ATUL N. CHOTAI

a writer – since 2014


વિશ્વ પૃથ્વી દિન નિમિતે પૃથ્વી પરના પર્યાવરણ અંગે જાગૃતિ કેળવીને તેને બચાવીએ..

:: સંકલન ::
સોનલ જોષીપુરા
પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

ગ્લોબલ વોર્મિંગ, સમુદ્રમાં ઢોળાતું તેલ, ભુગર્ભ જળની અશુધ્ધિઓ, જંતુનાશકો, જમીનમાં ઉમેરાતા ઝેરી રસાયણો, જંગલનું ઘટતું પ્રમાણ, થર્મલ અને એટોમિક પાવર પ્લાન્ટસ, આ બધી આડઅસરોને લીધે પૃથ્વી અને તેના પર્યાવરણને થતા નુકસાન પ્રત્યે જાગૃતિ કેળવવા માટે સમગ્ર વિશ્વમાં ૨૨ મી એપ્રિલના દિવસને વિશ્વ પૃથ્વી દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરુઆત કેવી રીતે થઇ તે જોઇએ તો ઇ.સ. ૧૯૭૦ માં યુનાઇટેડ નેશન્સ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં ૨૨ મી એપ્રિલના દિવસને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવાનું નિયત કરાયું હતું. એ અગાઉ ૧૯૬૯ સુધી ૨૦ મી માર્ચ એટલે કે ઇકવીનોકસના દિવસે વિશ્વ પૃથ્વી દિવસ’ ઉજવવામાં આવતો હતો. ઇકવીનોકસના દિવસે સમગ્ર પૃથ્વીના કોઇપણ સ્થળે દિવસ અને રાતની લંબાઇ એક સરખી હોય છે. વોશિંગ્ટન ડી.સી.માં પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા માટે સેનેટર ગેલોર્ડ નેલ્સને વિશ્વ પૃથ્વી દિનને ૨૨ મી એપ્રિલે ઉજવવાનો પ્રસ્તાવ મુકયો હતો, જેને યુનાઇટેડ નેશન્સના જનરલ સેક્રેટરી યુ થાન્ટે ટેકો જાહેર કરતાં આ ઉજવણી વિશ્વવ્યાપી બની છે.

૨૨ મી એપ્રિલના દિવસે અમેરિકામાં જાપાનીઝ શાંતિ ઘંટ વગાડવામાં આવે છે. આ ઘંટ જાપાની પ્રજાએ અમેરિકાની પ્રજાને વિશ્વ શાંતિ માટે ભેટ આપ્યો હતો. સમગ્ર વિશ્વમાં પૃથ્વી તથા તેના પર્યાવરણની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો આ દિવસે યોજાય છે. પર્યાવરણીય જાગૃતિ કેળવવા સમગ્ર વિશ્વના ૧૭૪ દેશોમાં ૧૭ હજાર સંસ્થાઓના ૫૦૦ જુથો પર્યાવરણીય જાગૃતિના કાર્યક્રમો ચલાવે છે. ભારતમાં પણ પર્યાવરણ અંગેની ખાસ ઝુંબેશ વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ચલાવવામાં આવે છે. વધુ વૃક્ષો વાવવા, ઓછુ પ્રદુષણ ફેલાવવું, સમુદ્રમાં તેલ ન ઢોળવું, જમીનમાં જંતુનાશકો અને ઝેરી રસાયણો ન ઠાલવવા, અણુમથકોનો મર્યાદિત ઉપયોગ કરવો, વગેરે બાબતો થકી જ પૃથ્વીનું સંરક્ષણ કરી શકાશે. સમગ્ર બ્રહ્માંડમાં એક માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શકય છે ત્યારે પૃથ્વી પરનું આ જીવન આબાદી અને ઉન્નતિથી ભર્યું ભર્યું રહે, તે જોવાની દરેક પૃથ્વીવાસીની ફરજ છે અને આ ફરજ પૃથ્વીને બચાવવાથી જ નિભાવી શકાશે. વિશ્વ પૃથ્વી દિન ના રોજ બધા પૃથ્વીવાસીઓ પૃથ્વી પરના પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરે તો જ વિશ્વ પૃથ્વી દિન ની ઉજવણી સાર્થક થઇ ગણાશે.


રેલ્વેની બે મહિલા પાઇલોટસે મહિલા સશક્તિકરણના નવા આયામો રચ્યા છે

Train Driver Women

Train Driver Women

 :: સંકલન ::
સોનલ જોષીપુરા
પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

પારકી પંચાતનું જીવતું જાગતું સ્વરૂપ એટલે સ્ત્રીઓ, રોંગ નંબરમાં પણ કલાકો સુધી વાત કરી શકતી બહેનો, સેલ્ફી લેવા માટે જાતભાતનાં નખરાંઓ કરતી મહિલાઓ, આ અને આવી તો બીજી કેટલીય માથામેળ વગરની સ્ત્રીઓ વિષેની ટીપ્પણીને સરિતા કુશવાહા અને ભાવના ગોમેઇ નામની બે યુવતીઓએ સણસણતો જવાબ આપ્યો છે. આ બંને સાહસિક યુવતીઓએ ટ્રેઇન ચલાવીને મહિલા જગતને એક નવા જ ટ્રેક પર મુકી દીધું છે. પશ્ચિમ રેલ્વે વિભાગની ઓખા-આબુ રોડ ટ્રેઇનમાં લોકોમોટિવ પાઇલોટ તરીકે સમગ્ર ટ્રેઇનના સંચાલનની જવાબદારી સંભાળતી સરિતા કુશવાહા છેલ્લા આઠ વર્ષથી તેમની ફરજો ખૂબીપૂર્વક અદા કરી રહી છે. તેમના મદદનીશ તરીકે ભાવના ગોમેઇ છેલ્લા બે વર્ષથી આસિસ્ટન્ટ લોકોમોટિવ પાઇલોટ બનીને સરિતાજીને સંતોષજનક સહકાર આપી રહી છે.

રેલ્વેની ડયુટી કલાકો આધારિત હોય છે. ફાવી જાય તો અઘરી ન લાગે એવી આ ડયુટી નિભાવવા માટે સદા સજ્જ એવા સરિતાજી જણાવે છે કે મહિલા પાઇલોટ ટ્રેઇન ચલાવી શકશે એ વાત શરૂઆતમાં તો પેસેન્જરો સ્વીકારવા જ તૈયાર નહોતા. પરંતુ અમે મક્કમ રહીને સંપૂર્ણ સજ્જતાપૂર્વક અમારી ડયુટી કરવા માંડી એટલે સામાન્ય માણસો પણ અમારામાં વિશ્વાસ મુકતા થઇ ગયા. બાકી રહી વાત કલાકો આધારિત ફરજની તો કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીઓ પણ શીફટીંગમાં કામ કરતી જ હોય છે ને… અમારે ભાગે તો દેશના નાગરિકોને તેમની મંઝિલે પહોંચાડવાનું પડકારજનક અને પરમાર્થનું કામ આવ્યું છે એ પૂરૂં કરીને અમે અમારી જાતને બડભાગી માની છીએ.

મીકેનીકલ એન્જીનીયરીંગ ડીગ્રી ધરાવતી સરિતા કુશવાહા છેલ્લા આઠ વર્ષથી ટ્રેઇન ચલાવે છે. તેમની ભરતી આસિસ્ટન્ટ લોકોમોટિવ પાઇલોટ તરીકે થઇ હતી ત્યારબાદ પ્રમોશન મેળવીને તેઓ હવે લોકોમોટિવ પાઇલોટ બનીને પશ્ચિમ રેલ્વેમાં સફળતાપૂર્વક તેમની ફરજો અદા કરી રહયા છે તેમના અધિકારીઓ પણ તેમની કાર્યશૈલીથી ખુશ છે.

એવી જ બીજા લેડી છે કુ.ભાવના ગોમેઇ જે આસિસ્ટન્ટ લોકોમોટિવ પાઇલોટ તરીકે આ જ ટ્રેઇનમાં સરિતાજીને મદદ કરે છે. તેઓ પણ ખૂબ સાહસિક સ્વભાવના છે. ઇલેકટ્રોનિક્સ એન્જીનીયરીંગની ડીગ્રી ધરાવતી ભાવનાને નાનપણથી ટ્રેઇન ચલાવવાના અભરખા હતા એટલે એ દિશા તરફ જ પ્રયાણ કરીને તેઓ આ પોસ્ટ સુધી પહોંચ્યા છે. આ બંને બહેનો શરૂઆતમાં માત્ર ગુડઝ ટ્રેઇન જ ચલાવતી હતી પરંતુ તેમની કાર્યદક્ષતા પિછાણીને રેલ્વે અધિકારીઓ હવે તેમને મેજર પેસેન્જર ટ્રેઇનમાં પણ ડયુટી સોંપી રહયા છે. બંને મહિલાઓની ઇચ્છા રાજધાની એકસપ્રેસ ચલાવવાની છે. આ ઇચ્છા જલ્દી પુરી થાય તેવી આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કૈંક અલગ કરવા ઇચ્છતી તમામ બહેનો તરફથી શુભેચ્છાઓ…


૧૨ પ્રકારના વરસાદની ભીની ભીની વાતો..

:: સંકલન ::
સોનલ જોષીપુરા
પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

વરસાદથી ઘર બગડયાનો છણકો કરતી શહેરી મહિલાને વરસાદના મહત્વની શું ખબર પડે..?? વરસાદની જરૂરિયાત તો ખેતર ખેડીને બેઠેલા ગામડાંના ખેડૂતની ધણિયાણીને પૂછો..?? એમને માટે ભગવાન પછીનું બીજું સ્થાન વરસાદનું ગણાવશે. વરસાદ પોતે જ એટલી મજેદાર વાત છે કે એના વિષે વધારે તો શું કહેવું..?? નહાવું, પલળવું, ભીંજાવું, તરબતર થવું, વરસાદમાં ભીના થવાના પણ જો આટલા પ્રકાર હોય તો વરસાદના પોતાના કેટલા પ્રકાર હશે એ જાણવાની મોજ પડશે. પરંતુ એક શરત એ છે કે આગળ વાંચતા પહેલાં વરસાદમાં નહાવું ફરજિયાત છે..!! ગુજરાતી લોકાચાર પ્રમાણે આપણા પૂર્વજોએ વરસાદના બાર પ્રકાર પાડયા છે જેમાંથી અમુક નામો લોકજીભે ચડયા છે પરંતુ અમુક નામો તો હજુ પણ અજાણ્યા જ રહી ગયા છે આજે એ તમામ વિષે થોડું જાણીએ…

વરસાદનો પહેલો પ્રકાર છે ફરફર વરસાદ: સાવ ઓછા પ્રમાણમાં જે વરસાદ આવે અને જેનાથી નજીવા ભીના થવાય એ ફરફર વરસાદ. છાંટા વરસાદ એ બીજા પ્રકારનો વરસાદ છે જે ફરફર કરતાં થોડા વધુ પ્રમાણમાં હોય. વરસાદનો ત્રીજો પ્રકાર છે ફોરાં અગાઉના બંને વરસાદ કરતાં સ્હેજ વધુ વરસાદ કે જે જમીનને ઉપરછલ્લી પલાળે તે ફોરાં વરસાદ. કરા પ્રકારના વરસાદથી પણ માણસો પરિચિત હોય જ છે. હવે આવે છે વરસાદનો એવો પ્રકાર, જેનાથી સામાન્ય માણસો બહુ જાણતા નથી, એ છે પછેડી વા વરસાદ વ્યક્તિ પાસે પછેડી (અથવા અત્યારની યુવતીઓ પાસે સ્ટોલ) હોય અને એ માથે ઢાંકવાથી પલળવામાંથી બચી જવાય એટલો વરસાદ એટલે પછેડી વા વરસાદ. એવો જ એક ઓછો જાણીતો વરસાદ છે મોલ મે ખેતર ખેડીને ખેડૂત આતુર નજરે જે વરસાદની રાહ જોતો હોય અને ધરતીને તરબતર કરી મુકે એવો મેહ એટલે મોલ મે વળી પાછા વરસાદના એક નવતર પ્રકારની વાત કરીએ ઢેફાંભાંગ વરસાદ ખેડાઇ ગયેલા ખેતરની ઢેફાંબંધ માટીને પલાળીને તેનો ગારો કે કીચડ કરી નાખે તે ઢેફાંભાંગ વરસાદ.

કુવાની સપાટી ઉંચી આવી જાય તેવો વરસાદ એટલે પણ મૂક વરસાદ અનરાધાર વરસાદ એટલે એવી રીતે એકધારો પડતો વરસાદ કે જાણે વરસાદની ધાર થતી હોય એવું લાગે અનરાધાર વરસાદની આવી વ્યાખ્યા તો તમને ખબર જ નહોતી ને..?? મુશળધાર એટલે બે કે વધુ ધારા ભેગી થઇને આખા ગામને ધમરોળે એવો ગાંડો વરસાદ, નેવાધાર વરસાદ એટલો જાણીતો છે કે એના વિષે કંઇ લખાય તો એ વરસાદનું અપમાન કર્યું ગણાશે અને અંતે હેલી એટલે ઉપરના અગિયારેય પ્રકારના વરસાદ વારાફરતી સાત દિવસ સુધી રોજ વરસતા રહે એ હેલીનો વરસાદ.. કમોસમી વરસાદને માવઠું કહેવાય, ખૂબ વરસાદને લોકબોલીમાં સૂપડાંધાર કે સાંબેલાધાર વરસાદ કહેવાય અને મચ્છરિયો વરસાદ પણ હોય જ છે ને… ટૂકમાં બારેય મેઘ ખાંગા થયા એવું કયારેક સાંભળવામાં આવે તો બાર મેઘ વળી કયા..?? એવો સવાલ ન થાય એ માટે જરા આટલું…  raining types informative story by sonal joshipura information department rajkot gujarat india


ગુજરાતની મહિલાઓને અભય બનાવવા રાજય સરકારે હેલ્‍પલાઇન સેવા- અભયમ્ શરુ કરી

Women Help Line

Women Help Line

૧૮૧ નંબર ડાયલ કરવાથી મહિલાઓને કોઇ પણ પ્રકારની મુશ્‍કેલીમાં તાત્‍કાલિક સેવા મળી શકશે.

 લેખન  – સંકલન  :
સોનલ જોષીપુરા

પ્રાદેશિક માહિતી કચેરી, જયુબેલી બાગ ની અંદર- રાજકોટ

 

ગુજરાતના મોટા ભાગના શહેરો કે ગામોમાં રાત્રે બાર વાગ્યે પણ બહેન-દીકરીઓ સલામત રીતે હરી-ફરી શકે છે. બહેનોને માણવા મળતી આ સ્‍વતંત્રતાને અખંડિત રાખવા રાજય સરકારે બહેનોને વધુ એક સગવડ ઉપલબ્‍ધ કરાવી આપી છે, જેનું નામ છે-‘‘અભયમ્’’ સેવા…!!

મોબાઇલ કે લેન્‍ડલાઇન નંબર પરથી ૧૮૧ નંબર ડાયલ કરવાથી આ ‘‘અભયમ્’’ સેવાનો લાભ લઇ શકાય છે, જે માત્ર મહિલાઓ માટે શરૂ કરાઇ છે, અને કોઇ પણ પ્રકારની મુશ્‍કેલીના સમયે બહેનોને ઝડપી અને વિના મૂલ્‍યે સેવા આપે છે. મહિલાઓ પરના અત્‍યાચારના બનાવો ગુજરાતમાં ન બને તે માટે રાજય સરકારે સેવેલી ચિંતામાંથી જન્‍મ થયો છે આ ‘‘અભયમ્’’ સેવાનો… આપત્તિના સમયે ૧૪ વર્ષથી વધુ ઉંમરની કોઇ પણ સ્‍ત્રી ૧૮૧ નંબર મોબાઇલ કે લેન્‍ડ લાઇન ફોન પરથી ડાયલ કરશે કે તરત જ હેલ્‍પલાઇન ટીમ આ ફોન ઉપાડશે અને શહેરી તેમજ જિલ્‍લા મહિલા રેસ્‍કયુ વાન ટીમને સ્‍થળ પર મદદ માટે રવાના કરશે.

આ ‘‘અભયમ્’’ સેવા રાજયના મહિલા અને બાળ વિકાસ તથા ગૃહ વિભાગ દ્વારા અમલી બનાવવામાં આવી છે. જેમાં રાજય મહિલા આયોગ, વિવિધલક્ષી મહિલા કલ્‍યાણ કેન્‍દ્રો, આશ્રયગૃહ, આરોગ્ય સેવા, કુટુંબ સલાહ કેન્‍દ્ર, પોલિસ સહાય અને કાનુની સલાહ કેન્‍દ્રનો સહયોગ લેવાયો છે. ૧૮૧ નંબર પર ફોન કરનાર તમામ મહિલાઓની ઓળખ ગુપ્‍ત રાખવામાં આવશે. ‘‘અભયમ્’’ના માધ્‍યમ થકી મહિલાઓને ૨૪ કલાક તાત્‍કાલિક મદદ-માર્ગદર્શન-સલાહ મળી શકશે. મહિલાઓને ભોગવવી પડતી ઘરેલુ હિંસા, દુર્વ્‍યવહાર, છેડતી વગેરેનો સામનો કરવામાં આ સેવા એક અમોઘ શસ્‍ત્ર પુરવાર થશે. ઘરેલુ હિંસાનો ડર અનુભવી રહેલી મહિલાઓને આ હેલ્‍પલાઇન સલામત સ્‍થળે લઇ જઇ શકશે. માંદગી, સામાજિક સંબંધોમાં વિખવાદ, જાતીય સમસ્‍યા, કાનુની જોગવાઇઓ, કાર્યક્રમો-યોજનાઓ-સેવાઓ વગેરેની લગતી માહિતી પણ ૧૮૧ નંબર ડાયલ કરવાથી મળી શકશે. આ હેલ્‍પલાઇનને પોલિસ હેલ્‍પલાઇન, ચાઇલ્‍ડ હેલ્‍પલાઇન, મહિલા આયોગની હેલ્‍પલાઇન, ૧૦૮ હેલ્‍પલાઇન, વગેરે સાથે પણ જોડવામાં આવેલ છે. પોલિસ સ્‍ટેશનમાં બેઠેલી મહિલા અને પર્સમાં મોબાઇલ લઇને ફરતી મહિલા હવે એકસરખી જ સલામત અને કોઇ પણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા સક્ષમ છે, કેમ કે હવે તેની પાસે રાજય સરકારે શરૂ કરેલી ૧૮૧ નંબરની ‘‘અભયમ્’’ સેવા ઉપલબ્‍ધ છે, મહિલા સશક્તિકરણની દિશામાં આ એક અસરકારક પગલું પુરવાર થશે, એમાં બેમત નથી.