ATUL N. CHOTAI

a writer – since 2014


કોઈ પણ કામને દિલ દઈને કરવું જોઈએ…

-આશુ પટેલ

થોડા સમય અગાઉ એક પત્રકારમિત્રએ વોટ્સએપ પર એક મેસેજ મોકલ્યો. એ મેસેજ તો નાનકડો હતો, પણ એનું હાર્દ સરસ હતું એટલે એ મેસેજ પરથી આ કોલમ માટે લેખ લખવાનું સૂઝયું.

એક શ્રીમંત માણસ અનેક પ્રકારના વ્યવસાય કરતો હતો. એ પૈકી એક વ્યવસાય મકાનો બાંધવાનો પણ હતો. તે શ્રીમંતનો એક જૂનો અને વફાદાર કર્મચારી હતો. શ્રીમંત જે મકાનો બાંધતો હતો તેનું સુપરવિઝન તે કરતો હતો. શ્રીમંત તેના પર ખૂબ વિશ્વાસ મૂકતો હતો. તે શ્રીમંતના વફાદાર કર્મચારીની નિવૃત્તિની ઉંમર થઈ ત્યારે શ્રીમંતે તેને કહ્યું કે તારે નિવૃતિ લેવાની જરૂર નથી. તને ઈચ્છા થાય એટલા વર્ષ તું મારી સાથે કામ કરી શકે છે. જો કે નિવૃત્ત થઈ રહેલા કર્મચારીએ કહ્યું કે મેં ચાર દાયકા સુધી તમારી સાથે કામ કર્યું અને મને તમારી સાથે કામ કરવાની મજા પણ આવી, પરંતુ હવે મારા દીકરાઓ કમાતા થઈ ગયા છે અને હું નિવૃત્ત જીવન ગાળવા માગું છું.

શ્રીમંતે કહ્યું, તારી ઈચ્છા નિવૃત્તિ લેવાની જ હોય તો વાંધો નહીં, પણ તું મને એક છેલ્લું મકાન બાંધી આપ.. નિવૃત્ત થઈ રહેલા કર્મચારીને થયું કે નિવૃત્ત થઈ ગયા પછી પણ શેઠ કેમ કામ સોંપી રહ્યા છે..?? જોકે તેણે કહ્યું કે ઠીક છે. શ્રીમંત તેને એક જગ્યા બતાવવા લઈ ગયો. ત્યાં એક નાનો બંગલો બની શકે એટલી જગ્યા હતી. શ્રીમંતે તેને કહ્યું કે આ જગ્યામાં તને ઠીક લાગે એવું મકાન બાંધી આપ. પૈસાની ચિંતા ન કરતો.  નિવૃત્ત થયેલા કર્મચારીએ ત્યાં મકાનનું બાંધકામ શરૂ કર્યું. પણ તેને એ કામ કરવા માટે બહુ ઉત્સાહ નહોતો. એટલે તેણે વહેલી તકે કામ પતે એવી ડિઝાઈન પસંદ કરી અને કામ ચાલુ કરાવ્યું. થોડા મહિનાઓ પછી તેણે મકાનનું બાંધકામ પૂરું કર્યું અને શેઠને બોલાવીને મકાન બતાવ્યું.

શેઠને એ મકાન બહુ પસંદ ન પડ્યું હોય એવું તેમના ચહેરા પરથી લાગ્યું. જો કે તેમણે કશું કહ્યું નહીં. શેઠ મકાન જોઈને બહાર નીકળ્યા એ પછી નિવૃત્ત થયેલા કર્મચારીએ મકાનને તાળું મારીને તેમને ચાવી આપી. શેઠે એ ચાવી તેને પાછી આપતા કહ્યું કે મેં આ મકાન તારા માટે જ બંધાવ્યું છે. તેં આખી જિંદગી વફાદારીપૂર્વક મારા માટે કામ કર્યું એટલે મારે તને ભેટ આપવી હતી.. નિવૃત્ત થયેલો કર્મચારી થોડી વાર શેઠ સામે અને થોડી વાર મકાન સામે જોઈ રહ્યો. તેને અફસોસ થયો કે પોતે આ મકાન બનાવવાના કામમાં વેઠ ઉતારી હતી.. સાર એ છે કે માણસે કોઈ પણ કામ દિલ દઈને કરવું જોઈએ… (મુંબઈ સમાચાર માંથી સાભાર)


હે ભગવાન સંભાળી લેજે..

mitesh ahir

mitesh ahir

– મિતેષ પી. આહીર
મો : ૯૭૨૫૦ ૫૫૨૯૯
રાજકોટ

આજે મારે વાત કરવી છે એક સજજન રીક્ષાવાળાની… હે ભગવાન સંભાળી લેજે.. અે ઉદ્દગાર આ રીક્ષાવાળાના છે. તમને પ્રશ્ન થયો હશે કે રીક્ષાવાળો ને વળી સજજન..?? તો હા મને પણ તેની મુલાકાતથી આવુ જ આશ્ચર્ય થયુ હતું અને માનવુ પડયુ કે બધાય રીક્ષાવાળા ખરાબ નથી હોતા.. આમ તો હજી હમણા જ રાજકોટમા એક રીક્ષાવાળાએ એક બાળકી અને અેક વૃધ્ધા સાથે ક્રુરતા આચરી મોતને ઘાટ ઉતારી દીધાનો કિસ્સો બન્યો ત્યારે જ મારે આ અપદવારૂપ અનુભવ લખવો હતો કે બધાય રીક્ષાવાળા એવા ખરાબ નથી હોતા, કોઇ સારા પણ હોય છે પણ આળસમાં ઘણો વિલંબ થઇ ગયો. ખેર આજે સમય મળ્યો છે તો ચાલો વાત માંડુ છું…

હું અને મારા પત્ની રાજકોટના પેલેસ રોડ પરના આશાપુરા માતાના મંદિરે ઘરેથી પગપાળા દર્શન કરવા ગયા હતા વળતા રીક્ષાની રાહ જોઈને રોડ પર ઉભા હતા. એક રીક્ષાવાળો આવ્યો ને સીધ્ધુ સાવ વ્યાજબી ભાડુ કેહતા અમે તરત બેસી ગયા.. મજાની વાત હવે શરૂ થઇ. થોડે આગળ જતા તેણે મેઇન રોડ પરથી આડી ગલીમાં રીક્ષા લીધી અને બોલ્યો બે મીનીટ હો સાહેબ મારૂ એક કામ પતાવી લઉ મે કીધુ કાઈ વાંધો નઈ.. રીક્ષા ઉભી રાખી આગળ હેંડલ પાસે તેણે બહુ સાચવીને રાખેલ કાગળનું એક પડીકુ હાથમાં લીધું ને ફટાફટ કોઇને આપી અાવ્યો પાછી રીક્ષા મેઇન રોડ પર લઇ લેતા એની મેળાયે જ ખુલાસો કરવા લાગ્યો સાહેબ તમને થયુ હશે ને કે ઇ પડીકામાં શું હશે..?? તો તમને જણાવી દઉ કે ઇ પડીકામાં રૂપિયા પચાસ હજારની ચાંદી હતી.. હું મનમા હસ્યો કે એમા અમને શું ફેર પડે..?? પછી સમજાઇ ગયુ કે આ જણ વાતોડીયો લાગે છે. મે હોકારો દેવાનું ચાલુ રાખ્યું. એ બોલ્યે જતો તો કે સાહેબ જેમ તમારે રીક્ષાવાળાની જોઇને પસંદગી ઉતારવી પડે છે એમ અમારેય સમજી વિચારી ને પેસેન્જર બેસાડવા પડે. મારી પાસે આટલુ જોખમ રોજ સવારે હોય. જેવા તેવા ને બેસાડુ તો મનેય લુંટી જાય બોલો સાચી વાત કે નહીં..?? મે કીધુ સાચી વાત હો, પણ આટલી ચાંદીની તમારે રોજ હેરાફેરી શેની હોય..??

તો કહે કે મારા વૃધ્ધ પિતા ધરે ચાંદીનું કામ કરે છે તેમના શેઠ બહુ વિશ્વાસુ હોવાથી અમને ઘરે બેઠા ચાંદીકામ કરવા આપે છે. રાત્રે હુ ફ્રી હોય તો હું પણ એમને એ કામમાં મદદ કરૂં. મારા પત્ની પણ થોડુ ઘણુ કરાવે. જે કામ થયુ હોય તે સવારે શેઠને આપી આવવાની જવાબદારી હું સંભાળું. રીક્ષા આગળ વધતી ગઇ તેમ તેમ તેની ફીલસુફી ભરી વાતો પણ લંબાતી ગઇ. મે કીધુ વાહ તમારૂ તો આખુ ઘર મહેનતું લાગે છે..?? તમે છો તો રીક્ષાવાળા પણ બહુ સારા પરીવારમાંથી આવતા લાગો છો. ત્યા તો ગદગદીત થઇ ગ્યો. રહેવા દયો હવે, અમને રીક્ષાવાળાને કોઇ સારા ન જ ગણે.. આ તો તમે સારા છો એટલે તમે મને સારો કહો છો. એમ તો હું પણ પેસેન્જરોને વરતતો થઇ ગ્યો છું. તમે સારા લાગ્યા એટલે તો બેસાડયા હતા બાકી આટલુ ચાંદી સાથે હોય ત્યારે રીક્ષા ઉભી જ ન રાખું. અને હા સાહેબ હું ભગવાન પર ભરોસો રાખીને રોજીરોટી રળવાવાળો માણસ છું. તમારેય કયાં ભાડા બાબતે મારી સાથે બારગેનીંગ કરવુ પડયું..?? આપણુ ભાડુ વ્યાજબી જ હોય.. છતાય કયારેક એવા ભટકાઇ જાય તો ભાડુ જતુય કરવુ પડે છે..

મે સવાલ કર્યો ભાડુ જતુ કરવુ પડે એટલે..?? ઇ કાઇ સમજાણુ નહી.. રીક્ષાવાળા કોઇ દિવસ પાઇ પણ જતી કરતા હશે..?? તે થોડુ હસ્યો ને અરીસામાથી મારી સામે જોતા જોતા બોલ્યો હા સાહેબ હું ભલો ભોળો સીધો સાદો માણસ છું, અને અમને રોજ સારા નરસા અનુભવ થતા રહે છે. ઘણી વખત કોઇ માથાભારે કે દારૂડીયા રીક્ષામા બેસી જાય અને તે કહે ત્યાં હૂ ઉતારી દવ એટલે મોટો રૂઆબ કરીને બોલે ચાલ ચાલ નીકળ અમારૂ ભાડુ ન હોય.. મને ઓળખતો નથી..??
બસ હું તેને ઉતારીને તરત આકાશ તરફ જોઇ લઉ અને મનમા જ બોલી નાખુ હે ભગવાન સંભાળી લેજે… પછી ત્યાંથી આગળ નીકળી જાવ. મે વળી પાછુ ઉત્સુકતાથી પુછયુ હે ભગવાન સંભાળી લેજે અેટલે શું..?? તે બોલ્યો અરે આટલુ સીધુ સાદુ ગણિત પણ ન સમજયા.??. હે ભગવાન સંભાળી લેજે એટલે હિસાબ સમજી લેજે. કોઇ ભાડુ ન આપવાની દાદાગીરી કરે તો હું તો તેમને પહોચી ન શકુ એટલે એ હિસાબ સમજવાનું કામ ભગવાનને સોંપી દઉ છું અને હા જેણે મને ભાડુ ન ચુકવ્યુ હોય તેના બદલામા તેને શું ફાયદો કે નુકશાન થાય તે નથી જાણતો પણ એટલુ તો દ્રઢ વિશ્વાસ સાથે કહી શકુ કે મને જે ભાડુ ન ચુકવાયુ હોય તેનાથી બમણું કે ત્રણ ગણુ ભગવાન મને કોઇને કોઇ રીતે આપી જ દે છે.. હું મનોમન બોલી ઉઠયો વાહ દોસ્ત વાહ.. તુ તો મને બહુ અગત્યનો પાઠ શીખવી ગયો.. અમારો મુકામ આવતા ઉતરી ગયા… હા નક્કી કરેલુ ભાડું ચુકવીને.. પછી તો હું ય શીખી ગયો.. બસ જયારે જયારે મને કોઇ વગર કારણે નુકશાન પહોચાડે છે ત્યારે હું પણ ઉપરવાળાને હિસાબ સોપી દઉ છું..


હું છું તો બધું છે…

I Am Something

I Am Something

– મિલન ત્રિવેદી

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્ર્વાન તાણે.. આ તમે વર્ષોથી સાંભળતા આવ્યા છો. આ ઉદાહરણ શોધવા દૂર જવાનું નથી તમે કોઈ પણ એક કુટુંબ જુઓ એટલે એક માણસ તો મળી જ રહેશે કે જેને લાગતું હશે કે આખું કુટુંબ માત્ર તેના પર જ ચાલે છે અને આ વાત એ આખા ગામને કહેતો ફરતો હશે પણ હકીકતમાં જો તપાસ કરો તો ખબર પડશે કે આખું કુટુંબ આવું કહેવાવાળાને નિભાવતું હોય છે કારણ કે એ ગામ આખાને કહેવામાંથી ફ્રી થાય તો ઘરમાં ઉપયોગી થાય ને..? આ વ્યક્તિનું કામ માત્ર સલાહ આપવાનું હોય છે અને જો તેની સલાહ ન માનવામાં આવે તો ઘર આખું માથે લે પણ કુટુંબ એટલે બુદ્ધિશાળી માણસોનો સમૂહ. સમજીને તેને હા પાડી તેનાથી વિરુધ્ધ રીતે કામ પૂરું કરે એટલે ૧૦૦ % કામ પાર પડી જ જાય છતાં પરિણામ પોતાના લીધે જ આવ્યું છે એમ કહેતા હોય આમ જુઓ તો તેની વાત સાચી પણ કહેવાય કે તેની વાત ન માની એટલે જ કામ સમયસર પૂરું કરી શકાયું હોય.

હું શબ્દ મિથ્યાભિમાન છે પણ આ મિથ્યાભિમાન એટલી હદે ઘર કરી ગયું હોય છે કે અનુસંધિત વ્યક્તિઓ માટે પણ અભિમાન તો હું જ લેતો હોય છે. જેમ કે ‘મારા ફુવા પી.આઇ. છે’, સગપણ કોઈકે કરાવ્યું હોય, બહેન સાથેના ખરાબ સંબંધને કારણે ઘેર આવતા જતા ન હોય પણ ‘મારા ફુવા’ કહીને હું તત્ત્વ પોષવામાં આવતું હોય છે. ‘મારા દૂરના કાકાનો અમેરિકામાં ૩૦૦૦ વારનો બંગલો છે, સ્વિમિંગ પુલ, ગેઇમઝોન, જીમ, કાર્ડરૂમ બધુ છે. ચાર ચાર તો ગાડી છે ભાઈ ક્યારેય અમેરિકા જઈ શકવાના નથી અને પોતે ૧૨ x ૧૨ ના રૂમમાંથી બહાર નીકળ્યો ન હોય પણ દૂરના કાકાના બંગલાના વખાણ કરીને પોતાના હું તત્ત્વને સંતોષતો હોય છે. અમેરિકા વાળા કાકાએ પોતાની મહેનતથી આ બધુ ઊભું કર્યું હોય. આ માણસ જેટલી મહેનત કાકાનો પ્રચાર કરીને હું તત્ત્વને પોષવામાં કરે એટલી જ મહેનત જો પોતાના માટે કરે તો એટલીસ્ટ બાર બાય બારની ઓરડીમાંથી એકાદ ફ્લેટ ખરીદી લીધો હોય..

આ હું માત્ર વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી કોઈ કંપની પેઢી કે સમૂહને પણ લાગુ પડતું હોય છે. તમે શહેરનાં અખબારોમાં કે જાહેરાતોમાં અમુક શબ્દો વાંચશો જ સૌથી વધારે વંચાતું અખબાર કોઈ પોળ કે ચાલમાં લાયબ્રેરી હોય અને એક જ છાપું આવતું હોય અને ત્યાંના લોકો એક પછી એક આવીને વાંચી જતા હોય અથવા શહેરમાં ગાઠિયાં – ભજીયાં પેક કરવામાં આ જ અખબારનો ઉપયોગ થતો હોય તો અનાયાસે વંચાય જતું હોય ત્યારે માલિક લખે કે સૌથી વધુ વંચાતું અખબાર અમારું છે.. શહેરનું સર્વપ્રથમ અખબાર તમે જરા પણ નહીં માનતા સર્વપ્રથમ એટલે નંબર ૧. અહીં સર્વપ્રથમનો અર્થ એવો ગણવો કે માત્ર બે જ પેઇજમાં અખબાર બહાર પડતું હોય એટલે હજુ ચા પીવો ત્યાં તો મશીનમાંથી બહાર આવી જાય અને ફેરિયાઓને સોંપાય જાય. બીજા અખબાર આવે એ પહેલા જ બહાર પડી ગયું હોય ત્યારે અભિમાન લેવામાં આવે કે શહેરનું સર્વપ્રથમ અખબાર! સૌથી વધારે ફેલાવો ધરાવતું અખબાર અમુક અખબાર વાંચવા તો શું જોવા પણ ન ગમે તેવા હોય ત્યારે હાથમાં આવતાની સાથે જ બાજુવાળાને આપી દેવામાં આવતું હોય છે અને બાજુવાળો એ સુગ સાથે જ આગળ વધારે આમ થોડી જ વારમાં ઘણા હાથોમાં ફેલાય જતું હોય. પિકનીક પર જતી વખતે કપડા ન બગડે એટલે પહેલા એ અખબાર ફેલાવવામાં આવતું હોય ત્યારે સૌથી વધારે ફેલાવો ન ગણાય તો શું ગણાય..? સૌથી વધારે વેચાતું અખબાર આવા અખબારવાળાની વાત પણ ખોટી નથી. કોઈ ક્રિમીનલ કે પોલિટીશિયનના હાથે વેચાય જ જતું હોય છે. જે રૂપિયા આપે તેની વાહ વાહ કરવાની તો આવા અખબારને હક્ક હોય કે લખે સૌથી વધુ વેચાતું અખબાર.. એક માત્ર સત્ય હકીકતો રજૂ કરતું અખબાર આવાં અખબારો ન્યૂઝ નહીં વ્યૂઝ છાપતા હોય છે. અમારું માનવું આમ છે અને તેને જ સત્ય ગણી લેતા હોય છે. જો કે કૌંસમાં રહેલો (અ)સત્ય આવા અખબારને વધારે લાગુ પડતો હોય છે. સૌથી વધારે જગ્યાએથી પ્રસિદ્ધ થતું અખબાર આ વાત જરા પણ ખોટી નથી. ભાઈ પાસે મશીન જૂનું હોય એટલે માત્ર ૫૦૦ કોપી જ છાપી શકતું હોય ત્યારે દરેક એરિયામાં રહેલા પ્રેસ પાસે જઈને ૫૦૦ – ૫૦૦ કોપી છપાવવી પડતી હોય ત્યારે સત્ય જ લખે છે કે સૌથી વધારે જગ્યાએથી પ્રસિદ્ધ થતું અખબાર. નિડર અને નિષ્પક્ષ અખબાર આવું અખબાર એટલું નીડર અને નિષ્પક્ષ હોય છે કે નિષ્પક્ષ રીતે દરેક પક્ષને પૂછે કે આ સમાચાર છાપીએ..? અને હા પાડે તો જ છાપે એટલું નીડર હોય છે. આટલી હદે હું શબ્દનો દુરઉપયોગ થતો હોય છે.

ઘરની બહાર ભાઈ નીકળ્યા હોય અને પાડોશી કહે કે આમને હૉસ્પિટલ લઈ જશો..?? હૉસ્પિટલે લઈ ગયા હોય અને પછી વાતો કરતા હોય કે તે દિવસે હું ન હોત તો આજે ચંદુભાઈ જીવતા ન હોત’ એ ભાઈને પછી એ ખબર ન હોય કે એ તો છોડીને જતા રહ્યા હોય અને ચંદુભાઈને ખાલી ગેસ હોય અને ગેસમાં કોઈના મરી જવાના દાખલા નથી બેઠાં પણ હું ન હોત તો નો ખયાલ આ ભાઈના મગજમાંથી ક્યારેય ન નીકળે. આખી મિનીસ્ટ્રી દેશને ડામાડોળ થતો બચાવવા સતત પ્રયત્નશીલ હોય, લશ્કર અને પોલીસ પ્રશાસન પોતાના જીવના જોખમે દેશને સુરક્ષિત રાખવા ખડે પગે હોય પણ પક્ષના એક નાનામાં નાના કાર્યકરને એમ જ હોય કે મારા વિસ્તારના મત જો મેં ન અપાવ્યા હોત તો સરકાર રચી જ ન શકાણી હોત. હું આ પક્ષનો કાર્યકર છું એવી માન્યતા તેને પક્ષના તારણહારની કક્ષામાં મૂકી દે અને તેનું હું તત્ત્વ પરાકાષ્ઠાએ પહોંચાડી દે. આ હું શબ્દમાંથી બહુ ઓછા બાકાત રહે છે. મને ઘણા લોકો વાતો કરીને વિષયવસ્તુ આપતા હોય છે અને હું બધાને કહેતો ફરુ છું કે વાંચ્યો મારો લેખ..? કેમ બાકી..?

સવારથી સાંજ સુધી માણસ હું તત્ત્વમાંથી બહાર નીકળી શકતો નથી. હુંમાંથી અમે અને અમે માંથી આપણે બનવા હજુ તો ઘણા પ્રયત્નો કરવા પડશે. એક જ વાર જો અલગ અલગ વ્યક્તિત્વ બનવાને બદલે એક ટીમ બનશે તો કદાચ ફરી એવો પ્રશ્ર્ન નહીં આવે કે હું કરુ છું. જ્યારે જ્યારે અમે કરીએ છીએ એવું બોલવામાં આવે છે ત્યારે સ્ટ્રેન્થ વધે છે, તાકાત વધે છે અને જીત હંમેશાં સમૂહની થાય છે જ્યાં ઇગો જતો રહે છે અને ખરા અર્થમાં કુટુંબ બને છે. આ વાત જ્યારે સમજાણી ત્યારે મેં સભાન પણે હું તત્ત્વનો નાશ કરવાનો નક્કી કર્યું અને મારી જાતને સતત મનાવી અને પ્રયોગમાં મૂકી પણ જ્યારે હું આ બધી પરિસ્થિતિઓ પાર કરીને હું તત્ત્વમાંથી બહાર નીકળ્યો અને બેઠો એવો પહેલો વિચાર આવ્યો કે આ તો હું હતો કે હું માંથી બહાર નીકળ્યો બાકી બીજા કોઈનું કામ નથી હવે તમે એમ ન કહેતા કે આ તો હું હતો કે આખો લેખ વાંચ્યો બાકી બીજા કોઈનું કામ નથી.. (courtesy : mumbai samachar)


રી – ટેઈક વગરના રિયલ સીન અને આપણી નિષ્ઠુરતા..

Poor People

Poor People

એક ગરીબ અને લાચાર મહિલા અને એક પાલતું શ્વાન પોતાના પેટનો ખાડો પુરવા નવી નવી તરકીબો દ્ધારા લોકોને શહેર ના રસ્તાઓ ઉપર મનોરંજન પૂરું પાડી રહયા છે. જયારે આ તસ્વીરમાં મફતમાં મનોરંજન કરતા વાનરની વફાદારી અને મહિલાની મજબુરી પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. આજે સામાન્ય માણસને પોતાનું જીવન ગુજારવા જીવનમાં કેવા કેવા ખેલ કરવા પડે છે તે આ લોકો દ્વારા આપણને ખબર પડે છે.

આવા પરપ્રાંતિય પરિવારના લોકો શહેરના રાજમાર્ગો પર એક ૮ થી ૯ વર્ષની બાળકી સાથે અચંબાભર્યા ખેલ કરતા જોવા મળે  છે આઠેક ફૂટ ઉપર બાઘેલા દોરડા પર બાળકીના આવા હેરતભર્યા ખેલ જોઈ પસાર થતા લોકો પણ પોતાના વાહન થંભાવી બાળકીના ખેલ જોવા ઉભા રહી જાય છે અને જતા જતા ઘણા લોકો ૫ કે ૧૦ રૂપિયા આપતા જાય છે ત્યારે આ ખેલ જોઈ આટલું તો જરૂરથી શકાય કે અમુક લોકો આને રમત કહે છે પણ આ પરિવાર માટે આ રમત નથી આ રી-ટેઈક વગરના રિયલ સીન કરવામાં જોખમ પણ એટલું જ રહેલું છે પરંતુ પેટનો ખાડો પુરવા માટે આ ખેલ કરવો જરૂરી પણ છે

જો કે આર્થિક ઔદ્યોગિક પ્રગતિના યુગમાં આજે પણ એવા સેંકડો પરિવારો છે જેમને એક ટંક ભોજન માટે પણ કાળી મજુરી કરવી પડે છે મોટેરાઓ શ્રમ ઉઠાવે તે સમજી શકાય પરંતુ આવા પરપ્રાંતિય પરિવારના બાળકો પણ ગરીબી સાથે જિંદગીનો તાલમેલ મેળવવા વાસ પર ચાલી પોતાની જિંદગીને જોખમમાં મૂકી રહ્યા છે આજકાલ શહેરના રાજમાર્ગો પર આ પ્રકારના દ્વશ્ય સામાન્ય બની ગયા છે. આજે ઘણા શ્રીમંત લોકો મોજ શોખ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતા અચકાતા નથી હોતા પણ આવા લોકોને ૫ કે ૧૦ રૂપિયા દેતા તેનો જીવ નથી ચાલતો હોતો જે પણ ખરેખર એક સમજવા અને વિચારવા જેવી વાત હોય તેવું નથી લાગતું..??


પરાણે રજા ભોગવતા આ પરીવારોના મ્હો પર સ્મીત લાવવું જરૂરી છે

Small Family in Our City

Small Family in Our City

આપણે સહુ વરસાદી વાતાવરણ હોય કે હડતાલ હોય કે તહેવારના દિવસો હોય ત્યારે જલસા કરવાના મુડમાં આવી જઈએ છીએ પણ ઉપર આભ અને નીચે ધરતી જ જેનો આશરો છે તેવા ઘણા ગરીબ અને શ્રમીક પરિવારોથી લઇ રોજ નું કરી રોજ ખાતા હોય તેવા સામાન્ય લોકોની વસ્તી પણ આપણે ત્યાં ઉડીને આંખે વળગે એટલી છે. શહેરી ધમધમાટના માહોલ વચ્ચે આવા લોકોનું શું થતું હશે..?? તે વિચારવાની અને આપણે કઈ રીતે આ પરિવારોના મ્હો પર સ્મીત લાવી શકીએ તેવા પ્રયત્નો કરવાની જરૂર હોય તેમ નથી લાગતું..??


મોબાઈલનો સમજદારી અને વિવેકથી ઉપયોગ કરવો આપણા ફાયદામાં જ છે

લેખન – સંકલન  : અતુલ એન. ચોટાઈ – રાજકોટ

મોબાઈલ.. આ ચાર અક્ષરનો શબ્દ આજે ભારતના દરેક નાગરિકની લોકજીભ ઉપર જોવા મળે છે. કોમ્યુનીકેશન ક્ષેત્રે આવેલી જબરજસ્ત ક્રાંતિનો લાભ આપણે મેળવીએ છીએ આપણને કદાચ એ દિવસો જરૂર યાદ હશે..!!  જ્યારે આપણે આપણા સગા – સંબધીઓનો એક અવાજ સાભળવા માટે ટ્રન્કકોલ કરતા અને કલાકો સુધી રાહ જોતા અને આજે ફક્ત બટન દબાવતા જ આપણે દુનિયા ના કોઈપણ ખૂણેથી ગમે તેનો સંપર્ક કરી શકીએ છીએ છે ને અદભુત વાત..!!

મોબાઈલથી વાતચીત સિવાયના ઘણા ઉપયોગી કામો કરી શકાય છે પણ આપણે સાચી સમજણના અભાવે બિનઉપયોગી કામ વધારે કરી રહ્યા છીએ જેથી આ બધી વસ્તુના મનફાવે તેવા અતિરેકથી ઘણીવાર બીજા લોકોને પણ માનસિક ત્રાસ પહોચે છે જે આપણે સમજી શકતા નથી કે કદાચ સમજવા માંગતા નથી.. આજે મોબાઈલનો જરૂર પુરતો ઉપયોગ જ કરવાનો હોય તેની બદલે આપણે આપણી ઈચ્છા મુજબ મનફાવે તેમ દુરપયોગ ચાલુ કરીએ છીએ મોંધવારીનાં આ જમાનામાં મોબાઈલમાં વાત કરવી સસ્તી થઇ ગઈ છે અને એટલો જ બીજા લોકો માટે ત્રાસ પણ વધ્યો છે મોબાઈલનાં ટાવરોનાં વ્યાપને લીધે આપણી ઘરે આપણા સ્વજનો સમાં પંખીઓ આવતા બંધ થઇ ગયા છે. પર્યાવરણને પણ ગંભીર નુકશાન પહોચી રહ્યું છે જે લીમડાની મીઠી ડાળની છાંયડી આપણને મળતી તેની જગ્યાએ આપણને હવે મોબાઈલનાં તરંગો મળે છે.

મોબાઈલ ના ઉપયોગની જ્યાં વાત છે ત્યાં આજે સામાન્ય વાતચીતમાં પણ લોકો જોરજોર થી બરાડા પાડીને પોતાના બાપુજીનું  ઘર હોય તેમ વર્તન કરતા જાહેરમાં જોવા મળે છે આ ઉપરાંત ટ્રેનમાં, બસમાં, સ્કુલો, હોસ્પિટલો જેવી જાહેર જગ્યાઓ ઉપર પણ લોકો આ પ્રકારે કોઈપણ જાતની શરમ વગર પોતાનું  વર્તન ચાલુ રાખીને બીજાને નડતરરૂપ થતા જોવા મળે છે ચાલુ વાહને મોબાઈલ કે કાનમાં હેન્ડ્સ ફ્રી લગાડી વાતો કરવાથી કે મ્યુઝીક સાંભળવાથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે છતાં પણ આપણે સુધરવા માંગતા નથી ગમે તે જગ્યાએ જરાક પણ આપણો મોબાઈલ નવરો થયો એટલે મ્યુઝીક, ગીતો કે ગેમો ચાલુ કરી દઈએ છીએ આપણા મોબાઈલ થી થતો ઘોંઘાટ કે આપણું વર્તન બીજાને ગમતું હોય કે ન ગમતું હોય તો પણ આપણે બીજાની તકલીફ વિષે જરાપણ વીચાર કર્યા વગર બેશરમ બનીને આપણી હરકતો ચાલુ રાખીએ છીએ.. મોબાઈલનાં ઉપયોગમાં ઘણીવાર આપણે કોઈને મિસકોલ મારીએ છીએ ત્યારે બીજાના પૈસે આપણા કામની મફત વાત કરવાની આપણી મનોવૃત્તિ અહિયાં છતી થઈ જાય છે અથવા તો કોઈનો મોબાઈલ નંબર મળ્યે તરત જ આપણા ધંધાનું માર્કેટિંગ કે એસ.એમ.એસ. ચાલુ કરી દઈએ છીએ ઘણીવાર સમય અને સ્થળ જોવા વગર પણ આપણે ફ્રી છીએ એટલે સામેવાળા પણ ફ્રી હશે તેવું માની ગમે ત્યારે ફોન કરીએ છીએ આવું કરવાથી આપણી અક્કલ અને  સંસ્કારોનું જાહેરમાં પ્રદર્શન કરીએ છીએ જે ખેદજનક બાબત ગણાય…

આજે ભારતમાં જેટલા શૌચાલય નથી એટલા મોબાઈલ છે પણ મોબાઈલ વાપરવાની રીતભાત અને સભ્યતા આપણામાં નથી જે બાબત ને આપણે સ્વીકારવી જોઈએ અને મોબાઈલ વાપરવાની રીતભાત અને સભ્યતા કેળવવી પણ જોઈએ કેમ કે આની માટેના કાયદામાં પણ નિયમો તો છે જ.. પણ નિયમનું કડક પાલન થાય કે આપણને નુકશાન થાય ત્યારે સુધરવું તે પહેલા જ આપણે મોબાઈલ નો સંયમિત અને વિવેકપૂવર્ક ઉપયોગ કરી આપણને અને ખાસ કરીને બીજાને તકલીફ ન પહોચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ..!! આપણી મુઠ્ઠીમાં ફોન શોભે પણ ફોનની મુઠ્ઠીમાં આખી માનવજાત હોય તે થોડુક હાસ્યાસ્પદ દ્રશ્ય ગણાય ફોન માણસે વાપરવાનો હોય છે પણ અત્યારે સ્થિતિ એવી રહી છે કે ફોન માણસને વાપરવા લાગ્યો છે. અહિયાં સવાલ એ છે કે ફોન સ્માર્ટ બન્યા પણ માણસ..??  ખેર, વિવેકપૂર્ણ ઉપયોગ એ વ્યકિતગત બાબત છે મોબાઇલ ફોન સિવાયની પણ મોટી સરસ મજાની દુનિયા છે એ આપણે ભૂલવું ન જોઇએ…


નિખાલસ હોવું અને નફ્ફટ હોવું એ બે માં અંતર છે..

– ગીતા માણેક

થોડા દિવસ અગાઉ એક પરિચિત ભાઈને મળવાનું થયું. આપણે અહીં તેમને રમેશ તરીકે સંબોધીશું. રમેશભાઈ અમને હોંશે-હોંશે તેમના ઘરે લઈ ગયા. ઘર સરસ હતું, મોટું હતું. સહજભાવે તેમને પૂછ્યું કે અરે, વાહ..! ફ્લેટ તો બહુ સરસ છે. કેટલામાં ખરીદ્યો..?? બહુ મોંઘો હશે નહીં..?? ત્યારે તે રમેશભાઈ ખડખડાટ હસી પડ્યા. છે તો બહુ મોંઘો પણ આપણને તો સાવ મફતના ભાવમાં પડ્યો. તેમની વાત કંઈ સમજાઈ નહીં એટલે અમે તેમની સામે જોઈ રહ્યા. તેમણે ફોડ પાડીને અમને સમજણ પાડી કે એમાં એવું છેને કે આ ફ્લેટના માલિકે મને આ ફ્લેટ રહેવા માટે આપ્યો. આમ તો લીવ એન્ડ લાયસન્સથી આપ્યો હતો પણ તમે તો જાણો છોને કે આપણને લોકોને બાટલામાં ઉતારતા કેવું આવડે છે..?? રમેશભાઈ બોલવે બહુ મીઠા હતા અને ધંધો પણ તેમનો મીઠાઈનો જ હતો. કોઈ પણ વ્યક્તિ સાથે બહુ ઝડપથી દોસ્તી કરી શકે અને દોસ્તી થતાંની સાથે જ તેમના ઘરે મીઠાઈના ડબ્બાઓ મોકલી આપે. તેમની દુકાનમાં ફરસાણ અને જાતભાતના નાસ્તાઓ વેચાય એ પણ મોકલી આપે અને સંબંધો તો એવા વિકસાવે જાણે મેળામાં છૂટા પડી ગયેલા સગા ભાઈને ન મળતા હોય! આવો જ સંબંધ તેમણે પેલા ફ્લેટના માલિક સાથે વિકસાવ્યો. એકબીજાના ઘરે આવનજાવન શરૂ થઈ. કોઈ વાર તે ફ્લેટ માલિકના છોકરાની સ્કૂલબસ ન આવી હોય તો વહેલી સવારે તેને સ્કૂલે પણ મૂકી આવે, તેમના ઘરમાં ગેસનો બાટલો ખલાસ થઈ ગયો હોય તો એ પણ પહોંચાડી આવે, ઇલેક્ટ્રિશયન કે પ્લમ્બરની જરૂર પડે તો તેને પણ શોધી લાવે. ટૂંકમાં, ફ્લેટના માલિકનો અને તેના પરિવારનો પૂરેપૂરો વિશ્ર્વાસ રમેશભાઈએ સંપાદન કરી લીધો. સ્વાભાવિક રીતે જ ફ્લેટના માલિકે અગિયાર મહિના બાદ તરત જ એગ્રીમેન્ટ રિન્યુ કર્યું. જે રીતે આ ભાડૂઆત તેમના ઘરના સદસ્ય જેવો થઈ ગયો હતો એ જોતા ફ્લેટના માલિક નિશ્ર્ચિત થઈ ગયા હતા. બીજી વાર રિન્યુ કરવાનો વારો આવ્યો તો રમેશભાઈએ ઘરની જ વાત છે ગમે ત્યારે એગ્રીમેન્ટ કરી લઈશું કહીને સમય ખેંચી કાઢ્યો. ફ્લેટ હતો તેમની પત્નીના નામનો. એક દિવસ જ્યારે તે ફ્લેટ માલિક બહારગામ હતો ત્યારે રમેશભાઈ ફ્લેટના માલિકની પત્ની પાસે પહોંચી ગયા અને એક દસ્તાવેજ પર એમ કહીને સહી કરાવી લીધી કે તમારા પતિએ મને આ કાગળ કુરિયરથી મોકલ્યા છે. બહુ અરજન્ટ છે એટલે તમે આના પર સહી કરી આપો. તે મહિલાએ સહી કરી આપી કારણ કે રમેશભાઈ તો હવે ઘરના સભ્ય જેવા જ હતા. તે ફ્લેટ માલિક જ્યારે બહારગામથી પાછા આવ્યા ત્યારે તેમને જાણ થઈ કે તે સોસાયટીના બોર્ડ પર ફ્લેટના માલિક તરીકે રમેશભાઈનું નામ આવી ગયું હતું. ફ્લેટ રમેશભાઈના નામે થઈ ગયો હતો. જે કાગળો પર ફ્લેટ માલિકની પત્નીએ સહી કહી આપી હતી એ પાવર ઑફ એટર્ની હતી. મતલબ કે એ ફ્લેટનું જે કંઈ કરવું હોય એ તેમના વતી કરી શકવાની પરવાનગી આપતા દસ્તાવેજ.

આ આખી વાત રમેશભાઈએ જાણે તેઓ કોઈ જંગ જીતી લાવ્યા હોય કે પછી કોઈ મોટી બિઝનેસ ડીલ કરી આવ્યા હોય એ રીતે સવિસ્તાર અને બિલકુલ નિ:સંકોચ થઈને કરી હતી. તેમના શબ્દોમાં કહીએ તો તેમણે ‘નિખાલસ’ કબૂલાત કરી હતી કે હા, મેં છેતરપિંડી કરીને દોઢ કરોડનો આ ફ્લેટ પચાવી પાડ્યો છે. જુઓ, જીવનમાં આગળ વધવું હોય તો આવું બધું કરવું જ પડે. અબજોપતિ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને કરોડપતિ વેપારીઓ કેવી-કેવી છેતરપિંડી કરતા હોય છે એની આખી ગાથા પણ તેમણે સંભળાવી દીધી. આ બધાની સરખામણીમાં પોતે તો સાવ નાનું એવું જ ખોટું કામ કર્યું છે એવું તેઓ ઠસાવવા માગતા હતા. અલબત્ત, આ બધું તેઓ એકદમ ઈમાનદારીથી અને જરા પણ અપરાધભાવ અનુભવ્યા વિના કહી રહ્યા હતા! ઉપરાંત, હું તો બધું ખુલ્લંખુલ્લા કરવામાં માનું છું, બેઈમાની કરવી તો પણ ઈમાનદારીથી એવું તેઓ ખડખડાટ હસતા-હસતા કહી રહ્યા હતા. ફ્લેટ માલિકે રમેશભાઈ સામે કોર્ટમાં કેસ કર્યો હતો પણ એ ફ્લેટ પોતાનો છે એ પુરવાર કરતા તેમના પગરખાં ઘસાઈ જવાના અને માથે ટાલ પડી જવાની એ રમેશભાઈ સારી રીતે જાણતા હતા અને એની ‘નિખાલસ’ કબૂલાત પણ કરતા હતા.

આવા જ એક બહેન વિશે સાંભળ્યું. તેમને આપણે ભાવનાબેન તરીકે ઓળખીશું. ભાવનાબેનની આબરૂ એકદમ હોંશિયાર અને સ્માર્ટ વ્યક્તિ તરીકેની છે. શ્રીમંતની યાદીમાં જેમનું નામ મૂકી શકાય એવા ભાવનાબેનના સાસુ વર્ષો સુધી તેમના નાના દીકરા એટલે કે ભાવનાબેનના દિયર-દેરાણી સાથે રહ્યા. વૃદ્ધ સાસુને કેન્સર છે એવું નિદાન થતાં જ ભાવનાબેન તેમને પોતાના ઘરે રહેવા લઈ આવ્યા. થોડાક મહિનાઓમાં સાસુનું મૃત્યુ થયું અને ભાવનાબેને કિટી પાર્ટીમાં પોતાની સ્માર્ટનેસની ‘નિખાલસ’ કબૂલાત કરી લીધી. ભાવનાબેને તેમની બહેનપણીઓ પાસે પોતાની આવડત અને દૂરંદેશીની શેખી મારતા કહ્યું કે કેન્સરનું નિદાન થયું એટલે એટલું તો સમજાઈ જ ગયું કે હવે આ ઉંમરે સાસુજી કંઈ લાંબું તો ટકવાના નથી એટલે મેં તેમને ઘરે લાવવાનું રિસ્ક લઈ જ લીધું. એની પાછળ કારણ હતું સાસુજીના કાનમાં જૂના જમાનાના સાચા હીરાના લવિંગિયા ઝગારા મારતા હતા અને હાથમાં સોનાની બંગડીઓ, ગળામાં ચેન અને નાકમાં ઝગમગતો હીરો. સાસુજીનું મૃત્યુ મારે ત્યાં થયું એટલે મેં તો પહેલાં જ એ બધું કાઢી લીધું. એવા સમયે કોઈ ક્યાં કંઈ પૂછવાનું હતું. દિયરના ઘરે તેઓ મૃત્યુ પામ્યા હોત તો બધું દેરાણીના ભાગે આવ્યું હોત. ભાવનાબેને કહી દીધું કે આજના જમાનામાં થોડાક ચબરાક તો થવું પડે..!!

આવા જ પ્રકારની વધુ એક ‘નિખાલસ’ કબૂલાત જાહેરજીવનમાં પ્રતિષ્ઠિત ગણાતી વ્યક્તિ પાસેથી સાંભળવા મળી. આ ભાઈને આપણે અહીં ભરતભાઈ તરીકે ઓળખીશું. ભરતભાઈની સમાજમાં પ્રતિષ્ઠા છે અને તેઓ જાહેરજીવનમાં પણ કાર્યરત છે. કેટલીક વ્યક્તિઓના તેઓ આદર્શ પણ છે. ઘણાં લાંબા સમય બાદ તેમને એક પાર્ટીમાં મળવાનું થયું. તે ભાઈ સાથે આવેલી ટીનએજર છોકરીને અમે તેમની દીકરી હશે એમ માનીને વ્હાલથી પૂછ્યું, કેમ છો બેટા..?? મમ્મી નથી આવી..?? અમારો સવાલ સાંભળીને તે છોકરી અને ભરતભાઈ બંને એવી રીતે હસ્યા જાણે અમે કોઈ બેવકૂફીભર્યો પ્રશ્ર્ન પૂછ્યો હોય. થોડીક વાર તો અમને સમજાયું નહીં કારણ કે ભરતભાઈને બે દીકરીઓ હતી એની અમને ખબર હતી અને તેને બેટા કહીને બોલાવવામાં કે તેની મમ્મી એટલે ભરતભાઈની પત્ની વિશે પૂછવામાં અમે એવો કયો ગુનો કરી નાખ્યો હતો એની અમને કંઈ ગડ પડી નહીં. મારી સાથે ઊભેલી બહેનપણીએ મારો હાથ જોરથી દબાવ્યો. હું તેને કંઈ પૂછું એ પહેલાં જ ભરતભાઈએ જ ‘નિખાલસતા’થી કહ્યું, આ મારી ગર્લફ્રેંડ છે. હું મારી પત્ની સાથે નથી રહેતો. અમે છૂટાં પડી ગયા છીએ. અલબત્ત, કાયદેસર છૂટાછેડા નથી લીધા. એમાં શું છેને કે કાયદેસર છૂટાછેડા લઉઁ તો પછી પૈસા આપવા પડેને!’ કહેતાં ભરતભાઈ હેં..હેં…હેં..હેં કરીને હસ્યા. તેમણે સાવ નિખાલસતા’થી કહ્યું કે બંને દીકરીઓ તેમની પત્ની સાથે જ રહે છે અને તેમને ઉછેરવાની બધી જ જવાબદારી તે જ ઉપાડે છે. આપણે તો એકદમ ફ્રી-બર્ડ. રમતારામ. ભરતભાઈએ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પત્ની સાથે ન ફાવ્યું તો બસ અલગ થઈ ગયો. ખોટેખોટા દેખાડા નહીં કરવાના. બીજા લોકોની જેમ ચોરીછૂપે કંઈ નહીં. બધું ખુલ્લંખુલ્લા. બે વ્યક્તિએ સાથે રહેવાનું નક્કી કર્યું, ન ફાવ્યું તો જુદા થઈ ગયા. ઇટ્સ સિમ્પલ. યુનો, મારી પત્ની સાથે મારો કોઈ બૌદ્ધિક મેળ નહોતો ખાતો. હવે એવી રીતે જિંદગી વેંઢારવાનો શું મતલબ..??

આ કિસ્સાઓમાં રમેશભાઈ, ભરતભાઈ કે ભાવનાબેન પોતાને દંભરહિત અને નિખાલસ સ્પષ્ટવક્તા માને છે પણ આને નિખાલસ હોવું કહેવાય કે નિર્લજ્જતા..?? ભરતભાઈ તો એવી દલીલ પણ કરે છે કે કેટલાય પુરૂષો છાનગપતિયાં તો કરતા જ હોય છે. સેક્રેટરી કે સાળી સાથે ચોરીછૂપે રાસલીલા કરી લેતા હોય છે જ્યારે આપણે એવું કંઈ કરતા નથી. જે કંઈ કરીએ તે ખુલ્લંખુલ્લા..!! તેમના પોતાના વર્તુળમાં અને સમાજમાં બૌદ્ધિક ગણાતા ભરતભાઈને બે સંતાનો થયા ત્યાં સુધી કેમ સમજ નહીં પડી હોય કે તેમની પત્ની તેમના બૌદ્ધિક સ્તરની નથી કે પછી તેમની વચ્ચે મનમેળ નથી. અહીં કોઈના અંગત જીવનમાં માથું મારીને ગોસિપ કરવાનો આશય નથી પણ આજે જેને નિખાલસતા કહેવામાં આવે છે એમાં નિર્લજ્જતા અને નફ્ફટાઈ વધારે છે. જેને દંભ અને આડંબર કહેવામાં આવે છે એ દરેક વખતે એવું જ હોય એ જરૂરી નથી. કેટલીક વાર મનના આવેગોને આધીન કોઈ વ્યક્તિ લગ્નબાહ્ય સંબંધ બાંધે કે પછી કોઈ અનૈતિક પગલું ભરે તો પણ એને માટે તેના મનમાં ડંખ થતો હોય કે પછી પોતાની જવાબદારીનું ભાન હોવાથી આપણે જેમની વાત કરી એ ભરતભાઈની જેમ પોતાના જ સંતાનોને પત્નીના માથે મારીને ફ્રી-બર્ડ ન થઈ શકે એને દંભી કહી શકાય..?? રમેશભાઈને કે ભરતભાઈને નિખાલસ’, બિનધાસ્ત કે સ્પષ્ટવક્તા કહેવાય? ભાવનાબેને પોતાની હોશિયારીની જે કબૂલાત કરી એને ‘નિખાલસ હોવું કહેવાય કે નફ્ફટ, નિર્લ્લજ અને સ્વાર્થી..? (Courtesy : Mumbai Samachar)