી અને પીતાંબર છે. શુદ્ધ ગાયનું દૂધ અને ઘી કેવું સ્વાદિષ્ટ હોય તે દ્વારિકાનગરીમાં આપને જોવા અને ચાખવા મળશે. ગામના લોકો દ્વારા દર્શનાર્થે આવતા ભક્તોની આગતા-સ્વાગતા કાઠિયાવાડી રીતભાત મુજબ કરવામાં આવે છે. કાઠિયાવાડની સાચી ઓળખ એટલે સવારના સમયે કડક મીઠી ચાની સાથે શિરામણમાં ગરમા-ગરમ ગાંઠિયા, તળેલા મરચાં અને પપૈયાનું સ્વાદિષ્ટ છીણ સ્વાદને સંતોષી શકવા સક્ષમ છે. મંદિરમાં દ્વારિકાધીશને ધરાવેલ પ્રસાદને ગ્રહણ કરવાનો મોકો મળે ત્યારે એમ જ થાય કે સાક્ષાત કૃષ્ણ આપને ભોજન પીરસી રહ્યા છે. સાંજના સમયે હજમાહજમના સ્વાદવાળી ગોટી સોડા પીવાની મજા માણવી જ જોઈએ. ફૂલેકા શેરીમાંથી બહાર નીકળો એટલે મોઢામાં મૂકો અને ઓગળી જાય તેવું મીઠું પાન દિલને ખુશ કરી દે છે.

ડૂની પોઈન્ટ: શાંત દરિયામાં તરવાની, સનબાથ લઈને આરામ કરવાની મજા લઈ શકાય છે. ડૂની પોઈન્ટ ગુજરાતની પ્રથમ ‘ઈકો-ટુરિઝમ’ સાઈટ ગણાય છે. પાણીમાં તરતી ડોલ્ફીન માછલીઓ, દરિયાઈ કાચબાની સાથે, સ્કુબા ડાઈવિંગની મોજ માણવા મળે છે. રાત્રિના સમયે ખુલ્લા આકાશની નીચે બેસીને ચંદ્રમાંની રોશની અને તારાઓને નિહાળો તો રોજબરોજના જીવનમાં અનુભવાતી માનસિક તાણ તમારાથી ક્યાંય દૂર ભાગી જાય છે. વૉટર પૉલો, બર્ડ વોચિંગની સાથે મેડિટેશન કરો કે ક્રુઝમાં બેસીને દરિયાની સફર કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરી શકાય છે. શણ અને બીજી કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલી ઝૂંપડીમાં રહેવાની પણ સગવડ મળી રહે છે. દ્વારકા ભારતનાં બીજાં શહેરોથી સરળ રીતે જોડાયેલું છે. જામનગર એરપોર્ટથી ૧૫૯ કિ.મી ના અંતરે આવેલું છે. બસ અને ટ્રેન દ્વારા સરળતાથી દ્વારકા નગરીમાં પહોંચી શકાય છે. અમદાવાદથી ૪૫૩ કિ.મી નું અંતર છે. ૨૧૭ કિ.મી નું અંતર રાજકોટથી ૧૩૭ કિ.મીનું અંતર બસ, ટ્રેન અને ખાનગી વાહન સરળતાથી કરી શકાય છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એ પણ સત્ય છે કે કોઈ પણ દેશ પોતાની સંસ્કૃતિ અને વારસાને અવગણીને વિકાસ સાધી શકે નહીં. કૃષ્ણ નગરીને ‘હેરિટેજ સિટી’ જાહેર કરવાથી આવનારી પેઢી પણ વાસુદેવજીની શેરી અને દેવકી ચોક જેવા નામો જાણીને કૃષ્ણના અવશેષ જોશે તે નક્કી છે. (Courtesy : Mumbai Samachar)


શ્રી કૃષ્ણએ ૩પ૦૦ વર્ષ પહેલા ઈરાકને તેની જ ભૂમિ પર યુધ્ધમાં હરાવ્યું હતું

જેને આપણે દાંડીયા રાસ કહીએ છીએ તે નૃત્ય કળા મૂળ અસુરોની હોવાનો પુરાતત્વવિદ્નો અભ્યાસ

–  ડો.સુરેન્દ્ર વ્યાસ

Shree Krisna

Shree Krisna

રાજકોટ : અમેરિકનો દાવો કરે છે કે યુધ્ધમાં અમે ઈરાકને હરાવ્યું છે. પુરાતત્વવિદ્ સુરેન્દ્ર વ્યાસ દાવો કરે છે કે ‘આપણા યુગપુરુષ શ્રી કૃષ્ણએ આજથી ૩પ૦૦ વર્ષ પૂર્વે ઈરાકને તેની જ ભૂમી પર હાર આપી હતી.તેમના મત અનુસાર જેને આપણે દાંડીયા રાસ કહીએ છીએ તે નૃત્ય કળા મૂળ અસુરોની છે. દાંડીયા રાસ દ્વારિકામાં પ્રચલિત થઈ ગોકુળ-મથુરા ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારા સંશોધનના આધાર મુજબ સિંધુ સંસ્કૃતિ તેમજ યુફ્રેટીસ અને તૈગ્રીસ નદીની સંસ્કૃતિ વચ્ચે વેપાર વાણિજ્યના સંબંધો હતા. ભાગવત કથામાં ઓખાહરણની કથા પણ આવે છે આ કથામાં ઐતિહાસીક પ્રસંગ સમાયેલો છે. કથા મુજબ દ્વારિકાના શ્રીકૃષ્ણનો પૌત્ર અનિરુધ્ધ કૌટુંબિક કારણોસર રિસાઈને કુટુંબનો ત્યાગ કરી, પશ્ચિમ એશિયાના દેશો તરફ એટલે કે હાલના ઈરાક દેશ તરફ ચાલી નીકળ્યો હતો. આ પ્રદેશ યુક્રેટીસ તૈગ્રીસ નદીની સંસ્કૃતિનો વિસ્તાર છે. જ્યાં એસીરીયન પ્રજા (પુરાણોમાં અસુરો) શાસન કરતી હતી. આ પ્રજા ખૂંખાર, લડાયક અને હિંસક હતી. તેને યુધ્ધમાં કદી પરાજય ન મળતો. કારણકે સમૃધ્ધ અને શક્તિશાળી પ્રજા હતી. આ વિસ્તાર કુદરતી ગેસ, ઓઈલનો વિસ્તાર છે. બાઈબલ અનુસાર એસીરીયન રાજધાની ‘સીટી ઓફ બ્લડ’ તરીકે ઓળખાતી હતી. અસુર રાજાને કથાકારે બાણાસૂર કહ્યો છે. જે સદાય પ૦૦ અંગરક્ષકોથી રક્ષાયેલો રહેતો. કથાકારે બાણાસુરને હજાર હાથ વાળો કહ્યોછે. તેના નગરનું નામ શોણિતપુર (સિટી ઓફ બ્લડ) હતું. બાણાસુરની રાજકુંવરીનું નામ ઉષા હતું અનિરુધ્ધ શોણિતપુરમાં પહોંચ્યો. બાણાસુરની પુત્રી ઉષાના પ્રેમમાં પડયો. બાણાસુરે તેને કેદ કર્યો. કથા અનુસાર નારદે (તે સમયના આંતરરાષ્ટ્રીય રાજદૂત) કૃષ્ણને અનિરુધ્ધની કેદના સમાચાર આપ્યા. કુષ્ણની વિનંતી છતાં કેદમાંથી અનિરુધ્ધ મૂક્ત ન થતા પોતાના પૌત્રને છોડાવવા બાણાસુર સામે યુધ્ધ પોકાર્યું. બાણાસુરના હજાર હાથ કૃષ્ણએ કાપી નાંખ્યા અને જીવતો કેદ પકડયો. હજાર હાથ એટલે તેના પ૦૦ અંગરક્ષકોનો નાશ થયો. શોણિતપુર નગરનું રક્ષણ અગ્નિ કરતો હતો. કારણકે કુદરતી તેલ-ગેસનો આ ભંડાર આ વિસ્તાર હતો. યુધ્ધની સંધી રુપે અસુર રાજા બાણાસુરે પોતાની પુત્રી ઉષાને કૃષ્ણના પૌત્ર અનિરુધ્ધ જોડે પરણાવી. ત્યારબાદ પૌત્ર અને પૌત્રવધુ સાથે કૃષ્ણ દ્વારિકા આવ્યા.  ઉષા સારી નૃત્યાંગના હતી. લાસ્ય નૃત્યશૈલીની પ્રખર નૃત્યાંગના હતી.અસુરોની લાકડીઓ અથડાવી, તલવારો વિંઝીને ગોળ-ગોળ નૃત્ય કરવાની પરંપરા પ્રથમ દ્વારિકામાં પ્રચલિત થઈ. જેને આપણે ‘દાંડીયા રાસ’ કહીએ છીએ.  મૂળ દાંડીયારાસ દ્વારિકાથી મથુરા-ગોકુળ ગયો હતો. અને તે પણ ઈરાકની રાજકુમારી ઉષાના આગમન બાદ પ્રચલિત થયું હતું. પાર્વતી માતા લાસ્ય નૃત્યના પ્રણેતા હતા. ‘ઉષા’ પૂર્વ જન્મની ‘ઓખા’, પાર્વતી પુત્રી હતી. (Courtesy : Sandesh)


ટપકતાં પાણીમાંથી સ્વયંભૂ રચાતા શિવલીંગો જાંબુવન ગુફાનું અનેરું આકર્ષણ છે

Jambuvan Gufa - Porbandar

Jambuvan Gufa – Porbandar

સૌરાષ્ટ્રના પોરબંદર જીલ્લામા રાણાવાવ રેલવે સ્ટેશનની પાછળ આવેલી મહાભારતના સમય કાળથી ઐતિહાસિક બની રહેલી જાંબુવનની ગુફામાં ટપકતાં પાણીમાંથી રેતીમાંથી રચાતા શિવલીંગના દર્શન સહિતના આ મનોરમ્ય સ્થળની મુલાકાતે દરરોજ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

રાણાવાવ પાસે આવેલી જાંબુવન ગુફામાં ઉપરથી પાણીના ટીપાં અંદરની માટી અને રેતીમાં પડે છે ત્યારે અનેક સ્વયંભૂ શીવલીંગો રચાઇ જાય છે. આ સ્થળનો પ્રવાસન વર્ષમાં સમાવેશ કરી વિકાસ કર્યા પછી પ્રવાસીઓ અહીં વિશેષ પ્રમાણમાં આવી રહ્યા છે.  પોરબંદરના રાણાવાવ નજીક આવેલા પ્રાચીન જાંબુવતીના ભોંયરા સ્થળને રાજય સરકારે પ્રવાસન વર્ષ સમયે સમાવી લીધા બાદ ગુફાની અંદરમાં લાઇટ ફીટીંગ ઉપરાંત ગુફા સુધીના રોડ છે. ગુફા આજુબાજુના વિસ્તારનો પણ વિકાસ જેટ ઝડપે થયો હોવાથી લોકો અહીં સુંદર મજાનું પર્યટન સ્થળ પ્રાપ્ત થયુ છે. રવિવાર તથા રજાના દિવસોમાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે અને પ્રાકૃતિક સ્થળની મન ભરીને મોજ માણે છે.

આ ઐતિહાસિક સ્થળે ધ્યાનકુટીર સહિત બાલ ક્રીડાંગણ અને નયનરમ્ય ફુવારા, ધ્યાન કુટીરો પણ છે. જેમાં સાધકો ધ્યાન ધરી શકશે ઉપરાંત તેમાંની પાંચ કુટીરો પાણીની વચ્ચે રહેશે. બાળકો માટે બાલ ક્રીડાંગણ, નયનરમ્ય ફુવારો, મહેમાનો માટે ભોજનાલય તેમજ ગુફાદર્શન, ઘડીયાળનો રૃમ, રામેશ્વર સ્થાન સહિત અલગ અલગ જગ્યાએ યાત્રાળુઓ સરળતાથી જઇ શકે તે માટેની સુવિધા વધારવામાં આવી રહી છે.


શ્રીમદ ભગવદ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ આવો જાણીએ..

Shree Krishna and Arjun

Shree Krishna and Arjun

:: લેખન – સંકલન : :
 પી.એમ. પરમાર

જય શ્રીકૃષ્ણ..  શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણા આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ (પુસ્તક) છે જેની છેલ્લાં ૫૧૧૬ વર્ષથી જન્મજયંતી ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નામ ન સાંભળ્યું હોય.. ગીતા જ્ઞાાન એ ગાગરમાં સાગર છે. જ્ઞાાનનો આખેઆખો રસપ્રચુર મધપૂડો છે. માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાાન ઉપયોગી ન બનતું હોય.. ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે એમાંની ખાસ ખાસ કેટલીક વિશિષ્ટ વાતો આજે રજૂ કરવાનો ઉપક્રમ છે. આવો આ ખાસિયતો જાણીએ 

૧. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.

૨. મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે. જેમાં છઠ્ઠો પર્વ ભીષ્મપર્વ છે.
ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫ થી ૪૨ના કુલ ૮ અધ્યાય એટલે જ ગીતા.૩. સૌપ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસ પુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ, શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ – જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ બાદરાયણ (દ્વૈપાયન) વ્યાસ – જે ૧૮ મા છેલ્લા વેદવ્યાસ હતા તેમણે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં રૃપાંતર કરી ગીતા લખી.. તે વેદવ્યાસને વંદન.

૪. ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ  ભગવાન સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા. સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તો વિરાટરૃપનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદૃષ્ટિ આપે છે. બન્ને બાજુ સારથિ  બન્ને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ…

૫. ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે, ૩૯ શ્લોક  સંજય અને માત્ર ૧ (એક) શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.

૬. ગીતાના ૧૮ અધ્યાય છે, ૭૦૦ શ્લોકો છે, ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ ૨૮ વખત, અર્જુન ઉવાચ ૨૧ વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ ૦૧ એમ કુલ મળી ૫૯ વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ ૯ વખત આવે છે.

૭. ઈ.સ. પૂર્વે ૩૧૦૨ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધ કરવા, યુદ્ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર અને માત્ર એક જ કિસ્સો છે.

૮. આખી ભગવદ્ ગીતામાં હિંદુ શબ્દ એક પણ વખત આવતો નથી  તે હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે.

૯. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવો એક ધર્મગ્રંથ છે જેનો અનુવાદ ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે.

૧૦. શ્રી હેમચંદ્ર નરસિંહ લિખિત શ્રી ગીતાતત્ત્વ દર્શનમાં ગીતાના કુલ ૨૩૩ પ્રકાર છે જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા મુખ્ય છે. અનુગીતા, અવધૂત ગીતા, અષ્ટાવક્ર ગીતા, પાંડવગીતા, સપ્તશ્લોકી ગીતા જેવા ૨૩૩ ગીતા પ્રકાર છે.

૧૧. ભક્તિના કુલ ૯ (નવ) પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવેનવ પ્રકારની ભક્તિનું વર્ણન, વ્યાખ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.

૧૨. ગીતાના દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ માટે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે જે મુજબ ગીતા બ્રહ્મવિદ્યા છે, યોગનું શાસ્ત્ર છે, આવી અઢાર પુષ્પિકાના કુલ શબ્દો ૨૩૪ છે અને તેના કુલ અક્ષરો ૮૯૦ છે.

૧૩. શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રદ્ધાનો, ભક્તિનો, ધર્મનો અને સત્યનો એવો આધાર સ્તંભ છે કે આપણા દેશની તમામ અદાલતોમાં પણ તેના ઉપર હાથ મૂકી સોગંદ લે પછી સત્ય જ બહાર આવશે તેટલી અધિકૃતિ મળેલી છે, આવું વિશ્વમાં બીજે ક્યાંય નથી..

૧૪. ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયના ૧૮ યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે જેમકે ભક્તિયોગ, કર્મયોગ સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસયોગ, ધ્યાનયોગ બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ (ત્રીસ) યોગો ગીતામાં છે.

૧૫. ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મક્ષેત્ર છે, જ્યારે છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ ‘મમ’ છે. અર્થાત્ મારું ધર્મક્ષેત્ર કયું..?? તો ૧ થી ૭૦૦ શ્લોક વચ્ચે જે આવે છે. વેદવ્યાસનો શબ્દસુમેળ કેવો અદ્ભુત છે..

૧૬. સમગ્ર ગીતાનો સાર શું છે..?? ગીતા શબ્દને ઉલટાવીને વાંચો. તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે. મહાત્મા ગાંધીજીએ એટલે જ ગીતા વિશે જે પુસ્તક લખ્યું છે તેનું ચોટડૂક શીર્ષક અનાસક્તિ યોગ આપ્યું છે. ઉપનિષદમાં પણ કહ્યું છે ત્યેન ત્યક્તેન ભુંજિથા – ત્યાગીને ભોગવો.

૧૭. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ  ચાર વેદો છે પણ ગીતાને પાંચમોવેદ કહેવાય છે

૧૮. મહાભારતના પર્વ ૧૮ છે, ગીતાના અધ્યાય ૧૮ છે. સરવાળો ૯ થાય છે. ૯ એ પૂર્ણાંક છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના કુલ અક્ષરો પણ ૯ થાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ છે, કુલ ૧૦૮ સુવાક્યો છે, ગીતાને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ નું નામ પણ ૯ અક્ષરનું છે, ગીતામાં ‘યોગ’ શબ્દ ૯૯ વખત આવે છે, ગીતામાં કુલ ૮૦૧ વિષયોનું વર્ણન છે, યોગ માટે ૫૪ શ્લોકો છે, ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે જેમ કે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું  તો ગીતામાં આવી કુલ મળી ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ ૯૦ (નેવું) વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ છે જેમ કે નારદ, પ્રહલાદ, ભૃગુ, રામ વગેરે. આ તમામનો સરવાળો ૯ થાય છે એટલું જ નહિ ગીતાનાં કુલ ૧૮ નામ છે જેનો સરવાળો પણ ૯ થાય છે. ૯ નું અદ્ભુત સંકલન અહીં જોવા મળે છે..

૧૯. ગીતાના ૭૦૦ શ્લોકો છે જેમાં વર્ણવાર ગણતરી કરતાં સૌથી વધુ ૧૦૩ શ્લોકો ‘ય’ – અક્ષર ઉપરથી શરૃ થાય છે જ્યારે બીજા નંબરે ‘અ’  – ઉપર ૯૭ શ્લોકો છે.

૨૦. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આત્મા શબ્દ ૧૩૬ વખત, જ્ઞાાન શબ્દ ૧૦૮ વખત, યોગ શબ્દ ૯૯ વખત, બુદ્ધિ અને મન ૩૭ વખત બ્રહ્મ – ૩૫ વખત, શાસ્ત્ર શબ્દ  ૪ વખત, મોક્ષ શબ્દ  ૭ વખત અને ઈશ્વર-પરમેશ્વર શબ્દ – ૬ વખત આવે છે. ધર્મ શબ્દ ૨૯ વખત આવે છે.

૨૧. સમગ્ર ગીતાસાર અધ્યાય ૨ માં આવી જતો હોવાથી અધ્યાય ૨ ને એકાધ્યાયી ગીતા કહેવામાં આવે છે.

૨૩. અધ્યાય નં. ૮ શ્લોક નં. ૯, ૮/૧૩, ૯/૩૪, ૧૧/૩૬, ૧૩/૧૩, ૧૫/૧ અને ૧૫/૧૫ = આ ૭ શ્લોકને સપ્તશ્લોકી ગીતા કહે છે.

૨૪. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠમાં મંત્ર, ઋષિ, બીજ, છંદ, દેવતા અને કીલક આ ૬ મંત્રધર્મનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફળ માટે ગીતામાહાત્મ્યનો પણ ખાસ મહિમા છે.

૨૫. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મ, ૭ થી ૧૨ અધ્યાયમાં ભક્તિ અને ૧૩ થી ૧૮ અધ્યાયમાં જ્ઞાાનનો વિશેષ મહિમા છે.

૨૬. કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ-ઉપનિષદ-ભગવદ્ગીતા આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એકપણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ના હોય..

૨૭. ગીતાના ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બાકીના ૫૫ શ્લોકો ત્રિષ્ટુપ, બૃહતી, જગતી, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ અલગ છંદોમાં આવે છે.

૨૮. ગીતાએ આપણને એના પોતીકા સુંદર શબ્દો આપ્યા છે. લગભગ આવા શબ્દોની સંખ્યા ૧૦૦ થવા જાય છે જે પૈકી ઉદાહરણ તરીકે ૧૦ શબ્દો અત્રે પ્રસ્તુત છે. અનુમંતા, કાર્પણ્યદોષ, યોગક્ષેમ, પર્જન્ય, આતતાયી, ગુણાતીત, લોકસંગ્રહ, ઉપદૃષ્ટા, છિન્નસંશય, સ્થિતપ્રજ્ઞા

૨૯. સમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા  એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે.

૩૦. ગીતામાં કુલ ૪૫ શ્લોકો તો એવા છે કે જેની પંક્તિઓ એક સરખી હોય, શ્લોક બીજી વખત આવ્યો હોય કે શ્લોકના ચરણની પુનરૃક્તિ – પુનરાવર્તન થયું હોય. જેનાં કેટલાંક ઉદાહરણો અત્રે આપેલ છે. અધ્યાય/શ્લોક  ૩/૩૫,  ૬/૧૫  ૧૮/૪૭,  ૬/૨૮  અધ્યાય/શ્લોક   ૯/૩૪ , ૧૮/૬૫ 

૩૧. એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિષે અલગ અલગ સમજૂતી આપતાં, ટીકા-ટીપ્પણી કરતાં ૨૫૦ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે, આવાં ખૂબજ લોકપ્રિય પુસ્તકોના ઉદાહરણ રૃપ ૧૦ લેખકો અત્રે પ્રસ્તુત છે

(૧) મહાત્મા ગાંધીજી – અનાસક્તિ યોગ (૨) વિનોબા ભાવે – ગીતા પ્રવચનો (૩) આઠવલેજી – ગીતામૃતમ્ (૪) એસી ભક્તિ વેદાંત – ગીતા તેના મૂળરૃપે (૫) કિશોર મશરૃવાળા – ગીતા મંથન (૬) પં. સાતવલેકરજી – ગીતાદર્શન (૭) ગુણવંત શાહ – શ્રીકૃષ્ણનું જીવન સંગીત (૮) શ્રી અરવિંદ – ગીતાનિબંધો (૯) રવિશંકર મહારાજ – ગીતાબોધવાણી (૧૦) કાકા કાલેલકર – ગીતાધર્મ

૩૨. આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા-ને કુલ ૫૧૧૬ વર્ષ થયા છતાં ગીતામાં દર્શાવેલા ધર્મસિદ્ધાંતોનું  મતનું કોઈએ પણ કોઈ ખંડન કર્યું નથી તે જ દર્શાવે છે કે ગીતા સર્વમાન્ય ગ્રંથ છે.

૩૩. ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો અગિયારમો શ્લોક છે. આ શ્લોકથી જ ભગવદ્ ગીતાની શરૃઆત થાય છે. ગીતાની પૂર્ણાહૂતિ અઢારમા અધ્યાયના ત્રેસઠમા શ્લોકમાં ઈતિ થી થાય છે  જે સમાપ્તિસૂચક શબ્દ છે. માગશર સુદ – અગિયારસના રોજ શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી.

૩૪. ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દૃષ્ટિએ અઢારમા અધ્યાયનો છાસઠમો શ્લોક છે જેમાં શ્રીકૃષ્ણ સ્વયં પોતાના મુખેથી જણાવે છે કે હું તને સર્વ પાપોથી છોડાવીશ તેમાં તું સહેજ પણ શોક ન કર. ગીતાનો સાર પણ આ જ શ્લોકમાં છે. અર્થાત્ વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે.

૩૫. ગીતાના બધા શ્લોકો મંત્ર છે, શ્રેષ્ઠ છે પરંતુ ગીતાભક્તોની દૃષ્ટિએ, આલોચકોની દૃષ્ટિએ, વિદ્વાનોની દૃષ્ટિએ સમગ્ર ૭૦૦ શ્લોકોમાંથી ટોપ ટેન ૧૦ શ્લોકો નીચે પ્રમાણે છે. પ્રથમ આંક અધ્યાય દર્શાવે છે,  બીજો આંક શ્લોક નંબર દર્શાવે છે. (દરેક શ્લોક શ્રેષ્ઠ હોઈ મુમુક્ષુઓની પસંદગી અલગ અલગ હોઈ શકે)
૨/૨૩, ૩/૩૫, ૪/૭, ૨/૪૭, ૬/૩૦, ૯/૨૬, ૧૫/૫, ૧૭/૨૦, ૧૮/૬૬,  ૧૮/૭૮

૩૬. ગીતાના અઢારમા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલો મર્મસભર, ગીતસભર છે કે ન પૂછો વાત!! આ શ્લોકમાં અક્ષર કુલ ૧૩ વખત આવે છે, અક્ષર ૪ વખત આવે છે, ત્ર અક્ષર ૩ વખત આવે છે, અક્ષર ૩ વખત આવે છે છતાં છંદ જળવાય છે અને એટલું મધુર સંગીત સહજ ઉત્પન્ન થાય છે કે વારંવાર આ શ્લોક બસ ગાયા જ કરીએ. તમે પણ પ્રયત્ન કરી જુઓ  વારંવાર ગાવા લલચાશો.. આવા વારંવાર ગમી જાય, ગાવા માટે ઉત્સુકતા રહે તેવા ઉદાહરણરૃપ પાંચ શ્લોકો નીચે મુજબ છે  એકવાર તો ગાઈ જુઓ..  ૪/૭, ૬/૩૦, ૯/૨૨, ૧૫/૧૪, ૧૮/૭૮

૩૭. ગીતામાં ગણિતનો પણ અદ્ભુત પ્રયોગ શ્રી વેદવ્યાસે કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીતામાં ૧ થી ૧૦૦૦ સંખ્યાનો પ્રયોગ વારંવાર સંખ્યાવાચક શબ્દોથી થયો છે. માન્યામાં નથી આવતું ને..?? ગીતામાં કુલ ૧૬૫ વખત આવાં સંખ્યાવાચક રૃપકો આવે છે પણ સ્થળસંકોચના કારણે ઉદાહરણરૃપ વિગત અત્રે  પ્રસ્તુત છે
૧. એકાક્ષરમ (એક) ૨. દ્વિવિદ્યા નિષ્ઠા (બે નિષ્ઠા) ૩. ત્રિભિઃ ગુણમયૈઃ (ત્રણ ગુણ) ૪. ચાતુર્વર્ણ્યમ્ (ચાર વર્ણ) ૫. પાંડવા (પાંચ પાંડવ) ૬. મનઃ ષષ્ઠાનિ (છ ઇન્દ્રિય) ૭. સપ્ત મહર્ષય (સપ્તર્ષિ) ૮. પ્રકૃતિ અષ્ટધા (આઠ પ્રકૃતિ) ૯. નવ દ્વારે (નવ દ્વાર) ૧૦  ઈન્દ્રયાણિ દશૈકં (૧૦ ઈન્દ્રિય) ૧૧. રૃદ્રાણામ (૧૧ રૃદ્ર) ૧૨. આદિત્યાન્ (૧૨ આદિત્ય) ૧૩. દૈવી સંપદ્મ (૨૬ ગુણો) ૧૪. નક્ષત્રાણામ્ (૨૭ નક્ષત્રો) ૧૫. એતત્ ક્ષેત્રમ્ (શરીરના ૩૧ ગુણ) ૧૬. મરુતામ્ (૪૯ મરૃતો) ૧૭. અક્ષરાણામ્ (૫૨ અક્ષર) ૧૮. કુરૃન્ (૧૦૦ કૌરવો) ૧૯. સહસ્ત્રબાહો (૧૦૦૦ હાથવાળા)

૩૮. ઘણા એવી શંકા કરે છે કે યુદ્ધના મેદાનમાં આટલી લાંબી ૭૦૦ શ્લોકોવાળી ગીતા માટે કેટલો બધો સમય લાગ્યો હશે પણ આ શંકાનું પણ નિવારણ છે. ગીતાનો ૧ શ્લોક શાંતિથી, નીરાતથી ગાવામાં આવે તો માત્ર અને માત્ર ૧૦ (દસ) સેકન્ડ જ થાય છે. આ હિસાબે જો ૭૦૦ શ્લોક ગાઇએ તો ૭૦૦૦ સેકન્ડ થાય. ૧ કલાકની ૩૬૦૦ સેકન્ડ થાય એ મુજબ આખી ગીતા વાંચતા માત્ર બે કલાક જ થાય છે. આ તો પદ્યની વાત થાય છે. જ્યારે યુદ્ધના મેદાનમાં તો શ્રીકૃષ્ણ – અર્જુનનો સંવાદ ગદ્યમાં થયો હતો જેથી આવી સમય મર્યાદાની શંકા અસ્થાને છે.

૩૯. ગીતા એ માનવજીવનનું રહસ્ય છે. રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે, તો કર્મ -અકર્મનો વિવાદ પણ છે. ગાદી માટેનો વિખવાદ છે, ફરજથી પલાયનવાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદરૃપ ધન્યવાદ પણ છે.

૪૦. ગીતા વિશે એક અદ્ભુત પ્રયોગ પણ પ્રચલિત છે. જ્યારે તમે ખૂબજ મુશ્કેલીમાં હોવ, કોઈપણ રસ્તો સૂઝતો જ ના હોય, ચારે તરફથી નિરાશા જ મળી હોય ત્યારે ગીતા માતાના શરણે જાવ. ગીતા હાથમાં લો. શ્રદ્ધાપૂર્વક ૧૧ વખત શ્રીકૃષ્ણ ભગવાનનો મંત્ર બોલો. શ્રીકૃષ્ણઃ શરણં મમ  હવે ગીતા ખોલો. પેન્સિલ – પેનની અણી કોઈપણ શ્લોક ઉપર મૂકો. ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો ઉપાય – જવાબ છે. મોટાભાગના અનુભવો સફળ જ થયા છે. સુખને એક અવસર તો આપો..  મહાત્મા ગાંધીજી ખુદ કહેતા મુશ્કેલીમાં હું ગીતામાતાના શરણે જઉં છું….  જયશ્રીકૃષ્ણ… (courtesy : gujarat samacahr)