ATUL N. CHOTAI

a writer – since 2014


ઘોંઘાટ નામની બીમારીનો ઈલાજ કરવો હવે જરૂરી બની ગયો છે

લેખન – સંકલન  : અતુલ એન. ચોટાઈ – રાજકોટ

Voice Pollution

Voice Pollution

જ્ઞાન – વિજ્ઞાનનાં આ યુગમાં કાળા માથાના માનવીએ ઘણી સફળતાઓ મેળવી છે પણ આ વિકાસની બાબતોમાં મર્યાદાનું પાલન ન થવાથી વિકાસની બાબતો સમસ્યા બની સમાજમાં વિપરીત અસર કરે છે અને જેના પરિણામો આપણે સહુએ ભોગવવા પડે છે અવાજનું પ્રદુષણ એ આપણા  સમાજનાં દરેક લોકોને અસર કરતી એક ગંભીર સમસ્યા છે. આજે જાહેર સ્થળોએ મોબાઈલમાં જોર જોર થી વાતો કરવી, ઘરમાં – ઓફીસોમાં – વાહનોમાં જોરજોર થી ગીતો વગાડવા, આપણે ત્યાં ઉજવાતા લગ્ન – સગાઇ – બર્થ ડે જેવા ઘણા પ્રસંગોમાં અવાજ નું પ્રદુષણ ફેલાવવામાં આપણે જરાપણ બાકી રાખતા નથી આપણને મજા આવે છે એટલે બીજાને મજા આવતી જ હશે એવું આપણે માની લઈએ છીએ આજે  જાહેર પ્રસંગોમાં પણ સ્ટીરીયોનો ઘોંઘાટ વધી રહ્યો છે અને આથી વધુ વાહનોમાં મોટા તેમજ મ્યુઝીકલ હોર્ન નો વપરાશ પણ વધતો જાય છે આપણા ધાર્મિક કાર્યકર્મોમાં પણ અવાજનો  ઘણોં અતિરેક થતો જોવા મળે છે કોઈના ઉપર છાપ પાડવા કે દેખાદેખી પાછળ  આપણે તમામ પ્રકારની મર્યાદાઓં ઓળંગી જઈએ છીએ સમાજમાં કાંઈક દેખાડવા પાછળ આપણું પછાતપણું અને આપણે કેટલા શિક્ષિત અને સંસ્કારી છીએ..??  તે પણ બધાને ઉડીને આંખે વળગે છે  જેનું આપણે કયારેય ધ્યાન નથી રાખતા સમાજમાં બનતી આવી બધી ઘટનાઓમાંથી આપણે બોધપાઠ લઈ સમજવાને બદલે આપણે પોતે જ આ બધી બાબતો બાબતો કરવા માંડીએ તો આને બીમારી ન કહીએ તો શું કહીએ…??

માથુ ફાડી નાખે તેવો  ઘોંઘાટ લોકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે તથા આપણા પક્ષીઓ અને પ્રાણીઓના જીવ માટે પણ તે જોખમી સાબીત થઈ શકે છે દેશની સર્વોચ્ચ અદાલત નોઈસ પોલ્યુશન અને પર્યાવરણના મુદ્દા ઉપર ઘણી જ ચિંતીત છે અને તેમણે દેશમા અમુક દિવસોને બાદ કરતા બાકીના દિવસોમાં રાત્રિના ૧૦ વાગ્યા પછી કોઈપણ પ્રકારના પબ્લીક સીસ્ટમ લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુક્યો છે તથા વન વિભાગ હસ્તકની જગ્યા હોય તેની ત્રિજયામાં આ સમય દરમ્યાન પણ નોઈસનું પ્રમાણ કેટલુ હોય તે અંગે પણ નિર્દેશન આપવામાં આવેલ છે આપણે ત્યાં મંગલ કે ધાર્મીક પ્રસંગોની ઉજવણી થાય તે આવકાર્ય બાબત છે પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓની સાથે આપણા સહુના સલામત જીવન જીવવાના અધિકાર ઉપર ખલેલ પહોચાડવાનો કોઈને જરાપણ અધિકાર નથી..

અવાજનું આ પ્રદુષણ વ્યવહારિક દ્રષ્ટિએ તો અયોગ્ય છે જ પણ કાયદાની નજરે પણ અયોગ્ય છે.  બંધારણમાં આ બાબતે પગલા લેવાની જોગવાઈ પણ છે પણ સરકારી તંત્રને આ કામ કરવું નથી, પોલીસ વિભાગમાં મોટેભાગે નાક દબાવ્યા વગર કે પૈસા સિવાય કામ થતું નથી, રાજકીય પક્ષો માટે આ મુદો નથી અને મોટા ગજાના છાપાઓ – ચેનલો માટે આ સમસ્યા મહત્વની નથી, જે લોકોને કરવું છે તેને સમાજના અનિષ્ટ તત્વો કામ કરવા દેતા નથી અને સામાજિક સંસ્થાઓ આંખે થઇ સંબંધ બગડવા નથી માંગતી માટે આ બધા લોકો તરફથી આ સમસ્યાના ઈલાજની અપેક્ષા રાખવી આપણા માટે સાવ વ્યર્થ છે. ઘોંઘાટ નામની બીમારી સમાજના દરેક વ્યક્તિને અસર કરે છે અને આ સમસ્યામાં આપણે ખુદ પણ ઘણા જવાબદાર છીએ. જો આપણે બેસી રહીશું તો આનો ઈલાજ નહિ થાય માટે સહુ પ્રથમ આપણે પોતે જ થોડુક બીજા માટે વિચારીને ચાલીશું તો આ સમસ્યાનો સુખદ નિરાકરણ આવવાની શરૂઆત થશે અને બાકી જે લોકો આ બધું સમજવા નથી માંગતા તેને કાયદા –  કાનુનની ભાષાથી સમજાવવા પડશે માટે જાગ્યા ત્યાંરથી સવાર સમજી ને આ અવાજનાં પ્રદુષણની બીમારીનો ઇલાજ કરી તેને જડમુળથી નાબુદ કરી સમાજના વિકાસમાં સહભાગી બનીએ..!!