ATUL N. CHOTAI

a writer – since 2014


રાજૂલાના અશોકભાઇ સાંખટની પર્યાવરણ બચાવની પ્રેરક કામગીરી

Ashokbhai Sakhat - Rajula

Ashokbhai Sakhat – Rajula

રાજુલાનાં મધ્‍યમ વર્ગનાં અશોકભાઇ સાંખટની સાહસી વૃત્તિની કે જેમણે ભણવાની ઉંમરે પશુ પક્ષી અને સરીસૃપો અને પર્યાવરણની સેવા કરવાની ઇશ્વરીય પ્રેરણા મળી છે. દેખાવે સામાન્‍ય લાગતા અશોકભાઇ સાંખટે નાની વયથી જાપ પકડવાનું શરૂ કર્યું જે આજે છેલ્લા ૧૬ વર્ષમાં ઝેરી – બિનઝેરી ૩૦૦૦૦ (ત્રીસ હજાર) જેટલા સાપ પકડી સલામત સ્‍થળે છોડી મુકયા છે. મોટા ભાગનાં સાપને કુવામાંથી જાનના જોખમે રેસ્‍કયુ કરી પકડયા છે.

તદ્દઉપરાંત રપ૭ જેટલા મહાકાય અજગરોને જંગલ વાડી કે રહેણાંક વિસ્‍તાર અને કુવામાંથી પકડી સહી સલામત જંગલ વિસ્‍તારમાં વિહરતા છોડયા છે.  ૩ વખત ઝેરી સાપ કરડયા છતાં હિંમત હાર્યા વગર અભિયાન ચાલુ રાખી લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી અને સર્પો વિશે વિદ્યાર્થીઓને માહિતી મળે તેમજ આમ સમાજમાં રહેલો ડર દૂર થાય તે માટે શાળા, સ્‍કૂલ અને જાહેરમાં નિદર્શન કરે છે. અશોકભાઇ ઘાયલ પક્ષીઓની સારવારને શ્રેષ્‍ઠ સેવા માને છે. પ્રદુષણ ફેલાવતા રાજુલા, જાફરાબાદ પંથકનાં ઉદ્યોગો સામે તંત્રના વન તંત્રના કાન આમળતા અશોકભાઇ સ્‍પષ્‍ટપણે માને છે કે વૃક્ષોની સેવા અને જતન કરવું આપણા સૌની નૈતિક  જવાબદારી છે. તેમના બંને પુત્રો ૧પ વર્ષીય અમિત અને ૧૧ વર્ષીય મીત પણ પિતાના માર્ગદર્શન મુજબ આ કામગીરી કરી રહ્યા છે.

સેવાનાં માધ્‍યમથી પશુ પક્ષી અને પર્યાવરણ માટે કાર્ય કરતા અશોકભાઇ ના મોબાઇલ  ૯૮ર૪ર પ૭૦૭૦ માં રીંગ આવતા ઘાયલ પશુ પક્ષીની સારવાર અને સાપ કે અજગર પકડવામાટે પહોંચી જાય છે. રાજુલા, જાફરાબાદ, મહુવા, સાવરકુંડલા પંથકમાં વસતા પ્રકૃતિનાં જીવો માટે ખાસ કરીને લુપ્તતાનાં આરે આવેલ ગીધ માટે સતત ચીંતા કરતા અશોકભાઇ સાંખટને એક ઉદાર દિલનાં માનવીએ બાઇક ભેટ અર્પણ કર્યું છે. તેઓ છુટક મજુરી કરી પોતાનાં પરિવારનાં પાંચ સભ્‍યોનો જીવનનિર્વાહ કરે છે.

રાજુલામાં સર્પ સંરક્ષણ ઝુંબેશ ચલાવતા અશોકભાઈ સાંખટે ૧૬ વર્ષમાં ૨૦ હજારથી વધુ સાપને પકડીને નવજીવન લક્ષ્યું છે પણ ત્રણ વખત તો તેમને જ કામગીરી વખતે ઝેરી કોબ્રા સાપ કરડી જવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે. આમ છતાં જિંદગી ગુમાવવાનાં ભય વગર તેમણે પોતાનો સેવાયજ્ઞ ચાલુ રાખ્યો છે  હવે તો તેઓ અને તેમનાં પુત્રો અમીત અને મીત પણ લોકોને સમજાવે છે કે કોઈ પણ સાપ દેખાય તો મારી નાખવો નહીં બધા સાપ ઝેરી હોતા નથી અને છંછેડયા વગર કરડતા પણ નથી. જો સાપ દંશ મારે તો ભુવા ભરાડી પાસે જવાને બદલે ડોકટર પાસે જવું જોઈએ. રાજુલામાં ૧૬ વર્ષથી સર્પ સંરક્ષણ માટે સેવારત અશોકભાઈ સાંખટ માટે ઘણી વખત નિર્ણાયક સંજોગો નિર્માણ પામ્યા છે. જેમાં તેમના દાદા અને મોટા બાપુનાં અવસાન વખતે સ્મશાનયાત્રા સમયે ફોન આવતા પણ કોઈ વિલંબ વગર પહોંચી જઈને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી જાણી છે.